તમારા માટે, તમારી સાથે, સતત…

વ્યંગરંગ – રંગીલા રે…

આ જ ઘડીથી માવો–સોપારી–ગુટકા–પાનપરાગ–વિમલ–બિમલ બધ્ધું બંધ.

0 313
  • વ્યંગરંગ – કલ્પના દેસાઇ

જ્યારથી હું વ્યસનમુક્તિ અભિયાનમાં જોડાઈ ત્યારથી રાત ને દિવસ બસ એક જ વિચાર મનમાં ઘૂમરાય, ‘વ્યસનની વિરુદ્ધ એવી ઝુંબેશ ચલાવીશ, એવી ઝુંબેશ ચલાવીશ ને એવો પ્રચાર કરીશ, એવો પ્રચાર કરીશ ને કે આ ધરતી પરથી વ્યસન શબ્દનું નામોનિશાન જ મિટાવી દઈશ.’ આજ-કાલ કયા કયા વ્યસને લોકોને પોતાના ભરડામાં લઈને ભરડવા માંડ્યા છે અને કયા કયા વ્યસનને લઈને લોકો પોતાની જિંદગી દાવ પર મૂકવા માંડ્યા છે, તેનો સરવે કર્યો. સૌથી પહેલાં મેં એક જ વ્યસન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. માવા, ગુટકા, તમાકુ કે ખૈની.

પછી તો, ઘરની બહાર નીકળતાં જ મારી નજર જે પહેલાં સીધી રહેતી તે હવે કોઈ સીઆઈડીની નજર બની બધે ચકળવકળ ફરવા માંડી. કશે કોઈ ભાઈ કંઈ ચાવતા દેખાય છે? જો કોઈ દેખાઈ જાય તો થોડી વાર બાજુએ ઊભી રહીને હું એ ભાઈને જોતી રહેતી, કે હમણાં રસ્તા પર થૂંકે તો એની ગળચી પકડું, ને જઈને સમજાવું કે ‘……’ ઘણી વાર થઈ જતી તોય એ ભાઈ બેઠા બેઠા ગાયની જેમ વાગોળતા જ દેખાતા તો પછી હું નિરાશ થઈને રિક્ષામાં બેસી જતી. એમ પણ છુપાઈને કોઈ ભાઈને જોવાનું બૈરા માણસને શોભે નહીં. હવે રિક્ષાવાળા પણ બહુ માવો ખાતા હોય એવું સાંભળેલું એટલે પછી રિક્ષાવાળાને ધ્યાનથી જોવા માંડું. રિક્ષાવાળો કાચમાં જોઈને મને ઇશારાથી પૂછે, ‘શું થયું?’ હું ડોકું ‘ના’માં ધુણાવું એટલે રિક્ષા ધીમી કરીને, ડોકું બહાર કાઢીને ધરતીને નમન કરવાની મુદ્રામાં વાંકો વળીને, મોંમાંથી લાલ કંકુની પિચકારીથી એને પવિત્ર કરી દે.

‘માસી, તમારી તબિયત સારી છે ને? ક્યારના મને જુઓ છો તે કંઈ થાય છે? કંઈ કહેવું છે?’

‘દીકરા કહેવું તો બહુ છે. આ તારી જિંદગી તું માવાની માયામાં કેમ ખલાસ કરવા બેઠો? તારા માબાપની દયા ખા. તું નહીં રહે તો એ લોકોનું કોણ?’

તરત જ રિક્ષાવાળાએ તો રિક્ષા એક બાજુ ઊભી રાખી ને રિક્ષામાંથી ઊતરી સીધો મને પગે જ પડ્યો! ‘માસી, આ જ ઘડીથી માવો–સોપારી–ગુટકા–પાનપરાગ–વિમલ–બિમલ બધ્ધું બંધ. આજે કોણ બીજાનું વિચારે છે? ભગવાન તમારું ભલું કરે.’ કહીને ફરી રિક્ષામાં બેસી ઝડપથી રિક્ષા ભગાવવા માંડ્યો. હું મનમાં બહુ ખુશ થઈ. વાહ! શરૃઆત તો સારી થઈ.

Related Posts
1 of 29

ગમે તેમ ભાગતી રિક્ષા જોઈને મેં કહ્યું, ‘ભાઈ, જરા ધીમે ચલાવ. મારે મરવું નથી.’

‘જુઓ માસી, તમને મરવાની બીક લાગી ને? એટલે એક્સિડન્ટમાં મરાય એના કરતાં માવાથી ધીમે મરાય ને મને મરવાની કોઈ ઉતાવળ નથી. ચાલો, તમારું સ્ટોપ આવી ગયું, ઉતરો. આજકાલ તમારા જેવા બહુ માસી નીકળી પડ્યા છે. રોજ કોઈ ને કોઈ મારું માથું ખાઈ જાય. હવે તો જોઈને જ બેસાડવા પડશે.’ બબડતાં બબડતાં એ ભાડું પણ લીધા વગર નીકળી ગયો.

મારો પહેલો જ વાર નિષ્ફળ ગયો. જાણે શિકાર હાથમાંથી છટકી ગયો એવું લાગ્યું. દુઃખ તો થયું, પણ ચાલો કંઈ વાંધો નહીં. પ્રયત્ન ચાલુ રાખીશ તો જ સફળતા મળશે ને? આ તો પાછું ભલાઈનું કામ. મેં ફરી રસ્તે ચાલતાં ફાંફાં મારવાનું ચાલુ કર્યું. ક્યાંય કોઈ વાગોળતું દેખાય છે? અચાનક મારી નજર પડી તો રસ્તામાં એક બાજુએ ઊભેલી આલીશાન કારની બારીમાંથી કચરો બહાર ફેંકાયો. મેં ઝડપથી કાર પાસે જઈ જોયું તો પાછલી સીટ પરથી એક નાની છોકરીએ વેફરનું ખાલી પાઉચ ફેંકેલું. માબાપે શીખવ્યું નહીં હોય તે બિચારીને શું ખબર? હું મગજ પર કાબૂ રાખીને એના પપ્પાને સમજાવવા તૈયાર થઈ. બારીના કાચ પર ટકોરા માર્યા. એમણે કાચ ઉતાર્યો એટલે મેં કહ્યું, ‘તમારી દીકરીએ રસ્તા પર કચરો ફેંક્યો.’

એમણે દરવાજો ખોલ્યો ને પેલા રિક્ષાવાળા જેવું જ ધરતીને નમન-પ્રક્ષાલન કર્યું ને સામે મને પૂછ્યું, ‘તો?’

‘તમે જ આમ રસ્તા પર માવો થૂંકો પછી તમારી દીકરી રસ્તા પર કચરો જ ફેંકવાની ને? જો ભણેલાગણેલા થઈને તમે જ વ્યસનના બંધાણી હશો તો બાળકોને શું સંસ્કાર આપવાના?’

‘જુઓ બહેન, મને કોઈ શોખ નથી તમારું ભાષણ સાંભળવાનો. તમારું જે સાંભળતું હોય તેને લેક્ચર આપો જાઓ. નીકળી પડ્યા નવરા પડ્યા એટલે. બીજું કંઈ કામ નથી કે તમને?’ ને ગાડી ઊપડી ગઈ.

અરેરે! આપણા દેશના આ જુવાનિયાઓ! આવા? એક તો માવા ખાઈને મોતને સામેથી બોલાવે ને છોકરાઓને ગંદકીના, વ્યસનના ને સાચું કહેનારને ગમે તેમ બોલીને વડીલોની સામે બોલવાના ખોટા સંસ્કાર આપે! અરેરે! આ જ કળિયુગ છે? આ લોકો દેશને ખાતર લોહી રેડવાને બદલે માવાની પિચકારીથી ધરતી લાલ કરવાના? ભલું થજો આ રંગીલા રાજાઓનું.
——————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »