તમારા માટે, તમારી સાથે, સતત…

વિદ્યાદાનમાં અગ્રેસર યુવાનો

વિદ્યાદાન તે મોટું દાન છે.

0 121

– હેતલ રાવ
hetalrao.abhiyaan@gmail.com

યુવાનો જેટલી મોજ-મસ્તી કરે છે તેટલી જ તત્પરતા બીજાની હેલ્પ કરવામાં પણ રાખે છે. હાલમાં પરીક્ષાનો માહોલ છે ત્યારે યુવાનો એવા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ કરે છે જે કોઈ ટ્યૂશન ક્લાસીસમાં નથી જઈ શકતા….

વિદ્યાદાન તે મોટું દાન છે. તેવું આપણે હંમેશાં સાંભળતા આવ્યા છીએ, પરંતુ હવે વિના મૂલ્યે આ દાન મળતંુ નથી, જ્યારે યુવાનો વિદ્યાદાનને ફ્રી સેવા તરીકે આપતાં થયા છે. એચએસસી એસએસસી અને અન્ય ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે ટ્યૂશન કે ક્લાસીસની સેવા લઈ શકતાં નથી અથવા તો લેતાં નથી. આવા દરેક વિદ્યાર્થીઓ અભ્યાસમાં હોશિયાર હોય તે પણ જરૃરી નથી. ઘણા એવા સ્ટુડન્ટ છે જે પરિસ્થિતિને આધારે ક્લાસીસમાં જઈ શકતાં નથી. હકીકતમાં તેમને ગાઈડન્સની તાતી જરૃર હોય છે. આવા વિદ્યાર્થીઓ માટે યુવાનો આગળ આવ્યા છે.

Related Posts
1 of 289

ફોરમ બ્રહ્મભટ્ટ કહે છે, ‘અમે કૉલેજમાં અભ્યાસ કરીએ છીએ અને હાલ પરીક્ષાનો માહોલ છે. અમારી જ આજુબાજુમાં રહેતાં ઘણા એવા બાળકો છે જે એસએસસીની પરીક્ષા આપવાના છે, પરંતુ દરેક વિદ્યાર્થી ટ્યૂશનમાં જઈ શકતાં નથી. કોઈ ક્વેરી હોય તો તે અમને પૂછે છે. માટે અમે નક્કી કર્યું કે આવા જે પણ વિદ્યાર્થીઓ છે તેમનો સંપર્ક કરી અથવા તો જે અમારો સંપર્ક કરે તેમને અભ્યાસ કરાવવો. અત્યારે એકાદ કલાક અભ્યાસ કરાવીએ છીએ. જેમાં તેમને જે વિષયમાં મુશ્કેલી પડે તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ.’

જ્યારે કિરણ સેનવા પણ આવી જ પ્રવૃત્તિ કરી રહ્યા છે. પોતે તો અભ્યાસ કરે જ છે સાથે એવા બાળકો જે અભ્યાસ નથી કરતા, જેમને કોઈ વિષયમાં વધુ સમજ ન પડતી હોય તેવા બાળકોને અભ્યાસ કરાવે છે. કિરણ કહે છે, ‘હાલમાં જે પ્રમાણે એકઝામ ફિવર છે તેમાં બાળકોને સારી રીતે અને સચોટ માર્ગદર્શન આપી અભ્યાસ કરાવવો જરૃરી છે. હું વિદ્યાર્થીઓને જે પ્રમાણે જરૃર હોય, તે પ્રમાણે અભ્યાસ કરાવું છું. બાળક જે વિષયમાં કાચો હોય તેમાં તેનું મનોબળ વધે, તે વિષય તેને ગમતો બને તે રીતે અભ્યાસ કરાવાનો પ્રયત્ન કરું છું.’

જ્યારે ટીવાય બીકોમમાં અભ્યાસ કરતી જાનકી ગુપ્તા કહે છે, ‘અમારું ગ્રુપ એફવાય અને એસવાયના એવા સ્ટુડન્ટ જે ક્લાસીસમાં નથી જતાં તેમને અભ્યાસ કરાવીએ છીએ.’ યુવાનોનો આ પ્રયત્ન ખરેખર આવકારવા જેવો છે. એક બાજુ મોટી ફી લઈને ટ્યૂશન ક્લાસીસ ચાલી રહ્યા છે જ્યારે માત્ર મદદ કરવા અને બીજા વિદ્યાર્થીને અભ્યાસમાં પડતી તકલીફ દૂર થાય તે માટે યુવાનો આ રીતે આગળ આવી રહ્યા છે.
——————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »