તમારા માટે, તમારી સાથે, સતત…

નકુભાઈની વાર્તા

તારી ગાડી સાટુ થઈને હું મારી હાલ્ય થોડી બદલું?'

0 356
  • રતિલાલ બોરીસાગર

એક વાર મોડાસામાં સાહિત્યિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યોતીન્દ્ર દવે એ કાર્યક્રમમાં મહેમાન તરીકે પધારવાના હતા. કોઈ કારણસર જ્યોતીન્દ્રભાઈને મોડાસા પહોંચતાં મોડું થયું. કોઈએ પૂછ્યું, ‘મોડા થયા, જ્યોતીન્દ્રભાઈ?’ જ્યોતીન્દ્રભાઈએ તરત જવાબ આપ્યો, ‘મોડાસામાં વળી મોડા શા?’ જ્યોતીન્દ્રભાઈ તો જોકે ચીવટવાળા માણસ હતા. ક્યાંય પણ પહોંચવાનું હોય તો સમયસર જ પહોંચતા. આ તો એમની રમૂજ હતી, પણ આ જગતમાં એવા અનેક મનુષ્યો વસે છે, જેઓ હૃદયપૂર્વક માનતા હોય છે કે આ ક્ષણભંગુર જીવનમાં વળી વહેલું શું ને મોડું શું? કાલ અખંડ છે. આપણે એના દિવસ, રાત, કલાક, મિનિટ, સેકન્ડ એવા જે ભાગ કરીએ છીએ એમાં નરી કૃત્રિમતા છે. ભગવાનના આયોજનમાં મનુષ્યે કરેલી ખોટી દખલગીરી છે અને એટલે જ મનુષ્ય જાતિ એનાં માઠાં પરિણામો ભોગવી રહી છે. આ જગતની મોટાભાગની સમસ્યાઓનું મૂળ ‘ઘડિયાળ’ છે. ઘડિયાળનો શોધનારો ઍટમ બૉમ્બના શોધનારા જેટલો જ માનવ જાતનો ગુનેગાર છે. ઘડિયાળની શોધ ન થઈ હોત તો માનવજાત આજે છે એટલી દુઃખી ન હોત. આજનો માણસ ઘડિયાળને ઇશારે ચાલે છે. કેટલાક તો બિચારા ઘડિયાળને ઇશારે દોડે છે.

દોડતાં રહેવાને કારણે કેટલાંકને પછી લાંબો સમય સૂઈ રહેવું પડે છે. કેટલાંક તો આ કારણે જ કાયમ માટે સૂઈ જાય છે!

આમ છતાં, આ જગતમાં કેટલાક વીર મનુષ્યો વસે છે જેઓ ઘડિયાળને સહેજે ગાંઠતા નથી. સૌરાષ્ટ્રના એક સાવ નાના રજવાડાના રાજવીની એક વાત છે. રાજાજીનું રાજ્ય એટલું નાનું કે રાજ્યમાં રેલવે સ્ટેશનવાળું એકેય ગામ જ નહોતું. ટ્રેન દ્વારા બહારગામ જવાનું હોય તો બાજુના રજવાડાના સ્ટેશને જવું પડે. એક વાર રાજાજી બહારગામ જવા બાજુના સ્ટેટના સ્ટેશને પહોંચ્યા. સાથે એમના કારભારી પણ હતા. ગાડી આવવાને વાર હતી. એટલે રાજાજી અને કારભારી વેઇટિંગ રૃમમાં બેઠા. થોડીવારમાં ગાડીની વ્હિસલ સંભળાઈ એટલે રાજાજી અને કારભારી ઊભા થયા. રાજાજીએ એમની રાજવી ચાલથી પ્લૅટફૉર્મ ભણી ડગ માંડ્યા, પણ સ્ટેશન સાવ નાનું, ટ્રેન અહીં મિનિટ-બે મિનિટ માંડ ઊભી રહે. રાજાજી હજુ વેઇટિંગ રૃમના બારણા સુધી પહોંચ્યા ત્યાં તો ટ્રેન ઊપડવાની વ્હિસલ વાગી. કારભારીએ કહ્યું, ‘પગ ઉપાડો. ગાડી ઊપડી જશે.’ પણ આ તો રાજા! રજવાડું નાનું એથી શું થયું? રાજા એટલે રાજા! રાજાજીએ કારભારીને કહ્યું, ‘એલા, નાખી દીધાની વાત કર્ય મા. તારી ગાડી ઊપડી જતી હોય તો ભલે ઊપડી જાય. તારી ગાડી સાટુ થઈને હું મારી હાલ્ય થોડી બદલું?’ ગમે તેટલું મોડું થતું હોય તો પણ પોતાની ‘હાલ્ય’ ન બદલનારા આ રાજાજીના પ્રતિનિધિઓ જેવા અનેક મનુષ્યો આ જમાનામાં વસે છે. (આ ક્ષેત્રમાં પણ પુરુષો સ્ત્રીઓ પર સરસાઈ ભોગવે છે એ મારે એક પુરુષ તરીકે અભિમાનપૂર્વક કહેવું જોઈએ.)

મારા મિત્ર નકુભાઈ પણ આવા, ગમે તે થાય, પોતાની ‘હાલ્ય’ ન બદલનારા, મહાનુભાવ છે. અમે બાલ્યકાળથી એકબીજાને ઓળખીએ. બાલ્યકાળમાં હું એમને નિશાળે જવા બોલાવવા જતો. હું એમના ઘેર જાઉં ત્યારે નકુભાઈ કાં તો લખોટીથી રમતા હોય કે કાં ગિલ્લીદંડાથી રમતા હોય. નાહવાનું-જમવાનું બાકી હોય. એ વખતે શિક્ષકો લેસન નહોતા આપતા નહિતર નકુભાઈનું તો જોકે કંઈ ન થાત, પણ એમનાં માતાપિતાનું શું થાત એ પ્રશ્નનો ઉત્તર આપવાનું મુશ્કેલ છે. એમની રાહ જોઉં તો મારે નિશાળે મોડું થાય. એટલે હું ચાલતી પકડું. માસ્તરના માર, ઠપકો, ઉપહાસ, કશું નકુભાઈને ચળાવી શક્યું નહોતું. કોઈ વાર હું નકુભાઈનાં બાને ફરિયાદ કરું તો નકુભાઈનાં બા હસીને કહે, ‘નકુને તો જન્મથી જ મોડા પડવાની ટેવ છે. એ વીસ પચ્ચીસ દિવસ મોડો જન્મ્યો હતો!’ મોડા પડવાની ટેવને કારણે પોતે દીર્ઘાયુષી થશે, ભગવાનને ત્યાં પણ મોડા જ જશે એવું નકુભાઈ માને છે. એમની તંદુરસ્તી જોતાં આ સાચું પણ ઠરશે એમ અમને મિત્રોને પણ લાગે છે.

Related Posts
1 of 29

નકુભાઈ પોતાના લગ્નના માંડવે પણ મોડા પહોંચેલા. મુહૂર્ત વીતી ગયું હતું. એ વખતે એમના સાસરે પહોંચવા માટે અમારા ગામમાંથી દિવસમાં માત્ર એક વાર જ ટ્રેન મળતી. બસનો વ્યવહાર શરૃ થયો ન હતો. ટ્રેન દ્વારા એમના સાસરાના ગામના નજીકના સ્ટેશને પહોંચવાનું હતું ને ત્યાંથી ગાડામાં બેસીને સાસરે પહોંચવાનું હતું. ‘આ ગાડી કોઈ દિવસ ટાઇમસર આવતી નથી. તમે લોકો સ્ટેશને પહોંચો ત્યાં હું બાલદાઢી કરાવીને આવું છું.’ નકુભાઈએ કહ્યું. નકુભાઈને આમ પણ કોઈ પોતાના નિર્ણયમાંથી ચળાવી શકતું નહિ અને એ દિવસે તો એ વરરાજા હતા. ટ્રેન આવવાના સમયે એ બાલદાઢી કરાવવા ગયા. વાળંદ એ વખતે ઘેર જમવા ગયો હતો. એટલે એને આવતાં મોડું થયું. બીજી બાજુ એ જ દિવસે એ ટ્રેન બરાબર સમયસર જ આવી. નકુભાઈએ વાળંદની દુકાને ટ્રેનની વ્હિસલ સાંભળી પણ ખરી, પરંતુ ‘આ તો માલગાડી હશે. ટ્રેન આટલી સમયસર કોઈ દિવસ આવે જ નહિ. તમતમારે નિરાંતે બાલ કાપો. સાસરે આપણો વટ પડવો જોઈએ.’ નકુભાઈએ વાળંદને તેની કલાની પૂર્ણતા સિદ્ધ કરવા પ્રેર્યો. ગાડી ઊપડવાની થઈ, પણ નકુભાઈનો પત્તો નહિ. છેવટે અમે ત્રણચાર જણા રોકાયા ને જાન ગાડીમાં ચડી ગઈ. અમે ત્રણચાર જણા વાળંદની દુકાને પહોંચ્યા ત્યારે નકુભાઈ મોં પર ફુવારો છંટાવી રહ્યા હતા! ગાડી ઊપડી ગયાની વાત અમે કરી, પણ નકુભાઈ જેનું નામ! એ સહેજે વિચલિત થયા નહિ. છેવટે ગામમાંથી એક ઓળખીતાનું ગાડું જોડ્યું. અમારા ગામથી ત્રીસેક માઈલ દૂર નકુભાઈના મામાનું ગામ. એમને ત્યાં ગાડામાં બેસીને ગયા. મામા-મામી અને એમનાં બાળકો તો વરરાજા વગરની જાનમાં રવાના થઈ ગયાં હતાં. નકુભાઈના મામાએ નવું નવું ટ્રૅક્ટર લીધેલું. ટ્રૅક્ટરચાલક ઘર-ખેતરનું ધ્યાન રાખવા ઘેર રોકાયેલા. એ નકુભાઈને ભાણેજ જ ગણે. એમને અમે બનેલી દુર્ઘટનાની વાત કરી. એમણે નકુભાઈને ટ્રૅક્ટરમાં બેસાડી લગ્નસ્થળે પહોંચાડી દેવાનું બીડું ઝડપ્યું. અમે ટ્રૅક્ટરમાં બેઠા. નકુભાઈ કહે, ‘જુઓ, હું ગાડી ચૂકી ન ગયો હોત તો આવી મજા આવત?’ આટલું મોડું થતું હતું છતાં રસ્તામાં નકુભાઈએ ત્રણચાર જગ્યાએ ચા પીવા ટ્રૅક્ટર રોકાવ્યું. અમે અકળાઈએ, પણ નકુભાઈ તો એકદમ સ્વસ્થ! કહે, ‘જુઓ મુહૂર્ત તો ક્યારનું વીતી ગયું. હવે બે કલાક વહેલા પહોંચો કે મોડા શો ફેર પડવાનો? થોડા વધુ મોડા પહોંચીશું તો એ લોકો કન્યાને કોઈ બીજે ઠેકાણે નહિ પરણાવી દે. માટે ચિંતા ન કરો. યાર! આ જાન છે. જલસા કરતાં કરતાં જવાનું!’ જાનને વિદાય કરવાના સમયે અમે પહોંચ્યા. સૌના જીવમાં જીવ આવ્યો. આજે તો આ વાતને ખાસ્સાં પાંત્રીસેક વર્ષ થઈ ગયાં. નકુભાઈનું લગ્નજીવન ખૂબ સુખી નીવડ્યું. નકુભાઈ ગૌરવપૂર્વક કહે છે કે, ‘સુખી લગ્નજીવનનો આધાર કોઈ મુહૂર્ત કે કુંડળી પર નથી. બંનેના સ્વભાવ પર ને પરસ્પરની લાગણી પર છે. હું લગ્ન કરવા પહોંચ્યો ત્યારે મૂળ મુહૂર્ત તો ક્યારનું જતું રહ્યું હતું, એટલું જ નહિ, પછીનાં ત્રણ ચોઘડિયાં ખરાબ હતાં એમાં અમે ફેરા ફરેલા ને છતાં ખૂબ સુખી થયાં.’

ભણીગણીને અમે નોકરીએ વળગ્યા. નકુભાઈ વર્ષો પહેલાં અમદાવાદમાં આવીને સ્થાયી થયા. પછીથી હું પણ અમદાવાદમાં સ્થાયી થયો. અમારો સંબંધ પાછો તાજો થયો ને વધુ ગાઢ બન્યો. નકુભાઈ અત્યારે તો નિવૃત્ત થઈ ગયા છે, પણ એમણે ત્રીસ વર્ષ નોકરી કરી. આ ત્રીસ વર્ષમાં કેટલાયે સાહેબો બદલાયા. પણ કડકમાં કડક કે પ્રેમાળમાં પ્રેમાળ એવા કોઈ સાહેબ નકુભાઈને ઑફિસમાં સમયસર આવતા કરી શક્યા નહિ. ઊલટું, એમના ત્રણેક સાહેબો તો નકુભાઈમાંથી પ્રેરણા લઈ, ઑફિસે મોડા આવતા થઈ ગયા હતા!

નકુભાઈનું મોડા આવવાનું સૌ મિત્રોમાં જાણીતું. એક વાર અમારા બંનેના એક બીજા મિત્ર અજયભાઈ મને એક સ્થળે મળવાના હતા. હું તો સમયસર ત્યાં પહોંચી ગયો. અજયભાઈ મોડા આવ્યા. અમારા મળવાના સ્થળે ફૂટપાથ પર ઝાડની નીચે એક મોચી પૉલિશનું ને બૂટ-ચંપલ રિપેરિંગનું કામ કરતો હતો. અજયભાઈ આવ્યા એટલે મેં કહ્યું, ‘મને એમ કે તમે આવશો ત્યારે આ મોચીનો પુત્ર બૂટ-ચંપલ રિપૅર કરતો હશે.’ અજયભાઈ કહે, ‘સારું છે. નકુભાઈ આવવાના નહોતા, નહિતર એ આવત ત્યાં સુધીમાં આ મોચીનો પૌત્ર   અહીંયાં બૂટ-ચંપલ રિપેર કરવાનું કામ કરતો હોત!’

એકવાર નકુભાઈ અગિયાર વાગ્યે મારે ઘેર આવવાના હતા. હું લાલદરવાજા હતો ને દસ ને પાંત્રીસ મિનિટ થઈ. હું રિક્ષા કરીને બરાબર અગિયારમાં પાંચે ઘરે પહોંચી ગયો. નકુભાઈ બપોરના પોણા ત્રણ વાગ્યે આવ્યા! નકુભાઈ આ રીતે કાયમ મોડા પડે તેથી મિત્રો અકળાય પણ ખરા, પણ નકુભાઈ સહેજે વિચલિત ન થાય, પણ થોડાં વર્ષ પહેલાં નકુભાઈના દીકરાનાં લગ્ન થયાં એ વખતે યોજાયેલા રિશેપ્શનમાં નકુભાઈ સવા કલાક મોડા આવ્યા. ત્યારે સૌને ખાતરી થઈ ગઈ કે નકુભાઈ અણિશુદ્ધ લેઈટકમર છે. રિસેપ્શનનો સમય ૭-૩૦થી ૯-૩૦નો હતો. અમે નજીકના મિત્રો સાત વાગ્યે પહોંચી ગયા હતા. સામાન્ય રીતે હવે રિસેપ્શનમાં વરકન્યા વાયા બ્યુટીપાર્લર આવે છે એટલે મોડાં પડે છે, પણ અહીં તો વરકન્યા પણ સાડા સાત થતાંમાં આવી પહોંચ્યાં હતાં. વરનાં માતાજી પણ વરકન્યાની મોટરમાં આવી ગયાં હતાં. પણ વરના પિતાજીનો- નકુભાઈનો પત્તો નહોતો. મહેમાનો આવવા લાગ્યા. સૌ નકુભાઈને શોધે, પણ નુકાભાઈ દેખાય નહીં. અમે મિત્રો સૌને આવકારીએ, ઘેર ફોન કર્યા કરીએ, પણ એ દિવસે જ એમનો ફોન બગડેલો. આખરે પોણા નવ વાગ્યે નકુભાઈ આવ્યા. આવીને અમને પૂછ્યું, ‘બધું બરાબર ચાલે છે ને? તમે મિત્રો હો પછી મારે શી ચિંતા?’ નકુભાઈ માને છે કે આ જગતમાં આપણા વગર કશું અટકી પડતું નથી. નકુભાઈને બી.પી. નથી, ડાયાબિટીસ નથી. નકુભાઈ એકદમ સ્વસ્થ છે. તમે પણ આવા કોઈ નકુભાઈને ઓળખતાં હશો. તમારામાંથી કોઈ પોતે નકુભાઈ હોય એ પણ શક્ય છે.

—————-

Leave A Reply

Your email address will not be published.

Translate »