તમારા માટે, તમારી સાથે, સતત…

દોષદ્રષ્ટિનું નિવારણ આમ તો પ્રેત નિવારણ જેવું છે

તમે જેની વારંવાર ટીકા કરો છો એનું તમારા પ્રત્યેનું સન્માન ઘટતું જાય છે.

0 186
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

એ તો સર્વાનુભવસિદ્ધ હકીકત છે કે સંતાનો થોડાક જ મોટા થાય પછી તેઓ તેમની માતાના બહુ સારા ઍડ્વોકેટ બની જતા હોય છે….પછી ગૃહસ્થ પર તડાપીટ બોલે છે

કોઈ અજાણ્યાના દોષ જોવા એ કંઈ બહુ નુકસાનકારક નથી, પરંતુ નિકટના અને પરિચિતોના દોષ જોવાની વૃત્તિ એના દર્શકને જ ભારે પડે છે. માટે સામાન્યજને એનાથી બચવું પડે. બહુ મહેનત કરીને કેળવેલા સંબંધો અને એ દ્વારા પ્રાપ્ત થતું કૌટુંબિક કે સામાજિક સુખ આ દોષદ્રષ્ટિથી વિખેરાઈ જવાની શક્યતા છે. નજીકના લોકોની ભૂલો શોધવાની વૃત્તિમાં એમના કલ્યાણની ભાવના પણ હોય છે, જેમ કે બાળકોને આપણે ટકટક કરતા થાકતા જ નથી, પરંતુ પુખ્ત થયેલા કોઈનાય દોષમાં બહુ વાગવ્યય કરવાની જરૃર નથી. કેટલાક લોકો વડીલો વિશે પણ બહુ વાંકવિલાસ કરે છે. પપ્પાને કેટલીવાર કહ્યું પણ એમના રૃમની લાઈટ ચાલુ જ હોય છે. ઈ તો મારે જ બંધ કરવી પડે. બા તો જમતી વખતે બહુ બોલે. કહંુ છું કે પહેલાં શાંતિથી જમી લો.

દરેકના દોષ જ્યારે એમની જીવનશૈલીનો એક ભાગ બની જાય ત્યારે તમારે અનુકૂલન સાધવાનો એક જ અને છેલ્લો વિકલ્પ બચે છે. આ જે કહેવાતા અનુઆધુનિક યુગમાં આપણે જીવીએ છીએ એમાં સૌથી મોટો પડકાર સાથે રહેવાનો છે. એક જ ઘરમાં રહેવું હવે સ્વાભાવિક નથી. બાળકો લગભગ તરુણવય પાર કરે એટલે એમને સમજાઈ જાય છે કે ઘરમાં પપ્પા અને મમ્મી નામની આ જે બે મહામાયાઓ છે એમની સાથે કાયમ રહેવું પડે એવું થશે તો રામાયણકાળના કાવડધારી શ્રવણનું ટ્યૂશન રાખવું પડશે. શ્રવણની વાતો બધા કરે છે અને લગભગ દરેક પુત્રને એનો જ આદર્શ શીખવવામાં આવે છે, પરંતુ કાવડમાં બેઠેલાં એનાં માતાપિતાના પ્રશાન્ત સ્વભાવ વિશે કોઈ કંઈ બોલતું નથી. જેને આંખો જ નથી એવાં માતાપિતાને યાત્રાધામોમાં બિરાજતા દેવોનાં દર્શને શ્રવણ લઈ જાય છે. શ્રવણનાં માતાપિતામાં એવા ક્યા મહાન ગુણો હતા અથવા તો એમની પાસે પેરેન્ટિંગની કઈ કળા હતી કે તેમનો પુત્ર આવો માતૃપિતૃભક્ત નીવડ્યો એ પણ આપણી જિજ્ઞાસાનો વિષય હોવો ઘટે.

Related Posts
1 of 57

સંતાનો પણ માતાપિતાના દોષ જોતા થયા છે અને બોલતા પણ થયા છે. એ તો સર્વાનુભવસિદ્ધ હકીકત છે કે સંતાનો થોડાક જ મોટા થાય પછી તેઓ તેમની માતાના બહુ સારા ઍડ્વોકેટ બની જતાં હોય છે. એટલે પછીથી તો ઘરના મોભીની ભૂલોનું મૂલ્યાંકન બહુ ઝડપી બની જાય છે. એક સાથે તડાપીટ બોલે છે ત્યારે દરેક ગૃહસ્થને ખ્યાલ આવે છે કે મનુષ્યને એક ભૂલભરેલાં પ્રાણી તરીકે દેવોએ આ પૃથ્વી પર છુટ્ટા મૂકવાની જરૃર ન હતી. કોઈનામાં રાતોરાત સદ્ગુણના ઝરણાઓ કંઈ ફૂટી નીકળતા નથી અને પરિવારજનોની દોષદ્રષ્ટિ પણ એકાએક લુપ્ત થતી નથી. બધા જ પ્રકારના સુખ હોય છે, પણ પછી શાંતિ હોતી નથી. ટીકા સારી વસ્તુ છે અને સંતોએ તો તમારા ટીકાકારોને તમારી નજીક રાખવા કહ્યું છે, પરંતુ વ્યાવહારિક દ્રષ્ટિએ જુઓ તો તમે કંઈ પણ કામ કરો એમાં સતત ટીકા થાય તો પાછલે બારણેથી નિરુત્સાહ પ્રવેશી જાય છે. એમાંથી જ પછી અનારંભ અને નિષ્ક્રિયતા આવે છે.

તમે જેની વારંવાર ટીકા કરો છો એનું તમારા પ્રત્યેનું સન્માન ઘટતું જાય છે. કોઈ કલાકાર કે ક્રિકેટર કે રાજનેતાના વાંક બતાવતા રહો ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ એ જ ટેવને કારણે તમે ઘરમાં પણ આડેધડ ટીકા કરતા રહો તો પછીથી એ ઘરનો પણ તમારા પ્રત્યેનો આદર ઓછો થતો જાય છે. પહેલી વાત તો એ છે કે બીજાઓને તેમના વાંક બતાવીને તેમનું ભલંુ કરવાનો મોહ છોડી દો. તમે ટીકા નહીં કરો તો પણ એમનું કલ્યાણ તો કોસ્મિક લૉ પ્રમાણે થવાનું છે જ. નવાઈની વાત એ છે કે ટીકાકારો ખુદ જાણતા હોય છે કે વારંવાર બકબક કરીને તેઓ આસપાસનું હેતાળ વાતાવરણ ડહોળી રહ્યા છે, પરંતુ તેઓ ટેવ અને સ્વભાવને આધીન થઈ જાય છે. કોઈ પણ વ્યક્તિ હોટેલમાં જ સારામાં સારી રીતે મુક્ત ગગનના પંખી જેમ રહી શકે, ઘરમાં નહીં. કારણ કે ઘર એક આગવું વ્યવસ્થાતંત્ર છે. એને ફોલો થવું પડે છે અને એમાં ટકટક સાંભળવાના પ્રસંગો ભાગ્યે જ આવે એ તમારી કુનેહ પર આધારિત છે. કુનેહ એટલે તમે અથાણુ લો ત્યારે ડાઇનિંગ ટેબલ પર ડાઘ પડે છે ને મારે બે વાર ટેબલ ધોવું પડે છે એમ પત્ની કહે તે દિવસથી જ અથાણાનો આજીવન ત્યાગ કરી દેવો. એ કુનેહ છે. દોષ સર્જાવાના વર્તન કે ઘટનાઓને અવકાશ ન આપવો. કેટલીક મોજ અને કેટલાક શોખ જતા ન કરો તો ઘરમાં તમારા પર ગંગા નદીમાંથી લાવેલા પવિત્ર માછલા ધોવાની પ્રવૃત્તિ ચાલુ જ રહેવાની છે.

આપણે એમ કહીએ છીએ કે ટીકા તો સારી વાત છે એનાથી મને પ્રેરણા મળે છે, પણ વારંવારની ટીકાથી કોઈ પણ કંટાળે છે. તમે મંદિરે જઈને દરરોજ દેવોના કલ્યાણ માટે તેમની ટીકા કરો છો ખરા? નહિ. તમે પ્રશંસા કે સ્તુતિ કરો છો, કારણ કે તમારે એમની પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે. તો જેમની ખિન્નતાનો ભોગ તમારે ન બનવું હોય એમની ટીકા શા માટે કરો છો? અથવા તો નક્કી કરી લો કે હવે કોઈની પ્રસન્નતાની જરૃર નથી. એટલે નારાજગીના પહાડો તળે તમે આવી જશો. કેટલાક લોકો ટીકાને વિશ્વકલ્યાણયજ્ઞ તરીકે ચલાવે છે. તેઓ જાણતા જ નથી કે આ જગત તેમને કેટલું ધિક્કારે છે. ખેલ આખો પ્રેમ પર છે. જગત એના પર જ ચાલે છે. પ્રેમ સિવાય કોઈ કે કંઈ પણ લૂંટવા કે ઘૂંટવા જેવું નથી.

રિમાર્ક ઃ
એક દરદ સુહાગન કીજે
નિત સાહિબ કો પિઉ નૈનનમેં પીજે
રસ કી લહાન રાતદિન લીજે.
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »