તમારા માટે, તમારી સાથે, સતત…

ઇવા જરા પણ મારા કાબૂમાં નથી..

ત્રાસવાદી સંગઠન અમદાવાદ શહેરમાં બોમ્બ વિસ્ફોટ કરવા માંગતું હતું

0 304
  • ‘એક અધૂરી વાર્તા’ – નવલકથા – પ્રકરણ-૧૧
  • નીલમ દોશી   હરીશ થાનકી

‘આ ગઈ સકીના..? લડકી કો લે આઈ?’ એક ઘેઘૂર અવાજ ઇવાના કાને પડ્યો. એ ઇનાયત હતો. ત્રાસવાદી સંગઠનનો ભારત ખાતેનો સૌથી ટોચનો ત્રાસવાદી વડો.

‘હા..’ સકીનાએ ટૂંકમાં જવાબ વાળ્યો.

‘ઇસ લડકી કો ઉનકા કામ ઠીક સે બતા દો. ઔર સૂનો, દો દિનકે બાદ યે કામકો અંજામ દેના હૈ. તબ તક યે લડકી યહાંસે કહી નહીં જાયેગી. ચૌબીસ ઘંટે વહ હમારે કબ્જેમેં રહેગી. કિસી સે બાત નહીં કર પાયેગી. સકીના, સબ સે પહલા કામ ઉસકા ફોન લે લો..’

બીજી જ મિનિટે ઇવાનો ફોન જપ્ત થઈ ચૂક્યો હતો.

‘ઔર આગે સૂનો.. અગર વો કામ સૂનને કે બાદ ના-નુક્તેની કરે તો ગોલીસે ઉડા કે લાશકો પિછવાડે કે જગહ દફના દેના..’

ઇનાયતની વાત સાંભળી ઇવાના આખા શરીરમાંથી ધ્રુજારી દોડી ગઈ. આંખ પર પટ્ટી બાંધેલી હોવાથી તે ઇનાયતને જોઈ નહોતી શકતી, પરંતુ તેની વાત પરથી પોતે કેટલા ખતરનાક કામમાં સંડોવાઈ ગઈ છે તેનો અંદાજ તેને આવી ગયો.

એવામાં ઇનાયતના સકીનાને ઉદ્દેશીને બોલાયેલા ધીમા શબ્દો તેના કાને પડ્યા.

‘આ તો સલીમ ખાનનો હુકમ છે એટલે આ કામ માટે અજાણી છોકરીને સામેલ કરવી પડી બાકી હું તો આ પ્લાનની તદ્દન વિરુદ્ધ જ હતો. આપણી પાસે આટલા બધા યુવાનો યુવતીઓ છે તો પછી શા માટે આ કાફર છોકરીને..’

‘સલીમ ખાન કૈક સમજીને આવું કરતાં હશે ને..? તે આપણા સિનિયર છે ઇનાયત..આપણે તો તે કહે તેમ કરવાનું..’

ઇનાયતે એક નિઃસાસો નાંખ્યો. સકીના ઇવાનો હાથ પકડી પોતાના રૃમમાં દોરી ગઈ. રૃમમાં પહોંચી તેણે ઇવાની આંખની પટ્ટી ખોલી હાથ ખોલ્યા.

‘સામે બાથરૃમ છે. ફ્રેશ થઈ જા..’ તેના અવાજમાં આદેશ હતો.

બપોરે જમી લીધા બાદ તેણે ઇવાને પોતાનો પ્લાન બતાવ્યો.

આગામી ૧૪ ઑગસ્ટને શનિવારે સલીમ ખાન નામના એક ત્રાસવાદીનું સંગઠન અમદાવાદ શહેરમાં અલગ-અલગ ચાર જગ્યાએ બોમ્બ વિસ્ફોટ કરવા માંગતું હતું. એ સંગઠન ઇચ્છતું હતું કે આ કામ જેનો કોઈ જ ક્રિમિનલ રેકોર્ડ ન હોય તેવી યુવતીના હાથે થાય. જેથી વિસ્ફોટ બાદ તેના પર કોઈને શંકા ન જાય. ઇવાએ ગર્ભવતી સ્ત્રીનો વેશ ધારણ કરી તે ચારેય જગ્યાએ જવાનું હતું. દરેક જગ્યાએ પહોંચી સાવધાનીપૂર્વક પેટ પર બાંધેલી કોથળીમાંથી એક એક બોમ્બ કાઢી નિર્ધારિત જગ્યાએ મૂકી ત્યાંથી સીધા જ નીકળી જવાનું હતું. બધી જ જગ્યાએ તેણે ચહેરા પર દુપટ્ટો લગાવી જવાનું હતું. એક સ્થળેથી બીજા સ્થળે જવા રિક્ષાનો ઉપયોગ કરવાનો હતો. આ કામ તે બરાબર રીતે પાર પાડી રહી છે તેનું નિરીક્ષણ કરવા સલીમ ખાનના માણસો ગુપ્ત વેશે તેનો પીછો કરતા રહેવાના હતા. કામ કરતી વખતે તે કોઈ પણ જાતની ચાલાકી કરવા જશે કે ભૂલ કરશે તો સલીમ ખાનના માણસો ઇવાને એ જ પળે ગોળીથી ઉડાવી દેવાના હતા અને જો આ કામ સફળતાપૂર્વક તે કરશે તો તેને એક બ્લેન્ક ચેક આપવામાં આવશે. જેમાં તે ઇચ્છે તે રકમ ભરી શકશે અને જ્યાં જવું હશે ત્યાં જઈ શકશે. આ કામ પછી તે ઇચ્છે તો તેને વિદેશ મોકલી દેવામાં આવશે, જ્યાં તે બાકીની જિંદગી સલામત રીતે ગાળી શકશે. એવી ખાત્રી ઇવાને આપવામાં આવી.

ત્યાર પછી ઇવાને એક વીડિયો બતાવવામાં આવ્યો જેમાં તેને એ બધાં સ્થળો દેખાડવામાં આવ્યાં જ્યાં તેણે બોમ્બ મૂકવાના હતા.

વાત સાંભળતા જ ઇવાના હોશ ઊડી ગયા..આ…આ તેની કલ્પના બહાર હતું.

પણ હવે તેની પાસે હવે બીજો કોઈ વિકલ્પ બચ્યો જ ક્યાં હતો? તેમની દરેક વાતમાં સંમત થવા સિવાય.

બરાબર એ જ વખતે…

ચેન્નાઈમાં ભારતના સોફ્ટવેર ડેવલોપમેન્ટના માંધાતા ડૉ. રંગનાથનની લેબોરેટરીમાં ડૉ. કુલદીપ બેઠા હતા. ડૉ. રંગનાથન કુલદીપના ખાસ મિત્ર હતા. ડૉ. રંગનાથન જ એક એવા વૈજ્ઞાનિક હતા જેમને કુલદીપના તરંગોમાં, તેના સમણામાં, કુલદીપની દરેક વાત પર એક જાતનો  વિશ્વાસ હતો. તેઓ માનતા કે વિજ્ઞાન માટે કોઈ કામ અસંભવ નથી. આજે જે અશક્ય લાગે છે તે આવતીકાલે સંભવ બની જશે. બસ, સવાલ ફક્ત તે કઈ રીતે શક્ય બની શકે તે નિયમ જાણવા માટે લાગતા સમયનો જ હોય છે.

ઇવાને લઈને ચિંતિત એવા કુલદીપને જ્યારે કોઈ જ રસ્તો ન સૂઝ્યો ત્યારે એમણે  ડૉ. રંગનાથનની મદદ લેવાનું નક્કી કર્યું જેના ફળસ્વરૃપે આજે તે અહીં હતા. પ્રો. કુલદીપે એમની આગળ ઇવાના સર્જનથી માંડીને અત્યાર સુધીની તમામ વાત કરી.

ડૉ. રંગનાથન ઇવાના સર્જનની વાત સાંભળીને થોડી ક્ષણો તો દિગ્મૂઢ બની રહ્યા.

ડૉ. કુલદીપે પોતાની વ્યથા સમજાવી અને અને છેલ્લે ઉમેર્યું,

‘પ્લીઝ સર, હવે તમે જ કોઈ રસ્તો કાઢો અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઇવા જરા પણ મારા કાબૂમાં નથી..તે શું કામ કરે છે, કોના માટે કરે છે કે કેવી રીતે કરે છે, મને કોઈ જ જાણ નથી. એટલિસ્ટ હું તેની થોટ પ્રોસેસમાં થોડો ચેન્જ કરી શકું તેવું કોઈ સોફ્ટવેર ડેવલપ થઈ શકે તો પણ ઘણુ.  તેનામાં ફક્ત પોઝિટિવ લાગણીઓ રહે એ બહુ જરૃરી છે. નહીંતર એ સમાજ માટે, દેશ માટે પણ ખતરનાક બની શકે એવો ભય મને સતાવી રહ્યો છે.

‘હમમ..’ ડૉ. કુલદીપની આખી વાત સાંભળી ડૉ. રંગનાથન પણ ગંભીર વિચારમાં ડૂબી ગયા.

‘અત્યારે તે શું વિચારી રહી છે તે જાણવાનું તમે કોઈ સોફ્ટવેર તેનામાં ઇન્સ્ટોલ કર્યું છે? શું તમે તમારા લેપટોપ પર બેસી તે જાણી શકો તેમ છો..?’

‘ના..કમનસીબે મને એ વખતે તેની જરૃર નહોતી લાગી કે સાચું કહું તો એવો કોઈ વિચાર પણ નહોતો આવ્યો. આવું પણ બની શકે એવી કલ્પના સુધ્ધાં આવી હોત તો આવો કોઈ અખતરો કરવાનો ખતરો મેં લીધો જ ન હોત. એ સમયે તો બસ મારામાં એક આંધળું ઝનૂન હતું. કદાચ મારામાં કોઈ સૂક્ષ્મ અભિમાન પ્રવેશી ગયું હતું કે હું ધારું તે કરી શકું છું. એવું કરવા જતા એના દૂરગામી પરિણામો કેવા આવી શકે એ વિશે વિચાર્યું જ નહીં. એ બધું ડહાપણ તો અત્યારે સૂઝે છે કે આમ કર્યું હોત તો..પણ..હવે શું..?’

વાત કરતાં કરતાં ડૉ. કુલદીપ ગળગળા થઈ ગયા.

‘ઇટ્સ ઓકે..કુલદીપ..જીવનમાં ભૂલ તો કોનાથી નથી થતી? પણ અત્યારે એ બધું વિચારવાનો સમય નથી.’

Related Posts
1 of 34

‘એ અત્યારે શું કરી રહી છે, એના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવું સૌથી અગત્યનું છે. જેથી પરિસ્થિતિ કઈ હદે ગંભીર છે એનો ખ્યાલ આવી શકે. એ પછી જ આપણે કોઈ નિર્ણય લઈ શકીએ. તો સૌથી પહેલાં મારે એ માટેનું સોફટવેર બનાવવું પડશે. એ પછી જ ખ્યાલ આવે તમે જે ઇચ્છો છો તે શક્ય બનશે કે નહીં.’

હવે જરા પણ સમય ગુમાવ્યા સિવાય ડૉ. રંગનાથને પોતાનું કામ શરૃ કર્યું. વચ્ચે વચ્ચે તે જરૃરી માહિતી ડૉ. કુલદીપ પાસેથી મેળવતા રહ્યા..

કલાકોની એકધારી મહેનત પછી પ્રો. રંગનાથન પોતાના કામમાં સફળ થયા. એ સોફ્ટવેર લઈ ડૉ. કુલદીપે લેપટોપમાં ઇવાના મગજની ચિપ સાથે કનેક્ટ કર્યું.

ધીમે ધીમે કુલદીપના લેપટોપ પર ઇવાના વિચારોનો સમૂહ દેખાવા લાગ્યો..અને..

એ ચમકી ગયા.. ઓહ માય ગોડ…ઇવા અત્યારે ક્યાં હતી..અને તે આ શું કરવા જઈ રહી હતી..?

આટલું ઘૃણાસ્પદ કૃત્ય ઇવા કરી શકે ખરી..?

નો..નો..પોતાનું સર્જન આટલું નપાવટ!

એકીસાથે હજારો નિર્દોષ નાગરિકોને

મૃત્યુના ખપ્પરમાં હોમવા એ જઈ રહી હતી.!

કુલદીપના દિલમાં કંપારી છૂટી ગઈ..

ના…હવે ઇવાને પૃથ્વી પર જીવવાનો કોઈ જ અધિકાર નહોતો. જરા પણ નહીં. તેણે વિદાય લેવી જ રહી. ક્રોધ અને હતાશાથી કુલદીપની આંખમાં આંસુ આવી ગયાં. નો વે…હવે ઇવાની ટોટલ સિસ્ટમને ડિફ્યુઝ કરવી જ રહી.. ઇવાનું અસ્તિત્વ કાયમ માટે ભુંસાઈ જાય તે માનવજાતના કલ્યાણ માટે જરૃરી છે.. ભલે પોતાની દસ વરસની મહેનત બેકાર થઈ જાય..પોતાનું સમણુ આજે કેવું વિકરાળ, ભયાનક સ્વરૃપ ધારણ કરી ચૂક્યું હતું એ ખ્યાલ કુલદીપને પગથી માથા સુધી થરથરાવી રહ્યો. ઇવા હવે આ સમાજ માટે ભારરૃપ હતી. આજે એક ઇવા હતી. આવતી કાલે આવી અનેક ઇવાઓ ઊભી થાય તો?

ડૉ. કુલદીપના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું.

ના, હવે મોડું નહીં કરાય, બધું જાણ્યા પછી હવે સમય ગુમાવવો પાલવે તેમ નથી. આજનો એક જ દિવસ તેના હાથમાં છે. આવતી કાલે શુક્રવાર ૧૪, ઑગસ્ટ.. ઓહ..નો.. કુલદીપની નજર સામે લોહીથી લથબથ અનેક લાશો તરવરી રહી. આ ઘટનાની ભયાનકતા પોતાને લીધે? પોતાના સર્જનને લીધે? એને માટે પોતે જવાબદાર?  પોતે કુદરત ઉપર પોતાની સર્વોપરિતા સાબિત કરવા મથતા હતા? માનવી ગમે તેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરે, વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે, પણ કુદરત તેનાથી એક ડગલું હંમેશાં આગળ જ રહેવાની. પોતે શું ઈશ્વરની બરોબરી કરવા માગતા હતા? શું સાબિત કરવા માગતા હતા તે આ પ્રયોગ દ્વારા? ડૉ. કુલદીપના મનમાં અત્યાર સુધી કદી ન ઊઠેલા અનેક પ્રશ્નો આ પળે ઝંઝાવાત બની ઘૂમરાઈ રહ્યા.

ડૉ. કુલદીપની આંખો બંધ થઈ. નજર સામે ગાઢ અંધકાર છવાયો અને એમાં પ્રકાશની એક અદ્રશ્ય રેખા ઊભરી આવી. બીજી જ ક્ષણે નિર્ણય લેવાઈ ગયો.

હવે ઇવાની જિંદગી સમાપ્ત થવી જ જોઈએ.

એમણે ટોટલ સિસ્ટમ ડિફ્યુઝ બટન પર હાથ મૂક્યો. ડૉ. રંગનાથને તેનો હાથ ખસેડી લીધો.

‘કુલદીપ, હજુ એકવાર વિચાર કરી લો? આટલાં વર્ષોની તમારી તપસ્યા આમ એળે જવા દેશો..?’

‘હા…હા..નથી જોઈતું મારે આવું મારું સર્જન. પ્લીઝ સર, આપણી પાસે અત્યારે સમય નથી. અત્યારે મને ન રોકો.’

રંગનાથન કુલદીપની કીકીમાં તરવરતી દ્રઢતા જોઈ રહ્યા. તે ફક્ત કુલદીપને ચકાસવા માગતા હતા. કુલદીપનો જવાબ સાંભળી તેમને સંતોષ થયો. બીજી જ પળે મૌન સંમતિમાં તેમનું માથું હલ્યું.

કુલદીપે આંખો મીંચી.

ઇવાના સર્જન સમયે જે રીતે જોશથી સર્જનનું છેલ્લું બટન દબાયું હતું આજે એવા જ જોશ કે કદાચ એથી યે વધારે ઝનૂનથી ડૉ.કુલદીપના હાથથી ટોટલ સિસ્ટમ ડિફ્યુઝનું બટન દબાયું અને….ઇનાયતના અડ્ડામાં રહેલી ઇવાનું અસ્તિત્વ ધીમે ધીમે વિસર્જન પામી રહ્યું. પંદર મિનિટમાં તો આખી સિસ્ટમ ડિફયુઝ થઈ ગઈ. ઇવા ઢળી પડી.

એક અખતરાનો ખતરો સમયસર ટળી ગયો.

સર્જન, વિસર્જનની લીલા સમાપ્ત થઈ રહી. યંત્રમાનવ સુધી ઠીક છે, પણ કુદરત સાથે બહુ ચેડાં કરવા જેવું નથી એ સત્ય ડૉ.કુલદીપ આજે સ્વાનુભવે સમજી ચૂક્યા હતા.

થોડી વાર કુલદીપની આંખો અનરાધાર વરસી રહી, પણ ડૉ. રંગનાથન પૂછી રહ્યા.

‘કુલદીપ, આર યુ ઓકે? આર યુ, ઓકે..?’

‘કુલદીપ, આર યુ ઓકે..?’

બે હાથ વચ્ચે માથું પકડીને બેઠેલા કુલદીપના કાન પર ડૉ. રંગનાથનનો અવાજ પડ્યો ત્યારે તીવ્ર હતાશા અને વિષાદથી ઘેરાયેલા કુલદીપને થોડીવાર સુધી તો તે વાક્યનો અર્થ નહોતો સમજાયો. સ્વાભાવિક રીતે જ પારાવાર પીડાથી તેનું મન અસ્વસ્થ બન્યું હતું.

(ક્રમશઃ)
—————————

Leave A Reply

Your email address will not be published.

Translate »