તમારા માટે, તમારી સાથે, સતત…

હાર્દિકના ઉપવાસનું શસ્ત્ર શું હવે બૂઠું થઈ ગયું છે?

અનામત આંદોલનની ધાર બૂઠી થઈ ગઈ છે

0 202

ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની

ફરી એક વાર અનામત આંદોલનની હવા ઊભી કરવા માટે હાર્દિક પટેલ પ્રયાસો કરી રહ્યો છે, પણ હવે અનામત આંદોલનની ધાર બૂઠી થઈ ગઈ છે. આંદોલનની કોઈ પણ મોરચે અસર કે આવશ્યકતા દેખાતી નથી. હાર્દિક રપ ઑગસ્ટથી ઉપવાસ કરવાની જાહેરાત કરી ચૂક્યો છે, પણ તેને અગાઉ જેવંુ સમર્થન નથી મળી રહ્યું. ખુદ સાથીઓએ સાથ છોડ્યો છે ત્યારે હવે ઉપવાસ કેટલા અસરકારક રહેશે? 

વર્ષ ર૦૧પ અને ર૦૧૮માં ફેેર છે. સમયના વહેણમાં સાબરમતીમાં ઘણા પાણી વહી ગયા છે. ત્રણ વર્ષ પહેલાં અનામતના આગની ચિનગારી અમદાવાદના જીએમડીસીના મેદાનમાંથી લાગી હતી અને જે આખા રાજ્યમાં પ્રસરી ગઈ હતી તે આગ ધીરે-ધીરે ઠંડી પડતી ગઈ ેછે. હવે અનામતના આંદોલનની કોઈ ખાસ અસર જોવા મળતી નથી. હાર્દિક પટેલ ફરી એક વાર તા. રપ ઑગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવા માટેની જાહેરાત તો કરી ચૂક્યો છે, પણ ત્યારે હવે આ આંદોલનની આવશ્યકતાના સવાલની સાથે આ પ્રયાસોને રાજકીય દૃષ્ટિકોણથી જોવામાં આવી રહ્યા છે.

Related Posts
1 of 37

ત્રણ વર્ષ પહેલાં જ્યારે હાર્દિક પટેલ અને તેની ટીમે અનામતનો મુદ્દો ઉપાડ્યો અને સરકાર સામે આંદોલન છેડ્યું ત્યારે માહોલ કંઈક અલગ પ્રકારનો જ હતો. પાટીદાર સમાજનો દરેક યુવાન કે યુવતી એમ માનતાં હતાં કે આપણા હક માટેનો આ મુદ્દો છે અને સાચો છે તેમાં કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી એટલે સ્વયંભૂ આખા રાજ્યમાંથી આંદોલનને સમર્થન મળ્યું હતું. આંદોલનની આગને ઠારવામાં તત્કાલીન આનંદીબહેનની સરકાર નિષ્ફળ રહી અને બાદમાં એવો માહોલ ઊભો થયો કે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થયંુ આનંદીબહેનની સરકારનો ભોગ લેવાયો અને રૃપાણી સરકાર આવી. દરમિયાન જેમ-જેમ સમય વહેતો ગયો તેમ-તેમ આંદોલનની અસર ઓછી થતી ગઈ. તેનાં કારણો અનેક છે, તેમાં ખુદ હાર્દિક પટેલનું વલણ પણ એટલું જ જવાબદાર છે. બિન રાજકીય આંદોલનને રાજકીય રંગ અપાતો રહ્યો તેમ આંદોલનની અસર ઓસરતી રહી. ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં પાસની ટીમનો કોંગ્રેસ તરફનો રાજકીય ઝોક અને ટીમના આગેવાનો ચૂંટણી લડ્યા. આ ઘટનાક્રમથી સમાજમાં એક વિપરીત મેસેજ ગયો હતો.

અનામત આંદોલનનું સરકાર પર પ્રેશર આવ્યું હતું તેનો કોઈ ઇનકાર થઈ શકે તેમ નથી. આનંદીબહેન પટેલે પણ આર્થિક માપદંડના આધારે ઍડ્મિશનમાં અગ્રતા આપવાની યોજના જાહેર કરી હતી, પણ પછી તેમાં કાનૂની અવરોધ આવ્યા હતા. ત્યાર બાદની સરકારે બિન અનામત વર્ગ માટેનું આયોગ જાહેર કર્યું તેમાં બજેટની ફાળવણી બાદ થોડા દિવસ પહેલાં જ આ આયોગે બિન અનામત વર્ગ માટે ઓછા દરની શૈક્ષણિક લોન – વ્યાજમાં રાહત સહિતની અનેક યોજનાઓ જાહેર કરી હતી. આમ સમયાંતરે સરકાર તરફથી પગલાંઓ લેવાતાં રહ્યાં છે, તેનું પરિણામ હવે દેખાઈ રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી વખતે અનામત આંદોલનની જે તીવ્રતા હતી તેવી હવે રહી નથી. ખુદ હાર્દિકના સાથીઓએ જ સાથ છોડ્યો છે. વરુણ પટેલ, રેશ્મા પટેલ, દિનેશ બાંભણિયા સહિતના પાસની ટીમથી અલગ થયા છે. પાસની ટીમ અંદરથી જ વેરવિખેર થઈ ગઈ છે. વર્તમાન સ્થિતિમાં હાર્દિક પટેલે તા. રપ ઑગસ્ટથી આમરણાંત ઉપવાસની જાહેરાત કરી છે. ગત રવિવારે નિકોલમાં હાર્દિકના ઉપવાસને પોલીસની મંજૂરી ન મળી અને ઉપવાસ પહેલાં જ હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી.

ઉપવાસનું સ્થળ બદલાવી ગાંધીનગર કરાયું ત્યાં પણ ઉપવાસની મંજૂરી નહીં મળે તેવંુ લાગતા હવે હાર્દિકે તેના એસ.જી.હાઈ  વૅ પરના નિવાસે ઉપવાસ કરવાની તૈયારી શરૃ કરી દીધી છે. એક મોટો વર્ગ એવું માને છે કે હાર્દિક લોકસભાની ચૂંટણી આવી રહી હોય  તેનું અસ્તિત્વ ટકાવવા પ્રયાસો કરે છે. આંદોલનને રાજકીય સ્વરૃપથી જોવામાં આવી રહ્યું છે. ખુદ પાટીદાર સમાજની વાત કરીએ તો સરકાર સામે કોઈ મુદ્દે નારાજગી હશે, પણ અનામત આંદોલનનો કોઈ આવેગ જોવા મળતો નથી. આવા સંજોગોમાં ઉપવાસ આંદોલનની આવશ્યકતાના મુદ્દે પણ સવાલો કરવામાં આવી રહ્યા છે ત્યારે હાર્દિકનું ઉપવાસનું શસ્ત્ર હવે કેટલંુ અસરકારક રહેશે તે તો સમય જ કહેશે..!
—————-

Leave A Reply

Your email address will not be published.

Translate »