તમારા માટે, તમારી સાથે, સતત…

નૂતન વર્ષાભિનંદન

'અંબાલાલની વાત સાચી છે. આપણા રસોડામાં અનેક પ્રકારના અવાજો થતાં હોય છે.

0 295
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

દિવાળી ગઈ અને વિક્રમ સંવતનું નવું વર્ષ શરૃ થયું. હવે વાઘબારસ બદલે ભૂખડીબારસ ઊજવાય છે, કારણ વાઘ કે વાક્ની જગ્યાએ સંપત્તિ, સત્તા અને સન્માનની ભૂખ અત્ર તત્ર સર્વત્ર છે. ધનતેરસ નથી, પરંતુ ધનતરસ છે. કાળીચૌદસ હવે કાળ ચૌદસ બનીને પધારે છે, તેથી દિવાળી કોઈનો દી’ વાળી શકતી નથી. નવા વરસે માણસને માણસ મળતો નથી, પરંતુ એકબીજાના બેંક બેલેન્સ મળે છે, એજ્યુકેશનલ ક્વૉલિફિકેશન્સ મળે છે, સોશિયલ સ્ટેટસ મળે છે.

આજે લેખકના ઘેર મેળાવડો છે. લેખકના પરમ મિત્રો અંબાલાલ, ભોગીલાલ, ચુનીલાલ, ચંદુભા ચાવાળા અને પથુભા પાનવાળા પત્નીઓ સાથે પધાર્યા છે. અહીં ‘પત્નીઓ’ એવું બહુવચન એટલે પ્રયોજ્યંુ છે, કારણ સૌ પોતપોતાની એક માત્ર પત્ની સાથે જ પધાર્યા છે, પરંતુ પાંચ મિત્રો સાથે પાંચ પત્નીઓ પણ પધાર્યાં છે. લેખકના ડ્રોઇંગ રૃમમાં સોફાસેટ અને ખુરશીઓ ભરચક્ક છે. વધારાની ચાર ખુરશીઓ ડાયનિંગ ટેબલ પાસેથી આયાત કરી ત્યારે દસ મહેમાન અને બે યજમાન મળી બાર લોકો બેસી શક્યા છે. એટલું સારું કે

છ મિત્રોમાંથી કોઈનાં સંતાનો આ નવા વરસના સ્નેહમિલનમાં જોડાયા નથી નહીંતર આ મેળાવડો ઘરમાં કરવાને બદલે સોસાયટીના કોમન પ્લોટમાં કરવો પડે. નાસ્તાની સાથે હાસ્યની પણ રેલમછેલ થઈ રહી છે.

‘સૌ પ્રથમ તો આપ સૌને અમારા સાલમુબારક, નૂતન વર્ષાભિનંદન, હેપ્પી ન્યૂ યર…’ લેખકે ઊભા થઈને મોટેથી કહ્યું અને ત્યાં ઉપસ્થિત અન્ય પાંચે પુરુષોએ ‘હેપ્પી ન્યૂ યર…’ કહીને વળતો જવાબ આપ્યો.

‘લ્યો વધુ એક નવું વરસ શરૃ થયું.’ પથુભા બોલ્યા.

‘જીવનમાં વરસો ઉમેરાય છે, પરંતુ વરસોમાં જીવન ઉમેરાતું નથી.’ અંબાલાલે ફિલોસોફિકલ જવાબ આપ્યો.

‘તું ક્યાંથી જ્ઞાની થઈ ગયો?’ ભોગીલાલે પૂછ્યું.

‘આજે સવારથી જ…’ મોંઘીભાભી વચ્ચે કૂદી પડ્યાં.

‘સવારથી…?’ ચુનીલાલને અચરજ થયું.

‘હા… આજે સવારે જ સૌ પ્રથમ મને પગે લાગ્યા.’ ભાભી બોલ્યાં.

‘પત્નીને પગે લાગ્યો? એ પણ નવા વરસના પ્રથમ દિવસે?’

ચંદુભાને આશ્ચર્ય થયું અને આ વાત સાંભળી બંને ક્ષત્રિયાણીઓ શરમથી નીચું જોઈ ગયાં.

‘મને થયું કે આટલાં વરસો સુધી એ મને પગે લાગી છે, પરંતુ હવેથી મારે એને પગે લાગીને માન આપવું છે.’ અંબાલાલે કહ્યું.

‘અંબાલાલની વાત સાચી છે. આપણા રસોડામાં અનેક પ્રકારના અવાજો થતાં હોય છે. કૂકરની સીટીનો અવાજ, વઘારનો અવાજ, વાસણનો અવાજ અને એ તમામ અવાજો વચ્ચે સ્ત્રીની અપેક્ષાનો અવાજ, અરમાનનો અવાજ અને ઇચ્છાનો અવાજ ઘણીવાર દબાઈ જતો હોય છે જે આપણા મિત્ર અંબાલાલે સાંભળ્યો ગણાય.’ મેં કહ્યું.

‘તું ભલે પગે લાગ્યો, પણ અમારા ધર્મપત્નીની સામે વાત કરી એ ખોટું કર્યું.’ પથુભાએ પીડા રજૂ કરી.

‘ભલે વાત કરી. અમે કોઈ દિવસ તમને પગે લાવવાનું કહેશું નહીં.’ પથુભાનાં ધર્મપત્નીએ નીચી નજર રાખીને કહ્યું.

‘તમે અમને પગે લગાડતા નથી, પણ અમે ઘણા વરસ ઘરના પાણી ભરવા ગયા છીએ, ઘરના અનાજ દળાવવા ગયા છીએ. તમારી મર્યાદા જાળવવા અમે ઘણા ઘરકામ કર્યા છે એ તમને પગે લાગ્યા બરાબર જ છે.’ ચંદુભાએ ધડાકો કર્યો.

‘હર પૂજા સે બઢકર દેખી મૈને પત્ની પૂજા. જબ પ્યારમેં ડૂબા પત્ની કે તો ઔર નહીં કુછ સૂઝા.’ ભોગીલાલે કહ્યું.

‘સાસુ, તીરથ, સસરા તીરથ, તીરથ સાલા-સાલી હૈ, હર તીરથ સે બઢકર દેખો ચારો ધામ ઘરવાલી હૈ.’ ચુનીલાલે પંક્તિ પૂરી કરી અને લેખકનો ડ્રોઇંગ રૃમ સામૂહિક હાસ્યથી ગુંજી ઊઠ્યો.

‘હું મારા પત્નીને ક્યારેય પગે લાગ્યો નથી. બીજું કે એ મારી સેવામાં ચોવીસે કલાક ઊભા હોય છે. હું કહું કે ગરમ પાણીની ડોલ ભરીને આપો એટલે દોડીને ડોલ ભરી આવે, હું કહું કે સાબુ આપો એટલે દોડીને સાબુ લઈ આવે.’ ચંદુભા બોલ્યા.

‘આવા હુકમ તમે ન્હાવા બેસો ત્યારે કરતાં હશોને?’

‘ના… હું જ્યારે વાસણ ઉટકવા બેસું ત્યારે કરું છું.’ ચંદુભાની વાત સાંભળીને ફરી હાસ્યનું મોજું ફરી વળ્યું.

Related Posts
1 of 29

‘જીવનમાં ક્યારેક તો સાચંુ બોલો.’ ચંદુભાનાં ધર્મપત્નીએ પ્રથમ વખત મૌન તોડ્યું.

‘મેં તો નિયમ કર્યો છે. મારા ઘરમાં નાના-નાના નિર્ણયો મારા પત્નીને લેવાના અને મોટા નિર્ણયો મારે લેવાના.’ પથુભા બોલ્યા.

‘નાના નિર્ણયો એટલે કેવા?’ મેં પૂછ્યું.

‘કઈ સોસાયટીમાં મકાન લેવું? દીકરા-દીકરીને કઈ લાઈન લેવડાવવી? એ મોટા થાય તો ક્યાં સગપણ કરવા જેવા નાના-નાના નિર્ણયો દીગુના બાએ લેવાના.’

‘અને મોટા નિર્ણયો કેવા?’

‘પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું કે નહીં, અમેરિકા સાથે કેવા સંબંધો રાખવા, ભારતના રાષ્ટ્રપતિ કોને બનાવવા એવા મોટા નિર્ણયો બધા મારે લેવાના. એમાં દીગુના બા માથંુ ન મારે.’ પથુભાએ જબરો વિનોદ કર્યો.

‘આપ પણ ચંદુભાઈની માફક ક્યારેક તો સાચું બોલો.’ પથુભાનાં ધર્મપત્નીએ પણ મૌન તોડી પતિની વાતને ખોટી સાબિત કરી દીધી.

‘આ બધી હસવાની વાતો છે.’ પથુભાએ કન્ફેશન કર્યું.

‘અત્યારે આપણા છ મિત્રોના પરિવાર હસવા માટે અને આનંદ કરવા માટે ભેગા થયા છે.’ મેં કહ્યું.

‘ભોગીભાઈ તમે તો કંઈક બોલો, ‘મારા પત્નીએ શાંત જળમાં કાંકરી મારી અને અત્યાર સુધી માત્ર નાસ્તામાં જ કાર્યરત એવો ભોગીલાલ બોલવા માટે તૈયાર થયો.

‘એસ.ટી. બસમાં દારૃની હેરાફેરી થાય છે એવા સમાચાર આવ્યા.’

‘એસ.ટી.નું સૂત્ર છે ઃ સલામત સવારી, મુસાફરની કે દારૃની?’

‘બીજી ફરિયાદ એવી આવી કે ફરજ પરના ડ્રાઇવર-કંડક્ટર પણ ક્યારેક પીધેલા હોય છે.’

‘બસ અમરેલીથી ધારી જતી હોય, પરંતુ ડ્રાઇવર પીધેલો હોય તો ધારી બદલે અણધારી જતી રહે.’ અંબાલાલ બોલ્યો.

‘આ સાંભળીને અમારા સાહેબ ખીજાયા. એમણે બધા ડેપોમાં બ્રિથ એનેલાઇઝર મુક્યા અને ચેકિંગ શરૃ કર્યું.’

‘બ્રિજ એનેલાઇઝર એટલે શું?’ પથુભા બોલ્યા.

‘ડ્રાઇવર-કંડક્ટર પીધેલા છે કે નહીં તે ચેક કરવાનું મશીન. એમાં કોઈ વ્યક્તિ પીધેલી હોય અને ફૂંક મારે તો લાલ લાઈટ થાય છે.’

‘વાહ આવા મશીન તો બહુ સરસ.’

‘જરા પણ સરસ નથી. એક અધિકારીએ ડ્રાઇવરને ચેક કરતાં પહેલાં ડેમોન્સ્ટ્રેશન માટે પોતે ફૂંક મારી અને લાલ લાઈટ થઈ.’

‘શું વાત કરો છો?’

‘હા… વાડ ચીભડાં ગળે એવો ઘાટ થયો.’ ભોગીલાલે વાત પુરી કરી અને સૌ ખડખડાટ હસી પડ્યા.

‘તમે બધા વાતો જ કરો છો. કોઈ કશું ખાતું નથી. મેં કેટલી મહેનત કરીને આ બધું બનાવ્યું છે. હવે વાતો ઓછી કરો અને નાસ્તામાં ધ્યાન આપો.’ પત્નીએ આગ્રહ કર્યો અને અમે બધા સામૂહિક રીતે

નાસ્તા ઉપર તૂટી પડ્યા. ‘હસતાં રહેજો રાજ’ના સૌ વાચકોને અમારા સૌના નૂતન વર્ષાભિનંદન.
—————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »