તમારા માટે, તમારી સાથે, સતત…

ફૈઝ અહમદ ફૈઝની નઝમ ‘હમ દેખેંગે’નો નિરર્થક વિવાદ

આ નઝમ ફૈઝ અહમદે વર્ષ ૧૯૭૯માં સૈન્ય તાનાશાહ જિયા-ઉલ-હક અને પાકિસ્તાનમાં સૈન્ય શાસનના વિરોધમાં લખી હતી.

0 179
  • વિવાદ – પ્રજ્ઞેશ શુક્લ

નાગરિકતા સંશોધન કાયદો (સીએએ)નો ઉગ્ર વિરોધ કરનારા જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામે પોલીસની દમનકારી કાર્યવાહીના વિરોધમાં આઈઆઈટી કાનપુરમાં ૧૭ ડિસેમ્બરે એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દેખાવો દરમિયાન પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ પાકિસ્તાનના પ્રખ્યાત શાયર ફૈઝ અહમદ ફૈઝની નઝમ હમ દેખેંગે, લાજિમ હૈં હમ ભી દેખેંગે… ગાઈ અને બસ, અહીંથી એક મોટા વિવાદની શરૃઆત થઈ, જે હજુ પણ સળગી રહ્યો છે.

આઈઆઈટી કાનપુરના કેટલાક પ્રોફેસરોએ ફરિયાદ કરી કે, ફૈઝ અહમદની આ રચના હિન્દુ અને રાષ્ટ્રવિરોધી છે. આ મામલાએ ઓચિંતો વેગ પકડી લીધો અને ધીમે ધીમે તેમાં રાજનેતાઓથી લઈને જાણીતી ફિલ્મી હસ્તીઓ પણ કૂદી પડી.

આમ જોઈએ તો કોઈ પણ કવિતા, ગીત કે નઝમ ભાવથી ભરેલા જ હોય છે. દરેક સર્જનનો કોઈ વિશેષ સંદર્ભ અને કાળ હોય જ છે. આ નઝમ ફૈઝ અહમદે વર્ષ ૧૯૭૯માં સૈન્ય તાનાશાહ જિયા-ઉલ-હક અને પાકિસ્તાનમાં સૈન્ય શાસનના વિરોધમાં લખી હતી. ફૈઝ તેમના બળવાખોર અને ક્રાંતિકારી વિચારો માટે જાણીતા હતા અને આ કારણે જ તેમણે વર્ષો સુધી જેલમાં પણ રહેવું પડ્યું હતું. લિયાકત અલી ખાનથી લઈને જિયા-ઉલ-હકના શાસનમાં તેમને અનેક વખત જેલમાં ધકેલવામાં આવ્યા હતા. ‘હમ ભી દેખેંગે..’ ફૈઝે જિયા-ઉલ-હક દ્વારા જુલ્ફીકાર અલી ભુટ્ટોનો તખ્તપલટ કર્યો તે ઘટનાના સંદર્ભમાં લખી હતી.

Related Posts
1 of 37

ફૈઝ ડાબેરી વિચારધારાના સમર્થક હતા. પાકિસ્તાનની ઇસ્લામી હકૂમત સાથે તેમને હંમેશાં ૩૬નો આંકડો રહ્યો હતો. સૌથી મોટું આશ્ચર્ય એ વાતનું છે કે, કમ્યુનિસ્ટ વિચારધારા સાથે જોડાયેલા હોવા છતાં પણ ફૈઝે ઇસ્લામી આસ્થાવાળા ‘અંતિમ દિવસ’ એટલે કે કયામતના દિવસને આ નઝમનો વિષય બનાવ્યો છે. આ નઝમમાં તેમણે લખ્યું છે કે, સબ બુત ઉઠાએ જાએંગે, સબ તાજ ઉછાલે જાએંગે, બસ નામ રહેગા અલ્લાહ કા…

રાષ્ટ્રવાદીઓ દ્રઢપણે માને છે કે, ફૈઝ અહમદની આ નઝમ હકીકતમાં હિન્દુ અને રાષ્ટ્રવિરોધી જ છે. પાકિસ્તાનના સૈન્ય તાનાશાહના વિરોધમાં લખવામાં આવેલી નઝમનો ભારતમાં ચાલી રહેલા કોઈ આંદોલન સાથે આખરે શું સંબંધ હોઈ શકે? આપણા દેશમાં તો કોઈ સૈન્ય તાનાશાહી નથી. તો પછી લડવાનું આખરે કોની સામે છે?

સેક્યુલરો અને ડાબેરીઓ ફૈઝની નઝમના પોતાને અનુકૂળ હોય એવા મતલબ કાઢી રહ્યા છે અને સમજાવી રહ્યા છે, પણ એક વાત બધાએ યાદ રાખવી જોઈએ કે શબ્દ ક્યારેય સારા કે ખરાબ હોતા નથી, પણ અસલી વાત એ શબ્દની પાછળનો ઇરાદો હોય છે. ફૈઝની આ રચના સીએએ વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શનોમાં ગાવા પાછળ આખરે ક્યો ઇરાદો હતો એ લોકોનો?

‘હમ દેખેંગે’ ભલે હિન્દુ વિરોધી કે રાષ્ટ્રવિરોધી ન હોય, પણ ઇરાદાપૂર્વક તેને નાગરિકતા કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં ઘૂસાડીને કેટલાક લોકો રાષ્ટ્રવાદીઓની સંવેદનશીલતા અને રાષ્ટ્રપ્રેમ પર જનોઈવઢ ઘા કરવા ઇચ્છે છે તેવું આજે ઘણા લોકો માની રહ્યા છે અને આ બાબતની ચર્ચાઓથી સોશિયલ મીડિયા પણ ઊભરાઈ રહ્યું છે. માત્ર આ જ નહીં તો આવી બીજી અનેક કાવ્ય પંક્તિઓનો ઉપયોગ આંદોલનો વખતે આંદોલનકારીઓમાં જુસ્સો ઉત્પન્ન કરવા માટે થતો રહ્યો છે, પરંતુ સંદર્ભ વિના તેના ઉપયોગથી કવિ અને કવિતા બંનેનું અવમૂલ્યન થતું હોય છે.

આપણે જવાબદાર નાગરિક તરીકે આ પ્રકારના વિવાદોથી દૂર રહીને કોઈની પણ લાગણી સાથે રમત કરવી જોઈએ નહીં.
————————

Leave A Reply

Your email address will not be published.

Translate »