તમારા માટે, તમારી સાથે, સતત…

‘મોના બચી ગઈ તેના માનમાં હવે તો મીઠું મોઢું કરો રાજેનજી….’

રાજેનના ચહેરા પર રાહતની લાગણી છવાઈ હતી.

0 289
  • નીલમ દોશી   હરીશ થાનકી

એક અધૂરી વાર્તા – નવલકથા – પ્રકરણ-૨૬

વહી ગયેલી વાર્તા

દેશના અગ્રગણ્ય વિજ્ઞાની ડૉ. કુલદીપ આબેહૂબ માનવ જેવી ઇવા રૉબોટનું સર્જન કરે છે. ઇવાને લાગે છે કે કુલદીપ તેના પ્રેમમાં છે. ઇવાના મનમાં પણ કુલદીપ માટે પ્રેમના અંકુર ફૂટે છે. કુલદીપ ઇવાના પ્રેમને નકારી દે છે તેથી ઇવા તેને છોડીને ચાલી જાય છે. ઇવા ઉશ્કેરાઈને ગેરકાનૂની કામ કરતા આરીફ નામના માણસના સંપર્કમાં આવે છે. આરીફ અને તેના સાગરીતો ઇવાનું અપહરણ કરી તેની પાસે બોમ્બ વિસ્ફોટ કરાવવાનું કાવતરું ઘડે છે. ઝાયેદ નામનો શખ્સ મુંબઈ પહોંચે છે. ઝાયેદ મોના નામની યુવતીને મળે છે. મોના રાજેન વકીલ નામની વ્યક્તિને પ્રેમ કરે છે. રાજેન ગુપ્ત રીતે આતંકવાદીઓની માહિતી એકઠી કરી સરકારને આપવાનું કામ કરતો હોય છે. મોના રાજેનને તેના આ કામમાં સાથ આપે છે. ઝાયેદ બોમ્બ વિસ્ફોટ માટે મોનાનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે. આ તરફ કુલદીપ તેની સેક્રેટરી  આયનાને ઇવાના સર્જન અને વિસર્જનની વાત કરે છે. આ વાતની જાણ થતાં આયના કુલદીપને આતંકવાદીઓના ષડયંત્રને રોકવા માટે પ્રયત્ન કરવાનું કહે છે અને મોનાની મદદ લે છે. મોના કુલદીપ અને આયનાની ઓળખાણ રાજેન સાથે કરાવે છે. રાજેન જે ગ્રૂપ સાથે સંકળાયેલો હોય છે તેના વડા કામ્બલી રાજેનને અમદાવાદમાં આતંકવાદીઓ બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાની વાત કરે છે. ઝાયેદ મોનાને અમદાવાદના જુદા જુદા ઠેકાણા બતાવે છે. જોકે, તે મોનાને તેનો પ્લાન નથી જણાવતો. મોના આ બધી વાત રાજેનને કરે છે. રાજેનને મોનાની ચિંતા સતાવવા લાગે છે. રાજેન મોનાની સુરક્ષા માટે વિક્રમસિંહ નામના વ્યક્તિને નિયુક્ત કરે છે. બીજી તરફ આયનાને ખ્યાલ આવે છે કે ડો. કુલદીપને આતંકવાદી હુમલા કે અન્ય કોઇ ઘટનાઓમાં રસ નથી તેથી તે તેના મિત્ર રણવીરસિંહની મદદ લેવાનું નક્કી કરે છે. રણવીર અને આયના કોલેજમાં સાથે હોય છે. રણવીર આયનાને પ્રેમ કરતો હોય છે પણ આયના સમક્ષ તેનો એકરાર નથી કરી શકતો. મોના રાજન સાથે વાત કરવા અડધી રાત્રે હોટેલના કાઉન્ટર પરથી ફોન કરે છે. ઝાયેદ મોનાની જાસૂસી કરવા તેની પાછળ જાય છે પણ મોનાને એ વાતની ખબર પડી જતાંં તે સતર્ક થઇ જાય છે. રાજેન અને મેજર કામ્બલી અમદાવાદ આવવા નીકળે છે. ઝાયેદે બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્ર માટે જુદાં જુદાં પ્લાન ઘડી રાખ્યા છે અને જો તેમાં ચૂક થાય તો મોનાને મોતને ઘાટ ઉતારવાની પણ તૈયારી કરે છે. બીજી બાજુ રણવીર અને આયના પણ અમદાવાદ પહોંચે છે. રરાજેન અને મેજર કામ્બલી આતંકવાદીઓના હુમલાને નિષ્ફળ બનાવવા અને તેમને રંગેહાથ પકડવા અમદાવાદ પહોંચે છે. રાજેનને મોનાની ચિંતા થઇ આવે છે. બીજી બાજુ આયના અને રણવીર પણ અમદાવાદ પહોંચે છે અને આતંકવાદીઓના ષડયંત્રને નિષ્ફળ કરવાના કામમાં લાગે છે. રણવીર, આયના, મેજર કામ્બલી અને રાજેન હોટેલના રુમમાં એકબીજાને મળે છે. રાજેન અને રણવીર વચ્ચે મોનાની સુરક્ષાને લઇને વાત થાય છે. રણવીર રાજેનને ખાતરી આપે છે કે સરકાર અને સમગ્ર ઓપરેશન સાથે જોડાયેલી દરેક વ્યક્તિ મોનાની સુરક્ષાને લઇને કટિબદ્ધ છે. રણવીરની વાત સાંભળીને રાજેનના જીવમાં જીવ આવે છે. ઝાયેદને અફઝલ ખાનનો ફોન આવે છે. જેમાં ષડયંત્રની જાણ સરકારને થઇ ગઇ હોવાની વાત તે ઝાયેદને કરે છે. પ્લાન લીક કરવા માટે મોના પર શંકા કરવામાં આવે છે. તેથી બોમ્બ બ્લાસ્ટ થતાંની સાથે જ મોનાને પણ ખતમ કરવાની સૂચન અફઝલ ખાન ઝાયેદને આપે છે. અફ્ઝલ ખાને મોનાને લઇને વ્યક્ત કરેલી શંકાની ખાતરી કરવા ઝાયેદ મોનાની પરીક્ષા લેવાનું નક્કી કરે છે. તે મોનાને પ્લાનમાં ફેરફાર થયો હોવાનું કહે છે. બીજા દિવસે પ્લાનને અમલમાં મૂકવાની વાત મોનાને કરે છે. મોના આ વાત રાજેન સુધી પહોંચાડે છે. ઝાયેદ ખાતરી કરવા મોનાથી થોડો દૂર જાય છે પણ મોનાની રાજેન સાથેની કોઇપણ પ્રકારની વાતચીત સંભળાતી નથી કારણકે મોનાએ રાજેનને મેસેજ કર્યો હોય છે. કામ્બલી, રણવીર, માથુર, રાજેન મોનાનો મેસેજ વાંચીને ચિંતિંત થઇ જાય છે કે પ્લાનમાં ફેરફાર કેવી રીતે શક્ય બને. રાજેનને મોનાની ચિંતા થઇ આવે છે. માથુરને મળેલી માહિતી મુજબ આતંકવાદીઓ શુક્રવારે જ તેમના પ્લાનને અમલમાં મૂકવાના હતા, જ્યારે મોનાના કહ્યા મુજબ ઝાયેદ અને અફ્ઝલ ખાન બીજા દિવસે જ બોમ્બ બ્લાસ્ટ કરવાના હતા. માથુર અસમંજસમાં મૂકાઇ જાય છે. આખરે કોની વાત પર વિશ્વાસ કરવો. આખરે તે રણવીરને કામ સોંપે છે. બીજા દિવસે ઝાયેદ, અફ્ઝલ ખાન અને મોના એક ખાલી સુટકેસ લઇને કાલુપુર સ્ટેશને પહોંચે છે. મોનાને ઝાયેદના પ્લાનની ખબર નથી હોતી કે ઝાયેદ મોનાની ચકાસણી કરી રહ્યો છે. રસ્તામાં મોનાના હાથમાં રહેલી સુટકેસ બદલાઇ જાય છે. મોના સ્ટેશન પર સુટકેસ મૂકે છે. સુટકેસના સંદર્ભમાં કોઇ હિલચાલ નથી થતી. તેથી ઝાયેદને ખાતરી થઇ જાય છે કે મોના સરકારી એજન્ટ નથી. જોકે, અફ્ઝલ ખાન વિચારમાં પડે છે કે તેને મોનાને લઇને મળેલી માહિતી ખોટી કેવી રીતે સાબિત થઇ.

હવે આગળ વાંચો…

‘ડાર્લિંગ, હવે હું આ બધાથી કંટાળી છું. તારા બોસને કહે કે જેમ બને તેમ કામ જલ્દી આટોપે. કામ પતાવી પૈસા હાથમાં આવે એટલે આપણે બંને ક્યાંક દૂર જતાં રહીશું. એવી જગ્યાએ જ્યાં ફક્ત તું અને હું જ હોઈએ. અને ચોવીસે કલાક બસ, એકબીજાને પ્રેમ કરતા રહીએ..કામ પતશે એટલે હું તને એકલીને એવી જગ્યાએ મોકલી દઈશ, જ્યાં ગયેલું કોઈ કદીયે પાછું ફર્યું નથી.. શબ્દો ઝાયેદના દિમાગમાં ઊઠ્યા.

બરાબર ત્યારે રાજેન, કામ્બલી અને આયના, રણવીર ફરીથી એકઠાં થયાં હતાં.

‘મોના બચી ગઈ તેના માનમાં હવે તો મીઠું મોઢું કરો રાજેનજી.’ રણવીરે હસીને પેંડાનું બોક્સ રાજેન સામે ધર્યું ત્યારે રૃમમાં બેઠેલા કામ્બલી અને આયના બંને ખડખડાટ હસ્યાં. રાજેનના ચહેરા પર રાહતની લાગણી છવાઈ હતી. જોકે તેને સમજાયું નહોતું કે આ કેવી રીતે શક્ય બન્યું હતું.

‘પણ આ બધું શક્ય કેમ બન્યું એ તો મને કોઈ સમજાવો..’

રાજેને પેંડો હાથમાં રાખીને પૂછયું.

કામ્બલી અચકાયા. એને વાત કરવી કે નહીં?

તેનો હિચકિચાહટ સમજી ગયેલા રણવીરે કહ્યું,

‘સર, રાજેનથી કશું છૂપાવવાની કોઈ જરૃર નથી.’

‘રાઇટ..’

‘રાજેન, આ બધી માથુર સરના દિમાગની કમાલ છે.’

‘અને સાથે-સાથે રણવીરના જાદુની પણ કમાલ છે.’ કામ્બલીએ વાત આગળ ચલાવી,

‘માથુર સર પાસે બે અલગ-અલગ માહિતી આવી હતી. એક તો એ કે આતંકવાદી હુમલો અગામી શુક્રવારે થવાનો છે. જ્યારે મોનાનો તમારા પર આવેલ મેસેજ કંઈક અલગ જ કહી રહ્યો હતો… હવે માથુર સર પાસે બે ઓપ્શન હતા. કાં તો એ મોનાના મેસેજને સાચો માની લે અને મને સૂચના આપે કે હું અને મારા સાથીઓ મોનાને હોટેલથી જ ફોલો કરીએ અને મોના જેવી ક્યાંય પણ સૂટકેસ મુકે અને ત્યાંથી રવાના થાય એટલે અમે તુરંત જ એ સૂટકેસ ઉપાડી ખોલી અંદરનો બોમ્બ ડિફ્યુઝ કરી દઈએ, પણ આમ કરવામાં એક મોટું જોખમ એ હતું કે ધારો કે એ સૂટકેસમાં બોમ્બ ન હોય અને હું અને મારો સાથી જેવા એ સૂટકેસને ઉપાડીએ એટલે એ ગેંગનો કોઈ માણસ કે જે મોનાની પાછળ જ હોય એ ઝાયેદને ફોન કરી જ દે અને બીજી જ પળે ઝાયેદને મોના સરકારી એજન્ટ છે તેની ખાતરી થઈ જાય. એટલે પછી એ મોનાને તુરત જ ખત્મ કરી દે. આમાં મોનાની જિંદગી દાવ પર લાગે એમ હતી.

બીજો ઓપ્શન એ હતો કે તેના એજન્ટની વાત પર શ્રદ્ધા રાખી આવતીકાલે મોનાને ફોલો ન કરવી, પણ એમ કરવામાં જોખમ ઓછું નહોતું.  ધારો કે મોના જે સૂટકેસ લઈને જાય તેમાં ખરેખર જ બોમ્બ હોય તો..? તો તો એ હુમલામાં કેટલા નિર્દોષ લોકો જીવ ગુમાવી બેસે? એક એજન્ટની માહિતીના આધારે આવડું મોટું જોખમ ન જ લઈ શકાય.

અંતે માથુર સરે એક પ્લાન બનાવ્યો. ઝાયેદ જો મોનાને ચકાસવા માંગતો હશે તો તેની પાસે મોબાઇલ રહેવા જ દે તે સ્વાભાવિક છે. આથી એમણે મને સૂચના આપી કે આયના પાસે મોનાની બહેનપણીના નામે ફોન કરાવવો. ત્યારે ઝડપથી મોનાના કાનમાં ફૂંક મારી દેવાની કે જ્યારે ચાન્સ મળે ત્યારે ઝાયેદ જે સૂટકેસ લઈ આવ્યો હતો તેના ફોટા પાડીને તક મળે એટલે તુરત ફોટા વૉટ્સઍપમાં આયનાને મોકલી આપે. સદનસીબે મોનાને કોઈ પણ રીતે  બેગના ફોટા પાડીને મોક્લવાનો ચાન્સ મળી ગયો. મોનાએ એ તક કેવી રીતે, કેટલું જોખમ ઉઠાવીને મેળવી હશે એ તો મોના સિવાય કોણ કહી શકે?

પણ ગમે તેમ કરીને મોનાએ તે ફોટા આયનાને મોકલ્યા..બસ પછી તો બજારમાંથી તેના જેવી જ ચાર સૂટકેસ બજારમાંથી શોધતા વાર કેટલી?

આગળની વાત રણવીરે કહેવાનું શરૃ કર્યું.

‘પરંતુ હજુ સૂટકેસ બદલાવી લેવાનું મુખ્ય કામ તો બાકી હતું. એ માટે માથુર સાહેબની અગમચેતી કામ લાગી. એમણે ઝાયેદના રૃમની સામેનો એક રૃમ કે જે પહેલેથી જ મોનાની સલામતી માટે બુક કરાવીને રાખ્યો હતો  જેમાં એમના જ બે માણસો ત્યાં થતી દરેક નાની હિલચાલ પર વૉચ રાખતા હતા. જેથી ગમે તેવી પરિસ્થિતિમાં મોનાને કવર કરી શકાય.

માથુર સાહેબે મને પણ વધારે સાવચેતીનાં પગલાં તરીકે ત્યાં અગાઉથી મોકલી દીધો. માથુર સાહેબની સૂચના મુજબ એ બંને જણાએ હોટેલના પાછળના ભાગમાં કે જ્યાં હોટલનો બિનજરૃરી કે વધારાનો સામાન રાખવામાં આવતો હતો ત્યાં આગ લગાડી. આખી હોટેલમાં સ્મોક ફેલાઈ ગયો. હોટેલના બધા ફાયર એલાર્મ એકીસાથે ધણધણી ઊઠ્યા. હોટેલમાં હાજર બધા લોકો સ્વાભાવિક રીતે ગભરાઈ ગયા અને રૃમની બહાર ભાગ્યા. હોટેલમાં આગ લાગે ત્યારે મૅનેજમૅન્ટ પણ સ્વાભાવિક રીતે સૌથી પહેલાં તેમાં ઊતરેલા લોકોની સલામતીનો જ વિચાર કરે. એટલે આગ લાગ્યાની જાણ થતાંવેંત મૅનેજમૅન્ટે તેમાં ઊતરેલા તમામ લોકોને ઝડપથી હોટલ ખાલી કરવાના સૂચનો આપવા માંડ્યા. અલબત્ત, એ સૂચનો પહેલા જ ફાયર એલાર્મથી ગભરાયેલા લોકો રૃમ છોડીને નીચેની તરફ ભાગવા લાગ્યા હતા. ચારે તરફ અફડાતફડી મચી ગઈ હતી. ઝાયેદ ગમે તેવો આતંકવાદી હોય, અનેક લોકોને મારતા એનું રૃંવાડું પણ ભલે ન ફરકતું હોય, પણ આખરે એ પણ માણસ હતો. એને એનો પોતાનો જીવ તો વહાલો હોવાનો જ. બીજાને મારવું અને પોતે મરવું એ બંને વાત કોઈ પણ વ્યક્તિ માટે સાવ અલગ જ બની રહે એ સહજ છે. ગમે તેવી ખૂંખાર વ્યક્તિ પણ મોત જ્યારે પોતાની સામે આવે ત્યારે  ગભરાવાની જ. ઝાયેદ પણ એમાં અપવાદ ન જ હોય. એમાં પણ મોનાએ ચીસાચીસ કરી મૂકી હતી. તે જાણે ખૂબ ગભરાઈ ગઈ હોય એ રીતે ઝાયેદનો હાથ ખેંચીને એને નીચે ઢસડી ગઈ હતી. જેથી ઝાયેદને રૃમને લૉક કરવાનો ખ્યાલ સુધ્ધાં નહોતો આવ્યો. મોનાની ચીસો, ફાયર એલાર્મની સાયરનો અને લોકોની ભાગાભાગી એ બધાથી વાતાવરણ એટલું ભયજનક બની ગયું કે ઝાયેદ પણ મોનાની સાથે દોડી ગયો કે એમ કહો કે ગભરામણનું નાટક કરતી મોના ઝાયેદને લગભગ ખેંચી જ ગઈ.

બસ, મારે એ જ પળનો લાભ લેવાનો હતો. મેં ઝડપથી મોનાના રૃમમાં જઈ અસલ એવી જ સૂટકેસ ત્યાં મૂકી દીધી અને ઝાયેદે રૃમમાં તૈયાર રાખેલી  સૂટકેસ ઉપાડી લીધી. બસ, મારું કામ પૂરું.

થોડી વારમાં આગ બુઝાઈ અને બધા પોતપોતાના રૃમમાં પાછા ફર્યા ત્યારે સૂટકેસ સલામત જોઈ ઝાયેદ નિશ્ચિંત થઈ ગયો.

બસ..પછી તો બીજું બધું કામ સહેલું હતું. અમારી ધારણા મુજબ એ બેગમાં બોમ્બ કે કશું નહોતું. અમને એ જ સમયે ખાતરી થઈ ગઈ કે ઝાયેદે મોનાને આજે બોમ્બ બ્લાસ્ટ કરવાના છે એમ કહી એની પરીક્ષા કરવા કે કોઈ પણ કારણસર એને ગેરમાર્ગે દોરી હતી. મોના ઉપર કોઈ આંચ ન આવે તે માટે અમે એક બીજું સ્ટેપ એડવાન્સમાં લેવાનું અમે ચૂક્યા નહોતા.’

Related Posts
1 of 34

‘કયું સ્ટેપ..’ રાજેને ઉત્સુકતાથી પૂછ્યું, મોનાની સલામતીની વાત આવતા જ રાજેનના કાન વધારે સરવા થયા.

* * *

માથુરની વાત એકચિત્તે સાંભળી રહેલા રાજેનના મનમાં આ ક્ષણે મોનાની સલામતી કદાચ સૌથી અગત્યની વાત હતી. એનું સમગ્ર ધ્યાન એ એક જ વાતમાં કેન્દ્રિત થયેલું હતું. માથુર સાહેબે વધુ એક સ્ટેપની વાત કરતા રાજેનના કાન વધારે સરવા બન્યા.

‘કયું સ્ટેપ..’ રાજેનના સવાલમાં દેખા દેતી અધીરાઈ જોઈ માથુરે પોતાની અધૂરી વાત આગળ વધારી.

‘ઝાયેદ અને મોનાને લઈ જતી કાર હજુ કાલુપુર સ્ટેશન પહોંચે તે પહેલાં રસ્તામાં તેને એક સ્થળે અકસ્માત થાય તેવું કૃત્રિમ વાતાવરણ સર્જી થોડી ક્ષણો માટે અફઝલ ખાન પાસે ગાડીને બ્રેક મરાવી. એ દરમિયાન આપણા જ એક માણસે તેની કાર પાછળ એક નાનકડું વીજાણુ યંત્ર ચિપકાવી દીધું. જેના વડે તેનો પીછો કરી રહેલ આપણા એક એજન્ટને તે કાર કઈ તરફ જઈ રહી છે તેનો ખ્યાલ મળતો રહે. મિસ્ટર રાજેન, હવે તમને પણ વિશ્વાસ આવશે કે મોનાની સલામતી માટે પણ અમે કેટલા ચિંતાતુર છીએ. એ છોકરીએ પોતાના જાનની બાજી લગાડી દીધી છે ત્યારે એની સલામતી જોવાનું પણ કેમ ચૂકાય? એ કાર હવે જ્યાં પણ જશે ત્યાં આપણને એના વ્હેર એબાઉટ મળતા રહેશે.’

‘થેન્ક્સ સર..’

‘ઇટ્સ અવર ડ્યુટી..મિસ્ટર રાજેન..અત્યારે પણ આપણા માણસો મોનાની પાછળ છે જ. છેલ્લા સમાચાર મુજબ એ લોકો અત્યારે રાજકોટ હાઈવે પર એક ધાબા પર રોકાયા છે. કોઈ પણ જાતની ગરબડ ઊભી થાય તો ઝાયેદ અને અફઝલ ખાનનું એન્કાઉન્ટર કરી નાખીને પણ મોનાને બચાવી લેવાની મેં એમને સ્પષ્ટ સૂચના આપી છે.’

માથુરે પોતાની વાત પૂરી કરી ઊંડો શ્વાસ લીધો. તે મનોમન વિચારી રહ્યા કે સાચી બાજી તો હજુ બાકી જ રહી. કોઈ પણ ભોગે એ જીતાવી જોઈએ.

માથુર સરની છેલ્લી વાત સાંભળી રાજેનને ખાતરી થઈ ગઈ કે મોનાની સેફ્ટી માટે આ લોકો બેદરકાર નથી. રાજેનના ચહેરા પર થોડી હળવાશના ભાવ તરવરી રહ્યા. તેણે થોડી રાહત અનુભવી.

અહીં આ બધી ચર્ચા ચાલુ હતી ત્યારે બીજી બાજુ  ઝાયેદ, અફલઝલ ખાન અને તેના સાથીઓ પોતાના પ્લાનને આખરી અંજામ આપવા તૈયાર હતા. મોના ઉપર હવે તેમને પૂરો વિશ્વાસ આવી ગયો હતો. શંકા કરવાનું કોઈ કારણ અત્યાર સુધી મોનાએ આપ્યું નહોતું અને આજની આખરી પરીક્ષામાં પણ તે પાસ થઈ હતી અને આમ  છતાં મોના હવેથી એક સેકન્ડ પણ એકલી ન પડે એની સાવધાની રાખવાનું પણ ઝાયેદ ચૂક્યો નહોતો. આખરે મોના આખા પ્લાનની સફળતાની ચાવી હતી અને હવે આખરી પ્લાન માટેનું, ફાઇનલ તબક્કાનું કાઉન્ટડાઉન શરૃ થઈ ચૂક્યું હતું.

ગુરુવારે વહેલી સવારે પોરબંદરથી ઘરવખરીનો સામાન ભરીને નીકળેલી એક પિકઅપવાન ગોન્ડલ નજીક પહોંચી ત્યારે તે વાન ડ્રાઈવ કરી રહેલા રઝાકની બાજ નજર થોડે દૂર દેખાતી વાહનોની લાઈન પર પડી. એણે ઝડપથી વાનની સ્પીડ ઘટાડી નાંખી. બાજુમાં બેઠેલા વીસેક વરસના લબરમૂછિયા છોકરા સામે જોઈ બોલ્યો,

‘અબ્દુલ, આગળ ચેકિંગ લાગે છે. હું ગાડી ઊભી રાખું છું. તું ઊતરીને પાછળ જે કેરીનો કરંડિયો મેં તને બતાવ્યો હતો એ લઈ લે અને માથે લઈ ચાલતો થઈ જા. આગળ જઈને ઊભો રહેજે. હું ચેકિંગ ક્રોસ કરી એ તરફ આવું એટલે તું પાછો ગાડીમાં આવી જજે..સમજ્યો? જરૃર પડે તો વધારે રકઝક કર્યા સિવાય એકાદ બોટલ…..સમજી ગયો ને? બાકી તું આ કામમાં હોશિયાર છે, અનુભવી છે અને અહીંના મોટા ભાગના પોલીસો તને ઓળખે છે. શું કરવું એની તને ખબર છે જ. બરાબર?’

અબ્દુલે હકારમાં માથું ધૂણાવ્યું. તે ઝડપથી ક્લીનર સાઈડનો દરવાજો ખોલી ઊતરી ગયો. રોડની બીજી સાઈડ તરફ રહેલી નાની કેડી પર ચાલવા લાગ્યો. રઝાકે ડ્રાઇવિંગ સીટ પર બેઠા-બેઠા તેને જોયા કર્યો. એ લઈ જઈ રહ્યો હતો એ કરંડિયો કોઈ ચીલાચાલુ સામાન્ય કરંડિયો નહોતો. એની નીચે ડબલ પડ હતું. જ્યાં કેરીની સાથે જુદી-જુદી રીતે યુક્તિપૂર્વક ચાર બોમ્બ છુપાવેલા હતા. જેની અબ્દુલને લેશમાત્ર શંકા નહોતી..નહીંતર તે નવો નિશાળિયો કદાચ આવા જોખમી કામમાં ગભરાઈ જાય અને કદાચ ના પણ પાડી દે. કે પછી તેનું વર્તન સાહજિક ન રહે. તેનો ચહેરો, તેના હાવભાવ અચૂક તેની ચાડી ખાય. અબ્દુલને એટલી જ જાણ હતી કે કેરીની નીચે ઇંગ્લિશ દારૃની ચારેક બોટલ છે. એવાં નાનાં-મોટાં કામ તો એ છેલ્લા ત્રણેક વરસથી કરતો હતો અને બદલામાં સારા એવા પૈસા મેળવી લેતો હતો. સાવ જોખમ લીધા સિવાય તો આટલા પૈસા બીજું કોણ આપવાનું હતું?

તેથી જ અબ્દુલને આ કામ સોંપતી વખતે તેના ટોપલામાં કેરીની નીચે દારૃની બોટલો છે એવી અને એટલી જ જાણકારી અપાઈ હતી. કદીક સ્કોચ વ્હીસ્કી કે કદીક જાતજાતના વાઇન લઈને જતા અબ્દુલને કદીક પોલીસનો ભેટો થઈ જતો તો એકાદ બોટલ આપીને છૂટી જતા શીખી ગયો હતો. તેના ટોપલામાં કેરીની નીચે દારૃની ચારેક બોટલો છૂપાવેલી હતી. જેથી કોઈને શંકા જાય અને પકડે તો દારૃની એકાદ બોટલ આપીને સલામત રીતે છટકી શકાય. ગુજરાતમાં દારૃબંધી હોવાથી અહીં બોટલની કિંમત કદાચ વધારે હતી.

પોતે દારૃની સાથે માથા ઉપર બીજી પણ કેવી જોખમી વસ્તુ લઈ જઈ રહ્યો છે એનાથી અજાણ હોવાથી એ બિન્દાસ રીતે ધીમે-ધીમે કશું ગણગણતો મસ્તીથી ટોપલો માથે લઈને જઈ રહ્યો હતો. પોલીસ આવતાં જતાં વાહનોના ચેકિંગમાં વ્યસ્ત હતી. અબ્દુલ બેફિકરાઈથી માથે ટોપલો લઈ એ બધા વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. કોઈનું ધ્યાન તેના પર ન પડ્યું. આમેય એક લઘરવઘર દેખાતા ટીનએજર છોકરા પર કોઈને જલદી  શંકા જાય એવું નહોતું લાગતું. એક પછી એક ગાડીઓ તપાસાઈ રહી હતી, એવામાં અબ્દુલના કાને એક અવાજ પડ્યો.

‘એ છોકરા, શું છે આ ટોપલીમાં?’ અબ્દુલે પાછળ ફરીને જોયું તો એક પોલીસ દંડો પછાડતો તેની પાસે આવી રહ્યો હતો.

પણ આ પોલીસ તો જાણીતો હતો. આની પહેલાં પણ એકાદ બે વાર તે ઝડપાયો હતો. પણ વાઇનની એકાદ બોટલ પોલીસને આપી દેવાથી કામ પતી જતું.

પોલીસ પણ અબ્દુલને ઓળખી ગયો હતો.

તેણે ધીમેથી પૂછ્યું, કેટલી બોટલ છે કેરીની નીચે? સાચું બોલજે.’

થોડું થોથવાતા હોવાનો દેખાવ કરી અબ્દુલે ધીમેથી કહ્યું,

‘સાહેબ, ચાર છે..લો આ તમારો ટેક્સ.’ કહેતા અબ્દુલે કેરીની નીચે ગોઠવેલી ચાર બોટલમાંથી પ્લાસ્ટિકમાં વીંટાળેલી સ્કોચની એક બોટલ કાઢી પોલીસના હાથમાં મૂકી. બીજા કોઈનું ધ્યાન પડે એ પહેલાં પોલીસે બોટલ ઝડપથી પોતાની પાસે રહેલા થેલામાં પાણીની બોટલ સાથે સેરવી દીધી.

‘કોઈને કહેતો નહીં..ચાલ. ભાગ હવે..’ ધીમેથી કહી અને પછી મોટેથી બોલ્યો..

‘સારું સારું કેરી જ છે. ચાલ, જલદી કર.’ કહી દંડો પછાડી તેને આગળ જવા ઇશારો કર્યો અને પછી ગાડીઓ ચેક કરવામાં વ્યસ્ત સાહેબ સામે જોઈ સબ સલામતની નિશાની આપી.

અબ્દુલ એ જ બેફિકરાઈ ભરી ચાલે આગળ નીકળી ગયો.

અબ્દુલને પોલીસ પાસેથી સહીસલામત નીકળી ગયેલો જોઈ રઝાકે વાન સ્ટાર્ટ કરી ધીમે ધીમે ચલાવી ચેકિંગ પોઈન્ટ પર પહોંચ્યો. હવે તેની ગાડીમાં કશું વાંધાજનક નહોતું. દસ મિનિટ પછી તેની ગાડીને જવાની પરમિશન મળી ગઈ. એક રાહતનો શ્વાસ લઈ રઝાકે ગાડી ભગાવી. થોડે દૂર જઈ, આગળ ચાલી રહેલા અબ્દુલ પાસે પહોંચી એને ગાડીમાં બેસાડી અને ઝડપથી વાન મારી મૂકી.

(ક્રમશઃ)

—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »