તમારા માટે, તમારી સાથે, સતત…

કપરી સ્થિતિમાં હેલ્પફુલ બનો

યુવાનો ચહેરા પર માસ્ક બાંધીને જુદી-જુદી જગ્યાએ ગરીબ વર્ગને ચા-બિસ્કીટ, શાકભાજી, કરિયાણા જેવી જરૃરિયાતની વસ્તુ આપી રહ્યા છે.

0 183
  • યુવા – હેતલ રાવ

દેશમાં ચારેબાજુ કોરોનાનો કહેર છે, લોકો ઘરમાં લૉકડાઉન છે. સરકાર આ મુશ્કેલીના સમયમાંથી ઊગરવાના પ્રયત્નમાં લાગી છે. ત્યાં યુવાનો પણ એકજૂટ થઈને પોતાની જવાબદારી નિભાવી રહ્યાં છે. અનેક યુવાનો એવા છે જે આ કપરી સ્થિતિમાં લોકો સુધી જમવાનું પહોંચાડે છે. જ્યારે ઘણી વ્યક્તિઓ જરૃરિયાતમંદ સુધી માસ્ક પણ પહોંચાડે છે.

એક બાજુ જ્યાં લોકો સોશિયલ મીડિયા પર કોરોના જેવી બીમારીને મજાકમાં લઈને જુદા-જુદા મેસેજ અને પોસ્ટ શેઅર કરે છે, ત્યાં એક આખો વર્ગ છે જે એવા લોકોનો વિચાર કરી રહી છે, જેમને મદદની જરૃર છે. જેમાં યુવાનોથી લઈને દરેક વર્ગના લોકો છે. યુવાનો ચહેરા પર માસ્ક બાંધીને જુદી-જુદી જગ્યાએ ગરીબ વર્ગને ચા-બિસ્કીટ, શાકભાજી, કરિયાણા જેવી જરૃરિયાતની વસ્તુ આપી રહ્યા છે. ત્યાં ઘણા લોકો આ બીમારી સામે રક્ષણ મેળવવા માટે માસ્ક, સેનિટાઇઝરનું વિતરણ કરે છે. કોરોના વાઇરસના કારણે રાતોરાત જ માસ્ક અને સેનિટાઇઝરના ભાવ વધી ગયા છે. જે લોકોને પોસાય તેમ નથી, તેમાં પણ ખાસ કરીને રોજ લાવીને રોજ ખાનારા લોકોને તો બે ટાઇમના જમવાની પણ મુશ્કેલી છે. ત્યાં માસ્ક કે સેનિટાઇઝર જેવી મોંઘી વસ્તુની વાત જ ક્યાંથી કરે. આવી વ્યક્તિઓને ઘરે ઘરે જઈને હેલ્પ કરવામાં આવી રહી છે. સાથે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારના નિયમનો ભંગ ન થાય. અન્ય કોઈ પણ વ્યક્તિને સમસ્યા ઊભી ન થાય, ઉપરાંત મદદ માટે જનારી કોઈ પણ વ્યક્તિ એકસાથે ભેગા થઈને જવાની જગ્યાએ સંપૂર્ણ સલામતી સાથે જુદા-જુદા વિસ્તારોમાં પોલીસની હેલ્પ સાથે માત્ર એક-એક કરીને જાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જ્યારે દેશ આવી સમસ્યાનો સામનો કરી રહી છે ત્યારે માત્ર કોઈ એક શહેર કે ગામ પૂરતું જ નહીં, પરંતુ જ્યાં-જ્યાં શક્ય બને ત્યાં દરેક યુવાનો મદદ કરી રહ્યા છે.

Related Posts
1 of 55

વાલ્લા શાળાના પ્રિન્સિપાલ  હિતેશભાઈ બ્રહ્મભટ્ટ આ વિશે વાત કરતા કહે છે, ‘આ ઘણો કપરો સમય છે, પરંતુ જો બધા સાથે મળીને લડીશું તો જરૃર સફળતા મળશે. સરકાર ઘણો પ્રયત્ન કરે છે. તેમાં બને એટલો સહકાર આપણે પણ આપવો જ જોઈએ. અમે જાતે જ માસ્ક બનાવ્યા છે અને તે જરૃરિયાતવાળા લોકો સુધી પહોંચાડીએ છીએ પરંતુ જાતે સુરક્ષિત રહીને સેવા કરીએ છીએ. અન્યની મદદ કરવા જતાં આપણે વાઇરસના ભોગ બનીએ અને આરોગ્ય વિભાગને દોડાદોડી કરવી પડે તે પણ યોગ્ય નથી. માટે ડૉક્ટરની સલાહ પ્રમાણે, તેમને જણાવી હોય તે દરેક વાતને અનુસરીને જ કોઈ પણ કામ કરવાનું ખાસ ધ્યાનમાં રાખવું જરૃરી છે.’

સમીક રાજપૂત અને તેમના મિત્રો શહેરના અનેક સ્લમ વિસ્તારમાં જઈને લોકોને જમવાનું અને અન્ય જરૃરિયાતની વસ્તુ આપે છે. દરેક મિત્રએ અલગ-અલગ વિસ્તારમાં જવાનું નક્કી કર્યું છે. તે પણ ચહેરા પર માસ્ક લગાવી, સેનિટાઇઝર અને પૂરતી સલામતી સાથે અને ભીડ થાય તે રીતે નહીં, પરંતુ એકલ દોકલ. સમીક કહે છે, ‘જરૃરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ, પરંતુ સરકારના નિયમો તોડીને નહીં. સારા અને સેવાના કામ કરવા જોઈએ, પરંતુ તે લોકોને બતાવવા માટે કે તંત્રને હેરાન કરવા માટે નહીં, ખરેખર મદદની ભાવનાથી.’

સરકારની સાથે લોકો પણ મદદ કરી રહ્યા છે, પરંતુ પોલીસ તંત્રને મુશ્કેલી ન થાય તે રીતે મદદ કરી રહ્યા છે. માટે માત્ર સેવાનો ઢોંગ કરી તંત્રની મુશ્કેલી ઊભી કરવાની જગ્યાએ હકીકતમાં હેલ્પફુલ બની રહેવું જોઈએ.
—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »