તમારા માટે, તમારી સાથે, સતત…

મૃત્યુ પછીની ગતિની ચિંતા શા માટે?

પોતાના હૃદયની ચાહવાની શક્તિમાં શંકા છે

0 469
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

એક સંબંધીએ હમણાં કહ્યું ઃ મેં જે કાંઈ ઝંખ્યું અને માંગ્યું તે બધું જ મળ્યું છે. છતાં કેટલીક વાર એવું લાગે છે કે મારા સાનુકૂળ સંજોગોને હિસાબે જે ખુશાલીની લાગણી મનમાં ટકી રહેવી જોઈએ તે ટકી રહેતી નથી. મને સતત બિનસલામતીની લાગણી સતાવ્યા કરે છે. ખરેખર તો સંપૂર્ણ સુરક્ષિતતાની લાગણી થવી જોઈએ, તેને બદલે બિનસલામતી લાગે છે. આનું કારણ સમજાતું નથી. આનો ઇલાજ શું તેની પણ કશી ખબર નથી.મારા આ સંબંધી પૈસેટકે અતિસુખી છે. મિલકત સારી છે. ધંધામાં સ્થિર છે. સમાજમાં પ્રતિષ્ઠા પણ છે. એમને બિનસલામતીની લાગણી રહ્યા કરે છે ને તેથી બેચેની પેદા થાય છે. એક તદ્દન ગરીબ માણસે પોતાની પાસે આવેલી ઠીક ઠીક રકમ બતાવીને કહ્યું કે, ‘જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં કોઈએ બે તો કોઈએ પાંચ રૃપિયાની મદદ કરી. હું ગરીબ છું પણ મારે રૃપિયાની ખાસ જરૃર નથી. મને સતત ભય લાગ્યા કરે છે કે કોઈક કંઈક રક્ષણ આપે તો સારું !આ માણસને આ બધા પ્રશ્નો પૂછવા છતાં તે ખરેખર પોતાની ઉપર કોઈ વાસ્તવિક જોખમ હોવાનું બતાવી શક્યો નહીં. આમ કંઈ જ જોખમ નથી ને લૂંટાઈ જવાનો ડર નથી. તેને એવા કોઈ દુશ્મનો પણ નથી, કે જેના પડછાયાની ચિંતા કરવી પડે! કોઈ નક્કર ભયની વાત નથી, પણ મનની અંદર બિનસલામતીની એક લાગણી સતત સળવળ્યા કરે છે અને તેને ચેન પડતું નથી.

તાજેતરમાં મશહૂર લેખક ફ્રાંઝ કાફકાનો પત્રવહેવાર વાંચ્યો. પોતાની પ્રિયતમાને અમુક સમય માટેની વિવાહિતા ફેલીસ પરના પત્રો તેમાં છે. કાફકાએ આ પ્રેમપત્રોમાં પોતાની જાતને સંપૂર્ણ ખુલ્લી કરી છે. એમાં કાફકાની બિનસલામતીની લાગણી વારંવાર બોલે છે. કાફકાની તબિયત નાજૂક હતી. બત્રીસ વર્ષની ઉંમરે ૧૮ વર્ષના છોકરા જેવો કે બહુ બહુ તો ૨૫ વર્ષના નબળા જુવાન જેવો લાગતો કાફકા વારંવાર કહે છે કે, હું દૂબળામાં દૂબળો માણસ છું. ફેલીસને એ ચાહે છે ખરો, પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ શકતો નથી. કાફકા કહે છે કે, મારા પોતાના એકલાના જીવતર પૂરતી તબિયત ચાલે તેવી છે, પણ લગ્ન કરી શકું એવી તબિયત નથી. હકીકતે કાફકાનો પત્રવહેવાર પોકારી પોકારીને એક વાત કહે છે કે, તેને બિનસલામતીની ઊંડી લાગણી પરેશાન કર્યાં કરે છે, તેને સતત ડર રહ્યા કરે છે. કોઈ જોખમની સ્થિતિ ઊભી થાય નહિ તે માટે મોટેભાગે તે એકાંત પસંદ કરે છે અને શક્ય હોય તેટલે અંશે પોતાના નાનકડા કમરામાં જ રહે છે. છતાં બંધિયાર જગાનું પણ એક જોખમ હોય છે. એટલે ગમે તે મોસમમાં એ બારી ખુલ્લી રાખીને સૂવે છે. ખાસ ઊંઘતો પણ નથી, કેમકે, ઊંઘવું એટલે અસહાય અને બિનસલામત બની જવું ! ઊંઘવું એટલે પોતાનું માથું અજાણ્યા ખોળામાં મૂકી દેવું !

માણસ ભર ઊંઘમાં હોય ને કંઈક આફત બહારથી કે અંદરથી ઊતરી પડે તો ? તમે ઊંઘતા હો અને કોઈ તમારી ઉપર હુમલો કરી શકે. તમે ઊંઘમાં ભાન વિનાના હો અને કોઈ ઝેરી જીવજંતુ કરડી શકે ! બહારની જોખમની વાત તો ઠીક છે, માણસના શરીરની અંદર ક્યાં ઓછા શત્રુ છુપાયા છે ! ખૂબ લાડ લડાવેલા આ હૃદયનો પણ શો ભરોસો ! હૃદય ગમે ત્યારે દગો ન દે ? આ ફેફ્સાંનો પણ શો ભરોસો ? એ પણ ક્યારેક પાંસળીની પાછળ કંઈક કંઈક શ્વાસની ગરબડ ઊભી કરી ના શકે ? ઊંઘની અવસ્થામાં પણ અંદરના કોઈ કોઈ જોખમોનો ડર હોઈ શકે છે. ફ્રાંઝ કાફકા તો મહાન સર્જક હતો. એટલે તેની સાચી કે માની લીધેલી શારીરિક-માનસિક પીડા, તેની મૂંઝવણો, તેની ચિંતાઓ ને તેના જાતજાતના ડરની લાગણીઓમાંથી વાર્તાઓ વણાય છે અને આ બધી બળતરામાંથી સર્જનનો એક વિચિત્ર સંતોષ જન્મે છે. કોઈક સરસ વાર્તા લખ્યા પછી તે થાકેલી સ્થિતિમાં પણ અસાધારણ ખુશાલીની લાગણી અનુભવે છે. પણ પેલી બિનસલામતીની લાગણીનો સમગ્ર રીતે વિચાર કરીએ ત્યારે આપણા આશ્ચર્ય વચ્ચે આપણને ખબર પડે છે કે, કેટલા બધા ચહેરાની પાછળ ડરની આ લાગણી સંતાઈને બેઠી હોય છે. પોતાને બિનસલામતીની લાગણી સતાવ્યા કરે છે તે કબૂલ કરવાની હિંમત પણ ચાલતી નથી. કોઈક પોતાની બિનસલામતીની લાગણીના ઇલાજ તરીકે એકાંત શોધે છે, તો કોઈક વળી ભીડમાં ભય ઓછો ગણીને ગાઢ સોબતમાં સંતાય છે. કદાચ ભીડ અને સભામાં ભળી જવાનું ઘણા બધા માણસોને ગમે છે તેનું એક કારણ આ પણ હોઈ શકે છે.

Related Posts
1 of 2

બિનસલામતીની લાગણીનો વિચાર એક અગર બીજા માણસને સતાવતો રહે છે. કોઈને વળી આર્થિક બિનસલામતીની લાગણી પીડા આપે છે. નોકરી પૂરી થશે અને નિવૃત્ત થવું પડશે, પછી હું શું કરીશ ? આજનું આ જીવનધોરણ કઈ રીતે જાળવી રાખીશ ? કોઈને નિવૃત્તિ દૂર હોય છે તો બઢતીની ચિંતા થાય છે. આ પણ આર્થિક બિનસલામતીની લાગણી છે. કોઈને ધંધો ભાંગી પડવાની, ધંધો બંધ થઈ જવાની, ખોટ જવાની ચિંતા રહ્યા કરે છે. કોઈને રોકાણ કરવાની પોતાની અશક્તિ સતાવે છે. આમાં પણ આર્થિક બિનસલામતીની લાગણી બોલે છે. અમેરિકાના એક મહામાલદાર ઉદ્યોગપતિ રોકફોલરે કબૂલ કરેલું છે કે, નવા નવા ધંધાનું વિસ્તરણ કરવાની તેની સાહસિકતાનું મૂળ આર્થિક બિનસલામતીની લાગણીમાં પડેલું હતું ! ન કરે નારાયણ ને ચાલુ ધંધો ભાંગી પડે તો ? ગાય દૂધ આપે છે પણ કાલે વસૂકી નહીં જાય તેની શી ખાતરી ? ચાલો એક નવી ગાય પણ વસાવી લઈએ ! ધીકતા ધંધા હોવા છતાં નવા ધંધાનો જન્મ થાય છે.

આર્થિક બિનસલામતીની લાગણી જેવી જ સામાજિક બિનસલામતીની લાગણી કેટલાકને પીડે છે. આબરૃ જશે તો ? પ્રતિષ્ઠા નહીં સચવાય તો ? કંઈક બદનામી કે ફજેતી આવી પડશે તો ? આવી લાગણીથી પીડાતા ગૃહસ્થો સતત સંતાનો પર ચાંપતી નજર રાખે છે. ક્યાંક દીકરી પ્રેમલગ્નની ફજેતી કરીને આબરૃ ઢોળી નાખે ! ક્યાંક દીકરો પરનાતમાં કોઈ ઊતરતી જ્ઞાતિ કે કોમની કન્યાના ગળામાં પુષ્પમાળા રોપીને પ્રતિષ્ઠાને ધૂળધાણી કરી નાખે !

કેટલાકને વળી લાગણી વિષયક બિનસલામતી સતાવે છે. પોતાની પત્ની કે પોતાનો પતિ પોતાને ચાહવાનું બંધ કરી દેશે તો ? મિત્રો મોં ફેરવી લેશે તો ? સંબંધીઓની ઈર્ષ્યા કંઈક કારસ્તાન ઊભું કરશે તો ? માણસને સતત સ્નેહની ભૂખ છે. તે ઇચ્છે છે કે થોડીક નિકટની વ્યક્તિઓના ભાવમાં કંઈ જ ફરક ના પડે ! તેને પોતાના હૃદયની ચાહવાની શક્તિમાં શંકા છે. એટલે બીજાઓના હૃદયની આવી શક્તિમાં પણ શંકા પડે છે. આ બધાની શંકાથી તેઓ પ્રેમ અને વફાદારીના પોતાના દાવા બુલંદ રીતે રજૂ કરવાની સાથે ચોપાસ શંકાભરી નજરે જાંચ-તપાસ ચલાવે છે. કોઈને વળી પોતાની તબિયતની બાબતમાં બિનસલામતીની લાગણી પીડ્યા કરે છે. કૅન્સરની વાત વાંચે ત્યારે તેનાં લક્ષણોની ખાનગી તપાસ પોતાના શરીરમાં કરે છે. હૃદયરોગની જાણકારી મેળવે ત્યાં પોતાના હૈયાની કોઈક દગાખોરીની તપાસ આદરે છે. તબિયત પરનાં જાતજાતના આવાં આવાં જોખમોની એક અસ્પષ્ટ ભયભીતતા તેમને સતાવે છે. આ બધી જ શંકાઓનું ગ્રાંડ ટોટલ પોતાના આયુષ્યની લાંબી-ટૂંકી રેખાની ચિંતારૃપે હાજર થાય છે. શરીર અંગે કોઈ ખાસ ફરિયાદ ના હોય ત્યારે અકસ્માતનો ભય રહે છે. ટ્રેનોના અકસ્માત, વિમાન અકસ્માત, જાહેર રસ્તા પરના અકસ્માત એક વ્યક્તિગત શક્યતા બનીને તેમની પોતાની યાત્રાનું શંકાસ્પદ ભાથું બની જાય છે. પોતાના સામાનના દાગીના વારેવારે ગણ્યા કરે છે, પણ પેલો મુખ્ય દાગીનો તો શંકાના ભયનો હોય છે.

પોતાનું મૃત્યુ કેવી રીતે, ક્યાં અને કયા સંજોગોમાં થશે તેની ચિંતા કેટલાકને બિનસલામતીની લાગણી આપે છે. તો વળી આમાંથી કેટલાકને પોતાના મૃત્યુ પછી પોતાની શી દશા થશે – માત્ર શરીરની જ નહીં, પણ પોતાના આત્માની – એની ચિંતા થાય છે. સમરસેટ મોમ કહે છે કે, માણસના ઘણા બધા ડર અને બિનસલામતીની લાગણીઓની કલ્પના હું કરી શકું છું, પણ મૃત્યુ પછીની ગતિની ચિંતા કરનારાઓના ડરની લાગણી હું સમજી શકતો નથી. તમે જ્યારે નહિ હો ત્યારે કંઈ જ નહિ હોય. મૃત્યુ પછીની આવી ચિંતાને વર્તમાન ડરના રૃપમાં ચીતરવાનો શો અર્થ ?
————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »