તમારા માટે, તમારી સાથે, સતત…

કૂતરો માણસ પાળે છે

કૂતરો સાંકળ છોડાવીને ભાગશે તો તારે તેની પાછળ-પાછળ ભાગવું પડશે

0 1,610
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

સોબત કરતા શ્વાનની, બે બાજુનું દુઃખ. ખીજ્યુ કરડે પિંડીએ, રીઝ્યું ચાટે મુખ. કૂતરા સાથે મિત્રતા કરવાથી કરવત જેવું થાય છે. જે રીતે કરવત આવતાં-જતાં બંને રીતે માત્ર કાપવાનું જ કામ કરે છે તેવી રીતે કૂતરું ખીજે કે રીઝે એ બંને રીતે માલિકને નડવાનું કામ જ કરે છે. એ ખીજાય તો પગની પિંડી કાઢી નાખે અને રાજી થાય તો માલિકનું મુખ ચાટવા લાગે છે.

કૂતરાને પાત્ર બનાવીને મૂળ તો સમાજને એ કહેવું છે કે સમાજમાં શ્વાન અને કરવત જેવા લોકો હોય છે જે સામેના માણસને ચાહે તો પણ નુકસાન અને નારાજ થાય તો પણ નુકસાન સિવાય કશું આપતાં નથી.

એક દિવસ ભોગીલાલને શું કુબુદ્ધિ સૂઝી કે એણે કૂતરો પાળ્યો. જૂના જમાનામાં લોકો ગાય-ભેંસ જેવાં પશુઓને પાળતાં હતાં અને હવે કૂતરા પાળે છે. હવે લોકો ફ્લેટમાં રહેવા લાગ્યા. જીવન પણ ફ્લેટ થઈ ગયા. બે કરોડ રૃપિયા આપીને પણ આકાશમાં અધવચ્ચે લટકવાનું હોય છે. ઉપર પાંચ માળ અને નીચે પાંચ માળ, બંદા બંનેની વચ્ચે લટકે છે. આ સ્થિતિમાં ગાય-ભેંસ રાખવા સાવ જ અશક્ય છે, કારણ કાર પાર્કિંગની રામાયણ હોય ત્યાં ભેંસ પાર્ક કરવા ક્યાં જવું? બીજું, કૂતરો કે કૂતરી પાળવામાં બીજો ફાયદો એ કે ઘાસચારો લાવવાનો નહીં, છાણ-વાસીદું કરવાનું નહીં અને દોહવાની પણ જફા નહીં.

ભોગીલાલ પાળેલા કૂતરાને લઈને ચાલવા નીકળ્યો. એના નસીબ એવા નબળા કે લેખક સામા મળ્યા.

‘આ ગધેડાને લઈને કઈ બાજુ ચાલ્યો?’ મેં પૂછ્યું.

‘આ ગધેડો નથી, કૂતરો છે.’ ભોગીલાલ બોલ્યો.

‘હું તને પૂછતો નથી, પરંતુ તારા કૂતરાને પૂછું છું.’ મેં કહ્યું.

‘સવારના પહોરમાં સારી મજાક સૂઝે છે.’

‘કેટલા રૃપિયાનો ખરીદ્યો?’

‘મને પૂછે છે કે મારા કૂતરાને પૂછે છે?’ ભોગી બોલ્યો.

‘તને?’

‘પાંચ હજાર રૃપિયાનો.’

‘તારા કરતાં મોંઘો કહેવાય.’

‘………………..’ ભોગીલાલ મૌન.

‘તને આ કુબુદ્ધિ કેમ સૂઝી?’

‘હું બસ લઈને નોકરીએ જતો રહું. મારો છોકરો કૉલેજ જતો રહે. તારા ભાભી ઘરે એકલાં હોય, હવે દીકરી તેના સાસરે જતી રહી. એને એકલું ન લાગે એટલે આ ડોગી વસાવી લીધો છે.’

‘એના કરતાં ગામડેથી તારા બાને શહેરમાં લઈ આવ્યો હોત તો બાને ગામડે એકલું ન લાગે અને ભાભીને બાની કંપની મળી જાત.’

‘સાસુ-વહુને ઉંદર-બિલાડી જેવો સંબંધ છે.’

‘ભાભી ઉંદર છે કે બિલાડી?’ અમે અઘરો સવાલ પૂછી નાખ્યો.

‘કેમ?’

‘ઉંદર હોય કે બિલાડી, પણ કૂતરા સાથે ફાવશે?’

‘કંઈક બીજી વાત કરતો હોય તો કર…’ ભોગીલાલ કંટાળ્યો.

‘તું કર…’

‘કાલે પથુભાના પાનના ગલ્લે ગયો. મેં કહ્યું કે કૂતરાને ખાવાના બિસ્કીટ આપો. બાપુ મને કહે, અહીં ખાવા છે કે બાંધી આપું?’

‘બાપુ તારી મજાક કરતા હશે.’

‘તમે બધા મજાક જ કરો છો, પણ મજાક-મજાકમાં કેટલું બધંુ સાચું સંભળાવી આપો છો?’

‘જો ભોગીલાલ, આ સમાજમાં ત્રણ પ્રકારના માણસો હોય છે. એક કૂતરા જેવા, જે ખીજે કે રીઝે પરંતુ સામેવાળાનું નુકસાન નક્કી સમજવું.’

Related Posts
1 of 29

‘બીજો પ્રકાર…?’ ભોગીલાલને રસ પડ્યો.

‘બીજા કુહાડી જેવા છે કે પોતે કશું કરી ન શકે, પરંતુ હાથાનો સહકાર મળે તો સો વરસ જૂના ઝાડને પણ કાપી નાખે. ઝાડની ડાળીનો જ હાથો બને છે. જ્યારે પોતાના જ હાથા બનીને દુશ્મનને સહકાર આપે ત્યારે જ માણસને કપાવું પડે છે.’

‘વાહ લેખક… મજા પડી ગઈ. ત્રીજો પ્રકાર…?’

‘ત્રીજો પ્રકાર કુસુમ એટલે ફૂલ જેવા માણસોનો છે. એને દૂરથી જુઓ તો પણ ગમે. હાથમાં પકડો તો મૃદુ સ્પર્શની મજા કરાવે, એને સૂંઘો તો સુવાસ આપે. એને મસળી નાખો તો પણ રંગ અને સુવાસ મૂકતાં જાય. ત્રીજો પ્રકાર એ છે જે કેવળ અને કેવળ ફાયદો આપે છે.’

‘ફૂલમાં કાંટા ન હોય?’ ભોગીલાલે વેધક પ્રશ્ન કર્યો.

‘એ ફૂલમાં નથી, પરંતુ ફૂલની આજુબાજુ છે. દરેક સજ્જન માણસ ફૂલ જેવો હોય, પરંતુ એની અગલ-બગલમાં કાંટા જેવા દુર્જનો પણ હોય છે. એ કાંટા રૃપ-સ્વાદ-ગંધ-સ્પર્શના શોખીન લોકોને દુઃખ દેવા માટે હોય છે.

‘મારી આજુબાજુ તું, પથુભા, અંબાલાલ, ચુનીલાલ અને ચંદુભા છે એ કુસુમની ફરતે કાંટા જેવા છે.’ ભોગીલાલે સિક્સર ફટકારી.

‘કહે છે ત્યારથી અસ્તિત્વમાં આવ્યા હશે કાંટા, પરસ્પર ફૂલમાં ઊડ્યા હશે વિખવાદના છાંટા.’ મેં શાયરી સંભળાવી દીધી.

‘એક કાંટો તો આ ચાલ્યો આવે.’ ભોગીલાલે અંબાલાલ તરફ ઇશારો કર્યો.

મેં સાંભળ્યું છે કે કૂતરાલાલે ભોગી ખરીદ્યો છે.’ અંબાલાલે નજીક આવીને નિશાન તાક્યું.

‘તારી વાત સાચી છે.’ મેં અનુમોદના આપી.

‘દરરોજ સવારે કૂતરો ભોગીલાલને ચાલવા લઈ જાય છે, એવા સમાચાર પણ છે.’ અંબાલાલે બીજો ઘા કર્યો.

‘કૂતરો મને નહીં, હું કૂતરાને ચાલવા લઈ જઉં છું.’ ભોગીલાલ તાડૂક્યો.

‘તેં કૂતરાને બાંધ્યો છે કે કૂતરાએ તને બાંધ્યો છે?’

‘મેં કૂતરાને બાંધ્યો છે.’

‘ત્યાં જ તારી ભૂલ છે. તું કૂતરાને મુકીને જતો રહીશ તો કૂતરો તારી પાછળ નહીં આવે, પરંતુ કૂતરો સાંકળ છોડાવીને ભાગશે તો તારે તેની પાછળ-પાછળ ભાગવું પડશે – પોલીસ જતો રહે તો કેદી પાછળ દોડતો નથી, પરંતુ કેદી ભાગે તો પોલીસને દોડવું પડે છે, એનો અર્થ કેદીએ પોલીસને બાંધીને રાખ્યો છે.’ અંબાલાલે જુદું જ ગણિત રજૂ કર્યું.

‘જો ભોગીલાલ… અંબાલાલની વાત સાચી છે.’ મેં કહ્યું.

‘કેવી રીતે સાચી છે?’ ભોગીલાલે ગરીબડા ચહેરે પૂછ્યું.

‘મકાનમાલિક મરી જાય તો મકાન રડતું નથી, પરંતુ મકાન પડી જાય તો ઘરધણી રડે છે એનો મતલબ મકાને માણસને બાંધ્યો છે, પરંતુ માણસે મકાનને બાંધ્યું નથી.’ મેં કહ્યું.

‘તારું-મારું અને લેખકનું શરીર પણ મકાન છે, પરંતુ એ ભાડાનું છે.’

‘જીવ તું શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં.’ મેં કાવ્યની પંક્તિ રજૂ કરી. અંબાલાલને ટેકો જાહેર કર્યો.

‘આપણે તો ભાડાના મકાનને પોતાનું સમજીને રંગરોગાન કરાવીએ છીએ.’

‘એ માણસનો ભ્રમ છે કે એ પોતાનું છે બાકી સાઠ, સિત્તેર કે એંસી વરસના ભાડા પટ્ટાથી લીધેલું છે.’

‘મારો ભાડૂત મને આ મહિને ૫૦૦૦ બદલે ૨૦૦૦ રૃપિયા દેવા આવ્યો. મેં પૂછ્યું તો મને કહે, તમારા મકાનની બારી વેચી તો બે હજાર માંડ આવ્યા.’ ભોગીલાલે ગંભીર ચર્ચામાં એવી હળવી વાત મુકી દીધી જાણે શાંત જળમાં કાંકરી ફેંકી.

‘એ તો ભાડૂતનો પણ ભાડૂત છે.’ અંબાલાલ બોલ્યો.

‘હવે બોલ… ભોગીલાલે કૂતરો લીધો છે કે કૂતરાલાલે ભોગી લીધો છે?’ મેં પૂછ્યું.

‘કૂતરાલાલે ભોગી લીધો છે.’ ભોગીલાલે વાત સ્વીકારી લીધી.

‘તું કૂતરાને લઈને નીકળ્યો છે કે કૂતરો તને લઈને નીકળ્યો છે?’ અંબાલાલે પૂછ્યું.

‘કૂતરો મને લઈને ફરવા નીકળ્યો છે અને મેં એને બાંધ્યો નથી, પરંતુ કૂતરાએ મને બાંધ્યો છે.’ ભોગીલાલે અર્જુનની માફક સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી. હું ભોગીલાલ, અંબાલાલ અને કૂતરો ચારેય ખડખડાટ હસી પડ્યા.
———————

Leave A Reply

Your email address will not be published.

Translate »