તમારા માટે, તમારી સાથે, સતત…

ઉમદા ઉત્તર આપી ઇન્ટરવ્યૂઅરના સવાલો પર ખરા ઊતરો

તમે સારા આશયથી, આગળ વધવા માટે થઈને જોબ બદલી રહ્યા છો.

0 128
  • નવી ક્ષિતિજ – – હેતલ રાવ

ઓનલાઈન ઇન્ટરવ્યૂમાં ધ્યાન રાખવાની ઘણી બધી બાબતો પર ગત સપ્તાહે વાત કરવામાં આવી હતી, આ વખતે એ સંદર્ભે જ વાત આગળ વધારીએ તો તેમાં સૌથી મહત્ત્વનું છે સવાલોના યોગ્ય રીતે જવાબ આપવા. ઘણી વાર એ પ્રકારના સવાલો પૂછવામાં આવે છે જે નોકરીલક્ષી નથી હોતા, એવા સમયે સાવધાનીથી આપેલા જવાબો   ઇન્ટરવ્યૂને સફળ બનાવે છે.

નોકરી અથવા પ્રમોશન સાથે જોડાયેલા ઇન્ટરવ્યૂમાં પોતાનો સમાવેશ થયો છે એ વાતની જાણ થતાં જ ઉમેદવાર ખુશ થઈ જાય છે અને મનોમન કારકિર્દી માટેના ઘણા બધાં સપનાં પણ જોવા લાગે છે. ઇન્ટરવ્યૂમાં પાસ થવાના તે તમામ પ્રકારના પ્રયત્ન કરે છે, પરંતુ ઘણીવાર ઇન્ટરવ્યૂમાં એવા સવાલો પૂછવામાં આવે છે જેનો ઉત્તર આપવો ઉમેદવાર માટે મુશ્કેલી ઊભી કરે છે. માટે જ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા સવાલોની તૈયારી પહેલાથી જ કરવી જોઈએ.

પોતાના પરિચયની કરો તૈયારી
ઘણી વાર ઇન્ટરવ્યૂઅર્સ તમને પોતાના વિશે બોલવાનું કહે છે. સામાન્ય રીતે આવા સમયે લોકો પોતાનું નામ, પિતાનું નામ અને ઉંમરનો ઉલ્લેખ કરે છે, પરંતુ આ વાતની જાણ તો રિઝ્યુમમાં પહેલેથી જ કરેલી હોય છે. માટે જ્યારે તમારા વિશે વાત કરવાની હોય તો પોતાની વર્તમાન નોકરીની વાત કરો અને તમે જે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા બેઠા છો તેમાં પૂર્ણ નિષ્ઠાથી કામ કરશો ઉપરાંત તમે તે જોબ માટે યોગ્ય પણ છો.

ક્ષતિનો ઉલ્લેખ ધીરજથી કરો
ઇન્ટરવ્યૂમાં ઉમેદવારને તેની ખામી વિશે પૂછવામાં આવે છે. આ સમયે સમજી વિચારીને જવાબ આપવાનો છે. ખાસ કરીને પ્રોફેશનને લગતી ખામી વિશે જ વાત કરવી જોઈએ અને પોતાની ખામી દૂર કરવાનો પણ સતત પ્રયાસ કરે છે તેનો પણ ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. એક વાતનું ધ્યાન રાખો કે પોતાનામાં કોઈ જ કમી નથી એ વાત કરવી યોગ્ય નથી, કારણ કે વહેલા મોડા તમારી ક્ષતિની જાણ થાય છે જ.

યોગ્ય કારણ હોય તો જ નોકરી ચેન્જ કરો
લગભગ દરેક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે કે ઉમેદવાર જે નોકરીમાં જોડાયેલા છે તે કેમ છોડવા ઇચ્છે છે. આ સવાલનો જવાબ આપતા તમારે વિશ્વાસ અપાવવો પડશે છે તમે સારા આશયથી, આગળ વધવા માટે થઈને જોબ બદલી રહ્યા છો. લાગણીના વહેણમાં તણાઈને ક્યારેય જૂની કંપનીની ટીકા ન કરશો. વાતચીત કરતા સમયે ઇન્ટરવ્યૂઅર્સની સાથે આઈ કોન્ટેક જાળવી રાખો.

યોગ્ય સૅલરીની માગ
ઇન્ટરવ્યૂ યોગ્ય રીતે આગળ વધે અને ઘણી બધી બાબતોમાં ઇન્ટરવ્યૂઅર્સને ઉમેદવારના વ્યૂહ સાચા લાગે પછી બંને વચ્ચે સૅલરીને લઈને ચર્ચા થાય છે. આ સમયે ઉમેદવારે ગભરાયા વગર વાત કરવી. જે હોદ્દા માટે એપ્લાય કર્યું હોય તેની સૅલરી વિશે સિનિયર વ્યક્તિ કે ક્ષેત્રમાં કામ કરતી અન્ય વ્યક્તિનો અભિપ્રાય પહેલેથી જ મેળવવો. પગારની વાત રેન્જમાં રહીને કરવી સાથે જ શિષ્ટતા પણ જાળવવી.

Related Posts
1 of 55

——————.

ઇન્ટરવ્યૂના ટ્રેન્ડ
ટેલિફોનિક ઇન્ટરવ્યૂ ઃ આ ઇન્ટરવ્યૂમાં ઉમેદવારે માનસિક તૈયારી કરવી જરૃરી છે. ઇન્ટરવ્યૂ દરમિયાન સમગ્ર ધ્યાન ઇન્ટરવ્યૂઅરની વાતચીત પર રહેવું જોઈએ, કારણ કે આસપાસના વાતાવરણના કારણે મુશ્કેલી સર્જાઈ શકે છે. ઘણીવાર ઉમેદવાર ઇન્ટરવ્યૂઅરનો સવાલ પૂર્ણ રીતે સાંભળ્યા વિના જ જવાબ આપવાનું શરૃ કરે છે, જેના કારણે ઇન્ટરવ્યૂ યોગ્ય રીતે પૂર્ણ નથી થઈ શકતો.

વીડિયો કૉન્ફ્રસિંગ ઇન્ટરવ્યૂ ઃ સ્કાઇપ, ગૂગલ, હેન્ગઆઉટ જેવા સોફ્ટવેર્સ પર હવે વીડિયો કૉન્ફ્રસિંગ ઇન્ટરવ્યૂ થઈ રહ્યા છે. આ પ્રકારના ઇન્ટરવ્યૂમાં ઉમેદવારે પોતાના ડ્રેસ અને ચહેરાના હાવભાવ પર વિશેષ રૃપે ધ્યાન આપવું જોઈએ. પાણીની બોટલ સાથે રાખવી જેથી જરૃર પડે તો ઉપયોગ કરી શકો. વીડિયો કૉન્ફ્રસિંગ ઇન્ટરવ્યૂમાં સજાગતાની સાથે આત્મવિશ્વાસ દર્શાવવો પણ ખૂબ આવશ્યક છે.

વન-ટૂ-વન ઇન્ટરવ્યૂ ઃ મોટા ભાગે તમામ પ્રકારના ઇન્ટરવ્યૂ આ પદ્ધતિથી જ થાય છે. માટે એમ પણ કહી શકાય કે આ પરંપરાગત રીત છે, જેમાં ઉમેદવાર અને ઇન્ટરવ્યૂઅર એકબીજાની સામે બેસીને વાતચીત કરતા હોય છે. વર્તમાન સમયમાં પણ ઉમેદવાર આ પ્રકારના ઇન્ટરવ્યૂમાં શિસ્તતાના અભાવે રીજેક્ટ થતાં હોય છે. ઇન્ટરવ્યૂ આપવા માટે રજા લઈને જ કેબિનમાં પ્રવેશ મેળવવો જોઈએ. એટલું જ નહીં, મંજૂરી લીધા પછી જ સીટ પર બેસવું યોગ્ય છે. તમારો પહેરવેશ અને હાવભાવ ઘણા મહત્ત્વના છે. ચહેરા પર તણાવની જગ્યાએ હાસ્ય સાથે ઇન્ટરવ્યૂમાં બેસવાથી ઇન્ટરવ્યૂઅર પર તમારી સારી ઇમેજ ઊભી થાય છે.  એક અંદાજા પ્રમાણે ૭૦ ટકા કંપનીઓ અને સંસ્થાઓ વધારે ફેશનેબલ કે વધારે ટ્રેડિશનલ ઉમેદવારને  પસંદ નથી કરતી એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ.

પેનલ ઇન્ટરવ્યૂ ઃ આ ઇન્ટરવ્યૂમાં ટીમની પેનલ દ્વારા ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લેવાય છે. પેનલ ઇન્ટરવ્યૂમાં ચારથી પાંચ વ્યક્તિની ટીમ હોય છે જેથી ઘણીવાર ઉમેદવાર ગભરાઈ જાય છે, પરંતુ આ ઇન્ટરવ્યૂમાં ઉમેદવારે આત્મવિશ્વાસ સાથે દરેક ઇન્ટરવ્યૂઅરની સામે જોઈને એક પછી એક સવાલોના જવાબ આપવા જોઈએ.

સ્ટ્રેસ ઇન્ટરવ્યૂ ઃ આજકાલ આ ઇન્ટરવ્યૂ મોટા ભાગની મલ્ટિનેશનલ કંપનીઓમાં લેવાતા હોય છે. ખાસ કરીને ટાર્ગેટ જોબમાં તો સ્ટ્રેસ ઇન્ટરવ્યૂ કંપની માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે. ઉમેદવારની તણાવની સ્થિતિમાં નિર્ણય લેવાની ક્ષમતા સ્ટ્રેસ ઇન્ટરવ્યૂ દ્વારા જાણી શકાય છે. તેમને કોઈ પણ સમસ્યાનું સમાધાન પૂછવામાં આવે છે. આ સમયે ટૂંકામાં ટૂંકો સ્પષ્ટ ઉત્તર આપવો જ અનિવાર્ય છે.

લંચ ઇન્ટરવ્યૂ ઃ મલ્ટિનેશનલ સહિત કોર્પોરેટ કંપનીઓ પરફેક્ટ ઉમેદવારની શોધ કરવા માટે લંચ ઇન્ટરવ્યૂનું આયોજન કરે છે. આ પ્રકારના ઇન્ટરવ્યૂમાં સચેત રહેવું જરૃરી છે. લંચ ઇન્ટરવ્યૂ દ્વારા કંપનીઓ ઉમેદવારની યોગ્યતા ચકાસવાનો પ્રયત્ન કરે છે. પ્રતિકૂળ વાતાવરણમાં ઉમેદવાર ઇન્ટરવ્યૂ આપવામાં સક્ષમ છે કે નહીં તે પણ જાણી શકે છે. લંચ સમયમાં ઇન્ટરવ્યૂઅરને લાગે કે તમારી ભોજન કરવાની રીત યોગ્ય નથી તો તેની અસર ઇન્ટરવ્યૂ પર થાય છે. વધારે મોં ખોલીને જમવું, જમતાં સમયે અવાજ કરવો, ચમચી અને ડિશની ખટર-પટર થવી, જમવાનું ડિશની બહાર પડવું વગેરે વાતો પરથી તમારા વ્યક્તિત્વને જાણવાનો પ્રયાસ થાય છે. ખાસ કરીને મલ્ટિનેશનલ અને કોર્પોરેટ કંપનીઓમાં લંચ દ્વારા પ્રોજેક્ટ અને વર્ક પર ચર્ચા થાય છે. એવા સમયે તમારા અવગુણ કંપનીને નુકસાન ન પહોંચાડે તેવા આશયથી જ લંચ ઇન્ટરવ્યૂને મહત્ત્વ આપવામાં આવે છે.
————————

Leave A Reply

Your email address will not be published.

Translate »