તમારા માટે, તમારી સાથે, સતત…

ગ્રીષ્મની આ મધુર મહેંકતી રાત્રિઓ…

ગ્રીષ્મ ઋતુ રાત્રિના તારલિયાઓની મનમોહક ઋતુ છે.

0 173

હૃદયકુંજ –  દિલીપ ભટ્ટ

 

પત્નીની કેશલતા પર થઈને
પાછી ફરતી શીતળ હવાની લહેર
શિશુઓના ઝુલ્ફામાં રોકાઈ જાય છે…

ગ્રીષ્મ ઋતુ રાત્રિના તારલિયાઓની મનમોહક ઋતુ છે. ખુલ્લા આકાશ તળે શયન હવે સહુને સુલભ નથી. ગ્રામ વિસ્તારોમાં ફળિયામાં ગ્રીષ્મની રાત્રે અઢળક તારાઓનું આકાશ દર્શન થાય. મહાનગરોમાં અગાસી પરથી પણ એ લ્હાવો લેવાય, પરંતુ મહત્ તારાઓ ધૂમ્રમય વાતાવરણને કારણે ઓઝલ થઈ જાય. આંખોનું અને આકાશનું એક જ પરીક્ષણ છે કે સપ્તર્ષિનો છેલ્લો તારો વશિષ્ટનો છે અને એની બાજુમાં જ અરુંધતીનો તારો છે. આ અરુંધતી જેને દેખાય એની આંખો નિર્મળ અને એનું આકાશ પણ સ્વચ્છ! વશિષ્ટ-અરુંધતીનું દામ્પત્ય અધ્યાત્મના રંગે ખિલેલું છે. હમણાં સુધી આપણે ત્યાં લગ્નની પ્રથમ રાત્રિએ વરવધૂને અરુંધતીના તારાનાં દર્શન કરાવવાનો મહિમા હતો. ગ્રીષ્મની રાત્રિ પર રાતરાણીની માલિકી છે, આ રાત્રિઓ એની સુગંધને સોંપી દો તો પવનની દરેક લહેરે એ દૂર-દૂર સુધી લઈ જાય છે. સાંજ ઢળે કે તુરત મલય પર્વત પરના ચંદનવનમાંથી વહી આવતો પવન દરેક શેરીઓમાં લટાર મારવા નીકળે છે. ગ્રીષ્મમાં સાંધ્ય સ્નાન અને રાત્રિ સ્નાનનો મહિમા છે. અસ્તિત્વના આનંદને એ સૌન્દર્યાનુભવથી મુખરિત કરે છે.

ઉપરની મેડીએ કે એકાંતિક સ્થળે વસેલા લોકોનાં ઘરમાં જો એકાદ બારી અરધી ખુલ્લી હોય તો પવન અને ચંદ્રકિરણની રમત બારીના પરદા પર દેખાય છે. અંધકાર ઘરમાં હોય તો બારીમાંથી ઘરમાં પ્રવેશતી ચાંદની તળના આરસ પર રૃપનું લીંપણ કરી આપે છે. આરસ અને ચાંદનીનું શ્વેત-શ્વેત અદ્વૈત રચાઈ જાય છે. બારીમાંથી દેખાતા ઓરસ-ચોરસ આકાશમાં, ચંદ્રધારામાં ઝબકોળાઈને આછાં થયેલાં નક્ષત્રો અલક-મલકની વાતો કરતા સંભળાય છે. પત્નીની કેશલતા પર થઈને પાછી ફરતી શીતળ હવાની લહેર શિશુઓના વેરવિખેર ઝુલ્ફાઓમાં અટવાઈને રોકાઈ જાય છે. ચડતી કળાનો બાળચંદ્ર જાણે ઘરના વાત્સલ્ય-ઘૂનામાં ડૂબકી મારવા આવ્યો છે.

Related Posts
1 of 281

ચંદ્ર એકલો છે. ગ્રીષ્મની રાત્રિઓમાં એ વસુંધરાને ખોળે રમવા આવે છે. લીલા અને ઊંચા ઘાસનાં મેદાનોમાં પણ એ રમતો દેખાય છે. ઋતુઓના આનંદમાં એકાગ્રતા કે એકાંત અને નઘરોળ નવરાશ જોઈએ. એના વિના મોસમ નજીક આવતી નથી અને વાતોએ વળગતી નથી. દરેક ઋતુ એક પરી જેવી છે. શાંત ચિત્ત હોય અને ખુલ્લું આકાશ અડોઅડ હોય તો જ એનો સાક્ષાત્કાર થાય. ઘરની ચાર દીવાલો સોનાની છે, અહીં સુધી પહોંચતા માનવજાતને હજારો કે લાખો વરસો લાગ્યાં છે, પરંતુ ઘર અને મોસમ વચ્ચેની સમતુલા જરૃરી છે, બધા માટે નહીં, એમને માટે જેમને ખબર છે કે સુખ ટુકડે-ટુકડે આસ્વાદક નીવડે છે. એવો જ એક સુખનો ટુકડો છે ગ્રીષ્મની આ રાત્રિઓ.

ગ્રીષ્મની રાત્રિઓમાં બધાં પંખીઓ જંપી જતાં નથી. જો આસપાસ થોડી વનરાજી હોય તો ચંદ્ર જ્યારે મધ્યાકાશમાં આવે ત્યારે કોઈ કોઈ પંખીને વહેલી સવારના પ્રથમ પ્રહરનો ભ્રમ થાય છે અને તે સંભ્રમિત અવાજે ટહુકી ઊઠે છે, પરંતુ તે એક જ હોય છે; એટલે પછીના શાંત વાતાવરણમાં એ ફરી આંખ બુઝાવી લે છે. થોડીવારે ફરી દૂર કોઈ વૃક્ષની શાખા પરથી પંખી બોલે છે. એમ રાત્રિ ઢળવા લાગે છે. સરોવર પર જ્યારે ચંદ્રિકા પથરાય છે ત્યારે હંસ અને હંસિની સ્વૈરવિહાર કરે છે. એની શ્વેત કાયાની માયાનો ઉત્સવ આખા આભમાં ઊજવાતો હોય છે. ચોતરફની શ્યામહરિત વનરાજિ અને અને શ્યામ થઈ ગયેલા ઘેરા જળ પર દૂર એક ચંદ્ર અને અહીં હંસયુગલ બે જ તો ઉજાસમાં રમતાં હોય છે…….

આ લેખનો વધુ રસાસ્વાદ માણવા તેમજ ‘હૃદયકુંજ’ – દિલીપ ભટ્ટના કલમે લખાયેલ જીવનને નવા દષ્ટિકોણથી સમજવા અને તેને નિયમિત વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »