પાટણ જિલ્લાના સમી તાલુકાનું અંતરિયાળ ગામ દુદખા આજકાલ દેશભરના પ્રચાર માધ્યમોમાં છવાયેલું છે. ઊંઝાના ચળવળકાર ભાનુભાઈ વણકરે અહીંના બે ગરીબ પરિવારોના ન્યાય ખાતર જાતને જલાવી દીધી એ પછી સરકારી તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં ‘અભિયાન’એ દુદખા જઈને સમગ્ર મામલાની જડ સુધી પહોંચવા પ્રયત્ન કર્યો. જેનો ગ્રાઉન્ડ રિપોર્ટ અહીં પ્રસ્તુત છે….
ઘડિયાળમાં જોયું તો બપોરના સવા બાર થવા આવ્યા હતા. ગુજરાત એસટીની કહેવાતી ગુર્જર નગરી બસે સમી પહોંચાડવામાં સવા ત્રણ કલાક લઈ લીધા હતા. એટલે નિયત સમય કરતાં પોણો કલાક જેટલું મોડું થઈ ચૂક્યું હતું. પશ્ચિમ દિશા તરફ મોં રાખી બસમાંથી ઊતર્યા અને જેવી દુદખાના રસ્તે નજર પડી કે તરત અમારા મોતિયા મરી ગયા! કેમ કે, આખા રસ્તે ક્ષિતિજ સુધી લંબાતી નજરમાં ક્યાંય સમતળ રોડ નજરે ચડતો નહોતો. સાથે રહેલા ભાઈએ સ્પષ્ટતા કરી ત્યારે ખ્યાલ આવ્યો કે, છેલ્લા એક વર્ષથી અહીં રસ્તાનું કામ ચાલી રહ્યું છે એટલે છેક દુદખા સુધીના કુલ ૧૩ કિ.મી.ના રસ્તે આ જ રીતે મસમોટી કપચી આડેધડ વેરાયેલી પડી છે. રસ્તા વચ્ચે ઠેકઠેકાણે જાણે યાયાવર પક્ષીઓએ માળા બાંધ્યા હોય તેમ નાના-મોટા અનેક ખાડા ટેકરા પણ મોજૂદ હતા. એટલે જેવું અમારા સાથીદારે મોટરસાઇકલનું સુકાન હાથમાં લીધું કે અમારી હાલત ‘એક ટૂંકી મુસાફરી’ વાર્તામાં ઊંટ પર બેઠેલા ‘ધૂમકેતુ’ જેવી થઈ ગઈ. દરેક પળે ‘એએ..ગયા..’ એવી ફાળ પડતી જતી હતી. વચ્ચે ક્યારેક અચાનક જ મસમોટા ખાડામાં અણધાર્યું બાઇકનું ટાયર પટકાતું અને જાણે કોઈ માતેલા સાંઢે પીઠ પર ધબ્બ દઈને ઢીંક મારી દીધી હોય તેવો અનુભવ થતો હતો. આશ્ચર્ય એ વાતનું હતું કે, જેને પોતાનું શરીર વહાલું હોય એવો એકેય માણસ આ રસ્તે દ્વિચક્કી વાહન ચલાવવાનું સાહસ કરતાં વિચાર કરે ત્યાં અહીંના દુદખા, મોટી ચંદુર સહિતનાં ગામો તરફથી લોકો બેફિકર થઈને આવજા કરતા હતા! એનો અર્થ એ નહીં કે તેઓ સાહસિક છે, પણ ભોળા એ ગામડિયાઓએ આવી હાડામારીઓ સાથે પનારો પાડતા શીખી લીધું હતું. પોણો કલાકની બાઇક મુસાફરીમાં અમે નોંધ્યું કે, રસ્તાની બંને તરફ ખારી વખ જમીન છે. જેના પર ક્યાંક કપાસ, તો ક્યાંક જીરુંનો પાક પાણી વિના ઊભેઊભો બળીરહ્યો છે.
આમ ને આમ ગામ આવ્યું એટલે ઊખડી ગયેલી કપચીની જગ્યા ધૂળ, પોદળા અને ગંદા પાણીની નીકોએ લઈ લીધી. વાંકાચૂંકા, સાંકડા રસ્તા વટાવી આખરે અરજદાર રામાભાઈના ઘેર પહોંચ્યા તો મામલતદાર, નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર સહિતના અધિકારીઓ તેમને જમીનનો કબજો સોંપવા આવ્યા હતા. અમે પહોંચ્યા એટલે બંને અરજદારો, તેમનો પરિવાર, અધિકારીઓ, પડોશીઓ એમ આખો કાફલો ઉત્તર દિશા તરફ આવેલી જમીન તરફ આગળ વધ્યો. ગાંડા બાવળના ઝૂંડ વચ્ચેથી બીજી વીસેક મિનિટની મુસાફરી પછી આખરે એ ખેતર આવ્યું. અધિકારીઓએ બંને અરજદારો તથા પંચના સહીસિક્કા લઈને અમારી રૃબરૃમાં જ તેમને જમીનનો કબજો સોંપ્યો અને એ સાથે જ ભાનુભાઈને મરણોત્તર ન્યાય મળ્યો.
અધિકારીઓ ગયા એટલે વિધવા હેમાબહેને વાદળી શાહીવાળા અંગૂઠા સાથે દીકરા અને વહુનો ટેકો લઈને આખા ખેતરમાં આંટો માર્યો. ત્રણેય જણાં પાછાં ફર્યાં ત્યારે તેમની આંખો ચાડી ખાતી હતી કે તેઓ રડ્યાં હતાં. આ તરફ બીજા અરજદાર રામાભાઈનાં ઘરડાં માતાપિતાએ વારાફરતી નીચે નમી, ખેતરને પગે લાગી ચપટી ધૂળ માથે ચડાવી. આ બે દ્રશ્યોએ એક પણ શબ્દના પણ પ્રત્યાયન વિના કહી આપ્યું કે, આઠ વીઘાનો એ જમીનનો ટુકડો તેમના માટે શું મહત્ત્વ ધરાવતો હતો! બંને પરિવારો પરત ફર્યા ત્યારે અમે વિચારતા હતા કે સરકારી તંત્ર રામાભાઈ અને હેમાબહેન જેવા સામાન્ય માણસનાં સપનાંને ક્યારે સમજતું થશે? શું હવે તંત્ર કોઈ માણસને ત્યારે જ ન્યાય આપશે જ્યારે તે મોતને વહાલું કરી લેશે?
જમીન, ભાનુભાઈ અને સરકારી તંત્રની લાલિયાવાડી
આખા કેસની શરૃઆત ૨૦૧૨માં થઈ હતી. બંને અરજદારો (હેમાબહેન વણકર, રામાભાઈ મઘાભાઈ)એ ગામના સામાજિક કાર્યકર રતિલાલભાઈની મદદથી ગામના તલાટી પાસે જમીનની ફાઇલ તૈયાર કરાવી હતી. આ ફાઇલ તલાટીથી સમી સર્કલ ઓફિસર, ત્યાંથી મામલતદાર, પ્રાંત અધિકારી અને છેલ્લે પાટણ જિલ્લા કલેક્ટરને મોકલવામાં આવી હતી. શરૃઆતમાં કલેક્ટરે સકારાત્મક રિપોર્ટ આપી અરજદારો પાસેથી ૨૯-૯-૨૦૧૫ના રોજ ચલણ પેટે રૃ. ૨૨,૨૩૬ ભરાવ્યા હતા. વિચારો, આટલી કામગીરી કરવામાં સ્થાનિક અધિકારીઓને ત્રણ વર્ષ લાગ્યાં! ત્યાર બાદ ફાઈલ ગાંધીનગર સચિવાલય તરફ આગળ વધી. અહીં એકથી લઈને છ નંબરના ટેબલ છે, જ્યાં આ અભણ અરજદારોએ ૨૯-૯-૨૦૧૫થી ૩૧-૦૧-૨૦૧૮ સુધીમાં ઓછામાં ઓછા ત્રીસ ધક્કા ખાધા. છતાં કોઈ જવાબ મળ્યો નહીં એટલે સરકારી કામકાજના જાણકાર ભાનુભાઈએ સ્વયં કેસ હાથ પર લીધો અને ગાંધીનગરના ધક્કા શરૃ કર્યા. ભાનુભાઈ પોતે ઊંઝાના નિવૃત્ત તલાટી, પણ તેમની ખરી છાપ તો સમાજસેવકની. એટલે જ કોઈ ઓળખાણ ન હોવા છતાં આ કેસ તેમના સુધી પહોંચ્યો અને તેમણે તે હાથ પર લીધો.
તેમની સમાજસેવાનો અંદાજ એના પરથી જ લગાવી શકાય છે કે, નિવૃત્ત થયા ત્યારથી તેમના પેન્શનની તમામ રકમ ગરીબ દલિત કન્યાઓના ભણતર પાછળ વપરાતી હતી. પોતે તલાટી રહી ચૂક્યા હોઈ સરકારી તંત્ર કેવી રીતે કામ કરે છે તેની રજેરજથી તેઓ વાકેફ હતા. એટલે તેમણે ફરી એકડે એકથી અરજીઓ કરવી શરૃ કરી છતાં તંત્રની નીંભરતા યથાવત્ રહી. કંટાળીને તેમણે જાન્યુઆરી-૨૦૧૮માં તેમણે ગાંધીનગર જઈને જવાબદાર તંત્રને ચેતવણી આપી કે, ૩૧-૦૧-૨૦૧૮ સુધીમાં આ મામલે કોઈ નિવેડો નહીં આવે તો તેઓ અરજદારો સાથે આત્મવિલોપનની તારીખ નક્કી કરશે.
છતાં તંત્ર દ્વારા નિયમ સમયમર્યાદામાં કોઈ જવાબ ન મળ્યો એટલે તારીખ ૦૬-૦૨-૨૦૧૮ના રોજ ફરી ગાંધીનગર ગયા અને સ્થાનિક ધારાસભ્ય દિલીપ ઠાકોરને મળ્યા. તેમણે પોતાના લેટરપેડ પર મહેસૂલ મંત્રી કૌશિક પટેલને સંબોધીને એક ભલામણ પત્ર કરી આપ્યો. અરજદારોએ તે રૃબરૃ મળીને મંત્રી કૌશિક પટેલને આપ્યો. જોકે, આપણે ત્યાં મોટા ભાગના મંત્રીઓ આપતા હોય છે તેમ કૌશિક પટેલે પણ આશ્વાસન ખાતર ‘થઈ જશે’ એવું કહ્યું, પણ સ્થિતિમાં કોઈ સુધાર ન આવ્યો.
અંતે કંટાળીને ભાનુભાઈએ બંને અરજદારો સાથે મળીને ૦૭-૦૨-૨૦૧૮ના રોજ આત્મવિલોપન કરવા અંગેની અરજી લખી અને એ જ દિવસે ફેક્સ મારફત ગાંધીનગર મોકલી આપી. અરજીમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે ૧૫-૦૨-૨૦૧૮ના રોજ બપોરે એક વાગ્યે અરજદારો (વણકર હેમાબહેન કાંતિભાઈ(૬૫) તથા રામાભાઈ મઘાભાઈ) સાથે પોતે પણ આત્મવિલોપન કરશે. આ અરજી મુખ્યમંત્રી વિજય રૃપાણી, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, અનામત બેઠક પર ચૂંટાયેલા અનુસૂચિત જાતિના તમામ ધારાસભ્યો, પાટણ સ્થિત મીડિયાના તંત્રીઓ-પ્રતિનિધિઓ એમ લાગતા વળગતા દરેકને મોકલવામાં આવી. તેની અસર એ થઈ કે બીજા જ દિવસે તારીખ ૦૮-૦૨-૨૦૧૮ના રોજ મુખ્યમંત્રી કાર્યાલયથી જનસંપર્ક ઉપસચિવ પરાગ શુક્લની સહી સાથે એક પત્ર અરજદારો ઉપરાંત પાટણ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને મોકલવામાં આવ્યો. પત્રમાં કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને ઉદ્દેશીને સ્પષ્ટ આદેશ હતો કે, ‘આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનારા અરજદારોને પૂરતો ન્યાય મળે અને તેઓ આવું પગલું ન ભરે તે માટે સમજાવવા.’
