તમારા માટે, તમારી સાથે, સતત…

ખાણીપીણીઃ આપની રસોઈ, આપના માટે, આપ સુધી…

મેગી અને પાસ્તાનું નામ પડે એટલે ભલભલાને મોંમાં પાણી આવી જાય

0 303
  • આપની રસોઈ, આપના માટે, આપ સુધી… – હેતલ રાવ

સોજી પાસ્તા રિંગ

મેગી અને પાસ્તા-બાળકો જ નહીં, મોટેરાંઓની પણ પસંદ. મેગી અને પાસ્તાનું નામ પડે એટલે ભલભલાને મોંમાં પાણી આવી જાય. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જેને આ બે વસ્તુઓ નહીં ભાવતી હોય. જોકે, મેગી અને પાસ્તાની સમસ્યા એ છે કે બંને વસ્તુઓમાં મેંદો વપરાય છે અને મેંદો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો હવે કરવું શું. એનો જવાબ છે – સોજી. તમે સોજીનો ઉપયોગ કરીને પણ પાસ્તા બનાવી શકો છો. સ્વાદમાં પણ ચટાકેદાર લાગે છે તેમજ સ્વાસ્થ્યને પણ નુકસાન નથી કરતા. તો ચાલો, આજે જાણીએ સોજી પાસ્તા બનાવવાની રીત.

સામગ્રી ઃ સોજી, ટામેટાં, શિમલા મિર્ચ, ગાજર, ડુંગળી, આદુ અને લસણની ચટણી, ટામેટાંનો સોસ, મસાલા અને કોથમીર.

રીતઃ પહેલાં તો સોજીમાંથી પાસ્તા કેવી રીતે બનાવવા તેની વાત કરીએ અને ત્યાર બાદ કેવી રીતે વઘારવા તે જોઈશું. એક વાડકામાં સોજી લો અને તેમાં મીઠું અને તેલ નાખી, જરૃર મુજબનું પાણી ઉમેરી કણક બાંધો. સોજીનો લોટ છે એટલે સ્વાભાવિક રીતે તે ફૂલશે. થોડો ઢીલો લોટ બાંધવાનો. બાંધેલા લોટને પંદર મિનિટ ઢાંકી રાખો અને ત્યાર બાદ ફરીથી ગુંદી લો. એક મોટો લૂઓ બનાવો. આ લૂઆમાંથી પાતળી પટ્ટી તૈયાર કરી આ પટ્ટીને નાના-નાના ટુકડામાં વહેંચી લો. આ ટુકડાઓને ગોળાકાર વાળી લો એટલે રિંગ જેવો આકાર બનશે. આ રીતે ગોળાકાર રિંગના પાસ્તા તૈયાર કરી લો. આ રિંગને સ્ટીમ કરવા મૂકો. વાટા મૂકવાના સ્ટીમરમાં આ પાસ્તા રિંગ મૂકી તેને બરાબર બાફી દો. વીસ મિનિટ સુધી બરાબર સ્ટીમ કર્યા બાદ જુઓ કે પાસ્તા રિંગ બરાબર બફાઈ ચૂકી છે કે નહીં. જ્યારે બફાઈને તૈયાર થઈ જાય ત્યારે તેને સ્ટીમરમાંથી બહાર કાઢી લો. હવે વાત કરીએ આ પાસ્તા રિંગને વઘારવાની. એક કડાઈમાં તેલ, જીરું, રાઈ મૂકી વઘાર કરો. વઘાર તતડે એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળીના ભાગનું પાણી બળી જાય એટલે તેમાં સમારેલા ટામેટાં, શિમલા મિર્ચ, ગાજર  નાંખો. કડાઈને ઢાંકીને બધાં શાકભાજીને થોડીવાર ચઢવા દો. દસ મિનિટ બાદ તેમાં પાસ્તા રિંગ ઉમેરો અને બરાબર હલાવો. ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર, ધણાજીરું અને ટોમેટો સોસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ફરી પાછું બે મિનિટ માટે કડાઈ પર ઢાંકણ ઢાંકી દો, જેથી પાસ્તા રિંગ અને શાકભાજીમાં મસાલો બરાબર ભળી જાય. હવે બે મિનિટ બાદ ગેસ સ્ટવ બંધ કરી દો અને કોથમીરથી ગાર્નિશ કરી લો. તો તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી સોજી પાસ્તા રિંગ. જો તમારે પાસ્તાની રિંગ ન બનાવવી હોય અને નાની-નાની પટ્ટીઓ કાપીને પાસ્તા તૈયાર કરવા હોય તો તમે એમ પણ કરી શકો છો.
———————–.

ઉનાળાની બેસ્ટ રેસિપી કર્ડ રાઇસ

સામગ્રી ઃ ૧ કપ ચોખા, ૩ કપ પાણી, ડોઢ કપ દહીં, દોઢ કપ દૂધ, ૧ ગાજર, એક લીલંુ મરચું, એક ટી-સ્પૂન આદુ, ચમચી મીઠું, ઝૂડી કોથમીર, બે ચમચી તેલ, બે ચમચી ચણાની દાળ, બે ચમચી અડદની દાળ, મીઠો લીમડો ત્રણ ચાર નંગ, બે નંગ આખા લાલ મરચાં, અડધી ચમચી હિંગ.

રીત ઃ કૂકરમાં પાણી નાંખી ચોખાને ચઢવા માટે મુકો, ચોખા ચઢીને તૈયાર થાય એટલે તેમાં દૂધ અને દહીં મિક્સ કરો. ત્યાર બાદ ગાજર, લીલાં મરચાં, આદુ, મીઠું અને લીલા ધાણા તેમાં ઉમેરી બરાબર મિક્સ કરો. બધી સામગ્રી મિક્સ થયા પછી એક ફ્રાય પૅનમાં તેલને ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં ચણા દાળ, અડદની દાળ, મીઠો લીમડો, આખા લાલ મરચાં અને હિંગ નાંખી તડકો તૈયાર કરો. બાઉલમાં ચોખા કાઢી તડકાને તેમાં ઉમેરો. તૈયાર છે ગરમાગરમ કર્ડરાઇસ.
———————–.

શાકની જગ્યાએ ફટાફટ બનાવો વેજિટેબલ રાઈતંુ

સામગ્રી ઃ દહીં ૧૦૦ ગ્રામ, એક ડુંગળી સમારેલી, એક ટામેટંુ ઝીણુ કાપેલંુ, બે ચમચી ક્રશ કરેલી કાકડી, અડધી ચમચી લાલ મરચું, એક ચોથાઈ ચમચી કાળું મીઠું, સ્વાદ અનુસાર સાદું મીઠંુ, જીરાનો પાવડર અડધી ચમચી, એક નંગ લીલંુ મરચું ઝીણુ કાપેલંુ, કોથમીર એક ચમચી,

રીત ઃ એક બાઉલમાં દહીં લો, તેમાં ડુંગળી, ટામેટાં, કાકડી, લાલ મરચું, કાળું મીઠું, સાદું મીઠું, જીરા પાવડર, લીલાં મરચાં અને ધાણા જીરુ નાંખીને બરોબર મિક્સ કરો. તૈયાર છે મિક્સ રાઈતંુ. સર્વિંગ બાઉલમાં રાઈતંુ કાઢી તેની ઉપર કોથમીર, ટામેટા ડુંગળી, જીરા પાવડર નાંખીને તેને ગાર્નિસ કરી સર્વ કરો. રાઈતાને વધુ ટેસ્ટી બનાવવું હોય તો પૅનમાં તેલ લઈને તેમાં રાઈ અને હિંગનો વઘાર કરી રાઇતામાં મિક્સ કરવાથી તેનો સ્વાદ વધી જશે અને શાકની જગ્યાએ હેલ્ધી રાઈતંુ તમારું ફેવરિટ બની જશે.
———————–.

રસોઈ ટિપ્સ

*           આલૂ ટીકી બનાવતા સમયે તેમાં આરોનો લોટ મિક્સ કરવાથી તે બિલકુલ બજાર જેવી જ ક્રિસ્પી બનશે.

*           શાકમાં ખટાશ ઉમેરવી હોય તો તે બની જાય પછી જ ઉમેરવી, જો પહેલાં ખટાશ નાંખવામાં આવે તો શાક ચઢશે નહીં.

*           લોઢાની કડાઈમાં ક્યારે પણ ખાટી વસ્તુ બનાવવી જોઈએ નહીં, તેમ કરવાથી વસ્તુ કાળી પડી જશે.

*           રસોઈ બનાવતી સમયે હાથ દાઝી જાય તો તેના પર ઝીણુ વાટેલંુ મીઠંુ લગાવવાથી છાલા નહીં પડે.

*           ડુંગળીને ઠંડા પાણીમાં થોડી વાર પલાળી રાખ્યા બાદ કાપવામાં આવે તો આંખમાંથી પાણી નથી આવતંુ અને ડુંગળીની વધારે પડતી તીખાશ પણ દૂર થાય છે.

*           ચણા, રાજમાને રાતના પલાળી રાખવામાં આવે તો સવારે બરોબર ચઢી જાય છે, પરંતુ કોઈ કારણોસર રાતના ના પલાળી શકો તો સવારે કડાઈમાં શેકીને પલાળી દેવાથી તે જલ્દી બની જશે.

*           મીઠાના પાણીમાં ફુલાવરના ટુકડા કરી થોડીવાર રાખી મૂકવાથી તેમાં સંતાયેલા કીડા ઉપર આવી જશે.
———————–.

ગરમીમાં મસ્ત લાગશે ખસખસનો હલવો

Related Posts
1 of 55

સામગ્રી ઃ એક કપ ખસખસ, અડધો કપ મખાણા, અડધો કપ ઘી, એક કપ ખાંડ, અડધી ચમચી ઇલાયચી પાવડર, એક કપ દૂધ, સાત-આઠ નંગ કાપેલી બદામ, સાત-આઠ નંગ કાપેલા પિસ્તાં.

રીત ઃ એક બાઉલ ખસખસને થોડા સમય પલાળી રાખો. ખસખસ ભીની થઈ જાય પછી તેને મિક્સરમાં પેસ્ટ બનાવી લો. એક પૅનમાં ઘી લો અને તેમાં મખાણાને એક મિનિટ શેકો. બીજા પૅનમાં અડધો કપ ઘી લઈ તેમાં ખસખસની પેસ્ટ નાંખી તેને હલાવો અને ખાંડ પણ એડ કરો. ખસખસની પેસ્ટ અને ખાંડને મિક્સ કરી તેમાં ઇલાયચીનો પાવડર પણ ઉમેરો. ત્રણે વસ્તુને ધીમા તાપે મિક્સ કરો અને તેમાં એક કપ દૂધ ઉમેરી સતત હલાવતા રહો. થોડીવાર પૅન પર ઢાંકણ ઢાંકી રાખો. પછી તેમાં બદામ, પિસ્તા અને શેકેલા મખાણા એડ કરો. હલવો તૈયાર થઈ જાય એટલે તેને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિસ કરી ગરમાગરમ પીરસો.
———————–.

ઉનાળામાં રાહત આપશે વરિયાળીનો શરબત

સામગ્રી ઃ એક કપ પલાળેલી વરિયાળી, ૪૦ નંગ પલાળેલી ઇલાયચી, ખાંડ એક કિલો, વરિયાળી અને ઇલાયચી વાટવા માટે ત્રણ-ચાર ચમચી ખાંડ અલગથી લેવી.

રીત ઃ વરિયાળીને ૧.૫ કપ પાણીમાં ચાર પાંચ કલાક પલાળી રાખો. ઇલાયચીને પણ એ જ રીતે થોડા પાણીમાં પલાળી રાખો. વરિયાળીને મિક્સરમાં મિક્સ કરતા સમયે તેમાં થોડી ખાંડ ઉમેરો. વરિયાળી વટાઈ જાય અને કોરી પડે ત્યારે તેમાં પાણી એડ કરી ફરી ઝીણી મિક્સી કરી લો. વરિયાળી વટાઈ જાય એટલે તેને ગરણીથી ગાળીને રસ એક બાજુ કાઢી લો અને વધેલી મોટી વરિયાળીને જુદા વાસણમાં રાખો. ઇલાયચીમાં પણ ખાંડ ઉમેરી વરિયાળીના જેમ જ મિક્સી બનાવી લો. ત્યાર બાદ ચાસણી બનાવી તેમાં વરિયાળી અને ઇલાયચીનો રસ એડ કરી ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહો. મિશ્રણમાં ફીણ થાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડું થવા દો. વરિયાળીનો શરબત પીવો હોય ત્યારે બે ચમચી તૈયાર થયેલા રસમાં ગ્લાસ પાણી ઉમેરો અને બરફ નાંખી ઠંડા ઠંડા શરબતની મજા લો.
———————–.

રસોઈ ટિપ્સ

*           પૂરીને લાંબા સમય માટે નાસ્તામાં ઉપયોગ કરવાની હોય તો તેનો લોટ પાણીની જગ્યાએ દૂધથી બાંધવો જોઈએ. જેનાથી પૂરી પ્રવાસમાં પણ લાંબો સમય ઉપયોગમાં લઈ શકો છો.

*           ચોખાની ખીર બનાવતા સમયે ચોખા ચઢી જાય તો તેમાં ચપટી મીઠું એડ કરવાથી ખાંડનો સ્વાદ ઓછો લાગશે અને ખીર વધુ સ્વાદિષ્ટ બનશે.

*           સંભારને ગાઢ અને વધુ સ્વાદિષ્ટ બનાવવો હોય તો તેમાં સરગવાની સાથે દૂધીના ટુકડા પણ મિક્સ કરો.

જોકે સરગવો દાળને ચઢાવતા સમયે જ ઍડ કરવો પડે છે જ્યારે દૂધી દાળ બફાઈ જાય પછી મિક્સ કરો તો પણ ચાલે.

*           રોટલીની કણક બાંધી તરત જ તેની રોટલી બનાવવામાં આવે તો તે સોફ્ટ નથી બનતી અને લોટ થોડો કડક હોવાના કારણે રોટલી બરોબર બનતી નથી. માટે રોટલીના લોટને અડધો કલાક પહેલા બાંધીને રાખવો જોઈએ.

*           ગુજરાતી દાળમાં આંબલીની ખટાશ કરતાં લીલા કોકમની ખટાશ નાંખવામાં આવે તો તેનો સ્વાદ પણ સારો બને છે. અને કોકમની ખટાશ સ્વાસ્થ્ય માટે પણ સારી રહે છે.
———————–.

ડિટોક્સ વોટર

ડિટોક્સ વૉટર શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને દૂર કરે છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે ડિટોક્સ વૉટરનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરવામાં આવે છે. ત્વચાને કાંતિવાન બનાવવા માટે પણ ડિટોક્સ વૉટર પીવું ખૂબ સારું રહે છે. આમ તો તમે ઋતુ અનુસાર જુદાં જુદાં ડિટોક્સ વૉટરનો ઉપયોગ કરી શકો છો. જોકે, આજે આપણે એવરગ્રીન એવા લેમન મિન્ટ બેસિલ ડિટોક્સ વૉટર બનાવવાની રીત જાણીશું.

સામગ્રી ઃ એક લીંબુ, થોડાં ફુદીનાનાં પાન, થોડાં તુલસીનાં પાન, એક કાકડી

રીત ઃ એક જગમાં પાણી લો, એમાં લીંબુની ચીરીઓ કરી એનો રસ પાણીમાં નાંખો, સાથે જ લીંબુની ચીરીઓ પણ પાણીમાં નાંખી દો. ત્યાર બાદ કાકડીને સમારી એ કાકડી, ફુદીનાનાં પાન અને તુલસીનાં પાન એ પાણીમાં નાંખો. આખી રાત પાણીમાં રહેવા દો. આ પાણીને ડિટોક્સ વૉટર તરીકે ઓળખવામાં આવે છે. બીજા દિવસે સવારે આ પાણી પીવો. એક વારમાં તો બધું પાણી નહીં પી શકાય તેથી સમયાંતરે પાણી પીવો. ઘણા લોકો વજન ઓછું કરવા સાદું પાણી પીવાને બદલે ડિટોક્સ વૉટર પીવાનું મુનાસિબ માને છે. આ વૉટર શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વો દૂર કરે છે સાથે જ ચહેરા પર ચમક લાવે છે. પાણીમાં રહેલાં કાકડી, તુલસી અને ફુદીના ચાવી જાવ. જો ખાવા ન હોય તો પાણીને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લો. ગ્રાઇન્ડ કરતાં પહેલાં લીંબુની ચીરીઓ કાઢી લેવી. પાણી અને કાકડી, તુલસી અને ફુદીનો એકરસ થઈ જશે. આ રીતે તૈયાર થયેલું ડિટોક્સ વૉટર પીવો. જુદાં જુદાં ફળો અને શાકભાજીનો ઉપયોગ કરીને ડિટોક્સ વૉટર બનાવી શકાય છે જે સ્વાસ્થ્ય માટે ઘણુ લાભપ્રદ માનવામાં આવે છે.
———————–.

ફાલસાનું શરબત

ઉનાળામાં કેરી, તરબૂચ, શક્કરટેટી જેવું જ ઠંડક આપતું એક ફળ બહુ જોવા મળે છે. એ ફળ એટલે ફાલસા. ફાલસા સ્વાદમાં થોડા ખટમીઠા હોય છે. ઘણા લોકો ફાલસા અને શેતૂર એક જ એમ સમજે છે. જોકે, ફાલસા અને શેતૂર બંને અલગ ફળ છે. શેતૂર લાલ રંગના હોય છે, પણ લાંબા હોય છે, જ્યારે ફાલસાનો ઉપરનો ભાગ લાલાશ પડતાં જાંબલી રંગનો હોય છે. ઉનાળામાં ઠંડક પ્રદાન કરતાં ઠંડા પીણામાં કેરી, ખસ, વરિયાળી, કોકમ વગેરેના શરબતની યાદીમાં ફાલસાના શરબતનો પણ સમાવેશ થાય છે. ઉનાળામાં ગરમીથી બચવા અને હાઇડ્રેટેડ રહેવામાં ફાલસાનું શરબત પીવું યોગ્ય બની રહે છે.

સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ ફાલસા, સ્વાદ અનુસાર ખાંડ, ૧ ચમચી જીરાનો પાઉડર, ૧ ચમચી સિંધવ મીઠું, થોડાં ફુદીનાનાં પાન.

રીત ઃ ફાલસાને સાદા પાણીથી બરાબર ધોઈને સાફ કરી લો અને તેમાંથી બી કાઢી લો. હવે બી કાઢ્યા બાદ ફાલસાનો પલ્પ બનાવો. મિક્સર ગ્રાઇન્ડરમાં ફાલસા, ખાંડ, જીરું પાઉડર, સિંધવ મીઠું અને ફુદીનાનાં પાન ઉમેરી ગ્રાઇન્ડ કરી લો. એક સરસ સ્મૂધ પેસ્ટ તૈયાર થશે. આ પેસ્ટમાં થોડું પાણી ઉમેરો અને ફરી એકવાર ગ્રાઇન્ડ કરો જેથી પાણી અને પેસ્ટ એકરસ થઈ જશે. તૈયાર છે, ફાલસાનું શરબત. જો તમારે આ શરબતમાં મરીનો પાઉડર ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકો છો. ફુદીનાનાં પાન ન નાંખવા હોય તો પણ ચાલશે. જો ખાંડ વધારે પડી ગઈ હોય અને શરબત ખૂબ જ ગળ્યું લાગતું હોય તો તમે તેમાં લીંબુનાં થોડાં ટીપાં પણ નાંખી શકો.
———————–.

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Translate »