તમારા માટે, તમારી સાથે, સતત…

આપણો જ નહીં, બધાનો તહેવાર

તહેવારનો આનંદ માત્ર પોતાના સુધી સીમિત ન રાખતા મન ખોલીને અન્ય વ્યક્તિ સાથે વહેંચ્યો.

0 92
  • યુવા ( ફેમિલી ઝોન ) – હેતલ રાવ

દિવાળીના તહેવારો પૂર્ણ થઈ ગયા છે, પરંતુ રજાઓની મજા હજુ પણ યુવાનો માણી રહ્યા છે. તહેવારોની મોસમમાં આ વર્ષે યુવાનોમાં નવો જ ટ્રેન્ડ જોવા મળ્યો. યુવાનોએ માત્ર પોતાની જ નહીં, પરંતુ એવા લોકોની દિવાળી પણ કરાવી જેઓ પરિસ્થિતિના કારણે તહેવારોની મજા નથી માણી શકતા.

દિવાળીના તહેવારો શરૃ થયા તે પહેલાંથી જ સોશિયલ મીડિયા પર અનેક પોઝિટિવ એડ જોવા મળતી હતી. જેમ કે દીવા વેચતાં નાનાં બાળકો કે ગરીબ વ્યક્તિ આશા રાખીને બેઠા છે કે તેમના દીવા વેચાઈ જાય અને સારી રીતે દિવાળી કરી શકે. કોઈ દીવાની ખરીદી કરે છે તો કોઈ બે-પાંચ રૃપિયા માટે કચકચ કરતા જોવા મળે છે. આવા સમયે દેવદૂત્ત બનીને કોઈ આવે છે અને બધા જ દીવાની ખરીદી કરે છે, જેના કારણે દિવાળીમાં ગરીબના ઘરમાં પણ ચારેબાજુ રોશની થાય. તો બીજી એક જાહેરાતમાં ૮-૧૦ વર્ષનો બાળક એક અમ્માના દીવા વેચાય તે માટે જાહેરાત કરે છે. તો કોઈ પોતાના ઘરે કામ કરતી બહેનને દીદી કહી દિવાળી બોનસ આપે છે. આવી તો કેટકેટલી જાહેરાતો સોશિયલ મીડિયા પર વહેતી થઈ હતી, પરંતુ આપણે વાત કરવાની છે હકીકતની, યુવાનોને આવી જાહેરાતો સ્પર્શી હોય કે પછી પોતાના મનનો અવાજ, પણ આ વર્ષે ઘણા એવા યુવાનો હતા જેમણે તહેવારનો આનંદ માત્ર પોતાના સુધી સીમિત ન રાખતા મન ખોલીને અન્ય વ્યક્તિ સાથે વહેંચ્યો.

Related Posts
1 of 55

કુણાલ પરીખ લૉમાં અભ્યાસ કરે છે, તે પોતાના ગ્રૂપ સાથે મળીને ઘણા સામાજિક કાર્ય કરે છે. જેમાં આ વર્ષે તેણે એવી વ્યક્તિઓને મદદ કરી જે આર્થિક રીતે અશક્ત હતા. એમ પણ કહી શકાય કે દિવાળીના તહેવારોની મજા તેમના માટે સપના જેવી હતી. આ વિશે વાત કરતા કુણાલ કહે છે, ‘અમે બહુ મોટું તીર નથી માર્યું. જો કોઈના ચહેરાના સ્મિતનું કારણ અમે બની શક્યા તો તેમાં ભગવાનની મરજી હશે. આઠ મિત્રોનું અમારું ગ્રૂપ છે. અમે અમારી રીતે જરૃરિયાતમંદ લોકોની મદદ કરતા રહીએ છીએ તેમાં મહાનતાની વાત નથી, કારણ કે ભગવાન દરેકના નસીબનું આપતા હોય છે અને કોઈને ને કોઈને નિમિત્ત બનાવે છે. અમારા ગ્રૂપમાં લગભગ દરેક પોતાની બચતમાંથી ભેગા કરેલા પૈસાનો ઉપયોગ કરે છે અને જરૃર પડે પરિવાર પાસેથી પણ લઈએ છીએ. ખાસ કરીને આ વર્ષે દિવાળીમાં એવી વ્યક્તિઓ જેમને ખરેખર પૈસાની વસ્તુની જરૃર હોય, કોઈ વસ્તુ વેચી રહ્યા હોય તેવા કે કોઈ કંઈ કરી ન શકતા હોય તેવા લોકોને દિવાળી કરાવવાનો નાનકડો પ્રયત્ન કર્યો. આમ તો અમે આ રીતનું કામ ઘણી વખત કરીએ છીએ, પણ દિવાળી સમયે કોઈની મદદ પહેલી વખત કરી છે. અમારા ગ્રૂપમાં બધાને ખૂબ જ સારું લાગ્યું અને અમારા પરિવારના લોકો પણ અમારી આ પહેલથી ખુશ છે.’

તહેવારોની ખુશીઓ બધાની સાથે આવે છે, તેવંુ આપણે સાંભળીએ છીએ અને એડમાં જોઈએ છીએ, પણ જ્યારે જાતે અનુભવીએ ત્યારે ઘણુ સારું લાગે. માત્ર કુણાલ અને તેના મિત્રો જ નહીં, પણ આવા અનેક યુવાનો છે જેમણે તહેવારોની મજા પોતાના સુધી સીમિત ન રાખતા બધાની સાથે વહેંચી. યુવાનોમાં શરૃ થયેલો આ ટ્રેન્ડ કે સારી ભાવના આવનારાં વર્ષોમાં પણ યથાવત રહે તો ખરેખર ઘરે-ઘરે તહેવારની ઉજવણી થશે.

————————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »