‘પેરામેડિકલ’ ડૉક્ટરની સાથે રહી દર્દીને મદદરૂપ બનતી કારકિર્દી
પેરામેડિકલ પ્રોફેશનલ્સની ઓળખ મેડિકલ મદદનીશ
- નવી ક્ષિતિજ – હેતલ રાવ
પેરામેડિકલ સ્ટાફની જરૃરિયાત દિન પ્રતિદિન વધી રહી છે. વિશ્વમાં અનેક નવી હૉસ્પિટલ શરૃ થવાના કારણે સ્ટાફની ડિમાન્ડમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ ટ્રેનિંગ મેળવેલા પ્રોફેશનલ્સની ઘણી અછત છે. દેખરેખ સાથે જોડાયેલા આ ક્ષેત્ર એવા યુવાનો માટે છે જેમનામાં માનવસેવાની ભાવના હોય.
વિશ્વમાં અનેક એવા દેશ છે, જ્યાં પેરામેડિકલ સ્ટાફની જરૃરિયાત છે, પરંતુ પ્રોફેશનલ્સ નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ પ્રમાણે ૮૩ દેશો એવા છે, જ્યાં પેરામેડિકલ કર્મચારીઓની સંખ્યા જરૃરિયાત કરતાં ઘણી જ ઓછી છે. આ દેશની સંખ્યામાં ભારતનો પણ સમાવેશ થાય છે. આપણા દેશની સ્વાસ્થ્ય સેવામાં ૬ લાખ કરતાં પણ વધુ પેરામેડિકલ સ્ટાફની આવશ્યકતા છે. જ્યારે બીજી બાજુ વિશેષજ્ઞોનું કહેવું છે કે, હાલના સમયમાં જે પેરામેડિકલ સ્ટાફ છે, તેમાંથી મોટા ભાગના પ્રોફેશનલ્સ પાસે યોગ્ય તાલીમ નથી. આ તથ્યો દ્વારા એટલું તો સમજી જ શકાય છે કે, તાલીમ પ્રાપ્ત પ્રોફેશનલ્સની જે ડિમાન્ડ છે અને હકીકતમાં જે પ્રોફેશનલ્સ છે તેમની વચ્ચે ઘણુ મોટું અંતર છે. જોકે તેનો અર્થ એ પણ નથી કે દેશમાં તાલીમ આપતી સંસ્થા નથી, પરંતુ જનસંખ્યા પ્રમાણે દર વર્ષે તાલીમ પ્રાપ્ત કરનારા પ્રોફેશનલ્સ ઘણા ઓછા છે. આ સેક્ટરમાં આગળ વધવાની વિપુલ તક છે.
પેરામેડિકલનું મહત્ત્વ
પેરામેડિકલ પ્રોફેશનલ્સની ઓળખ મેડિકલ મદદનીશ તરીકે થાય છે. જેમનું કાર્ય ઇમરજન્સીમાં દર્દીને પ્રાથમિક સારવાર આપવાથી લઈને કાળજી રાખવા સુધીનું છે. મૂળભૂત રીતે આ પ્રોફેશનલ્સ મેડિસિન, નર્સિંગ અને ફાર્મસીના પ્રશિક્ષિત પ્રોફેશનલ્સ કરતાં અલગ હોય છે, પરંતુ તેમને હેલ્થકૅર ટીમનો જ એક ભાગ ગણવામાં આવે છે. તેમનું કાર્યક્ષેત્ર ડાયગ્નોસ્ટિક, ટૅક્નિકલ, થેરાપી અને દર્દીની કાળજી રાખવા પર વધુ આધારિત હોય છે. કોઈ પણ દેશની સ્વાસ્થ્ય સેવામાં તેમનું યોગદાન મહત્ત્વનું હોય છે.
ટ્રેનિંગ
પેરામેડિકલ પ્રોફેશન અંતર્ગત ઘણી બધી શૈલીઓનો સમાવેશ થાય છે. જેમાંથી દરેક શૈલી પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે અને વિશિષ્ટ પ્રકારની તાલીમની જોગવાઈ પણ રહેલી છે. આવા પ્રકારના કોર્સ કરાવતી સંસ્થાઓની સંખ્યા ઘણી બધી છે. જેમાં ખાનગી અને સરકારી બંને સંસ્થાઓનો સમાવેશ થાય છે. કોર્સનો સમયગાળો બેથી લઈને ચાર વર્ષીય હોય છે. પ્રવેશ ધોરણ બારના મેરિટ આધારે અથવા તો એન્ટ્રેસ એક્ઝામ દ્વારા આપવામાં આવે છે. જેમાં ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, ઑપરેશન થિયેટર ટૅક્નોલોજી, ડાયલિસિસ ટૅક્નોલોજી, મેડિકલ લેબ ટૅક્નોલોજી, એક્સ-રૅ ટૅક્નોલોજી, રેડિયોગ્રાફી, મેડિકલ ઇમેજિંગ ટૅક્નોલોજી, મેડિકલ રેકોર્ડ ટૅક્નોલોજી, ઓપ્થેલ્મિક ટૅક્નોલોજી, ઓડિયોલોજી એન્ડ સ્પીચ થેરાપી, ઓપ્ટોમિટ્રી, એનિસ્થિયા ટૅક્નોલોજી જેવા કોર્સનો વિશેષ રીતે ઉલ્લેખ કરી શકાય. આ કોર્સમાં મોટા ભાગના કોર્સ એવા છે જેમાં બીએસસી પછી જ પ્રવેશ મળી શકે છે. ઘણી સંસ્થાઓ આ કોર્સ સર્ટિફિકેટ અને ડિપ્લોમા લેવલ પર ચલાવે છે. જેનો સમયગાળો બેચલર લેવલના કોર્સ કરતાં ઓછો હોય છે. સર્ટિફિકેટ કોર્સનો સમય છ મહિનાથી લઈને એક વર્ષ સુધીનો હોય છે. જે ધોરણ દસ પાસ પછી કરી શકાય છે. આ તમામ કોર્સમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગની પણ જોગવાઈ હોય છે.
વિભિન્ન પેરામેડિકલ શૈલી અને મહત્ત્વ
ફિઝિયોથેરાપી ઃ શારીરિક ખોડખાપંણ, ઈજા અથવા કોઈ પણ રોગના કારણે માંસપેશીઓ અને હાડકાંને થયેલા નુકસાનની સારવારમાં આ પ્રોફેશનલ્સ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.
ઓક્યુપેશનલ થેરાપી ઃ અકસ્માતના કારણે કોઈ પણ પ્રકારની લાચારીમાં જીવન વ્યતીત કરતા લોકોને આત્મનિર્ભર બનાવી, આજીવિકા સંપાદન કરવામાં પણ સક્ષમ બનાવે છે.
ઑપરેશન થિયેટર ટૅક્નોલોજી ઃ સામાન્ય રીતે દરેક વ્યક્તિ એ ભ્રમમાં હોય છે કે સર્જરી દરમિયાન માત્ર ડૉક્ટર જ કાર્ય કરે છે, પરંતુ ઑપરેશન થિયેટર આસિસ્ટન્ટ વગર ઑપરેશન કરવંુ શક્ય જ નથી.
ડાયાલિસિસ ટૅક્નોલોજી ઃ ખરાબ કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસ લાઇફલાઇન હોય છે, જે નિયમિત રીતે લોહીનું શુદ્ધીકરણ કરે છે. આ ટૅક્નોલોજીમાં તાલીમબદ્ધ પેરામેડિકલ પ્રોફેશનલ્સ જ કામ કરે છે.
મેડિકલ લેબ ટૅક્નોલોજી ઃ મેડિકલ સાયન્સની વર્તમાન સ્થિતિ એવી છે કે કોઈ પણ દર્દીનો બ્લડ ટેસ્ટ, સ્ટૂલ ટેસ્ટ અને એવા ઘણા બધા ટેસ્ટ કરાવ્યા પછી જ ડૉક્ટરી સારવાર શરૃ કરવામાં આવે છે. આ તમામ ટેસ્ટ મેડિકલ લેબ ટૅક્નોલોજીમાં પારંગત લોકો દ્વારા કરાય છે.
એક્સ-રૅ ટૅક્નોલોજી ઃ હાડકાંના ફ્રેક્ચર અથવા શરીરની અંદર થયેલી ઈજાની સારવાર માટે સૌ પ્રથમ એક્સ-રૅ કરવામાં આવે છે. જેના દ્વારા ફ્રેક્ચરની જગ્યા અને તેની ગંભીરતાની જાણ થાય છે.
મેડિકલ ઇમેજિંગ ટૅક્નોલોજી ઃ અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેન, એમઆરઆઇ જેવી ઇમેજિંગ ટૅક્નિકનો પ્રયોગ આજના સમયમાં ઉપચાર માટે જાણીતો છે.
મેડિકલ રેકોર્ડ ટૅક્નોલોજી ઃ વિશ્વ સ્તર પર મેડિકલ રેગ્યુલેશન માટે કાયદા બન્યા પછી ડૉક્ટરો માટે દર્દીની સારવારનો રેકોર્ડ રાખવો અનિવાર્ય બની ગયો છે. ડૉક્ટર પોતાના કામમાં વ્યસ્ત હોવાના કારણે આ કાર્ય તાલીમ પ્રાપ્ત પ્રોફેશનલ્સ પાસે કરાવે છે.
ઓપ્થેલ્મિક, ઓપ્ટોમેટ્રી ટૅક્નોલોજી ઃ આ પ્રોફેશનલ્સનું કામ આંખની સારવાર સાથે જોડાયેલંુ છે. પ્રોફેશનલ્સને આઇ ટ્રીટમેન્ટ ક્લિનિક્સ અથવા હૉસ્પિટલમાં સારી જોબ મળી રહે છે.
ઓડિયોલોજી એન્ડ સ્પીચ થેરાપી ઃ જે લોકો બોલી અથવા સાંભળી નથી શકતા તેવી વ્યક્તિઓ માટે આ પ્રોફેશનલ્સ કામ કરે છે. આ વિદ્યામાં તે નિપુણ હોય છે.
પડકાર ઃ
* ડૉક્ટરની સરખામણીમાં આ પ્રોફેશનલ્સને ઓછું મહત્ત્વ મળે છે. માટે સૅલરી લેવલ પણ ઓછું હોય છે.
* ખાનગી હૉસ્પિટલ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં નોકરીની તક વધુ મળી રહે છે. જેના કારણે જોબ સિક્યૉરિટીની સમસ્યા સામે સતત લડતા રહેવું પડે છે.
* ટ્રેનિંગ માટે મસમોટી ફી આપવાની સાથે જાતે જ પ્રયત્ન કરવો પડે છે.
* આ ફીલ્ડમાં ઘણી મહેનત કરવી પડે છે. શિફ્ટનો સમય લાંબો હોવા છતાં પણ નાની સંસ્થાઓ વધારાની ચુકવણી નથી કરતી.
નોકરી
પેરામેડિકલની જુદા જુદા પ્રકારની શૈલીનો જે પ્રમાણે ઉપયોગ થઈ રહ્યો છે તે જોતા સ્પષ્ટ થાય છે કે, તાલીમ પ્રાપ્ત કરેલા પ્રોફેશનલ્સને હોસ્પિટલ સંબંધિત વિભાગોમાં નોકરી મળી રહે છે. આ ફીલ્ડમાં આગળ વધવાની અનેક તક રહેલી છે.
પેરામેડિકલ ફીલ્ડમાં અભ્યાસની સાથે અનેક સ્કિલ્સ પણ ઉપયોગી બની રહે છે. દર્દીઓ અને અકસ્માતનો ભોગ બનેલા લોકો પ્રત્યે સહાનુભૂતિની ભાવના રાખવી જરૃરી છે. પોતાના પ્રોફેશન પ્રત્યે ઇમાનદારી અને સંવેદનશીલતા, વિપરીત પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા, રક્ષણાત્મક અને ચુસ્ત વ્યક્તિત્વ કામ કરવામાં મદદરૃપ બની રહે છે. ઇમરજન્સીમાં સારવાર કરવાની યોગ્ય પદ્ધતિથી અને સારી કોમ્યુનિકેશન સ્કિલ ઉપયોગી છે.
———-.
મુખ્ય સંસ્થાઓ
* ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હી
* સીએમસી, વેલ્લોર
* એએફએમસી, પૂણે
* મોલાના આઝાદ મેડિકલ કૉલેજ, દિલ્હી
* લેડી હાર્ડિંગ મેડિકલ કૉલેજ, દિલ્હી
* કિંગ જોર્જ મેડિકલ યુનિવર્સિટી, લખનઉ
* ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, વારાસણી
* અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, અલીગઢ
———————————