તમારા માટે, તમારી સાથે, સતત…

હવે શાહીનબાગના દેખાવોનો અંત ક્યારે?

નવું રામમંદિર ટ્રસ્ટ રાજકારણથી અલિપ્ત રહે

0 69
  • રાજકાજ – ચાણક્ય

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછીની અસરો અંગે ચર્ચા અને ચિંતન થઈ રહ્યાં છે. શાહીનબાગના દેખાવોને દિલ્હીની ચૂંટણી સાથે પણ જોડવામાં આવ્યા હતા. હવે આ દેખાવો અને આંદોલનની સ્થિતિ કેવી હશે એ વિશે પણ અટકળો ચાલે છે. જે લોકોને ચૂંટણી સુધી આ દેખાવો ચાલુ રહે તેમાં રસ હતો તેમના ઉદ્દેશ અને હિત પુરા થઈ ગયા છે. તેમને હવે આ દેખાવો ચાલુ રહે તેમાં રસ નહીં હોય. શાહીનબાગ જઈને દેખાવકારોને સમર્થન આપનારા નેતાઓ પણ હવે તેનાથી દૂર રહેવાનું પસંદ કરશે. કેમ કે આ મુદ્દો હવે અદાલત સુધી પહોંચ્યો છે. રાજકીય પક્ષોને ચૂંટણી ઉપરાંત તેમાં રસ રહે એવી શક્યતા નથી. સમર્થન ઓછું થઈ જતાં દેખાવકારોને સહાય કરનારાઓ પણ ઓછા થઈ જાય તેવી શક્યતા છે. ફરી વખત દિલ્હીની સત્તા કબજે કરનાર અરવિંદ કેજરીવાલ પણ હવે રસ્તો રોકીને બેઠેલા દેખાવકારોને કારણે દિલ્હીના લોકોને પડતી મુશ્કેલીની ઉપેક્ષા નહીં કરી શકે. શાહીનબાગનું આંદોલન કોઈ એક નેતા કે પક્ષ આધારિત નથી. તેને આકાર આપવામાં ઘણા લોકોની બુદ્ધિ-શક્તિ-સાધનો લાગેલાં છે. આંદોલનની ક્ષતિ દેખાવા લાગી છે. તો તેના નુકસાન અને માઇનસ પોઇન્ટ્સ પણ ચર્ચામાં છે. ચાર માસની એક બાળકીના અવસાન પછી નાના બાળકોને દેખાવકારો સાથે રાખવાનો મુદ્દો પણ સંવેદનશીલ બન્યો છે. શાહીનબાગના દેખાવોની આડમાં ચૂંટણી ઝુંબેશ દરમિયાન વિધ્વંસક વાતો પણ ઘણી થઈ છે. આંદોલનના સૂત્રધારો હવે વધુ બદનામ થઈ આંદોલન આટોપી લેવાની દિશામાં આગળ વધે કે પછી અદાલત કોઈ દિશા-નિર્દેશ આપે એ પછી સ્થળાંતર કરવાનું પસંદ કરે – એક બાબત નિશ્ચિત છે કે શાહીનબાગ ખાતે દેખાવો લાંબો સમય ચાલે એ હવે દેખાવકારોના હિતમાં પણ નહીં હોય. આંદોલનના મંચ પરના અને પડદા પાછળના નેતાઓએ તેને વિશે જીદ છોડીને પુનઃવિચાર કરવો જોઈએ.

શાહીનબાગ પ્રકારના દેખાવો દેશના અન્ય કેટલાક ભાગોમાં પણ શરૃ થયા છે. દેશભરમાં આવા શાહીનબાગ નિર્માણ કરવાની વાત પણ યોગ્ય નથી. લોકોની રોજબરોજની પરેશાનીમાં વધારો કરે એવી આંદોલનની કોઈ પણ રીતરસમ સરવાળે લોકોની સહાનુભૂતિ ગુમાવી દે છે એટલું જ નહીં તો આંદોલનમાં જેમના સ્થાપિત હિતો હોય એવા લોકો પણ ઉઘાડા પડવા લાગે છે. શાહીનબાગના દેખાવો હવે એ કક્ષાએ આવી ગયા છે. શક્ય છે કે આંદોલનની પ્રચ્છન્ન નેતાગીરી પણ આંદોલનને સમેટી લેવાનું કોઈ ગરિમાપૂર્ણ બહાનું શોધતી હોય અને ચૂંટણીનાં પરિણામો અથવા એ પછી હવે કોઈ નેતાની અપીલને માન આપીને દેખાવો આટોપી લેવાના પ્રયાસ થશે. દિલ્હીની નવી સરકાર માટે શાહીનબાગ હવે મુસીબત બની રહે એવી સ્થિતિ સર્જાય એ પહેલાં તેનો અંત આવે તે જરૃરી છે.

Related Posts
1 of 37

———-.

નવું રામમંદિર ટ્રસ્ટ રાજકારણથી અલિપ્ત રહે
અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે અદાલતના આદેશ અનુસાર ટ્રસ્ટની રચના થઈ ગઈ છે. આ ટ્રસ્ટને ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર’ નામ આપવામાં આવ્યું છે. આ ટ્રસ્ટની રચનાએ રામમંદિર આંદોલન સાથે સંકળાયેલા ઘણા બધા લોકોમાં અસંતોષ સર્જ્યો છે, પરંતુ આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા અગ્રણીઓ અદાલતી કેસમાં આરોપી હોવાને કારણે તેઓ સરકારની મજબૂરી પણ સમજતા થયા છે. એટલે તેમનો અસંતોષ બહુ મુખર થયો નથી. રામજન્મભૂમિ આંદોલન દરમિયાન જ મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટ રચાયું હતું, પરંતુ હવે એ ટ્રસ્ટની કોઈ ભૂમિકા નહીં રહે. ટ્રસ્ટમાં સભ્યપદની અપેક્ષા રાખનારા મોટા ભાગના સાધુ-સંતો અપાત્રની શ્રેણીમાં આવ્યા છે. અદાલતના આદેશ અનુસાર નવા  ટ્રસ્ટને નિશ્ચિત અવધિમાં જમીન સોંપી દેવાની હતી. એ કામ સરકારે પૂર્ણ કર્યું છે. નવા ટ્રસ્ટમાં ૯૨ વર્ષના વરિષ્ઠ ધારાશાસ્ત્રી કે. પરાશરનનો સમાવેશ કરાયો છે અને તેમના નિવાસનેે ટ્રસ્ટની ઑફિસ બનાવાઈ છે. અયોધ્યામાંથી જે ત્રણ લોકોને ટ્રસ્ટમાં સામેલ કરાયા છે તે રામમંદિર આંદોલનમાં સક્રિય ભૂમિકામાં ન હતા. એ જ રીતે રાજા રામના ઉત્તરાધિકારીની શોધ થઈ શકી નથી. જોકે અયોધ્યાના પૂર્વ રાજાને નવા ટ્રસ્ટમાં સામેલ કરાયા છે. તેમના પૂર્વજો ૧૮૫૭ પહેલાં શાહગંજના રાજા હતા અને ગોંડાના રાજા દેવિબક્ષ સિંહનો બળવો નિષ્ફળ થયા પછી અંગ્રેજોએ ‘અયોધ્યાના મહારાજા’ના ખિતાબ સાથે દેવિબક્ષ સિંહની જપ્ત કરેલી સંપત્તિનો મોટો હિસ્સો તેમને આપ્યો હતો. આ ટ્રસ્ટી બનેલા રાજા ક્ષત્રિય નહીં પણ બ્રાહ્મણ કુળના છે. નવા ટ્રસ્ટમાં દલિત સભ્ય પણ હશે. ટ્રસ્ટમાં હજુ નવા સભ્યો ઉમેરાશે ત્યારે એ સાવચેતી પણ રાખવી જરૃરી બનશે કે તેમાં કોઈ ચોક્કસ અખાડા, મઠ કે સંપ્રદાયનું વર્ચસ્વ ન રહે. સરકારે ટ્રસ્ટની રચનાનું કર્તવ્ય પૂર્ણ કર્યા પછી ટ્રસ્ટ સ્વાયત્ત રીતે કાર્ય કરશે એ અપેક્ષિત છે ત્યારે ટ્રસ્ટ રાજકારણથી અલિપ્ત રહે તેની કાળજી પણ ટ્રસ્ટે જ રાખવી પડશે.
———-.

મહારાષ્ટ્રમાં પ્રધાનો તસવીર દ્વારા પોતાની નિષ્ઠા પુરવાર કરે છે
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારના કોઈ પણ પ્રધાનની ઑફિસમાં જવાથી તેમના પર કોની કૃપા વરસી રહી છે તેનો તરત ખ્યાલ આવી જાય છે. આ વાત હવે સૌના ધ્યાનમાં આવી છે. પ્રધાનોની ઑફિસમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની તસવીર તો પ્રોટોકોલ અનુસાર હોય છે. એ ઉપરાંત પ્રાદેશિક પક્ષોના પ્રધાનો પોતાના પક્ષપ્રમુખની તસવીર પણ લગાવે છે, પરંતુ મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોની સરકારમાં એક નવી વાત જોવા મળી છે. એનસીપીના અનેક પ્રધાનોએ શરદ પવારની તસવીર લગાવી છે. એ ઉપરાંત પોતાની શ્રદ્ધા અનુસાર કોઈએ અજિત પવારની તો કોઈએ સુપ્રિયા સુલેની તસવીર સામે રાખી છે. શિવસેનાના કેટલાક પ્રધાનોએ બાળાસાહેબ ઠાકરેની તસવીર  અને ઉદ્ધવ ઠાકરે ઉપરાંત આદિત્ય ઠાકરેની તસવીર પણ લગાવી છે. આદિત્ય ઠાકરેની તસવીર સૌને ચોંકાવે છે, કેમ કે એ ખુદ સરકારમાં પ્રધાન છે. બીજી બાજુ કોંગ્રેસના પ્રધાનોએ સોનિયા ગાંધીની સાથે રાહુલ અને પ્રિયંકાની તસવીરો લગાવી છે. એવું કહેવાય છે કે જેમના દ્વારા તેઓ પ્રધાનપદ સુધી પહોંચ્યા છે તેમના પ્રત્યે વફાદારી દર્શાવવા માટે ઑફિસમાં તસવીર રાખવાની પ્રણાલી બની છે. રાજકારણમાં જ્યારે નિષ્ઠાનો કોઈ મતલબ જ રહ્યો ન હોય ત્યારે નિષ્ઠા દર્શાવવાના આ પ્રયાસને મહારાષ્ટ્રમાં ખરાબ ગણવામાં આવતો નથી. મહારાષ્ટ્રમાંથી એક ખબર એવી આવી રહી છે કે આજકાલ અજિત પવાર ‘ઓવર એક્ટિવ’ બન્યા છે. તેમની અનેક ઘોષણાઓ એવી છે કે જે અન્ય પ્રધાનોના કાર્યક્ષેત્રમાં અતિક્રમણ સમાન છે. કહેવાય છે કે તેમની આ અતિ સક્રિયતા પાછળ પક્ષની અંદરના તેમના વિરોધીઓને પછાડવાના  મનસૂબા છૂપાયેલા છે. પક્ષમાં બળવો કરીને થોડા કલાકો માટે ભાજપ સાથે સરકાર રચવાના ઘટનાક્રમે પક્ષમાં તેમની સ્થિતિ નબળી પાડી છે, તેમાં સુધારો કરી પોતાની અસલી શક્તિશાળી નેતા તરીકેની સ્થિતિ પુનઃપ્રાપ્ત કરવી એ તેમની અગ્રતા છે.
———-.

મહંત નૃત્યગોપાલદાસની નારાજી દૂર કરાશે
કેન્દ્ર સરકાર દ્વારા નવા રચાયેલા રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ અંગે વિશ્વ હિન્દુ પરિષદની નારાજી દૂર કરવા સરકાર પ્રતિબદ્ધ હોય તેમ લાગે છે. કહે છે કે સરકાર દ્વારા વિશ્વ હિન્દુ પરિષદને એવો સંકેત અપાયો છે કે આગામી પંદર દિવસમાં પરિષદના વરિષ્ઠ નેતા નૃત્યગોપાલદાસ અને ઉપાધ્યક્ષ ચંપતરાયને નવા ટ્રસ્ટમાં આજીવન ટ્રસ્ટી નિયુક્ત કરવામાં આવે એવી શક્યતા છે. અત્યારે સરકાર દ્વારા આ બંનેને ટ્રસ્ટમાં સામેલ કરવાનું કારણ એ છે કે બંને સામે બાબરી ધ્વંસ પ્રકરણમાં સીબીઆઇની કોર્ટમાં કેસ ચાલે છે. બનવાજોગ આ કેસમાં જો કોર્ટ તેમને દોષિત ઠરાવે તો ટ્રસ્ટ માટે અને સરકાર માટે મૂંઝવણભરી સ્થિતિ સર્જાય. રામજન્મભૂમિ મંદિર આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર આ બંનેને ટ્ર્રસ્ટમાં સામેલ કરવા માટે જુદો માર્ગ અપનાવવામાં આવનાર છે. અત્યારે આ ટ્રસ્ટમાં નવ સ્થાયી અને છ નિયુક્ત ટ્રસ્ટીની વ્યવસ્થા છે. સાથોસાથ એવી વ્યવસ્થા પણ છે કે ટ્રસ્ટના નવ કાયમી ટ્રસ્ટીઓ સર્વસંમતિથી બે આજીવન ટ્રસ્ટીની નિયુક્તિ કરી શકે છે. કહે છે કે સ્વયં ગૃહપ્રધાને મહંત નૃત્યગોપાલદાસને ફોન કરીને આ બાબતની માહિતી આપી છે. ટ્રસ્ટની રચનાની ચર્ચા ચાલતી હતી ત્યારથી એવું માનવામાં આવતું હતું કે મહંત નૃત્યગોપાલદાસને રામમંદિર નિર્માણ માટેના ટ્રસ્ટમાં મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવશે. હવે તેઓને નવ ટ્રસ્ટીઓ દ્વારા નિયુક્ત કરવામાં આવે તો એ ટ્રસ્ટનો નિર્ણય ગણાશે, સરકારનો નહીં. આ બંનેને ટ્રસ્ટની બહાર રાખવાથી સર્જાયેલ અસંતોષને શાંત કરવાનો માર્ગ શોધી કઢાયો છે.
——————————————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »