તમારા માટે, તમારી સાથે, સતત…

રમૂજી રેલયાત્રા

હવે રસ્તામાં ચેકિંગ આવે તો મારી પાસે ટિકિટ ચેકરને બતાવવા માટે ટિકિટ પણ નથી અને તમારે મને હેરાન કરવો છે એમ?

0 228
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

રેલવેની સુવિધા બાબતે ભારત ગૌરવ લઈ શકે તેમ છે, કારણ આપણા દેશ જેટલી લાંબી રેલવે લાઈન અમેરિકા પાસે તો નથી જ, પરંતુ વિશ્વના કોઈ દેશ પાસે નથી. આશરે ૧૩૫ કરોડની આબાદીમાંથી આશરે દસ કરોડથી વધુ લોકો તો સતત પ્રવાસ કરે છે એટલે શહેરમાં વસતિ પાંખી લાગે છે. એ દસ કરોડમાંથી એકાદ કરોડ પદયાત્રા કરે છે. એકાદ કરોડ વિમાનમાં ઊડતા હશે તો બાકીના આઠ કરોડમાંથી આશરે બેથી અઢી કરોડ લોકો તો ટ્રેનમાં મુસાફરી કરે છે અથવા રેલવે સ્ટેશનના બાંકડે કે પ્રતીક્ષાખંડમાં પડ્યા પડ્યા પ્રતીક્ષા કરે છે. બેથી ત્રણ કરોડ લોકો બસમાં અને બે કરોડ લોકો અન્ય વાહનોમાં ફરતાં હશે.

‘આવી ગયા ચંદુભા?’ અંબાલાલે ચંદુભાની ચાની હોટલમાં પ્રવેશતા જ પ્રશ્ન કર્યો.

‘ના… હું તો હજુ મુંબઈ જ છું. તારી સામે બેઠું એ મારું ભૂત છે.’ ચંદુભાએ ચતુરાઈથી ઉત્તર આપ્યો.

‘આપણો ગુજરાતીઓનો સ્વભાવ છે કે વસ્તુ સામે જ દેખાતી હોય છતાં પૂછતા હોય છે.’ અંબાલાલે ભૂલ કબૂલી લીધી.

‘હું થોડા દિવસ પહેલાં ફિલ્મ જોવા ગયો હતો ત્યાં વડાપાંઉવાળો વલ્લભદાસ મળી ગયો. મને જોઈને તરત જ પૂછ્યું કે બાપુ, શું અહીંયા?’

‘વલ્લભદાસમાં સામાન્ય બુદ્ધિનો અભાવ છે.’

‘મેં વલ્લભને ખીજાઈને કહ્યું કે માણસ ટોકીઝમાં શા માટે આવે? મારે અહીં સિંગ-ચણાની લારી છે?’ ચંદુભાએ કહ્યું.

‘એવી જ ભૂલ મેં પણ કરી. બોલો કેવો રહ્યો પ્રવાસ?’

‘ટ્રેનમાં બહુ મઝા આવી.’

‘શું થયું?’

‘ટ્રેનમાં બે જણ ઝઘડી પડ્યા. એક પ્રવાસીએ બીજા પ્રવાસીને કહ્યું કે હું તમને એક મુક્કો મારીશ તો છેક મુંબઈ જઈને પડશો.’

‘પછી?’

‘બીજાએ તરત જ કહ્યું કે મુક્કો જરા ધીમેથી મારજો, કારણ મારે વાપી ઊતરી જવાનું છે.’ ચંદુભા ખડખડાટ હસી પડ્યા.

‘વાહ… જોરદાર જવાબ.’ અંબાલાલ પણ હસવા લાગ્યો.

‘પેલા મુક્કો મારવાની વાત કરનારો પણ આપણી માફક જ હસી પડ્યો અને પછી તો બંને મિત્ર બની ગયા.’

‘જ્યાં હાસ્ય છે ત્યાં ક્રોધ અસંભવ છે.’

‘મુંબઈથી પાછો આવતો હતો ત્યારે તો જમાવટ થઈ ગઈ.’

‘પહેલા ચા પીવડાવો અને પછી માંડીને વાત કરો બાપુ.’

‘મને ખબર છે તું મફતની ચા પીવા જ આવ્યો છું.’ ચંદુભાએ ટોણો માર્યો.

‘બાપુ, તમારી વાત મેઇન કોર્સ છે અને ચા એપેટાઇઝર છે.’

‘છોકરા… ચા લાવજે.’ ચંદુભાએ હુકમ કર્યો એટલે હોટલમાં કામ કરતો છોકરો બંનેને ચા આપી ગયો.

‘લ્યો હવે વાત માંડો બાપુ…’ અંબાલાલે ચા પીતા પીતા ફરમાઈશ કરી.

‘હું સૌરાષ્ટ્ર મેલમાં મુંબઈથી પાછો આવતો હતો એમાં બે પ્રવાસી ઝઘડી પડ્યા.’

Related Posts
1 of 29

‘પછી?’

‘એક પ્રવાસીએ બીજા પ્રવાસીને કહ્યું કે, જો મારો મગજ હટી ગયો તો હું તમને હેરાન-હેરાન કરી નાખીશ.’

‘પછી?’

‘એનો મગજ હટે કે ન હટે, પરંતુ આ વાત સાંભળીને સામેવાળા મુસાફરનો મગજ હટી ગયો. એ ઉપરની બર્થમાં બેઠો હતો એ વાંદરાની જેમ કૂદકો મારીને નીચે આવ્યો.’

‘પછી શું થયું?’

‘પછી એણે પેલા ભાઈને કહ્યું કે, તમારે મને હેરાન કરવો છે એમ? મારા મકાનમાલિકે મને એક અઠવાડિયામાં મકાન ખાલી કરી દેવાની નોટિસ આપી છે છતાં હું દોઢ મહિનાના પ્રવાસે નીકળી ગયો છું. મારા મકાનમાલિકને મેં ગયા મહિને રાત્રે બે વાગે ફોન કરીને ભરઊંઘમાંથી જગાડ્યો અને કહ્યું કે, હું આ વખતે ભાડું આપી શકીશ નહીં. મારા મકાનમાલિકે મને કહ્યું કે આ વાત તમારે મને આવતીકાલે સવારે ન કહેવાય? ત્યારે મેં મકાનમાલિકને મોઢામોઢ કહી દીધું કે ભાડાની ચિંતામાં હું એકલો શા માટે જાગું? હવે તમે પણ જાગો.’

‘ગજબનો માણસ કહેવાય.’

‘ગજબ તો હવે આવે છે. એણે સામેવાળાને કહ્યું કે મને અસ્થમા છે, પથરી છે, અલ્સર છે, ડાયાબિટીસ છે, બીપીની તકલીફ છે છતાં હું ચારધામની જાત્રાએ નીકળ્યો છું. તમારે મને હેરાન કરવો છે એમ? આથી વધારે શું હેરાન કરશો?’ ચંદુભાએ વિરામ લીધો.

‘બહુ સાચી વાત છે.’

‘તમારે મને હેરાન કરવો છે એમ? જે દિવસે મારી મોટી દીકરી એના સાસરેથી પાછી આવી તે દિવસે જ મારી નાની દીકરી કોઈની સાથે ભાગી ગઈ છે.’

‘ઓહ માય ગોડ…’

‘જે છોકરાને મેં મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી ચિક્કાર ગિરદીમાં બાવડું પકડીને ટ્રેનમાં ચડાવ્યો એ ટ્રેન ઉપડ્યા પછી ખબર પડી કે મારા દીકરા બદલે કોઈ બીજાનો છોકરો આવી ગયો છે. એ અજાણ્યો છોકરો મારી રેલવેની ટિકિટ ચાવી ગયો છે. હવે રસ્તામાં ચેકિંગ આવે તો મારી પાસે ટિકિટ ચેકરને બતાવવા માટે ટિકિટ પણ નથી અને તમારે મને હેરાન કરવો છે એમ? તમે આથી વધારે શું હેરાન કરશો?’ ચંદુભાએ ચાની પ્યાલી મુકીને બીડી સળગાવી.

‘ખરેખર બાપુ… ગજબનો માણસ…’

‘હજુ કલાયમેક્સ બાકી છે.’ ચંદુબાએ ઊંડો કસ ખેંચ્યો.

‘હજુ ક્લાયમેક્સ બાકી છે?’ અંબાલાલને અચરજ થયું.

‘છેલ્લે એણે કહ્યું કે મારે મદ્રાસ જવું હતું અને ટ્રેન ઉપડ્યા પછી ખબર પડી કે આ ટ્રેન તો ઓખા જાય છે. તમારે મને હેરાન કરવો છે એમ? તમે આથી વધારે શું હેરાન કરશો મને?’ ચંદુભાએ વાત પુરી કરી.

‘પછી શું થયું, જલ્દી કહો.’ અંબાલાલને તાલાવેલી લાગી.

‘પહેલા પ્રવાસીની વાત સાંભળીને બીજા પ્રવાસીને થયું કે આ માણસને હેરાન કરવાની મારી તો કોઈ તાકાત નથી, પરંતુ કુદરત પણ એને હેરાન કરી શકે તેમ નથી. જે માણસ બીજાને હેરાન કરવાની વાત કરતો હતો એ સાંકળ ખેંચીને વગડામાં ઊતરી ગયો.’

‘આવી જ રીતે આપણો લેખક પણ એકવાર સાંકળ ખેંચીને ઊતરી ગયો હતો એની ખબર છે?’ અંબાલાલે પૂછ્યું.

‘ના…’

‘અત્યારે તો લેખક પાસે ટ્રિપલ ડૉક્ટરેટ છે પરંતુ જ્યારે બે વખત પીએચ.ડી. પૂરું કર્યું હતું એ સમયની સત્ય ઘટના છે. લેખક તમારી જેમ મુંબઈથી આવતો હતો. એની બાજુમાં એક અજાણ્યો માણસ બેઠો હતો. લેખકને થયું કે સહપ્રવાસીને મારી શૈક્ષણિક લાયકાતની વાત કરું તો ડબ્બામાં મારો વટ પડશે.’

‘પછી?’ ચંદુભાને રસ પડ્યો.

‘લેખકે આજુબાજુવાળા બધા પેસેન્જર્સ સાંભળે એમ કહ્યું કે મેં બે જુદી-જુદી યુનિવર્સિટીમાંથી કુલ બે વખત પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. એ ડબ્બામાં એક અભણ માલધારી પણ હતો. એણે લેખકની વાત સાંભળીને કહ્યું કે એમ તો મારો પાડો પણ બે ભેંસને ધાવ્યો છે. આ સાંભળી લેખક સાંકળ ખેંચીને ઊતરી ગયો.’

અંબાલાલની વાત સાંભળી અંબાલાલ અને ચંદુભા સાથે હોટલના કર્મચારીઓ અને ગ્રાહકો પણ ખડખડાટ હસી પડ્યા.
—————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »