નીલમ દોશી હરીશ થાનકી
‘એક અધૂરી વાર્તા’ – નવલકથા – પ્રકરણ-૨૪
વહી ગયેલી વાર્તા
દેશના અગ્રગણ્ય વિજ્ઞાની ડૉ. કુલદીપ આબેહૂબ માનવ જેવી ઇવા રૉબોટનું સર્જન કરે છે. ઇવાને લાગે છે કે કુલદીપ તેના પ્રેમમાં છે. ઇવાના મનમાં પણ કુલદીપ માટે પ્રેમના અંકુર ફૂટે છે. કુલદીપ ઇવાના પ્રેમને નકારી દે છે તેથી ઇવા તેને છોડીને ચાલી જાય છે. ઇવા ઉશ્કેરાઈને ગેરકાનૂની કામ કરતા આરીફ નામના માણસના સંપર્કમાં આવે છે. આરીફ અને તેના સાગરીતો ઇવાનું અપહરણ કરી તેની પાસે બોમ્બ વિસ્ફોટ કરાવવાનું કાવતરું ઘડે છે. ઝાયેદ નામનો શખ્સ મુંબઈ પહોંચે છે. ઝાયેદ મોના નામની યુવતીને મળે છે. મોના રાજેન વકીલ નામની વ્યક્તિને પ્રેમ કરે છે. રાજેન ગુપ્ત રીતે આતંકવાદીઓની માહિતી એકઠી કરી સરકારને આપવાનું કામ કરતો હોય છે. મોના રાજેનને તેના આ કામમાં સાથ આપે છે. ઝાયેદ બોમ્બ વિસ્ફોટ માટે મોનાનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે. આ તરફ કુલદીપ તેની સેક્રેટરી આયનાને ઇવાના સર્જન અને વિસર્જનની વાત કરે છે. આ વાતની જાણ થતાં આયના કુલદીપને આતંકવાદીઓના ષડયંત્રને રોકવા માટે પ્રયત્ન કરવાનું કહે છે અને મોનાની મદદ લે છે. મોના કુલદીપ અને આયનાની ઓળખાણ રાજેન સાથે કરાવે છે. રાજેન જે ગ્રૂપ સાથે સંકળાયેલો હોય છે તેના વડા કામ્બલી રાજેનને અમદાવાદમાં આતંકવાદીઓ બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાની વાત કરે છે. ઝાયેદ મોનાને અમદાવાદના જુદા જુદા ઠેકાણા બતાવે છે. જોકે, તે મોનાને તેનો પ્લાન નથી જણાવતો. મોના આ બધી વાત રાજેનને કરે છે. રાજેનને મોનાની ચિંતા સતાવવા લાગે છે. રાજેન મોનાની સુરક્ષા માટે વિક્રમસિંહ નામના વ્યક્તિને નિયુક્ત કરે છે. બીજી તરફ આયનાને ખ્યાલ આવે છે કે ડો. કુલદીપને આતંકવાદી હુમલા કે અન્ય કોઇ ઘટનાઓમાં રસ નથી તેથી તે તેના મિત્ર રણવીરસિંહની મદદ લેવાનું નક્કી કરે છે. રણવીર અને આયના કોલેજમાં સાથે હોય છે. રણવીર આયનાને પ્રેમ કરતો હોય છે પણ આયના સમક્ષ તેનો એકરાર નથી કરી શકતો. મોના રાજન સાથે વાત કરવા અડધી રાત્રે હોટેલના કાઉન્ટર પરથી ફોન કરે છે. ઝાયેદ મોનાની જાસૂસી કરવા તેની પાછળ જાય છે પણ મોનાને એ વાતની ખબર પડી જતાંં તે સતર્ક થઇ જાય છે. રાજેન અને મેજર કામ્બલી અમદાવાદ આવવા નીકળે છે. ઝાયેદે બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્ર માટે જુદાં જુદાં પ્લાન ઘડી રાખ્યા છે અને જો તેમાં ચૂક થાય તો મોનાને મોતને ઘાટ ઉતારવાની પણ તૈયારી કરે છે. બીજી બાજુ રણવીર અને આયના પણ અમદાવાદ પહોંચે છે. રરાજેન અને મેજર કામ્બલી આતંકવાદીઓના હુમલાને નિષ્ફળ બનાવવા અને તેમને રંગેહાથ પકડવા અમદાવાદ પહોંચે છે. રાજેનને મોનાની ચિંતા થઇ આવે છે. બીજી બાજુ આયના અને રણવીર પણ અમદાવાદ પહોંચે છે અને આતંકવાદીઓના ષડયંત્રને નિષ્ફળ કરવાના કામમાં લાગે છે. રણવીર, આયના, મેજર કામ્બલી અને રાજેન હોટેલના રુમમાં એકબીજાને મળે છે. રાજેન અને રણવીર વચ્ચે મોનાની સુરક્ષાને લઇને વાત થાય છે. રણવીર રાજેનને ખાતરી આપે છે કે સરકાર અને સમગ્ર ઓપરેશન સાથે જોડાયેલી દરેક વ્યક્તિ મોનાની સુરક્ષાને લઇને કટિબદ્ધ છે. રણવીરની વાત સાંભળીને રાજેનના જીવમાં જીવ આવે છે. ઝાયેદને અફઝલ ખાનનો ફોન આવે છે. જેમાં ષડયંત્રની જાણ સરકારને થઇ ગઇ હોવાની વાત તે ઝાયેદને કરે છે. પ્લાન લીક કરવા માટે મોના પર શંકા કરવામાં આવે છે. તેથી બોમ્બ બ્લાસ્ટ થતાંની સાથે જ મોનાને પણ ખતમ કરવાની સૂચન અફઝલ ખાન ઝાયેદને આપે છે.
– હવે આગળ વાંચો…
હા, એટલું ખરું કે અફઝલ ખાનની વાતને કારણે તેના મનમાં મોના પ્રત્યે શંકાનું બીજ ચોક્કસ રોપાયું હતું. એ હવે દરેક પગલાં ફૂંકી ફૂંકીને ભરવા માંગતો હતો. આમેય તે સારી રીતે જાણતો હતો કે તેના કામમાં આંધળો વિશ્વાસ રાખવાનું ફળ માત્ર મૃત્યુ જ હતું અને જાતે મરવા કરતાં કોઈને મારી નાખવું એ તેના કામનો પાયાનો ઉસૂલ હતો.
થોડી કશ્મકશ પછી ઝાયેદે મનમાં નક્કી કરી લીધું નક્કી કરેલા શિડ્યુઅલ મુજબ એ શુક્રવારે મોના પાસે જ કામ કરાવશે. હા, થોડા વધુ સાવધ રહીને મોનાની દરેક નાની હિલચાલ પર ધ્યાન રાખવી જરૃરી બની ગયું હતું. શુક્રવાર સુધી મોનાને નજરથી એક પળ પણ દૂર થવા ન દેવી. જેથી તે બહાર કોઈનો સંપર્ક કરી જ ન શકે..
‘શું વિચારમાં પડી ગયા સરકાર?’ મોનાએ પૂછ્યું એટલે એ વર્તમાનમાં પાછો ફર્યો..
‘કાંઈ નહીં..અફ્ઝલ ખાને કહ્યું છે કે ઉપરથી સૂચના છે કે કામ બને તેટલું ઝડપથી આટોપવું એટલે વિચારતો હતો કે ક્યારે ગોઠવવું..?’
‘ક્યારે ગોઠવવાનું વિચાર્યું છે?’ અવાજમાં બને એટલી સહજતા લાવી મોનાએ પૂછ્યું.
ઝાયેદના મનમાં એક વિચાર અચાનક જ ચમક્યો..અને બીજી જ પળે તે અમલમાં મૂકીને બોલ્યો,
‘વિચારું છું કે કાલે જ ગોઠવી દઈએ..હું અફઝલ ખાન સાથે વાત કરી લઉં છું..તું તૈયાર છો ને?’
કહીને તેણે મોનાના ચહેરા પર મીટ માંડી. એ જોવા માગતો હતો કે મોનાના ચહેરા પર કોઈ ભાવ પરિવર્તન થાય છે કે નહીં. બાકી આટલું ઝડપથી કશું થઈ શકે એમ નહોતું. હજુ ઘણા પાસાં ગોઠવવાના બાકી હતાં.
ઝાયેદની વાત સાંભળીને પણ મોનાનો ચહેરો એકદમ ભાવશૂન્ય રહ્યો. તેણે કોઈ પ્રતિક્રિયા ન દર્શાવી.
નો પ્રોબ્લેમ..જો અફઝલ ખાનની વાત સાચી હશે તો હવે મોના આ સમાચાર કોઈને પહોંચાડવા અધીરી બનશે જ. ઝાયેદને પોતાના આઇડિયા પર ગર્વ થઈ આવ્યો. હવેથી એક-એક પળ મહત્ત્વની બની રહેવાની હતી.
બંને નાસ્તો કરી પોતાના સ્યુટમાં ગયા ત્યારે મોનાએ એક વાતની નોંધ લીધી કે ગમે તે હોય..અફઝલ ખાનના ફોન પછી ઝાયેદના વર્તનમાં એક સૂક્ષ્મ ફેરફાર આવી ગયો હતો..એ પોતાનાથી કોઈ વાત ચોક્કસ છૂપાવી રહ્યો હતો.. એક સ્ત્રીની સિક્સ્થ સેન્સ તેને કહેતી હતી. કઈ વાત હતી એ?
જો ઝાયેદે તેને સાચું કહ્યું હોય અને તે મુજબ આવતીકાલે જ પ્લાન અમલમાં મૂકવાનો હોય તો આ ખબર જેમ બને તેમ વહેલી રાજેનને પહોંચાડવી જરૃરી હતી..પણ એ માટે ઝાયેદનું તેનાથી થોડી પળો માટે દૂર થવું બેહદ જરૃરી હતું. પૂરી સાવધાની સાથે તકની રાહ જોવી પડે તેમ હતી..હવે શું કરવું જોઈએ, કેમ કરવું જોઈએ તેના વિચારોમાં મોના ખોવાઈ રહી. જ્યારે ઝાયેદ આખા પ્લાન અંગે ફરી એકવાર વિચાર કરી રહ્યો.
તખ્તો ગોઠવાઈ રહ્યો હતો, બધા પોતપોતાની રીતે તૈયાર થતા હતા ત્યારે કાળદેવતા પણ કદાચ પોતાની બાજી ગોઠવતા હતા, જેની જાણ કોઈને થાય એમ નહોતી.
કોણ જીતશે આ બાજી? સમયદેવતા સિવાય કોણ જવાબ આપી શકે..?
* * *
ફોન નંબરની આપ-લે કરીને રૃમમાંથી કામ્બલીએ વિદાય લીધી ત્યારથી રાજેનના મનમાં મોના સિવાય બીજી કોઈ વાત સૂઝતી નહોતી. અલબત્ત, મોનાની સલામતી માટે એ લોકો પણ સતર્ક હતા અને બધી કાળજી લેશે જ એની વત્તે ઓછે અંશે ખાત્રી થઈ હોવા છતાં મોનાની ચિંતા એને અંદરથી કોરી ખાતી હતી. મોનાને કશું થશે તો નહીં ને? ભીતરમાંથી ભયનો ઓછાયો લાખ કોશિશ પછી પણ દૂર નહોતો થતો. એ છોકરીએ પોતાના પ્રેમ માટે શું શું નહોતું કર્યું? ખેર..! આ પળે તો એ મોના માટે બીજું કંઈ જ કરી શકે એમ નહોતો. માંડ-માંડ થોડી વાર પૂરતી મનના વિચારોને બ્રેક મારી એણે રણવીરને પૂછ્યું.
‘રણવીર…હવે તું મને તો કહે કે આપણે શું કરવાનું છે? ક્યારે કરવાનું છે? આખરે તમારો પ્લાન શું છે?
રણવીરે રાજેન સામે હળવું સ્મિત કરતા વાતાવરણને હળવું બનાવવાનો પ્રયાસ કર્યો.
‘અત્યારે સૌ પ્રથમ તો મારે નહાવા જવાનું છે.’
કહી રણવીર બાથરૃમ તરફ ભાગ્યો.
‘રણવીર, પ્લીઝ, મને પણ પહેલા આપણા આગળના પ્લાન વિશે જાણવું છે. તું વાત નહીં ઉડાવ.’
રણવીરનો પ્લાન સાંભળવા આતુર બનેલી આયનાએ દોડીને તેનો હાથ પકડી લીધો,
‘એમ તને નહીં જવા દઉં. આ આયના પાસેથી એમ છૂટવું સહેલું નથી હો. પહેલાં મારી વાતનો જવાબ આપ.’
આયનાના આમ ઓચિંતા સ્પર્શથી રણવીરના આખાયે શરીરમાંથી ઝણઝણાટી પસાર થઈ ગઈ. એ ઝણઝણાટી કેવી હોય એ તો એ જ વ્યક્તિ સમજી શકે જેણે કોઈને વરસો સુધી એક તરફી પ્રેમ કર્યોે હોય, એને પામવા દિલ ભરીને તપસ્યા કરી હોય છતાં પણ પામી ન શકી હોય અને એક દિવસ સાવ અચાનક એ તેનો હાથ ઝાલીને કહે કે…તને એમ નહીં જવા દઉં. છૂટવાની ઇચ્છા પણ કોને છે આયના? મારે તો ક્યારેય ક્યાં જવું જ હતું તને છોડી ને? પણ…
રણવીરની જીભ સુધી શબ્દ આવી ગયા અને આવ્યા હતા એવા જ અદ્રશ્ય પણ થઈ ગયા.
રણવીરની નજર સમક્ષ વરસો પહેલાંનો એ દિવસ તરવરી ગયો.
શિયાળાની સાંજ હતી..વાતાવરણમાં હળવી ઠંડક ફેલાયેલી હતી. એ ઘરમાં બેઠો હતો. મમ્મી-પપ્પા સામેના સોફા પર બેસી વાતો કરી રહ્યાં હતાં.
‘રણવીર બેટા, આપણા જૂના મહોલ્લાના પડોશી સંતરામસિંહજીનો ગઈકાલે ફોન આવ્યો હતો. એની દીકરી પૂનમ માટે તારા માટે કહેવડાવ્યું છે. તું જો હા પાડે તો કાલે એમના ઘરે જઈ આવીએ.’
મમ્મીનો અવાજ સાંભળી એણે પોતાના લેપટોપમાંથી મોઢું બહાર કાઢ્યું, પણ કોઈ જવાબ ન આપ્યો.
‘તારી મોમ જે કહે છે તે સમજાયું..?’
આર્મીના રિટાયર્ડ મેજર પાપાએ એના ભારે ભરખમ અવાજમાં પૂછ્યું અને પછી આગળ ચલાવ્યું,
‘ સાંભળ, મેં તપાસ કરી લીધી છે. છોકરી સારી છે. વળી, એ કુટુંબ આપણાથી અજાણ્યું નથી. આમાં બહુ વિચારવા જેવું નથી. કાલ સાંજે તું તારા બીજા કોઈ પ્રોગ્રામ ગોઠવતો નહીં અને જો ગોઠવ્યા હોય તો પણ કેન્સલ કરી નાખજે. સમજ્યો..?’
પપ્પાની આ આદત જ હતી. વરસો સુધી મિલિટરીની જોબને કારણે એમનો અવાજ સત્તાધીશ જ રહેતો. હંમેશાં હુકમ કરવા ટેવાયેલા પપ્પા હવે પોતાનું ધાર્યું જ કરશે એ ખાતરી ધરાવતા રણવીરે હકારમાં ડોકું ધુણાવ્યું. આયના સિવાય કોઈ છોકરી પોતાના દિલમાં વસી શકે તેમ નથી એ જાણવા છતાં અત્યાર પૂરતી તો રણવીરે હા કહી દીધી. લગ્ન કરવા કે ન કરવા એ તો પછીની વાત હતી. અત્યારે સમય સાચવી લેવા જેવો હતો.
બીજા દિવસે સાંજે છ વાગ્યે બધા સંતરામજીને ઘરે પહોંચ્યા. પ્રાથમિક ઔપચારિકતા પુરી થઈ એટલે રણવીરની પૂનમ સાથે એકાંતમાં મુલાકાત ગોઠવાઈ. રણવીરે પહેલી વખત ધ્યાનપૂર્વક પૂનમને જોઈ. ખરેખર તે ખૂબ જ સુંદર હતી. જો આયના સાથે અંતરના તાર ન મળી ગયા હોત તો ના પાડવાનું કોઈ કારણ નહોતું. પણ…
થોડી વાત પછી રણવીરે કહ્યું,
‘જો પૂનમ, તું ખરેખર જ પૂનમના ચાંદ જેવી જ છો, પણ આ મુલાકાત પછી તને કોઈ ગેરસમજ ન થાય એ માટે કહું છું કે હું એક યુવતીના પ્રેમમાં છું. મને ખબર નથી કે એ મને મળશે કે નહીં, પરંતુ હું હમણા કોઈ અન્ય વ્યક્તિ સાથે જોડાઈ શકું તેમ નથી. તો સોરી..આઇ હૉપ કે તને ખરાબ નહીં લાગે અને તું મારી વાત સમજી શકીશ.’
‘ઓહ્હ..રણવીર રીયલી? ઇટ્સ ગ્રેટ. આ તો આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા જેવો ઘાટ થયો.’ કહી પૂનમ હસી પડી.
‘એટલે?’
‘એટલે એમ જ કે હું….હું પણ એક પુરુષને ચાહું છું. એના સિવાય અન્ય કોઈ સાથે પરણી શકું એમ નથી. એથી હું તને એ જ વિનંતી કરવાની હતી કે તું મને પરણવાની ના પાડીને મને મદદ કરી શકીશ? હવે આપણા બંનેના મનમાં કોઈ બીજું છે ત્યારે આપણો પ્રશ્ન આસાનીથી સોલ્વ થઈ જશે.’
રણવીર થોડી પળો અતીતની એ ગલીમાં ખોવાઈ ગયો. પૂનમને તો એનો મનપસંદ જીવનસાથી મળી ગયો હતો, પણ પોતાને…
‘ક્યાં ખોવાઈ ગયો રણવીર?’ આયનાના પ્રશ્નથી એ વર્તમાનમાં પાછો ફર્યો. એને અચાનક ખ્યાલ આવ્યો કે હજુ એનો હાથ આયનાના હાથમાં જ હતો..
હવે આયનાને પણ ખ્યાલ આવ્યો કે એણે હજુ પણ રણવીરનો હાથ પકડી રાખ્યો છે. તેણે ધીમેથી હાથ સેરવ્યો. એક પળ માટે વાતાવરણ મૌન થઈ ગયું.
‘નાહીને બહાર આવું પછી વિગતે વાત કરું છું.’
કહી રણવીર બાથરૃમમાં ઘૂસ્યો. એને થોડી પળો માટે કદાચ એકાંત જોઈતું હતું. આયના ચૂપચાપ એની પીઠ તરફ તાકી રહી.
રણવીર બાથરૃમમાં જતા આયનાનું ધ્યાન હવે રાજેનના ચહેરા પર પડ્યું. રાજેનનો ચહેરો થાકેલો અને ચિંતાતુર હોવાની સ્પષ્ટ ચાડી ખાતો હતો.
‘રાજેન, આર યુ ઓકે?’ આયનાએ પૂછ્યું. રાજેનના મોના પ્રત્યેના પ્રેમની જાણ હતી જ.
‘તું જરાયે ચિંતા ન કર, આઇ એમ સ્યોર.. એ લોકો કહે છે એમ એમની પાસે મોનાને કવર કરવાનો કોઈ પ્લાન હશે જ. આફ્ટર ઓલ, ધે આર વેલ ટ્રેઇન્ડ પીપલ..ધે નો ધેર રિસ્પોન્સિબિલિટી.’
‘આયના, મને એ બાબતે કોઈ જ શંકા નથી, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે સામે કોઈ સામાન્ય ગુંડાઓ કે શેરીના ટપોરી લોકો નથી. ખૂંખાર આતંકવાદીઓ છે. એમનું એક આખું ગ્રૂપ છે, નેટવર્ક છે. મને લાગે છે કે એ લોકો પ્લાન અમલમાં મૂકતાં પહેલાં એકદમ સતર્ક થઈ જશે. મોનાની એક નાની સરખી ભૂલ થાય કે એ લોકોને મોના પર જરા સરખી પણ શંકા ગઈ તો મોના બીજી જ પળે હતી ન હતી થઈ જાય. આયના, તને ખબર નથી કે મોનાએ મારે માટે શું અને કેવું કેવું સહન કર્યું છે? ઇનો વાળ પણ વાંકો ન થવો જોઈએ. એણે મારે ખાતર…
રાજેન ગળગળો થઈ ગયો.
રાજેન, યુ આર રાઈટ, પણ પ્લીઝ ડૉન્ટ વારી. મને શ્રદ્ધા છે કે મોનાને કશું નહીં થાય. આપણે વિશ્વાસ રાખવો જ રહ્યો. આમ પણ હવે આ બાબતમાં આપણા હાથમાં કશું જ નથી. એ લોકો આખું ઑપરેશન પાર પાડી ન દે ત્યાં સુધી આપણે કશું જ કરી શકીએ એમ નથી.’
આયનાએ રાજેનને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો.
એવામાં રાજેનના મોબાઇલમાં મેસેજની રિંગટોન સંભળાઈ..
મોના…નામ વાંચી એ ખુશ થઈ ગયો. એણે મેસેજ બોક્ષ ખોલ્યું..
મેસેજ વાંચતા જ એ સ્તબ્ધ થઈ ગયો.
મોનાએ લખ્યું હતું. ‘પ્લાન વિલ બી એક્ઝીક્યુટેડ ટુમોરો..બી રેડી..અને કદાચ આ મારો લાસ્ટ મેસેજ હશે. હવે એ લોકો કોઈ પણ પળે મારો ફોન એમના કબજામાં લઈ લેશે એવું મને લાગે છે.’
ઓહ..તો એ લોકો આવતીકાલે મોના પાસે નક્કી કરેલી જગ્યાએ બોમ્બ મૂકાવશે..
ત્યાં રણવીર બાથરૃમમાંથી બહાર નીકળ્યો. રાજેને મોબાઇલ રણવીર સામે ધર્યો. રણવીરે કાંબલીને ફોન લગાડ્યો. કામ્બલી તુરત તેમના રૃમમાં દોડી આવ્યો.
કામ્બલીએ મેસેજ વાંચ્યો અને બીજી જ પળે એણે માથુરને ફોન લગાડ્યો.
સામે છેડેથી માથુર સાહેબે જવાબ આપ્યો.
‘નોટ પોસિબલ..કામ્બલી, એ લોકો પાસે હજુ માલ પહોંચ્યો જ નથી..મારી પાસે જે સૂચના છે તે મુજબ એ લોકો શુક્રવારના રોજ પ્લાન અમલમાં મૂકવાના છે.. છતાં પણ આપણે કોઈ પણ જાતની બેદરકારી દાખવી શકીએ નહીં. એની વે, થેન્ક્સ ફોર ઇન્ફોર્મેશન, વધુ કંઈ પણ ખબર આવે તો તુરંત જ ફોન કરજો. અમે સૌ કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર છીએ.’
‘ઓકે..સર’ કહેતા કામ્બલીએ ફોન મૂક્યો અને રણવીર તથા રાજેનને વાત કરી.
‘ભારતનું ગુપ્તચર ખાતું અને ઍન્ટિટેરેરિસ્ટ સ્ક્વૉડ બંને સાથે મળી આ આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવા તૈયાર હતા. એક જબરદસ્ત નેટવર્ક અને કૉ-ઑર્ડિનેશન હતું. આ વખતે પહેલી જ વાર આતંકવાદી સંગઠનનું મુખ્ય ભેજું ગણાતો ઝાયેદ આમાં સીધો જ ભાગ લેવાનો હતો અને એને રેડ હેન્ડેડ પકડવાનો હતો. અત્યારે માથુરનું મગજ ચકરાવે ચડ્યું હતું. એમને જે માહિતી મળી હતી એ મુજબ બોમ્બ કરાચીથી બોટ મારફતે પોરબંદરથી આશરે પંદરેક કિલોમીટર દૂર આવેલા દરિયાકિનારે વસેલા ગોસા ગામના દરિયા કિનારે ઉતારવાના હતા. મુન્નવર નામનો એક માણસ એ બોમ્બ લઈ ગુરુવારે બાય રોડ એક માલવાહક ટેમ્પામાં અન્ય ઘરવખરીની સામાન વચ્ચે બોમ્બનું પાર્સલ છૂપાવી પોરબંદરથી અમદાવાદ આવવાનો હતો. અમદાવાદના સરખેજ રોડ પર આવેલા એક ખાલી મકાનમાં ઘરવખરીના સામાન સાથે એ પાર્સલ પણ ત્યાં જ ઉતારવાનું હતું. એવી માહિતી મળી હતી.
ત્યાં તેના એક નિષ્ણાતના હાથે તેમાં ટાઇમિંગ સેટ કરવાના હતા. જ્યાંથી અફઝલ ખાન તેને અલગ-અલગ સૂટકેસમાં મૂકી હોટલ પરથી મોનાને લઈ તેને કોઈ નક્કી કરેલા લૉકેશન્સ પર લઈ જઈ તેના હાથે જ એ સૂટકેસ મુકાવી દેવાનો હતો અને હજુ સુધી આવી કોઈ હિલચાલ નહોતી થઈ.
પોતાને મળેલી આવી માહિતીની વચ્ચે આવેલા નવા સમાચારથી માથુર થોડા ગૂંચવાયા..જો ખરેખર આમ જ હોય તો તેનો અર્થ એ થયો કે તેને માહિતી આપનાર વ્યક્તિ કાં તો ખોટો હતો કાં તો એની પાસે માહિતી ખોટી હતી.
નો..નો…એ માણસ તો ખોટો નહોતો જ..તેના પર માથુરને પોતાની જાત કરતાં પણ વધુ વિશ્વાસ હતો….તો પછી શું એ માણસ પાસે આવેલી માહિતી ખોટી હશે..?
‘ઓહ નો..’ માથુર બબડ્યા. આમ હોય તો મુશ્કેલી ઊભી થાય જ..કારણ કે આખા ઑપરેશનની સફળતાનો આધાર જ એ વ્યક્તિ પર અને એના તરફથી આવતી માહિતી પર હતો.. જો એ માહિતી ખોટી હોય ને પોતે અંધારામાં જ રહી જાય અને આતંકવાદી હુમલો સફળ થઈ જાય…એમ થાય તો કેટલા નિર્દોષ લોકો મોતના ખપ્પરમાં હોમાય જાય…?
ના…ના.. આમ ન જ થવું જોઈએ..એટ એની કોસ્ટ આ હુમલાથી અમદાવાદને બચાવવાનું જ હતું.. માથુર પાસે આ હુમલા અંગેની ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરવા માટેના બે જ અગત્યના સોર્સ હતા. પહેલો એ વ્યક્તિનો અને બીજો મોનાનો સોર્સ હતો અને એ સોર્સ પણ વિશ્વસનીય જ હતો. તકલીફ એ હતી કે બંને સોર્સ પાસેથી અલગ-અલગ માહિતી આવી રહી હતી… આમ કેમ બની રહ્યું હતું?
માથુર ક્યાંય સુધી વિચારતા રહ્યા. શું એવું ન બને કે એ હુમલાખોરોએ છેક છેલ્લી ઘડીએ પ્લાન બદલાવી નાંખ્યો હોય..? હમમ..કદાચ એમ જ બન્યું હોવું જોઈએ.
કશુંક વિચારી માથુરે એક નંબર ડાયલ કર્યો.. રિંગ વાગતી રહી, પરંતુ સામે છેડેથી ફોન ઉપડ્યો નહીં. માથુરની અકળામણ વધી રહી હતી.
મોનાએ રાજેનને મેસેજ કરવાની છેલ્લી તક કેવી રીતે ઝડપી હતી એ ફક્ત એનું મન જ જાણતું હતું. કદાચ હવે પછી એવી કોઈ તક નહોતી મળવાની એનો અંદાજ એને આવી ગયો હતો. આવા જોખમી કામમાં કોઈ એની પાસે છેલ્લી સુધી મોબાઇલ રહેવા ન દે..એટલૂં ભાન તો એને હતું જ.
દસ સેકન્ડ…માત્ર દસ જ સેકન્ડ હતી એ વખતે મોના પાસે..વાત થઈ શકે એમ નહોતી..એક માત્ર ઉપાય હતો રાજનને જાણ કરવાનો..મેસેજ કરવો…એ ખોળામાં મોબાઇલ રાખીને બેઠી હતી. ઝાયેદ મોઢું ધોવા બાથરૃમમાં ગયો હતો. ગમે તે પળે એ બહાર નીકળે. ઉતાવળમાં મેસેજ કરી એણે ઝડપથી ડિલીટ પણ કરી નાંખ્યો..હાશ..કામ પતી ગયું. તેણે થોડી રાહત અનુભવી.
ઝાયેદે જાણીબુઝીને બાથરૃમમાં થોડીવાર લગાડી પણ અંદરથી એણે કાન સરવા રાખ્યા હતા. કદાચ મોનાનો કોઈ અવાજ સંભળાય. પણ કશું કાને પડ્યું નહીં. બાથરૃમમાંથી બહાર આવતાવેંત એણે જોયું તો મોનાના ખોળામાં મોબાઇલ પડ્યો હતો અને મોના કોઈ મૅગેઝિન વાંચી રહી હતી.
અફઝલ ખાનની કૈંક ભૂલ થતી હતી એ વાત નક્કી. ઝાયેદને મોના પરની શંકા હવે ઓછી થવા લાગી હતી. છતાં પણ એકાએક તેના મનમાં એક વિચાર ઝબૂક્યો.
(ક્રમશઃ)
—————————-