તમારા માટે, તમારી સાથે, સતત…

શ્રીદેવીની આકસ્મિક ચિરવિદાય

લિજેન્ડ અભિનેત્રી શ્રીદેવીને અંતઃપૂર્વક શ્રદ્ધાંજલિ....

0 222

વિદાય તો હોય છે જ વસમી, પણ ક્યારેક આ વિદાય વસમી કરતાં દુઃખદ વધુ બની જતી હોય છે અને તેમાં પણ જ્યારે કોઈની વિદાય અઘાત આપી જાય ત્યારે ચોક્કસથી એટલું તો કહેવાઈ જ જાય કે, અરે.. ઈશ્વર તે આ શંુ કર્યું..? આવું જ કંઈક આજે સમગ્ર ભારતમાં કહેવાઈ રહ્યંુ છે. કરોડો દિલ પર રાજ કરતી અને બોલિવૂડની પ્રથમ મહિલા સુપરસ્ટાર અભિનેત્રીએ જ્યારે ૨૫ ફેબ્રુઆરીએ જીવનના અંતિમ શ્વાસ લીધા ત્યારે આ સમાચારથી તેમના ચાહકો ધબકાર ચૂકી ગયા. લિજેન્ડ અભિનેત્રી શ્રીદેવીને અંતઃપૂર્વક શ્રદ્ધાંજલિ….

 

જે ઉંમરમાં બાળકો રમકડાં રમતાં હોય છે કે પછી કોઈ વસ્તુની જીદ લઈ માતા પિતાને હેરાન કરતા હોય છે તે ઉંમરમાં તો શ્રીદેવીએ એક્ટિંગની દુનિયામાં પગ મુકી દીધો હતો. ૫૪ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લેનાર શ્રીની ફિલ્મી કરિયર પચાસ વર્ષની રહી. ઘણા લોકો જલ્દી મરી જાય છે, પરંતુ શ્રી માટે કહેવાશે કે એ જલ્દી જીવી ગયાં. ૧૩ ઑગસ્ટ ૧૯૬૩માં એક નાનકડી પરી આ દુનિયામાં આવી. હજુ બરોબર બોલવાનું પણ શરૃ કર્યું નહોતું અને ૧૯૬૭માં તો તમિલ ફિલ્મમાં એન્ટ્રી મારી તે હતાં શ્રીદેવી. તેમનું ઓરિજિનલ નામ શ્રી અમ્મા યંગર અય્યપન હતું. બાદમાં તે શ્રીદેવી અને શ્રીના નામથી ઓળખાતાં થયાં. તમિલની ટોચની અભિનેત્રી જયલલિતા સાથે ચાર વર્ષની ઉંમરે બાળકલાકાર તરીકે પ્રથમ ફિલ્મ ‘થુનાઈવન’ કરી. ત્યારથી તેમની ફિલ્મ કરિયરની શરૃઆત થઈ.

બોલિવૂડમાં દસ વર્ષની ઉંમરે ‘જુલી’ ફિલ્મથી ડેબ્યુ કર્યું. જોકે તેમાં સહાયક અભિનેત્રીનો રોલ કર્યો હતો. બાદમાં ‘સોલવા સાવન’માં તેમની એક્ટિંગ બધાને નજરે પડી. આ ફિલ્મ બોક્સ ઑફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી હતી, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને જ પોતાની દુનિયા સમજનાર શ્રી ક્યારેય હાર માનતાં નહોતાં. ફિલ્મ ‘હિમ્મતવાલા’માં જિતેન્દ્ર સાથે દમદાર અભિનય કરી ચાહકોને પોતાના તરફ આકર્ષવામાં સફળ રહ્યાં. આ ફિલ્મે બોક્સ ઑફિસને સુપરહિટનો સ્વાદ ચખાડ્યો. ‘હિમ્મતવાલા’એ શ્રીને નવી ઓળખ આપી. પછી તેમણે પાછું વળીને ક્યારેય જોયું નથી. આ ફિલ્મ પછી ‘સદમા’માં તેમની એક્ટિંગે બધાને રડાવ્યા. ૧૯૮૪માં આવેલી ‘તોહફા’, ‘કર્મા’, ‘નગીના’, ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘ચાંદની’, ‘ચાલબાઝ’, ‘લમ્હે’, ‘ખુદાગવાહ’, જેવી ફિલ્મોએ સાબિત કર્યું કે બોલિવૂડને બીજી શ્રી ક્યારેય નહીં મળે.

