તમારા માટે, તમારી સાથે, સતત…

આસ્થા અને અનાસ્થા !

'સ્મશાનમાં જઈને થોડા દિવસ થોડી રાખ ભેગી કરો,

0 317
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

ફ્રાન્સના એક સાહિત્યકાર આંદ્ર જીદ માટે એવું કહેવાય છે કે એમના મૃત્યુ પછી એમના કેટલાક મિત્રોને એવા ભણકારા વાગતા હતા કે તુરતમાં જ આંદ્ર જીદનો તાર-સંદેશો આવવો જ જોઈએ કે હું અહીં (પરલોક) પહોંચી ગયો છું અને અહીં નરક જેવું કંઈ નથી! અલબત્ત, કોઈ માણસ જિંદગીના સામા કાંઠા પરથી આવો સંદેશો આપી શકતો નથી, પણ જીદ વિશે મિત્રોને એવું લાગ્યું તેનું કારણ એટલું જ હતું કે જીદ દરેક બાબતમાં વધુ ને વધુ ઊંડા ઊતરવાની કોશિશ કર્યા કરતા. માણસની જિંદગી અને તેની આસપાસના જગતનો વિચાર કરીએ તો એટલાં બધાં નાનાં-મોટાં રહસ્યો સતત ઝબૂક્યાં કરતાં હોય છે કે તમે જો તેમાંથી કોઈ પણ એક રહસ્યની પાછળ દોડો તો તેનો ભેદ તો મળે કે ના મળે, પણ તમે પોતે જ ક્યાંય ગાયબ થઈ જાઓ. વૈજ્ઞાનિકો, સંશોધકો, તત્ત્વચિંતકો, સાધકો એક અગર બીજા રહસ્યને પકડવા મથે એ સમજી શકાય, પણ દરેક માણસ કરી શકે એવું આ કામ નથી. ઈશ્વર કોઈ ગુનેગાર હોય અને પોતાની માલમત્તા લઈને ક્યાંક નાસી ગયો હોય એ રીતે કેટલાક માણસો તેની પાછળ પડે છે. ઈશ્વર છે જ એવી પાકી શ્રદ્ધા પણ નથી અને ઈશ્વર નથી જ એવી ચોખ્ખી શંકા પણ નથી. એમને એમ છે કે જો આ રીતે ઈશ્વર મળી જાય તો કહેવા થશે કે સાહેબ, હું તમને શોધતો હતો અને તમારી પાસે જ આવતો હતો અને નહીં જ મળે તો બીક રાખવાનું કારણ જ નથી. દુઃખી અને ગરીબ માણસ માને છે કે ઈશ્વર છે અથવા દુઃખ અને ગરીબીથી ત્રાસી ગયેલો માણસ માની લે છે કે ઈશ્વર છે જ નહીં! તે જો આસ્તિક હશે તો ઈશ્વરને પોતાની પીડા-આપત્તિમાં યાદ કરશે. રાહતની પળોમાં તેનો આભાર માનશે. નાસ્તિક હશે તો તેના મિજાજનો પારો બહુ ઊંચો જશે. આ કઈ જાતની દુનિયા! આવડો મોટો માંડવો અને કોઈ વરરાજા જ નહીં! ગજબનું અંધેર કહેવાય!

પણ જેમના પર જિંદગી મહેરબાન બની છે એવા ઘણા લોકો ફુરસદની ‘હોબી’ની જેમ ઈશ્વરની વાત કરે છે. નવી-નવી શ્રીમંતાઈની સાથે સુસંગત રહીને પોતાના દરજ્જા મુજબના કોઈ ‘ગુરુ’ અને ‘ભગવાન’ શોધી કાઢે છે. પછી એ કહે છે કે મારે ફક્ત એક જ વાર ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો છે! એક જ વાર મને એક નાનકડી નિશાની મળી જાય એટલે પત્યું! બસ, પછી હું એનો દાસ! આવા લોકોને મનમાં એવો કંઈક ખ્યાલ હોય છે કે જિંદગીમાં બધું મળી ગયું – ધન મળ્યું, થોડું નામ મળ્યું, મકાન-વાહન-વાડી-સંતાન, હવે સફળ જીવનની રંગોળીમાં બાકી શું રહ્યું? આ એક ઈશ્વર સાથે સંપર્ક થઈ જાય એટલે પત્યું! પરલોકમાં બુકિંગમાં કરી દઈએ!

Related Posts
1 of 57

ઈશ્વર એ કોઈ શોખનો વિષય નથી તેમ અભ્યાસનો વિષય પણ ના હોઈ શકે. તમે તમારી જાતને જેટલી અલગ કરો છો એટલા તમે એનાથી અલગ થઈ જાઓ છો. એક મહાત્માની પાસે એક શ્રીમંત માણસે આવી કહ્યું ઃ ‘મને ઈશ્વર તો ના મળે, પણ ચરણરજ જેવું પણ કાંઈક મળે તો બસ!’ મહાત્માએ કહ્યું ઃ ‘જેને બે જ ચરણ હોય તેની ચરણરજ શોધવી પડે, પણ જેને અસંખ્ય ચરણ હોય તેની ચરણરજ ખાસ શોધવા નીકળવું પડે? એક પણ એવી જગ્યા નથી કે જ્યાં તેના ચરણનો સ્પર્શ થતો ના હોય!’

શ્રીમંત વેપારીએ દલીલ કરી ઃ ‘આપ જ્ઞાની છો અને ચતુર વાણીથી વેરાનને દરિયાનો દેખાવ આપો, પણ અમારા જેવાને કેમ કરીને ખાતરી પડે!’

મહાત્માએ કહ્યું ઃ ‘સ્મશાનમાં જઈને થોડા દિવસ થોડી રાખ ભેગી કરો, તમારી હાજરીમાં જ તેની ગરમાગરમ રાખની પડીકી વાળજો. આ દરેક પડીકી ઉપર એ જેની ભસ્મ હોય તેનું નામ લખી લાવજો. વધું કાંઈ નહીં તોય રાખના કણની પાછળ કોઈક જીવતા માણસની ‘હકીકત’ તમશે દેખાશે. રાખના કણમાં તમને કોઈ સુંદરતા નહીં દેખાય, એક કદરૃપા દેખાતા બીજમાં કોઈક સુંદર વૃક્ષ કે ફૂલ કે ફળનો નકશો નરી આંખે ના દેખાય, પણ આટલી કલ્પના કરવાનું મુશ્કેલ નથી અને આવી કલ્પના માત્ર તરંગ નથી. આજે જેઓ અવકાશમાં પહોંચ્યા છે તેમને ખબર છે કે ત્યાં જવા માટે સીધી નિસરણી ના મંડાય. તમારી તર્કશક્તિ, તમારી પારેવા-દ્રષ્ટિ માત્ર નાનકડી નિસરણીઓ છે. તમારે ઈશ્વર સુધી પહોંચવું છે તો પહેલાં ‘વાહન’ તૈયાર કરો. માત્ર સ્થૂળ અર્થમાં અવકાશયાનની વાત નથી. અવકાશયાત્રી બનવાની વાત છે. શ્રદ્ધાળુ વ્યક્તિ આવો જ એક ઈશ્વર-યાત્રી છે.

પણ છેવટે કબૂલ કરવું જ પડે કે આ સમજાવી શકાય તેવી બાબત નથી. માણસ પોતે જ સમજી શકે – પોતાની મેળે સમજી શકે. કોઈક સમજાવવા ગમે તેટલી કોશિશ કરે, એ માણસના તાળાની કળ દાદ આપે તો જ ‘ચાવી’ ફાવી શકે.
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »