તમારા માટે, તમારી સાથે, સતત…

મોડા ઊઠવાના ફાયદા

'મારે આવતીકાલે વહેલા ઊઠીને દોડવા જવું છે.'

0 362
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

માણસે વહેલા ઊઠવું જોઈએ એવું ઘણા લોકો કહે છે. એ સાંભળી-સાંભળીને મેં મારી બાવન વર્ષની જિંદગીના નિચોડ સ્વરૃપે જે પાંચ સૂત્રો આપ્યા છે તેમાં સૌથી પહેલા ક્રમે ‘વહેલા ઊઠો’ને મૂક્યું છે. અમુક લોકો એમ માને છે કે રાત્રીના અગિયારથી સવારના સાત સુધી એમ કુલ આઠ કલાક માણસ ઊંઘતો રહે તો જિંદગીનો ત્રીજો ભાગ તો એણે ઊંઘવામાં બરબાદ કર્યો ગણાય. અમુક ચિંતકો એવા પણ છે જે દલીલ કરે છે કે દરરોજ સોળ કલાક જાગવું એનો અર્થ એ થયો કે જિંદગીનો ૬૬.૬૬% હિસ્સો જાગવામાં બરબાદ કરી નાખ્યો.

‘કાલે સૂરજ પશ્ચિમમાં ઊગે તો પણ મારે વહેલું જાગવું છે’ મેં ‘વહેલા જાગવાના ફાયદા’ નામનું પુસ્તક વાંચતા-વાંચતા જ મારો સંકલ્પ જાહેર કર્યો.

‘ફરી બોલો જોઉ’ પત્નીએ રસોડામાંથી ડ્રોઈંગરૃમમાં આવી પોતાની સાડીનો છેડો કમરમાં ખોસી ભાવિ યુદ્ધની યથાયોગ્ય તૈયારી પૂર્ણ કરી.

‘આવતી કાલે સૂરજ ભલે પૂર્વ બદલે પશ્ચિમમાં ઊગે મતલબ કે ધરતી ઉપર ગમે તેવી ઊથલપાથલ થાય, પરંતુ મારે કોઈ પણ સંજોગોમાં વહેલા ઊઠી જવું છે.’ મેં વિગતવાર મારા સંકલ્પનો પુનઃ ઉચ્ચાર કર્યો.

‘સૂરજ ઊગી જાય પછી ઊઠે એને વહેલા ઊઠ્યા ન કહેવાય માટે હે સૂર્યવંશી, તમે બણગા ફૂંકવાનું બંધ કરો.’

‘હું સૂર્ય ઊગે એ પહેલાં ઊઠી જવાનો છું.’

‘કેટલા વાગે જાગશો?’

‘હું બ્રાહ્મમુહૂર્તમાં જાગી જવાનો છું.’

‘આ તમારું બ્રાહ્મમુહૂર્ત કેટલા વાગે હોય?’

‘એ મને ખબર નથી, પરંતુ અંધારામાં હોય એટલી ખબર છે.’

‘તમે અંધારામાં જાગી જવાના હોય તો એક કામ કરશો?’

‘તમારા માટે જાતે ચા બનાવીને પી લેજો અને નિત્યક્રમથી પરવારી જાવ પછી મારા માટે ચા બનાવીને મને જગાડજો.’

‘હું તમારો પતિ છું, નોકર નથી.’

‘એ બંને સામાનાર્થી શબ્દો છે. થોડા દિવસો પહેલાં હું મારી બહેનને મળવા મુંબઈ ગઈ ત્યારે તમે મને આખા રસ્તે યાદ ન આવ્યા, પરંતુ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઊતરી અને કુલીઓની હડતાલ જોઈને તમે મને બહુ યાદ આવ્યા.’

‘તમે આજીવન કુલી કરી લીધો છે એ આનંદની વાત છે.’

‘તમે પણ આજીવન રસોયણ અને ધોબણ રાખી લીધી છે એ આનંદની વાત છે.’ પત્ની આજે શેર ઉપર સવા શેરનો ઘા કરતી હતી.

‘મારે આવતીકાલે વહેલા ઊઠીને દોડવા જવું છે.’

‘લોકોનો માર ખાવો હોય તો જજો.’

‘કેમ?’

‘થોડા દિવસ પહેલાં સામેવાળા સેવંતીલાલને પણ તમારી જેમ વહેલા જાગીને દોડવાના કોડ જાગ્યા. એ પાંચ વાગ્યામાં ટૂંકી ચડ્ડી અને ખોબો ભરાય એટલી વાધરીવાળા બૂટ પહેરીને દોડ્યા.’

‘પછી?’

‘આપણા શેરીના કૂતરાઓ તો સેવંતીલાલને ઓળખતા હતા એટલે કશું બોલ્યા નહીં. બધા કૂતરા એકબીજા સામે સ્મિત વેરીને બેસી રહ્યા, પરંતુ બીજી સોસાયટીના કૂતરાઓને આ જાનવર થોડું વિચિત્ર લાગ્યું.’

‘ભારે થઈ…’

‘એક સાથે આઠ-દસ કૂતરા સંપ કરીને સેવંતીલાલની પાછળ દોડ્યા. સેવંતીલાલની દોડવાની સ્પીડ ડબલ થઈ ગઈ. એ બીકના માર્યા કોઈનું ઘર ખુલ્લું હતું તો એમાં ઘૂસી ગયા. સવારના પાંચ વાગ્યામાં કોઈ અજાણ્યા માણસને ઘરમાં ઘૂસી ગયેલો જોઈ એ ઘરની સ્ત્રીએ ચોર.. ચોર…ની બૂમ પાડી તો પાડોશમાંથી આઠ-દસ માણસો દોડી આવ્યા અને સેવંતીલાલને ચારે દિશામાંથી ચૂંથી નાખ્યા.’

‘શું વાત કરે છે?’

‘હા.. સેવંતીલાલ ભાનમાં આવ્યા ત્યારે હૉસ્પિટલમાં હતા અને ભાનમાં આવ્યા બાદ પહેલું વાક્ય બોલ્યા કે મને કૂતરાઓએ ચૂંથી નાખ્યો હોત તો આટલી બધી ઈજા ન થાત.’ પત્નીએ વાત પુરી કરી.

‘મારું કાલે વહેલા ઊઠવાનું કેન્સલ.’ અમે નિર્ણય બદલી નાખ્યો.

‘ઊઠવાની ના નથી, પરંતુ અંધારામાં દોડવાની માયા મુકી દો.’

Related Posts
1 of 29

‘હું એમ કરું, ટ્રેડ મિલ લઈ આવું. ઘરમાં જ દોડીએ એટલે માણસ કે કૂતરાનોય ભય નહીં.’

‘ટ્રેડ મિલ સુમનભાઈએ લીધી હતી એ હજુ પસ્તાય છે.’

‘સેવંતી પછી હવે સુમન…?’

‘હા… અતુલભાઈના દીકરા સુમનભાઈ પોતાની ચરબી ઘટાડવા માટે ટ્રેડ મિલ લઈ આવ્યા.’

‘પછી?’

‘જે ચરબીને ચડવામાં પંદર વરસ લાગ્યા એ પંદર દિવસમાં ઉતારી નાખવાનું અભિમાન ઉપાડ્યું.’

‘પંદર દિવસમાં સુમનનો બાપ આવે તો પણ ચરબી ઊતરે નહીં.’

‘આ વાત સુમનને સમજાઈ નહીં. એ ટ્રેડ મિલ ઉપર કલાક સુધી દોડવા લાગ્યા. અંતે ટ્રેડ મિલ ઉપર જ એટેક આવ્યો.’

‘શું વાત કરે છે?’

‘સાવ સાચી વાત કરું છું. દોઢ લાખનો ખર્ચ થયો અને સુમનભાઈને દોઢ મહિનો પલંગમાં પડ્યા રહેવું પડ્યું. એમનો પલંગ રાખવા માટે જગ્યા કરવી જરૃરી હતી અંતે ટ્રેડ મિલ અડધી કિંમતે વેચીને પલંગ પાથર્યો.’

‘મારો ટ્રેડ મિલ લેવાનો વિચાર પણ કેન્સલ.’

‘એક કામ કરો. થોડા દિવસ જિમ જોઈન્ટ કરી લો. જિમમાં જઈને કસરત કરવાથી સારું લાગે તો પોતાનું સાધન વસાવવાનો વિચાર કરવો.’

‘જીવનની દરેક બાબતોમાં આ પ્રકારની સુવિધા હોય તો સમાજમાં ઘણા માણસો દુઃખી થતા બચી જાય.’ અમારા હૃદયમાંથી દિલની વાત નીકળી ગઈ.

‘આપકે જીવનમેં યહ સુવિધા ઉપલબ્ધ નહીં હૈ.’ પત્ની મારા કહેવાનો મર્મ સમજી ગઈ અને એણે સેલફોનની સ્ટાઈલમાં જ ના પાડી દીધી.

‘જિમની ફી, એક જોડી સ્પોટ્ર્સ શૂઝ, બે ચડ્ડી, ચાર જોડી મોજાં… આ બધંુ કરવું એના કરતાં ચાલવાનું રાખું તો કેવું સારું?’ અમે પૂછ્યું.

‘દરરોજ પાંચ કિલોમીટર ચાલવું પડે. એક જ દિશામાં ચાલવા જશો તો અઠવાડિયામાં પરિવારથી પાંત્રીસ કિલોમીટર દૂર નીકળી જશો. માટે દરરોજ ઘરેથી નીકળી ઘરે પાછા અવાય એવી રીતે ચાલવું પડે.’

‘અંબાલાલે હાઈવે ઉપર સફેદ રંગના પટ્ટા દોરવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો. પહેલા દિવસે પાંચ કિલોમીટરમાં પટ્ટા દોરી નાખ્યા. બીજા દિવસે ચાર, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે એક જ કિલોમીટરમાં પટ્ટા દોર્યા.’

‘કેમ?’

‘એને કલરનો ડબ્બો દૂર પડતો હતો.’

‘કલરનું ડબલું સાથે લઈને જવું જોઈએ, પરંતુ તમારા મિત્ર એટલે સામાન્ય બુદ્ધિ ન હોય એ સમજી શકાય એવું છે.’

‘સામાન્ય બુદ્ધિ માટે કોમન સેન્સ શબ્દ છે, પરંતુ કોમન સેન્સ દરેક વ્યક્તિમાં કોમન નથી, કારણ એ કહેવાય છે કોમન સેન્સ, પરંતુ રેર સેન્સ છે.’ મેં ફિલસૂફી રજૂ કરી.

‘હવે તમે કહો કે તમે ફાંદ ઓગાળવા માટે શું નક્કી કર્યું ?’ પત્નીએ ફરીથી અમારી વાતને મૂળ પાટા ઉપર ચડાવી.

‘ચાલવા જવાનો વિચાર મને બરાબર લાગે છે, કારણ દોડવામાં કૂતરા પાછળ દોડે અને ટ્રેડ મિલ પર દોડવામાં એટેક આવે એટલે એ આપણુ કામ નથી.’

‘ચાલવાનું તો તમે સાંજે પણ રાખી શકો.’

‘કેમ?’

‘જે ફાયદો મોર્નિંગ વૉકથી થાય એ જ ફાયદો ઇવનિંગ વૉકથી થાય છે. જો સાંજે ચાલવા જાવ તો હું પણ તમને કંપની આપીશ. અલકમલકની વાતો કરતાં કરતાં ચાલીશું તો ચાલવાની વધુ મઝા આવશે.’

‘તો પછી એમ જ કરીશું. આપણુ વહેલા ઊઠવાનું કેન્સલ.’

‘જીવનમાં વહેલા ઊઠવા કરતાં પણ વહેલા જાગી જવું વધુ જરૃરી છે. બીજું નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે આ વરસથી કાશ્મીરને ભારતમાં ભેળવી દીધું એટલે આ શિયાળામાં ઠંડી પણ જોરદાર પડે છે. શિયાળાની વહેલી સવારે હૂંફાળું ગોદડું ઓઢીને સૂઈ રહેશો તો તમારી તબિયત સારી રહેશે અને પરિવારના સભ્યોની તબિયત પણ સારી રહેશે. જીવનમાં જે મઝા સૂઈ રહેવામાં છે તે વહેલા ઊઠવામાં નથી.’

‘કરીસ્યે વચનમ્ તવઃ’ મેં ઘરવાળીની આજ્ઞાને શિરોમાન્ય કરી અને એ વિજયી સ્મિત સાથે અંતર્ધ્યાન થયાં.

————————————

Leave A Reply

Your email address will not be published.

Translate »