- વ્યંગરંગ – કલ્પના દેસાઈ
ઘૂંટણ સમાણા પાણીમાં છબછબિયાં કરતાં ને ધુબાકા મારતાં ટાબરિયાંઓની મસ્તી હજીય ચાલુ જ છે! ઘરમાંથી ડોલે ડોલે પાણી ઉલેચીને બહાર રસ્તા પર ઢોળતાં, નીચાણવાળા વિસ્તારના અસહાય લોકો પણ કૅમેરાની સામે એ જ રીતે આજે પણ જુએ છે! શું વાત છે? ડિટ્ટો એવાં જ દ્રશ્યો આજે પણ? નવાઈ જ કહેવાય ને? મારું મગજ તો ઠેકાણે છે ને? મને ચિત્તભ્રમ તો નથી થઈ ગયો ને? એકના એક સમાચાર જોઈને કેમ મને કંઈ થતું નથી? કે પછી, કોઈને તકલીફમાં જોઈને દયા ખાવાની મને અજાણતાં જ કોઈ જાતની મજા પડે છે? અથવા તો મારું ધ્યાન બીજે છે ને હું અમસ્તી જ ટીવીની સામે બેસી રહું છું? કે પછી કોઈક વાર આ જ રીતે હું પણ પૂરમાં ફસાઈ ગયેલી? કે શાક લેવા નીકળી પડેલી? કંઈ સમજ ન પડતાં હું ચૅનલ ફેરવી નાંખું છું અને જોઉં છું તો…
હત્તેરીની! આ નવરો કાલ કાલનો શહેરમાં પૂરનું સંકટ-પૂરનું સંકટ રટ્યા કરે છે, તે પોતે જ તો હજી ત્યાંનો ત્યાં ઊભો રહીને બબડ્યા કરે છે. એ વળી આટલું બધું શું બબડે છે? કે પછી એ પાણી જોઈને ગભરાઈ ગયો છે ને એને બબડવા થઈ ગયો છે? કે પછી, હજી કોઈ નવા સમાચાર બન્યા નથી અથવા નવા સમાચારના ફુટેજ એ લોકોને મળ્યા નથી? ખરું ભાઈ આ તો. પેલી શાકભાજીની માર્કેટમાં પૂરની દહેશતથી, ગઈ કાલ સવારથી શાક લેવા ઊમટી પડેલી એ જ ગૃહિણીઓ હજી પણ શાક લીધે જ રાખે છે! ઘરે એમની કોઈ રાહ નથી જોતું? વરસાદમાં ઘરે જવાની એમને કોઈ ઉતાવળ કેમ નથી, પેટ્રોલ પંપ ઉપર લાઇનમાં ઊભા રહેલા પેલા બાઇકસવારો અને કારમાલિકો પણ તે જ દેખાય છે ને કંઈ! વરસાદને બહાને ભટકવા નીકળી પડ્યા બસ. હવે કેટલું પેટ્રોલ ભરાવશો ભાઈ? બીજાનો તો કંઈ વિચાર કરો! જાઓ ભાઈ, ઘરે જાઓ. ઘરે તમારી રાહ જોવાતી હશે. પેલું પૂર આવી ગયું તે નીચે લખાય છે તોય ભટકો?
ખેર, આપણે તો વરસાદને કારણે કેવા કેવા લોકો કેવા કેવા પ્રકાશમાં, એટલે કે ટીવીના ને કૅમેરાના પ્રકાશમાં આવી જાય છે તે જોવાની મજા લેવાની છે. ખુદ ચેનલોના રિપોર્ટરો કેવા કેવા અહેવાલ લઈને હાજર થાય છે, તે ઘેર બેઠાં જોવાની મજા લેવાનું ચૂકવું નહીં. ફક્ત આ જ સમાચારો એવા હોય છે કે, તમે સવાર-સાંજ-રાત ને પાછી સવાર પડે ત્યારે પણ જુઓ તો તમને કંટાળો ન આવે.
આવા સમયે હું બધાં કામ છોડીને એટલે કે કામ પતાવીને ટીવીની સામે ચોંટી જાઉં! એમ તો હું સ્થિર ને બે-ચાર કલાક સુધી હાલ્યા ચાલ્યા વગર બેસી રહું, પણ ઘરનાં લોકો એને પાટલા ઘોની જેમ ચોંટી ગઈ એવું કહે છે. શું થાય? જેવી જેની નજર. મારું તો સમગ્ર ધ્યાન ટીવી પર ને સમાચારો પર ને ખાસ તો સમાચારવાચકો પર. કેટલી મહેનતથી ને કેટલી લગનથી એકના એક સમાચાર સતત આપવાના કંઈ સહેલી વાત છે? મને તો ખબર જ ન પડે કે, ચોવીસ કલાક વીતી ગયા છે ને આગલા દિવસના સમાચાર જ હું જોયા કરું છું! એ તો એક ચેનલ પર એક રિપોર્ટરનું લીલા રંગનું શર્ટ જોઈને હું ચમકી. આ તો ગઈ કાલે પણ આ જ શર્ટ પહેરીને આવેલો તે જ છે. તે, રાતે ઘરે નહીં ગયો હોય? માથાના વાળ પણ એવા જ ભીના થઈને કપાળે ચોંટી ગયેલા. નદીમાં પાણીની સપાટી પણ રૃલ લેવલથી બે ઇંચ નીચે કાલની જેમ જ રહી ગઈ છે ને પેલું લાલ રંગનું કપડું પણ હજી એની ફરતે ગોળ ગોળ ફર્યા કરે છે!
ગામનો કૉઝ-વે તૂટી જતાં અનેક ગામો સંપર્કવિહોણા બન્યાંના સમાચાર ચાલે છે. કૉઝ-વેની આ તરફ ઊભેલા કેટલાક લોકો કૅમેરાની સામે જોયા કરે છે ને કેટલાક પાણીને જોયા કરે છે. એક ભાઈ દોરીવાળી, લાકડાની નાની ખાટલી ઊંચકીને જતા દેખાય છે ને એક લુંગીવાળા ચાચા કૅમેરા તરફ આવતા દેખાય છે.
કૅમેરામેન ફલાણા-ઢીંકણા સાથે કોઈ રિપોર્ટર રાજુ ગામના કોઈ છોકરાને પૂછી રહ્યો છે, ‘કૉઝ-વે ટૂટી જવાથી ટમને કઈ કઈ જાટની ટકલીફો પડે છે?’ પેલો છોકરો ગોખેલા જવાબો આપે છે, ‘કૉઝ-વે ટૂટી જવાથી અમને ઘણી ટકલીફો પડે છે. અમે નડીની આ પારઠી પેલે પાર જઈ સકટા નઠી. અમને સાળાએ જવામાં ઘણી ટકલીફ પડે છે. કૉલેજ જવામાં પણ અમને ઘણી ટકલીફ પડે છે. આમ અમને કૉઝ-વે તૂટી જવાથી ઘણી ટકલીફો પડે છે.’ ઓવર ટુ રિપોર્ટર રાજુ, ‘ભારેઠી અટિ ભારે વરસાડને કારણે ટમે જોઈ રહ્યા છો કે, ગામનો કૉઝ-વે તૂટી જવાથી ગામના લોકો કેટલી મુસીબતોનો સામનો કરી રહેલા છે. સરકાર ટરફથી કોઈ સહાય હજુ સુઢી આવી નઠી એટલે આ ગામનું ને ગામના લોકોનું સું થસે તે ઉપરવાળો જ જાણે. કૅમેરામૅન ફલાણા–ઢીંકણા સાથે, ચૅનલ ફાલટુ વટી હું રિપોર્ટર રાજુ.’
—————————–