તમારા માટે, તમારી સાથે, સતત…

શરાબ, શાયરી ‘ને શાશ્વત – ૨

શેખ સાદીના જન્મસ્થળનું નામ શિરાઝ છે

0 622
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

સત્તા, પૈસો ને વિજય બન્યો છે
બહુમત હુંનો સઘન નશો
ભલે સૂફના વિચાર
,
લાગણી
ને અનુભવનો ખરો છે રસો

શરાબ ચીજ હી એસી જેવી શાયરીથી શરૃ કરીને આપણે અસલ સૂફી કવિઓની શાશ્વત વડે ગળાયેલી શાયરીઓના ઘૂંટડા ગયા અંકે ગ્રહણ કર્યા. એમની તત્ત્વ પરની એકનિષ્ઠતા પરથી ભાગવત પુરાણ ફેમ જડભરત સ્મરણમાં આવે છે. જડ માટે એ કવિઓ રિન્દ શબ્દકામમાં લેતાં. રિન્દ માને લંપટ યા નઠોર એટલે પાક્કો સૂફી. એવો સૂફી જે સાચ્ચે આઝાદ છે. આશ્ચર્યની વાત છે કે સૂફીઝમને આમ ઇન્સાન વચ્ચે પ્રગટ કરનાર પાયાના કલાકાર ધર્માંધતા માટે કુખ્યાત એવા ઈરાનના હતા. યુરોપિયન ભાષામાં સૌ પ્રથમ અનુવાદ પામેલામાંના એક ગુલિસ્તાં-બોસ્તાં ફેમ ‘ને ૨૦૦૯માં ઓબામાએ ઈરાનીઓને મૈત્રીની ચેષ્ટા રૃપે મોકલેલ વીડિયો-મેસેજમાં જેમને ક્વોટ કરેલા એ શેખ સાદીને નમસ્કાર.

જોગાનુજોગ શેખ સાદીના જન્મસ્થળનું નામ શિરાઝ છે, જે એક ખાસ પ્રકારના વાઇનનો પ્રકાર પણ છે. કુરાન ‘ને ઇસ્લામના ઓઠાં હેઠળ જ્યારે તેના કહેવાતા રખેવાળો લોકો ચ મુસલમાનોને નુકસાન પહોંચાડી રહ્યા હતા ત્યારે આ ઈરાની વા શિરાઝી એમની સામે પડતા લગીર ડર્યો ના હતો. એમની વાતો, દ્રષ્ટાંતો કે ઉક્તિઓ ઈરાન કે ઇન્ડિયા બધે હાલની તારીખમાંય ચલણમાં છે. બોસ્તાંમાં સાદી મહારાજ જાણે કે એમનો ખુદનો અનુભવ નજાકતથી કહે છે. સમાધિનો પવિત્ર જામ એ શું પીવાના જે હજુયે આ ‘ને આવતા જન્મની વાતોમાં જ અટકેલા છે. સાદી સર એક જન્મના શરીર નહીં, ગયા વત્તા આવતાં જન્મના શરીરની પણ પેલે પારના અક્ષર તરફ ચિયર્સ કરે છે. એટલે જ એમના શબ્દોમાં ધાર છે. જેનો ક્ષર નથી એવા અલ-અક્ષરનો અર્થ કાઢતી ધાર.

જે ગઝની પ્રદેશે સોમનાથનો લસ્ટફુલ લૂંટારો આપેલો એ જ ગઝનીના એક સુજીવની વાત વિના ના ચાલે. તસ્સવ્વુફના વ્યાખ્યાતા, સૂફ ઉપર સૌથી બૃહદ મહાકાવ્ય લખનારા તથા ચપટીમાં પોતાના જીવનની કાયા પલટ કરનારા શ્રીમાન હકીમ સનાઇ. સૂફીઝમના પાઠ્યપુસ્તક ધ વૉલ્ડ ગાર્ડન ઓફ ટ્રૂથ યાને હકીકત-અલ-હકાઇકના રચયિતૃ. એમની વાણી અતિ સામાન્ય લાગે છતાં આરપાર નીકળે તેવી તાકાતવર તેમ જ ભેદી હતી. તેની ખોજમાં સ્વયંને ઓગાળી નાખો, તમારું જીવન ‘ને ભીતર વિશુદ્ધ પ્રામાણિકતાની હોડમાં મૂકો. શૂન્યતાથી અસ્તિત્વ પરના માર્ગ પરથી પસાર થવા મથો, ઉપરવાળાનો શરાબ પીને મસ્ત થઈ જાવ.

