વિપક્ષને ખરેખર લોકોના પક્ષ તરીકે કામ કરવું છે ખરું?
સરકારના કાન આમળવાની મુખ્ય 'ને અધિકૃત સત્તા વિપક્ષ પાસે છે.
ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન
જે નેતાને ખરેખર કામ કરવું હોય એ કોઈ પણ પક્ષમાં રહીને દેશ સમાજનું સારું કરી શકે
સરકારને ગાળો દઈ કેવળ અમારા પક્ષની સત્તા ચાહનારા ફક્ત પોતાનું જ સારું કરી શકે!
પ્રજા. ભારતમાં ‘વી, ધ ગવર્મેન્ટ’ ‘ને ‘વી, ધ ઓપોઝિશન’ છે, જ્યાં ‘વી’ એ આપણે નહીં અમે બને છે. માયાવી વાત એ છે કે એ ધ ગવર્મેન્ટ ‘ને ધ ઓપોઝિશન બંનેમાં પ્રજા છે. તાત્ત્વિક વાત એ છે કે એ બંને પ્રજા એકમેકની સામે છે ‘ને સરવાળે આપણી સામે. આપણે એ પ્રજાઓ માટે ‘ધે, સમ પીપલ’ છીએ. લોકશાહીના સ્વભાવ મુજબ સરકાર લોકમતે ચૂંટાઈ છે. એ જ રીતે જે-તે સમયે ૫૪ સીટ નીચેનો વિપક્ષ પણ અંતે તો પ્રજાએ જ જાહેર કરેલો છે. છતાં, લોકશાહીમાં પર-અભાવના સાક્ષાત્કારને લઈને ઘણાને ‘ધે, એ ગવર્મેન્ટ’ લાગે છે, ઘણાને ‘ધે, એન ઓપોઝિશન’ લાગે છે. જે સારું નથી. હા, મેચ્યોર ‘ને પ્રેક્ટિકલ માણસ સમજી શકે એવું સરળ જરૃર છે.
હજુ પાંચ વર્ષની મુદત પૂર્ણ નથી થઈ એય સત્ય છે ‘ને સરકારે કાંટાળો તાજ પહેરીને બોલેલા એવં કહેવાની જરૃર ના હોય તેવા કામ કરવાના બાકી છે. સરકારી કાર્ય એ અત્યંત કઠિન કર્મ છે એ વાસ્તવિકતા છે. લેકિન, અવામશાહીમાં હકૂમતિ લદાણ વગર કમ સે કમ ‘ધીસ, ધ પીપલ’ના થઈને રહેવાની ફકીરી સાધના વિપક્ષ કરી શકે છે. કેટલાક મશ્કરીમાં કહેતાં કે સાહબ, હવે તમે વિપક્ષમાં નથી ‘ને તમે ચૂંટણીમાં ભાષણ નથી આપતા. કેટલાકના મનોપટ પર હજુ પણ ગંભીરતાથી સત્તાધારી પક્ષ વિપક્ષમાં હતો એ વાત ચોંટેલી જ છે. કેમ? આ પ્રશ્નના પોતપોતાને ફાયદો થાય એવાં સાચાં કારણો ‘અમે’ તરીકે આપનારા આપી શકે, પણ ‘આપણે’ એક સિદ્ધ માહિતી યાદ કરીએ તોય બહુ છે કે ભાજપાને ફ્લોર પર સત્તરેક વર્ષ વિપક્ષ બનવાનો અનુભવ છે, સદન બહાર તો એથીય વધુ. કોંગ્રેસ હજુ વિપક્ષ તરીકે જુનિયર છે. અલબત્ત! કોંગ્રેસ એ સામાન્ય બાવો નથી. છતાં પ્રશ્ન થાય કે બાર વર્ષે પણ આ બાવો ખરેખર આપણી યાને સૌની વાણી બોલશે ખરો?
સરકારની કામગીરીથી સંતોષ ના થાય એ સ્પષ્ટ વાત છે. સરકાર પાસે એક ગજબનું બખ્તર છે- કોંગ્રેસે આટલાં વર્ષોમાં જે કર્યું છે એ સૂલટાવતા જ અમારો દમ નીકળી જાય છે. જી, સરકાર. તમે આવું અમને કહો તે પહેલાં તમારે ગંભીરતાથી સાંભળવાનું છે. જો જો કોંગ્રેસ કોંગ્રેસ કરવામાં ક્યાંક દમ ના નીકળી જાય! એવા તે કેવા ગુપ્ત, રહસ્યમયી ‘ને ગૂઢ કામ કરો છો તે તમારા પ્રત્યે શ્રદ્ધા રાખનારાને સતત ‘ને કાયમ કહેવું પડે છે- આ જે કામ થાય છે તેનો ફાયદો આવતી પેઢીને મળશે. સરકાર આજની છે. કરદાતા વર્તમાનકાળમાં કર ભરે છે. નાગરિક તમારા શાસનનાં પાંચ વર્ષ દરમિયાન પોતાના ઘર-કુટુંબની જવાબદારી ઉપાડે છે તેનું શું? ‘આવતી પેઢી’ એ અચળાંક છે. આવતી સરકાર પણ એવું બોલશે તો આ પેઢીનું શું થશે?
ખેર, સરકારના કાન આમળવાની મુખ્ય ‘ને અધિકૃત સત્તા વિપક્ષ પાસે છે. લોકો ક્યાં જાય? કિન્તુ, ખરો સવાલ એ છે કે વિપક્ષને ખરેખર લોકોના પક્ષ તરીકે કામ કરવું છે ખરું? વિપક્ષ વિપક્ષ રહે તોય ઘણુ. વિપક્ષ પાસે સત્તા નથી એટલે વિલાસી પક્ષ તો શું કહીએ! પણ, હવે શંકા પડે છે કે વિપક્ષ વિકારી છે. વિકૃત નથી, વિચિત્ર છે. વિચારી કરતાં વિધાની વધુ છે. વિમલ નથી, વિષમ છે. પોતાની સરકાર બને એ સિવાય જાણે એમને કશામાં રસ જ નથી. ગત ચૂંટણી અગાઉ શું વાતો કરતા હતા? યુપીએ-૧ પછી શું વાતો કરતા હતા? મનમોહનસિંહ પહેલી વાર પીએમ બન્યા એ પહેલાં એ શું વાતો કરતા હતા? મોદી સરકાર આવ્યા બાદ કોંગ્રેસ ‘૧૦૦% સફળતાની ગેરન્ટી’ પ્રકારના કોઈ જાદુગર પાસેથી કીમિયા લઈને એક પછી એક જે કોઈ કાર્યકર્મ કરે છે તેમાંથી એક જ ચીસ સંભળાય છે- તમે રાજ કરો એ અમને બહુ કઠે છે, અમે રાજ નહીં કરીએ તો અમે નહીં જીવી શકીએ!
ક્રિસમસ આવે એટલે વિતેલા વર્ષની મહત્ત્વની ઘટનાઓ પર મીડિયા સ્ટોરી કરશે. કેમ લ્યા, તમે વિતેલા વર્ષે શેને-શેને મુખ્ય અને લાંબો સમય સમાચાર બનાવ્યા એની સ્ટોરી કેમ નથી કરતા? હકીકતે હર બજેટ સેશન પહેલાં રાષ્ટ્રની વીતેલા વર્ષની રાજકીય ઘટનાનું વિશ્લેષણ થવું જોઈએ. ‘૧૪થી એપ્રિલ ‘૧૮ સુધી વિપક્ષે સરકારી પક્ષના વિરોધમાં શું શું કર્યું? મન ફાવે ત્યારે ઇસ્યૂના મૂળમાં ગયા વગર જ ન્યૂઝ બદલી નાખતા હેશટેગ ને ટ્વિટરના પ્રેમી એવં સાચું, સરળ ‘ને શિષ્ટ લખવા-વાંચવાના આગ્રહી રાષ્ટ્રીય કક્ષાના પત્રકારો-કોલમકારોને આજીજી કરીએ કે ખરેખર ચાર જાગીરની બહાર પ્રજા તરીકે જીવતા ઘર-કુટુંબ સમજે-સ્વીકારે એવી એમની વાત કરો. અફઝલ ગુરુ, રોહિત, કન્હૈયા, રશીદ… કોમવાદ, સહિષ્ણુતા, ખાટલા, પેલેટ-ગનનો વિરોધ, હાર્દિક, અલ્પેશ, જિગ્નેશ, સુપ્રીમના ચુકાદાના વિરોધમાં હિંસા, છોલે-ભટુરે…. હે વિપક્ષકારો, તમારું ખાતું તો જુઓ. સત્તા પ્રાપ્ત કરી કરવી છે કે બસ ઉપવાસ જ કરવા છે? તમારા તરફી લખનાર-બોલનારનું તો ૨૦૦૨થી કોઈ જ નવા શ્રમ કે વિશેષ આવડત વગર એકનું એક વિવિધ રીતે લખી-બોલીને જીવન ચાલે છે, ચાલશે.
વિચારવા જેવી વાત છે વિરોધના રીતની, વિરોધની પાકટતાની, વિરોધનું ઘનત્વ કેવું-કેટલું જાળવ્યું એની. ભારતની લોકશાહીમાં યુપી, ત્રિપુરા વગેરેના મતદારોને ગધેડા માનનાર ખચ્ચરો સમજી લે કે કઈ ચૂંટણીમાં કોણ જીત્યું-હાર્યું એ વાત એની જગ્યાએ, પણ પ્રજા નક્કી કરે એ જ ખરું. મીડિયા કે અમુક ચુનંદા અક્કલવાનો ચૂંટીને લોકસભા ભરે એને લોકશાહી ના કહેવાય. સરમુખત્યારશાહી ‘ને ફાસીવાદ વગેરેના ડાકલા વગાડનારાએ આ મૂળભૂત વાત સ્વીકારી લેવી જોઈએ કે ભારતની ચૂંટણીમાં ‘વી, ધ પીપલ’ના મતે જ સરકાર બનશે, વિપક્ષ બનશે.
કુલ મિલા કે ઓપા ૩ રીતે કામ કરે. ૧- સરકાર જે કરે એનો ઓપોઝ કરે. ૨- પોતાના પક્ષના બંધારણ ‘ને ખાસ તો ચૂંટણી ઢંઢેરાને લઈને લડત આપે. ૩- સાંપ્રતમાં બનતા બનાવ(સમાચાર નહીં!) તથા પ્રજાની સમસ્યા તેમ જ રોજિંદું જનજીવન ‘ને પ્રજાના સપના વચ્ચે રાષ્ટ્રના હિતમાં પુલ બનાવી પ્રત્યક્ષ રીતે પ્રજાનો ‘ને પરોક્ષ રીતે પોતાની પાર્ટીનો પ્રોગ્રેસ(વિકાસ નહીં!) કરે. પ્રથમ તો ચાલો બધાંને ખબર, વ્હોટ્સઍપ પર ઘણુ ફરી ચૂક્યું છે કે મોદી નિત્યક્રમની હિમાયત કરે તોય ઓપા વિરોધ કરે, પણ બીજું ‘ને ત્રીજું એક્શનમાં હોય એવું ઓપાના કટ્ટર ટેકેદારો સિવાય પ્રજા તરીકે કોઈને કેટલું નજરે આવ્યું? કોંગ્રેસનું બંધારણ ‘ને ચૂંટણી-ઢંઢેરો ઘણો મોટો હોય. પ્રજાને જે સીધું સમજાય ‘ને ગમે એવું હોય ‘ને જે ભાજપામાં ના હોય વત્તા દેશ માટે પ્રથમ ક્રમની પ્રત્યક્ષ જરૃરિયાત હોય એવું જે હોય તે કોંગ્રેસે કરવું જોઈએ. કોંગ્રેસ શા માટે અમુક-તમુક મીડિયાગરોના નચાવે નાચે છે? કોંગ્રેસ પાસે પોતાનો વિશાળ અનુભવ છે. કેમ સતત હારથી જ ‘સોફ્ટ હિંદુઇઝ્મ’ની થોડી ઘણી અક્કલ આવી રહી છે? સેક્યુલર સેક્યુલર રમવાનું કેમ છોડ્યું? સત્તા દૂર-દૂર જતી ગઈ ત્યારે ખબર પડી કે પ્રજામાં ‘અપૂન વાલે’ સિવાયના પણ જીવંત છે?
‘ચાર્નિંન ઘાટ’ – ( લે. ગૌરાંગ અમીન) કોલમની વધુ મેટર વાંચવા તેમજ લેખકના વિચારોને વધુ સમજવા-વાંચવા માટે ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.