લગન કરી લે યાર.
સ્વયંની સોપારી દઈને, ખુદને ગોળી માર.
લગન કરી લે યાર.
સોનાના પીંજરની સામે પાંખ મૂકીને આવ્યો,
રૃપાળાં સપનાં જોવામાં આંખ મૂકીને આવ્યો.
લાખેણીના ચક્કરમાં તું લાખ મૂકીને આવ્યો,
એકાદુ આ ફૂલ જોઈને શાખ મૂકીને આવ્યો.
જીત જીવનમાં નથી જરૃરી, પહેરી લે તું હાર.
લગન કરી લે યાર.
લાઈવ ટેલિકાસ્ટ થવાનું, તારી રામાયણનું,
યુદ્ધ રોજ ખેલાયા કરશે, મંદોદરી રાવણનું.
બધી પાત્રતા ખૂટી ગઈ ને પાત્ર બન્યો વાસણનું,
નામું નખાઈ જાવાનું એક સારા-નરસા જણનું.
થાક લાગતો જગ આખાનો, ફેરા ફરતાં ચાર.
લગન કરી લે યાર.
સૌથી પચવામાં ભારે છે ગોળ અને આ ધાણા,
વીસ વરસથી ગુડ ગુડ કરતા, પેટમાં જાણે પાણા.
માત્ર સીડીમાં શોભે છે બસ મંડપ, મીઠા ગાણાં,
મીરાબાઈ તો સુખી-સુખી છે, માથા ફોડે રાણા.
રામણ દીવડો થઈ આવશે, તારે ઘર અંધાર.
લગન કરી લે યાર.
-હરદ્વાર ગોસ્વામી
————-.
ફેસબુકનો શાયર છું હું ફેસબુકનો શાયર.
ગાડી મારી દોડ્યે રાખે, નહીં એન્જિન, નહીં ટાયર.
મીટર-મેટર ખબર પડે નહીં, તોય કવિનું લેબલ,
લાખલાખ ત્યાં લાઈક મળે છે, પૂછ ન મારું લેવલ.
મોંઘી મોંઘી પેન વાપરું, એથી મોટું ટેબલ,
રોજ કેટલી કમેન્ટ લખતી, દિવ્યા, દક્ષા, દેવલ.
ગૂગલના ગોડાઉનેથી શબ્દો કરતો હું હાયર.
ફેસબુકનો શાયર છું હું ફેસબુકનો શાયર.
કોઈ રૃપાળી દાદ મળે તો તુરંત લખતો ગીત,
ચીટ-ચેટના ચક્કરને હું નામ આપતો પ્રીત,
થોડું અહીંથી, થોડું તહીંથી, સર્જનની આ રીત,
પોલી ઈંટોના સથવારે, ચીનની ચણતો ભીંત.
કોરા કાગળ જેવું જીવન, અંદર કશી ના ફાયર.
ફેસબુકનો શાયર છું હું ફેસબુકનો શાયર.
-હરદ્વાર ગોસ્વામી
————-.
ગરોળી
સદાયે મરકતી ફરે છે ગરોળી
મને એટલે બહુ ગમે છે ગરોળી..
ચડી જાય ભીંતે અનોખી અદાથી
દિવસ-રાત છત પર વહે છે ગરોળી..
ભલે ખાય મછરા રહે પણ નીરોગી
વગર દૂધ તગડી રહે છે ગરોળી..
ગમે ત્યાં ભરાતી લપાતી છુપાતી
ડરે છે બધા જ્યાં જડે છે ગરોળી..
ચમકતાં નયનમાં ઘણી લાગણી છે
ગરોળા વગર બહુ રડે છે ગરોળી..
શુકનિયાળ છે એમ જોષી કહે છે
થશે લાભ માથે પડે જો ગરોળી..
ઘણા છે ગરોળી સરીખા ઘૂસણિયા
અને એમને પણ કહે છે ગરોળી.
-વિનય દવે
————-.
મરદ બિચારો
કેમ વિચારે આગળ-પાછળ, મરદ બિચારો પરણેલો છે.
આંખો આડે મારી ભોગળ, મરદ બિચારો પરણેલો છે.
‘ઑફિસથી કાં મોડા આવ્યા? કરિયાણું યે કંઈ ના લાવ્યા!!’
ઘરના બૉસે માંડી કથા, મરદ બિચારો પરણેલો છે.
ઊઠ કહે તો ઊઠી જાતો, બેસ કહે તો બેસી ધ્રૂજે,
ના દેખાતી કંઠે સાંકળ? મરદ બિચારો પરણેલો છે.
એક સવારે પતિએ ભૂલમાં મોરસ બદલે મીઠું નાખ્યું,
‘ચા’ની સાથે ખૂટ્યાં અંજળ, મરદ બિચારો પરણેલો છે.
‘વાળ પ્રલંબ જે શર્ટ ઉપર છે, ક્યાંથી આવ્યો, કોનો છે આ?’
સી.આઈ.ડી.ની સિરિયલ હરપળ, મરદ બિચારો પરણેલો છે.
-રક્ષા શુક્લ
————-.
એ કાળોતરા નાથી બતાવને
એક દડો બચાવવા કૂદીને જળમાં
પકડ્યો’તો, તેં શેષ નાગને
યમુનાના તીરે, જે ડસી રહ્યા છે
એ, કાળોતરા નાથી બતાવને
પરાક્રમ તારા તો કેવા-કેવા કે
પેલી, પૂતના ને ધૂળ તું ચટાડે
ફાટેલા આભથી, લોકને બચાવવા
તું, ગોવર્ધન આખો ઉપાડે
દુઃખો ને દર્દોના મારા આ પ્હાડને
તું, આંગળીએ, ઊંચકી બતાવને
યમુનાના તીરે જે ડસી રહ્યા છે
એ, કાળોતરા નાથી બતાવને
ધરમ સાચવવા તેં મામાને માર્યો
ને સો કૌરવો, ભોંય ભેગા કર્યા
લાજલૂંટી દુઃશાસને, ભરી સભામાં
તો સખીને, ચીર તેંતો પૂર્યા
ખેંચે છે કુશાસન ધરાના ચીરને
લાજ, માની તું ઢાંકી બતાવને
યમુનાના તીરે, જે ડસી રહ્યા છે
એ, કાળોતરા નાથી બતાવને
ઠેર-ઠેર શકુનિ, મળે ધૃતરાષ્ટ્ર ને
દુર્યોધન કંસ અહીં લાખ છે
કેટલી ગાંધારીને આંખ પર પટ્ટીઓ
હાથ દુઃશાસન અબળાની લાજ છે
કહ્યું તું પાપ વધે, આવીશ તું જગમાં
આવ, ફરી, તું જન્મી બતાવને
યમુનાના તીરે, જે ડસી રહ્યા છે
એ, કાળોતરા નાથી બતાવને…
– રમેશ ચૌહાણ
————-.
કાગડા ગીધને મારે ટપલીઓ
દાડા કૈં ક એવા તો આવશે
શાળિયા વનમાં મોજું કરે ને
વનરાજા તો ગાયુંને ધાવશે…
ઘરડાઘર, માવતર છોડી આવે ને
એ ટોમીને રૃમ એસી આપે
લાજ શરમ વળી ઇજ્જત ને આબરૃ
હવે છોકરાઓ પુસ્તકમાં વાંચશે
શાળિયા વનમાં મોજું કરે ને
વનરાજા તો ગાયુંને ધાવશે
જંગલમાં રાજ હવે ગર્દભનું ચાલે
ને ઘુવડના ગીત મીઠા લાગે
કોન્ક્રીટના આવા જંગલ છોડીને
સૌ માણસો જંગલમાં ભાગશે
શાળિયા વનમાં મોજું કરે ને
વનરાજા તો ગાયુંને ધાવશે…
સ્વાર્થ અને શ્રદ્ધા તો સંબંધી થાય
નાકામે ભગવાન બદલાય છે
આજ સુધી બચ્યો છે ભોળા તું નાગથી
પણ ડંખ તને માણસો મારશે
શાળિયા વનમાં મોજું કરે ને
વનરાજા તો ગાયુંને ધાવશે
હાંફતા-દોડતા મસીનિયા માણસ
પૈસા નો પાડે વરસાદ પણ
લાગણીનો પડ્યો એવો દુકાળ કે
હવે મગરના આંસુ ય ચાલશે
શાળિયા વનમાં મોજું કરે ને
વનરાજ તો ગાયુંને ધાવશે.
– રમેશ ચૌહાણ
——————————–.
એના ટેરવેથી
એના ટેરવેથી ટપટપ એ ખૂલે છે.
કો’ક મજનૂનો મ્હેલ, ક્યાંક ખર્ચાનો ખેલ,
એની કેડે તો સેલફોન ઝૂલે છે.
કહો, કુકડાને પરભાતે કુક ના કરે,
રૃડો રિંગટોન એની સવારો ભરે.
જીન્સ પહેરે પણ ચહેરેથી ક્રીઝ ના ખરે.
મૂકી માને મીંદડિયુંને કાને ધરે.
હનીસિંગનાં ગીતોમાં એ ડૂલે છે.
એના ટેરવેથી ટપટપ એ ખૂલે છે.
કરી કામણ લાગણિયું લીલીને ડંસે,
પછી વૃદ્ધોને ડસ્ટબિન કહીને હસે.
હાય-હેલોનું હુલ્લડ લઈ ખિસ્સે ધસે,
ઘરે ઓછું ‘ને પાર્લરમાં ઝાઝું વસે.
ખાય બર્ગર ‘ત્યાં રાખ ઊડે ચૂલે છે.
એના ટેરવેથી ટપટપ એ ખૂલે છે.
કરે કડવા ‘ને ચોથ, પતિ-મુખનું દર્શન,
પછી માગી લે બદલામાં કૈકેયી વચન.
કહે ‘ડાર્લિંગ’ તો સમજી લ્યો ફૂટવાની ગન,
કાર્ડ ક્રેડિટનું લૂંટીને માણે એ ફન.
ગિફ્ટ આપે તો પળમાં વસૂલે છે.
એના ટેરવેથી ટપટપ એ ખૂલે છે.
-રક્ષા શુક્લ
——————————–.
મધ્યવર્તી સાર એનો દિલ હશે,
એક એપિસોડની સિરિયલ હશે.
બેસ્ટનો ઍવોર્ડ આપીશું પછી
વસ્ત્રમાં એકાદ જો વલ્કલ હશે.
‘ક્વીન’ જાણી આપણે બેઠા હતા
શી ખબર કે ટ્રેન આ લોકલ હશે?
તું જ રાવી, તું જ સતલજ, તું મહી
લક્ષ્ય તારું ભાકરાનાંગલ હશે?
કેટલો વૈભવ હતો આ બીચ પર
ને હવે અસબાબમાં હોટેલ હશે.
-રમેશ ઠક્કર
——————————–.