જ્યારે ફરિદુદ્દીન અત્તારને પામવા એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પ્રેમ કર્મમાં આપણુ કોઈ સાથીદાર નથી ‘ને નમાજ પઢવા કામમાં લેવાતી સાદડી પાક માણસો માટે છે, આસવનો તળિયાનો માલ ‘ને ખરાબીઓ આપણા માટે છે. એ જગ્યા જ્યાં લોકોનું ભીતર રમતના દડાની માફક અહીંથી તહીં  જાય છે તે જગ્યા બદમાશો માટે નથી. તેની સાથે આપણે શું લેવાદેવા? ઇલાજો ધર્મચુસ્ત વા શુદ્ધતાવાદીઓ માટે હોય, બેબાકળાપણુ તૂટેલા કે પાયમાલ માટે હોય, હર્ષોલ્લાસ સત્કર્મીઓ માટે, જ્યારે આપણુ પોતીકું સંભારણુ છે શોક ઉર્ફે વિરહ. એમનું સુપર ક્રિયેશન માન્તેક-અલ-તૈર યાને પક્ષીઓની મંત્રણા સાત ખીણમાં વહેંચાયેલું છે. ઓફ કોર્સ, પરમને પામવાનો જીવનો સાત ચક્રો માંહેનો પ્રવાસ.

સૌથી વધુ લોકપ્રિય કવિ એવા રુમીને કેમ ભુલાય? નશે મેં બેપરવાહ હમ મૈકદે મેં આજ તસ્લીમ કી સુલી મૈં સર ના દેંગે આજ. ક્યા બોલું ક્યા મસ્તી હૈ ક્યા મય હૈ આજ. ક્યા સાકી ક્યા મેહરબાની ક્યા લુત્ફ આજ. ના હિજર ના બૂ હૈ પલાયન કિ આજ. દિલદાર સે પાકમુલાકાત જો હૈ આજ. હૈ રાગ-ઓ-રંગ હૈ બસ જશ્ન હી હૈ આજ. મસ્તી મૈં કેસે હોતી સુબ્હ સે શામ આજ. હિસાબ જમાનો સે ચૂકતા હો રહા હૈ આજ. આગ કે બલવે મેં મશગૂલ હમ હૈ આજ. હંગામે કે બિચ સચ્ચો કિ મજલીસ હૈ આજ. અભય તિવારીનો અનુવાદ માટે આભાર. અન્ય એક સર્જનમાં રુમી કહે છે કે સર્વસ્વ તું છું. રોજ તું ઓર રોજા તું, મંગતે કી ખૈરાત તું, ગગરા તું પાણી તું, લબ ભિગો ઇસબાર મેરે. દાના તું ઓ જાળ તું, શરાબ તું ઓ જામ તું, અનગઢ તું તૈયાર તું, એબ દે સુધાર મેરે.

રુમીએ ‘એબ’ વિભાવના જબ્બર વાપરી છે. ‘શરાબી’ હોવાના એબની વાત નથી, પણ ‘પરફેક્ટ  શરાબી’ થવામાં નડતા એબની વાત છે. એમની એક બીજી પ્રસિદ્ધ કૃતિ જોઈએ. દિવ્ય કૃપાની માધુરીની કોઈ સીમા નથી. સર્વે હદ સરહદ ફક્ત પ્યાલીની ખામી છે. ચંદ્રનો પ્રકાશ બધી ક્ષિતિજ પૂર્ણ નભમાં ફરી વળે છે. તમારા ઓરડામાં એ કેટલો પધારે છે તે બારી પર આધાર રાખે. દોસ્ત તમારા જીવનની પ્યાલીને મહાન ગૌરવ આપો. એ પ્યાલીની રચના પ્રેમ દ્વારા જ થયેલી છે જેથી શાશ્વત માધુરી તેમાં સમાઈ શકે. સુભાનલ્લાહ. રુમીના પોતાના શબ્દો અત્રે યાદ કરીએ તો અત્તાર આત્મા છે અને સનાઇ તેની બે આંખો, હું અત્તાર અને સનાઇ પછી જ ગણાઉં.

અગેઇન ખ્વાજા હાફિઝ. હાફિઝ બખુદ ન પોશીદ ઈં ખીરફએ મય આલુદ અય શેખે પાક-દામન મઅજૂર દાર મારા. હે પવિત્ર જીવવાળા શેખ, તું મને માફ કર. હાફિઝને કંઈ શોખ નથી થયો કે એ જાતે દારૃથી લથપથ ખિરફો પહેરે. સમજને વાલી બાત હૈૈ કી એ છે એટલે જ પહેર્યો છે, એ છે જ કેમ એ વિચાર. સૂફી સફર આગળ વધતી ગઈ. મોંગોલ આક્રમણોથી ઘણી બદલાઈ. ભારતમાં મહમદ જલાલુદ્દિન અકબરના રાજમાં સૂફીઓને તેમજ ફારસી ભાષાને વિશેષ સ્થાન મળ્યું. ઝૌક જે ગાલિબના પ્રતિસ્પર્ધી અને બહાદુરશાહ ઝફરના ગુરુ હતા તે કહે છે કે ઝૌક જો મદરેસ્સે કે બિગડે હુએ હૈ મુલ્લાઉન કો મૈખાને મૈ લે આઓ સંવર જાયેંગે. નો ક્લેરિફિકેશન. વિદ્યાધર સમાન ગાલિબ બોલ્યા, હર ચંદ હો મુશહ્દા-એ-હક કી ગુફ્તગુ બનતી નહીં હૈ બદહ-ઓ-સાઘન કહે બઘૈર. ચાલો આપણે પ્રત્યેક ક્ષણ પરમ સત્યની ચર્ચાઓનો દૌર જગાવીએ, પણ શરાબની ઊર્જા વિના શું એ શક્ય બનશે ખરું?

Related Posts
1 of 57

કહાં મૈખાના કા દરવાઝા ગાલિબ ઔર કહાં વાઈઝ પર ઇતના જાનતે હૈ, કલ વો જાતા થા કે હમ નિકલે. વાઇઝ એટલે ઓવરવાઇઝ કે સળંગ ડાહ્યો કે દેઢશાણો જે સામાન્ય કે અસામાન્ય રીતે મહંત કે મૌલવી પદ પર હોય છે. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ શું છે એનું ભાન ના હોય તેને ધર્મના ઝંડા લઈને ફરવાનો શું હક્ક? પછીની પેઢીના દાગ મસ્તીથી સંભળાવી દે છે. લુત્ફ-એ-મૈ તુજ સે ક્યાં કહૂં, ઝાહિદ હૈ કમબખ્ત તું ને પી હી નહીં. હે પાદરી વા મુલ્લા તને હું શરાબનો આનંદ કઈ રીતે કહું? તેં (ગાળ) ક્યારેય એનું એક ટીપું પણ ક્યાં  ચાખ્યું છે? આ બાજુ મહમદ ઇકબાલ લખે છે- ઉમ્મીદ-એ-હૂર ને સબ કુછ સીખા રખ્ખા હૈ વાઈઝ કોયેહ હઝરાત દેખને મૈ સીધે હૈ, સાદે હૈ , ભોલે ભાલે હૈ. (મૃત્યુ બાદની જન્નતની) હુરની તમન્નાના જોરે આ પોથી-પંડિત થયા છે. ભલે આ મહાનુભાવ દેખાવમાં સીધા, સાદા, ભોળા-ભલા લાગતા. જનાબ ફરીથી ફટકો મારે છે જાણે કે વિનિંગ-સ્ટ્રોક- શરાબ-એ-કુહન ફિર પીલા સાકિયા યહી જામ ગર્દિશ મૈ લા સાકિયા. મને એ જ જૂનો ‘ને જાણીતો શરાબ ફરી ને ફરી ભરી આપ સાકી, (અરે હું તો કહું છું) આખાયે જગતને એ જામથી ભરી દે.

સૂફીપણુ એ કોઈ ધર્મ, ભૂગોળ કે સમયનું બંદી નથી. ક્રિયાયોગને આમ લોક સમક્ષ લાવનારા ‘બાબાજી’ માટે આજના સમયમાં એમના ગોરા ફોલોઅરો યોગાનંદજીનું લખેલું ગાય છે- આઇ વિલ ડ્રિંક ધાય નેમ, આઇ વિલ સિંગ ધાય નેમ એન્ડ ગેટ ઓલ ડ્રંક વિથ ધાય નેમ. કાગઝ કી કશ્તીવાળા કાફિર સાહેબ કહે છે કે શેખજી થોડી સી પી કર આઇયે મૈ હૈ ક્યા શૈ, ફિર હમૈ સમઝાઇએ. શેખજી અર્થાત ‘પેલાં’ પ્રકારના ધર્મના વડીલો. ભારતમાં ખૂણે ખૂણે જાણીતી બનેલી હરિવંશરાય બચ્ચનની રચના ‘મધુશાલા’માં પણ ક્યાંક આ ‘તસ્સવુફ’ની ઝલક જોઈ શકાય છે. પ્યાસ તુઝે તો વિશ્વ તાપાકાર પૂર્ણ નિકાલુંગા હાલા, એક પાંવ સે સાકી બનકર નાચૂંગા લેકર પ્યાલા, જીવન કી મધુતા તો તેરે ઉપર કબકા વાર ચૂકા, આજ નિછાવર કર દુંગા મૈં તુજ પર જગ કી મધુશાલા. મધુશાલા પુસ્તકમાં એકથી વધુ સ્થાને શરાબ, શાયરી ‘ને શાશ્વતના ત્રિકોણની ઝલક મળી શકે છે.

ગુજરાતી કવિઓમાં સૂફી સિસ્ટમને વરેલા હોય એવા કવિ ગૂઢ સંશોધનનો વિષય છે. મરીઝ અને સૂફ બંનેનો અભ્યાસ હોય એમને શંકા જઈ શકે કે તેઓ અંદર ખાને સૂફી હતા. કહું છું સાકીને જ્યારે મને શરાબ તો દે, કહે છે આગલો બાકી છે એ હિસાબ તો દે. મરીઝ કહે છે કે છું બહુ જૂનો શરાબી જામથી ખેલું છું હું, હો નવા પીનાર તેઓ ગટગટાવી જાય છે. મરીઝ તથા શરાબ પર એકથી વધુ નિબંધ મળી જાય. સુરાબિંદુ પડે છે તારી બેદરકારીથી નીચે, ખબર તુજને નથી સાકી ઘણાના જામ ખાલી છે? માત્ર ઇન્સાની નાતા પર કહેવાયેલી શાયરી તરત અલગ પડે, ભલે એ કાવ્યકલાપ ‘ને કેકારવ કરનાર કલાપીની કેમ ના હોય. કલાપી કહે છે કે સાકી જે શરાબ મુજને દીધો, દિલદારને દીધો નહીં. સાકી જે નશો મુજને ચઢ્યો, દિલદારને ચઢ્યો નહીં. આશક અને માશૂકને, પાવો એક જામે ને સીસે, પાવો એક હાથે સાકીએ, ઇન્સાફ તેં કીધો નહીં. મકરંદ દવે આધ્યાત્મ તથા ગુજરાતી કવિતા બંનેમાં રસ લેનારા માટે જાણીતું નામ છે. એમનું કહેવું છે કે ચમત્કારોની દુનિયામાં ભરું છું હર કદમ, સાકી, નિહાળું છું છલકતા જામમાં જનમોજનમ, સાકી. કલેક્શન કરવાના ઇરાદાથી ગુજરાતી કાવ્યમાં જ્યાં જ્યાં શરાબનો ઉલ્લેખ મળે ત્યાં ત્યાં પરવરદિગારને શોધીએ તો મળે એમ નથી. હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો, હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે. ‘સૈફ’ પાલનપુરી કહે છે તેમ પોતપોતાનો ખૂણો સૂફ માટે કાફી છે.

હની સિંઘ ગાય છે ચાર બોટલ વોડકા ત્યારે સાચા સૂફીને શક્ય છે, પણ નોર્મલ જીવને ઉપર જોવાનું યાદ ના આવે. આલ્કોહોલિક, રમરમ વ્હિસ્કી જેવાં ગાયનો જે રંગત જમાવે એ મજાજી જાત દુન્યવી છે. થોડી સી જો પી લી બચ્ચનના મુખમાંથી સરે એટલે થઈ રહ્યું. લોગ કહેતેં હૈ મેં શરાબી હું. કિશોર કુમારે ઘણી મહેફિલ જમાવી. યે લાલ રંગ. મૈં શાયર બદનામ. રફી સા’બે લલાકારેલું મુઝે દુનિયાવાલોં શરાબી ના સમઝો. સોનુ નિગમ ગાય કે દારૃ બંધ કલ સે. ઉદિત નારાયણ ગાય શિશે સે શિશા ટકરાયે. સો ગાયન હશે આવા. લતાએ ગાયેલા હાં જી હાં, મૈંને શરાબ પી હૈ જેવાં એ બધાં ગાયનો હતાં એ તદ્દન ભિન્ન મામલો છે. દેવદાસ અને તેનાં ગીતો. મૈં ટલ્લી હો ગયી. હમકા પીની હૈ. દારૃ વિચ પ્યાર મિલા દે. કોકટેલનું મૈં શરાબી. છલકાયે જામ હજુ  ગમે ત્યારે ઉપડે કે તરત લોકો ડોલે. પ્રેમ પૂજારીનું શોખિયોં મૈ ઘોલા જાયે ખાદી પહેરેલી ગુજરાતી સ્ત્રીનેય પસંદગીદા સોંગ. છૂ લે ને દો ‘ને ચિનગારી કોઈ. દેશ પરદેશનું તું પી ઓર જી મોટા અવાજે ગાજતું હોય તો તોફાન મચી જાય. રાત ભર જામ સે જામ, તું કલ ચલા જાયેગા, જરા સા ઝૂમ લું મૈં. દે દારૃ, મેં બોતલ નહીં શરાબ જેવા ગીતો સૂફી વર્લ્ડના નથી નથી ‘ને નથી જ.

મુજ તક કબ ઉનકી બઝમમેં આતા થા દૌરએ જામ, સાકીને કુછ મિલા ન દિયા હો શરાબ મેં એમ ગાલિબ કહે એટલે માહોલ બદલાઈ જાય. જ્યારે નિદા ફાઝલી લખે અને જગજિત ગાય કે કુછ ભી બચા ના કહેને કો હર બાત હો ગઈ, આઓ કહીં શરાબ પિએં રાત હો ગઈ તો મન ‘ને કાન પોતાના સાબૂત રહે ‘ને એ શબ્દો પોતાના હુંકારને ગમી શકે. સૂફ અળગું રહી જાય. દિવાકર રાહીને નમસ્તે. અબ તો ઉતની ભી મયસ્સર નહીં મયખાને મેં, જીતની હમ છોડ દિયા કરતે થે પૈમાને મેં આવું અલ્લાહનો એકનિષ્ઠ ભક્ત કહે? ઓકે, પોતપોતાની જગ્યાએ બધું એ જ વાત છે. પોતાની કે પોતાના પર્સનલ ઇસ્યૂને લઈને વાત કરતા શાયર ‘ને સમસ્તની વાત કરનાર શેરમાં તફાવત જણાય છે.આયે થે હસતે ખેલતે મૈખાને મેં ફિરાક, જબ પી ચૂકે શરાબ તો સંજિદા હો ગએ. ફિરાક ગોરખપુરી શરાબથી સંતુલિત થયાની ગંભીર વાત કરે છે. બશીર બદ્ર ઊંડી વાત કરે છે કે ના તુમ હોશ મેં હો ના હમ હોશ મેં હૈ, ચલો મૈકદે મેં વહીં બાત હોગી. ઝાહિદ શરાબ પીને સે કાફિર હુઆ મૈં કયૂં, ક્યા ડેઢ ચુલ્લુ પાની મેં ઇમાન બહ ગયા. ચુલ્લુ ભર પાની મેં ડૂબ મરો એ ટોણો આ શેર પછી આવ્યો કે એ પહેલાં પણ સક્રિય હતો એ જાણીને અત્યારે કશું કામ નથી. દાગ દહેલવી ફટકો મારે છે કે સાકિયા તિશ્નગી કી તાબ નહીં, ઝહર દે દે અગર શરાબ નહીં. બાકી, શકીલ બદાયુની લખી ગયા એમ કે તર્ક-એ-મય હી સમઝ ઇસે નાસેહ ઇતની પી હેં કિ પી નહીં જાતી.

હિન્દીમાં એક તાન ચઢાવે એવું ભજન છે- હરિ નામ કા પ્યાલા ઔર હરે કૃષ્ણ કી હાલા, ઐસી હાલા પીકર કે ચલા ચલે મતવાલા. હાલા એટલે સંસ્કૃત ભાષામાં મદિરા. ચિંતન ‘ને મનન કરવા જેવો મુદ્દો એ છે કે કેમ પીવાની વાત પ્રાયોરિટીમાં લેવાની રીતિ છે? રામ નામ લડ્ડુ ગોપાળ નામ ઘી, હરિ નામ મિશ્રી તૂ ઘોલ ઘોલ પી. ગુજરાતીમાં પણ આ ભાવાર્થનું ભજન છે જ. બૂટી હરિ નામ કી સબ કો પિલાકે પી, ચિતવન કો  ચિત કે ચોર સે ચિત કો ચુરાકે પી. અંતરા પીને કી તમન્ના હૈં તો ખુદ કો મિટા કે પી. બ્રહ્માને ચારો વેદોં કી પુસ્તક બના કે પી. શંકરને અપને શીશ પે ગંગા ચઢાકે પી. ઠોકર સે શ્રીરામને પથ્થર જગા કે પી. ગુજરાતીમાં ઘણાએ એક ભજનનો હશે- પી લેવો હોય તોરસ પી લેજો પાનબાઈ. રામ કે હરિ, કોઈ પણ નામનો પ્યાલો હોય છે. ઈશ્વર પ્રત્યેના પ્રેમ અંગે સૌ પીવાનું કહે છે, ખાવાનું નહીં. રસ ‘ને રજસ પ્રવાહિતા ધરાવે છે. પ્રવાહી વિના મનુષ્ય પહેલો ‘ને જલ્દી મરે. પ્રવાહી વારંવાર જોઈએ. જન્મ બાદ તરત માતાનું ધાવણ, અમૃત કે જીવન ટકાવવા ફરજિયાત એવું જળ પીવાનું હોય છે. પીવાનું સહજ ‘ને અહંકાર વિના શક્ય છે, ખાવામાં જીવ એક્ટિવથી પ્રોએક્ટિવ થતો જાય છે. મુદ્દો ધારાનો છે. રાધાનો છે.

પહેલા અંકે અને આ અંકે આપણે પૂરતાં જાણીતા-માનીતા શાયરો ‘ને તેમની શાયરીની અભિવંદના કરી. શાશ્વતને અર્ધ્ય આપવાનો કે શાશ્વતનો અભિષેક કરવાનો પ્રયત્ન કર્યો. લાસ્ટલી એક ‘અજ્ઞાત’ કવિને પણ યાદ કરી લઈએ- પહુંચી યહાં ભી શૈખ વા બ્રાહ્મન કી ગુફ્તગુ અબ મૈકદા ભી સૈર કે કાબિલ નહીં રહા. શાંતિથી પીવા આવ્યો છું તો ત્યાં પણ શેખ ‘ને બ્રાહ્મણોની ચર્ચાઓ પહોંચી ચૂકી છે, હવે તો શરાબઘર પણ જવા જેવું નથી રહ્યું. વખત બદલાયો. માહોલ બદલાયો. ધર્મ અને શરાબનાં અર્થઘટનોના પરિવર્તનનું તો જાણે ચક્ર જ ફરી ગયું. સોમરસ એ દારૃ નહોતો ‘ને સંસ્કૃતમાં દારૃ માટે એક શબ્દ છે મૂત્ર એ સાદામાં રહેનારનેય હવે ભાન નથી.

સંસ્કૃતમાં સુરા શબ્દ સર્પ માટે પણ વપરાય ‘ને સર્પ કુંડલિની માટે. માહોલ એવો છે કે સત્તા, પૈસા કે વિજય બહુમતનો શરાબ બનતો ગયો છે. જ્યારે એ જમાના તરફ દ્રષ્ટિ કરીએ તો બયાઝીદ બસ્તામી જેવા તો છેક ૮૦૪-૮૭૪માં થઈ ગયા. કેટલાક સૂફીઓના મતે મહમદ પૈગંબર સર્વપ્રથમ સૂફી હતા. સૂફીવાદમાં શરાબનો પ્રતીકાત્મક જીક્ર તે પછી ઘણા સમય બાદ ધીરેથી શરૃ થયો. ભાષા બદલાતી ગઈ. અર્થ નવા આવતા ગયા. આયામો ઉત્ક્રાંતિ પામતા રહ્યા. લેકિન, શરાબ, કવિતા અને પરમ વચ્ચેનો ત્રિકોણ અમર હતો ‘ને અમર રહ્યો.

બુઝારો  – આપણે ત્યાં શરાબ માટે મૂળ શબ્દ છે મદ્ય. ભૌતિક અર્થ તેમ જ જીવનમાં જેમને મુખ્ય કે એકમેવ રસ હોય તેમને શાયદ વધુ ખબર હશે કે મદ્ય શબ્દમાં મધ જેવું જે હોય છે તે છ્હે મદ. ગામઠી રીતે બોલીએ તો મળ કે મર. જે કશું પણ મદ પેદા કરે કે મજબૂત કરે તે છે મદ્ય.
——————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »