તમારા માટે, તમારી સાથે, સતત…

ગુજરાતમેં કુછ લોગ બોમ્બ બ્લાસ્ટ કા પ્લાન બના રહે હૈ…

બરાબર એ વખતે ઝાયેદ મુંબઈ શહેરમાં પ્રવેશી રહ્યો હતો.

0 143
  • નીલમ દોશી   હરીશ થાનકી

‘એક અધૂરી વાર્તા’ નવલકથા – પ્રકરણ-૧૭

વહી ગયેલી વાર્તા

ડૉ. કુલદીપ દેશના અગ્રગણ્ય વિજ્ઞાની આબેહૂબ માનવ જેવી ઇવા રૉબોટનું સર્જન કરે છે. એક દિવસ કુલદીપ અને ઇવા વચ્ચે રકઝક થાય છે અને કુલદીપ અધિકાર ભાવથી ઇવાને જોબ કરવાની ના પાડે છે. ઇવાને લાગે છે કે કુલદીપ તેના પ્રેમમાં છે. ઇવાના મનમાં પણ કુલદીપ માટે પ્રેમના અંકુર ફૂટે છે. કુલદીપ ઇવાના પ્રેમને નકારી દે છે તેથી ઇવા તેને છોડીને ચાલી જાય છે. ઇવા ઉશ્કેરાઈને ગેરકાનૂની કામ કરતા આરીફ નામના માણસના સંપર્કમાં આવે છે. આરીફ ઇવાના નામે નકલી દવાનો બિઝનેસ શરૃ કરે છે. આરીફ અને તેના સાગરીતો ઇવાનું અપહરણ કરી તેની પાસે બોમ્બ વિસ્ફોટ કરાવવાનું કાવતરું ઘડે છે. ડૉ. કુલદીપ ડૉ. રંગનાથનની મદદથી ઇવાના સોફ્ટવેર દ્વારા ઇવાના મનના વિચારો જાણે છે. કુલદીપ ઇવાના સિસ્ટમને ડિફ્યુઝ કરી દે છે. ડૉ. કુલદીપ ઘણા દિવસો બાદ ઑફિસ જાય છે. મન હળવું કરવા કુલદીપ તેની સેક્રેટરી આયના સાથે ડિનર પર જાય છે. બીજી બાજુ ઝાયેદ નામનો શખ્સ મુંબઈ પહોંચે છે. ઝાયેદ મોના નામની યુવતીને મળે છે. બંને હોટેલ પર જાય છે. ઝાયેદ ફ્રેશ થવા જાય છે. એટલી વારમાં મોના આકાશ મલ્હોત્રા અને રાજન વકીલ નામની વ્યક્તિઓના વિચારોમાં ખોવાઈ જાય છે અને ભૂતકાળને વાગોળવા લાગે છે. અચાનક ઝાયેદને ફોન આવે છે કે તેના અબ્બા જન્નતનશીન થયા છે તેથી ઝાયેદ મોનાને હોટેલ પર છોડી ઘરે જવા નીકળે છે. મોના રાજનને ફોન કરી ઝાયેદ ઘરે જવા નીકળ્યો છે તેવી માહિતી આપે છે. બીજી તરફ કુલદીપ અને આયના ડિનર પર જાય છે જ્યાં આયના કુલદીપનું દિલ જીતવા કાલ્પનિક સ્ટોરી ઊભી કરે છે અને કુલદીપની સહાનુભૂતિ મેળવે છે. કુલદીપ પણ આયના આગળ જાનકીના પ્રેમની વાત રજૂ કરે છે. રાજન અને મોના વચ્ચે ઝાયેદને લઈને વાત થાય છે. મોેના ઝાયેદની રાહ જુએ છે, પણ ઝાયેદ બોમ્બ વિસ્ફોટ કરવાના કાવતરાના પ્લાનિંગમાં વ્યસ્ત હોય છે. રાજન

આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા લોકોની માહિતી સરકારને આપવાનું કામ કરતો હોય છે. બીજી બાજુ ઝાયેદ બોમ્બ વિસ્ફોટ માટે મોનાનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે. બીજી બાજુ કુલદીપ આયનાને ઇવાના સર્જન અને વિસર્જનની વાત કરે છે. આ વાતની જાણ થતાં આયના કુલદીપને સાંત્વના આપે છે સાથે જ આતંકવાદીઓના ષડયંત્રને રોકવા માટે પ્રયત્ન કરવાનું કહે છે.

– હવે આગળ વાંચો…

‘તને લાગે છે આપણે આવું કશું કરી શકીએ તેમ છીએ? એમાં આપણે સફળ થઈ શકીશું?’

‘શું અને કેમ કરી શકાય એની તો અત્યારે મને યે સમજ નથી પડતી. સફળતા કે નિષ્ફળતાની પણ મને જાણ નથી, પણ દેશ માટે, અનેક લોકોના જીવન માટે કોઈ પ્રયત્ન કર્યાનો સંતોષ તો મળશે જ. બધું જાણ્યા છતાં સાવ તો કેમ બેસી રહેવાય? આપણો આત્મા આપણને જ સદા ન ડંખે?

‘એ સંતોષ લેવામાં જીવનું જોખમ ઓછું નહીં હોય. એ બધા ખૂંખાર આતંકવાદીઓ સામે આપણે શું કરી શકવાના?’

‘કુલદીપ, આવું કહીને તું મને ચકાસવા માગતો હોય તો લેટ મી ટેલ યુ..એક વાર ગમે ત્યારે મરવાનું છે જ..તો આવા કોઈ કામ કરતાં કરતાં મૃત્યુ આવશે તો પણ એનો અફસોસ નહીં હોય, ગૌરવ જ હશે.’

કુલદીપ આયના સામે ગૌરવથી જોઈ રહ્યો. આયનાના ચહેરા પર એક જુદા જ પ્રકારની ચમક હતી.

કુલદીપને મૌન જોઈ આયનાએ ઉમેર્યું.

‘કુલદીપ, આ ક્ષણે તો ખબર નથી કે આપણે આ લડાઈ કેવી રીતે લડવાની છે કે આગળ શું કરવાનું છે કે શું કરી શકીશું, પણ જે પણ પરિસ્થિતિ હશે, કે આવશે એમાં તું એકલો નહીં હોય. આઇ વીલ બી ધેર વિથ યુ ઓલવેઝ..’

કહેતા આયનાએ કુલદીપના બંને હાથ પકડી પોતાની હથેળી વચ્ચે દાબી દીધા.

હવે કુલદીપે આ અંગે ગંભીરતાથી  વિચારવાનું શરૃ કર્યું. આયનાની વાત સાચી તો હતી. આયના જે વિચારતી હતી તે પ્રમાણે જો થઈ શકે તો અને તો જ પોતે જે હેતુ માટે ઇવાની…પોતાની વર્ષોની સાધનાની કુરબાની આપી હતી તે હેતુ સાર્થક થઈ શકે..

પણ…લાખ નહીં, કરોડ રૃપિયાનો પ્રશ્ન એ હતો કે આ કામ કરવું કઈ રીતે?

બીજા દિવસે સવારે આયના કુલદીપના ઘરે તેની અંગત લેબમાં બેઠી હતી. કુલદીપના લેપટોપમાંથી ઇવાનો છેલ્લો જે ડેટા પ્રાપ્ત થયો હતો તેનું પૃથક્કરણ બંને કરી રહ્યાં હતાં.

‘કુલદીપ, આ બધા પરથી લાગે છે કે આ લોકોનો અડ્ડો વડોદરા શહેરની આસપાસ ક્યાંક છે. જે લોકો આ કામમાં લાગેલા છે તે લોકો છે. મને લાગે છે કે એ લોકો તો માત્ર પ્યાદા હશે. અસલી માસ્ટરમાઈન્ડ તો કોઈ બીજું જ છે, પરંતુ આ લોકો પણ આપણે માટે મહત્ત્વના છે, કારણ કે આ કડીઓ જ આપણને મુખ્ય વ્યક્તિ સુધી પહોંચાડશે. આપણી પાસે કુલ માહિતી આટલી જ છે.’

‘અને એ લોકો જે જગ્યાએ બ્લાસ્ટ કરવાના હતા તે સ્થળોનાં નામ પણ આ ડેટામાં છે.’ કુલદીપે પૂરક માહિતી આપી.

આ પછી લગભગ અડધો કલાકના વિચાર વિમર્શને અંતે આ માહિતીનો ઉપયોગ કરી ત્રાસવાદી લોકો સુધી કેવી રીતે પહોંચવું તે બાબતે કોઈ નિર્ણય પર ન પહોંચી શકતા આખરે કંટાળીને કુલદીપ બોલ્યો.

‘મને લાગે છે કે આપણે હવે કશું જ કરવાની જરૃર નથી. આ બધી જ માહિતી પોલીસને સોંપી દઈએ અને પછી બાકીનું કામ એમનું.’

‘વેલ, પણ પોલીસ તને એમ પૂછશે કે આ બધી વિગત તારી પાસે ક્યાંથી આવી ત્યારે તું શો જવાબ આપીશ? શું તું એમ કહીશ કે તને સાક્ષાત ઈશ્વરે ફોન કરીને આ બધું કહ્યું છે? એક વાત સમજી લે કુલદીપ, કે જો તું આ માહિતી સીધો જ પોલીસમથકે આપવા જઈશ તો તારે ઇવા વિષે પણ બધું કહેવું પડશે અને એ લોકો એ જ વખતે તને પાગલ અને બુદ્ધિ ગુમાવી ચૂકેલા કોઈ સનકી વૈજ્ઞાનિક સમજી પોલીસ મથકેથી બહાર કાઢી મૂકશે, કારણ કે કોઈ એ માનવા જ તૈયાર નહિ થાય કે તદ્દન સાચુકલી સ્ત્રી જેવો જ દેખાતો રૉબોટ બની શકે છે…તને સમજાય છે મારી વાત?’ આયનાએ કુલદીપની આંખમાં આંખ પરોવી સીધો જ સવાલ કર્યો.

‘તો…તો શું કરવું…?’

બંને ખાસ્સીવાર મૌન બની વિચારમાં પરોવાઈ રહ્યાં.

થોડીવાર પછી આયનાના મગજમાં એક નામ, એક છબી ઊભરી રહી હતી.

* * *

પ્રોફેસર રાજેન વકીલના મોબાઇલમાં રિંગ વાગી એટલે તેણે હાથમાં રાખેલા રૃમાલ વડે કપાળ પરનો પસીનો લૂછતાં પહેલાં નામ વાંચ્યું અને પછી ફોન ઉપાડ્યો.

‘ઝાયેદના કોઈ સમાચાર મળ્યા મોના?’ સામે છેડેથી મોના કશું કહે તે પહેલાં અવાજમાં અધીરાઈ છલકાવતા રાજેન બોલ્યો.

‘ઝાયેદના તો કોઈ સમાચાર નથી, પણ મારી પાસે એક એવા સમાચાર છે કે જે સાંભળતા તું ઉછળી પડીશ દોસ્ત…’

સામે છેડેથી મોનાના અવાજમાં આનંદ છલકી રહ્યો હતો.

‘બોલ બોલ, જલ્દી બોલ..વાર કેમ લગાડી રહી છે..?’

‘ફોન પર વાત થઈ શકે તેમ નથી. તું અત્યારે જ મારા ઘરે આવી જા.’

‘પણ થોડી હિન્ટ તો આપ. આખરે વાત શું છે?’

‘કહ્યુંને કે અત્યારે તું જ્યાં હોય ત્યાંથી ટેક્સી કરી ઝડપભેર અહીં આવી જા. એક ખૂબ જ અગત્યના મહેમાન સાથે તારી મુલાકાત કરાવવી છે.’

અને સામે છેડેથી ફોન કપાઈ ગયો.

રાજેને માથું ખંજવાળ્યું. મોના ખાસ કામ વગર તેના ઘરે બોલાવે નહિ. ચોક્કસ કંઈક મહત્ત્વની કડી તેને મળી હોવી જોેઈએ. કોણ હશે એ અગત્યના મહેમાન? વિચારતા વિચારતા રાજેન તૈયાર થવા લાગ્યો. ઘરની બહાર નીકળતાવેંત તેણે ટેક્સી પકડી.

* * *

‘ડૉ. કુલદીપ, આ મિસ્ટર રાજેન છે.  જેની બધી વિગત મેં હમણા જ તમને આપી.

રાજેન આવતા જ મોનાએ ડૉ. કુલદીપને કહ્યું.

‘અને રાજેન આ છે મારી ફ્રેન્ડ આયના અને આ છે હિન્દુસ્તાનના એક જિનિયસ વૈજ્ઞાનિક, ડૉ.કુલદીપ. આયના મારી ખાસ દોસ્ત છે. અમે લોકો સ્કૂલમાં સાથે ભણતા હતા. ત્યારથી લઈને આજ સુધી અમારી મૈત્રી અકબંધ છે. અમને એકબીજા પર અતૂટ વિશ્વાસ છે.’

મોનાએ રાજેનને આયના અને કુલદીપની ઓળખાણ કરાવતાં કહ્યું.

‘ઓહ..નાઇસ ટૂ મીટ યુ..’

કહેતા રાજેને બંને સાથે હાથ મિલાવ્યા અને સામેની ચૅર પર બેઠો. પછી પ્રશ્નાર્થ નજરે મોના સામે જોઈ રહ્યો. આખરે આમને મળવા મોનાએ તાત્કાલિક મને કેમ બોલાવ્યો?

‘રાજેન, તને એમ થાય છે ને કે મેં અત્યારે આ લોકોને મળવા તને કેમ બોલાવ્યોે? પણ નાઉ લિસન કૅરફૂલી, મારી આ ફ્રેન્ડ આયનાએ થોડીવાર પહેલાં મને ફોન કરીને પોલીસ વિભાગમાં કોઈ જાણીતું હોય તો તેનો કોન્ટેક્ટ કરાવી આપવા જણાવ્યું. મને થયું કે એને કોઈ લીગલ પ્રોબ્લેમ થયો હશે એટલે મેં એને અહીં બોલાવી. તેની સાથે વાત કરતા જાણવા મળ્યું કે એમની પાસે એક આતંકવાદી કાવતરાની માહિતી આવી છે. એ લોકોની ઇચ્છા છે કે કોઈ ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ જ વાત કરવી..મને થયું કે સીધા જ પોલીસ વિભાગમાં જવા કરતાં એમને એક વખત તારી સાથે વાત કરાવું. કદાચ તને એમાંથી કોઈ માહિતી મળે, પણ આ લોકો કોઈ અજાણી વ્યક્તિ પાસે માહિતી રજૂ કરવા માગતા ન હોવાથી નાછૂટકે મારે તારી કામગીરી વિષે વાત કરવી પડી. હવે તું જ એમને સમજાવ.’

રાજેને ભારત સરકારના એકદમ ગુપ્ત એવા સી.એફ.આઈ.જી. ગ્રૂપ વિષે વિગતવાર વાત કરી.

‘ઓકે મિ. રાજેન..અમે માની લઈએ છે કે તમે જે કહો છો તે બધું સાચું છે.. વળી, મોના મારી ફ્રેન્ડ છે એટલે તે મને કોઈ ખોટા માણસ સાથે ન જ ભેળવી દે, પણ તેમ છતાં પણ અમારી પાસે જે માહિતી છે તે ખૂબ જ સેન્સિટિવ છે. અમને શી રીતે ખાત્રી થાય કે મારે જે વિગતો તમને આપવાની છે તે માટે તમે સાચા વ્યક્તિ છો?’

રાજેનને આયનાની સતર્કતા માટે માન થયું. એને પોતાના ગ્રૂપમાં આવી વ્યક્તિઓની જ જરૃર હતી.

‘યુ આર રાઇટ, અત્યારે કોઈ પર જલ્દી વિશ્વાસ કરી લેવો મૂર્ખાઈ ગણાય. એમાંય તમે જે કામ માટે નીકળ્યા છો ત્યારે તો તમારે એક એક પગલું ફૂંકી ફૂંકીને ભરવું આવશ્યક છે. નો પ્રોબ્લેમ, હું તમને મારું આઈ-કાર્ડ બતાવું છું. જે મને કેન્દ્ર સરકારે આપ્યું છે.’

આયના અને કુલદીપે ધ્યાનથી કાર્ડ જોયું. પછી એને વિશ્વાસ બેઠો.

‘અને બીજી વાત, આયના, હું પણ મારી રીતે, જીવનું અને બીજા અનેક જોખમ લઈને આ કામમાં જોડાઈ છું. કેવી રીતે? એ બધી વાત નિરાંતે સમજાવીશ. અત્યારે આપણે તમારી વાત પર ધ્યાન કેન્દ્રિત કરીએ. યુ કૅન ટ્રસ્ટ રાજેન.’

‘ઓકે. નાઉ વી કૅન ટ્રસ્ટ યુ.’ કહી કુલદીપ અને આયનાએ અથથી ઇતિ સુધી તમામ વાત ટૂંકમાં કહી સંભળાવી અને છેલ્લે ઉમેર્યું,

‘મિ. રાજેન. શક્ય છે કે તમને અમારી વાત કોઈ કપોળકલ્પિત કથાનક જેવી લાગે, પણ આ તદ્દન સત્ય હકીકત છે. હવે તમે શું સલાહ આપો છો? અમારે શું કરવું જોઈએ?’

‘આમ તો એક જાગૃત અને સાચા નાગરિક તરીકે તમારે સીધા પોલીસ વિભાગમાં જઈ આ તમામ વિગતો આપી દેવી જોઈએ, પરંતુ મને લાગે છે કે તેમ કરતા પહેલાં આપણી પાસે થોડી માહિતી વધુ હોવી જોઈએ. તમે કહો છે તેમ ઇવાના વિચારો જે તમારા લેપટોપમાં સચવાયેલા છે તેમાંથી તમે જે વિગતો તારવી છે એ થોડી અધૂરી છે. તમે જે નામો કહ્યાં તે નામની અનેક વ્યક્તિ હોય શકે. ચોક્કસ ઓળખ કરવા એમના ફોટોગ્રાફ્સ હોય તે જરૃરી છે. શું તમે તમારા ડેટામાંથી આવું કશું મેળવી શકો ખરા..?’

‘નો, રંગનાથનજીએ બનાવેલું સોફ્ટવેર ફક્ત વિચારોને જ સેવ કરી શકે છે, ફોટોગ્રાફ નહિ.’ કુલદીપે કહ્યું.

થોડીવાર બધા ચૂપ થઈ ગયા.

‘કુલદીપજી, એક ઉપાય છે..ઇવાને વડોદરા જે કારમાં લઈ જવામાં આવી હતી તેનો નંબર તો તેણે વાંચ્યો જ હશે. તેના વિષે વિચાર્યું પણ હશે. શું એ નંબર મળી શકે.?’ અચાનક મોનાને કંઈક યાદ આવતા બોલી ઊઠી.

‘ઓહ યેસ કુલદીપ, આપણે તે તો જોયું જ નહીં..મને લાગે છે કે એ ચોક્કસ હશે.’ આયના એકદમ એક્સાઇટ થઈ ગઈ.

‘હા, પણ જો ઇવાએ તે યાદ રાખવાનો પ્રયત્ન કર્યો હશે તો..’

કુલદીપના અવાજમાં થોડી હતાશા જોઈ રાજેને કહ્યું,

‘હિમ્મત હારવાની જરૃર નથી, એક વખત તમે લોકો ફરીથી એ બધું જોઈ લો..જો ગાડીનો નંબર મળી જાય તો વધુ સારું..એ સિવાયનો પણ ડેટા ધ્યાનપૂર્વક જોજો. શક્ય છે કે કોઈ બીજી કડી પણ હાથ લાગે. નહિતર તમે આપેલ માહિતી હું દિલ્હી જરૃર મોકલી આપીશ. એ લોકો ચોક્કસ બનતું કરશે.’

‘થેન્ક્સ રાજેનજી, હું તમને ફોન કરીશ.’ કહી રાજેનનો ફોન નંબર લઈ કુલદીપ અને આયના રવાના થયાં.

આયના અને કુલદીપના ગયા પછી મોના અને રાજેન બંને થોડી વાર પોતપોતાના વિચારોમાં ખોવાઈને બેસી રહ્યાં. જે કંઈ સાવ અચાનક સાંભળવા મળ્યું હતું તે એમને વિચારતા કરી દે એ સ્વાભાવિક હતું.

રાજ, મારે પણ હવે ભાગવું પડશે. જવાનું મન તો નથી થતું, પણ ઝાયેદ આવે એ પહેલાં મારે પહોંચી જવું જરૃરી છે. એને કોઈ શંકા ન થવી જોઈએ.’

યેસ..મોના, એ ખૂબ જરૃરી છે અને પ્લીઝ, બી કૅરફુલ.’

પ્રેમથી મોનાનો હાથ દાબતા રાજેન બોલ્યો. જતાં જતાં મોના બે વાર પાછળ ફરીને રાજેન સામે જોવાનું ચૂકી નહોતી. રાજેન પણ કદાચ મોનાના જોવાની જ પ્રતીક્ષામાં ઊભો હતો.

રાજેન સાચો હતો. મોનાએ ઝડપથી પાછું ફરવું ખૂબ જરૃરી હતું. કેમ કે…

બરાબર એ વખતે ઝાયેદ મુંબઈ શહેરમાં પ્રવેશી રહ્યો હતો. પ્લેનમાંથી ઊતરી તેને તુરત મોનાને મળવું હતું. રસ્તામાં તેણે એક પ્લાન વિચારી રાખ્યો હતો.

શું હતો એ પ્લાન? કેવો હતો? એનાં પ્યાદાં કોણ કોણ હતાં?

* * *

મુંબઈના ડોમેસ્ટિક ઍરપોર્ટ પર ઝાયેદની ફ્લાઈટ લેન્ડિંગ કરી રહી હતી, બરાબર ત્યારે રાજેન મોનાના ઘેરથી નીકળી ગયો હતો. હળવો વરસાદ ચાલુ થઈ ચૂક્યો હતો. તેણે ટેક્સી પકડી. ટેક્સીમાં બેસતાની સાથે તેનું મગજ વિચારે ચડ્યું હતું.

Related Posts
1 of 34

ડૉ. કુલદીપની વાત જાણી રાજેનને થયું હતું કે વૉટ અ થ્રીલિંગ સ્ટોરી! આ સત્ય ઘટના પરથી તો સાયન્સ ફિક્સનની એક ઉત્તમ ફિલ્મ બની શકે. એક એવો રૉબોટ જે પરફેક્ટલી એક સ્ત્રી જેવો હોય..જેની પાસે પોતાની બ્રેઇન સિસ્ટમ હોય, ફીલિંગ્સ હોય, સુંદરતા હોય અને અચાનક કોઈ ગરબડને લીધે એનામાં નેગેટિવ ફીલિંગ્સ જાગે, જેને લીધે તે અમુક ખોટા નિર્ણયો લઈ બેસે, આતંકવાદીઓના હાથનું હથિયાર બની બેસે. આખરમાં તેનો સર્જક એનું વિસર્જન કરવા મજબૂર બની જાય અને દુનિયાને કશી જાણ થયા સિવાય તેનું અસ્તિત્વ નાબૂદ થઈ જાય.  અનબિલિવેબલ..છતાં પણ સત્ય. કાશ..પોતાને એક વખત એ રૉબોટ ઇવાને રૃબરૃ મળવાનો જોવાનો મોકો મળ્યો હોત!

રાજેન ક્યાંય સુધી કુલદીપ અને આયના પાસેથી સાંભળેલી વાત વાગોળતો તન્દ્રાવસ્થામાં બેસી રહ્યો. ન ભૂતો, ન ભવિષ્યતિ…જેવી આ આખી વાત તેને કોઈ ચમત્કાર જેવી લાગતી હતી. કોઈ જવાબદાર વ્યક્તિએ જો ન કહી હોત તો એ તેને પાગલ માનીને હસી જ કાઢત, પણ કુલદીપ જેવો પ્રખર વૈજ્ઞાનિક કે જે ઇરો જેવી સંસ્થાનો  હેડ  હતો, જેના નામથી પોતે અજાણ નહોતો એવી વ્યક્તિ પર શંકા કરવાનું કોઈ કારણ નહોતું.

શર્ટના ખિસ્સામાં વાગી રહેલી મોબાઇલ રિંગ ટોનના અવાજથી તેની વિચાર તંદ્રા તૂટી. ખિસ્સામાંથી ફોન કાઢીને જોતા સ્ક્રીન પર એક નામ દેખા દઈ રહ્યું. રઘુનાથ કામ્બલી.

રઘુનાથ કામ્બલી સમગ્ર સી.એફ.આઈ.જી. ગ્રૂપના હેડ હતા. તે એક જમાનામાં ભારતીય આર્મીમાં ઓફિસર રહી ચૂક્યા હતા. હવે રિટાયર્ડ થયા હતા. છતાં આજે પણ તે કોઈ પણ કામ માટે ભારતના પી.એમ. અને સી.બી.આઇ.ના વડા ડૉ. રાણા સાથે સીધી જ વાત કરી શકતા. ઍન્ટિ-ટેરેરિસ્ટ સ્ક્વૉર્ડના હેડ ડૉ. માથુર પણ તેમની વાતને મહત્ત્વ આપીને ગંભીરતાથી લેતા.

સી.એફ.આઈ.જી.માં રાજેન જેવા અનેક એજન્ટો તેમની નીચે કામ કરતા હતા. આ તમામ એજન્ટો રઘુનાથ કામ્બલીના સીધા જ સંપર્કમાં રહેતા. મોટા ભાગે એવું બનતું કે જ્યારે રાજેન પાસે કોઈ ગુપ્ત માહિતી આવતી ત્યારે રાજેન એ માહિતી આપવા મેજર કામ્બલીને ફોન કરતો. આજે પહેલી જ વખત રાજેનના મોબાઇલમાં મેજર કાંબલીની રિંગ આવી રહી હતી એટલે તે થોડો ચોંક્યો.

‘યસ સર.’

‘રાજેનજી, મેરે પાસ એક ઇન્ફોર્મેશન આઈ હૈ, આનેવાલે કુછ દિનોમેં ગુજરાતમંે કુછ લોગ બોમ્બ બ્લાસ્ટ કા પ્લાન બના રહે હૈ. અબકી બાર અહેમદાબાદ ઉન લોગો કે નિશાને પર હૈ..આપકે પાસ ઉસકે બારેમેં કોઈ ઈન્ફોર્મેશન હૈ?

એક પળ માટે રાજેનને કુલદીપ અને આયના યાદ આવી ગયા. શું કહેવું? કેટલું કહેવું? તે વિમાસણ થઈ આવી. તે હજુ કોઈ જવાબ આપે તે પહેલાં કામ્બલીએ વાત આગળ ધપાવી.

‘મેટર થોડી સિરિયસ હૈ. હમે કુછ કરના પડેગા. મૈં કલ દિલ્હીસે મુંબઈ આ રહા હું..આપ મુઝે મેરે ઠીકાને પે મીલિયેગા. વહા ડીટેઈલમેં બાત હોગી.’

‘જી સર..’ રાજેને કહ્યું અને તરત સામેથી ફોન કપાઈ ગયો.

પિસ્તાલીસ વર્ષીય મેજર કાંબલી  સ્વાભાવિક રીતે જ ફોન પર બહુ ટૂંકમાં અને માત્ર મુદ્દાસર જ વાત કરતા. દરેક આર્મી મેનની આ લાક્ષણિકતા અને સેલ્ફ ડિસિપ્લિન તેમનામાં પણ હતી જ.

રાજેને ખિસ્સામાંથી રૃમાલ કાઢી પસીનો આવ્યો ન હોવા છતાં પણ આદતવશ કપાળ લૂછ્યું.

આવતી કાલે મેજર કામ્બલી સાથે મુલાકાત થશે ત્યારે એમને કુલદીપની વાત કરવી પડશે..પણ એ પહેલાં કુલદીપ અને આયના પેલી ગાડીનો નંબર મેળવી લે તો સારું. કદાચ બીજી કોઈ વધારે માહિતી મળે તો વધુ સારું. જોકે એ મેળવી શકશે કે કેમ એ પ્રશ્ન તો ખરો જ. અત્યારે રાજેનના મગજમાં એકસાથે અનેક વિચારો ચાલી રહ્યા હતા.

‘ગાડી જરા જલ્દી ચલાઓ યાર..’ ટેક્સી ડ્રાઇવરને આદેશ આપી રાજેને આંખ બંધ કરી કોઈ વિચારમાં ડૂબી ગયો.

* * *

કુલદીપે લેપટોપમાંથી માથું બહાર કાઢી ઘડિયાળમાં જોયું. રાતના કે વહેલી સવારના ચાર થવા આવ્યા હતા. કલાકોની કોઈ ગણતરી સિવાય તે અને આયના થાક્યા સિવાય કામ કરી રહ્યાં હતાં. આયના જરા પણ ધીરજ ગુમાવ્યા સિવાય પોતાના લેપટોપમાં બીજી અનેક વાતો સર્ચ કરીને કોઈ અંકોડા મેળવવા મથી રહી હતી. આખરે તે પણ વરસોથી કુલદીપની આસિસ્ટન્ટ હતી. બંને પોતપોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા હતા. છાશ નહીં, પણ પાણી વલોવીને માખણ કાઢવા જેવી આ વાત હતી, પણ એમાં કંટાળાને કે થાકવાને કોઈ અવકાશ નહોતો.

ખાસ્સી વારે આયનાએ લેપટોપમાંથી માથું ઊંચંુ કરી કુલદીપને પૂછયું,

‘કુલદીપ, કશું મળ્યું..? કારનો નંબર..કે બીજું કોઈ એવી વિગત જે ઉપયોગી નીવડી શકે.’

‘માણસ સરેરાશ એક મિનિટમાં કેટલા વિચાર કરતો હોય એનો તને કોઈ આઇડિયા ખરો આયના?’

આયના કુલદીપ સામે તાકી રહી. આવા પ્રશ્નનો શો અર્થ હોઈ શકે? પરંતુ કારણ વગર  કુલદીપ કોઈ ફાલતુ પ્રશ્ન કરે જ નહીં.

આયના કશું પૂછે એ પહેલાં કુલદીપ પોતાની ધૂનમાં આગળ બોલી રહ્યો.

‘આયના, એક વાત કહું? મને હેલ્પ કરવા માટે મદ્રાસમાં રંગનાથજીએ બનાવેલા સોફ્ટવેરને કારણે ઇવાના મગજમાં જે પણ વિચારો આવેલા એ તમામ વિચારો મારા લેપટોપમાં આપોઆપ સેવ થઈ ગયા છે, પણ કમનસીબે એ તમામ વિચારો સોફ્ટવેર કનેક્ટ થયા પછીના છે. એ પહેલાં ઇવાએ જે વિચારો કર્યા હોય તે બધા વિચારો કરોડોની સંખ્યામાં હોય જે કોઈ એક ફોલ્ડરમાં સમાય ન શકે. એટલે સ્વાભાવિક છે કે તે બધા મારા લેપટોપમાં ન જ હોય. હા, એ બધા હોય ખરા પણ ઈ-મેલની માફક ઓન ઍર હોય. એ બધા જોવા હોય તો તેને મારા લેપટોપની કેપેસિટી પ્રમાણે થોડા થોડા ડાઉનલોડ કરવા પડે અને વાંચીને સમજી લીધા બાદ ડિલીટ કરવા પડે. આમાંથી કોઈ ચોક્કસ વિચાર શોધવો એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું મુશ્કેલ કામ છે. મને લાગે છે કે આમાં મને હજુ સારો એવો સમય લાગશે. સવાર થવા આવી છે. તું થાકી હોઈશ. તું અંદર મમ્મીના રૃમમાં જઈને ઊંઘી જા.’

આયના થાકી તો હતી, પણ કુલદીપ એકલો એકલો આમ કામ કર્યા કરે અને પોતે નિરાંતે ઊંઘી કેમ જાય? ના, એ કુલદીપને દરેક ક્ષણે સાથ આપશે. એને એકલો મૂકીને એ આમ પણ નિરાંતે સૂઈ શકવાની નથી જ.

‘નો વે..કુલદીપ, તું આમ જાગીને કામ કરતો રહે ત્યારે હું આરામથી સૂઈ કેમ શકું?’

‘આપણે હમણા બંનેના મગજ ફ્રેશ રાખવાની જરૃર પડશે. તેની પાસેથી આપણે ઘણુ કામ લેવાનું છે. જ્યારે મારું મગજ થાકીને કામ કરતું બંધ થાય ત્યારે તારું મગજ તરોતાજા હોય તે આવશ્યક છે. આપણે બંને એકીસાથે ડલ થઈ જઈએ એ હમણા ન પોસાય. એટલે તને આરામ કરવાનું કહું છું. ગોટ ઇટ? જસ્ટ ફોર માય સેઇક.’

કહેતા કુલદીપ આયનાને એકીટશે નીરખી  રહ્યો.

આયનાને આ બે ચાર હળવાશભરી પળો ગમી. કુલદીપના શબ્દોમાં રહેલી નિકટતા, આત્મીયતા તેને સ્પર્શી રહી. કામના ભારેખમ બોજા વચ્ચે તાણમાંથી બે ચાર પળની ક્ષણિક મુક્તિ બહુ જરૃરી હતી.

‘તને કન્વિન્સ કરતા આટલું સરસ આવડે છે એની તો મને આજ સુધી કદી જાણ જ નહોતી થઈ.’

‘અરે, હજુ તો મારી ઘણી બધી કવૉલિટીની જાણ થવાની તને બાકી છે. આગે આગે દેખો હોતા હૈ ક્યા?’

આટલા ટેન્શન ભર્યા થાકમાં પણ કુલદીપને આજે પહેલી વખત આવા મૂડમાં જોઈ આયનાને બહુ સારું લાગ્યું.

‘યેસ..આઇ વીલ લાઇક ટુ વૉચ કે આગે આગે ક્યા હોતા હૈ? આશા રાખું કે આગે આગેના તારા દરેક કાર્યક્રમમાં તું મને સાથે રાખીશ.’

‘અરે, બાબા તારા વિના હું એકલો હવે કરી પણ શું શકવાનો?’

આયનાએ હળવેકથી કુલદીપનો હાથ દાબ્યો.

‘આયના નાઉ યુ ગો ટુ સ્લીપ, પ્લીઝ.’

‘એઝ યુ વિશ. તારી ઇચ્છા મારા સર આંખો પર.’ કહી આયના ઊભી થઈ.

‘ટેઇક કૅર કુલદીપ. તું પણ બહુ સ્ટ્રેસ ના લેતો. હવે તારે પણ આરામની જરૃર છે જ.’

‘સ્યોર. યેસ..આરામ તો કરીશ, પણ અત્યારે એ શક્ય નથી.’

વાક્ય અધૂરું જ રાખી કુલદીપે બાજુના ફલાસ્કમાંથી એક કપ કૉફી લઈ, એક સીપ ભરીને ફરીથી લેપટોપના સ્ક્રીન પર ધ્યાન પરોવ્યું.

આયના સૂવા માટે ગઈ.

સતત બે દિવસની મથામણ પછી આખરે કુલદીપ અને આયનાની મહેનત રંગ લાવી.  કુલદીપના લેપટોપના સ્ક્રીન પર એક કારનો નંબર દેખાયો. કુલદીપના ચહેરા પર સફળતાનું સ્મિત ફરક્યું. યેસ..આઇ ગોટ ઇટ..

એ એ જ ગાડીનો નંબર હતો જેમાં સકીના ઇવાને પોતાના અડ્ડામાં લઈ ગઈ હતી. આયનાએ કુલદીપને અભિનંદન આપ્યા. કુલદીપની આંખોમાં ચમક ઊભરી આવી હતી.

સતત ઉજાગરા કરીને થાકેલા કુલદીપે બગાસું ખાઈ ત્યાં રહેલા બેડ પર લંબાવ્યું.

* * *

બરાબર એ જ સમયે હોટલ તાજના એ વિશાળ સ્યૂટમાં મોના ઝાયેદને વળગીને સૂતી હતી.

‘શું વિચારમાં પડી ગયો છે ઝાયેદ?’ છેલ્લી અડધો કલાકથી મોના સાથે હોવા છતાં પણ વિચારમાં મગ્ન રહેલા ઝાયેદને મોનાએ પૂછ્યું.

‘એક કામનું થોડું ટેન્શન છે મોના’ ઝાયેદે નવી સિગરેટ સળગાવતા કહ્યું.

‘તો ઐસા બોલોના સરકાર..હું કોઈ મદદ કરી શકું?’ આપ કે લિએ તો મેરી જાન ભી હાજિર હૈ.’

મોનાએ નાટકીય અંદાજથી કહ્યું.

‘મોના, તું ધારે તો મને ચોક્કસ મદદ કરી શકે..પણ…’

‘અરે એમાં પણ અને બણ વળી શું…? હુકમ કરો સરકાર..મૈં તો જાન ભી દે દૂ.’

‘ખરેખર જીવ આપવાની તૈયારી છે બોલ..?’

ઝાયેદનો પ્રશ્ન સાંભળતાવેંત મોનાના દિમાગમાં એકાએક બત્તી થઈ. નક્કી ઝાયેદ પોતાના પ્લાનની કોઈ મહત્ત્વની કડી કહેવા જઈ રહ્યો છે. આ જ પળની તો પોતાને પ્રતીક્ષા હતી. ચોક્કસ હવે કોઈ મહત્ત્વની વાત જાણવા મળશે. જેને માટે અત્યાર સુધી પોતાનું સર્વસ્વ લૂંટાવી રહી હતી એ ફળ મેળવવાનો સમય આવી ગયો, પણ હવે વધારે સાવચેત રહેવું પડશે. હવે એક એક કદમ ફૂંકી ફૂંકીને ભરવા પડશે.

મોનાને વિચારવામાં થોડી વાર લાગી એટલે ઝાયેદે તેની હડીપચીને ઊંચી કરી તેની આંખમાં આંખ પરોવી પૂછ્યું.

‘ડરી ગઈ ને?’

‘ના ના..ડર શેનો? તને હું પ્રેમ કરું છું ઝાયેદ અને પ્રેમ હોય ત્યાં ભય ન હોય, સમજ્યો?’ મોનાએ આંખમાં કૃત્રિમ પ્રકોપ છલકાવ્યો…તે ઉભડક થઈ ગઈ અને સૂતેલા ઝાયેદના ગળા ફરતા પોતાના પંજા રાખીને બોલી,

‘અત્યારે તારા ગળા ફરતો મારા હાથનો પંજો વીંટળાયેલો છે. હું ધારું તો આ પળે તારું ગળું દબાવી દઉં છતાં તને ડર લાગે છે? નથી લાગતો ને..?’

પછી ઝડપથી પંજા હટાવી ઝાયેદના ગાલ પર ચુંબન કરતા બોલી.. ‘કેમ નથી લાગતો કહે જોઈએ? કારણ કે તું મને પ્રેમ કરે છે. તને ખાતરી છે કે હું તને મારી જ ન શકું. બસ, મને પણ તારી પર એટલી જ શ્રદ્ધા છે. પણ…તમે પુરુષો સ્ત્રીઓના પ્રેમને હંમેશાં અન્ડરએસ્ટિમેટ કરતા હોવ છો.’

ઝાયેદ મનમાં હસ્યો. માછલી તૈયાર છે. જાળ ફેંકવાનો વખત આવી ગયો છે.

‘તો હું જે કહું તે કરવા તૈયાર છો? બોલ, પછી ફરી તો નહીં જાય ને..?’ ઝાયેદે ફરીથી મોનાને ઉશ્કેરી. તે મોના પાસે ઇનકારની  એક પણ તક છોડવા નહોતો માગતો.

‘ઝાયેદ, માય લવ, મેરે સરકાર…’ બોલતાં બોલતાં મોનાએ કોઈ ફિલ્મી અભિનેત્રીને પણ ટક્કર મારે તેવા અભિનય સાથે આંખમાં આંસુ લાવી દીધા. અવાજમાં ભારોભાર ભીનાશ લાવી તે ઝાયેદના કાન પાસે હોઠ લાવી બોલી,

‘તું કહે તો તારા માટે આખું જગત સળગાવી દઉં બોલ..એક વાર કહી તો જો ડિયર..’

ઝાયેદને લાગ્યું કે લોઢું બરાબર ગરમ થઈ ગયું છે. બસ, આ જ એ ક્ષણ છે. મોનાની મૂર્ખતાપૂર્ણ ભાવુકતાનો લાભ લઈ તેની પાસે ગમે તે કરાવી શકાય તેમ છે.

મોનાને પણ ખ્યાલ આવી ગયો કે આ જ એ પળ છે જ્યારે ઝાયેદ તેના પર વિશ્વાસ મૂકી તેના આગામી પ્લાન વિષે કહેશે.

ઉંદર-બિલાડીની રમત શરૃ થઈ ચૂકી હતી. બંને જણા પોતપોતાનો દાવ ખેલવા તૈયાર થઈ ગયાં હતાં. કોણ કોને મહાત કરી શકશે? એ તો સમય સિવાય કોઈ નહોતું જાણતું.

‘મોના, મને ખાતરી જ હતી કે તું મને જરૃર સાથ આપીશ. હવે મારી વાત સાંભળ, તને યાદ હોય તો મેં તને એક વખત કહ્યું હતું કે મારે લાઈફમાં એક વખત એટલા બધા રૃપિયા કમાઈ લેવા છે કે પછી આખી જિંદગી કોઈ કામ જ ન કરવું પડે. કોઈ સારી જગ્યાએ એશો-આરામની જિંદગી જીવી શકાય. એ તક મારી સામે આવી ગઈ છે મોના, પણ એ કામ એવું છે કે જે હું તારી મદદ વગર કરી શકું તેમ નથી. જો તું હા કહે હું એ કામ માટે હા પાડું. એ કામમાંથી આપણને એટલી મોટી રકમ મળશે કે તું અને હું લગ્ન કરી આખી જિંદગી કોઈ કામ કર્યા વગર હનીમૂન માણતા રહેશું.’

ઝાયેદે જાળ બિછાવવી શરૃ કરી. મોનાને સપનાની દુનિયા દેખાડી પૂરેપૂરી વશમાં કરવાનું કામ એ સૌથી પહેલી જરૃરિયાત હતી અને અત્યારે એ જ કામ કરી રહ્યો હતો.

મોનાએ પણ પોતાના અભિનયનાં કામણ પાથરવા શરૃ કર્યાં..તે એકદમ ઝાયેદને વળગી પડી અને લગ્નની વાતથી ગદગદ થઈ ગઈ હોય તેમ બોલી,

‘તું મારી સાથે લગ્ન કરીશ..? રિયલી..?  ઓહ ઝાયેદ તને પામવા માટે હું કઈ પણ કરવા તૈયાર છું. જલ્દી બોલ, મારે શું કરવાનું છે..?’

‘નાદાન છોકરી..’ ઝાયેદ મનમાં બબડ્યો. તેને ખાતરી થઈ ગઈ કે મોના હવે તેના હાથનું રમકડું બની ગઈ છે. તેની પાસે હવે બોમ્બનું પ્લેસમેન્ટ કરાવી શકાશે.

મોના તેના મુખે તેનો પ્લાન સાંભળવા તલપાપડ થઈ ગઈ.

(ક્રમશઃ)
———————–

Leave A Reply

Your email address will not be published.

Translate »