તમારા માટે, તમારી સાથે, સતત…

‘પરિવાર સાથે પ્રી-વેડિંગ ફોટોશૂટ’ આઇડિયા અચ્છા હૈ

માત્ર કપલ જ નહીં, પરંતુ પોતાના પુરા પરિવાર સાથે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવવાનો ટ્રેન્ડ શરૃ કર્યો છે

0 265
  • યુવા – હેતલ રાવ

પ્રી-વેડિંગ ફોટોશૂટ હવે સામાન્ય વાત બની ગઈ છે. હાઈપ્રોફાઇલથી લઈને દરેક વર્ગના લોકો પોતાના બજેટ પ્રમાણે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવતા થઈ ગયા છે, પરંતુ યુવાનોએ તેમાં પણ નવો તડકો લગાવ્યો છે. એટલે કે માત્ર કપલ જ નહીં, પરંતુ પોતાના પુરા પરિવાર સાથે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવવાનો ટ્રેન્ડ શરૃ કર્યો છે.

લગ્ન પ્રસંગની ભાગદોડમાં વર-વધૂને પરફેક્ટ ફોટોગ્રાફી કરવાનો સમય જ નથી રહેતો. માટે જ લગ્ન પહેલાં પોતાની ઇચ્છા અનુુસાર અને મરજી પ્રમાણેના સ્પોર્ટ પર સારી રીતે ફોટોગ્રાફી કરાવી જીવનભરની યાદોને દિલમાં કંડારે છે. જેને પ્રી-વેડિંગ ફોટોગ્રાફી કહેવાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ ટ્રેન્ડ યુવાનોમાં સૌથી લોકપ્રિય બન્યો છે, પરંતુ આજના દરેક યુવાનો માત્ર પોતાના માટે જ વિચારતા હોય તેવંુ નથી, કારણ કે આજે પણ લવ મેરેજની સાથે-સાથે એરેન્જ મેરેજ કરનારો યુવા વર્ગ ઘણો વિશાળ છે. માટે જ યુવાનોએ પરિવાર સાથે પણ પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવવાનો નવો જ ટ્રેન્ડ અપનાવ્યો છે. જેમાં ખાસ કરીને વધૂ પોતાની સાસુમા સાથે અને વર પોતાના સસરા સાથે જુદા જ ટ્યૂન સાથે ફોટોગ્રાફી કરાવી રહ્યાં છે. ઉપરાંત બંને પરિવાર સાથે મળીને મનપસંદ સ્થળની પસંદગી કરી લગ્ન પહેલાં જ મેરેજનો માહોલ બનાવી ફોટોગ્રાફી કરાવે છે.

Related Posts
1 of 55

આ વિશે વાત કરતાં ગિરા ડિઝાઇન સ્ટુડિયોની ઑનર ગિરા કૌશલ બ્રહ્મભટ્ટ કહે છે, ‘હવે રોજ નવા-નવા વિચારો અને જુદી-જુદી થીમ આવે છે. ફોટોગ્રાફી, ડિઝાઇનિંગમાં મારો પંદર વર્ષ કરતાં પણ વધુનો અનુભવ છે. તેના આધારે એમ કહી શકું કે હવે યુવાનોની પસંદ ચોક્કસથી બદલાઈ રહી છે. નવા ટ્રેન્ડ વિશેના તેમના વિચારો બિલકુલ યુનિક અને ગમે તેવા હોય છે. અમે નિયમિત રીતે ડિઝાઇનિંગનું અને ફોટોગ્રાફીનું કામ કરીએ છીએ. કરિશ્મા આલ્બમથી લઈને અત્યાર સુધી અનેક પ્રકારની નવી ડિઝાઇનના આલ્બમ આવી ગયા, તેવી જ રીતે હવે યુવાનો લગ્નની યાદોને માત્ર પોતાના સુધી સીમિત નથી રાખતાં. તેમાં પરિવારનો પણ સમાવેશ કરે છે. એમ કહી શકાય તે પ્રી-વેડિંગ ફોટોશૂટમાં સમગ્ર પરિવારનો સમાવેશ થઈ રહ્યો છે.’

નિયમ પરીખ આ વિશે વાત કરતાં કહે છે, ‘મારી બહેનનાં લગ્નમાં અમે આ ટ્રેન્ડ અપનાવવાના છીએ. મારી સિસ્ટર પ્રાંજીએ જ આઇડિયા આપ્યો હતો કે, મારા લગ્નમાં મારી સાસુમા સાથે પણ હું પ્રી-વેડિંગ ફોટોગ્રાફી કરાવીશ. મારા જીજુએ પણ નક્કી કર્યું છે કે તે મારા ડેડ સાથે ફોટોશૂટ કરાવશે. પછી અમે પુરા પરિવાર સાથે જુદા-જુદા એન્ગલથી ફોટોગ્રાફી કરાવીશું. આ ટ્રેન્ડ મારા ફ્રેન્ડ્સ ગ્રૂપમાં પણ બધાને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.’

વિભક્ત કુટુંબ વ્યવસ્થાની શરૃઆતની જેમ જ પર્સનલ ફોટોગ્રાફીની પણ શરૃઆત થઈ, પરંતુ હવે ફરી એકવાર યુવાનો પરિવાર માટે વિચારતા થયા છે. લગ્નની ફોટોફ્રેમમાં માત્ર બે વ્યક્તિ જ નહીં, પરંતુ સમગ્ર પરિવારને સમાવવાનો ટ્રેન્ડ આવકારવા જેવો ખરો.
——————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »