જાતીય શોષણના ખોટા આરોપો કર્યા એની ગભરાતાં કબૂલાત કરી
'તારા માટે હું લોટરી છું, લફડેબાજ નહીં. તું માગે છે એટલા આપીશ,
નવલકથા – ‘સત્ – અસત્’ – પ્રકરણઃ ૨૪
- સંગીતા-સુધીર
વહી ગયેલી વાર્તા…
મુંબઈના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત અખબારનું મથાળું વાંચીને રંજના સેનના હોશકોશ ઊડી ગયા. આ અખબારમાં રિપોર્ટર અટલે સત્યેન શાહ સામે કરવામાં આવેલા જાતીય શોષણના આક્ષેપોની તુરંત તપાસની માગણી કરી હતી. સત્યેન શાહે સોંપેલા મિશનને અટલ સુપેરે પાર પાડી રહ્યો હતો અને એ જ મિશનના ભાગરૃપે તેણે કોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી. એ જ સમાચાર પત્રમાં બીજા સમાચાર હતા કે સત્યેન શાહનો પરિવાર પણ સત્યેન શાહ સામે આક્ષેપો કરનાર સ્ત્રીઓ સામે માનહાનિનો દાવો કરવાની તૈયારી કરી રહ્યો છે. આ બધા સમાચાર વાંચીને રંજના સેનને ગભરામણ થવા લાગી. બીજી બધી સ્ત્રીઓએ કરેલા આક્ષેપો સાચા હોય કે ખોટા, પણ પોતે કરેલા આક્ષેપો સદંતર ખોટા છે એ સચ્ચાઈ બહાર આવશે તો શું હાલત થશે તેનો વિચાર કરીને રંજના સેનના હાંજા ગગડી ગયા હતા. છાપામાં છપાયેલા આ સમાચારે રંજના ઉપરાંત આરજેનો દિવસ પણ બગાડ્યો હતો. છાપામાં જય જનતા પાર્ટીમાં થયેલા કરોડોના ગોટાળાની તપાસ કરવાની માગ કરાઈ હતી. આરજે છાપું વાંચતો જ હતો કે ત્યાં તેના બંને મોબાઇલ અને લેન્ડલાઇનની ઘંટડીઓ રણકવા લાગી. એક ફોન જય જનતા પાર્ટીના પ્રેસિડન્ટ સિદ્ધાંતનો હતો. સિદ્ધાંત આરેજેને જણાવે છે કે પોતાની સાથે-સાથે આરજેની સામે પણ પિટિશન ફાઇલ કરવામાં આવી છે અને આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર આરજે છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરજે સિદ્ધાંતનો ફોન મૂકે છે કે તુરત જ તૈમૂરનો ફોન આવે છે. આરજેના પાસપોર્ટ જપ્ત કરવાના કોર્ટના આદેશની માહિતી તૈમૂર આરજેને આપે છે. આ સાંભળીને આરજે હતપ્રભ બની જાય છે.
હવે શું કરવું એ વિશે આરજે તૈમૂરને પૂછે છે. તૈમૂર આરજેને લંડન ભાગી જવાની સલાહ આપે છે. જો આરજે પકડાઈ જાય અને બધી માહિતી ઓકી નાખે તો તેમાં તૈમૂર પણ ભરાઈ જાય. તેથી તૈમૂર આરજેને દેશ છોડવાની સલાહ આપે છે. આરજે તૈમૂરનો ફોન મૂકીને કશો વિચાર કરે એ પહેલાં જ પોલીસ આરજેની ધરપકડ કરવા માટે તેના ઘરે આવે છે, પણ આરજે પોલીસ સાથે તડજોડ કરીને તેમને પાછી મોકલી દે છે.
હવે આગળ વાંચો…
ઇન્સ્પેક્ટર જાદવનું કહેવું સાંભળીને આરજેનો ગભરાટ ચાલી ગયો. એના મુખ ઉપર સ્મિત આવ્યું.
‘એટલા જ બીજા આપું તો ચાલશે?’
‘ના. કરોડોની છેતરપિંડી કરી છે. ફક્ત બે લાખ આપીને છટકી જવા માગો છો?’
‘કેટલા જોઈએ છે?’
‘દસ અને આ મારા બે કોન્સ્ટેબલોને પચાસ પચાસ હજાર.’
‘ઓહ! તો તારું મોઢું આટલું મોટું છે.’ અત્યાર સુધી ઇન્સ્પેક્ટરને માનાર્થે બોલાવતો આરજે હવે એને તુંકારે બોલાવવા લાગ્યો.
‘તમે લફરું પણ બહુ મોટું કર્યું છે.’
‘અચ્છા! તારી ડિમાન્ડ હું પૂરી કરીશ. પણ એક શરતે?’
‘લફડેબાજ કોઈ શરત મૂકી ન શકે.’ હવે ઇન્સ્પેક્ટર પણ તું-તા ઉપર આવી ગયો.
‘તારા માટે હું લોટરી છું, લફડેબાજ નહીં. તું માગે છે એટલા આપીશ, પણ મેં કહ્યું એવો જ રિપોર્ટ લખવાનો. ચાર દિવસ સુધી આ વૉરન્ટને ખિસ્સામાં જ મૂકી રાખવાનું. ચોથા દિવસે અહીં પાછો આવજે અને મારા નોકર સદુભાઉ પાસેથી ખરેખર આવું જ સાંભળજે.’
‘હું ટ્રાય કરીશ.’
‘ટ્રાય નહીં. મોંમાગી રકમ આપુું છું. પ્રોમિસ કર.’
‘અચ્છા!’
* * *
‘પણ કહે તો ખરો કે આપણે આમ અચાનક લંડન કેમ જઈ રહ્યાં છીએ?’
‘આપણે આજે બપોરની ફ્લાઇટમાં લંડન જઈએ છીએ’ એવું આરજેની પત્ની રોહિણીને જ્યારે એણે જણાવ્યું ત્યારે અચંબો પામેલી રોહિણીએ પ્રશ્ન કર્યો.
‘બસ મને મન થયું છે. બિગબૅનના ટકોરા સાંભળવા છે. હાઈડ પાર્કમાં સ્પીકર્સ કૉર્નરમાં ઊભા રહીને ભાષણ કરવું છે.’ થોડોક ગુસ્સો દેખાડતાં કટાક્ષમાં આરજેએ જવાબ આપ્યો.
‘આમ મશ્કરી ન કર. મને સાચું જણાવ.’
‘જો હમણા મારું માથું ઠેકાણે નથી. હું જેમ કહું છું એમ કર. સવાલો ન પૂછ. દસ મિનિટમાં આપણે અહીંથી નીકળી જવાનું છે અને ઝાઝું કંઈ લેવાની માથાકૂટ ન કરતી. બે-ચાર કપડાં બૅગમાં નાખી દેજે અને આપણા ચિરંજીવીને ઉઠાડ. દસ દસ વાગ્યા સુધી ઘોર્યા કરે છે, એને કહે કે ફટાફટ તૈયાર થઈ જાય.’
* * *
‘પપ્પા, અમને કહો તો ખરા આપણે આમ એકાએક કેમ લંડન જઈએ છીએ? ફેસબુક ઉપર એ લખવાની ના કેમ પાડો છો? મારા ફ્રેન્ડોને ખબર તો પડવી જોઈએ ને કે હું લંડન જાઉં છું.’
‘ચૂપ. કોઈને કંઈ ખબર પાડવાની જરૃર નથી. ખબરદાર છે, જો ફેસબુક, સ્નૅપચૅટ કે વૉટ્સઍપ ઉપર કંઈ પણ લખ્યું છે તો. તારો મોબાઇલ જ મને આપી દે અને તારો પણ.’ આરજેએ રોમેલ અને રોહિણી બંનેના મોબાઇલ કબજે કરી લીધા. ઇન્સ્પેક્ટરના ગયા પછી કલાકની અંદર જ ત્રણે જણ ફ્લેટની બહાર ફક્ત એક-એક હૅન્ડબૅગ લઈને નીકળી ગયાં. બપોરની ઍર ઇન્ડિયાની ફ્લાઈટ પકડતાં પહેલાં તેઓ બે-ત્રણ જુદાં જુદાં સેફ ડિપોઝિટ લૉકરોમાં ગયાં. ઍરપોર્ટ ઉપર પહોંચીને રોકડા પૈસા આપીને ફર્સ્ટ ક્લાસની ટિકિટો ખરીદી. આરજેએ પોતાની હૅન્ડબૅગ ચેકઇન કરી. કસ્ટમ અને ઇમિગ્રેશનમાંથી તેઓ જેવાં પસાર થયાં કે આરજેએ નિરાંતનો શ્વાસ લીધો. પ્લેન ઊપડવાની અણી પર હતું. પાઇલોટે ‘ફાસન યૉર સીટ બેલ્ટ. વી આર અબાઉટ ટુ ટેક ઑફ’ એવી સૂચના આપી અને આરજેને હાશ થઈ.
નૉનસ્ટૉપ લંડન જતા ઍર ઇન્ડિયાના પ્લેને રન-વે ઉપર દોડતાં ટેક ઑફ ન કરતાં અચાનક દોડવાનું બંધ કર્યું. ધીમે રહીને એ પાછું ફર્યું. ઍરપોર્ટના મકાનની નજીક જઈને ઊભું રહ્યું. આમ કેમ થયું? બધા જ પેસેન્જરો વિચારતા હતા. પાઇલોટ આને લગતું અનાઉન્સમૅન્ટ કરે એની સૌ રાહ જોતા હતા. આરજેની છાતી ધડકવા લાગી. થોડી વાર પછી સૂટ પહેરેલ બે વ્યક્તિ પ્લેનમાં પ્રવેશીને આરજેની સીટ પાસે આવી. એમાંના એકે આરજેને કહ્યું ઃ
‘મિસ્ટર રવીન્દ્ર જેસિંગલાલ ભગત, આપ અને આપની વાઈફ તેમ જ સન તમારા ત્રણેયની અમારે થોડીક પૂછપરછ કરવી છે. આપ સૌ પ્લેનમાંથી નીચે ઊતરો.’
‘કેમ? શા માટે?’ આરજેએ જોરથી બરાડો પાડ્યો. અચાનક એનું ધ્યાન એ બંને સૂટધારીઓએ એમના ઊંચા કરેલા કોટ ઉપર ગયું. એમના કમરના પટ્ટા ઉપર પિસ્તોલ લટકતી હતી. આરજેને સમજતાં વાર ન લાગી કે એ બંને છૂપા વેશધારી પોલીસ ઇન્સ્પેક્ટરો હતા.
‘મારા અગિયાર લાખ પાણીમાં ગયા. હવે અમારું શું થશે કોણ જાણે?’ મનોમન આવું વિચારતાં અફસોસ સાથે ગભરામણ અનુભવતા આરજેએ રોહિણી અને રોમેલને કહ્યું ઃ ‘આ લોકો આપણને સવાલ કરવા માગે છે. આપણે નીચે ઊતરવાનું છે.’
સવારથી શું થઈ રહ્યું છે એની રોહિણી અને રોમેલને સમજ પડતી ન હતી. તેઓ જેવાં ઊભાં થયાં કે ફટાફટ ઉપરના ખાનામાં એમણે મૂકેલી હૅન્ડબૅગો એ બંને શખ્સોએ ઉતારીને એનાં તાળાં ઉપર સ્ટિકર ચોંટાડી દીધાં. પછી એ ત્યાં ઊભેલ ઍર-હૉસ્ટેસના હાથમાં આપી ઃ ‘આને નીચે મોકલી દો.’
ઍરપોર્ટમાં પ્રવેશ્યા કે તુરંત જ એક પોલીસ ઇન્સ્પેક્ટરે આરજેને બેડી પહેરાવી દીધી. એની બાજુમાં ઊભેલા પોલીસે રોમેલને અને એક લેડી પોલીસે રોહિણીને પણ બેડી પહેરાવી દીધી.
‘અમને હથકડી કેમ પહેરાવી છે?’ આરજેએ સવાલ કર્યો.
‘આ બંનેની હૅન્ડબૅગમાંથી છુપાવેલા હીરાઓ, ડૉલર્સ અને પાઉન્ડ મળ્યા છે. તમારી હૅન્ડબૅગ તો આખી બ્રિટિશ પાઉન્ડથી ભરેલી છે. તમારા ત્રણેયની સ્મગલિંગના આરોપસર ધરપકડ કરવામાં આવે છે.
ઇન્સ્પેક્ટર જાદવે એનું પ્રોમિસ પાળ્યું હતું.
લોભિયા આરજેએ રોહિણી અને રોમેલ, આ બંનેની હૅન્ડબૅગમાં એમની જાણ વગર જુદાં જુદાં સેફ ડિપોઝિટ લૉકરોમાં એણે મૂકેલા થોડા હીરા અને પરદેશી ચલણ ચોરખાનામાં સંતાડીને મૂકી દીધા હતા. એણે પોતાની હૅન્ડબૅગ તો લંડન જવાનો હતો એટલે બ્રિટિશ પાઉન્ડથી ભરી દીધી હતી. આરજેને એમ કે કાપડની થેલીમાં મૂકેલ એ નોટોવાળી બૅગમાં શું છે એની સિક્યૉરિટીવાળાઓને જાણ નહીં થાય.
આરજેને આવું મૂર્ખામીભર્યું કાર્ય કરવાની મુદ્દલે જરૃર નહોતી. લંડન, સ્વિત્ઝરલૅન્ડ, સિંગાપોર અને હોંગકોંગ આ બધા જ દેશોની બેન્ક તેમ જ સેફ ડિપોઝિટ લૉકરોમાં એણે જય જનતા પાર્ટીના ઉચાપત કરેલા પુષ્કળ નાણા અને એમાંથી ખરીદેલા બહુમૂલ્યવાન ડાયમન્ડ્સ મૂક્યા હતા. લંડન પહોંચતાં જ એ ત્યાંની બૅન્કમાંથી એને જોઈએ એટલા પાઉન્ડ્સ મેળવી શકે એમ હતો, પણ કહેવાય છેને કે લોભને થોભ નથી હોતો.
આરજે, રોહિણી અને રોમેલ આ ત્રણેયની હૅન્ડબૅગો જ્યારે સિક્યૉરિટીના મશીનમાંથી પસાર થઈ ત્યારે એની ઉપર નજર રાખતા ઓફિસરને એકાએક પગમાં ખંજવાળ ઊપડી. એ પગ ખંજવાળવા વાંકો વળ્યો એટલામાં એમની બૅગો મશીનમાંથી ઑફિસરના જોયા સિવાય પસાર થઈ ગઈ. થોડા સમય પછી એ ઑફિસરની ડ્યુટી બદલાઈ. એની જગ્યાએ આવેલ એના ઉપરીએ સાહજિક રીતે આગળ કઈ કઈ બૅગો સ્ક્રીનમાંથી પસાર થઈ છે એ ચેક કર્યું. એનું ધ્યાન આરજે, રોહિણી અને રોમેલની હૅન્ડબૅગમાં સંતાડેલા હીરા, પાઉન્ડ તેમ જ ડૉલરની નોટો ઉપર પડ્યું. એણે તુરંત જ સીસીટીવી કૅમેરામાંથી એ સમયે સિક્યૉરિટીમાંથી કોણ કોણ પસાર થયું હતું એ જોયું.
* * *
‘સાલા, ગધેડા… મુંબઈ છોડીને આમ એકાએક લંડન ભાગી જવાની શું જરૃર હતી? અરે, ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટે ભલે તારી સામે વૉરન્ટ કાઢ્યું હોય, પણ હું બેઠો હતો ને? તને તુરંત જ જામીન ઉપર છોડાવત. આમ લંડન ભાગી જ જવું હતું તો આ બધું સાથે લઈ જવાની શું જરૃર હતી? ત્યાં તને જોઈએ એટલા પૈસા મળી શકે એમ છે. બીજી વાત, તારી ધરપકડ સ્મગલિંગ માટે કરવામાં આવી છે. મૅજિસ્ટ્રેટ નીલકંઠે તારી સામે જે વૉરન્ટ કાઢ્યું છે એની હેઠળ કરવામાં નથી આવી. આ લોકોને તો ખબર પણ નથી કે ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટે તારી સામે ધરપકડનું વૉરન્ટ ઇશ્યુ કર્યું છે.’
મુંબઈના ટોચના ક્રિમિનલ ઍડ્વોકેટ બિપિન જાનીએ સહાર પોલીસ સ્ટેશનમાં બેડી પહેરીને બેઠેલા એના મિત્ર આરજેને ધધડાવ્યો.
* * *
‘મિસ્ટર જાની, તમારા ક્લાયન્ટે આવું શા માટે કર્યું? તેઓ તો એક આગળ પડતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. પોલિટિકલ પાર્ટીના લીડર છે.’ નાઇટ મૅજિસ્ટ્રેટ સાળંુકેએ આરજે, રોહિણી અને રોમેલને બૅલ ઉપર છોડવા માટે બિપિન જાનીએ એ સાંજના જે અરજી કરી હતી એ વાંચ્યા બાદ પોતાનો અભિપ્રાય આપ્યો.
‘સર, ભૂલ કોણ નથી કરતું? આ તો એક સામાન્ય ઇકોનોમિક ઑફેન્સ છે. મારા ક્લાયન્ટ્સ કંઈ ક્રિમિનલ નથી. એમને જામીન તો તમારે આપવા જ જોઈએ.’
‘હા… હા, તેઓ ક્રિમિનલ હોય કે નહીં, તમારા ક્લાયન્ટ્સ છે એટલે તો એમને જામીન આપવા જ પડશે.’ ગવર્મેન્ટ સર્વન્ટ્સને અપાતા ફ્લેટ્સમાંના એક બે બેડરૃમ ધરાવતા ફ્લેટના ડ્રોઇંગરૃમમાં સોફા પર બેઠેલા મૅજિસ્ટ્રેટ સાળંુકેએ હસતાં હસતાં જણાવ્યું અને ઉમેર્યું, ‘ત્રણે જણને એક એક લાખ રૃપિયાના જામીન ઉપર છોડું છું. એમને તાકીદ કરજો કે ભવિષ્યમાં આવું ન કરે. હવે તો આપણી સરકાર એક વર્ષમાં અઢી લાખ ડૉલર પરદેશમાં લઈ જવા દે છે. આમ છુપાવીને પૈસા લઈ જવાની કંઈ જરૃર નથી.’
‘યસ યૉર વર્શિપ, આપની વાત ખૂબ સાચી છે. એક વધુ રિક્વેસ્ટ છે.’
‘હવે બીજું શું જોઈએ છે? તમારા ક્લાયન્ટ્સને જામીન પર તો છોડ્યા છે.’
‘યસ યૉર વર્શિપ, પણ અત્યારના રાતના જામીન આપવા માટે કોને શોધવા જઈએ? સર, ઑર્ડરમાં કૅશ બૅલ ઉપર છોડો એવું પણ જણાવો ને?’
‘રાત્રિના ત્રણ લાખ રૃપિયા તમે ક્યાંથી લાવશો? બેન્કો તો બંધ થઈ ગઈ છે.’
‘સર, એનો તો બંદોબસ્ત થઈ જશે.’ હસતાં હસતાં બિપિન જાનીએ કહ્યું.
‘હા, હું તો ભૂલી ગયો. તમે તો ટૉપના ક્રિમિનલ લૉયર છો અને તમારો ક્લાયન્ટ ટૉપનો બિઝનેસમેન છે. ત્રણ શું, ત્રીસ લાખ રૃપિયા તમે ચપટી વગાડતાં ગમે ત્યાંંથી ઊભા કરી શકો છો.’
‘અને હા, સર. રજિસ્ટ્રારને ડાયરેક્શન આપો કે તેઓ કૅશ બૅલની રકમ તુરંત જ સ્વીકારે. નહીં તો કાલ સવાર સુધી તેઓ આ રકમ સ્વીકારશે નહીં અને મારા ક્લાયન્ટ બિચારાઓને આખી રાત પોલીસ કસ્ટડીમાં રહેવું પડશે.’
‘ઓકે… ઓકે. તમે બધી જ પરિસ્થિતિનો ખ્યાલ રાખો છો.’ મૅજિસ્ટ્રેટે ફરી પાછા હસતાં હસતાં કહ્યું અને ઉમેર્યુંઃ ‘મિસ્ટર જાની, તમારી મીઠીબાઈ કૉલેજમાં કંઈ ઓળખાણ છે?’
‘કેમ?’
‘ના, બીજું કંઈ નહીં. મારી ડૉટરને એમાં ઍડ્મિશન લેવું છે. એના પરસન્ટેજ થોડા ઓછા છે એટલે કૉલેજવાળા બહુ મોટી કૅપિટેશન ફી માગે છે અને મિસ્ટર જાની, તમને કદાચ ખબર નહીં હોય, પણ હવે કૉલેજની ફી પણ લાખો રૃપિયા થઈ ગઈ છે.’
‘સર, તમે ચિંતા ન કરો. તમારી દીકરીનું ઍડ્મિશન મીઠીબાઈ કૉલેજમાં થઈ જશે અને સ્પેશિયલ ક્વોટામાંથી એને ફ્રીશિપ પણ મળી જશે. આખરે તમે પબ્લિક સર્વન્ટ છો. સમાજની સેવા કરો છો. આ જુઓને, રાત્રિના પણ તમે કામ જ કરો છો ને. અમારી પણ ફરજ છે કે અમે તમારા પરિવાર માટે કંઈક કરી છૂટીએ.’
* * *
આજના કમ્પ્યુટર યુગમાં ઈ-મેઇલ, વૉટ્સઍપ, વીડિયો કૉન્ફરન્સ, ઇન્ટરનેટ આ સર્વેના કારણે સંદેશાની આપ-લે તેમ જ દસ્તાવેજો અને ફોટાઓ પળવારમાં દુનિયાના એક ખૂણામાંથી બીજા ખૂણામાં મોકલાવી શકાય છે. ઉત્તર ધ્રુવમાં બેઠેલ વ્યક્તિ દક્ષિણ ધ્રુવની વ્યક્તિને હાજરાહજૂર રૃપે જોઈને એની જોડે વાતો કરી શકે છે. દુનિયાના કોઈ પણ ખૂણે બનતી ઘટનાના સમાચારો વીજળીની નહીં, સૂર્યના પ્રકાશની ઝડપથી ફેલાઈ જાય છે. પૃથ્વી સંકોચાઈને નાની થઈ ગઈ છે. સામાન્ય મનુષ્યની જાણકારી આજથી પચ્ચીસ વર્ષ પહેલાં હતી એનાથી પચ્ચીસ ગણી વધુ થઈ ગઈ છે.
જય જનતા પાર્ટીનાં ભારતમાં જેટલાં બેન્ક એકાઉન્ટ્સ હતાં એ બધી જ બેન્કો પાસેથી છેલ્લાં પાંચ વર્ષનાં સ્ટેટમેન્ટ્સ અને ઇન્કમ ટેક્સ ઑફિસમાંથી પાર્ટીના પાછલાં પાંચ વર્ષના રિટર્ન્સ મેળવીને અટલે સત્યેન શાહને એ બધા ઈ-મેઇલથી મોકલ્યા હતા. આ બધાનું બારીકાઈથી નિરીક્ષણ કરતાં સત્યેન શાહની આંખો ફાટી ગઈ હતી. આટલી હદ સુધી ખુલ્લંખુલ્લા છેતરપિંડી થઈ શકે એની સત્યેન જેવા ટોચના ઉદ્યોગપતિને પણ જાણ નહોતી. પાર્ટીની જે નાની-મોટી સભાઓ એ પાંચ વર્ષ દરમિયાન યોજાઈ હતી, પાર્ટીએ જે-જે કાર્યક્રમો આયોજ્યા હતા, અખબારોમાં, મૅગેઝિનોમાં, રસ્તા ઉપરના હૉર્ડિંગ્સમાં જે-જે જાહેરાતો કરી હતી આ સર્વેનો સામાન્ય જેટલો ખર્ચો આવે એનાથી પહેલાં દસ ગણો, પછી પચાસ ગણો અને ગયા વર્ષે તો સો ગણો થયો હતો એવું પાર્ટીના આઈટી રિટર્ન્સ અને બેન્કોનાં એકાઉન્ટ્સમાંથી ડેબિટ થયેલી એન્ટ્રીઓ દેખાડતી હતી. અમુક ખર્ચાઓ તો કાલ્પનિક સભાઓ, કાર્યક્રમો અને મિજબાનીઓના હતા. પાર્ટીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે તો ફક્ત આ બધા જ ખર્ચાઓનાં જે બનાવટી વાઉચરો રજૂ કરાયાં હતાં એના આધારે એ સર્વે માન્ય કર્યા હતા. એક સામાન્ય માનવીને પણ પ્રશ્ન થાય કે એક નાનકડા કાર્યક્રમ જેમાં સોથી બસ્સો લોકોની હાજરી હોય એ માટે હજાર ખુરસી શા માટે ભાડેથી મગાવવી જોઈએ અને એક ખુરસી નવી ખરીદે તો એની કિંમત હજાર-બે હજારથી વધુ ન હોય એ માટે ફક્ત થોડા કલાકના ભાડા પેટે શા માટે હજાર રૃપિયા આપવામાં આવ્યા હોય. આમ છતાં આરજેના મળતિયા બાહોશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને આવો પ્રશ્ન ઉદ્ભવ્યો નહોતો. એણે તો પાર્ટીએ જે ખર્ચો બતાડ્યો હતો, જે પ્રમાણે ખર્ચાનાં વાઉચરો રજૂ થયાં હતાં એ મુજબ પાર્ટીનાં એકાઉન્ટ્સ બરાબર છે એવું સર્ટિફિકેટ આપ્યું હતું. આવા આવા તો કંઈકેટલાય દેખીતી રીતના ગોટાળાઓ સત્યેને પાર્ટીના હિસાબો જોતાં જ પકડી પાડ્યા. હવે એની સમજમાં આવ્યું કે પાર્ટીનું ફંડ કેવી રીતે ઉચાપત થતું હતું. આ બધા ઑફિશિયલ ખર્ચાઓ આરજેએ ઊભી કરેલી જુદી જુદી કંપનીઓને પાર્ટી ચૂકવતી હતી અને એ રકમ આરજે પોતાની ઊભી કરેલી કંપનીઓમાંથી પોતે મેળવી લેતો હતો.
‘સર, આઈટી રિટર્ન્સ અને બેન્ક સ્ટેટમેન્ટ્સ તો મેં રાઈટ ટુ ઇન્ફોર્મેશન ઍક્ટ, તમારું નામ, થોડું ઘણુ મારું પણ નામ વાપરી સાથે સાથે સામ, દામ, દંડ અને ભેદ આ સઘળું અજમાવીને મેળવ્યાં, પણ તમે કહો છો એમ પાર્ટીનાં એકાઉન્ટ્સમાંથી જે જુદા જુદા કૉન્ટ્રાક્ટરોની કંપનીઓને પૈસા ચૂકવવામાં આવ્યા છે એ બધી કંપનીઓનાં બેન્ક એકાઉન્ટ્સ અને એમની બધી વિગતો, આ બધું મેળવવું અસંભવ ભલે ન હોય, પણ અત્યંત કઠણ છે. એ મેળવતા દિવસો લાગી જશે. એવું કરતાં મારી અને સાથે-સાથે તમારી ઓળખ પણ છતી થઈ જશે.’ અટલે સત્યેન શાહને એમનો જે વૉટ્સઍપ ઉપર વાર્તાલાપ ચાલી રહ્યો હતો એ દરમિયાન જણાવ્યું.
‘હમ્મ્… પણ આરજેની ઇન્ડિયામાં ક્યાં ક્યાં અને કઈ કઈ પ્રોપર્ટીઓ છે, એનાં પોતાનાં, એનાં ફૅમિલીનાં તેમ જ બેનામી કેટલાં બેન્ક એકાઉન્ટ્સ છે, સેફ ડિપોઝિટ લૉકર્સ છે એની તો તું ભાળ મેળવી શકે છે.’
‘એ કામ પણ મુશ્કેલ તો છે જ, પણ હું કોશિશ કરીશ. એકાદ ડિટેક્ટિવ એજન્સીને આ માટે રોકીશ. સર, આ તમે એક બહુ મોટું અભિયાન હાથમાં લીધું છે. આરજે અને એની જોડે સંકળાયેલા જય જનતા પાર્ટીના અનેક સભ્યો તમારી વિરુદ્ધ થઈ ગયા છે. આમેય પેલી પાંચ સ્ત્રીઓએ તમને બદનામ કરી નાખ્યા છે. એમાં તમે પાછા અહીંથી ગેરહાજર થઈ ગયા છો એટલે તમારી વધુ નામોશી થઈ છે. આ બધું કરીને આરજેનાં કૌભાંડો બહાર પાડીને તમને શું લાભ થવાનો છે?’
‘અટલ, તું જાનનું જોખમ ખેડીને અમુક બાતમીઓ મેળવે છે અને પછી એ અખબારમાં પ્રસિદ્ધ કરે છે એમાં તને શું લાભ થાય છે? પાંચ-પંદર હજાર રૃપિયા રિપોર્ટ લખવા માટે મળે એ માટે તું કંઈ તારી જાતને જોખમમાં ન નાખે.’
‘સર, એક રિપોર્ટર તરીકે મારી ફરજ છે કે હું દુષ્કૃત્યોને બહાર પાડું. જનતાને જણાવું કે એમની વચ્ચે બગલા જેવાં ધોળાં કપડાં પહેરીને ફરતા લોકો કેવાં કાળાં કૃત્યો આચરે છે. જેમ એક ડૉક્ટરની ફરજ હોય છે કે તેઓ પેશન્ટનો જીવ બચાવવા હંમેશાં તત્પર રહે, એક ઍડ્વોકેટની ફરજ હોય છે કે એક અપરાધીને કાયદા હેઠળ જે રક્ષણ મળતું હોય એ અપાવે તેમ જ એક રિપોર્ટરની પણ એ ફરજ હોય છે કે એણે સત્ય હકીકત સમાજને જણાવવી. ભલે પછી એ સારી વાત હોય કે નઠારી.’
‘બસ… તો એમ સમજી લે કે ભારતના એક નાગરિક તરીકે મારી પણ આ એક ફરજ છે. ભારતની આગળ પડતી રાજકીય પાર્ટી, જે પાર્ટીના હાથમાં ભવિષ્યમાં સત્તાની દોર આવી શકે એ પાર્ટીમાં સડો છે. આ વાતની જાણ થતાં મારાથી ચૂપ કેમ રહેવાય? ફક્ત ભારતમાંથી જ નહીં, પરદેશમાંથી પણ જય જનતા પાર્ટીને લખલૂટ પૈસા એમના સિદ્ધાંતોના અમલ માટે આપવામાં આવે છે. જો એ પૈસાનો ગેરઉપયોગ થતો હોય, એ પૈસા ચાંઉ થઈ જતા હોય તો પાર્ટીના સભ્ય તરીકે અને દેશના નાગરિક તરીકે મારી ફરજ છે કે એની સર્વેની સૌને જાણ કરવી અને એ ખોટું કાર્ય અટકાવવું.’
‘પણ સર, તમને એવું નથી લાગતું કે તમે પાર્ટીના હિસાબો વિશે સવાલો કર્યા, ઇન્ડિપેન્ડેન્ટ ઑડિટર આગળ એ તપાસવા જોઈએ એવી ઇચ્છા પ્રદર્શિત કરી એટલે તમારી વિરુદ્ધ જાતીય શોષણના આક્ષેપો થયા?’
‘અટલ, તારું આવું વિચારવું એકદમ સાચું છે. વર્ષો પહેલાં મેં જુદી-જુદી સ્ત્રીઓનું જાતીય શોષણ કર્યું હતું, એમના ઉપર બળાત્કાર કર્યા હતા એવા ખોટા આક્ષેપો મેં પાર્ટીના હિસાબો માટે શંકા પ્રદર્શિત કરી એટલે જ થયા છે. આ બધી જ સ્ત્રીઓને મારી વિરુદ્ધ આવા જુઠ્ઠા આક્ષેપો કરવાનું કહેવામાં આવ્યું છે.’
‘સર, મને બે વાત નથી સમજાતી.’
‘કઈ?’
‘આ બધી જ આધેડ વયની, ખૂબ જ મોટા ઘરની, પૈસાપાત્ર અને સમ્માનિત સ્ત્રીઓ છે. એમને એવી શું લાલચ આપવામાં આવી હશે, જેથી તેઓ તમારી વિરુદ્ધ આવા ખોટા આક્ષેપો કરે? તમારી જોડે એમાંની કોઈને દુશ્મની નથી.’
‘અને બીજી? બીજી કઈ વાત સમજાતી નથી?’
‘તમે લેખિકા રંજના સેનને કેમ આ પાંચ સ્ત્રીઓમાંથી જુદી પાડી દીધી છે? એના પ્રત્યે કૂણી લાગણી શા માટે દર્શાવી છે?’
‘દરેક વ્યક્તિ, પછી એ ભલે ગમે એટલી મોટી હોય, ગમે તેટલો ઊંચો સામાજિક દરજ્જો ધરાવતી હોય, ગમે તેટલી પૈસાપાત્ર હોય, લોકોની નજરમાં સર્વે વાતોએ સંપન્ન હોય તોયે એની પોતાની કોઈ ને કોઈ ઇચ્છા, મહેચ્છા અધૂરી હોય જ છે. દરેક મનુષ્યના જીવનમાં એકાદ અણછાજતો, અણગમતો બનાવ બન્યો જ હોય છે. એ છુપાવવાની કોશિશ તેઓ સતત કરતા જ હોય છે. જો એ વ્યક્તિની આવી અધૂરી આકાંક્ષા પૂરી કરવાની લાલચ આપવામાં આવે, એના જીવનનો અણછાજતો બનાવ છતો કરવાની ધમકી આપવામાં આવે તો એ વ્યક્તિ પાસેથી લાલચ આપનાર, ધમકી આપનાર પોતાનું ધાર્યું કાર્ય કરાવી શકે. આ સ્ત્રીઓની બાબતમાં પણ આવું જ કંઈક થયું હશે. તેઓએ મારી સામે જે આક્ષેપો કર્યા છે એ સરાસર જુઠ્ઠા છે. એ જુઠ્ઠા પુરવાર કરવા માટેના મારી પાસે પૂરતા પુરાવાઓ છે.’
‘તો સર, એ પુરાવાઓ રજૂ કરીને જ કેમ તમે એ બધી સ્ત્રીઓને જુઠ્ઠી સાબિત નથી કરતા? શા માટે તમે એમની સામે જે કાયદાકીય પગલાં લેવડાવ્યાં છે એ કોર્ટના દાવાઓ અને પિટિશનોમાં ચોખ્ખેચોખા જણાવ્યા નથી? શા માટે તમે સાચ્ચા હોવા છતાં આમ અજ્ઞાતવાસમાં ચાલી ગયા છો?’
‘એ સ્ત્રીઓને કોણે લાલચ આપી છે? કોણે ધમકી આપી છે? મારે એ જાણવું છે. એ સ્ત્રીઓ તો ફક્ત હાથાઓ છે. એમને નચાવનાર, ખરો ખેલ કરાવનાર કોણ છે? મારે એમને પકડી પાડવા છે.’
‘એ તો આરજે છે.’
‘ના. આરજે પણ એ સ્ત્રીઓની જેમ જ એક હાથો છે. ડુગડુગી વગાડનાર કોઈ બીજું છે. આરજે તો એ મદારીના કહેવા પ્રમાણે ફક્ત નાચે છે. હા, એમ કરતાં એણે પોતાની અક્કલ, હોશિયારી પ્રમાણે, પોતાના ફાયદા માટે મોટા પૈસાની ઉચાપત જરૃર કરી છે, પણ જય જનતા પાર્ટી સામેનું ષડ્યંત્ર આયોજવાવાળું કોઈ બીજું જ છે.’
‘અને રંજના સેન? એના પ્રત્યે નરમાશ કેમ? એ બીજી સ્ત્રીઓની જેવી નથી?’
‘મને લાગે છે કે રંજના સેને મારી સામે આક્ષેપો કોઈના કહેવાથી નહીં, પણ પોતાની જાતે જ કર્યા છે. મારી સામે આક્ષેપો કરતાં ચાર સ્ત્રીઓને જે જબરજસ્ત પ્રસિદ્ધિ મળી એ જોતાં રંજના સેને વહેતી ગંગામાં હાથ ધોઈ નાખવાનું વિચાર્યું. એને થયું કે જો હું પણ આ સ્ત્રીઓની જેમ સત્યેન શાહ સામે આક્ષેપ કરીશ તો મને પણ પ્રસિદ્ધિ મળી જશે એટલે જ એ નવલકથા લખનાર લેખિકાએ મારી સામે આક્ષેપો કર્યા. એને કોઈએ એ માટે મજબૂર નથી કરી.’
‘ઓહ, હવે સમજાયું, પણ તમને લાગે છે કે આપણે આ બધી જે કાયદાકીય કાર્યવાહી કરી છે એના થકી જય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડવા પાછળ કોનો હાથ છે એ જાણી શકશું?’
‘પ્રયત્ન કરવાથી બધું જ પ્રાપ્ત થઈ શકે છે.’
* * *
બીજા દિવસે વહેલી સવારની બ્રિટિશ ઍરવેઝની ફ્લાઈટે દસ કલાકના ઉડાણ બાદ મુંબઈથી ઊપડીને લંડનના હિથ્રો ઍરપોર્ટ ઉપર જ્યારે ઉતરાણ કર્યું ત્યારે એ ફ્લાઈટના ૩૧૦ પેસેન્જરોમાંથી સૌથી વધુ ખુશખુશાલ જો કોઈ હોય તો એ હતી ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતી ત્રણ વ્યક્તિઓ રોહિણી, રોમેલ અને આરજે.
* * *
રંજના સેનની જેમ જ રમણી અદનાનીની પણ ઊંઘ ઊડી ગઈ હતી. બીજી ત્રણ સ્ત્રીઓની સાથે-સાથે એણે પણ એ જાણ્યા સિવાય કે એ સ્ત્રીઓ પણ એની જેમ જ ખોટું બોલતી હતી, ઍડ્વોકેટ બિપિન જાનીને છાતી ઠોકી ઠોકીને કહ્યું હતું કે એણે સત્યેન શાહ સામે જાતીય શોષણના જે આક્ષેપો કર્યા હતા એ સાચા છે અને એ મુજબ બિપિન જાનીએ સત્યેન શાહના સૉલિસિટર મિસ્ટર જોશીની નોટિસનો જવાબ આપ્યો હતો, પણ હવે જ્યારે મામલો કોર્ટમાં ગયો હતો અને અન્ય ત્રણ સ્ત્રીઓની સાથે-સાથે એની સામે પણ સત્યેન શાહની પત્ની, પુત્ર, પિતા અને એમની કંપની અને છેવટે રિપોર્ટર અટલે પણ, આમ પાંચ પાંચ જણે જુદા જુદા કેસ કર્યા ત્યારે રમણી અદનાની ખૂબ જ ગભરાઈ ગઈ.
જો મારું જુઠાણુ પકડાઈ જશે તો મારી હાલત શું થશે? લચ્છુ તો મને ઘરમાંથી જ કાઢી મૂકશે. મારા જુઠાણાને એણે સાચાં માન્યાં છે. મેં એ વાત વર્ષો સુધી એનાથી છુપાવી એ માટે એણે મને માફ કરી દીધી છે. સત્યેન શાહના ઘરે સિંધી કોમના લોકોને લઈ જઈને એણે વિરોધ પણ દર્શાવ્યો છે. હવે જો લચ્છુને ખબર પડે કે હું ખોટું બોલી હતી. સત્યેન શાહ સામે મેં જે આક્ષેપો કર્યા હતા એ બધા બનાવટી, ઉપજાવી કાઢેલા, ખોટા હતા તો કાં તો લચ્છુ પોતે આપઘાત કરશે અથવા મને ગોળીએ દેશે. અમારી આખી સિંધી કોમમાં લોકો મને થૂ… થૂ કરશે.
મારું જુઠ્ઠાણુ કોર્ટ પકડી પાડે એ પહેલાં હું જ એ કબૂલી લઉં તો શું થાય? હું આવું હડહડતું જુઠ્ઠું શા માટે બોલી હતી એ સાચું કારણ જણાવું, પણ કેવી રીતે? મને બ્લૅકમેઇલ કરવામાં આવી હતી, લાલચ આપવામાં આવી હતી અને ધમકી પણ આપવામાં આવી હતી આથી હું જુઠ્ઠું બોલી હતી, એવું મારાથી કહેવાય પણ કેમ? જો આવું કહું તો કયા કારણસર મને બ્લૅકમેઇલ કરવામાં આવી હતી એવું પૂછવામાં આવે તો એ વાત તો હું મરી જાઉં તોયે કોઈને કહું નહીં. અને લાલચ શું આપી હતી એવું પૂછવામાં આવે અને એ લાલચ શું હતી એ જો હું જણાવું તો પણ મારી પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ જાય. મારી અને લચ્છુ બંનેની આબરૃ લિલામ થઈ જાય.
રમણી અદનાનીના જીવનમાં હજુ સુધી આવો વિકટ પ્રશ્ન ખડો થયો ન હતો. હું શું કરું અને શું નહીં એની ગડમથલ એના મસ્તિષ્કમાં સતત ચાલવા લાગી.
* * *
સત્યેનને હવે આરજેનાં કરતૂતોનો તો ખ્યાલ આવી ગયો હતો. થોડા સમયમાં જ પાર્ટીના જુદા જુદા પ્રસંગોના ખર્ચાઓ જે દસ ગણા અને એથી પણ વધુ દર્શાવીને એણે જે-જે વ્યક્તિઓ અને કંપનીઓને અપાવ્યા હતા, એ સર્વે જોડે એનો શું સંબંધ હતો એની પણ જાણ થઈ જશે એવી એને ખાતરી હતી. આરજેની સામે તો એનો પાસપોર્ટ જપ્ત કરવાનું વૉરન્ટ હતું. આથી એ તો ભારત છોડીને ભાગી નહીં જઈ શકે એટલે ગોટાળાઓ પુરવાર કરતાં એની આગળથી ઉચાપત કરેલા પૈસા પાછા મેળવી શકવાની શક્યતા હતી, પણ એને જે સ્ત્રીઓએ ખોટા આક્ષેપો કરી બદનામ કર્યો હતો એ સ્ત્રીઓને એવું કરવાની કોણે ફરજ પાડી હતી, કોણે લાલચ આપી હતી એ કેમ શોધવું એ વિચાર સતત એના મનમાં ઘોળાઈ રહ્યો હતો. કોર્ટ કેસોથી ગભરાઈ જઈને એ સ્ત્રીઓ સાચું બોલી નાખશે એવી એની ધારણા હમણા તો ખોટી ઠરી હતી. અટલે પણ પાછળથી એ પાંચે સ્ત્રીઓ સામે જે કેસો કર્યા હતા એનાથી પણ એ સ્ત્રીઓ ગભરાઈ હોય એવું જણાતું ન હતું. રંજના સેન તો ચાલતી ગાડીમાં ચઢી ગઈ હતી. એની સામે કરવામાં આવેલા કોર્ટ કેસોનો બચાવ કરવાની આર્થિક તેમ જ નૈતિક હેસિયત એની નહોતી. એ જો પોતે ખોટું બોલી હતી એવું કબૂલે તો કદાચ એની પાછળ પાછળ પેલી ચાર સ્ત્રીઓ અથવા તો એમાંની કોઈક પણ કબૂલી લે કે એમણે જે આક્ષેપો કર્યા હતા એ ખોટા હતા અને પછી એમની આગળથી કોણે એમને ખોટા આક્ષેપો કરવા જણાવ્યું હતું એ વાત જાણવી સહેલી થઈ પડે એમ હતી. આ બાબતમાં હવે
જાગૃતિએ મુખ્ય ભાગ ભજવવાનો હતો.
અટલે બહુ જ હોશિયારીપૂર્વક સમજદારીથી જાગૃતિને પોતાના વિશ્વાસમાં લઈ આરજે વિરુદ્ધ છટકું ગોઠવ્યું હતું. એક બાજુથી અટલ આરજે તેમ જ એ પાંચ સ્ત્રીઓ ઉપર ગભરાટનો ગાળિયો નાખી રહ્યો હતો તો બીજી બાજુથી એની સાગરીત
જાગૃતિ એ પાંચેય સ્ત્રીઓને બચાવવાનો ડોળ કરી રહી હતી. જો એમની ચાલ બરાબર નીવડે, એમણે ગોઠવેલી પકડમાં જો એ સ્ત્રીઓ ફસાય તો નક્કી થોડા સમયમાં જ કોઈ ને કોઈ તો કંઈ ને કંઈ કબૂલાત કરશે જ અને પછી સત્યેન માટે આગળનો માર્ગ મોકળો થઈ પડશે.
આ બધું વિચારતા સત્યેનને જાણ નહોતી કે ચોપાટની રમતમાં એના વિરોધી આરજેએ એની પહેલી સોગઠી ઉડાવી દીધી હતી. એ ભારતમાંથી છટકીને લંડન પહોંચી ગયો હતો.
* * *
‘લચ્છુ…’ ગભરાતાં ગભરાતાં રમણીએ રાત્રિના સૂતાં પહેલાં એના પતિને બોલાવ્યો.
‘હા બોલ, શું છે?’
‘એક વાત કહેવી છે.’
‘બોલ શું છે? તારી સામે જે કેસ કરવામાં આવ્યા છે એનાથી તું ગભરાઈ ગઈ છે?’
‘હા, કોર્ટનો અનુભવ નથી ને.’
‘અરે, તમે લોકોએ જે બિપિન જાનીને રોક્યો છે એ મુંબઈનો ટૉપ ક્રિમિનલ લૉયર છે. જજો અને મૅજિસ્ટ્રેટોને એ એના ખિસ્સામાં રાખે છે. તારે ગભરાવાનું શું છે? તેં બધું સાચું જ કહ્યું છે. ગભરાઈ તો ગયો છે પેલો સત્યેન શાહ. એ બાયલાની જેમ મોઢું સંતાડીને ભાગી ગયો છે અને તમને બધાંને ગભરાવવા એની કંપની અને ફૅમિલી તથા પેલા ટિનપાટિયા રિપોર્ટર પાસે ખોટા ખોટા કેસો કરાવ્યા છે.’
‘લચ્છુ, એ અટલ કોઈ ટિનપાટિયો રિપોર્ટર નથી. જેમ બિપિન જાની મુંબઈ શહેરનો એક નંબરનો ક્રિમિનલ લૉયર છે એમ જ અટલ પણ મુંબઈ શહેરનો નંબર વન રિપોર્ટર છે. હું એને બરાબર ઓળખું છું. પૂરતી ખાતરી કર્યા સિવાય એ કોઈ કામ કરતો નથી.’
‘એટલે? તું શું એમ કહેવા માગે છે કે એણે તેં જે સત્યેન શાહ સામે જાતીય શોષણના આક્ષેપો કર્યા છે એ ખોટા છે એવી ખાતરી કરી છે! વ્હૉટ નૉનસેન્સ? તું જાણે છે કે તું સાચી છે.’
‘લચ્છુ, હું ખોટી છું.’ અત્યંત ધીમા અવાજે રમણી અદનાનીએ એના પતિ સમક્ષ પોતે સત્યેન શાહ સામે જાતીય શોષણના ખોટા આરોપો કર્યા હતા એની ગભરાતાં ગભરાતાં કબૂલાત કરી.
‘વ્હૉટ?’ લચ્છુ અદનાનીએ જે બરાડો પાડ્યો એ અવાજથી પહેલાંથી જ ગભરાયેલ રમણી વધુ ગભરાઈને ધ્રૂજવા લાગી.
‘કેમ જવાબ નથી આપતી?’ લચ્છુએ બૂમ પાડી. ત્યાર બાદ રમણી લાંબો સમય સુધી કંઈ જ બોલી નહીં એટલે ગુસ્સામાં લચ્છુએ ફરી પાછો જોરદાર અવાજમાં સવાલ કર્યો.
‘લચ્છુ, તને ખબર છે ને આપણી સિંધી કોમમાં એક જ સૌથી મોટી સંસ્થા છે.’
‘હા, પણ એનું અત્યારે શું છે?’
‘તને ખબર છે ને કે હું કેટલું બધું સોશિયલ વર્ક કરું છું.’
‘હા… હા, પણ અત્યારે એનું શું છે?’
‘લચ્છુ, તું ગુસ્સે નહીં થાય ને?’ પતિ ગુસ્સામાં હોવા છતાં રમણીએ એને પ્રશ્ન કર્યો. લચ્છુનો ગુસ્સો હતો એના કરતાં બમણો થઈ ગયો.
‘શું વાત છે? શા માટે મને પૂછે છે કે હું ગુસ્સે નહીં થાઉં? એવી કઈ વાત છે, જેથી મને ગુસ્સો આવે?’
‘ડાર્લિંગ, મારાથી એક બહુ જ મોટી ભૂલ થઈ ગઈ હતી. હું લપસી ગઈ હતી.’
‘લપસી ગઈ હતી? ક્યારે? ક્યાં? તને વાગ્યું હતું? મને તો એની ખબર જ નથી.’
‘નહીં… નહીં. હું લપસી ગઈ હતી એટલે પડી નહોતી ગઈ.’
‘તો પછી?’
‘આપણી કમ્યુનિટીનો પેલો અર્જુન છે ને?’
‘કોણ? પેલો છેલબટાઉ કરોડપતિ?’
‘હા. એ જ અર્જુન. કમ્યુનિટીની બધી જ સ્ત્રીઓ એના ઉપર મરે છે. તને તો ખબર છે લચ્છુ, કે કમ્યુનિટીની સંસ્થામાં અર્જુન વર્ષોથી સેક્રેટરી છે. ઇલેક્શનમાં જીતવું હોય તો અર્જુનની મહેરબાની હોવી જોઈએ.’
‘હા… હા. પણ એનું અત્યારે શું છે?’ લચ્છુની ધીરજનો અંત આવતો હતો.
‘લચ્છુ, એટલે છે ને… છે ને…’
‘શું છે ને… છે ને ક્યારની કર્યા કરે છે. વાત શું છે?’
હવે રમણી થરથર ધ્રૂજવા લાગી. એને જે વાત કહેવી હતી એ કહેવા માટે એની જીભ ઊપડતી નહોતી. લચ્છુના ગુસ્સા અને બૂમબરાડાએ એની મોઢું ખોલવાની તાકાત હણી લીધી. લાંબો સમય સુધી રમણી કંઈ ન બોલી એટલે લચ્છુનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો.
‘ભસી મરને. તેં સત્યેન શાહ સામે ખોટા આક્ષેપો શા માટે કર્યા હતા?’
ભયભીત રમણીએ કંઈ જવાબ ન આપ્યો.
કોઈ દિવસ પત્ની ઉપર હાથ ન ઉપાડનાર લચ્છુ એ દિવસે પોતાની જાત ઉપર કાબૂ રાખી ન શક્યો. વારંવાર પૂછવા છતાં કે એણે સત્યેન શાહ સામે ખોટા આક્ષેપો શા માટે કર્યા હતા? એનો જવાબ આપવાને બદલે સંસ્થાની અને એના સેક્રેટરીની આડીઅવળી વાતો કરીને રમણીએ લચ્છુના મગજનો પારો ખૂબ જ ઊંચે ચઢાવી દીધો. અચાનક પલંગની નજીક ઊભેલી પત્નીને લચ્છુએ જમણા હાથથી એક જોરદાર તમાચો મારી દીધો. પહેલેથી જ ગભરાયેલી રમણી પતિના તમાચાનો ઘા જીરવી ન શકી. એ પલંગ ઉપર મૂર્છા ખાઈને પડી ગઈ. હવે ગભરાવાનો વારો લચ્છુનો હતો. એણે પત્નીના મુખ ઉપર પાણી છાંટ્યું. એને ઢંઢોળીને જગાડવાની કોશિશ કરી. પછી બૂમ મારીને નોકરાણીને બોલાવી. ડૉક્ટરને ફોન કરીને બોલાવ્યો.
ડૉક્ટર આવે એ દરમિયાન લચ્છુ વિચારવા લાગ્યો. સત્યેન શાહ સામે રમણીએ ખોટા આક્ષેપો શા માટે કર્યા? અને કમ્યુનિટીની સંસ્થાનો સેક્રેટરી અર્જુન, આ બે વચ્ચે શું સંબંધ હશે?
(ક્રમશઃ)
—————————