કહેવાય છે કે મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ સમયે બોની કપૂર તેમના નજીક આવ્યા અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. તે સમયે શ્રીદેવી બોલિવૂડના સૌથી મોંઘી અભિનેત્રીમાંથી એક હતાં. તેમના લોહીમાં એક્ટિંગ હતી. માટે ક્યારેય સેડ સિન માટે આંખમાં ગ્લિસરીન લગાવાની જરૃર શ્રીને નથી પડી. અભિનેત્રીની આવી અદાકારી ક્યારેય જોવા મળી નથી અને હવે તો જોવા પણ નહીં મળે. આજે તો કરોડોની ફી અભિનેત્રીઓ ફિલ્મો માટે લે છે, પરંતુ ઘણાને ખબર નહીં હોય કે શ્રીદેવી પ્રથમ અભિનેત્રી હતાં જેમને એક કરોડ રૃપિયામાં ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યાં હતાં.

Related Posts
1 of 14

ઓનસ્ક્રીન જોડીની જમાવટમાં પણ શ્રી અગ્રેસર હતાં. તેમની સૌથી વધુ ફિલ્મો અભિનેતા જિતેન્દ્ર સાથે હતી. ૧૮ ફિલ્મોમાં આ જોડીએ કમાલ કર્યો હતો. જ્યારે મિથુન ચક્રવતી સાથે ૧૬ ફિલ્મોની હિસ્ટ્રી છે. એવી પણ ચર્ચા છે કે આ બંને કલાકાર એકબીજાની ખૂબ નજીક આવી ગયાં હતાં, પરંતુ મિથુને પોતાના પરિવારના કારણે શ્રી સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મુક્યો. જ્યારે લિજેન્ડ અમિતાભ બચ્ચન પણ શ્રીદેવી સાથે જોડી બનાવવામાં સફળ રહ્યા હતા. અમિત અને શ્રીએ છ ફિલ્મો સાથે કરી. સૌથી વધુ ફિલ્મો જિતેન્દ્ર સાથે કરી, પરંતુ ઓનસ્ક્રીન જોડીમાં તેમના ચાહકોએ અમિતાભ પર મહોર લગાવી હતી. બોલિવૂડની પ્રથમ સુપરસ્ટાર મહિલા તરીકે નામના મેળવનાર શ્રીદેવીનો ચાર્મ અને સક્રિયતા પણ ફિલ્મી પરદે જોવા મળતી હતી. તમિલ ફિલ્મથી કરિયરની શરૃઆત કરનાર શ્રીએ તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાંની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ૧૯૯૬માં બોની કપૂર સાથે લગ્નગ્રંથિથી બંધાયા બાદ ફિલ્મી દુનિયાથી દૂર રહેતાં શ્રીએ બે દીકરીઓ ખુશી અને જાહ્નવીને જન્મ આપ્યો અને સંપૂર્ણ જીવન પરિવારને સમર્પિત કરી દીધું.

જ્યારે ૨૦૧૨માં પંદર વર્ષના અંતર બાદ બોલિવૂડમાં ‘ઇંગ્લિશ-વિંગ્લિશ’થી પુનરાગમન કર્યું. આ ફિલ્મે સાબિત કરી દીધું કે શ્રી એ શ્રી છે, તેમની એક્ટિંગની તુલના કોઈ ન કરી શકે. ૨૦૧૩માં ભારતીય સિનેજગતમાં યોગદાન આપવા બદલ પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યાં. ચાર વર્ષના વિરામ બાદ ‘મોમ’ ફિલ્મમાં મુખ્ય અભિનયમાં તેમણે પુરવાર કર્યું કે શ્રીથી બેસ્ટ મોમ કોઈ હોઈ શકે નહીં. પચાસ વર્ષની ફિલ્મી કરિયરમાં ૩૦૦ જેટલી ફિલ્મ કરનાર શ્રીદેવી શાહરુખ ખાનની ‘ઝીરો’ ફિલ્મમાં જોવા મળશે.

શ્રીદેવી એ સિતારો છે જેમના જીવન વિશે લખવામાં એક આખું પુસ્તક ખૂટી પડે. આમ તો સમય બધું ભૂલાવી દે છે, પરંતુ કોઈ વાત, વ્યક્તિ એવી પણ હોય છે, જેમને ભૂલવી શક્ય નથી હોતી અને શ્રીદેવી એવું જ વ્યક્તિત્વ છે જે મૃત્યુ બાદ પણ કાયમ આપણા દિલમાં, યાદોમાં અને ફિલ્મી પરદે જીવંત રહેશે. બોલિવૂડની આ ચાંદની હંમેશાં ચમકતી રહેશે.

 

——————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »