તમારા માટે, તમારી સાથે, સતત…

પિયા તો સે નૈના લાગે રે… નૈના લાગે રે

રાણાજી મુંને રામ રમકડું જડિયું રે...!

0 242
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

મનને ઠરવાનું ઠેકાણું મળે એ રામ મળ્યા બરાબર છે

વરસાદ આવવાનો થાય એ સમય હૃદય પર નવી મોસમના ઘેરાવાનો હોય છે. જો હજુ પણ વરસાદ આવે ત્યારે દંપતીને રજા રાખવાનું મન થાય તો તેઓના અદ્યાપિ લહેરાતા યૌવનનો એ છડી પોકાર છે. પ્રેમમાં વરસતા રહેવાનું અને પ્રણય પારસ્પરિક સ્થાયી ભાવમાં આવે પછી પણ એ ચાહે કે ન ચાહે હું તો પ્રતિક્ષણ ચાહું છું – નો ભાવ જળવાય એ ખરી અંતઃકરણની વર્ષા છે. ચિત્ત ક્યાંક ઠરે તો પ્રેમ પદારથની કંઈક પ્રાથમિક ઓળખ થાય. મીરાંએ મુગ્ધતામાં મનને રમકડે ઠરાવ્યું. એ કહે છે – રામ રમકડું જડિયું, રાણાજી મુંને રામ રમકડું જડિયું રે…! રમકડામાં મન જલદી ઠરી જશે, પછી મન બહુ તોફાને ચડીને સંસારની ભેખડે ભરાશે નહીં એમ માનીને મીરાંએ અલખના ઓટલે રમતાં રહેવાની પોતાની રીતિ રમતાં-રમતાં જ કહી દીધી છે. આખી જિંદગી ‘ને પછી પણ રમતાં રહીએ તોય રમવાની રસધારા ખૂટે જ નહીં એ આ રામરમકડું છે. રમકડાં તૂટી જતાં હોય છે, આ તો આપણે તૂટી જઈએ એ પહેલાં રમી લેવાનું રમકડું છે અને જે રામ રમકડે એકવાર પણ રમતાં થયા એ તો સંસારમાં રહ્યા છતાં ગયા ને અતૂટ થયા…!

મનને ઠરવાનું ઠેકાણું મળે એ રામ મળ્યા બરાબર છે. જિંદગી જેમને ખરા અર્થમાં આવડે એમને ભક્તિની શી જરૃર? ક્યારેક આપણા સમકાલીન સંતો ભક્તિની વાત એવી રીતે ઠસાવે છે જાણે કે ફરજિયાત ન હોય! તો તો કૃષ્ણે અલગથી કર્મયોગ ઉચ્ચારવાની જરૃર ક્યાં હતી? ભક્તિયોગ જ પૂરતો હોત, અન્ય સત્તર અધ્યાયોનીય ક્યાં જરૃર? હા, ભક્તિ સ્વયં કોઈની જિંદગી હોઈ શકે છે. જ્યાંથી મળે ત્યાંથી જીવનરસના સાત્ત્વિક ઘૂંટડાઓને ઘટક ઘટક પીતા રહેવા એ જ આયુષ્યનો મૂળ પથ છે. હવે દંપતીઓ સંતાનો પર જરૃર કરતાં વધુ પડતા કેન્દ્રિત થઈ ગયા છે એટલે એમનો અંગત સમય પણ બાળઉછેરમાં સમર્પિત થઈ જાય છે. જોકે કલહમાં સમય વ્યતીત કરવાને બદલે એકમતીથી સંતાનોમાં એકાગ્ર થવું વધુ સારું છે. નવી પેઢીના હવે જે દંપતીઓ છે તેમનું સાયુજ્ય બહુ જ સુંદર જોવા મળે છે. એક તો તેઓને એકબીજા વિના ચાલતું નથી – જે દામ્પત્યનું પ્રાણતત્ત્વ છે. તેઓ બધું જ એક રંગરાગે લાવવા મથે છે અને છતાં પરસ્પરની માન્યતાઓ કે પસંદગીમાં જ્યાં અલગ હોય છે તે સ્વીકારે છે.

Related Posts
1 of 57

કેટલાક પતિદેવો પોતાની ઑફિસની બધી જ વાતો ઘરમાં શેર કરે છે તો કેટલાક વળી બહુ જરૃરી હોય એ જ વાતો ઉચ્ચારે છે. સામે ધર્મપત્ની પણ અજબ હોય છે. કોઈને એ વાતોમાં વધારે પડતો રસ પડે છે તો કોઈ વધારાના માર્ગદર્શનનો ધોધ પાડે છે, જેનું છેલ્લું વાક્ય એમ પણ હોઈ શકે છે કે તમે તો સાવ આવા જ છો, દુનિયા હવે બદલાઈ ગઈ છે થોડુંક તો સમજો… વગેરે! પણ એવા કિસ્સા ઓછા હોય છે. સરસ્વતીચંદ્રમાં આવતાં વિધાન જેમ મહ્દંશે પરિણીતાઓ મનોમન બોલ્યાં જ કરે છે – પ્રમાદધન મુજ સ્વામી સાચા. જેવા છે તેવા પ્રમાદધન જ સાચા સ્વામી છે એ સ્વીકારીને ચાલતી કુમુદસુંદરી ન જાણે કેટકેટલી સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ કરે છે!

પતિદેવોને પાછલી ઉંમરમાં ખબર પડે છે કે જેને આપણુ કહેવાય એવી તો આ ધર્મપત્ની એકમાત્ર છે. ક્યારેક એ સમજણ આરોગ્યશાસ્ત્રમાંથી ભેટ મળે છે. પત્નીદેવીઓએ તો એ વાત દામ્પત્યના પ્રથમ દિવસથી સ્વીકારવાની હોય છે કે આ જગતમાં આપણું જે કંઈ છે તે આ ચાર ફેરા ફરી લીધેલી મૂર્તિ જ છે. એ વાત સામાજિક છે. પછીથી એ હૃદય સુધી પહોંચે તો પહોંચે છે. સ્ત્રી શૃંગાર કરે કે નવયૌવન વેળાએ એ દર્પણમાં જુએ ત્યારે આંખો ભલે એની અને એની એ જ હોય, પણ એ જે અન્યની નજરે પોતાને જોવાનો પ્રયત્ન કરે છે તે અન્ય જે હોય તે ધન્ય છે. એવી ધન્યતા પત્ની તરફથી પ્રાપ્ત થવી એ પતિનું સૌભાગ્ય છે. પ્રેમ હંમેશાં પાત્રતાની ઝંખના રાખે છે. પતિ-પત્નીનું સાહચર્ય સામાજિક વ્યવસ્થા છે, પણ પરસ્પરનો પ્રેમ એ ઉપલબ્ધિ છે જે બધા કિસ્સાઓમાં હોય જ હોય એવું નથી.

જિંદગી પ્રવૃત્તિઓની બહુ મોટી માયા છે. એ નિરંતર ચાલતી જ રહેવાની છે. જેમ કે કેટલાક રસિકજનોને ગીત ગુંજનની ટેવ હોય છે. તેઓ સદા આછું કોઈ ગીતઝરણ વહેતું રાખે છે. બાળકોમાં પણ સાંભળવા મળે છે. એ એમની મસ્તી હોય છે. એટલે કે તેઓ જિંદગીના કાપડ પર મધુર સ્વરના આભલા ગૂંથતા રહે છે. તમને એ સ્વર મધુર નહીં લાગે, પણ તેઓના મનમાં તો મૂળ સંગીત જ ચાલતું હોય છે ને એના જ માધુર્યમાં તેઓ રત હોય છે. પ્રેમ આવું જ એક ગીતગુંજન છે. સર્વ પ્રવૃત્તિઓમાં એ ગુંજતું રહેતું હોય છે. તમે આ જરા દૂધ ગરમ કરી રાખો ને કપડાં સૂકવતા થાઓ ત્યાં હું હમણાં જ સામે આઈબ્રો કરાવીને આવું હો કે – આમ કહેનારી ગૃહિણી વાસ્તવમાં એના પતિને એક આકાશ આપે છે,

પ્રવૃત્તિઓમાં સાથે રહેવાનું આકાશ. કંઈ બધા પતિદેવોને ઘરકામ સહિતનું સહજીવન આવડતું ન હોય, પહેલેથી જ એ ઘડ-ટેવ ન પડી હોય. તો કંઈ નહીં, ગમે તે ઉંમરે એની શરૃઆત કરી શકાય છે. પ્રવૃત્તિઓનું સહજીવન અજાયબ હોય છે અને ભર વરસાદે કોરાધાકોર પ્રેમાલાપને બદલે કારેલાનું શાક સુધારતા-સુધારતા કરેલી મીઠીમધુરી ગોષ્ઠી પણ એક સંભારણું છે, કારણ કે જિંદગીના કેન્દ્રમાં પ્રવૃત્તિઓ છે. આ પ્રવૃત્તિઓના દિવ્ય રસાયણરૃપે સંતોએ પ્રેમની પ્રતિષ્ઠા કરી છે. સંતોનો પ્રેમ ઈહલોકની પેલે પારનો છે. ઓશોએ આ વાત એકવાર જુદી રીતે કહી કે પ્રેમ મનુષ્યનો પોતાનો નથી, એ તો ઉપરથી પરમ તત્ત્વ પાસેથી બહેતા ચલા આતા હૈ. મનુષ્ય બસ એક કામ કરે કે એ પ્રેમને રોકે નહીં અને આગે હી આગે વહેવા દે તોય બસ છે. દરેકના હૃદય પર એ પ્રેમનો પરમ આનંદદાયી અભિષેક થતો જ રહે છે નિરંતર. એમ જ આપણો સહુના પર પ્રેમ વહેતો રહે તો આ સંસારમાં સર્વોત્તમ મનુષ્યત્વ માટે બીજું કંઈ કરવાની જરૃર નથી. જીવનમાં પ્રવૃત્તિ અને સર્વ પ્રવૃત્તિમાં પ્રેમતત્ત્વની પ્રતિષ્ઠા હોય તો જ પ્રભુને કે પ્રિય હોય એને કહી શકાય – પિયા તો સે નૈના લાગે રે નૈના લાગે રે…..!

રિમાર્ક – સખી સુણ પ્રેમ એક પદારથ ભયઉ રખિહહુ નિતનિત અધિક હી હયહુ
————————

Leave A Reply

Your email address will not be published.

Translate »