તમારા માટે, તમારી સાથે, સતત…

લેખિકા એનીસ નીનની ડાયરી

એનીસ નીન ડાયરીઓનું પ્રકાશન સતત ઝંખતી રહી હતી

0 360
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

ઘણાબધા લેખકોએ પોતાની જિંદગીના કોઈ ને કોઈ તબક્કાની રોજનીશી લખી છે. આવી નોંધપોથીઓમાં રશિયાના મહાન નવલકથાકાર ફાઇડોર દોસ્તોવસ્કી અને ફ્રાન્સના નવલકથાકાર આંદ્ર જીદની રોજનીશીઓ જાણીતી છે. બ્રિટનના લોકપ્રિય નવલકથાકાર સમરસેટ મોમે બહાર પાડેલી ‘રાઇટર્સ નોટબુક’ પણ આ વર્ગમાં જ આવે. ધર્મપુરુષોએ, રાજકારણીઓેએ, વિદ્વાનોએ આવી ડાયરીઓ લખી છે, પણ આ બધી ડાયરીઓ – નોંધપોથીઓ – જર્નલોમાં જેનું સ્થાન ગણવું પડે તેવી ડાયરી નિઃશંક એક લેખિકાની છે. ડાયરીની લેખિકા તરીકે જ નહીં, નવલકથાની લેખિકા તરીકે પણ આ સ્ત્રી બધાથી જુદી પડી જાય છે. પોતાને સ્ત્રી બનાવીને ઈશ્વરે એને ખાસ હોદ્દો આપ્યો હોય તેવી એની ખુમારી છે. ફ્રાન્સમાં જન્મેલી આ લેખિકા એનીસ નીન ઘણા વર્ષો અમેરિકામાં રહી હતી, પણ એ કોઈ એક પ્રદેશ કે દેશની લાગતી જ નથી. એનીસ નીન એક સ્વતંત્ર અને બિન્દાસ નારી છે, રગેરગમાં નૂતન નારી છે અને છતાં તેનું નારીત્વ ક્યાંય જરાય ઝંખવાતું નથી. એનીસ નીનની થોકબંધ નોંધપોથીઓમાંથી ચૂંટેલી સામગ્રીના પાંચ ગ્રંથ બહાર પડ્યા છે. છેક ૧૯૬૬માં તેના જર્નલનો પ્રથમ અંક બહાર પડી શક્યો હતો. ઈ.સ. ૧૯૦૩ની સાલમાં સંગીતકાર પિતાને ત્યાં જન્મેલી આ કન્યાએ બાળપણથી જ ડાયરી રાખવા માંડેલી. જે પાંચ ગ્રંથો બહાર પડ્યા તેમાં ઈ.સ. ૧૯૪૧થી ૧૯૫૦ સુધીનાં વર્ષોની વાત છે. એનીસ નીને અગિયાર વર્ષની કન્યા તરીકે લગભગ સળંગ લખવા માંડેલી ડાયરી ઈ.સ. ૧૯૭૦ના દાયકામાં કેટલો મોટો પહાડ બની ગઈ હોય તે કલ્પી શકાય છે. એટલે એનીસની સંપૂર્ણ ડાયરીના પ્રકાશનનું ભગીરથ કાર્ય કોઈ હાથ ધરવાની હિંમત ભાગ્યે જે કરે, પણ એ મુદ્દો તેની પ્રકાશિત પોથીઓના મૂલ્યાંકનમાં નડતરરૃપ પણ નથી.

Related Posts
1 of 57

પાંચ ફૂટ અને એક ઇંચની ઊંચાઈની આ નારી તેની નોંધપોથીઓમાં જ જબરજસ્ત ઊંચાઈ સર કરે છે. આવી ડાયરી લખવાનું એને માટે સહેલું પણ નહીં હોય. એમાં સચ્ચાઈ અને નિખાલસતા બેસુમાર છે, પણ જિંદગીના આંતરબાહ્ય તખ્તાનાં નિરીક્ષણો તાજુબ કરે તેવાં છે. એનીસ નીન ડાયરીમાં કંઈક વાતો લખવા બેઠી નથી કે કવિતા કરવા બેઠી નથી, પણ એ કોઈ પ્રાણવાન નવલકથાની નાયિકાની જેમ જીવી છે અને કવિતા તેનું હૈયું સતત ગણગણ્યા કરે છે. ઘણાબધા લાચારીના સંજોગો વચ્ચે, અનેક પુરુષોની તરસી નજરોની વચ્ચે એક સ્ત્રી પોતાની અંતરંગ જિંદગીના તુલસીક્યારાનું રક્ષણ, પોષણ કેટલી સાહજિકતાથી કરી શકે તેનું એક દુર્લભ દ્રષ્ટાંત અહીં મળે છે. એનીસ નીને લખી છે તો ડાયરી, પણ એના સંગીતકાર પિતા અને પતિવ્રતા માતા, ભાઈ-બહેન અને યુરોપ-અમેરિકાની કેટલીક નામાંકિત વ્યક્તિઓની જીવંત છબીઓ તેમાં ઊપસી આવે છે. ‘ટૉપિક ઓફ કૅન્સર’નો લેખક હેનરી મિલર, ડૉ. ઓટો રેન્ક જેવા મનોવિજ્ઞાની, એડમન્ડ વિલ્સન જેવા ખ્યાતનામ વિવેચક અહીં તમારી આંખ સામે હાજર થઈ જાય છે.

એનીસ નીન ડાયરીઓનું પ્રકાશન સતત ઝંખતી રહી હતી, પણ તે હાથ ધરાયું છેક ઈ.સ. ૧૯૬૬માં. ત્યારે એનીસ નીનની ઉંમર ૬૩ વર્ષની હતી. આ ડાયરીના ચાર ગ્રંથો ૧૯૭૧ સુધીમાં પ્રગટ થયા અને એ પ્રગટ થતાંની સાથે જ એનીસ નીનની ખ્યાતિ ફ્રાન્સ કે અમેરિકાનાં વર્તુળો પૂરતી જ સીમિત મટી જઈને ખરેખર આંતરરાષ્ટ્રીય ફલકમાં પ્રસરી ગઈ. ડાયરીને કારણે તેની નવીન પ્રયોગશીલ નવલકથાઓની પણ મોટી માગ ઊભી થઈ. તેને નવલકથાકાર ડી.એચ. લોરેન્સ વિશે કે દોસ્તોવસ્કી વિશે લખેલાં વિવેચનોમાં પણ રસ જાગ્યો. એનીસ નીનની વાર્તાઓ વિશે ભિન્નભિન્ન મતો સંભવી શકે છે, પણ તેની ડાયરી – તેનાં જર્નલો વિશે ભાગ્યે જ બીજો કોઈ મત પ્રવર્તતો હશે. એનીસ નીને આ પ્રવૃત્તિને ‘આત્માની પ્રયોગશાળા’ તરીકે ઓળખાવી છે અને ડાયરીના કોઈ પણ ભાગમાંથી થોડાંક પણ પૃષ્ઠો વાંચનારને તરત જ એવી પ્રતીતિ થાય છે કે એક સંવેદનશીલ નારીનાં મનહૃદયના ઝીણામાં ઝીણા કંપની નોંધ આ ડાયરીમાં છે. એનીસ નીનની માતૃભાષા અંગ્રેજી નથી, પણ અંગ્રેજી ભાષાને – શબ્દોને એ બરાબર લડાવી જાણે છે, ગમે તેવા ઊંડાણને એ તાગી શકે છે અને ઊંચાઈને એ પામી શકે છે. એનીસ નીને નોંધ્યું છે ઃ ‘માણસ ચંદ્ર પર પહોંચી ગયો છે. ચંદ્ર બહુ દૂર છે, પણ માનવીના અસીમ મનની અવકાશયાત્રા વધુ દૂરની સફર નથી શું?’ એનીસ નીન અહીં અંતરની એક અનંત યાત્રામાં એકલપંથી યાત્રિકા તરીકેની જે ખુમારી અને મસ્તી પ્રગટ કરે છે તેને કોઈ પણ મર્મી વાચક સલામ કર્યા વિના રહી શકે એમ નથી. ઈ.સ. ૧૯૭૭માં મૃત્યુ પામેલી એનીન નીનનાં તમામ લખાણોની સાહિત્યિક કલાત્મક ગંુજાશનું મૂલ્યાંકન જ્યારે થાય ત્યારે અને એ મૂલ્યાંકન જે હો તે – તેની ડાયરીમાં તે કાંઈક એવું મૂકી ગઈ છે કે તેની હાજરી સાહિત્યના નહીં તો બીજા ગમે તે દરબારમાં પણ નોંધવી જ પડશે.
——————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »