તમારા માટે, તમારી સાથે, સતત…

વ્યંગરંગ – લિફ્ટની મોકાણ

લિફ્ટનો કકળાટ તો પાછો ગામ ગજવે એવો હોય

0 188
  • વ્યંગરંગ – કલ્પના દેસાઈ

આપણને સૌને શહેરોની સોસાયટીઓની જાતજાતની લિફ્ટનો અનુભવ રોજ થતો જ હોય છે. લિફ્ટના પણ અનેક પ્રકાર આવે છે. કોઈ ધીમી તો કોઈ ઝડપી, કોઈ શાનદાર તો કોઈ જમાનાજૂની ને ખખડધજ, કોઈ શાંત તો કોઈ કકળાટિયણ ને સીધી કે આડી જેવા અનેક સ્વભાવની લિફ્ટ આપણને જોવા મળે. અમારા ભાગે તો કકળાટિયણ લિફ્ટ જ આવી છે! જેટલી વાર મળે, માથું ખાઈ જાય.

રોજ એવી ત્રાસદાયક લિફ્ટમાં જવા કરતાં તો એમ થાય કે દસ માળ ચડી જ જઈએ, પણ ત્યાં સુધી જીવતાં પહોંચવાનો પાછો ભરોસો નહીં એટલે લિફ્ટ તો નાછૂટકે વાપરવી જ પડે. હજી તો લિફ્ટનો દરવાજો આપણે પૂરો ખોલ્યો પણ ન હોય કે લિફ્ટનું સાસુ/પતિની જેમ ટોકવાનું ચાલુ થઈ જાય! ને તેય પાછું કામ પતે નહીં ત્યાં સુધી, સતત! ‘દરવાજો બંધ કરો….દરવાજો બંધ કરો…’ જો સુધરેલી ને ઇંગ્લિશ મિડિયમવાળી લિફ્ટ હોય તો વળી થોડી સ્ટાઈલમાં, પણ ટોકે તો ખરી જ! ‘પ્લીઈઈઝ ક્લોઝ ધ ડોર…પ્લીઈઈઝ ક્લોઝ ધ ડોર. અરે! આ તે કંઈ એની રીત છે? આમ કોઈનો જીવ લેવાય? લિફ્ટમાં આ સગવડ કે અગવડ ઉમેરનાર પોતે સ્વભાવે કેવો હશે? શરૃ શરૃમાં તો હું ગભરાટની મારી વહેલી વહેલી લિફ્ટમાં ભરાઈ જતી તો મારો સામાન બહાર રહી જતો. કોઈ વાર લિફ્ટનો દરવાજો બંધ કરવાની ઉતાવળમાં ખોટું બટન દબાવી દેતી તો લિફ્ટ મને ઉપર પહોંચાડી દેતી. ત્યાર પછી મેં ઊંડા શ્વાસ લઈને લિફ્ટ વાપરવાની ચાલુ કરી તો મારા ગોટાળા ‘ને ગભરાટ બંધ થયા.

Related Posts
1 of 29

અરે! હજી તો આપણે લિફ્ટનો દરવાજો ખોલ્યો જ હોય ને લિફ્ટની અંદર પગ મૂકીને ઊંધા પ્રવેશ્યા હોઈએ, તે પછી ફરી વાર અબાઉટ ટર્ન કરીએ તો જ દરવાજો બંધ કરી શકીએ ને? અથવા લિફ્ટમાંથી સીધા બહાર નીકળીને લિફ્ટ બંધ કરવા ઊંધા ફરીએ ને પછી દરવાજો સાચવીને બંધ કરીએ તો એમાં ટાઇમ જાય કે નહીં? આ બધામાં જેટલી સેકન્ડ કે મિનિટ જાય તેની ગણતરી કર્યા વગર જ લિફ્ટે આપણુ માથું ખાવા માંડ્યું હોય, ‘દરવાજો બંધ કરો….દરવાજો બંધ કરો’…? ભઈ, કોઈનેય ત્રાસ જ લાગે ને? ભલે ને કોઈ સાંભળે કે ન સાંભળે ‘ને મને જવાબ મળે કે ન મળે, પણ હું તો દર વખતે લિફ્ટને બબડું, ‘હા ભઈ હા, કરે છે દરવાજો બંધ. એ શું એકધારી લાગી પડી? બહાર તો નીકળવા દે.’ (આવું બબડીને મનને એવી તો ઠંડક મળે…આહાહા! એમ લાગે કે જાણે કોઈનો ગુસ્સો કોઈના પર કાઢ્યો!)

લિફ્ટનો કકળાટ તો પાછો ગામ ગજવે એવો હોય. આપણે પાડોશીને કે ઉપર/નીચેના માળવાળાનેય જણાવવું ન હોય તોય એમને ખબર પડી જ જાય કે આપણે કશેક ગયાં કે આપણે કશેકથી આવ્યાં! લિફ્ટ એટલે મૂંગા લેડી નારદમુનિ! કોણ કેટલી વાર ઘરની બહાર ગયું ને કોણ કેટલી વાર આવ્યું? કોણ કોની સાથે ગયું ને કોની સાથે આવ્યું? જતી વખતે સામાનમાં શું શું હતું? આવતી વખતે સામાનમાં શું શું હતું? સામાન પરથી તો નક્કી બહારગામ ગયા લાગે છે. વૅકેશન છે તે પિયર ગયા કે સાસરે ગયા? કોણ જાણે. હવે આટલી બધી ઝીણે ઝીણી ખબર પાડોશીને લિફ્ટ સિવાય બીજું કોણ આપી શકે? લિફ્ટને કારણે તો લોકો આગલા રૃમમાં ટીવી ‘ને સોફા રાખીને દરવાજા સામે બેસતા થઈ ગયા! પાડોશની પંચાત જેવો કોઈ ટાઇમ પાસ નહીં! ખેર, દિવસમાં આપણે દસ વાર લિફ્ટ વાપરવાની હોય તો પોતાની મસ્તીમાં જ આવ-જા કરવાની હોય ને? પાડોશી સાથે લિફ્ટને કારણે વેર બંધાય છે કંઈ?

લિફ્ટમાં પાછો એક વણલખ્યો નિયમ કે કોઈએ કોઈની સામે જોવાનું નહીં. ઓળખાણ હોય તો ‘હાય હલો’થી વધારે ચાંપલાઈ નહીં કરવાની. બૅડ મૅનર્સ કહેવાય! હાય હલો થઈ ગયા પછી લિફ્ટની દીવાલો જોઈ શકાય, લિફ્ટમૅનને જોઈ શકાય (એ ન હોય તો લિફ્ટના દરવાજાને તકાય, પણ કોઈની સામે જોવાનું નહીં. બહુ બહુ તો મોબાઇલમાં ડોકું નાંખી દેવાય કે પર્સ ચેક કરી લેવાય કે કંઈ રહી નથી ગયું ને? બાકી ફાંફાં ન મરાય-બૅડ મૅનર્સ યુ નો? મને લાગે છે કે, લિફ્ટ એકાદ મિનિટની અંદર જ આપણી ધારેલી જગ્યાએ પહોંચાડી દે છે, બાકી તો બસ કે ટ્રેનની જેમ વાર જો લગાડતી હોત તો લોકો એકબીજા સાથે વાત કરવાની કોશિશ જરૃર કરત. પછી તો ખુલ્લા દરવાજે જ વાતોનાં વડાં રોજ તળાતે, ભલે ને પેલી સતત ટોકતી!

એના કરતાં લિફ્ટમાં દાખલ થતાં કે લિફ્ટમાંથી બહાર નીકળતાં જો આવું સંભળાય, ‘હલો. ગુડ મોર્નિંગ/ગુડ ઇવનિંગ. પ્લીઝ, લિફ્ટનો દરવાજો બંધ કરીને પછી મોબાઇલ પર વાત કરશો?’ અથવા તો, ‘પ્લીઝ તમારા લાડલાને લિફ્ટ કરતાં પણ સારું બીજું કોઈ રમકડું લાવી આપશો? થેન્ક યુ.’ તો લોકો ખુશી ખુશી દરવાજો બંધ કરી દે કે નહીં? પણ આજે બીજાનું કોણ વિચારે છે?
————————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »