તમારા માટે, તમારી સાથે, સતત…

-અને એક સમકાલિન માતા બીજમાતા પદ્મશ્રી રાહીબાઈ સોમા પોપેરે

રાહીબાઈની ઉંમર લગભગ પંચાવન વર્ષ છે. બાર વર્ષની ઉંમરે તેમનાં લગ્ન એમના જ ગામમાં કરવામાં આવ્યાં. જ્યારે તેઓ છ વર્ષનાં હતાં ત્યારે તેમની માતા

0 486

મહારાષ્ટ્રના અહેમદનગરની આદિવાસી મહિલા અને બીજમાતા તરીકે પ્રસિદ્ધિ મેળવનારાં રાહીબાઈ સોમા પોપેરેને આ વર્ષનો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. રાહીબાઈ અમદાવાદમાં પણ પ્રવચન આપી ગયા છે. રાહીબાઈની બીજમાતા બનવા સુધીની સંઘર્ષગાથાની વાત…

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોલમ્ભ તાલુકાના નાનકડા ગામ ખેડે ગામની એક આદિવાસી મહિલા આજે દુનિયાભરમાં જાણીતી બની ગઈ છે. આ વર્ષનો પદ્મશ્રી પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવ્યો છે. આ મહિલાએ અક્ષરજ્ઞાન મેળવ્યું નથી, કારણ કે તેઓ ક્યારેય શાળાએ નથી ગયાં. તેમણે ભલે શાળાકીય શિક્ષણ ન લીધું હોય, પણ તેઓ એવી શાળા છે, જ્યાં મહેનત કરતાં કરતાં અનુભવોના આધારે જ્ઞાન મેળવ્યું છે. અનુભવોની સાથે તેઓ શીખતાં ગયાં અને સૌથી મહત્ત્વની વાત એ કે તેમણે આ જ્ઞાન પોતાના સુધી સીમિત નથી રાખ્યું. આ જ્ઞાન તેઓ હવે દુનિયાભરની શાળા, કૉલેજો અને વિજ્ઞાનીઓ સાથે વહેંચી રહ્યાં છે. આ આદિવાસી મહિલાનું નામ છે – રાહીબાઈ સોમા પોપેરે. લોકો તેમને સીડમધર એટલે કે બીજમાતાના નામથી ઓળખે છે. રાહીબાઈ આ સમયે પોતાના ખેતરમાં કામ કરી રહી છે. રોજ ઘરેથી નાસ્તો કરીને નીકળવાનું. આખો દિવસ ખેતરમાં કામ કરવાનું અને સાંજે અંધારું થાય એ પહેલાં ઘરે પાછા ફરી જવાનું. હાલમાં આ તેમનો નિત્યક્રમ છે. ‘અભિયાને’ જ્યારે તેમને ફોન કર્યો ત્યારે તેઓ પોતાના ખેતરમાં કામ કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે, કામ કરતાં કરતાં આપણે વાત કરી શકીશું અને અમારી વાતો શરૃ થઈ.

‘અભિયાન’ વિશે તેઓ ઉત્સુકતાથી પૂછી રહ્યાં હતાં, જ્યારે મેં તેમને જણાવ્યું કે, ‘અભિયાન’ની ઑફિસ અમદાવાદમાં આવેલી છે તો તેમણે કહ્યું, હું અમદાવાદમાં ત્રણ દિવસ રોકાઈ હતી. ત્યાં મોટા મોટા ડૉક્ટર, વિદ્યાર્થીઓ અને બીજી જુદી-જુદી જગ્યાએથી ભણેલાગણેલા લોકો મારું લેક્ચર સાંભળવા માટે આવ્યા હતા. મને એમની ભાષા નહોતી સમજાતી. હું પણ એ ભાષા બોલી નહોતી શકતી. તેમનું મોઢું તાકતી રહેતી. તેઓ ગુજરાતી-હિન્દી અને અંગ્રેજીમાં બોલી રહ્યાં હતાં. હું અમારી મરાઠી ભાષા તે પણ ખેડૂતોની જેમ બોલતી હતી. મારા ભાષણનું ભાષાંતર થતું હતું. ત્યાં ડૉક્ટર રઘુનાથ માશેલકર હાજર હતા. તેમણે ત્યાં ઉપસ્થિત લોકોને મારા વિશે માહિતી આપી. બધા જ મારા કામનાં વખાણ કરી રહ્યાં હતાં.

શું તમે એ જગ્યા કે કૉલેજનું નામ જણાવી શકશો? ‘અભિયાને’ રાહીબાઈને પ્રશ્ન કર્યો. રાહીબાઈનો જવાબ હતો, ના. કારણ કે હું ભણી નથી. તેથી મને ખ્યાલ નથી આવતો કે હું કઈ જગ્યાએ આવી છું, પણ ત્યાં ખૂબ ભણેલાગણેલા લોકો હતા અને કૉલેજ પણ બહુ મોટી હતી.

શાળાકીય શિક્ષણ કે કૉલેજની ડિગ્રી હાંસલ નહીં કરવાવાળી આ મહિલાને શું આપણે અભણ કહીશું? જેના લેક્ચર દુનિયાભરની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓમાં આયોજિત થાય છે અને તેને સાંભળવા માટે ભીડ ઊમટી પડે છે. એવું શું જ્ઞાન આપે છે આ આદિવાસી મહિલા? જેનું આટલું મહત્ત્વ છે, જેમને બીજમાતા કહીને બોલાવવામાં આવે છે.

રાહીબાઈ પોતાના જીવન વિશે વાત કરતાં જણાવે છે, હું શાળાએ નથી ગઈ, પણ નિસર્ગ એક એવી શાળા છે, જેનો અભ્યાસ મેં મારા અનુભવો દ્વારા કર્યો છે. હું કાળી માટી સાથે એવી રીતે જોડાઈ ગઈ છું કે તેમાં રોપવામાં આવતા દરેક બીજને હું ઓળખું છું. જેવી રીતે એક મા પોતાના બાળકને પ્રેમ કરે છે એવી રીતે હું આ બધા બીજને પ્રેમ કરું છું. તેમને બાળકની જેમ સંભાળું છું. તેમના માટેના પ્રેમનું જ એ પરિણામ છે કે લોકો મને બીજમાતા તરીકે ઓળખી રહ્યાં છે.

રાહીબાઈની ઉંમર લગભગ પંચાવન વર્ષ છે. બાર વર્ષની ઉંમરે તેમનાં લગ્ન એમના જ ગામમાં કરવામાં આવ્યાં. જ્યારે તેઓ છ વર્ષનાં હતાં ત્યારે તેમની માતા

મૃત્યુ પામ્યાં. સાત બહેનો અને એક ભાઈ, આટલો પરિવાર હતો તેમનો. સૌથી નાની બહેન નવ મહિનાની હતી ત્યારે તેમની માતા મૃત્યુ પામી હતી. રાહીબાઈનો નંબર પાંચમો હતો. નાની બહેનની દેખભાળની જવાબદારી રાહીબાઈને સોંપીને ગઈ. ઘરની સ્થિતિ ખૂબ દારુણ હતી. લગભગ સાત એકર જમીન. તેમાં પણ વરસાદ વરસે – ના વરસે એવું. બધી જ બહેનો ખેતરમાં એકસાથે કામ કરતી. તેથી કોઈ શાળાએ ન જઈ શક્યું, પણ જ્યારે પણ પિતાજી ઘરે હોય ત્યારે સૌને સાથે બેસાડી વાર્તાઓ સંભળાવતા. તેના સંસ્કાર બાળકો પર પડતા ગયા અને એ સંસ્કાર જ બાળકોનું શિક્ષણ હતું. પિતાજી કહેતા કે જે રીતે ધાતુને ટીપીને ઘાટ ઘડવામાં આવે છે એ રીતે વ્યક્તિ પણ ટીપાય ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ થાય છે.  ઘરની સ્થિતિ ગમે તેટલી ગરીબ કેમ ના હોય, તેની શરમ ન હોવી જોઈએ અને તમારી પાસે ગમે તેટલો રૃપિયો હોય તેનો ઘમંડ ન હોવો જોઈએ. પિતાજીનું નામ સોનું કોન્ડાજી વામ્બલે. રાહીબાઈ આગળ જણાવે છે, જ્યારે પિતાજીએ મારાં લગ્ન કર્યાં ત્યારે મને કહ્યું કે હવે તારું સાસરું જ તારું ઘર છે. એવું કામ કરજે કે લોકો તારું નામ આદરપૂર્વક લે. એ સમયે કોને ખબર હતી કે ઈશ્વર મારા હાથે કોઈ કામ કરાવવા ઇચ્છી રહ્યા છે, પણ પિતાજીના શબ્દો હંમેશાં મારા કાનમાં ગૂંજ્યા કરતા. સાસરિયાંમાં મારા સસરા, બે સાસુઓ, બે નણંદ અને મારા પતિ, આટલો પરિવાર હતો અમારો. સાસુ-સસરા બહુ કડક સ્વભાવના હતાં. કોઈની સાથે વાત નહીં કરવાની, કોઈની પાસે જવાનું નહીં, કોઈની સાથે બેસવાનું નહીં. દિવસભર તેમના કન્ટ્રોલમાં રહેવાનંુ, તેઓ જેમ કહે એમ રહેવું પડતું. મારા પિતા મારો બધો ખર્ચો આપતા. જ્યારે સાસુ-સસરા થોડા વૃદ્ધ થયાં પછી મને થોડી આઝાદી મળી. કંઈક તો કરવું હતું, પણ હું રહી અભણ. મને પહેલેથી જ બીજ સાચવવાનો ઘણો શોખ. જેની શિક્ષા મને મારા પિતાજી પાસેથી મળી હતી, કારણ કે અમે પારંપરિક ખેતી કરતા હતા. તેથી બધાં જૂનાં બીજ અને સેન્દ્રિય ખાતરનું જ્ઞાન અમને અમારા પિતાજીએ આપ્યું હતું.

મારાં સાસરિયાંમાં લગભગ બાર એકર જમીન હતી. ત્યાં સંકરિત (હાઇબ્રિડ) અને રાસાયણિક ખાતરનો વધારે પડતો ઉપયોગ થતો. દર મહિને કોઈ ને કોઈ બીમાર પડતું હતું. ત્યારે મેં ખેતીમાં ધ્યાન આપવાનું શરૃ કર્યું. મેં બાળકોને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હવેથી આપણે હાઇબ્રિડ બીજ અને રાસાયણિક ખાતર આપણા ખેતરમાં નહીં વાપરીએ. મારે ત્રણ દીકરા અને એક દીકરી છે, પણ બાળકોએ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે આપણે વધારે પ્રમાણમાં પાક લણવો હોય તો સેન્દ્રીય ખેતી ન કરવી જોઈએ. આ મુદ્દા પર મારો બાળકોને એક જ પ્રશ્ન હતો કે શું આપણે બીમારી ખરીદીશું. ડૉક્ટરને રૃપિયા આપીશું. તેના બદલે આપણે સેન્દ્રિય ખેતી કરીશું અને તંદુરસ્ત રહીશું. હું બધાં જૂનાં બીજ સંભાળીને રાખવા લાગી. જાતે જ સેન્દ્રિય ખાતર બનાવવા લાગી. જાતે જ જંગલમાંથી પાંદડાં, હળદર, આદુ વગેરે દેશી વસ્તુઓનો ઉપયોગ કરીને દવા બનાવીને ખેતરમાં છાંટવા લાગી. ખેતી સારી થવા લાગી. ઘરમાં બધાની તબિયત સુધરવા લાગી. હું જૂનાં બીજ શોધવા લાગી. તેને માટીના ઘડામાં ભરીને ગાયના છાણની રાખ સાથે ઘરમાં સંભાળીને રાખવા લાગી. મારી પાસે જૂના ચોખા, ઘઉં, નાચણી, બાજરી, જુદી જુદી શાકભાજી, રાનભાજી, વાલ, પાપડી, રીંગણ વગેરેના બસો પ્રકાર સંભાળીને રાખેલા છે. આ બધાં દેશી બીજ છે. આજે આ બીજની મુંબઈ, અમદાવાદ, પૂણે, બેંગ્લુરુ  સાથે વિદેશમાં પણ માગ છે. જો કોરોનાને કારણે લૉકડાઉન ના થયું હોત તો હું અત્યારે અમેરિકા લેક્ચર આપવા ગઈ હોત. ત્યાં પણ દેશી બીજની માગ છે. તેથી હું મારા ખેતરમાં બીજ ઉત્પન્ન કરવા સુધીની ખેતી જ કરું છું. ખેતરમાં ઉગાડેલું અનાજ, શાકભાજી, ટામેટા કે અન્ય કોઈ વસ્તુઓ માર્કેટમાં વેચતી નથી. તેના દામ તો ખૂબ મળે પણ મારે મારા દેશને બીમારીથી દૂર રાખવો છે. માટીને ઉપજાઉ રાખવી છે. આજે આપણે ગમે તેટલા રૃપિયા કમાઈ લઈએ, પણ ખાવા માટે તો અનાજ જ જોઈશે. પૈસા ખાઈને તો આપણું પેટ નહીં ભરાય. તેથી હું આ કામ પર જ મારું લક્ષ્ય કેન્દ્રિત કરુું છું.

Related Posts
1 of 70

રાહીબાઈના ગામમાં આજે બીજ બેન્ક છે. પોતાના જ ગામમાં બીજ બેન્ક ખોલવા માટે તેમણે અથાક સંઘર્ષ કરવો પડ્યો. તેઓ કહે છે, જેવી રીતે દરેક ગામમાં રૃપિયા માટેની બેન્ક હોય છે, એવી જ રીતે દરેક ગામમાં બીજ બેન્ક હોવી જોઈએ. મેં આ કામની શરૃઆત લગભગ બાવીસ વર્ષ પહેલાં કરી હતી. એક ઘટના એવી ઘટી જેના કારણે મારા જીવનમાં પરિવર્તન આવ્યું. મારો દીકરો દસમા ધોરણમાં ભણી રહ્યો હતો. તેની ફી ભરવા માટે વીસ રૃપિયાની જરૃર હતી. તે ભણવા માટે બહારગામ હતો. મારી પાસે વીસ રૃપિયા હતા નહીં. હું પિતાજી પાસે ગઈ. તેમની પાસે રૃપિયા માગ્યા, કારણ કે એ સમયે ગામમાં કોઈ સો રૃપિયા પર દસ રૃપિયા વ્યાજ આપીએ તો પણ રૃપિયા નહોતા આપતા. પિતાજીએ રૃપિયા આપ્યા, પણ કોના હાથે મારા દીકરાને મોકલાવું.મેં પોસ્ટમેનને કહ્યું કે તમે એક પત્ર લખો અને એમાં વીસ રૃપિયા નાંખી દો. મારા દીકરાને ફી ભરવાની છે. પોસ્ટમેને કહ્યું કે જો તમે આવી રીતે રૃપિયા મોકલાવશો તો કોઈ રૃપિયા કાઢી લેશે અને પત્ર પણ ફાડીને ફેંકી દેશે. તેથી તમે પોસ્ટ ઑફિસ જઈને રૃપિયા મનીઓર્ડર કરો. ત્યારે મેં તેમને કહ્યું કે મારી પાસે એટલા બધા રૃપિયા નથી કે હું મનીઓર્ડર કરી શકું. અમારા ગામમાં એ સમયે નવી નવી જ પોસ્ટ ઑફિસ ખૂલી હતી. પોસ્ટમેને કહ્યું કે તમે દસ રૃપિયા પણ મનીઓર્ડર કરી શકો. મેં પોસ્ટ ઑફિસ જઈને દીકરાને પચ્ચીસ રૃપિયાનો મનીઓર્ડર કર્યો. વીસ રૃપિયા ફીના અને પાંચ રૃપિયા ખર્ચ કરવા માટે. એ સમયે પોસ્ટમેને મને કહ્યું કે તમે બચત ગ્રૂપ કેમ શરૃ નથી કરતા? તમે દસ મહિલાઓને જમા કરો. પછી તમારે રૃપિયા માટે કોઈની પણ આગળ હાથ નહીં ફેલાવવા પડે. મેં બધી જાણકારી મેળવી. ગામની મહિલાઓને ભેગી કરી. પહેલાં તો દરેકનો વિરોધ હતો, પણ થોડીઘણી મહિલાઓ સાથે આવી. એક બચત ગ્રૂપ, પછી બીજું પછી ત્રીજું આ રીતે ઘણા બચત ગ્રૂપ જોડાતા ગયા. અમેે વીસ રૃપિયા મહિનાથી શરૃઆત કરી હતી, પણ આ રૃપિયા અમારા જેવી જરૃરિયાતમંદ મહિલાઓને સો રૃપિયા એક રૃપિયાના વ્યાજે આપતા હતા. એમના બાળકોની ફી ભરવાની હોય, ઘરમાં કોઈનાં લગ્ન હોય કે કોઈ બીમાર પડ્યું હોય. ગામની મહિલાઓને કોઈની પાસે જવાની જરૃર નહોતી પડતી. બચત ગ્રૂપ તેમની રૃપિયાની જરૃરત પૂરું કરતું હતું. તેથી બચતગ્રૂપમાં દિનપ્રતિદિન સભ્યો વધવા લાગ્યા. આ માધ્યમ દ્વારા હું મહિલાઓ અને સગાસંબંધીઓને સેન્દ્રિય ખેતીનું જ્ઞાન આપવા લાગી. બચતગ્રૂપનો હલદીકંકુનો કાર્યક્રમ હોય કે અન્ય કોઈ કાર્યક્રમ, હું તેમને કોઈ ઝાડનો રોપ અથવા બીજ ભેટ સ્વરૃપે આપતી હતી. શરૃઆતમાં કોઈ આ વાતને ગંભીરતાથી નહોતું લેતું, પણ બચતગ્રૂપની મહિલાઓ તેની ચર્ચા જરૃર કરતી હતી. એ સમયે મણિભાઈ ભીમભાઈ દેસાઈનું બીએઆઇએફ ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના કાર્યકર્તા જતીન સાઠે મારી પાસેથી ઝાડના રોપ ખરીદતા હતા. અમારી ખેતીમાં મેં બીજ બેન્ક શરૃ કરી હતી. એક દિવસ તેઓ રોપ ખરીદવા આવ્યા. એ સમયે હું ખેતરમાં માથા પર બીજની ટોકરી ઉઠાવીને લઈ જઈ રહી હતી. તેઓ પૂછવા લાગ્યા કે માસી, તમે આ ટોકરી ભરીને શું લઈ જઈ રહ્યા છો? મેં કહ્યું કે, જુદી જુદી શાકભાજીનાં બીજ છે. તેઓ નામ પૂછવા લાગ્યા. હવે એમાં એટલા બધા પ્રકારની શાકભાજીનાં બીજ હતાં કે હું તેમને કયા કયા નામ આપું? હું પાછી ખેતરમાં જતી રહી. તેઓ ત્રીજા દિવસે પાછા આવ્યાં અને પૂછવા લાગ્યાં – શું આ દેશી બીજ છે? મેં કહ્યું – હા. ત્યારે એ બધાં બીજ બહાર નીકાળીને ફોટા લેવા લાગ્યા. અલગ-અલગ પ્રકારનાં જુદી-જુદી શાકભાજી અને અનાજનાં બસો જેટલાં બીજ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયાં. તેમાં પાંચ પ્રકારના જૂના ચોખા,  અઠ્યાવીસ પ્રકારના વાલની શાકભાજી, આ રીતના જુદાં જુદાં કઠોળ, કારેલા, રીંગણ, કોળું વગેરે જેવા બીજને માટલામાંથી કાઢવાનું કહેતા અને તેના ફોટા પાડતા. તેમણે બધા બીજ અલગ-અલગ પ્લાસ્ટિકની થેલીમાં ભરીને એ સેમ્પલ તપાસ માટે મોકલી આપ્યા. જ્યારે બધોે માલ દેશી છે, એવી એમને ખબર પડી ત્યારે બીજ બેન્કની માહિતી લઈને તેઓ ચાલ્યાં ગયાં. ત્યાર બાદ પત્રકાર મારા કામની માહિતી મેળવવા લાગ્યા. દર બે દિવસે કોઈ ને કોઈ વિદ્યાર્થી, મંત્રી, ડૉક્ટર મળવા આવવા લાગ્યા. પેપરમાં ફોટો છપાવવા લાગ્યા. પુરસ્કાર મળવા લાગ્યા અને પછી મને ભાષણ માટે બારામતી, પૂણે, અમદાવાદ, ભોપાલ, બેંગ્લુરુ, દિલ્હી જેવી જગ્યાઓએ બોલાવવા લાગ્યા. દેશી બીજ અને સેન્દ્રિય ખાતરનું મહત્ત્વ દરેકને સમજમાં આવવા લાગ્યું.

તમારા લેક્ચરથી કોઈ ફેર પડે છે? ખરો એવો પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે રાહીબાઈએ જણાવ્યું કે, અમારા ગામમાં પહેલા રાસાયણિક ખેતી થતી હતી. હવે સેન્દ્રિય ખેતી થાય છે. આસપાસના વિસ્તારોમાં પણ તેનો પ્રભાવ પડવા લાગ્યો છે. પૂણેમાં ઘણી મહિલાઓએ પોતાના ઘર અને ઇમારતોની છત પર સેન્દ્રિય શાકભાજી ઉગાડવાની શરૃઆત કરી છે. આ રીતે કામ ફેલાવવા લાગ્યું છે. શરૃઆતમાં ગામવાળા પણ સેન્દ્રિય ખેતીની વિરોધમાં હતા. તેથી વારંવાર ખેડૂતોને સમજાવવા પડતા. રાસાયણિક ખાતર અને સંકરિત બીજને કારણે માટી ખરાબ થશે. આપણે બીમાર પડીશું, તો ડૉક્ટર પાસે જઈશું, પણ આપણી માટી ખરાબ થશે તો તેને કેવી રીતે સુધારીશું? પછી કઈ માટીમાં અનાજ ઊગશે? આપણે શું ખાઈશું? આપણી ભાવિ પેઢી શું ખાશે? આપણે તેમના વિશે પણ વિચારવાનું છે. સેન્દ્રિય ખેતીનાં બીજ લાંબો સમય ટકે છે. ઓછું પાણી પાઈએ તો પણ સારું અનાજ ઊગે છે. આ પ્રકારની ચર્ચાને કારણે ગામવાળા સાથે આવવા લાગ્યા. પછી દરેકના ખેતરમાં અળસિયું ખાતર આપવામાં આવ્યું. આજે મારી સાથે બચતગ્રૂપની ત્રણ હજાર મહિલાઓ અને ગામના કેટલાય ખેડૂતો આ કામમાં જોડાયેલા છે. જ્યારે અમે બધા સાથે આવ્યા ત્યારે કળસુબાઈ પરિસર બિયાણી સંવર્ધન સમિતિની સ્થાપના કરી. હવે સમિતિના માધ્યમથી કામ વિસ્તરવા લાગ્યું છે.

તમે જ્યારે ઉચ્ચ શિક્ષિત લોકોની વચ્ચે જઈને લેક્ચર આપો છો, ત્યારે તેનું શું પરિણામ આવે છે? એવો પ્રશ્ન જ્યારે રાહીબાઈને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે હસતાં-હસતાં પણ ખૂબ ગંભીરતાથી જવાબ આપ્યો કે, બધા બોલે છે કે કામ સારું છે પણ તેને ઉપયોગમાં લેનારા કેટલા માણસો વધ્યા તેની ખબર નથી પડતી. આજે પણ લોકો કેટલાય પ્રકારની બીમારીઓથી પીડિત છે, કારણ કે લોકો આ વાતને ગંભીરતાથી નથી લઈ રહ્યા કે આપણા શરીર માટે જમીન કેટલી ઉપયુક્ત છે. જંગલ કેટલા જરૃરી છે. આજે અમારા ગામમાં દરેકની પાસે એક દેશી ગાય છે. ના કોઈ બીમાર પડે છે, ના કોઈ થાકે છે, ના અમને વારંવાર ડૉક્ટર પાસે જવાની જરૃર પડે છે. શહેરી લોકો ચમકદાર શાકભાજીથી આકર્ષાય છે, પણ હું હંમેશાં એમ જ કહું છું કે ચમક છે એમાં દમક નથી. રાનભાજીના કેટલા બધા પ્રકાર છે. એ જોવામાં આકર્ષક નહીં લાગે, પણ થોડું જ તેલ અને મરચું નાંખીને બાજરીની રોટલી હોય કે નાચણીની, જુવારની હોય કે ચોખાની રોટલી સાથે ખાઓ, સ્વાદિષ્ટ જ લાગશે. દિવસ દરમિયાન ગમે તેટલી ભાગદોડ કરો, તમને આખો દિવસ ભૂખ નહીં લાગે. અમે આજે પણ અનાજની એક ગુણી ઉઠાવીને વીસ કિલોમીટર પગપાળા ચાલીએ છીએ, પણ સંકરિત બીજ અને ઘઉંની રોટી ખાવાવાળા પાંચ કિલોની થેલી પકડીને નથી ચાલી શકતા.

તમારા કામની ગામમાં શું ચર્ચા થાય છે? તમે ઘણા પુરસ્કાર જીત્યા છે અને હમણા જ પદ્મશ્રી જાહેર થયો છે, કોરોનાને કારણે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એટલે હજુ સુધી મળ્યો નથી એ વાત અલગ છે. આ પ્રશ્નના ઉત્તરમાં રાહીબાઈએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ઘણા પુરસ્કાર પ્રાપ્ત થયા છે. નારીશક્તિ પુરસ્કાર મળ્યો છે. દુનિયાની સો મહિલાઓની યાદીમાં નામાંકન મળ્યું છે. ઘરનો એક ખૂણો પુરસ્કારોથી ભરાઈ ગયો છે, પણ એ કયો પુરસ્કાર છે એ હું ઓળખી નથી શકતી. ગામમાં બધા લોકો વખાણ કરે છે. લગભગ બે વર્ષ પહેલાં પૂણેમાં એક પ્રોગ્રામ હતો. મને પણ એ પ્રોગ્રામમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. દરેક વ્યક્તિ પોતાના મનની વાત જણાવતા ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. જ્યારે મને સ્ટેજ પર બોલાવવામાં આવી ત્યારે મેં કહ્યું કે, મને અત્યાર સુધીમાં ઘણા પુરસ્કાર મળ્યા છે, પણ મારું ઘર બહુ નાનું છે. દર બે દિવસે કોઈ ને કોઈ મારા ઘરે આવે છે. ઘરમાં બેસાડવાની જગ્યા નથી રહી. પાણી પણ ઊભા રહીને પીએ છીએ. હું આ પુરસ્કારનું શું કરું? કેટલાક પુરસ્કાર ઉંદર-બિલાડીનું ખાવાનું બની ગયા તો એમને બહાર ફેંકી દીધા. મને કોઈ બીજ રાખવા માટે અને મહેમાનોને બેસાડવા માટે ઘર બાંધી આપે તો મારા માટે સારું રહેશે. મારી પાસે રૃપિયા હોત તો હું જાતે બાંધી લેતી. મને મારા માટે કશું નથી જોઈતું. હું મારા જૂના ઘરમાં જ રહીશ. મારું આ ભાષણ સાંભળીને ભાજપના ચંદ્રકાંત પાટીલ દાદાએ ગામમાં એક બીજ બેન્ક અને એક ઘર બાંધી આપવાનો વાયદો કર્યો અને એ પૂરો પણ કર્યો. હવે કોઈ પણ વિદ્યાર્થી આવે છે તો એ ઘરે રોકાય છે. ખેતીની જાણકારી મેળવે છે. મારા બીજ પણ હું એ ઘરમાં સુરક્ષિત રાખું છું. આજે પણ હું મારા જૂના ઘરમાં જ રહું છું.

તમારું નામ બીજમાતા કેવી રીતે પડ્યું? સવાલ સાંભળતા જ રાહીબાઈમાં અચાનક જ ઉત્સાહ આવી ગયો. તેમણે જણાવ્યું કે, હું પૂણે એક પ્રોગ્રામમાં ગઈ હતી. લગભગ ચાર વર્ષ પહેલાંની આ વાત છે. ત્યાં ડૉક્ટર રઘુનાથ માશેલકર આવ્યા હતા. તેમણે મને સ્ટેજ પર બોલાવી અને પીઠ થપથપાવતા માઇકમાં બીજમાતાના નામનું ઉચ્ચારણ કર્યું. ત્યારથી લોકો મને બીજમાતાના નામથી ઓળખવા લાગ્યા.

તમે કેટલા નામાંકિત વ્યક્તિઓને મળ્યા છો? નારીશક્તિ ઍવૉર્ડ પણ તમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે મળ્યો છે? તમે આવી નામાંકિત હસ્તીઓને મળો છો ત્યારે કેવું લાગે છે? રાહીબાઈનો જવાબ હતો – શરૃઆતમાં હું કશું સમજી નથી શકતી, પણ કેટલાક લોકો વિશે ખબર પડી જાય છે. જેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને મળી ત્યારે આ રીતે જ મરાઠીમાં વાત કરી રહી હતી. જ્યારેે બધાને મળું છું ત્યારે સારું લાગે છે, પણ હું જેવી હતી એવી જ છું. મનમાં જે હોય છે એ સ્પષ્ટ રીતે કહી દઉં છું. હું તમને એક કિસ્સો કહું. વિક્રમગઢમાં લેક્ચર હતું. ઘણા મોટા મોટા ડૉક્ટર ખેડૂતોની સાથે સભામાં બેઠા હતા. હું એ જ બોલી જે મને ઠીક લાગ્યું. મેં કહ્યું – આપણે સંકરિત અને રાસાયણિક ખાતરના ઉપયોગને કારણે બીમાર પડીએ છીએ અને ડૉક્ટર પાસે દવા લાવીને આપણી કમાણી એમને આપીએ છીએ. ત્યારેે મને કોઈએ ઇશારો કરીને કહ્યું કે, મારે આવું ન બોલવું જોઈએ. દરેક ડૉક્ટર માઇક ઉઠાવીને પ્રશ્ન કરી રહ્યો હતો. મેં દરેકના પ્રશ્નોના જવાબ આપ્યા અને સમાધાન કર્યું, કારણ કે મને પહેલા ખબર નહોતી કે સામે જે બેઠા છે એ બધા ડૉક્ટર છે. આવા પણ પ્રસંગ બને છે.

હવે નવરાત્રિનો તહેવાર શરૃ થશે. તમારા ઘરમાં અને ગામમાં નવરાત્રિ કેવી રીતે મનાવો છો? તમારે ત્યાં કોરોનાની કેવી સ્થિતિ છે? રાહીબાઈએ ઈશ્વરનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, અમારા આસપાસનાં ગામમાં કોરોનાના દર્દીઓ છે, પણ અમારા ગામમાં કોરોનાથી હજુ સુધી કોઈ બીમાર નથી પડ્યું, કારણ કે જ્યારથી કોરોના શરૃ થયો ત્યારથી અમારા ગામની મહિલાઓ દર મંગળવારે દેવીને પ્રાર્થના કરવા લાગી કે અમારા ગામમાં આ સંકટ ના આવે. અમારા ગામમાં બે દેવીનાં મંદિર છે. એક કાશીઆઈ અને એક કમલજા માતા. આ બંને દેવીના મંદિરમાં નવરાત્રિ દરમિયાન ઘટસ્થાપન થાય છે. ટોકરીમાં એકવીસ પ્રકારનું અનાજ રાખવામાં આવે છે. તેની પૂજા કરવામાં આવે છે. ગામમાં મોટા ભાગના લોકો ઉપવાસ રાખે છે. પછી જોઈએ છીએ કે ટોકરીમાં કયા બીજમાં સૌથી વધુ અનાજ આવ્યું છે, એ વર્ષે પછી તેનો જ પાક સૌથી વધારે લઈએ છીએ.

રાહીબાઈ દરેક પ્રશ્નનો ખૂલીને જવાબ આપી રહી હતી. તેમણે વાતો વાતોમાં જણાવ્યું કે નિસર્ગ જ ઈશ્વર છે. આપણે તેની દેખભાળ કરીશું તો એ પણ એક પ્રકારની પૂજા જ છે. હવે નવરાત્રિમાં અમે સૌ

પ્રકૃતિને પ્રાર્થના કરીશું કે અમે તમારો ખ્યાલ રાખીશું. તમે પણ અમારો ખ્યાલ રાખો અને આ કોરોનાના સંકટથી અમને હંમેશ માટે મુક્ત કરો.

Leave A Reply

Your email address will not be published.

Translate »