આત્મવિલોપનની ચીમકીને પગલે બીજા જ દિવસે પોલીસ અરજદારોને શોધવા માંડી. જેની પાછળનો તેમનો ઉદ્દેશ્ય જોકે અરજદારોને ન્યાય આપવાનો નહીં, પણ તેઓ આત્મવિલોપન ન કરી લે એટલે અટકાયત કરી લેવાનો હતો, પણ ‘લાંબા હાથ’વાળી પોલીસ ત્રણ દિવસ સુધી અરજદારોને શોધી શકી નહીં. પરિણામે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓએ આખી વાતને હળવાશથી લઈ લીધી. દુદખાના એક વ્યક્તિ નામ ન આપવાની શરતે જણાવે છે, ‘કલેક્ટર આનંદ પટેલ અને પાટણ ડીએસપી અશ્વિન જી. ચૌહાણે મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ છતાં ન તો અરજદારોને ન્યાય આપ્યો, ન તેમનો કબજો મેળવીને સમજાવટ માટે પ્રયત્નો કર્યા એટલે આ બન્યું.’ આ તરફ પાટણ જિલ્લા પોલીસ વડા અશ્વિન જી. ચૌહાણનું કહેવું છે કે, તેમણે અરજદારોને શોધવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો. તારીખ ૦૯-૦૨-૨૦૧૮ના રોજ અરજદાર રામાભાઈની માતા અને ભત્રીજા વહુનું નિવેદન લીધું હતું. ૧૦ ફેબ્રુઆરીએ ઊંઝા, ૧૧-૦૨-૨૦૧૮ ફરી દુદખા અને પછી ૧૩-૦૨-૨૦૧૮ના રોજ તેમના દીકરાના ઘેર ગાંધીધામ ખાતે તપાસ કરી હતી. ૧૪-૦૨-૨૦૧૮ના રોજ શંખેશ્વર અને બાસ્પા ખાતે પણ તપાસ કરી હતી, પણ અરજદારો મળ્યા નહોતા. અહીં સવાલ એ થાય કે, પોલીસ આટલી હાઈટેક થઈ છે, સંસાધનો પણ વધ્યાં છે ત્યારે અરજદારો મળ્યાં નહીં એ કેવી રીતે શક્ય છે.
દુદખાના સામાજિક કાર્યકર રતિલાલભાઈ કહે છે, ‘ઘટનાના દિવસે સવારે અગિયાર વાગ્યે હું કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. સમીની પોલીસ મારા પરિચયમાં હોઈ તેમણે અરજદારો વિશે મને પૂછપરછ કરી હતી. એનો અર્થ એવો થયો કે પોલીસ છેક સુધી સાવ અંધારામાં જ હતી. પોલીસની બેદરકારી કેટલી મોટી કે, કલેક્ટર કચેરીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તેમની જવાબદારી હોવા છતાં તેમને ખ્યાલ નહોતો કે ખરેખર કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી જોઈએ. પરિણામે બે અરજદારોએ જેવું કેરોસીન છાંટ્યું કે તરત આખો પોલીસ કાફલો એ તરફ દોડી ગયો. જ્યારે બીજો ગેટ સાવ રેઢો પડ્યો રહ્યો જ્યાંથી ભાનુભાઈએ કેરોસીન છાંટેલી હાલમાં અંદર આવી જઈને પોતાની જાતને દીવાસળી ચાંપી દીધી. અહીં ફાયર ફાયટરોની અણઘડતા જુઓ, ભાનુભાઈનો વીડિયો સામે આવ્યો તેમાં એક વ્યક્તિ તેમના પર પાણીનો ફુવારો મારતો દેખાય છે. સામાન્ય બુદ્ધિ ધરાવતી વ્યક્તિ પણ જાણતી હોય છે કે આગ લાગેલ માણસ પર પાણી ન છંટાય. ત્યારે ફાયર ફાઇટરો કેવી રીતે આટલી સામાન્ય જાણકારીથી અજાણ હોઈ શકે? ભાનુભાઈના સળગતા શરીર પર પાણી પડવાથી આખા શરીર પરથી ચામડી ઊતરી ગઈ અને બીજા જ દિવસે તેઓ મોતને ભેટ્યા.’
પાટણ જિલ્લા પોલીસ વડા અશ્વિન જી. ચૌહાણ બચાવ કરતાં કહે છે, ‘પોલીસ બંદોબસ્ત પૂરતો હતો. ફાયર ફાઇટરો, એમ્બ્યુલન્સ સાથે અરજદારોને ઓળખતા માણસો અને કેટલાક ધાબળા પણ અમે તૈયાર રાખ્યા હતા. જેથી જો આગજન્ય બનાવ બની જાય તો અરજદારને બચાવી શકાય. બંને લોકો રિક્ષામાં આવ્યા કે તરત તેમનું ચેકિંગ પણ કરાયેલું.’ અહીં ફરીથી પાછો એ જ સવાલ થાય કે, જો પોલીસે ચેકિંગ કરેલું તો પછી અરજદારો પાસેથી કેરોસીન ક્યાંથી આવ્યું? અને પોલીસ બંદોબસ્ત પૂરતો હતો તો ભાનુભાઈ કેવી રીતે આત્મવિલોપન કરવામાં સફળ થયા?
સમગ્ર કેસમાં સમી તાલુકા મામલતદાર કિશોર ગઢવી અને સર્કલ ઓફિસર રમેશ દેસાઈનો રોલ પણ શંકાના દાયરામાં આવે છે. અરજદારોના જણાવ્યા પ્રમાણે, આ બંને અધિકારીઓ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી તેના એક દિવસ અગાઉ પંચનામું કરવા દુદખા આવ્યા હતા, પણ તેમના ઘેર આવવાને બદલે ગામના સરપંચના ઘેર ચા-પાણી કરીને ‘અરજદારો ઘેર હાજર નથી’ એ પ્રકારનો રિપોર્ટ તૈયાર કરીને નીકળી ગયા હતા. જેની સામે સમી મામલતદાર કિશોર ગઢવીનું કહેવું છે કે, તેમને જમીનનો કબજો કોની પાસે છે તેની તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, પણ અરજદારમાંથી કોઈ પોતાના ઘેર ન મળ્યું એટલે અમે પંચનામું સરપંચના ઘેર જઈને કર્યું હતું.
હાલ તો આરોપ – પ્રત્યારોપ વચ્ચે આખો કેસ તપાસ પંચ હેઠળ મૂકી દેવાયો છે. સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ કેસમાં તપાસ પંચ નિમાય તેનો સીધો અર્થ તે કેસને અભરાઈએ ચડાવી દેવાનો છે એવો થાય છે. ત્યારે દુદખાના કેસમાં શું થાય છે તે જોવું રહ્યું.
દુદખાના કેસમાં સક્રિય રીતે સંકળાયેલા અને જમીનના કાયદાના અભ્યાસુ દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી કહે છે, ‘દરેક જિલ્લામાં જમીન સોંપણીના આવા ઓછામાં ઓછા ૨૦-૨૫ કેસો હશે. સરકારી તંત્ર ધારે તો તલાટીથી વાયા કલેક્ટર, સચિવાલય સુધીની આખી પ્રક્રિયા ત્રીસ દિવસમાં પૂરી થઈ શકે. જો અટપટો કેસ હોય તો ત્રણ મહિના થાય, પણ તેનાથી વધુ સમય ન જ લાગે. છતાં આપણે ત્યાં અધિકારીઓની લાલિયાવાડીના કારણે જમીનના સામાન્ય કેસો પણ દાયકાઓ સુધી ચાલતા રહે છે. સમસ્યા એ છે કે, સચિવાલયમાં સેક્શન ઓફિસર જે ફાઈલ મૂકે તેના પર અન્ડર સેક્રેટરી કોઈ ખામી કાઢે તો ડેપ્યુટી સેક્રેટરી સત્તા હોવા છતાં તેની ખરાઈ કરવાની તસ્દી લેતા નથી. જો જવાબદાર અધિકારીઓ ફાઈલમાં જ્યાં પણ રિમાર્ક લખાય ત્યાં જાતતપાસની તસ્દી લે તો આ સમસ્યા નિવારી શકાય તેમ છે. નિયમ તો એવો છે કે, કોઈ ભૂમિહીન ખેતમજૂર પોતાનું ગુજરાન ચલાવવા માટે સરકાર પાસે જમીનની માગણી કરે તો સરકાર તેને બે એકર જેટલી જમીન આપે, પણ ૨૦૦૭ પછી યાદ નથી કે કોઈ કલેક્ટરે આ રીતે તસુભાર જમીન પણ કોઈ ભૂમિહીન ખેતમજૂરને આપી હોય. છેલ્લાં દસ વર્ષથી ગુજરાત સરકારે સાંથણીની જમીન આપવાનું બંધ કરી દીધું છે.’
આટલું જાણ્યા પછી એટલું તો સમજાય છે કે પોલીસ, મામલતદાર અને કલેક્ટર કચેરીમાં ચાલતાં કોઠા-કબાડાને કારણે આજે સ્થિતિ એ આવીને ઊભી રહી છે કે, સરકારી તંત્ર પાસે નાગરિકોના પ્રશ્નોના નિકાલની અપેક્ષા રાખનાર વ્યક્તિ મૂર્ખ ઠરવા માંડ્યો છે. ભાનુભાઈનું આત્મવિલોપન એ સ્પષ્ટ કરે છે કે તમારી પાસે રાજકીય પીઠબળ નથી, નાણાં નથી, ઓળખાણ નથી તો સરકારી અધિકારીઓ માટે તમે નકામા છો. તલાટીથી લઈને સચિવાલય સ્તર સુધી એટલો ભ્રષ્ટાચાર વ્યાપેલો છે કે સામાન્ય માણસ માટે આ વિષચક્રને તોડવું ગજા બહારનું થઈ પડ્યું છે. સરકારી કચેરીઓ હવે ભૂમાફિયાઓ, દલાલોનો અડ્ડો બની ચૂકી છે. આ તત્ત્વોએ કાયદામાં એવી છટકબારીઓ શોધી કાઢી છે કે, રૃપિયા અને રાજકીય ઓથ વડે તેમાંથી સરળતાથી નીકળી શકાય. નેતાઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળ્યે જાય છે, પણ મૂળભૂત સમસ્યાના લાંબાગાળાના ઉકેલ માટે કોઈ પગલાં લેતાં નથી. ત્યારે હવે જો સરકારી તંત્ર પોતાની ફરજ સમજી લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો એ દિવસ દૂર નથી જ્યારે લોકો તેમને ઑફિસમાંથી બહાર ખેંચીને જાહેરમાં ફટકારશે.
——-.
સતત ત્રણ વર્ષ લડ્યા ત્યારે જતાં કલેક્ટરે અમને ૨૯-૯-૨૦૧૫ના રોજ ચલણ પેટે રૃ. ૨૨,૨૩૬ ભરવા કહ્યું. આટલી કામગીરી કરવામાં તંત્રને ત્રણ વર્ષ લાગ્યાં! રામાભાઈ મઘાભાઈ, અરજદાર, દુદખા
——-.
સરકારી તંત્ર ધારે તો જમીનનો ગમે તેવો કેસ પણ ત્રીસ દિવસમાં ઉકેલી શકે છે, પરંતુ સરકારી અધિકારીઓની લાલિયાવાડીના કારણે સામાન્ય કેસો પણ વર્ષો સુધી ચાલતા રહે છે –નૌશાદ સોલંકી, ધારાસભ્ય, દસાડા
——-.
અમે જમીનનો કબજો કોની પાસે છે તેની તપાસ માટે ગયા હતા, પણ અરજદારોમાંથી કોઈ ઘેર નહોતા એટલે અમે સરપંચના ઘેર જઈને પંચનામું કર્યું હતું કિશોર ગઢવી, મામલતદાર, સમી
——-.
જમીનની એક ફાઈલ આટલા ટેબલ ફરે છે
કોઈ ગામડાના તલાટીથી શરૃ થયેલી જમીનની એક ફાઈલ જમીન કારકુન, સર્કલ ઓફિસર, મામલતદાર, ત્યાંથી પ્રાંત ઓફિસના જમીન કારકુન, પ્રાંત અધિકારી ત્યાંથી જમીન શાખા પછી કલેક્ટર અને ત્યાંથી સચિવાલયમાં જાય. ત્યાં સૌથી પહેલા સેક્શન ઓફિસર પછી અન્ડર સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને પછી સેક્રેટરી સુધી પહોંચે છે. ગણતરી કરશો તો ખ્યાલ આવશે કે એક ફાઈલ ઓછામાં ઓછા બાર અધિકારીઓના ટેબલ પરથી પસાર થાય છે. કમનસીબી એ છે કે, આટલી લાંબી પ્રક્રિયા પછી પણ પ્રથમ પ્રયત્ને ભાગ્યે જ કોઈ જમીનના કેસનો નિવેડો આવે છે.
——-.
પોલીસ કાફલો, ફાયર ફાઇટરો, એમ્બ્યુલન્સ સાથે અરજદારોને ઓળખતા માણસો પણ અમે તૈનાત રાખ્યા હતા. અરજદારનું આત્મવિલોપન દુખઃદ ઘટના છે – અશ્વિન જી. ચૌહાણ, જિલ્લા પોલીસ વડા, પાટણ
——————————–.