તમારા માટે, તમારી સાથે, સતત…

આપણને કોઈ સાંભળે છે?

ચાલો જવા દો. આ બધું તમને કહેવાનો કોઈ જ અર્થ નથી.

0 407
  • વ્યંગરંગ – કલ્પના દેસાઈ

આ સવાલ આપણને બોલતાં પહેલાં થવો જોઈએ, પણ મોટે ભાગે આપણને બોલ્યા પછી થાય એટલે પસ્તાવાનો પાર રહેતો નથી. આમાં આપણને એટલે ‘મને’ સમજવું, કારણ કે આપણને જરા વટથી વાત કરવાની ટેવ છે. મને આમ ‘ને મને તેમ કહું તો વાતમાં એટલું વજન ન પડે, જેટલું આપણને તો આમ જ ‘ને આપણને તો તેમ જ બોલવામાં પડે. એમ તો જાણે કે, વાતવાતમાં આપણને બોલવાથી સામેવાળા/સામેવાળીને પણ જે કહેવું હોય તે કહી દેવાય.

ખેર, સવાલ એ છે કે મને કોઈ સાંભળે છે કે નથી સાંભળતું એ કઈ રીતે ખબર પડે? મને ઘણી વાર કહેવામાં આવે કે, ‘તું બો’ બોલે બાપા, માથું ખાઈ જાય.’ ત્યારે મને ઝાટકો લાગે ‘ને પછી ખોટું લાગે એટલે હું ચૂપ તો થઈ જાઉં, પણ પછી કલાક સુધી એક જગ્યાએ બેસીને ગહન સોચમાં ડૂબી જાઉં. એવું તે હું શું બોલી કે એમના માથામાં ગાબડું પડ્યું? ‘ને આ હું બહુ બોલી? હજી તો વાત શરૃ જ કરેલી એટલામાં એ કંટાળી પણ ગયા? ક્યાંક મને ત્યાંથી રવાના કરવા તો એવું નથી બોલ્યા ને? સારી રીતે જાણે કે, આવો છણકો કરશું તો જ આ બોલતી બંધ થશે.

મને તો એટલું દુઃખ થાય ‘ને દુઃખ થાય એટલે એટલું રડવું આવે કે, એવું તે હું શું બોલી? હવે તો બોલવું જ નથીનો મક્કમ નિર્ધાર કરું ‘ને એમના ધાર્યા મુજબ કલાક તો ફુંગરાઈને વિતાવી દઉં. જોકે જેમતેમ કલાક નીકળે કે વળી મનમાં ચટપટી ચાલુ થાય કે એ આવું કેમ બોલ્યા? પૂછવું તો પડે જ ને એટલે ચોખવટ પણ કરવી જ પડે. બસ, તરત જ ચોખવટ કરવા પહોંચી જાઉં.

Related Posts
1 of 29

“હું બહુ બોલું છું એમ? ને તમારું માથું ખાઉં છું એમ ને? જરા કહો તો એવું તે હું શું બોલી? હજી તો મેં વાત શરૃ પણ નહોતી કરી ‘ને તમે મારું આવું હળહળતું અપમાન કર્યું? (તમને ખબર છે ને કે હવે હું કેટલું બોલીશ?) આજકાલ તમે ક્યાં મારી વાત બરાબર સાંભળો જ છો? એ તો હું સારી કે જ્યારે કોઈ વાત કરવા આવું ત્યારે પહેલાં તમને પૂછું કે , ‘એક વાત કહું?’ ત્યારે તમે હા તો કહો છો, પણ કહીને તરત જ હાથમાં છાપું કે મોબાઇલ લઈ લો છો તે હું નથી સમજતી એમ તમે સમજો છો? તોય તમે મારી વાત સાંભળો છો એમ સમજીને હું બબડ્યા કરું. મને ખોટું ન લાગે કરતાંય હું રિસાઈ ન જાઉં કે ગુસ્સો ન કરું ને પછી તમારા કહેવા મુજબ લવારા ન કરું એટલે જ તમે વચ્ચે વચ્ચે ‘હં….હા…એમ?…ઓહો….અચ્છા….’ બોલ્યા કરો છો તે હું નથી સમજતી એમ તમે સમજો છો? હું બધું સમજું છું ને એટલે જ સમજીને ચૂપ રહું છું સમજ્યા ને?”

કોઈ વાર મારી વાતો પણ ધ્યાનથી સાંભળો તો મને ગમે ‘ને મને પણ લાગે કે કોઈ તો છે જે મને સાંભળે છે! આ તો મને એવું લાગે કે જાણે હું ટીવી સાથે, કબાટ સાથે, ફ્રીઝ સાથે કે રસોડાનાં વાસણ સાથે વાત કરું છું. તમે જ કહો કે આ યોગ્ય કહેવાય? હમણા હું તમારી સાથે એવું કરું તો તમને કેવું લાગે? મારી જગ્યાએ તમે હો તો શું કરો? (હજી મારા  ટવરવાને તો વાર છે. જો આંહુડા પાડવા માંડા ને તો ગભરાઈ જહો.)

ચાલો જવા દો. આ બધું તમને કહેવાનો કોઈ જ અર્થ નથી. આ તો આપણી વાત જે સાંભળતું હોય તેને જ કહેવાય. હું જ ભૂલી જાઉં કે તમે તો મતલબી બહેરા છો. હમણા તમારા કામની કોઈ વાત હશે તો મારી પાસે ચાર વાર બોલાવડાવશો તે કોઈ વાર મારી વાત ધ્યાનથી સાંભળતાં તમને પેટમાં કેમ દુઃખે છેે? મોટામાં મોટું દુઃખ જ એ વાતનું છે કે હવે તો કોઈ આપણને સાંભળતું જ નથી. જો તમને મોબાઇલમાં મેસેજ કરું તો મને ખબર જ ન પડે કે તમે મારો મેસેજ જોયો કે નહીં! ફોન કરવાનો વિચાર આવે પણ ઘરમાં ને ઘરમાં ફોન પર વાત કરવાની? કેવું લાગે? એમાં હો પાછો ફોન બાજુએ મૂકી દેઓ તો મને હું ખબર પડે? જવા દેઓ બધી વાત.

કેવા દા’ડા આઈવા આપણા? છેક આવું નીં ધારેલું કે એક દા’ડો એવો હો આવહે કે આપણને કોઈ હાંભરહે જ નીં!
————————

Leave A Reply

Your email address will not be published.

Translate »