તમારા માટે, તમારી સાથે, સતત…

સારી રોજગારી માટે કચ્છના યુવાનોએ સમય સાથે તાલ મિલાવવો પડશે

કચ્છના યુવાનોને ઉચ્ચ કક્ષાની પોસ્ટ ઉદ્યોગોમાં મળતી નથી

0 126

ભૂકંપ પછી કચ્છમાં અનેક ઉદ્યોગો આવ્યા છે. તેના કારણે રોજગારી વધવાની આશા જન્મી હતી. ઉદ્યોગો બહારના રાજ્યના લોકોને નોકરીએ રાખીને સ્થાનિકોને અન્યાય કરે છે, તેવી ફરિયાદો ઊઠી છે. ફરિયાદમાં કેટલું તથ્ય છે અને ઉદ્યોગોને ક્યા પ્રકારની કુશળતાની જરૃર છે તે જાણીએ…

ભૂકંપ પછી કચ્છમાં અનેક ઉદ્યોગો આવ્યા છે. તેના કારણે રોજગારી વધવાની આશા જન્મી હતી. રોજગારી તો વધી, પરંતુ મજૂર અને ત્રીજા વર્ગના કર્મચારીઓ તરીકે. કચ્છના યુવાનોને ઉચ્ચ કક્ષાની પોસ્ટ ઉદ્યોગોમાં મળતી નથી. ઉદ્યોગો બહારના રાજ્યના લોકોને નોકરીએ રાખીને સ્થાનિકોને અન્યાય કરે છે, તેવી ફરિયાદો ઊઠી છે. સામે પક્ષે ઉદ્યોગો તરફથી તેમને જોઈતા કુશળ કર્મચારી મળતા ન હોવાની વાત કરાય છે. જો તેમને જરૃરી કુશળતા કચ્છના યુવાનોમાં હોય તો તેમને જ પ્રથમ રોજગારી આપવી ઉદ્યોગોને સહેલી અને અનુકૂળ પડે તેમ છે. ત્યારે કચ્છના યુવાનોની ફરિયાદમાં કેટલું તથ્ય છે અને ઉદ્યોગોને ક્યા પ્રકારની કુશળતાની જરૃર છે તે જાણવા એક પ્રયાસ કરાયો છે. ભૂકંપ પછી અપાયેલી કરવેરાની છૂટછાટનો લાભ લઈને અનેક ઉદ્યોગો આવ્યા છે. આ ઉદ્યોગો આવ્યા પહેલાં કચ્છમાં રોજગારીનું પ્રમાણ ખૂબ ઓછું હતું. અત્યારે ઉદ્યોગોના કારણે ગામડાંના લોકોને પણ નિયમિત રોજી મળવા લાગી છે એ વાત સાચી હોવા છતાં અહીંના યુવાનોને તેમની લાયકાત મુજબ રોજગારી મળતી નથી. ઉદ્યોગોમાં રાજ્ય બહારના લોકોને ભરતી કરાય છે, પરંતુ જરૃરી શૈક્ષણિક ડિગ્રી ધરાવતાં હોવા છતાં કચ્છના યુવાનોને તક અપાતી નથી. તેના કારણે તેઓને કચ્છ છોડીને દૂર રોજગારી અર્થે જવું પડે છે.

ભૂકંપ પછી કચ્છનો ખૂબ વિકાસ થયો છે. પહેલાં ૨૫૦૦ કરોડનું ઔદ્યોગિક રોકાણ હતું તે આજે ૧.૪૦ લાખ કરોડને આંબી ગયું છે. ૧૦૦થી ૧૨૦ જેટલા મોટા અને ૩૦૦૦થી ૪૦૦૦ જેટલા નાના ઉદ્યોગો અત્યારે કચ્છમાં ચાલે છે. દોઢ દાયકાના ગાળામાં થયેલા આ આશ્ચર્યકારક વિકાસના પગલે રોજગારીની અકલ્પનીય તકોનું નિર્માણ પણ થયું છે.

જોકે તેમાં ખાસ તો કૌશલ્ય ધરાવતી વ્યક્તિઓ માટે અને મજૂરી જેવો શારીરિક શ્રમ કરનારા લોકો માટે મોટા પાયે રોજગારી ઉપલબ્ધ થઈ છે, પરંતુ જે યુવાનો પાસે કોઈ ખાસ કૌશલ્ય નથી કે નથી શારીરિક શ્રમ કરવાની તૈયારી, તેમના માટે આજે પણ પરિસ્થિતિ ખૂબ અઘરી છે. આજના યુવાનોએ ઉદ્યોગોની જરૃરિયાત સમજીને, વૈશ્વિક પ્રવાહોને જાણીને, કઈ પ્રકારની રોજગારીની તકો આગામી થોડાં વર્ષોમાં રહેશે તે જાણીને તે મુજબ અભ્યાસ કરવો જોઈએ. જોકે આટલું જ પૂરતું નથી. તેમણે પોતાના ક્ષેત્રમાં વિશેષ યોગ્યતા પણ પ્રાપ્ત કરવી પડશે.

Related Posts
1 of 142

ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ફોકિઆ) અને કચ્છ યુનિવર્સિટીએ ઉદ્યોગો અને કચ્છના યુવાનો વચ્ચે રહેલું અંતર ઘટાડવા પ્રયત્ન કર્યો છે. ફોકિઆ દ્વારા કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એકેડેમિયા (શૈક્ષણિક) ફોરમ પણ શરૃ કરાયું છે. જેના થકી ઉપલબ્ધ ઔદ્યોગિક અને શૈક્ષણિક શક્તિ વચ્ચે એક સંબંધ સર્જવાનું કામ કરાય છે. ફોકિઆના મેનેજિંગ ડાયરેક્ટર નૈમિષ ફડકે આ વાતને વધુ સ્પષ્ટ કરતા કહે છે, ‘આજે ઉદ્યોગો કોર્પોરેટ બન્યા છે. ગુણવત્તાના આધારે કામ અપાય છે. માત્ર શૈક્ષણિક લાયકાત હોય તે પૂરતું નથી. સ્પર્ધાત્મક સમયમાં કામ કરવાની આવડત અને તે માટેની યોગ્યતા પણ યુવાનોએ પુરવાર કરવી પડે છે. ખૂબ શિસ્તબદ્ધતાથી કામ કરતી કંપનીમાં કામ કરવાની માનસિકતા કચ્છના યુવાનોમાં બહુ ઓછી જોવા મળે છે.’

આજનો વિદ્યાર્થી વર્ષો પહેલાંનો કોર્સ ભણે છે. તેથી વર્તમાન પ્રવાહોથી તેને વાકેફ કરવા માટે ઉદ્યોગોમાં જ તેને શિક્ષણ મળે તેવી વ્યવસ્થા પણ કરી શકાય. જે-તે ઉદ્યોગ પોતાને જરૃરી એવા કોર્સ માટે આઇ.ટી.આઇ. ચલાવે, તેના જ નિષ્ણાતો ભણાવે, તેમની કંપનીમાં જ વિદ્યાર્થી પ્રાયોગિક શિક્ષણ મેળવે અને તેની પરીક્ષા યુનિવર્સિટી લે. જો આવું માળખું ગોઠવાય તો કૌશલ્યવાળા વિદ્યાર્થીઓ સ્થાનિકેથી જ મળી શકે.

ચેમ્બર ઓફ કોમર્સ, કચ્છના પ્રમુખ રાજેશ ભટ્ટ કચ્છના યુવાનોને વતનમાં જ રોજગારી અંગે જણાવે છે, ‘છેલ્લા થોડા સમયથી મૅનેજમેન્ટ કે વિજ્ઞાન કે એન્જિનિયરિંગના વિવિધ નવા કોર્સ શરૃ થયા છે, પરંતુ આજે ઉદ્યોગોને જરૃરી એવી લાયકાતવાળા વિદ્યાર્થીઓ મળતા નથી. યુવાનોએ આજે કયા અભ્યાસક્રમ માટે વધુ તક રહેલી છે તે જાણીને પછી તે મુજબનો કોર્સ કરવો જોઈએ. ઉપરાંત કચ્છના અનેક યુવાનોને કચ્છમાં કામ કરવું નથી. તેઓ પોતે જ બહાર જવા ઇચ્છે છે.’
આવી જ વાત ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ બાબુભાઈ હુંબલ કરે છે. તેઓ કહે છે, ‘જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને સાથે રાખીને ચેમ્બરે સેમિનાર યોજીને યુવાનો માટે ટ્રેનિંગ સેન્ટર ઊભું કરવું જોઈએ. યુવાનોમાં જો ઉદ્યોગોને જરૃરી લાયકાત હોય તો તેમને પોતાના વતનમાં જ રોજગારી તો અવશ્ય મળી જાય.’

કચ્છના વિદ્યાર્થીઓને ઉદ્યોગોમાં રોજગારી મળતી નથી તે અંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી.બી. જાડેજા કહે છે, ‘કચ્છના વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક કૌશલ્ય હોતું નથી તે વાત ખોટી છે. અહીં ટૅક્નિકલ, કોમ્પ્યુટર, મૅનેજમેન્ટ કે ઑફિસ વર્કના વિવિધ કોર્સ ભણાવાય છે.’

આમ પ્રયત્નો હોવા છતાં કચ્છના યુવાનોને કચ્છમાં જ નોકરી મળતી નથી, પરંતુ તે માટે યુવાનોએ પોતાની જાતને પણ સમય અને માગ મુજબ તૈયાર કરવી જોઈએ.
——–.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને સાથે રાખીને ચેમ્બરે સેમિનાર યોજીને યુવાનો માટે ટ્રેનિંગ સેન્ટર ઊભું કરવું જોઈએ. ઉદ્યોગોને જોઈતું કૌશલ્ય કચ્છના યુવાનોમાં હોતું નથી – બાબુભાઈ હુંબલ,પ્રમુખ, ગાંધીધામ ચેમ્બર
——–.
છેલ્લા થોડા સમયથી મૅનેજમેન્ટ કે વિજ્ઞાન કે એન્જિનિયરિંગના વિવિધ નવા કોર્સ શરૃ થયા છે, પરંતુ આજે ઉદ્યોગોને જરૃરી એવી લાયકાતવાળા વિદ્યાર્થીઓ મળતા નથી – રાજેશ ભટ્ટ,પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ, કચ્છ
——–.
આજે ઉદ્યોગો કોર્પોરેટ બન્યા છે. માત્ર શૈક્ષણિક લાયકાત હોય તે પૂરતું નથી. સ્પર્ધાત્મક સમયમાં માટેની યોગ્યતા પણ યુવાનોએ પુરવાર કરવી પડે છે –નૈમિષ ફડકે,મેનેજિંગ ડાયરેક્ટર, ફોકિઆના
——–.
જો ઉદ્યોગો તૈયાર થાય તો તેમની જરૃરિયાત મુજબના કોર્સ ચલાવી શકાય છે. આ અંગે ઉદ્યોગોનું ધ્યાન દોર્યું હોવા છતાં હજુ સુધી એક પણ ટ્રેનિંગ સેન્ટર શરૃ થયા નથી – ડૉ. સી.બી. જાડેજા, કુલપતિ, કચ્છ યુનિવર્સિટી
—————————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »