તમારા માટે, તમારી સાથે, સતત…

યુવાનો પોઝિટિવ થિન્કિંગ સાથે લોકોમાં કરે છે ઊર્જાનો સંચાર

સારા મેસેજ અને વીડિયોથી લોકોમાં થોડી પણ ધીરજ વધારી શકીશ તો મારો પ્રયત્ન સફળ થશે.

0 96
  • યુવા – હેતલ રાવ

કોરોના મહામારીનો સામનો લોકો મક્કમતાથી કરી રહ્યાં છે. લૉકડાઉન પૂર્ણ થયું છે, પરંતુ કોરોનાનો કહેર હજુ પણ યથાવત છે એ વાતનો લોકો સ્વીકાર કરી રહ્યાં છે. ડૉક્ટર્સે કહેલા નિયમોને ફોલો પણ કરે છે. આ સમયમાં યુવાનો પણ પાછી પાની કર્યા વિના લોકોમાં પોઝિટિવ એનર્જીનો સંચાર કરવા માટે નિત નવા વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલૉડ કરે છે.

Related Posts
1 of 55

કોરાના સમયમાં સૌથી પસંદ થયેલો વીડિયો સોન્ગ હોય તો તે છે હમ હોંગે કામિયાબ.., આ ગીતના શબ્દો જ એવા છે જે મુશ્કેલી સામે લડવાની ક્ષમતા આપે છે. એક બાજુ કોરોના વાઇરસથી લોકો મરી રહ્યા છે, બીજી બાજુ ડૉક્ટર દર્દીઓને બચાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. રસ્તાઓ ખૂલ્યા છતાં પણ લોકોમાં એક ડર છે. જનજીવન થાળે પડતા કેટલા મહિનાઓ લાગશે તેની પણ કોઈને જાણ નથી, ત્યારે યુવાનો જુદા-જુદા પોઝિટિવ થિંકવાળા વીડિયો સોન્ગ બનાવીને લોકોને સમસ્યા સામે લડવાની પ્રેરણા આપે છે. લૉકડાઉન પિરિયડ શરૃ થયો ત્યારથી જ સેલિબ્રિટીથી લઈને સામાન્ય વ્યક્તિ પણ બધું રાબેતા મુજબ થઈ જશે તેવી આશા રાખવાના મેસેજ ફોરવર્ડ કરે છે, પરંતુ જ્યારે લૉકડાઉન ઓપન થયું ત્યારે પણ લોકોમાં એક હતાશા હતી, ડર હતો, એક બાજુ પરિવારને ચલાવવા માટે બહાર જવું ફરજિયાત હતું તો બીજી બાજુ શું થશે જેવા સવાલો હતા. આવી અસમંજસની સ્થિતિમાં હકારાત્મક મેસેજ, વીડિયો અને વાતો નિરાશાજનક વાતાવરણને દૂર કરે છે.

આ વિશે વાત કરતા ગ્રીષ્મા ખન્ના કહે છે, ‘મને વીડિયો બનાવવા ખૂબ જ પસંદ છે. હું તો રોજનો એક વીડિયો બનાવતી હતી. જ્યારે કોરોનાના કારણે સમગ્ર દેશ લૉકડાઉન થયો ત્યારે નક્કી કર્યું હતું, કે આ મુશ્કેલીના દિવસોમાં બીજું કશું ભલે ના કરી શકીએ, પરંતુ સારા મેસેજ અને વીડિયોથી લોકોમાં થોડી પણ ધીરજ વધારી શકીશ તો મારો પ્રયત્ન સફળ થશે. લૉકડાઉન ઓપન થયા પછી પણ હું મારી આસપાસ અને મિત્ર વર્તુળમાં નિરાશ વાતાવરણ જોતી, ત્યારે મને લાગ્યું કે મારું કામ હજુ પણ પૂર્ણ નથી થયું. કોમેડી અને અન્ય નાટકીય વીડિયો ઘણા બનાવ્યા, પરંતુ ફરી સમય છે લોકોને આશાવાદી બનાવવાનો. હાલમાં હું જુદા-જુદા સોન્ગના વીડિયો, સારા મેસેજ સોશિયલ મીડિયા પર અપલૉડ કરું છું. મને સારી કોમેન્ટ પણ મળે છે. મારા વીડિયોથી લોકોમાં ઉત્સાહ વધે છે અને તેમની કોમેન્ટથી મારામાં પણ ઊર્જાનો સંચાર થાય છે.’

રુદ્રક ગિરી કૉલેજના લાસ્ટ યરમાં અભ્યાસ કરે છે, તેને લખવાનો ખૂબ જ શોખ છે. આ વિશે વાત કરતા કહે છે, ‘હું હંમેશાં કંઈ ને કંઈ લખતો રહું છું. મારા વિચારોને કાગળ પર ઉતારવાનું મને સારું લાગે છે. કોરોનાથી લોકોમાં હતાશા જોવા મળે છે. આ સમય ક્યારેય પસાર નહીં થાય અને આપણે શું કરીશું જેવા વિચારોથી તેમનામાં નેગેટિવિટી આવે છે. માટે હાલની સ્થિતિને લઈને હું સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી સારા વિચારો પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. ઘણીવાર વીડિયો દ્વારા પણ સારી વાતોને અપડેટ કરતો રહું છું.’ યુવાનો વીડિયો, મેસેજ અને ટેલિફોનિક વાતો દ્વારા ગ્રૂપ ડિસ્કશન પણ કરે છે. ઉપરાંત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ લૉકડાઉન ઓપન થયા પછી, સાવચેતી સાથે પોઝિટિવ વિચારો રાખવાની ચર્ચા કરે છે. આ સમય કપરો છે, અનેક સમસ્યા છે, પરંતુ અંધારી રાત પછી જેમ સૂર્યોદય થવો નિશ્ચિત છે તેવી રીતે આ સમય પણ પસાર થઈ જશે.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »