તમારા માટે, તમારી સાથે, સતત…

એ ફ્લાવર ઓફ વેલિ

ગુજરાતી સાહિત્યને નવપલ્લવિત કરવાની તાકાત...

0 1,234

નવલિકા – સ્પર્શ હાર્દિક

ગુજરાતી સાહિત્યને નવપલ્લવિત કરવાની તાકાત ધરાવતી કલમે આલેખાયેલી આ અદ્ભુત નવલિકા વાસ્તવમાં એક ગદ્ય-કવિતા સમાન છે

‘તારે મને કોઈ દિવસ જોવી હોય તો ત્યાં, સૂર્યાસ્તમાં શોધજે.’

ઑસ્વાલના હાથમાં પોએટિકાએ આપેલો કાગળ હતો. એક દિવસ કશું પણ કહ્યા વગર ખોવાઈ ગયેલી પોએટિકા નામે તે છોકરી જાણે કવિતા જ હતી. હાઈરાઇઝ બિલ્ડિંગના એપાર્ટમેન્ટમાં, બેડરૃમમાં બેઠેલો ઑસ્વાલ આ વાક્ય વાંચી રહ્યો હતો. પેરિસની સ્કાઇલાઇન પર નમતા સૂરજનો તડકો કાગળની કિનારી પર પ્રકીર્ણન પામી તેની આંખોને ગરમાવતો હતો.

બેડરૃમની પશ્ચિમમાં પડતી બારીમાં આથમતી ક્ષણો નજીક આવતી ગઈ. ઑસ્વાલ વિચારતો હતો કે, જો અમુક મિનિટ સુધી તે જાગી શકે તો કદાચ સૂર્યાસ્તમાં પોએટિકાને જોઈ શકે! પણ જેમ એક-એક કરીને પળ સરકતી ગઈ તેમ તેની દૃષ્ટિ ધૂંધળી થવા લાગી. તેણે મક્કમતાથી જાગતા રહેવાનો પ્રયત્ન કર્યો, પણ થાકતાં જતાં શરીર સામે તેણે અભાનતામાં હાર સ્વીકારવી પડી. હાથમાંથી કાગળ જમીન પર ખરી ગયો. શરીર જાન વગરના પીંજર જેમ બેડ પર ઢળી પડ્યું. રોજની જેમ ઑસ્વાલ સૂર્યાસ્ત જોઈ શકે એ પહેલાં જ લાંબી નિદ્રામાં ડૂબી ચૂક્યો હતો.

‘સરજી, સાંજ પડી રહી છે. નીકળવું જોઈએ.’

દોરશાએ ત્રીજી વાર ઑસ્વાલને યાદ અપાવ્યું. પહાડો પર મોસમને મોકળું મેદાન મળે છે. બપોરથી ઘેરાયેલાં વાદળોને કારણે ઑસ્વાલ જેવા બહારના માણસની આંખોને સમયનો અંદાજો ન આવે, પણ દોરશા સ્થાનિક હતો. ઑસ્વાલ પાસે વધારે સામાન ન હતો છતાં તેણે ગોવિંદઘાટથી આ વીસેક વર્ષના પીઠ્ઠુને સાથે લીધેલો જે સામાનનો ભાર ઉપાડવા સાથે આ પ્રાંતની વાયકાઓથી તેને માહિતગાર કરતો. ડોક્યુમેન્ટરી ફિલ્મસર્જક ઑસ્વાલ માટે નાનામાં નાની જાણકારી અત્યંત કામની હતી. ઘણી મથામણ પછી ‘વેલિ ઓફ ફ્લાવર’ કહેવાતી આ જગ્યા પર ફિલ્મ બનાવવા અત્તર પર સંશોધન કરતું ફ્રાન્સનું ‘આહોમ ફોન્ડેશ્યા’ સંમત થયું હતું.

‘સરજી?’ દોરશાએ લગીર મોટા અવાજે પૂછ્યું. ઑસ્વાલના હોઠ ધીમા અવાજે કોઈ મંત્રજાપ કરતા હતા. ઑસ્વાલે માથું ઊંચકી તેની તરફ જોયું અને જરાક ગરદન હલાવી. દોરશા પામી ગયો કે સરજી તો સાચે જ ઊભા થવાના મૂડમાં નથી, સાંજ પડે કે રાત! પહાડ પરથી ઉતરતાં ઝરણા પાસે ઑસ્વાલ કાળા પથ્થરોની ભીડમાં નોખા તરી આવતા એક સફેદ પથ્થર પર ક્યારનો શાંત ચિત્તે બેઠો હતો. દોરશા દૂરથી પસાર થતા છેલ્લા પ્રવાસી ટોળાને પણ બેઝકેમ્પ તરીકે ઓળખાતા ઘાંઘરિયા ગામ તરફ પાછા ફરતા જોતો રહ્યો.

‘સરજી, ગરબડ થઈ જશે. આપણે હવે નીકળી જવું જોઈએ.’ ચિંતિત દોરશા ધ્રૂજતા અવાજે બોલ્યો. ઑસ્વાલે તરત મંત્રજાપ અટકાવ્યા.

‘શેનો ડર લાગે છે? દુગ્ગલસા’બનો? મેં તને કહ્યંુને, ચિંતા નહીં કર. લખનૌમાં એમના પણ મોટા સર જોડે મારે વાત થઈ ગઈ છે.’ દુગ્ગલસા’બ ‘વેલિ ઓફ ફ્લાવર’ના પ્રવેશ પાસે પડતાં ચેકપોસ્ટના મુખ્ય ગાર્ડ હતા જ્યારે ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડનની કચેરી લખનૌમાં સ્થિત હતી. દોરશા દુગ્ગલસા’બના કડક સ્વભાવને જાણતો હતો, પણ વાસ્તવમાં માણસોએ બનાવેલા કાયદા કરતાં દોરશાને કુદરતના ન્યાયનો ડર વધારે હતો. ખીણમાં હિમદીપડા અને શિયાળ પણ ઓછા ન હતા.

‘તમે રોકાવો સરજી, મારે તો પાછા હોટેલે જ જાવું છે.’ દોરશાએ થેલો ખભેથી ઉતારી ઑસ્વાલના પગ પાસે મૂક્યો. ‘બાબા કહેતા હતા કે ગમે એ થાય, પણ આ ઘાટીમાં રાત તો નો જ રોકાવું.’ ઑસ્વાલે દલીલ વગર તેનો નિર્ણય સ્વીકારી લીધો. હોટેલ પર સવારે મળવાનું કહી દોરશા ચાલવા લાગ્યો અને ઑસ્વાલે ફરી મંત્રજાપ શરૃ કર્યા.

ઑગસ્ટ મહિનાની ભીનાશમાં ઘાટીમાં ફૂલોની મોસમ બેઠી હતી. ફિલ્મનું શૂટ ઑસ્વાલ આવતા વર્ષે શરૃ કરવાનો હતો. એ પહેલાં તેને ઘાટી અને આસપાસની જગ્યાઓ અંગે શક્ય એટલું વધારે જાણવું અને સમજવું હતું. વ્યાવસાયિક મહત્ત્વાકાંક્ષા સાથે આ જગ્યા પ્રત્યે તેને અંગત અભિરુચિ પણ હતી. ઘાટી ફરતેના કાયમી હિમાચ્છાદિત પ્રદેશને બાદ કરતાં છવીસ ચોરસ કિલોમીટર જેટલા નાના વિસ્તારમાં અંદાજે પાંચસો જાતનાં ફૂલો ખીલતાં હતાં. દિલ ભરીને ફૂલો જોયા પછી ઑસ્વાલની એક જ ઇચ્છા હતી કે તે આ ફૂલો વચ્ચે એક રાત્રી પસાર કરે. વેઇ બોર્સથી ખરીદેલા એક જૂના પુસ્તકમાં તેણે વનસ્પતિશાસ્ત્રી લેખકે લખેલી ઘણી રોચક વાતો વાંચી હતી. પુસ્તકમાં રાત્રે ખીલતાં અમુક ફૂલોની સુગંધની મનુષ્ય પર થતી અસર અંગે વિસ્તારથી વાત કરી હતી. તેમાંનાં ઘણા ફૂલ ઘાટીમાં ઊગતાં હતાં. ઑસ્વાલને કેટલીક વાત બેતૂકી લાગેલી, પણ વધારે વાંચતા તેને ગંભીર રસ જાગ્યો હતો અને જાત અનુભવ કરવા તેણે એક રાત્રી કમસે કમ ઘાટીમાં પસાર કરવાનું નક્કી કરેલું.

દોરશાએ હજુ ત્રણ કિલોમીટરનો પહાડી રસ્તો કાપીને ઘાંઘરિયા ગામ પહોંચવાનું હતું. ફૂલો અને ઝરણા વચ્ચે માર્ગ કાઢતો તે ઑસ્વાલથી દૂર નીકળી ગયો. વાદળોમાંથી છંટાતા ડિફ્યૂઝ અજવાળાના કારણે સાંજ લંબાઈ રહી હતી. સારું હતું કે શ્રાવણ ચાલતો હતો, પણ વરસાદ પડતો ન હતો. ધીરે-ધીરે ઑસ્વાલનો કંઠ ખૂલતો ગયો. તેણે વહેતાં પાણીના અવાજ પર ધ્યાન કરતી વખતે ઉપયોગી થાય એવો મંત્ર વર્ષોથી કંઠસ્થ કરેલો. અંધારાથી ડર લાગતો હોવા છતાં તે નિર્ણય પર મક્કમ રહ્યો. દોરશા ક્યાંક દૂર ટોર્ચના પ્રકાશમાં લાકડી ખખડાવતો હતો. અહીં ઘાટીની ચારે તરફ મસ્તક ઉઠાવીને ઊભેલા પર્વતોને અથડાતા પવનના અવાજ અને પાણીના પ્રવાહ સિવાય ઑસ્વાલના કાન કશું જ સાંભળી શકે તેમ ન હતા. અંધકાર ઊતરી આવેલો. વાદળોમાંથી નોમના ચંદ્રનો પ્રકાશ ગળાઈને ફૂલોના રંગ સાથે નર્તન કરતો હતો. વધુ ને વધુ ઘેરાતી રાતમાં કોઈ અલગ જ પ્રકારના પમરાટ ઑસ્વાલની ઘ્રાણેંદ્રિયને સચેત કરવા લાગ્યા.

ઑસ્વાલ મંત્રજાપ અટકાવી, આંખો બંધ કરી શક્ય એટલો શ્વાસ ફેફસાંમાં ભરવા લાગ્યો, પણ સુવાસ હજુ એટલી તીવ્ર થઈ ન હતી. તેને થયું કે રાત્રે ખીલતાં ફૂલ તે બેઠો ત્યાંથી ક્યાંક દૂરની જગ્યાએ ઊગતાં હશે. ફિલ્મના સ્ક્રિપ્ટિંગ માટે તેણે ફૂલોનો અભ્યાસ શરૃ કરેલો, પણ તે ખાસ આગળ વધી શક્યો ન હતો. આખરે ઊભા થઈ તેણે ઘાટીમાં વધારે અંદરની તરફ જવાનો નિર્ણય કર્યો. બેગમાંથી ટોર્ચ કાઢી તે ધીમા પગલે ચાલવા લાગ્યો. તેણે મનોમન દોરશાને યાદ કર્યો. અજાણી ભીતિનો ગરમાવો અનુભવતા ઑસ્વાલે બંને હથેળી પરસ્પર ઘસી, ગોવિંદઘાટથી ખરીદેલ પ્લાસ્ટિક શીટનો રેઇનકોટ ઓઢ્યો અને થોડે જ દૂર પહોંચ્યો હશે ત્યાં નિતનવી સુગંધો તેના નાક નજીક મંડરાવા લાગી. તે ચાલતો રહ્યો. ઘણી જગ્યાએ એટલી તીવ્ર સુગંધ આવતી હતી કે તેણે રેઇનકોટના પ્લાસ્ટિકથી નાક બંધ કરવું પડેલું. ઉત્સાહથી આગળ વધતાં ઑસ્વાલને એકદમ જ એવું લાગ્યું કે કોઈ તેની પાછળ આવી રહ્યું હતું.

ઑસ્વાલે કેડે બાંધેલી બેગમાંથી ટોર્ચ કાઢી. તેણે ત્રણ-ચાર વાર પાછળ નીરખીને જોયું, પણ બદલાતાં હવામાનના સંકેતો સિવાય કશી હરકત ન દેખાયેલી. થોડી જ વારમાં વાતાવરણમાં તોફાની પલટો આવ્યો અને તે અટકી ગયો. આ વખતે ઑસ્વાલની ધારણા ખોટી ન હતી, કશું તેની પાછળ આવી રહ્યું હતું. તેણે ફરીને જોયું તો ધૂંધળી ચાંદનીમાં વાદળનું ઝુંડ જમીનને અડીને તેની તરફ ધસી રહ્યું હતું. તેના શરીરમાં રોમાંચ જાગ્યો. વાદળનાં ઝુંડને પસાર થઈ જવા દેવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ ન હતો. તે ઊંડો શ્વાસ ભરી સામેથી આવતી અનુભૂતિને ભેટવા તૈયાર થયો. વાદળનું ટોળું તેની સાથે અથડાયું એ દરમિયાન કોઈ માદક ગંધ તેના શરીરને વીંટળાવા લાગી હતી. તે મૂર્છામાં સરી પડ્યો એ પહેલાં ફૂલોના પરિવેશમાં, સફેદ રોશનીમાં ચમકતી છોકરીને તેણે નજર સામે જોયેલી. તેણે એવો સુંદર ચહેરો જિંદગીમાં ક્યારેય ન જોયેલો. ઑસ્વાલ જાણતો ન હતો કે એ છોકરી કોણ હતી.

* * *

ઑસ્વાલની આંખ ખૂલી ત્યારે સવાર થઈ ચૂકી હતી. આકાશ ધૂંધળું હતું, પણ અંધારાની સ્પષ્ટ ગેરહાજરીને કારણે પર્વતો પાછળ સૂરજ ઊગી નીકળ્યાનો સંકેત મળતો હતો. તે આખી રાત ફૂલોની પથારીમાં પડ્યો રહેલો. રાતની ઘટના જાણે સ્વપ્ન જેમ આવી અને પસાર થઈ ગયેલી. તે નક્કી ન કરી શક્યો કે એવું કશું વાસ્તવમાં બન્યું હતું કે પછી ફૂલોની સુગંધને કારણે તે કોઈ સ્વપ્નના અવાસ્તવમાં તરતો હતો? તેણે બેઠા થઈ ટોર્ચ અને રેઇનકોટ બેગમાં મૂક્યાં અને ફટાફટ ઘાંઘરિયા ગામ તરફ ચાલવા લાગ્યો. આગલી રાત્રે ઘટેલી ઘટનાને બાદ કરતા ઑસ્વાલના લગભગ તમામ વિચારો ક્યાંક ગાયબ થઈ ગયા હતા. તે હજુ કોઈ પ્રકારની તંદ્રાના વશમાં હતો. તેનું શરીર યંત્રવત્ ચાલતું-ચાલતું ચેકપોસ્ટ સુધી પહોંચ્યું ત્યારે તેને ભાન થયું કે તેણે ત્રણ કિલોમીટરથી વધારેનું દુર્ગમ અંતર અટક્યા વગર કાપી નાખેલું.

ઑસ્વાલનું થાકેલું શરીર હોટેલના સુરક્ષિત અને આરામદાયક રૃમમાં કોઈ જ ઘટના કે સ્વપ્ન વગર રાત પસાર કરીને બીજા દિવસે ઊઠ્યું ત્યારે ન્યૂમોનિયાગ્રસ્ત હતું. ‘સામાન્ય તાવ હશે, મટી જશે’ એમ વિચારીને તે બે દિવસ તો ઘાંઘરિયામાં હોટેલની રૃમમાં પડ્યો રહ્યો. હજુ તેણે આસપાસનો વિસ્તાર ધ્યાનથી જોવાનો બાકી હતો. ફિલ્મમાં હેમકુંડ તળાવ અને આસપાસના પર્વતો અંગે પણ તે થોડું ઉમેરવા માગતો હતો. તેણે દિવસોનું કશું આયોજન ન કરેલું. ભલે દશ-પંદર દિવસ લાગે, પણ તેણે આસપાસની રજેરજ જાણી લેવી હતી.

પરંતુ છાતીનો દુખાવો વધતો ગયેલો, માથું ચડતું ગયેલું. સામાન્ય તાવની દવાથી તબિયતમાં સુધારો ન આવ્યો. દોરશા એક સ્થાનિક વૈદને બોલાવી લાવેલો જેણે નિદાન કરી કહેલું કે ઑસ્વાલને ન્યૂમોનિયાની અસર હતી. ઑસ્વાલની ઇચ્છા મુજબ દોરશાએ તેને દિલ્લી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી. ફ્રાન્સ એમ્બેસીમાં તેને ઓળખતા અધિકારીની મદદથી ઑસ્વાલની સારવારની વ્યવસ્થા પણ તરત જ ગોઠવાઈ ગઈ. બન્યું એવું કે જે નાણા અને ખાસ તો સમય તે ભ્યુન્દર ઘાટીમાં રહેવા ફાળવવા ઇચ્છતો હતો એ હૉસ્પિટલમાં જ ખર્ચાઈ ગયા.

પંદરેક દિવસ દિલ્લી સારવાર લઈને તે અંતે પેરિસ પાછો ફર્યો અને રોજિંદા જીવનમાં વ્યસ્ત થઈ ગયો. ‘આહોમ ફોન્ડેશ્યા’ સાથે તેણે ફિલ્મના પૂર્વઆયોજનની રૃપરેખા નક્કી કરવાની હતી જે અંગે તે અવઢવમાં હતો, કારણ કે તેને એમ લાગતું હતું કે તે હજુ ફૂલોની ઘાટીને એટલા ઊંડાણથી સમજી શક્યો નથી જેટલી તેણે અપેક્ષા રાખી હતી. આ સાથે શરીરમાં દબાતાં પગલે આવી રહેલા બદલાવોનું ભાન થતાં પણ તેને સમય લાગ્યો. અંધારા પ્રત્યે અણગમો થવો, આકાશ અને એમાં પણ ખાસ તડકાછાયું આકાશ જોવું વધારે ગમવું, કાફેના બદલે ગાર્ડનમાં બેસીને વર્ક કરવું વગેરે. તે આ બદલાવોને ગંભીર માંદગી પછી સ્વભાવમાં પ્રવેશતા જીવન પ્રત્યેના નવા અભિગમ તરીકે જોવા લાગ્યો. પેલી રાતની ઘટના તેની સ્મૃતિમાંથી આસ્તે-આસ્તે ક્ષીણ થવા લાગી હતી.

એક મોડી સાંજે ઉબેરકોમ્ફ તરફ જતા રસ્તા પર ચાલતી વખતે ઑસ્વાલને આકસ્મિક જ થાક ઘેરવા લાગ્યો. અડધે રસ્તે જ તેને થયું કે હવે એક પણ ડગલું આગળ નહીં મૂકી શકાય. તે એક થાંભલાનો સહારો લેવા ગયો, પણ માથાના પાછળના ભાગમાં આવતા સણકાઓને કારણે તેની આંખો ચકરાવા લાગી. સહારો લેવા આગળ વધેલો હાથ થાંભલો ચૂકી ગયો. પડતા-પડતા બચતો ઑસ્વાલ જમીન પર બેસી ગયો. આંખો જાણે દિમાગમાંથી નીકળતી પ્રજ્ઞાની શ્વેત જ્વાળાથી અંજાઈ રહી હતી. આસપાસની ઇમારતો તેની નજર ઉપર ઢળતી આવી. ઇમારતોના કાટમાળ નીચે દટાઈ જવાના ડરથી તેણે આંખો મીંચી દીધી.

‘ઑસ્વાલ!’ એક મીઠો અવાજ કાન પર પડતા ઑસ્વાલે આંખો ખોલી. તેની સામે ફૂલોના પરિવેશમાં એ રાતવાળી છોકરી ઊભી હતી અને પોતે કશું બોલી શકે એ પહેલાં ઑસ્વાલ ભાન ખોઈ ચૂકેલો.

* * *

‘હું તો એટલું જ કહેવા આવ્યો છું કે એ લોકો આપણો પ્રોજેક્ટ કેન્સલ કરી રહ્યા છે. આટલા દિવસથી ન કોઈ પ્રોગ્રેસ, ન કોઈ જાતનું કમ્યુનિકેશન.’ ઑસ્વાલની ફિલ્મનો એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર એડવર્ડ બૌમોન્ટ ધૂંધવાયેલા અવાજે કહેતો હતો.

‘કમસે કમ તું તો મારા પર વિશ્વાસ કર એડ!’ ઑસ્વાલ હૉસ્પિટલથી ઘરે આવ્યા પછી ઘણા દિવસો નિષ્ક્રિય રહેલો. ફૂલોની ઘાટીમાં બનેલી એ ઘટના પછી તેના શરીર અને મનને કશું થયું હતું એ સમજતા તેને ઘણો સમય લાગ્યો. ભૂખ ઓછી લાગતી હતી અને બસ એક જ બાબતની તલપ રહેતી, તડકો! મેડિકલ રિપોર્ટ સામાન્ય હતા, પરંતુ એક પણ નિષ્ણાત તેને સમજાવી ન શક્યો કે શા માટે અંધારામાં અને તડકાની ગેરહાજરીથી તેનું શરીર કમજોર થવા લાગતું? રાત્રે તો ઑસ્વાલનો આત્મવિશ્વાસ જવાબ દઈ દેતો. અંતે તેણે ડૉક્ટરોને મળવાનું જ બંધ કરી પેઇન કિલર લઈ સૂઈ જવાનું શરૃ કરી દીધું હતું. સ્થિતિ એવી થઈ ગયેલી કે સાંજ નજીક આવતી જતી અને તેનું શરીર સૂરજની ઊર્જા પર જીવતી કોઈ વનસ્પતિ જેમ ચીમળવા લાગતું. તે છાંયો કે અંધારું સહન ન કરી શકતો, પણ કોઈ તેની વાત માનવા તૈયાર ન હતું એટલે તેણે લોકો સાથે વાત કરવાનું જ લગભગ બંધ કરી નાખ્યું. ઑસ્વાલની સમસ્યાથી એડવર્ડ પણ ચિંતિત હતો છતાં એડવર્ડને લાગતું હતું કે ઑસ્વાલને શારીરિક નહીં, પણ કોઈ પ્રકારની માનસિક બીમારી હતી.

‘મેં એને બે વાર જોઈ છે એડ, બે વાર! મને ત્યારે ભલે બીજું કંઈ સ્પષ્ટ ન દેખાયું હોય, પણ એનો ચહેરો મારાથી ક્યારેય ભૂલાશે નહીં!’

‘ઑસ્વાલ, હું સારામાં સારા સાઇકિયાટ્રિસ્ટને જાણું છું. બિલીવ મી, તને જે કંઈ-‘

‘એડ, પ્લીઝ.’ ઑસ્વાલનો ઉત્સાહ ભાંગી ગયો. આ પહેલીવાર ન હતું કે કોઈ તેને માનસિક રોગી ગણી રહ્યું હતું. ઑસ્વાલ આખો દિવસ બ્યૂત ચમો ગાર્ડનના સરોવર કિનારે બેસીને વિચાર્યા કરતો કે પેલી છોકરી કોણ હતી? તેનું જીવન એવા સમયગાળામાંથી પસાર થઈ રહ્યું હતું જ્યાં તેને લાગતું હતું કે આ શરીર પર તેનું નહીં, પણ સૂરજનું નિયંત્રણ હતું. વારેઘડીએ તેને સૂરજ સામે તાકી રહેવાનું મન થતું. શિયાળાના દિવસો પસાર થઈ ગયેલા અને વસંત પગલાં માંડતી હતી. દિવસભર ધૂપ શેકતા ઑસ્વાલને પ્રશ્ન થયો કે આવતાં વર્ષે ઠંડીમાં તેનું શું થશે? અત્યારે પણ જ્યારે વાદળો ઘેરાઈ આવતાં અને સૂરજ સંતાઈ જતો ત્યારે તેનું મન વિષાદમાં ચાલ્યું જતું. તેણે આવતા શિયાળામાં ગરમ પ્રદેશોમાં ચાલ્યા જવાનંુ જ પણ વિચારી લીધું હતું.

‘વેલિ ઓફ ફ્લાવર’ પર જેટલા પણ વનસ્પતિશાસ્ત્રીએ જે કંઈ પણ લખ્યું હતું તે બધું વીણી-વીણીને ઑસ્વાલ વાંચી નાખતો. તેને બસ એ જ સમજવું હતું કે તેના શરીરને શું અને કેવી રીતે થયું હતું? સૂર્યાસ્ત થાય એ પહેલાં જ તેણે ઘરે આવી જવું પડતું, કારણ કે મંદ થતા તડકાને કારણે ધીમે-ધીમે તેનું શરીર બેહોશીમાં પટકાઈ જતું. આખી રાત બેભાન રહ્યા પછી બીજી સવારે આપમેળે તે તાજગીભર્યા શરીર અને ઉમંગ સાથે જાગી જતો. વનસ્પતિશાસ્ત્રનાં પુસ્તકોએ તેને ખાસ મદદ ન કરી, પણ તેને ખાતરી હતી કે ઘાટીનાં કોઈ ફૂલની અસરને કારણે તેના જીનોમ્સમાં ફેરફાર આવ્યો હશે. રંગસૂત્રમાં કોઈ એવા પ્રકારનો બદલાવ આવ્યો હશે જેના લીધે તેનું શરીર પ્રકાશસંશ્લેષણ કરતું થઈ ગયું હશે. વનસ્પતિ જેમ તેનું શરીર પણ સૂર્યપ્રકાશથી જાતે પોષણ મેળવી લેતું હશે. શરીરમાં આવેલ મ્યૂટેશનને સમજવા તેને કોઈ નિષ્ણાત સંશોધકની મદદથી પોતાના ડીએનએનો અભ્યાસ કરાવવાનો વિચાર આવેલો, પણ પોતાની પરિસ્થિતિ બધા લોકો વચ્ચે જાહેર થઈ જાય એ વાતમાં હવે તેને રસ ન હતો. ઊલટાનું હવે તે પોતાની સ્થિતિ માણવા લાગેલો!

બિચારો ઑસ્વાલ એ વાતે અનભિજ્ઞ હતો કે આંખ વડે મળતો સૂર્યપ્રકાશ તેના દિમાગ અંદર રહેલી પીનિઅલ ગ્રંથિને હાઈપર એક્ટિવેટ મોડમાં લઈ જતો. આંખની પાછળના ભાગે રહેલું હાઈપોથેલેમસ નામનું ચેતાતંત્ર પણ સામાન્ય સંજોગોમાં આંખમાં પ્રવેશતા પ્રકાશ વડે સક્રિય થતું હોય છે. ઑસ્વાલના કિસ્સામાં એ ચેતાતંત્ર પણ સતત જાગૃત રહેવા લાગ્યું હતું. હાઈપોથેલેમસ શરીરના મજ્જાતંત્રને અંતઃસ્ત્રાવીતંત્ર સાથે પીનિઅલ ગ્રંથિની મદદથી જોડે છે. હાઈપોથેલેમસ રેટીના પર પડતા સૂર્યપ્રકાશની ઊર્જાને ચેતાતંત્રની મદદથી પીનિઅલ ગ્રંથિ સુધી પહોંચાડે છે.

આખરે ઑસ્વાલ તડકો જોતો ત્યારે તાણ અને ચિંતા હળવાં થઈ જતાં. તેને હવે ખોરાકની જરૃર ન પડતી. ઘણુ વિચાર્યા પછી તેને થયું કે એ સિવાય જીવનનિર્વાહ માટે કશું કામ કરવાની તેને જરૃર શું હતી? તેને જે જોઈતું હતું એ તો વિનામૂલ્યે મળી જતું, તડકો! તે દિવસભર લાઇબ્રેરીમાંથી જાતભાતનાં પુસ્તકો લાવીને વાંચતો રહ્યો. રસ્તાઓ પર ટહેલીને, શહેરનાં અલગ-અલગ ગાર્ડનમાં ફરીને દિવસો પસાર કરતો રહ્યો. સાંજ પડે એ પહેલાં ઘરે પહોંચીને ઑસ્વાલ બેહોશી ઘેરાય એ પહેલાં જ સૂઈ જતો. આના કારણે મૂર્છામાં ઢળી પડવાની પીડાથી છુટકારો મેળવવું સરળ થઈ ગયું હતું.

આમ ને આમ ભારતથી પરત આવ્યા પછી આઠ મહિના પસાર થઈ ગયા. શિયાળામાં તો ખૂબ ઓછો સમય સૂર્યપ્રકાશ મળેલો. ડિસેમ્બર અને જાન્યુઆરીના દિવસો ઑસ્વાલે જાણે શીતનિદ્રામાં જ ગાળેલા, પણ માર્ચ આવતા સુધીમાં તેના શરીરમાં ફરી ઊર્જાસંચાર થવા લાગ્યો. ઑસ્વાલ હવે શક્ય એટલું વધારે સૂર્યને નીરખતો રહેતો. ભૂખ શું કહેવાય એ તે ભૂલી ગયેલો. ભોજનના સ્વાદ અને ખુશ્બૂની તેની સમજ વિસરાઈ ગઈ હતી. પાચનક્રિયા ન થતી હોવાને કારણે શરીરની અમુક કૅલરી જરૃરિયાત પણ ઘટી ગઈ હતી. શરીર જાતે જ સૂર્યની ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ કરવા ટેવાઈ ગયું હતું. તે હવે અણિશુદ્ધ ‘ઇનએડિએટ’ બની ગયો હતો, એવો મનુષ્ય જે ખોરાક વગર ફક્ત સૂર્યપ્રકાશથી જીવી શકે છે.

* * *

મે મહિનાની એક ઉષ્ણ બપોરે ઑસ્વાલ વેર્દગ્નો સ્ક્વેર પાસે એક પુલ પર ઊભો હતો. સૂર્ય સામે જોતો સેઇન નદીના પ્રવાહ પર ધ્યાન માંડી તે ધીમા અવાજે મંત્રજાપ કરતો હતો.

‘મને એમ હતું કે તું તારી સ્થિતિ સામે લડીશ!’

ઑસ્વાલ અવાજ ઓળખી ગયો. તે ચોંકીને પાછળ ફર્યો. ચપોચપ બ્રાઉન સ્પેગેટીના આઉટફિટમાં ઊભેલી છોકરી સાવ જુદી દેખાતી હતી, પણ એ ચહેરો! ઑસ્વાલને એ ચહેરો બરાબર યાદ હતો.

‘કોણ છે તું? તેં આ મને શું કર્યું છે?’ ઑસ્વાલે અધીરા થઈ તેની બંને બાજુ પકડી લીધી. છોકરી ખડખડાટ હસી પડી. ઑસ્વાલે તેના હાસ્યને મંત્રમુગ્ધ થઈ જોયા કર્યું. તેણે બાજુઓ પર પકડ ઢીલી મૂકી, પણ બાજુઓ છોડી નહીં, ‘ક્યાંક આ ભાગી ગઈ તો!’

‘તે વાયકાઓ સાંભળી જ છે ને, સ્ટુપિડ! અમે ઘાટીમાં રહીએ છીએ!’ ઑસ્વાલને યાદ આવ્યું. દોરશાએ કહેલું કે ફૂલોની ઘાટીમાં પરીઓનું ઘર હતું. આ છોકરી પણ સાચે જ પરી જેવી સુંદર હતી.

‘તે સંઘર્ષ છોડી દીધો એ સારું કર્યું.’ ઑસ્વાલે તેની બાજુઓ છોડી દીધી અને પોતાના શ્વાસ સંભાળતા-સંભાળતા જવાબ આપ્યો.

‘મારી પાસે બીજો કોઈ રસ્તો હતો ખરો? શરૃઆતમાં કષ્ટ થયું પણ હવે મને આ જિંદગી ગમી ગઈ છે. હું શીખ્યો છું કે જે અટળ છે તેની સામે સમર્પિત થઈ જવું જ સાચી સમજણ છે.’

‘તને મારા પર ક્રોધ આવવો જોઈએ ઑસ્વાલ. મને મળેલો શાપ મેં તારા પર ચડાવ્યો છે. અમે પરીઓ છીએ, પણ અમે ફૂલોની ઘાટીથી બંધાયેલા છીએ. બેશક એ જગ્યા અતિસુંદર છે, પરંતુ મારે બાકીનું વિશ્વ જોવું હતું. હું પણ બીજી પરીઓની જેમ એક ફૂલમાં કેદ હતી. રાત્રે જ હું મુક્ત થઈ શકતી અને એ પણ ઘાટી પૂરતી જ. પણ હવે હું પૂર્ણ રીતે મુક્ત છું, તારા કારણે, ઑસ્વાલ!’

ઑસ્વાલ અવાક્ થઈ ગયો. છોકરીના અવાજમાં કૃતજ્ઞતા તો હતી, પણ કોઈ બીજી જ લાગણીથી તેનો ભીનો અવાજ તરબોળ હતો. છોકરી સાચું બોલતી હોય તેમ લાગતું હોવા છતાં ઑસ્વાલને ગુસ્સો ન આવ્યો, ઊલટાનું તેને સામો આભાર કહેવાનું મન થયું. તેણે વિચાર્યું કે એક રીતે તે હવે ફૂલ બની ગયો હતો. તે સહર્ષ બોલ્યો, ‘અને હું એક ફૂલ છું, તારા કારણે…?’

‘મારું કોઈ નામ નથી ઑસ્વાલ…’

ઑસ્વાલે થોડું વિચાર્યું અને તેની આંખોમાં પ્રેમભર્યું સ્મિત છલકાવા લાગ્યું. ‘તું એક કવિતા જેવી છો. હું તને પોએટિકા કહીશ.’

‘પોએટિકા… બ્યૂટીફુલ!’ પોએટિકા ઑસ્વાલની આંખોમાં આંખ પરોવીને ક્યાંય સુધી જોતી રહી. તે આ પુરુષમાં પોતાનો અર્ધો હિસ્સો જીવંત જોતી હતી, એ શાપિત હિસ્સો જેનાથી તે એક સમયે છૂટવા માંગતી હતી. ઑસ્વાલે આવેશમાં આવી તેને નજીક ખેંચી. ચહેરાઓ નજીક આવતા બંનેના શ્વાસો એક થવા લાગ્યાં. ફરી પોતાના જ એ હિસ્સા સાથે જોડાવા તત્પર હોય એમ પોએટિકાએ પોતાનું શરીર ઑસ્વાલની બાહોમાં ઢીલું મૂકી દીધું અને બંને એકમેકને વળગીને ક્યાંય સુધી સામસામે હોઠ ચૂમતાં રહ્યાં.

બંને રોજ મળતાં રહ્યાં. ઑસ્વાલને ખૂબ ગમતા બ્યૂત ચમો ગાર્ડનમાં ટેકરી પર આવેલા સિબિલ ટેમ્પલ કહેવાતા નાનાં બુરજ નીચે બેસીને નીચેના સરોવરને બંને માણ્યા કરતાં. સાડા છસ્સો ફૂટ ઊંચી ટોર મોપાનસ ઇમારત પરથી પેરિસનું ૩૬૦ અંશે વિહંગમ દૃશ્ય આંખોમાં ભરીને થાકે એ પછી બંને એકબીજામાં ખોવાઈ જતાં. જેહાન રીક્ટસ સ્ક્વેરમાં ‘ધ વૉલ ઓફ આઇ લવ યુ’ પર ૨૫૦ ભાષામાં લખાયેલ ‘હું તને ચાહું છું’ વાક્યમાંથી અમુક વાક્ય પોએટિકા એક પછી એક ઑસ્વાલને વાંચી સંભળાવતી. પેસેજ વર્ડોમાં સેકન્ડ-હેન્ડ પુસ્તકોની દુકાનોમાં ફરતા પણ પોએટિકા થાકતી નહીં.

દિવસો સુધી ફર્યા પછી પેરિસની ગલીઓ, સડકો, ઇમારતો અને સેઇન નદી પરનો પ્રત્યેક પુલ બંનેનાં પ્રેમની સાક્ષી પૂરી ચૂક્યો હતો. ઑસ્વાલને મળ્યા પહેલાં વિશ્વભરનાં વિવિધ શહેરો ફરી આવેલી પોએટિકા આ શહેરના મોહમાં બંધાઈ ચૂકી છે. તેને હવે આ શહેર મૂકી ક્યાંય જવું ન હતું. સમય જતા હરવા-ફરવાનો બંનેનો ઉત્સાહ ઓછો થતો ગયો અને બંને કલાકો સુધી જોડે બેસીને વાંચ્યાં કરતાં, વાતો કરતાં, ગીતો ગાતાં અને સાંભળતાં. પોએટિકા ૧/૧૬ સાઇઝનું નાનું વાયોલિન લઈ આવેલી કારણ કે સંગીત પણ તેને ઘણુ આકર્ષિત કરતું. ઑસ્વાલના આશ્ચર્ય વચ્ચે થોડા દિવસોમાં જ પોએટિકાના ટેરવામાંથી પાણી જેવી સહજતાથી મધુર ધૂનો રેલાવા લાગી.

Related Posts
1 of 34

બંને સંગાથે દિવસ પસાર કરતા અને સાંજે પોએટિકા ઑસ્વાલને ઘર સુધી મૂકીને ચાલી જતી. તે ક્યાં જતી અને ક્યાં રહેતી એ ઑસ્વાલને ખબર ન હતી, પણ રોજ સવારે પોએટિકા તેના બંધ એપાર્ટમેન્ટની બારી પાસે આવી જ ગઈ હોય. મોડી સવારે પરોક્ષ સૂર્યપ્રકાશથી ઊર્જાવાન થયા બાદ ઑસ્વાલની આંખ ખૂલતી ત્યારે પોએટિકા ખુરશી પર રાહ જોતી બેઠી હોય. તે બેડરૃમમાં પડેલું કોઈ પુસ્તક ઉપાડી વાંચતી દેખાય. ઑસ્વાલ દિવસમાં પહેલો અવાજ પોએટિકાનો સાંભળતો. તે ક્યારેક ઑસ્વાલ માટે કવિતાની પંક્તિઓ વાંચતી તો ક્યારેક ધીમી લયમાં કશું ગાતી. એ પછી ઑસ્વાલ તેને બેડમાં ખેંચી લેતો. એનર્જીથી છલકાતું ઑસ્વાલનું બદન કલાક સુધી ફોરપ્લે લંબાવ્યા પછી પોએટિકાને હંફાવી દેતું. પોએટિકાએ આ પહેલાં ક્યારેય જાણ્યું ન હતું કે શરીર એટલે શું, સેક્સ એટલે શું, પ્રેમ એટલે શું! એ પછી બંને એકમેકને વીંટળાઈને ક્યાંય સુધી વાતો કર્યા કરતાં.

‘હું બદલાઈ રહી છું ઑસ્વાલ.’ એક દિવસ પોએટિકા તેના ચહેરા પર ઝૂકેલી ઑસ્વાલની આંખોમાં કશું જોઈને બોલી. ઑસ્વાલ સમજ્યો નહીં. ‘હું મનુષ્ય જેવી થઈ રહી છું!’

‘મને એમ કે શાપમાંથી છૂટીને તું બીજા જેવી સામાન્ય માણસ બની ગઈ છું. એમ નથી?’

‘મારી પાસે મનુષ્યનું શરીર છે, તેમ છતાં હું તમારા જેવી સજીવ નથી. કદાચ તું નહીં સમજી શકે, પણ હું જે છું એમાં પ્રેમ વડે બદલાવ આવી રહ્યો છે, પણ તું એમ બિલકુલ ના સમજીશ કે મને આ બદલાવ પસંદ નથી. મને પણ હું જેવી થઈ રહી છું એ ગમે જ છે.’

ઑસ્વાલે તેની આંખોમાં જોઈને સ્મિત વેર્યું. તે પોએટિકાને પ્રેમ કરતો હતો. તેને ઘણા પ્રશ્નો થતા હતા, પણ તેણે હવે સમજવાના પ્રયાસો પડતા મૂકી જે છે તેનો આનંદ લેતા શીખી લીધું હતું. બંનેએ ક્યાંય સુધી અપલક એકબીજાની આંખમાં જોયા કર્યું. ઑસ્વાલને ભાન થયું કે તે કેટલો બદલાઈ ચૂક્યો હતો, તેનું જીવન કેવું બદલાઈ ગયું હતું! પીડા આવી અને ચાલી ગયેલી, પણ પ્રેમ! પ્રેમ હવે તેના શરીર, તેના મન સાથે અભિન્ન થઈ ગયો હતો. પોએટિકાને તો તે પછી પ્રેમ કરતો થયેલો, શરૃમાં તેણે પોતાના શરીરમાં આવેલા મ્યૂટેશનને આદર આપ્યો, તેને ચાહ્યું. પ્રેમના રસ્તે તે એની નવી પ્રકૃતિને સાધી શક્યો. તે સમજી શક્યો કે ફૂલ હોવું એટલે શું? સૂરજના પ્રકાશના આલિંગનમાં ખીલવું એટલે શું અને રાતના અંધારામાં પોતાનું અસ્તિત્વ સંકોરી લેવું એટલે શું?

એક મોડી સવારે ઑસ્વાલ જાગ્યો, પણ બેડરૃમમાં પોએટિકાની કાયમી જગ્યા ખાલી હતી. તેનો જીવ ગભરાવા લાગ્યો. તે એના નામની બૂમ પાડે એ પહેલાં જ પોએટિકા કિચન તરફથી બેડરૃમમાં આવી. તેના હાથમાં કૉફી અને બ્રેકફાસ્ટ રાખેલી ટ્રે હતી. આ જોઈને ઑસ્વાલને આશ્ચર્ય થયું કે પોએટિકા તો જાદુઈ સજીવ છે, તેને ખોરાકની શું જરૃર?

‘મેં તને કહ્યું હતું ને ઑસ્વાલ, કે હું બદલાઈ રહી છું. મને હવે ક્યારેક ભૂખ લાગે છે.’ પોએટિકા તેનો ચહેરો વાંચી ગઈ. ઘણા બધા સવાલો આ ક્ષણે સામટા ઑસ્વાલના મન પર ત્રાટક્યા. તે સીધો વર્તમાનના આનંદમાંથી ભવિષ્યની ચિંતામાં પટકાયો. પોએટિકા બેડ પર સામે આવીને બેસી અને ખુરશી પર પડેલું પુસ્તક ઉપાડ્યું.

‘તું માણસ જેવી થઈ જઈશ પછી શું થશે?’ પોએટિકા કોઈ કવિતા શોધી પઠન કરે એ પહેલાં જ ઑસ્વાલે તેને પૂછ્યું.

‘શું થશે એટલે? હું પણ માણસ જેમ ઘરડી થઈશ અને અંતે મરી જઈશ!’ તે બોલી અને તેનું હાસ્ય ગુંજન કરવા લાગ્યું. પોએટિકાની નિર્દોશ કિલકારીથી ઑસ્વાલનું મન છલકાઈ તો ગયું, પણ તે પહેલીવાર કોઈ વાતે ગંભીર હતો.

‘અને હું? હું આ રીતે કેટલું જીવીશ?’

પોએટિકાએ કૉફીની સીપ ભરી મારકણી નજરે તેની સામે જોયું અને પુસ્તકમાંથી એક કવિતાની પંક્તિ વાંચી સંભળાવી, ‘આખરે પ્રેમ એ અમર થવાનો પ્રયાસ છે.’

ઑસ્વાલે વ્યાકુળતાથી પુસ્તક ખેંચ્યું, કૉફીનો મગ પાછો ટ્રેમાં મૂક્યો. ‘પોએટિકા, હું ગંભીરતાથી પૂછું છું. પ્લીઝ મને કહે, કે હું કેટલું જીવીશ? તને કંઈ થઈ જશે તો હું તારા વગર…’

પોએટિકા તેના ઢીલા પડેલા ચહેરાને જોતી રહી. બંને ક્ષણો સુધી નિઃશબ્દ બેઠાં રહ્યાં. પોએટિકા ધીમેથી ઊભી થવા લાગી. તે બુકશેલ્વમાંથી કવિતાનું કોઈ પુસ્તક શોધી લાવી અને એક પાનું ફાડીને ઑસ્વાલને આપ્યું. ‘મને સાચ્ચે જ ખબર નથી કે તારું શરીર આ બદલાવ સાથે કેટલું જીવશે, પણ ક્યારેક જો મને કશું થઈ જાય કે આપણે સાથે ના હોઈએ અને તારે મને જોવી હોય, મને મળવું હોય તો…’

ઑસ્વાલે કવિતાની પહેલી પંક્તિ વાંચી, ‘તારે મને કોઈ દિવસ જોવી હોય તો ત્યાં, સૂર્યાસ્તમાં શોધજે.’

ઑસ્વાલે કાગળ પાછો પુસ્તકમાં મૂક્યો અને મનોમન નિર્ધાર કર્યો કે તે કોઈ દિવસ પોએટિકાને કશું નહીં થવા દે. તે કાયમ એની સાથે રહેશે. તેણે પોએટિકાને નજીક ખેંચીને એવું પ્રગાઢ ચુંબન કર્યું જે તેણે આજ સુધી કોઈ સાથે ન કરેલું.

ક્યારેક પોએટિકાએ વાતવાતમાં કહેલું કે તેની જાદુઈ શક્તિ ક્ષીણ થઈ રહી હતી, પણ ઑસ્વાલને તેની જાદુઈ શક્તિમાં ખાસ રસ ન હતો. પોએટિકા તેની સાથે રહેતી ન હતી તો પણ, તે ગમે તે રીતે એના બંધ એપાર્ટમેન્ટમાં સવારે આવી જતી. ખાલીખમ કિચન ફરી ચોખ્ખું થઈ ખાદ્યસામગ્રીથી ભરાઈ રહ્યું હતું. પોએટિકાને હવે વાયોલિન પર મહારત આવી ગઈ હતી. રાત્રે તે એક રેસ્ટોરામાં ડિનર સમયે બે કલાક વાયોલિન વગાડવાં જવા લાગી હતી. તેને કવિતાઓ તો ખાસ ગમતી જ, સાથે તે દુનિયાભરનું બધું જ વાંચતી અને આ રીતે લોકોને, વિશ્વને સમજવા પ્રયત્ન કરતી. તેને ખ્યાલ આવી ગયો હતો કે તે ઑસ્વાલને આમ જ ચાહતી રહેશે તો જાદુઈ શક્તિ ગુમાવી દેશે અને સંપૂર્ણ રીતે મનુષ્ય થઈ જશે, પણ તે પોતાને પ્રેમ કરતાં અટકી શકતી નહીં. જાદુએ તેને જે કંઈ આપેલું એથી વિશેષ તેને પ્રેમ વડે મળ્યું હતું.

ઑસ્વાલે હવે પદ્ધતિસર સૂર્ય સામે તાકીને પોષણ મેળવવાનું શીખી લીધું હતું. તેને જાણવા મળેલું કે વિશ્વમાં ઘણા ‘બ્રિધેરિઅન’ હતા જે ફક્ત સૂર્યપ્રકાશ, હવા અને પાણી વડે પોષણ મેળવી જીવતા હોવાનો દાવો કરતા. લાંબા અભ્યાસ પછી તેનું શરીર આંખ વડે સૂર્યની શક્ય એટલી વધારે માત્રામાં ઊર્જાનું સંચયન કરવા કેળવાઈ ગયું હતું. છતાં હજુ, સાંજે મંદ પડતા પ્રકાશ સામે તેનું શરીર પહેલાં જેમ જ અશક્ત થઈને ઢળી પડતું. તેનું શરીર ઊર્જાનો સંગ્રહ કરતા શીખ્યું ન હતું. ઑસ્વાલને તેના ઉપાય અંગે જરા પણ અંદાજ ન હતો એટલે અંધારું ઘેરાય એ પહેલાં સૂઈ જવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ ન બચતો. તે શક્ય તેટલું વધારે જાગવા માંગતો. પોએટિકા સાથે સહવાસની ક્ષણો તેને કાયમ ઓછી પડતી. સામે પક્ષે, પોએટિકાએ હવે રાત્રે ઑસ્વાલના એપાર્ટમેન્ટ પર રોકાવાનું શરૃ કરી દીધેલું. તેનું શરીર હવે દિવસ પતે થાકી જતું. ઘરે આવી તે થોડીવાર કશું વાંચતી અને આંખ ઘેરાય એટલે ઑસ્વાલને વળગીને સૂઈ જતી.

એક મોડી રાત્રે પોએટિકા કાયમ જેમ વાંચતી હતી. ઑસ્વાલ બેડમાં મૂર્છામાં સૂતો હતો. તેનું મન આજે વાંચવામાં લાગતું ન હતું. એ ઘટનાને આ ઑગસ્ટમાં એક વર્ષ પૂરું થવાનું હતું જેણે બંનેને એકબીજા સાથે જોડ્યાં હતાં. પોએટિકાને એ દિવસ યાદ આવ્યો, ત્યાર પછીની સઘળી ક્ષણો યાદ આવી જે તેણે ઑસ્વાલ સાથે જીવી હતી. તે પુસ્તક બંધ કરી ઑસ્વાલ પાસે ગઈ અને તેના ચહેરાને વ્હાલથી ચૂમ્યો. તેને એકાએક ઘણું બધું કહેવાનું મન થયું.

‘ડીઅર ઑસ્વાલ, મને ખબર છે તું અત્યારે સાંભળતો નથી, પણ મને કહેવા દે. મારે બંધનમાંથી મુક્ત થઈને દુનિયા જાણવી હતી, મનુષ્યોને સમજવા હતા, પણ મહિનાઓ સુધી વિશ્વના ખૂણે-ખાંચે ફરીને મને દેખાયું કે પ્રેમ વગર બધું જ સમજવું અને જાણવું નકામું છે. કશું બળ મને તારા તરફ ખેંચવા લાગેલું. પ્રેમમાં બંધાઈને હું બાકીની દરેક કેદમાંથી જાણે મુક્ત…’

પોએટિકાએ પશ્ચિમની બારીએથી ઓચિંતા ધડાકાભેર આવતો અવાજ સાંભળ્યો અને તે ફફડી ગઈ. બારીનો કાચ કરચ થઈ જમીન પર વેરાયો અને બે જાદુઈ સજીવો બેડરૃમ વચ્ચે દૃશ્યમાન થયા. પોએટિકાના શ્વાસ થંભી ગયા. વિશાળ પાંખોવાળી બે પરીઓ જાંબલી રંગના, ફૂલોના ચમકતા પરિવેશમાં સામે ઊભી હતી. ઘાટીની પરીઓમાંની સૌથી શક્તિશાળી આ પરીઓ ઘાટીના અદૃશ્ય સજીવો પર એકાધિકાર જમાવી રાખતી હતી. પોએટિકા તેમની ક્ષમતાથી અજાણ ન હતી. તેને હતું કે તે જલદી માણસ બની જશે તો આ પરીઓ તેને ક્યારેય શોધી નહીં શકે.

‘તે સંધિ તોડી છે. તું અમારી દીકરી જેવી છો અને આપણે સૌ ઘાટીનાં સંતાનો છીએ, એક પરિવાર છીએ. અમે તને લેવા આવ્યા છીએ. ચાલ…’

‘ઑસ્વાલ…’ તેણે ચીસ પાડી પણ ઑસ્વાલ કશું સાંભળી શકે એમ ન હતો. તે જાગતો હોત તો પણ કશું ન કરી શકત. પોએટિકાનો અવાજ રૃંધાઈ ગયો. હવામાં એક સફેદ રંગનું ફૂલ વિદ્યમાન થયું. પોએટિકાનું શરીર સૂકી પાંદડીઓ જેમ ક્ષય પામીને જમીન પર વિખરાવા લાગ્યું. તેનો આત્મા સફેદ ફૂલમાં કેદ થઈ ગયો. બીજી જ ક્ષણે બંને પરીઓ અને સફેદ ફૂલ તેજ લિસોટા બની બારીમાંથી રાત્રીના આકાશમાં અદૃશ્ય થઈ ગયાં. જમીન પર તૂટેલા કાચની કરચ અને સૂકાયેલી પાંદડીઓનો ભૂકો સવારે ઑસ્વાલ ઊઠે ત્યારે તેના આક્રંદની રાહ જોતા પડ્યાં રહ્યાં.

* * *

સપ્તાહ સુધી ન તો તે એપાર્ટમેન્ટની બહાર નીકળ્યો, ન તેણે બારીની કરચ સાફ કરી, ન પાંદડીઓના ભૂકાને વાળીને જમા કર્યો. શૂન્યમાં તાકતો ઑસ્વાલ રાહ જોતો રહ્યો કે પોએટિકા હમણાં પાછી ફરશે, હમણાં પાંદડીઓના ભૂકામાંથી સુંદર ફૂલ બનીને પોએટિકા ફરી જન્મ લેશે, પણ કલાકો સુધી પાંદડીઓનો ભૂકો જોઈ તેનું હૃદય ગ્લાનિમાં ડૂબી જતું. શું પોએટિકા મૃત્યુ પામી હશે? શું તેના જાદુમાં જ તેનો જાન હતો? ઑસ્વાલને તે રાત્રે શું થયું એનો લેશમાત્ર ખ્યાલ ન હતો, પણ બારીનો તૂટેલો કાચ તેને સતત કહેતો હતો કે કશું અણધાર્યું તો અવશ્ય થયું હતું.

આખરે તેણે સ્વીકારી લેવું પડ્યું કે પોએટિકા કાયમ માટે ચાલી ગઈ હતી. તેણે પાંદડીઓનો ભૂકો એક પતરાના બોક્સમાં સાચવીને મૂકી દીધો. જીવન પહેલા જેમ ચાલવા લાગ્યું, પણ પોએટિકા વગર જીવવું તેને નિરર્થક લાગતું હતું.

‘તારે મને કોઈ દિવસ જોવી હોય તો ત્યાં, સૂર્યાસ્તમાં શોધજે.’

ઑસ્વાલ રોજ સાંજે હાથમાં એ કાગળ લઈને વાંચ્યા કરતો. બેડરૃમની પશ્ચિમમાં પડતી બારીમાં આથમતી ક્ષણો નજીક આવતી જતી. ઑસ્વાલ વિચારતો રહેતો કે જો અમુક મિનિટ સુધી તે જાગી શકતો હોત તો કદાચ સૂર્યાસ્તમાં પોએટિકાને જોઈ શકત! પણ જેમ એક-એક કરીને પળ સરકતી જતી તેમ તેની દૃષ્ટિ ધૂંધળી થવા લાગતી. તે મક્કમતાથી જાગતા રહેવાનો પ્રયત્ન કરતો, પણ થાકતાં જતાં શરીર સામે તે અભાનતામાં હાર સ્વીકારી લેતો. શરીર જાન વગરના પીંજર જેમ બેડ પર ઢળી પડતું અને દરરોજ ઑસ્વાલ સૂર્યાસ્ત જોઈ શકે એ પહેલાં જ લાંબી નિદ્રામાં ડૂબી જતો.

* * *

‘અને પાછા ફરીને તું રહીશ ક્યાં?’

‘હું પાછો ફરવાનો જ નથી. તું પ્લીઝ મને કોઈ સારો ખરીદદાર શોધી આપ.’ ઑસ્વાલે એડવર્ડ બૌમોન્ટની મદદ માગી હતી. એપાર્ટમેન્ટ વેચીને તેણે કાયમ માટે ભારત ચાલ્યા જવાનો નિર્ણય કર્યો હતો. અમુક દિવસો સુધી ઑસ્વાલ પાસે રહીને, તેની સ્થિતિ નજરોનજર જોઈને એડવર્ડને ઑસ્વાલ પર વિશ્વાસ આવ્યો હતો. ઑસ્વાલના શરીરને શું થયું હતું એનો તાર્કિક ખુલાસો એડવર્ડ પાસે હતો જ નહીં છતાં ઑસ્વાલ મેડિકલ સાયન્સની મદદ લે અને ઇલાજ કરાવે એ વાત પર જ એડવર્ડ હજુ જોર આપતો હતો, પણ ઑસ્વાલની લાગણી થીજી ગઈ હતી.

છેવટે ઑસ્વાલ બધું પાછળ છોડીને ભ્યુન્દર ઘાટીમાં આવી ગયો. એડવર્ડ છેક પેરિસથી ગોવિંદઘાટ સુધી તેની સાથે આવ્યો હતો. તેણે પણ છેવટે સ્વીકાર્યું કે ઘણાબધા રહસ્યો સંતાડીને બેઠેલા હિમાલયના ખોળામાં જ હવે ઑસ્વાલનું સાચું ઘર હતું. છેલ્લીવાર ઑસ્વાલને ભેટીને વિદાય આપી એડવર્ડે સમયાંતરે તેની મુલાકાત લેવાનું વચન આપ્યું.

ઑસ્વાલ હવે ક્યારેક ફૂલોની ઘાટીમાં તો ક્યારેક હેમકુંડ તળાવ આસપાસના પર્વતો પર ભટક્યા કરતો, વાદળો પાછળ લપાતા-છૂપાતા સૂરજને શક્ય હોય ત્યાં સુધી તાક્યા કરતો. એક લાકડાની જર્જરિત કુટિર તેનું ઘર બની ગઈ હતી જ્યાં તે સાંજ પહેલાં આવીને સૂઈ જતો. રોજગાર શોધવા દિલ્લી ચાલ્યો ગયેલો દોરશા એકવાર પાછો ફર્યો અને ઑસ્વાલે તેને મળીને બધી વાત કરી, એક પણ શબ્દ ચોર્યા વગર બધી જ વાત. ઑસ્વાલને વિશ્વાસ હતો કે દોરશા કદાચ તેની મદદ કરી શકતો હતો. દોરશા એ મુલાકાત પછી દિવસો સુધી ગાયબ રહેલો. ઑસ્વાલને હકીકતો જણાવવા પર ખેદ પણ થયો, ‘દોરશા મારાથી ડરી ગયો હશે?’ પણ દોરશા આઠમે દિવસે મોડી સવારે પાછો ફર્યો.

‘પ્રિક્લી ચાફ. આ તો તને ગમે ત્યાં મળી જાય. આટલા દિવસ તું ક્યાં હતો દોરશા?’ દોરશાના હાથમાં ખેતરો આસપાસ સામાન્ય રીતે ઊગી નીકળતો છોડ હતો. એક હાથ લાંબી અમુક દાંડીઓ હતી જેના પર બિડાયેલા કમળ જેમ અડધો સેમી નાના, જાંબલી અને લીલા રંગના ફોતરા જેવા ફૂલ ખીચોખીચ ગોઠવાયેલાં હતાં. દોરશાએ તેની કોઈ વાતનો જવાબ આપ્યા વગર સમજાવ્યું કે તેણે શું કરવાનું હતું. ઑસ્વાલને મનથી શાંતિ મળે એ માટે તેણે ફક્ત એટલું જ કહ્યું કે, તે આ છોડની દાંડીઓ એક પ્રખર યોગી પાસેથી લઈ આવ્યો હતો જેના વિશે કોઈ પણ વાત ન કરવા તે બંધાયેલો હતો. દોરશા ઘણા આત્મવિશ્વાસથી કહેતો રહ્યો કે ઑસ્વાલની સમસ્યાનો આ જ એક ઇલાજ હતો. ઑસ્વાલની કુટિર બહાર તેણે અગ્નિ પેટાવ્યો અને તપેલીમાં પાણી લઈ છોડની દાંડીઓ અંદર નાખી ઢાંકણ બંધ કર્યું. બંને અગ્નિ સામે જોતા થોડી વાર ચૂપચાપ બેસી રહ્યા.

‘આલ્કેમિ.’ ઑસ્વાલ બોલ્યો. દોરશાને કંઈ સમજ ન પડી. ‘આ તું જે કરે છે એ આલ્કેમિ. તને લાગે છે કે તું કોઈ જાદુઈ રીતે પીણું તૈયાર કરીને મને આપીશ અને હું આ ઔષધથી આવતીકાલે સાજો થઈ જઈશ. અને હું સાચું કહું છું કે મને તારી વાત પર પૂરો વિશ્વાસ છે.’

દોરશાએ ગરદન હલાવી અને તપેલીનું ઢાંકણ ઊંચકીને જોયું તો પાણી જાંબલી પડતો લીલો રંગ પકડી રહ્યું હતું. તેણે ઑસ્વાલને ઇશારો કર્યો અને ઑસ્વાલે પતરાના બોક્સમાં સાચવી રાખેલો પાંદડીઓનો ભુક્કો તપેલી અંદર ઉમેરી દીધો. દોરશાએ ફરી પાત્ર બંધ કર્યું.

‘અત્યારે મને વિચાર આવે છે કે જીવનનાં કેટલાં વર્ષો હું એવી ભ્રમણામાં જીવ્યો હતો કે હું પ્રેમને સમજંુ છું. સૃષ્ટિ આપણી આગળ નક્કર વાસ્તવિકતાનું સ્વરૃપ લઈને વ્યક્ત થતી હોય છે અને પ્રેમને પણ લોકો નક્કર ચીજો સાથે જોડીને સમજવા પ્રયત્ન કરતા રહે છે, પણ ખરેખર તો પ્રેમ આ ઠોસ વાસ્તવિક વિશ્વનાં જોડાણો વચ્ચે પ્રવર્તતો ધ્વનિ છે, એક લય છે જેને ઘોંઘાટ વચ્ચે આપણે ભાગ્યે જ સાંભળીએ છીએ.’

ઑસ્વાલ જે બોલ્યો એ દોરશાને સાંભળવું ગમ્યું, પણ વધારે મગજ દોડાવ્યા વગર તેણે વાતમાં હામી ભરી. ઑસ્વાલ થોડું વિચારીને ફરી બોલવા લાગ્યો. ‘મેં એ ધ્વનિ સાંભળ્યો. પાણીના પ્રવાહ અંદર, સૂર્યનાં કિરણો અંદર, પોએટિકાના સંગીત અંદર. ફૂલોની સુવાસમાં પણ અને સતત સ્થિર લાગતાં આ ચલાયમાન આકાશમાં પણ.’ ઑસ્વાલ ઉત્સાહમાં આવી ગયો. તેને ખુશીથી નાચવાનું મન થઈ રહ્યું હતું.

‘દોરશા, આપણે નાચીએ! ચાલ…’ તે ઊભો થયો અને દોરશાનો હાથ પકડી તેને પણ ઊભો કર્યો. દોરશાએ પહેલા આનાકાની કરી પણ ઑસ્વાલને ખુશ જોઈને તે તાનમાં આવ્યો અને પહાડી લોકગીત યાદ કરી ગાવા લાગ્યો. બંને અગ્નિ આસપાસ ક્યાંય સુધી નાચતા રહ્યા. આવતીકાલે શું થશે એની ચિંતા પડતી મૂકી ઑસ્વાલે આ ક્ષણોને દિલભરીને જીવી લીધી.

બીજા દિવસે જાગ્યા પછી ઑસ્વાલ ફૂલોની ઘાટી તરફ ચાલી નીકળ્યો. કાલે દોરશાએ તૈયાર કરી આપેલું ઔષધ તેણે એક થર્મોસમાં ભરી સાથે લીધું. તે ઘાટીની એક ઊંચી ટેકરી સુધી જઈને આખો દિવસ સ્વચ્છ આકાશમાં સૂર્યને નિહાળતો રહ્યો. તેને પ્રાર્થના કરવાનું મન થયું. તેણે પોએટિકાને યાદ કરી, દોરશાનો આભાર માન્યો, એડવર્ડને પરેશાની આપવા માટે માફી માગી. જીવનમાં તેને મળેલા, તેને યાદ આવતા દરેક મનુષ્યનો આભાર માની ભૂલો માટે પસ્તાવો કર્યો. સાંજ સુધીમાં તેનું મન જાણે ઘણી બધી ગ્રંથિઓથી છૂટીને હળવું થઈ ગયું હતું. સૂરજ ક્ષિતિજ તરફ સરકતો જતો હતો. ઑસ્વાલે દોરશાએ આપેલું થર્મોસ ખોલ્યું અને એક ઘૂંટમાં બધું પ્રવાહી પી ગયો.

સૂર્ય સંકોચાઈને ક્ષિતિજને અડે એ પહેલાં જ વાદળોના અંધારામાં ઓગળવા લાગ્યો હતો. નારંગી રંગછાયું આકાશ ઓચિંતું વધારે માત્રામાં ચમકતું હોય એમ ઑસ્વાલને લાગ્યું. સૂરજનું છેલ્લું કિરણ વિસ્મૃત થાય ત્યાં સુધી તેની નજર પશ્ચિમ તરફ જડાયેલી રહી. છેવટે, આજે કેટલા સમય બાદ તેની આંખો સૂર્યાસ્ત જોવા સદ્દભાગી બની હતી! તે

જાગૃત હતો, તેનું શરીર હોશમાં હતું. તે નાના બાળક જેમ ખુશી વ્યક્ત કરતો રડવા લાગ્યો!

સૂર્યનું આખરી કિરણ અલોપ થયું એ પછી ઑસ્વાલના શ્વાસ ઉત્તેજિત થવા લાગ્યા. એ જ સુગંધ જે તેને એકવાર વીંટળાયેલી તે ફરી ઑસ્વાલને આલિંગનમાં લેવા ઘાટીમાંથી ઊઠતી હતી. આ શું થઈ રહ્યું હતું એ તેને સમજાય એ પહેલાં તો આંખ સામે એક દિવ્ય પ્રકાશ ચમકવા લાગ્યો અને તેણે પોએટિકાને જોેઈ!

‘ઑસ્વાલ…’ ફૂલોના વેશમાં પોએટિકા તેને ભેટવા નજીક આવતી ગઈ. ઑસ્વાલ આ ક્ષણે સઘળું જ ભૂલી ગયો. તે ઊભો થયો અને સફેદ પ્રકાશમાં નહાતી પોએટિકાના આલિંગનમાં એક થઈ ગયો.

દોરશા કે ઑસ્વાલ, કોઈને પણ ખબર ન હતી કે પેલા અજાણ્યા યોગીએ આપેલી અપામાર્ગ નામની વનસ્પતિ તંત્ર વડે સિદ્ધ કરેલી હતી. તે વનસ્પતિએ ઑસ્વાલને શાપમાંથી છોડાવી પહેલા જેવો મનુષ્ય બનાવવાને બદલે કાયમ માટે શરીરના બંધનમાંથી મુક્ત કરી દીધો.

* * *

એડવર્ડ થોડા મહિના પછી ફરી ભારત આવ્યો હતો. તેણે ઑસ્વાલને શોધવાના પ્રયત્નો કર્યા, પણ ઑસ્વાલની કશી જ ભાળ ના મળી. ઑસ્વાલ ગાયબ થઈ ગયો એ પછી, ડરનો માર્યો દોરશા તો ગામ પાછો જતો તો પણ દિવસેય ફૂલોની ઘાટીમાં જવાની હિંમત ન કરતો. દિલ્લીની એક હોટેલમાં કામ કરતા દોરશાને એડવર્ડે શોધી કાઢ્યો. શંકાશીલ એડવર્ડે ઘણુ પૂછ્યું પણ, દોરશાએ ઑસ્વાલ સાથેની છેલ્લી મુલાકાતનું રહસ્ય કાયમ માટે સ્મૃતિમાં ધરબી દીધું હતું.

એ મુલાકાતના દિવસો બાદ દોરશાની નજર અખબારમાં છપાયેલી એક તસવીર પર પડી. તસવીર નીચે સમાચાર હતા કે, ‘વિશ્વવિખ્યાત વેલિ ઓફ ફ્લાવરમાં ઊંચાઈ પર ઊગતાં નવા જ પ્રકારની ફૂલની પ્રજાતિ મળી આવી છે.’ દોરશા જાણતો હતો કે ફૂલોની ઘાટીમાં એડવર્ડને એક ટેકરી પર જે ફૂલ દેખાયેલું તે આ જ ફૂલ! એ તસવીર વિશ્વભરમાં વાઇરલ થઈ રહી હતી. દોરશાએ સમાચાર વાંચીને ક્યાંય સુધી તસવીર જોયા કરી. એક જ છોડની બે ડાળીઓ પર જોડીમાં ખીલેલાં, અર્ધવર્તુળાકાર વાદળી અને સફેદ ફૂલ જાણે એકબીજાને ચૂમી રહ્યાં છે. નીચે છપાયેલા એડવર્ડના ઇન્ટરવ્યૂમાં લખ્યું હતું, ‘વિજ્ઞાનીઓ હજુ આ ફૂલના ગુણધર્મોનો અભ્યાસ કરી રહ્યા છે. નામકરણ પણ તેઓ જ કરશે. મને વધારે કંઈ ખબર નથી એટલે હું તમને આ ફૂલ વિષે ફક્ત એટલું જ કહી શકું કે આ ‘લવ ફ્લાવર’ છે.’

—————————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »