- નીલમ દોશી હરીશ થાનકી
‘એક અધૂરી વાર્તા’ – નવલકથા – પ્રકરણ-૨૨
વહી ગયેલી વાર્તા
દેશના અગ્રગણ્ય વિજ્ઞાની ડૉ. કુલદીપ આબેહૂબ માનવ જેવી ઇવા રૉબોટનું સર્જન કરે છે. ઇવાને લાગે છે કે કુલદીપ તેના પ્રેમમાં છે. ઇવાના મનમાં પણ કુલદીપ માટે પ્રેમના અંકુર ફૂટે છે. કુલદીપ ઇવાના પ્રેમને નકારી દે છે તેથી ઇવા તેને છોડીને ચાલી જાય છે. ઇવા ઉશ્કેરાઈને ગેરકાનૂની કામ કરતા આરીફ નામના માણસના સંપર્કમાં આવે છે. આરીફ અને તેના સાગરીતો ઇવાનું અપહરણ કરી તેની પાસે બોમ્બ વિસ્ફોટ કરાવવાનું કાવતરું ઘડે છે. ઝાયેદ નામનો શખ્સ મુંબઈ પહોંચે છે. ઝાયેદ મોના નામની યુવતીને મળે છે. મોના રાજેન વકીલ નામની વ્યક્તિને પ્રેમ કરે છે. રાજેન ગુપ્ત રીતે આતંકવાદીઓની માહિતી એકઠી કરી સરકારને આપવાનું કામ કરતો હોય છે. મોના રાજેનને તેના આ કામમાં સાથ આપે છે. ઝાયેદ બોમ્બ વિસ્ફોટ માટે મોનાનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે. આ તરફ કુલદીપ તેની સેક્રેટરી આયનાને ઇવાના સર્જન અને વિસર્જનની વાત કરે છે. આ વાતની જાણ થતાં આયના કુલદીપને આતંકવાદીઓના ષડયંત્રને રોકવા માટે પ્રયત્ન કરવાનું કહે છે અને મોનાની મદદ લે છે. મોના કુલદીપ અને આયનાની ઓળખાણ રાજેન સાથે કરાવે છે. રાજેન જે ગ્રૂપ સાથે સંકળાયેલો હોય છે તેના વડા કામ્બલી રાજેનને અમદાવાદમાં આતંકવાદીઓ બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાની વાત કરે છે. ઝાયેદ મોનાને અમદાવાદના જુદા જુદા ઠેકાણા બતાવે છે. જોકે, તે મોનાને તેનો પ્લાન નથી જણાવતો. મોના આ બધી વાત રાજેનને કરે છે. રાજેનને મોનાની ચિંતા સતાવવા લાગે છે. રાજેન મોનાની સુરક્ષા માટે વિક્રમસિંહ નામના વ્યક્તિને નિયુક્ત કરે છે. બીજી તરફ આયનાને ખ્યાલ આવે છે કે ડો. કુલદીપને આતંકવાદી હુમલા કે અન્ય કોઇ ઘટનાઓમાં રસ નથી તેથી તે તેના મિત્ર રણવીરસિંહની મદદ લેવાનું નક્કી કરે છે. રણવીર અને આયના કોલેજમાં સાથે હોય છે. રણવીર આયનાને પ્રેમ કરતો હોય છે પણ આયના સમક્ષ તેનો એકરાર નથી કરી શકતો. મોના રાજન સાથે વાત કરવા અડધી રાત્રે હોટેલના કાઉન્ટર પરથી ફોન કરે છે. ઝાયેદ મોનાની જાસૂસી કરવા તેની પાછળ જાય છે પણ મોનાને એ વાતની ખબર પડી જતાંં તે સતર્ક થઇ જાય છે. રાજેન અને મેજર કામ્બલી અમદાવાદ આવવા નીકળે છે. ઝાયેદે બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્ર માટે જુદાં જુદાં પ્લાન ઘડી રાખ્યા છે અને જો તેમાં ચૂક થાય તો મોનાને મોતને ઘાટ ઉતારવાની પણ તૈયારી કરે છે. બીજી બાજુ રણવીર અને આયના પણ અમદાવાદ પહોંચે છે.
– હવે આગળ વાંચો…
એ રાત્રે બે વાગે ઝાયેદે ઊંઘમાં પડખું ફેરવ્યું ત્યારે સ્વાભાવિક રીતે તેનો હાથ બાજુમાં સૂતેલી મોના તરફ લંબાયો ત્યારે તેને લાગ્યું કે મોના ત્યાં નહોતી. બાથરૃમની લાઈટ ચાલુ જોઈ તેને થયું કે મોના તેમાં જ હશે. બંધ આંખે જ તે મોનાની રાહ જોવા લાગ્યો. ખાસ્સો સમય થઈ ગયો એટલે આંખો ખોલી ફરીથી બાથરૃમ તરફ જોયું. હજુ લાઈટ બળતી હતી. કશીક આશંકાથી તે ઊભો થયો અને બાથરૃમનો દરવાજો ખખડાવવા ગયો ત્યાં તેનો ધક્કો લાગવાથી દરવાજો ખૂલી ગયો. મોના તેમાં નહોતી.
હળવા સાદે મોનાને બૂમ મારી. કોઈ પ્રત્યુત્તર ન આવ્યો એટલે તે આખા સ્યૂટમાં ફરી વળ્યો. મોના ક્યાંય નહોતી. ક્યાં ગઈ હશે અડધી રાત્રે મોના..? હવે ઝાયેદની ઊંઘ સાવ જ ઊડી ગઈ. તે ઝડપથી મુખ્ય દરવાજા તરફ ભાગ્યો. દરવાજો ખુલ્લો હતો. બારણાને ધક્કો મારી તે બહાર પરસાળમાં આવ્યો. તેનું ધ્યાન નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યું. ત્યાં કાઉન્ટર પર હાથમાં ફોન પકડી ઊભેલી મોનાને જોઈ તે આશ્ચર્યમાં પડી ગયો. અત્યારે અડધી રાતે મોના ફોન પર કોની સાથે વાત વાત કરતી હશે?
એકાદ બે ક્ષણ તે ત્યાં દાદર પાસે જ ઊભો રહી ગયો. મોના શું બોલે છે એ સાંભળવા તેણે કાન સરવા કર્યા, પણ આટલે ઊંચેથી સાંભળી શકાય એવી કોઈ શક્યતા નહોતી. તેણે લિફ્ટમાં નીચે જવાનું નક્કી કર્યું. કદાચ લિફટ ઊભી રહે અને તેના અવાજથી મોના સતર્ક બની જાય તો? એની વાત સાંભળવી અત્યારે ખૂબ જરૃરી હતી. આગળ કોઈ પણ પગલું ભરતાં પહેલાં એક વાર કન્ફર્મ કરવું જરૃરી હતું.
અનેક વિચારોમાં અટવાતો તે ચોર પગલે એક પછી એક દાદર ઊતરતો રહ્યો. જો મોનાને પોતાની હાજરીનો જરા પણ અણસાર આવી જાય તો મોના વાત બદલી નાખે કે પછી કાંઈ પણ બહાનું કાઢે. મનમાં અનેક વિચારો સાથે ઝાયેદ હળવા પગલે પણ ઝડપભેર દાદર ઊતરી રહ્યો.
પણ સદ્નસીબે મોનાએ ઝાયેદને ક્ષણ વાર માટે જોઈ લીધો હતો. એની ઝાયેદને જાણ થવા નહોતી પામી. વાત કરતી વખતે મોનાનું ધ્યાન આસપાસ, ચારે તરફ ઉપર નીચે બધે હતું જ. રાજેને તેને દરેક પળે સાવધાન રહેવાની સૂચના અનેક વાર આપી હતી એ તે કેમ ભૂલે? એક નાનકડી ભૂલ પણ તેના જીવનનો અંત લાવવા પૂરતી હતી એની જાણ તેને હતી જ. એનું મગજ ઝપાટાભેર વિચારવા લાગ્યું. રાજેન સાથે કામની વાત તો આમ પણ પૂરી થઈ ગઈ હતી. ઝાયેદ નીચે આવે એ પહેલાં એણે જલદી જલદી રાજેનને ફોનમાં હિંટ આપી દીધી.
જાણે પોતે ઝાયેદના આગમનથી બિલકુલ અજાણ છે એવા ભાવ સાથે ફોનમાં વાત ચાલુ રાખી મોના ઝાયેદના પ્રશ્નોનો સામનો કરવા તૈયાર બની.
* * *
જરા પણ અવાજ ન થાય તેની સાવચેતી રાખતો ઝાયેદ ઝડપભેર નીચે ઊતર્યો.. ત્યારે મોના તેની તરફ પીઠ ફેરવીને આરામથી ફોનમાં વાત કરતી હતી. જોકે તેના ધબકારા તો ચોક્કસપણે વધી ગયા હતા. ભીતરમાં એક ફફડાટ પણ થતો હતો, પણ અત્યારે સ્વસ્થતા દેખાય એ ખૂબ જરૃરી હતું. જો ઝાયેદને જરા પણ શંકા આવી તો…
ઝાયેદ જરા પણ અવાજ ન થાય તે રીતે થોડે દૂર ઊભીને મોનાની વાત સાંભળી રહ્યો. સારું છે મોનાને પોતાના આગમનનો અણસાર નથી આવ્યો.
‘સારું થયું અમન, એટલિસ્ટ તું તો મળી ગયો. ક્યારની રાજેશ્રીને મોબાઇલમાંથી કરવાની ટ્રાઇ કરતી હતી, પણ અહીં અત્યારે કદાચ નેટવર્કનો પ્રોબ્લેમ છે. આજે મને ખબર નહીં કેમ, પણ અત્યારે ઊંઘ નહોતી આવતી અને તારી બહેન સિવાય મારે બીજી કોઈ મિત્ર નથી એની તો તને પણ જાણ છે જ. એથી થયું કે એની સાથે થોડી વાર વાત કરું. એ તો અડધી રાત સુધી જાગવાવાળી છે એટલે મને થયું કે વાંધો નહીં. આમ પણ એને ગમે ત્યારે ડિસ્ટર્બ કરવાનો મને હક્ક છે, પણ એ બે દિવસ માટે બહારગામ ગઈ છે એની મને જાણ નહોતી.’
‘એની વે. સોરી ટુ ડિસ્ટર્બ યુ, અમન..પણ રાજેશ્રીને મારો મેસેજ જરૃર આપશો. આમ તો કાલે સવારે શક્ય બનશે તો હું એની સાથે વાત કરીશ. થેન્ક્સ અમન.’
‘……….’
‘ઓકે..ઓકે..બાય..યેસ આઇ એમ એબસોલ્યુટલી ફાઇન..બાય.. ગુડ નાઇટ..’
મોનાએ હસીને ફોન મૂકી દીધો અને ઉપર જવા પાછળ ફરી. તેને જાણ હતી જ કે ઝાયેદ પાછળ ઊભો જ છે, પણ અચાનક ઝાયેદ ઉપર નજર પડી હોય તેમ તે ચોંકી ઊઠી..
‘ઓહ..ઝાયેદ, તું અત્યારે અહીં.. નીચે? ઓહ..યેસ મને લાગે છે તારી ઊંઘ ઊડી હશે અને મને ન જોતાં તું મને શોધતો મારી ચિંતામાં અહીં સુધી પહોંચ્યો હશે. રાઇટ?’
‘ઓહ..યેસ રાઇટ..મોના, તને બાજુમાં ન જોઈ એથી મને તારી ચિંતા થાય એ સ્વાભાવિક છે. પહેલાં તો થયું કે તું બાથમાં હશે. ખાસ્સી વાર રાહ જોયા બાદ પણ તું ન દેખાઈ એથી ઊભો થયો. તને શોધવા બધે ફરી વળ્યો, પણ તું ક્યાંય ન દેખાઈ. એથી શોધતો શોધતો અહીં આવી પહોંચ્યો.’
‘સોરી, ડાર્લિંગ, તને આમ અડધી રાત્રે હેરાન કરવા બદલ.. પણ મને ઊંઘ નહોતી આવતી. તું મારી ખાસ ફ્રેન્ડ રાજેશ્રીને નામથી તો ઓળખે જ છે એની સાથે વાત કરવાનું મન થયું. મોબાઇલમાંથી લાગ્યો નહીં એથી ફોન કરવા અહીં નીચે આવી, પણ એ તો મળી જ નહીં. મને ચિંતા થતાં એના ભાઈને ફોન કર્યો. સદ્નસીબે એના ભાઈએ ફોન ઉપાડ્યો. એથી એને મેસેજ આપ્યો. મારી તો નીચે સુધી આવવાની બધી મહેનત પાણીમાં ગઈ અને તને પણ નકામો હેરાન કર્યો. સોરી..’ મોનાએ મોં બગાડતાં કહ્યું.
‘નો..નો.ઇટ્સ ઓકે..ચાલ હવે ઉપર..પણ એવું હોય તો મને ઉઠાડાય ને?’
‘તું આરામથી સૂતો હતો. તારી ઊંઘ થોડી બગાડું?’
ઝાયેદને વીંટળાઈ વળતાં મોનાએ લિફ્ટમાં દાખલ થઈ સ્વિચ દબાવી.
ઝાયેદ વધારે કંઈ પૂછપરછ ન કરે એ માટે ઝાયેદને ગમતી આડી અવળી અનેક વાત કરતી રહી.
ઉપર રૃમ પાસે પહોંચતા જ ઝાયેદે મોનાને રૃમની ચાવી આપતાં કહ્યું,
‘એક મિનિટ, મોના, તું અંદર જા..હું બે મિનિટમાં આવું છું.’
અને મોના બીજા કોઈ પ્રશ્ન કરે એ પહેલાં તે ત્યાંથી સરકી ગયો. મોનાના ચહેરા પર એક આછા સ્મિતની લહેરખી ફરી વળી. તેને ખ્યાલ આવી ગયો કે ઝાયેદ રીડાયલ કરીને પોતે ક્યાં ફોન કર્યો હતો એ પાક્કું કરવા જ જાય છે. એણે કશું પૂછ્યું નહીં. રાજેનને બધું સમજાવાઈ ગયું હતું. એથી તે નચિંત હતી.
ઝાયેદ થોડી વારમાં જ પાછો ફર્યો.ત્યારે મોના જાણે નચિંત હોય એમ ઘસઘસાટ ઊંઘવાનો ડોળ કરી રહી હતી.
પોતાની શંકા દૂર થતાં નચિંત થયેલો ઝાયેદ મોનાને વળગી રહી રહ્યો.
મોના પણ ઝાયેદના સ્પર્શથી જાગી ગઈ હોય તેમ ઝાયેદને વધારે જોશથી વળગી રહી. ઝાયેદે મોનાને નજીક ખેંચી એક દીર્ઘ ચુંબન લીધું. મોના વેલની જેમ ઝાયેદને વીંટળાઈ રહી. ફરી એકવાર જાણે અગ્નિમાં પોતાની આહુતિ આપી રહી. ઝાયેદના મનની રહીસહી શંકા પણ નાબૂદ કરવી જરૃરી હતી.
ઝાયેદ અનંગરાગમાં મગ્ન બની રહ્યો. બંનેના મનમાં પોતપોતાના વિચારો દોડી રહ્યા હતા. બંને ત્યાં હતાં અને છતાં નહોતાં.
બરાબર ત્યારે વહેલી સવારે છ વાગ્યે મુંબઈથી અમદાવાદ આવતી ડોમેસ્ટિક ફ્લાઈટમાં રાજેન અને કામ્બલી બાજુ બાજુમાં બેસી સાવ ધીમેથી એક મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી રહ્યા હતા.
‘રાજેન, ઍન્ટિટેરેરિસ્ટ સ્ક્વૉર્ડના ચીફ માથુર એમના સોલ્જર સાથે અમદાવાદ પહોંચી ગયા છે. એમનું સર્ચ ઑપરેશન ચાલુ જ છે.’
‘સર, મને એક વાત નથી સમજાતી કે એ લોકો આપણી બાતમીના આધારે ઝાયેદને શા માટે પકડી લેતાં નથી..?’
‘ઝાયેદને કયા ગુના માટે પકડે? હજુ સુધી ઝાયેદ કે એની ગેન્ગના લોકોએ એક પણ કામ એવું કર્યું નથી કે એમના પર કોઈ આરોપ સાબિત થઈ શકે?’
‘તો શું એ લોકો બોમ્બ મૂકી હજારો નિર્દોષ લોકોની હત્યા કરી લોહીની નદી વહેવડાવી દે ત્યાં સુધી આપણે રાહ જોવાની..?’
રાજેનના અવાજમાં થોડી વ્યગ્રતા આવી ગઈ તે કામ્બલીથી અજાણ્યું ન રહ્યું.
‘એ લોકો પણ એવું તો ન જ ઇચ્છતા હોય ને? રાજેન, એ લોકોની કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે. એ આપણે સ્વીકારવું જ રહ્યું. વરસોથી ખૂંખાર આતંકવાદીઓ સાથે કામ પાડી એ લોકો આ બાબતે વધુ માહેર થઈ ગયા હોય. એટલે એમના કામમાં આપણાથી માથું ન મરાય. આવા બધા કામમાં અનેક નાનાં નાનાં પાસાં પણ વિચારવાના હોય છે. જેની તને કે મને સુધ્ધાં કલ્પના ન આવે.’
‘સર, મને તો આ બધું એબ્સર્ડ લાગે છે. એક તરફ આતંકી હુમલાનો તખ્તો ગોઠવાઈ ગયો છે. એ લોકો એમનો પ્લાન ગમે ત્યારે અમલમાં મૂકી શકે તેમ છે. ક્યારે હુમલો કરશે તે આપણે જાણતા નથી. શક્ય છે કે હવે પછીની બીજી કલાકે એ લોકો મોનાને બોમ્બ મૂકવા મોકલી શકે. જો આવું બને તો આપણે શું કરી શકીએ? નથિંગ..આપણી પાસે આવી ચૂકેલી બાતમી, આપણુ પ્લાનિંગ આ બધું એમનું એમ જ રહી જાય અને એ લોકો પોતાના મકસદમાં કામયાબ થઈ જાય…નો સર…આ ન થવું જોઈએ. વી મસ્ટ ડુ હરી ટુ ટેઈક એક્શન.’
બોલતા બોલતા રાજેનનો અવાજ તેની જાણ બહાર ઊંચો થઈ ગયો એ ભાન થતાં જ બોલ્યો, ‘સોરી સર..’
‘નો..નો..ઇટ્સ ઓકે, તારી વાત સાચી છે. પણ આપણે બીજું કરી પણ શું શકીએ?’ આ બધા નિર્ણય લેવા એ આપણુ કામ નથી. અમુક કામ કરવાની ચોક્કસ પદ્ધતિ, પ્રોટોકૉલ, અનેક ગૂંચવાડા ભર્યા નિયમો હોય છે. જેમાં આપણે ડખલગીરી ન કરી શકીએ.’
ખબર નહીં કેમ પણ આજે રાજેનને પહેલી વખત કામ્બલીના અવાજમાં નિરાશાની છાંટ, ઇચ્છા છતાં કશું ન કરી શકવાની એક લાચારી વર્તાઈ રહી.
અને એ જ સમયે અમદાવાદના શાહઆલમના એક ઝૂંપડી જેવા દેખાતા મકાનની અંદર એક શખ્સ તેની સામે માથું ઝુકાવી બેઠેલા નવયુવાનને સંબોધીને કહી રહ્યો હતો.
‘દેખ, તું નહિ જાણતા કી ઇસબાર મામલા બહોત પેચીદા હો રહેલા હૈ. પહેલીબાર યે ઑપરેશન ઝાયેદભાઈ ખુદ હી જ હેન્ડલ કર રહેલા હૈ. વો બોત ખતરનાક આદમી હૈ સમજા, તેરી એક છોટીસી ગલતી ઔર પુરા પ્લાન ફેઈલ…બાદ મેં તેરા ક્યા હાલ હોગા યે તું સોચ ભી નહિ શકતા, સમજા ક્યા?
એ અલ્તાફ હતો. અલ્તાફ હુસેન. ગુજરાત ખાતેનો આતંકવાદી હુમલા માટે ટ્રેનર. ગરીબ અને નાદાન મુસ્લિમ છોકરાઓને રાતોરાત પૈસાદાર બનવાની લાલચ આપી આત્મઘાતી હુમલો કરવા માટે એ જ ટ્રેનિંગ આપતો. તેની સામે બેઠેલો હતો એવો જ એક બદનસીબ યુવાન, જેનું નામ હતું રશીદ.
રશીદનો બાપ એક જમાનાનો અઠંગ ઉઠાવગીર હતો. જન્મથી ગુનાહિત વાતાવરણમાં ઉછરેલા રશીદને અલ્તાફ સાથે ભેટો કરાવ્યો હતો એના એક દોસ્ત મજીદે. મજીદ બે વરસથી એ લોકો સાથે જોડાયેલ હતો.
‘તો તું સમજ ગયા હૈ ના કી તુજે ક્યાં કરના હૈ..? કોઈ ગલતી નહિ હોની ચાહિયે..’ આમ કહેતી વખતે રશીદ જો ભૂલ કરે તો એની સાથે પોતાના પણ શું હાલ થાય એ વાતની કલ્પના માત્રથી અલ્તાફ ધ્રુજી ગયો હતો, પરંતુ બીજી જ પળે પોતાના ફિક્કા પડી ગયેલા ચહેરા પર પરાણે સ્મિત લાવી રશીદનો વાંસો થાબડી ઊભો થયો અને જતા જતા બોલ્યો, ‘ખુદાહાફીઝ…’
રશીદે કરવાનું ફક્ત એટલું જ હતું કે બોમ્બ મૂકવા જતી મોનાની આસપાસ રહેવાનું હતું. બોમ્બ મૂકતી વખતે અચાનક જ કોઈ બબાલ ઊભી થાય તો દોડીને મોનાને વળગી પડવાનું હતું અને પોતાના શરીર પર બાંધેલા બોમ્બની સ્વિચ દબાવી દેવાની હતી. એક જ ધડાકામાં એના અને મોનાના શરીરના ફુરચેફુરચા ઊડી જાય અને પોલીસ સુધી કોઈ પણ સુરાગ ન પહોંચે. આ પ્લાન ઝાયેદનો હતો. તેણે આ પ્લાનને ‘પ્લાન બી’ નામ આપ્યું હતું. આમ કરવામાં તેની સલામતી હતી, કારણ કે જો મોના પોલીસના હાથમાં આવી જાય તો એ તેનું નામ આપ્યા વગર રહે નહીં. આજ સુધી પોતે કોઈ પણ એક્શનમાં સીધો સામેલ થયો નહોતો એટલે ઇન્ડિયન પોલીસ પાસે તેની કોઈ જ વિગત નહોતી. એક વખત ટેરેરિસ્ટ તરીકે તેનું નામ સરકારી ચોપડે ચડી જાય તો શું મુશ્કેલી પડી શકે તે ઝાયેદ સારી રીતે જાણતો હતો.
રાજેન અને કામ્બલીની ફ્લાઈટ અમદાવાદના ઍરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી એ વખતે જ કાલુપુર રેલવે સ્ટેશન પર એક અત્યંત સુંદર દેખાતી યુવતી એક મજબૂત કદકાઠી ધરાવતા યુવાનના હાથમાં હાથ પરોવી ચાલી રહી હતી.
‘રણવીર, તું મને કશું કહેતો કેમ નથી? બસ, ગઈકાલે મને ફોન કરી બોરીવલી બોલાવી અને સીધી જ ટ્રેનમાં બેસાડી અહીં અમદાવાદ તેડી લાવ્યો. ટ્રેનની આખી સફરમાં પણ તું આડી અવળી વાતો કરતો રહ્યો. પ્લીઝ, મને કહે તો ખરો, તારો પ્લાન શું છે..?’
‘આયના, હું તને બધું જ કહીશ, પણ હમણા નહીં..એમ સમજ કે તે મને તારા ઘરે જમવા બોલાવ્યો એ વખતે તે જે અપેક્ષા મારી પાસે રાખી હતી તે પૂરી થવા જઈ રહી છે..’
‘એ તો હું પણ સમજુ છું..પણ એ તો કહે કે આપણે કરવાનું શું છે..? આપણે અત્યારે ક્યાં જઈ રહ્યાં છીએ..?’
‘પ્લીઝ, નો મોર ક્વેશ્ચન રાઇટ નાઉ.. હવે ચાલ, આ સામાન ઉપાડવામાં તું મને મદદ કરવાની છે? જોકે આમ તો એવી કોઈ જરૃર નથી. આ આવડો મોટો અલમસ્ત શરીર ધરાવતો કુલી તારી સેવામાં હાજર છે.’ રણવીરે હસતાં હસતાં કહ્યું.
આયનાનું ધ્યાન બીજી વાતમાં વાળવાનો એ પ્રયત્ન હતો એ સમજતા આયનાને વાર લાગે એમ નહોતી. એ મૌન રહી.
‘અને હા, આપણે જેમ બને તેમ જલ્દી અહીંથી બહાર નીકળવાનું છે..’
‘ઓકે’ કહી આયના ચુપ થઈ ગઈ. તેને ખાતરી થઈ ગઈ હતી કે ગઈકાલે મુંબઈથી ગાડી પકડી ત્યારથી તેના મનમાં જાગેલા એક પણ પ્રશ્નનો રણવીરે જવાબ નહોતો આપ્યો એટલે કદાચ હવે પણ નહીં જ આપે. જોકે તેના મનમાં એ વાતનો આનંદ જરૃર હતો કે તેની મનોકામના પૂર્ણ થવા માટે જઈ રહી હતી. રણવીરે જરૃર કોઈ પ્લાન વિચાર્યો જ હશે.
સ્ટેશનની બહાર નીકળી રણવીરે ઑટો-રિક્ષાવાળાને લિજેન્ડ હોટલનું નામ આપ્યું એટલે રિક્ષા એ તરફ દોડવા લાગી.
આ એ હોટલ હતી જેના રૃમ નંબર ૩૦૫માં કામ્બલી અને રાજેન ઊતર્યા હતા.
એ જ હોટલમાં રૃમ નંબર ૩૦૬ અને ૩૦૭ રણવીર અને આયના માટે બુક થયેલા હતા.
આ આયોજન ઍન્ટિટેરેરિસ્ટ સ્ક્વૉર્ડના ચીફ માથુરનું હતું.
આયનાએ નાહીને, તૈયાર થઈને રણવીરની સૂચના મુજબ તેના રૃમમાં દાખલ થઈ. બેલ વગાડવાની નહોતી. રણવીર પણ ફ્રેશ થઈને તૈયાર જ હતો. આયના અંદર આવતાં જ તે આયનાના તાજા સ્નાન કરેલા શરીરની સુગંધને અનુભવી રહ્યો. એકાદ ક્ષણ આયના સામે જોઈ રહ્યો.
આયના…યસ…આયનાને એ દિલથી ચાહતો હતો. કુદરતે બંનેને ફરીથી ભેગાં કર્યાં તો પણ કેવા કામ માટે..? જેમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે તેમ હતું. એને તેના ઓફિસરની વાત યાદ આવી ગઈ.
‘રણવીર..આ જોખમી કામ છે. એ લોકો કોઈ સિનિયરને જ આ કામ સોંપવા માગતા હતા, પરંતુ મેં ઉપરી અધિકારી પાસેથી તારી ખાસ પરમિશન લીધી છે. તારી બહાદુરી પર મને વિશ્વાસ છે, પરંતુ સામા પક્ષે આતંકવાદીઓ છે. એ ભૂલાય નહીં. એ લોકો બહાદુર નથી, પણ લુચ્ચા છે. આ વખતે એક સિવિલિયન ગર્લને હાથો બનાવી મિશન પાર પાડવા માગે છે. એ લોકો કોણ છે તેની વિગત આ સાથેના કવરમાં છે. તું નિરાંતે વિગતો જોઈ જજે. તારે યાદ એ રાખવાનું છે કે કોઈ પણ સંજોગોમાં ઉતાવળ કરવાની નથી. આપણે આખા કાવતરાના મુખ્ય સૂત્રધારને રેડ હેન્ડેડ પકડવાનો છે. આ વખતે પહેલી વખત એ આ રમતમાં સીધો સામેલ થયો છે. એટલે તારા મિશનની અહેમિયત વધી જાય છે. બોમ્બ મૂકવા માટે જે છોકરી જવાની છે એ છોકરી આપણી ખબરી છે. કોઈ પણ સંજોગોમાં તેને બચાવી લેવાની છે. આપણે ધારીએ તો અત્યારે જ એ છોકરી અને સૂત્રધારને પકડી મિશન નિષ્ફળ કરી શકીએ, પણ પી.એમ.ની ઇચ્છા એવી છે કે જ્યારે એક્શન થઈ રહ્યું હોય ત્યારે જ તેને પકડી પાડવું જેથી સરકાર પાસે પાકા પુરાવા રહે અને આમાં પડોશી મુલ્કનો સીધો જ હાથ છે તે યુનોમાં સાબિત કરી શકાય.’
રણવીર આયના સામે જોઈ એ બધું વિચારી રહ્યો હતો ત્યારે આયના ન જાણે કયા વિચારોમાં ખોવાઈ હતી. રણવીરની હાજરીથી તે થોડી નિશ્ચિંત બની હતી.
વિચારોમાં ખોવાયેલા રણવીરે હવે કોઈને ફોન લગાડ્યો.
‘સર, હવેનો પ્લાન શું છે…?’
એ પછી અડધો કલાક સુધી રણવીર તેના ઓફિસરની વાત સાંભળતો રહ્યો..વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછતો રહ્યો.
થોડી વારે ફોન પૂરો થયો એટલે રણવીરે જેકેટના અંદરના ખિસ્સામાંથી એક કવર કાઢ્યું અને તેમાં લખાયેલી વિગતોમાં ખોવાઈ રહ્યો.
ત્યાં અચાનક બેલ વાગી.
(ક્રમશઃ)
—————–