તમારા માટે, તમારી સાથે, સતત…

ફેસબુક અને વૉટ્સઍપના પ્રાંગણમાં ફરતાં ફરતાં…

વ્યાસપીઠ પર બિરાજેલા બાપુએ ખરેખર વ્યાસપીઠ શોભાવી દીધી,

0 184
  • વુમન્સ ડે સ્પેશિયલ – શૈશવ વોરા

સોમનાથ મહાદેવના પ્રાંગણમાં ફૂલ વેચતી એક દીકરીની એક ક્લીપ આવી નજરે. થોડીક લાંબી ક્લીપ છે, પણ જોવાનો આનંદ આવ્યો, દીકરીને શિવકથા કહેતા બાપુ વ્યાસપીઠ સુધી બોલાવે છે અને પછી એનો તૂટલો સૂંડલો અને સૂંડલામાં રહેલી બે ફૂલની માળાઓ…

સંપૂર્ણ ભૌતિક જગતમાં જીવતા મારા જેવા ક્યારેક તો દ્રવિત થઈ જાય અને એમાં પણ એ દીકરીના મોઢા ઉપરની માસૂમિયત જોઈએ ત્યારે તો ખરેખર સહેજ આંખનો ખૂણો ભીનો ચોક્કસ થઈ જાય એવું છે.

જોકે વ્યાસપીઠ પર બિરાજેલા બાપુએ ખરેખર વ્યાસપીઠ શોભાવી દીધી, ખોટો શબ્દ છે શોભાવી ..દીપાવી દીધી વ્યાસપીઠને..!!

તૂટેલા સૂંડલાને કથા મંડપમાં ફેરવ્યો અને લોકોએ દિલ ખોલીને ત્રણ ચાર સૂંડલા ભરાય એટલું આપ્યું ‘ને છેલ્લે વ્યાસપીઠ તરફ ભાવ નહિ પણ આસ્થા જન્મે એવું કાર્ય પણ કર્યું, જ્યારે દીકરીના જીવનની તમામ જવાબદારી સમાજના મોભીઓને અપાઈ..!!

હું વ્યક્તિપૂજામાં નથી માનતો એટલે નામ લખવાથી દૂર રહું છું, પણ ક્યારેક ઈશ્વરના અસ્તિત્વ ઉપર હું પોતે જ સવાલ કરી બેસું છું ત્યારે આવું કંઈક જોઈએ ત્યારે ખરેખર આનંદ આવે છે. હૃદયના તાપ સંતાપ દૂર થાય છે અને પાછું હું જ મારા મનને મનાવું છું કે હું જ એ છું અને એ જ હું છું..!! ક્યારેક એની જોડે એના અસ્તિત્વને નામશેષ થવા માટે પણ હું બાઝ્યો હતો-એવો તે કેવો કે તું કે ગઝની જેવા ફૂદ્દુ તારું મંદિર તારું ઘર તોડી ગયા, પણ જ્યારે એ સ્થાન ઉપર જઈને ઊભો રહું છું ત્યારે ચેતનાનો ધોધ વરસતો હોય એવું લાગે છે.

ઘણી બધીવાર જમનાજીના ઘાટે નગરી દિલ્હીમાં પસાર થતો હોઉં ત્યારે એકરોમાં જગ્યા લઈને પડેલા તીનપંચુકિયા નેતાઓની સમાધિઓ જોઈને સખ્ખત ગુસ્સો ચડે છે..અને ફરી એકવાર એની જોડે પણ ઠની જાય, પણ પછી જવાબ આવે કોણ ઓળખશે તીનપંચુકિયાને એક સદી પછી? એટલું તો નક્કી છે કે ઈશ્વર નામની સંસ્થામાં વિશ્વાસ કાયમ રાખવા માટે પણ આવા કોઈક ફૂલ વેચવાવાળી દીકરીના સૂંડલા કોઈકે તો રૃપિયે ભરવા રહ્યા..!

Related Posts
1 of 57

બધાં કામ માટે બારેય મહિના અને ચોવીસે કલાક એને જ યાદ કરીએ, પણ એના એક કામ પણ આપણાથી થતાં નથી, પણ છે ઘણા બધા વીરલા સમાજમાં કે જેના થકી હજી ઈશ્વર પણ જીવતો છે.

મારી સાથે જિમમાં એક છોકરો આવતો. પહેલાં ફેસબુક ફ્રેન્ડ થયો પછી ફેન થઈ ગયો પછી એ છોકરાનો સંપર્ક છૂટી ગયો. એક દિવસ પરિમલ ચાર રસ્તા ક્રોસ કરી રહ્યો હતો અને જોરદાર મોટ્ટેથી બૂમ આવી શૈશવભાઈ..શૈશવભાઈ.. મેં એ દિશામાં જોયું, પેલો અસલી હીરો હતો.

મેં કીધું, બકા, તું જે કામ કરી રહ્યો છે ને એ મારાથી જિંદગીમાં નહિ થાય.. મને કહે ના ભાઈ, એવું કંઈ નથી, થઈ જાય છે, ખબર નહીં પણ હું કોઈ એવું જોઉં ને એટલે મારાથી રહેવાતું જ નથી, મને ખબર નથી પડતી કે મારામાં કોણ આવે છે અને હું આ કામ કરી લઉં છું.

એ અસલી હીરો રસ્તામાં રખડતાં પાગલ લોકોને પકડી અને પહેલાં ચાર પાંચ વખત સાબુ ઘસીને નવડાવે, પછી એમના વાળ સરખા કરે, નવાં કપડાં ખરીદી અને પહેરાવે, પછી એમને જમાડે અને ફરી રસ્તે રખડતા મૂકવાને બદલે કોઈ ચોક્કસ આશ્રમમાં મુકે છે અને પછીથી એનું ફોલોઅપ પણ લે છે..!!

ત્રીસ વર્ષ હજી એ મારા અસલી હીરાને પુરા નથી થયા હો.. કોણ એનામાં આટલો બધો દયાભાવ, કરુણાભાવ જગાડી ગયું એ ખબર નથી, પણ એ જે લોકોને નવડાવે છે એની નજીક પણ તમારા મારા જેવો પાંચ મિનિટ ઊભો ના રહી શકે અને આ છોકરો એને આટલી બધી ટ્રીટમેન્ટ આપે છે.. મેં એને પૂછ્યું, બકા, તને ઘીન્ન નથી આવતી?

મને કહે, ના શૈશવભાઈ, મને તો હું જેવો જ આવા કોઈ ભાઈ કે બહેન જોઉં ને એટલે આજુબાજુની દુકાનમાંથી કપડાં ખરીદી લઉં અને પછી પેલા પાગલને પાણી સુધી લઈ જાઉં અને શાંતિથી અને પ્રેમથી નવડાવું. મેં કીધું, આશ્રમ સુધી કેવી રીતે પહોંચાડે? પેટમાં પડે અને ઘણા દિવસે ન્હાય ને એટલે પછી ઊંઘ ચડે જ એટલે ગાડીમાં બેસાડું અને લગભગ ઊંઘી જાય એટલે મારે શાંતિ..!! કામધંધો..? બોસ સારો છે, સમજે છે અને ઘણીવાર એ પણ મદદમાં આવી જાય.

સાલ્લા માંજરાની એક આંખમાં મહાકાલ અને બીજી આંખમાં કાળિયો ઠાકર સાક્ષાત દેખાતા હતા..!! શ્રદ્ધા ‘ને આસ્થા રાખવી, પણ રહી અને બીજાની ટકી રહે એવું પણ કંઈક જીવનમાં કરવું રહ્યું..!!
——————————

Leave A Reply

Your email address will not be published.

Translate »