તમારા માટે, તમારી સાથે, સતત…

ચાર જાગીર આપણે લઈએ તે પ્રતિજ્ઞા ના લે?

શું આપણે ખરેખર એકબીજાને દેશબાંધવ માનીએ છીએ?

0 826

ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

એકની એક પ્રતિજ્ઞા આપણે રોજ લીધી એટલે એ આબાદ થયા  
અવનવી બાંધછોડ એમણે રોજ આપી એટલે આપણે બાદ થયા

ભારત મારો દેશ છે. બધાં ભારતીયો મારાં ભાઈ બહેનો છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું મારા માતાપિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે અને સૌ પ્રેમથી ગર્જના કરે છે જયહિન્દ.

પંદર ઑગસ્ટ, ૧૯૪૭ની તારીખે આઝાદ થયેલા આપણા ભારત દેશના પ્રત્યેક નાગરિક માટે આ પ્રતિજ્ઞા પત્ર જાહેર થયેલું છે. પ્રતિજ્ઞા પત્રનો મુખ્ય ઉદ્દેશ છે આપણે ભારતીય ગણતંત્ર પરત્વે વફાદારીનો ઉપન્યાસ કરીને નાગરિક તરીકેની ફરજો પ્રત્યે પ્રતિબદ્ધ થઈએ. આ પ્રતિજ્ઞાને કાયમ માટે યાદ રાખી તેને આચરણમાં મૂકવી એ દરેક ભારતીયની ફરજ છે. તેથી જ તો પ્રતિજ્ઞા પત્રને ભારત ભરની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના દરેક ધોરણના, દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રારંભમાં સ્થાન આપવામાં આવેલું છે. આપણને અનુભવ છે કે મોટા ભાગની શાળાઓમાં દરરોજ આ પ્રતિજ્ઞાનું પઠન કરાવવામાં આવે છે. તદુપરાંત સ્વાતંત્ર્ય દિવસ કે ગણતંત્ર દિવસની ઉજવણી જેવા ખાસ પ્રસંગોએ પણ આ પ્રતિજ્ઞા પત્રનું હર્ષ ‘ને ગર્વથી સામૂહિક પઠન કરવામાં આવે છે. ભલે તે પ્રત્યક્ષ રીતે ભારતીય બંધારણનો ભાગ ના હોય, આપણા માટે તેનું મૂલ્ય અનન્ય છે. જન ગણ મન અધિનાયક ‘ને વંદે માતરમ્ સિવાય ભારતભરમાં ભારતીયોનાં દિલોદિમાગમાં પ્રતિજ્ઞા પત્રનું અચલ સ્થાન છે.

રવીન્દ્રનાથ તથા બંકિમચન્દ્રની જય સાથે એક સામાન્ય સવાલ છે કે પ્રતિજ્ઞા પત્રની રચના કોણે કરી? અમુક ભોળિયા તો અમુક અંધઅક્કલો કહે છે, સ્વામી વિવેકાનંદ આ પ્રતિજ્ઞા પત્રના લેખક હતા. અશોકચક્રની મહોર સાથે ‘નોટિસ’ની જેમ નાનપણથી જોયેલું આ પ્રતિજ્ઞા પત્ર સામાન્ય માન ‘ને  સરકારી કાગજની બૂ આપે છે. કાયદો કોણે બનાવ્યો? તો કહે સરકારે અને પેઢીઓ જતી-આવતી રહી. આવી માહિતી પુસ્તકોમાં આપવામાં નથી આવતી કે નથી વિદ્યાર્થીઓના વાલીઓને એવું કશું જાતે ભણવામાં રસ. અરે રસપરમ વાત તો એ છે કે આ રાષ્ટ્રીય પ્રતિજ્ઞાના લેખકને સ્વયં નિવૃત્તિકાળમાં પોતાની પૌત્રી જ્યારે પાઠ્યપુસ્તકમાંથી  ‘ભારત મારો દેશ છે…’ બોલે છે ત્યારે ખ્યાલ આવે છે કે ઓત્તારી, આ તો મેં લખેલું. તેમના પુત્ર પી.વી. સુબ્રમણ્યમને પોતાના પિતા આ મહાન પ્લેજના રચનાકાર છે એ વાત પિતાના જીવનના છેલ્લા વર્ષ દરમિયાન ખબર પડેલી. ૧૦મી જૂન, ૧૯૧૬ના રોજ જન્મેલા પી.વી. સુબ્બા રાવ તેલુગુ લેખક હતા. ૧૯૮૮માં નીકળી ગયા. સંસ્કૃત, તેલુગુ, અંગ્રેજી, અરબી ભાષા જાણતા સુબ્બા રાવે મૂળે તેલુગુ ભાષામાં પ્રતિજ્ઞા પત્રની રચના ૧૯૬૨માં કરેલી.

સુબ્બા રાવ ગાંધીજીથી પ્રેરાઈને આઝાદીની લડાઈમાં ઝૂકાવનાર વિશાખાપટ્ટનમના તેન્નેટી વિશ્વનધામને બહુ માનતા. રાષ્ટ્રવાદી નેતા વિશ્વનધામે ત્યારના શિક્ષણ મંત્રી પી.વી.જી. રાજુને સરકારી અધિકારી ‘ને  સહકાર્યકર સુબ્બા રાવે લખેલું આ પ્રતિજ્ઞા પત્ર મોકલી આપેલું. સૌથી પહેલાં આ પ્રતિજ્ઞા પત્ર વિશાખાપટ્ટનમ જિલ્લાની તમામ શાળામાં પહોંચ્યું હતું. આગળ જતાં ૧૯૬૪માં બેંગ્લુરુ ખાતે ભારત સરકારની શિક્ષણ વિષયક સલાહકાર મંડળની બેઠક ભરાયેલી. જેમાં ૨૬ જાન્યુઆરી, ૧૯૬૫થી સમગ્ર ભારતની શાળાઓમાં આ પ્રતિજ્ઞા પત્રના પઠનની શરૃઆત કરવાનો નિર્ધાર થયેલો. ભારતીય સરકારે તે વખતે સાત ભાષામાં એ પ્રતિજ્ઞા પત્રનો અનુવાદ કરાવેલો. ‘૬૪માં જવાહરલાલ નહેરુ નીકળ્યા. લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા. ‘૬૨માં કહેવાતો અંત પામેલ ચીન સાથેના યુદ્ધમાં ભારત ‘ને  ભારતીયોએ દુઃખ ભોગવેલું. એવામાં આ પ્રતિજ્ઞા પત્ર માત્ર સાધન નહીં, હથિયાર એવમ ઓજાર હતું.

આજે વર્ષો પછી એ જ જૂની વાત ‘બધાં ભારતીય મારાં ભાઈ-બહેન નથી’ સિવાય પણ ઘણાને પ્રતિજ્ઞા પત્ર અંગે પ્રશ્નો થાય છે. પ્રશ્નો સાચા છે કે ખોટા એ પછીની વાત છે, પહેલાં આપણે ખુદને એ પ્રશ્નોના સાચા જવાબ આપીએ તો સારું. શું આપણે ખરેખર એકબીજાને દેશબાંધવ માનીએ છીએ? શું આપણે સાચ્ચે આપણને મળેલા વારસાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ માનીએ છીએ? શું આપણને વારસા પ્રત્યે ગર્વ છે? શું આવી પ્રતિજ્ઞા લેવાને આપણે હક્કદાર છીએ? શું આપણે આપણા ઘર કે કુટુંબ સિવાય કોઈના કલ્યાણમાં રસ ધરાવીએ છીએ? શું અન્યની સમૃદ્ધિ આપણને પચે છે? આપણા ટીચર્સ ‘ને  સિનિયર સિટીઝન્સ પરત્વે આપણે સન્માન દાખવીએ છીએ? શું ભારતનો વાસ્તવમાં જય જય કાર થાય એવું કશું આપણે કરીએ છીએ?

Related Posts
1 of 57

પ્રતિજ્ઞા પત્રનું પ્રથમ વાક્ય છે- ભારત મારો દેશ છે. સાહિત્યના મહારથીઓ આ વાક્યને અલગ-અલગ સ્વરૃપમાં રજૂ કરી શકે છે. ભારત દેશ મારો છે. મારો દેશ ભારત છે. હું ભારતીય છું. હું ભારત દેશનો છું. પરંતુ, જે છે તે જ વાક્ય વાસ્તવમાં બરાબર છે. પ્રથમ સ્થાનમાં ભારત છે અને રેશન કાર્ડ કે પાસપોર્ટથી લઈને પ્રતિજ્ઞા લેવા સુધીનો મામલો સ્પષ્ટ રીતે વ્યક્તિગત છે. તે પછીની તમામ વાતમાં ભારત જ કેન્દ્ર સ્થાને છે અને આપણે વ્યક્તિગત રીતે તે કેન્દ્રના સંરક્ષક તેમ જ એકબીજાના સંવર્ધક છીએ. અલબત્ત, સરકાર કે સત્તા પર હોય તેના દ્વારા જે શપથ લેવાય છે તે સહેજ અલગ છે, આપણા પ્રતિજ્ઞા પત્રની બધી વાત તેમાં નથી. બેશક એમની વાત અલગ છે, તેમ છતાં એય હકીકત છે કે સરકાર કે સત્તામાં સ્થાપિત થવાથી કોઈ વ્યક્તિ ભારતીય તરીકે કે ભારતના નાગરિક તરીકે મટી નથી જતો. શાળાકાળમાં આપણે ‘માસ્તર’ની ફૂટપટ્ટીના તાલે પ્રતિજ્ઞા પત્રનું ભાવથી અનેક વાર પઠન કર્યું. હવે સમય થયો છે કે સરકાર વા સત્તામાં બિરાજમાન મનુષ્યોને અન્ય ભારતીયો પ્રતિજ્ઞા પત્રનું પઠન કરાવે. લોકશાહીમાં વી ધ પીપલ તો આ પ્રતિજ્ઞા ફરી ફરી લેશે જ, પણ હવે લોકશાહીના ચાર પાયા જાગીરિયતના સ્ટેજ પરથી ઊતરીને પ્રજા સાથે આ પ્રતિજ્ઞા વારંવાર લે તો કુછ બાત બને.

કયા પક્ષની સરકાર હતી ‘ને કયો પક્ષ રાજ કરે છે એ અંકગણિતની માયા બહુ થઈ. ‘૪૭થી ‘૧૮ સુધી જે દશા ‘ને કક્ષા ભારતની છે તે માટે વી ધ પીપલ પછી પહેલાં ચાર સ્તંભ જવાબદાર છે. નહેરુ-ગાંધીની કોંગ્રેસ, મોરારજીની જનતા સરકાર, ગૂંગી ગુડિયાથી માઈ બનેલાં ઇન્દિરા મૅમ, મિસ્ટર ક્લિનથી મિસ્ટર બોફોર્સ બનેલા રાજીવ, વી.પી. સિંહનો સામ્યવાદી સહિતનો ત્રીજો મોરચો, વાજપેયીનો રામમેળો, અગાંધી નરસિંહરાવ ‘ને  સોનિયાજીની પસંદ એવા જબરદસ્ત

સીવીવાળા મનમોહનસિંહ… એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ- મોદી. ભારતને ૭૧ થયા. આપણા દેશ સાથે હાલત કે સ્થિતિ જેવા શબ્દ હજુ પણ સહેલાઈથી ‘ને સાચી રીતે વાપરી શકાય છે. લોકો સુધરે તો દેશ સુધરે ‘ને લોકો ટેક્સ ભરે તો દેશ સ્ટ્રોંગ થાય એ વાતો કરતાં પહેલાં લોકો કેટલા સુધર્યા ‘ને  લોકોએ અગાઉની સરખામણીમાં દેશ માટે શું ‘ને કેટલું કર્યું એ જોવું જોઈએ. દેશના નેતાઓની ‘૪૭માં આર્થિક સ્થિતિ શું હતી? તે સમયે દેશના ન્યાયાધીશો કેવી કોર્ટમાં કામ કરતાં ‘ને કેટલો પગાર મેળવતા? સરકારી અધિકારીઓનાં સંતાનો ત્યારે કેવી શાળામાં ભણતા ‘ને પછી શું કામધંધો કરતા? એ જમાનામાં દેશના અગ્રગણ્ય છાપાંની આવક શું હતી?

ચીન નામનો આપણા ભારતનો એક પડોશી દેશ છે. છેલ્લાં પચ્ચીસ વર્ષથી એ સતત સિંહફાળ ભરી રહ્યો છે. એક સમયે તેની જીડીપી સ્વતંત્ર ભારતની જીડીપી કરતાં ઓછી હતી. હવે એ આંકડો ચાર ગણો મોટો થયો છે. ચીને ૭૦% વધારો મેળવ્યો, આપણે તેર-ચૌદ ટકા. પર કેપીટા ઇન્કમના વધારામાં પણ ચીન આગળ. વીજ ઉત્પાદનમાં ચીન આપણા કરતાં પાંચેક ગણું આગળ. ખેતી લાયક જમીન આપણે ત્યાં ઘટી છે, ચીનમાં નોંધપાત્ર રીતે વધતી રહી છે. સાઉથ કોરિયા, તાઇવાન, મલેશિયા, ઇન્ડોનેશિયા વગેરે નાના દેખાતા દેશો પણ પ્રગતિ કરતા રહ્યા. સિંગાપોર ડૉલર્સનો ભાવ સાંભળ્યો છે? ૧ સામે ભારતના કમ સે કમ પચાસ રૃપિયા. બે અણુબોમ્બમાં ફૂંકાઈ ગયેલું જાપાન સૌથી વધુ પર કેપીટા ઇન્કમ ધરાવતા દેશની યાદીમાં આવી ગયું.

લોકોને દેશના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો ગર્વ કરાવી કરાવીને ચાર જાગીરે ૭૧ વરસના દેશ વડે જે નવો વારસો સર્જ્યો તેના પર શું ‘ને કેટલો ગર્વ કરી શકાય? ઉપરથી આ ચાર એક્કાઓ ધારે તો પ્રતિજ્ઞા પત્રમાં એક ઔર ક્લોઝ ઉમેરી દે- મને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ ભવિષ્ય પર શ્રદ્ધા છે. યાદ રહે, આપણો દેશ વન એન્ડ ઓન્લી વન વિશ્વમાં છે જેમાં અન્ય અનેક દેશ છે. ધીરે ધીરે આગળ વધવું અને એય એ દેશોનું જોઈ જોઈ જે આપણાથી કાયમ આગળ છે અથવા આપણા કરતાં વધુ ગતિએ આગળ વધે છે. છેલ્લાં પાંચ-છ વર્ષથી તો એ પરિસ્થિતિ છે કે લોકો પંદર ઑગસ્ટ કે છવ્વીસ જાન્યુઆરી આવે એટલે ગભરાય છે કે હસે છે કે એ હાં, હવે એક દિવસની દેશભક્તિનું નાટક ચાલશે. દુઃખની વાત નથી. અતિશય દુઃખની વાત છે. ભારતીય અવામનો બસ એટલો જ ગુનો કે એમને હિંસક ક્રાંતિ કરતા નથી આવડતું કે ફાવતું? દરેક પેઢીએ બસ એક ઑટો રિવર્સ સૂત્ર સાંભળવાનું કે આવતી પેઢીના સારા માટે આપણે બલિદાન આપવું પડે. અરે, લોકો પોતાની જાતે મહેનત કરીને જીવે છે, ચારમાંથી એકે જાગીર લોકોનું પેટ નથી ભરતી.

શું આપણે નેપાળ, બાંગ્લાદેશ ‘ને  પાકિસ્તાનની સરખામણી કરવાની છે? પીવાનું પાણી, દવા, રસ્તા, વીજળી જેવી વ્યવસ્થા માટે લોકોએ એમની બીજી એક કે બે પેઢી કુરબાન કરવાની છે? પોતાની રોટી, પોતાનાં કપડાં ‘ને પોતાનું મકાન તો બાકી જ રહે. આ વંદનીય પ્રતિજ્ઞા પત્રનું જે શાળાઓમાં પઠન થાય છે ત્યાં રિસેસમાં જઈને છોકરાંઓને કહો કે અમે તમને વિદેશ જવાનો મોકો આપીએ છીએ અને એમાંથી કેટલા તૈયાર નથી થતાં એ જુઓ. કૉલેજ-યુનિવર્સિટીની તો વાત જ જવા દો. એક નહીં, ઢગલો કારણ છે. જે ભૂમિ તને કમાઈ નથી આપતી એ તારી નથી, એવા ભાવાર્થનો સંસ્કૃતમાં ક્વોટ છે.

ગ્લોબલ વિલેજની ફ્રી ઇકોનોમી યુક્ત આ કલિયુગની વરવી વાસ્તવિકતા કહે છે- જે ભૂમિ તને જલસા નથી કરાવતી એ તારી નથી. સંગ-દોષ, ટીવી-ઇન્ટરનેટની ખરાબ અસર ‘ને  સમાજ-ધર્મનાં દૂષણો તો એ વિદેશમાં પૂરતાં પ્રમાણમાં જીવંત છે જે વિદેશમાં જવા એક નહીં તો બીજા બે ભારતીય એકદમ રેડી છે. ચાલો એય માની લઈએ કે ભારતીય મા-બાપના સંસ્કાર એમ જ ઇકોતેર વર્ષમાં કાચા પડી ગયા. તો શું ફોર એસ્ટેટની દીવાલો વચ્ચે સર્વાઇવ થતી વી ધ પીપલ નામની ઇકોતેર વર્ષની ડોશી હવે ભારતની ભાગ્ય વિધાતા બનશે? કે ડોશીને વડીલ ગણી પેલા ચાર એનો આદર રાખી અને તેની સાથે સભ્યતાથી વર્તશે? આપણને એ ચાર દેશબાંધવો ગણીને એમની નિષ્ઠા કેમ ના અર્પે? આપણા કલ્યાણ અને સમૃદ્ધિમાં જ એમનું સુખ કેમ ના હોય? એક નાગરિક પ્રથમ મતદાન માટે દોડે ત્યારથી પથારીવશ થાય ત્યાં સુધીનાં વર્ષો ચાર ચપટીમાં પતી જાય છે. હળાહળ ભૌતિકતા વચ્ચે એક નાગરિકને ગોડ નામના પોતાની સાત પેઢીએ ના જોયેલા સાવ છઠ્ઠા તત્ત્વ પર કેમ આશા ‘ને વિશ્વાસ હોય છે? ભારતની લોકશાહી ત્યારે જ ખરેખર સફળ થઈ કહેવાશે જ્યારે ભારતીય ફક્ત બિનભૌતિક કાર્ય માટે ઈશ્વર યા અલ્લાને યાદ કરે અને તમામ ભૌતિક સમસ્યાના નિરાકરણ માટે તેને ચાર જાગીરના કર્મ પર સો ટકાની ખાતરી હોય. જયહિન્દ.

બુઝારો – આપણને જ્યારે સક્ષમ મેનેજરની જરૃર હોય છે ત્યારે આપણે લીડર શોધીએ છીએ. લીડર મળે છે ત્યારે હીરો શોધીએ છીએ અને હીરો મળે પછી શું? પછી પિક્ચર ચાલુ થાય એટલે આપણે મોજથી જોવા બેસી જઈએ છીએ.
—————-

Leave A Reply

Your email address will not be published.

Translate »