તમારા માટે, તમારી સાથે, સતત…

સત્યેન શાહને લેવા કોણે પ્રાઇવેટ જેટ મોકલ્યું હતું?

અચલાના મનમાં મુદ્દલે શંકા ન રહી કે ખરેખર એ યુવતી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હતો.

0 248

નવલકથા – સત્ – અસત્ – પ્રકરણ – ૧૬

  • સંગીતા-સુધીર

સત્યેન શાહના રાજકારણ પ્રવેશ અને પાર્ટીના ટ્રેઝરર તરીકે થયેલી પસંદગી સામે કાંતિલાલ નારાજગી વ્યક્ત કરે છે. રાજકારણમાં જોડાવા કરતાં સામાજિક સેવા કરવાની તેઓ સલાહ આપે છે. કાન્તિલાલ તેમને સાવિત્રી અને મંથનની ચિંતા કરી ભૂતકાળમાં બનેલા ગોઝારા અકસ્માતની યાદ અપાવે છે. જેમાં એક માર્ગ અકસ્માતમાં મંથને પાંચ વર્ષની દીકરી મૃણાલ અને પત્ની માનસીને ગુમાવ્યાં હતાં. આ ઘટનાનો આઘાત મંથન જીરવી શક્યો ન હતો અને સ્નેહીજનો તેમજ મિત્રોના અથાગ પ્રયાસો છતાં તેણે બીજાં લગ્ન કર્યાં ન હતાં. સત્યેન કોઈ રાજકીય કાવાદાવાનો ભોગ બની જશે તેવી કાન્તિલાલને ચિંતા સતાવતી હતી. બે વર્ષ પહેલાં કાન્તિલાલે વ્યક્ત કરેલી આશંકા સાચી ઠરી હતી. જય જનતા પાર્ટીના એક્ટિવ સભ્ય તેમજ મુંબઈમાં સીએની પ્રેક્ટિસ કરતા રવીન્દ્ર જેસિંગલાલ (આરજે) ભગત અને પાર્ટીના સદ્ગત ટ્રેઝરરે પાર્ટીના નાણાકીય હિસાબોમાં મોટા ગોટાળા કર્યા હતા. આરજેને દુબઈના તૈમૂર ખાનનો સપોર્ટ મળતાં આ ત્રિપુટીએ જય જનતા પાર્ટીના પાંચ હજાર કરોડ રૃપિયાનો ગોટાળો કર્યાે હતો. ઇસ્લામધર્મીઓને ઉત્તેજન આપતી ઇન્ડિયાની રૃલિંગ પાર્ટીને ઊથલાવીને જય જનતા પાર્ટીને રૃલિંગ પાર્ટી બનાવી શકાય તે માટે અમેરિકા, ઇઝરાયલ જેવા દેશોમાંથી પાર્ટીને મોટું ભંડોળ મળતું હતું. આની પાછળ સાઉદી અરેબિયા તેમજ ઇસ્લામધર્મી દેશો ભારતમાં ઇસ્લામનો ફેલાવો ન કરી શકે અને તેમના હાથમાં દેશની કમાન ન આવે તેવો અમેરિકા અને ઇઝરાયલનો ઇરાદો હતો. દરમિયાન દુબઈથી તૈમૂર ખાન આરજેને ફોન કરીને પાર્ટીના હિસાબ-કિતાબના ફરી ઓડિટ કરાવાના સત્યેન શાહના મનસૂબાઓની જાણ કરે છે. આથી આરજે સત્યેન શાહનો કાંટો કાઢી નાખવાનું સૂચન કરે છે, પરંતુ ઇસ્લામ ધર્મના પ્રતિનિધિ તૈમૂર ખાનને આરજે જય જનતા પાર્ટીમાં રહીને પાર્ટી વિરુદ્ધ કામ કરતો રહે તેમાં રસ હતો. આથી તે આરજેને આ મામલો ટલ્લે ચઢાવવાની સલાહ આપે છે અને કંઈક એવી વાત કરે છે જેથી આરજેનું મોઢું પહોળું થઈ જાય છે. આ તરફ જાતીય શોષણના આક્ષેપો કરનારી પાંચેય મહિલાઓ પણ સત્યેન શાહ અચાનક ગુમ થતાં વિમાસણમાં પડી જાય છે. મયૂરીને એના ભાઈ મયંકનો આમાં હાથ નહીં હોય તેવી ચિંતા થાય છે. મવાલીઓએ કદાચ સત્યેનને ખતમ કરી દીધો હશે તેવો તેજાનીને પણ ડર સતાવે છે. આવી જ ચિંતામાં ડેવિડ ગોન્સાલ્વિસ રોડ્રિગ્સ ફર્નાન્ડીસનો સંપર્ક કરે છે, પણ ફોન લાગતો નથી. બીજી તરફ સત્યેન શાહ ગુમ થતાં ટાઢા પાણીએ ખસ ગયાનું વિચારતો અમર્ત્ય રંજનાને પ્રપોઝ કરવાનું નક્કી કરે છે. દરમિયાન અટલ મોબાઇલમાં સત્યેનની ડાયરીનું છેલ્લું પાનું વાંચે છે અને તેમાં લખેલી વિગતો જોઈને સ્તબ્ધ થઈ જાય છે. ત્યાં અચલાનો ફોન આવે છે. તે સત્યેન શાહના કેસની સાથે મળીને તપાસ કરવાનો પ્રસ્તાવ મુકે છે, પરંતુ અટલ ફોન કાપી નાંખે છે. ડાયરીના છેલ્લા પાનામાં લખેલી વિગતો મુજબ પ્રેસ કોન્ફરન્સના આગલા દિવસે સત્યેન શાહ પર કોઈનો ફોન આવ્યો હતો અને તેમને લેવા કોઈએ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર પ્રાઇવેટ જેટ મોકલ્યું હતું. એ ફોન કોનો હતો, ક્યાંથી આવ્યો હતો, સત્યેન શાહને લઈને જેટ ક્યાં જવાનું હતું, કોણ સત્યેન શાહનો જીવ લેવા માગતું હતું તે વિશે ડાયરીમાં કોઈ જ ઉલ્લેખ ન હતો.                    

 હવે આગળ વાંચો…

 તમે અહીંયાં?’ અચલાને ગામદેવી પોલીસ સ્ટેશનમાં જોઈને જાગૃતિને આશ્ચર્ય થયું.

કેમ? તું અહીંયાં આવી શકે તો હું આવી ન શકું? હું પણ એક રિપોર્ટર છું અને તારાથી ઘણી સિનિયર છું.

યસ… યસ, મૅમ. મારાથી બધી જ બાબતોમાં તમે સિનિયર છો. ઉંમરમાં પણ.જાગૃૃતિ કંઈ ગાંજી જાય એવી નહોતી. એને એ વાતનું આશ્ચર્ય થયું કે અચલાને ગામદેવી પોલીસ સ્ટેશનમાં એક પછાત જાતિની સગીર યુવતીના જાતીય શોષણનો કેસ આવ્યો છે એની જાણ કેમ કરતાં થઈ? શું અહીંના ઇન્સ્પેક્ટરે એને આ વાતની જાણ કરી હશે? અચલાએ જેમ ઘણા ક્રાઇમ રિપોર્ટરો કરે છે તેમ બધાં પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરોને સાધીને તો રાખ્યા નહીં હોય? ના, ના, હું આવા વિચારો શું કામ કરું છું? અચલા કોઈ બીજા કેસ માટે, કોઈ બીજા કારણસર પણ આવી હોય.

અચ્છા, હવે મારાથી સિનિયર તમે અહીં આવ્યાં છો એટલે હું રજા લઉં છું. તમારા જેવા સિનિયર આગળ મારું શું ગજું?’ અચલાને ટોણો મારી જાગૃતિ ગામદેવી પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી ગઈ.

 એક રિપોર્ટર હોવાને કારણે અચલાને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સારી રીતે ઓળખતા હતા. એમણે એને પોતાની કૅબિનમાં બોલાવી અને આવવાનું કારણ પૂછ્યું. 

અરે મૅડમ, એ તો ખોટી ફરિયાદ હતી. એ યુવતીએ જાતે જ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે.આ જાણીને અચલાને ખૂબ જ આશ્ચર્ય થયું.

એટલે? એ શું મશ્કરી હતી? તમારા પોલીસ સ્ટેશનમાં આવીને કોઈ આવી ગંભીર ફરિયાદ કરે, તમે એની ઉપર ઍક્શન લો, આરોપીને બોલાવો અને બે-ચાર કલાક પછી હું મારી ફરિયાદ પાછી ખેંચી લઉં છુંએવું એ ફરિયાદી કહે એટલે તમે એ બધાને જવા દો?’ આશ્ચર્ય પામતાં અચલાએ જણાવ્યું.

ના… ના, એવું નથી, પણ જે વ્યક્તિની સામે એણે ફરિયાદ કરી હતી એ વ્યક્તિએ પણ કોઈ પ્રકારનો વાંધો ન લીધો એટલે અમે આખો કેસ ક્લોઝ કરી દીધો.

વેરી સ્ટ્રેન્જ. મેં જોયું કે એ આરોપી સાથે મુંબઈનો લીડિંગ ક્રિમિનલ ઍડ્વોકેટ પણ હતો. આટલા વહેલા પોલીસ સ્ટેશનમાં આવવાના એણે ફી પેટે સહેજે પચ્ચીસ-પચાસ હજાર રૃપિયા લીધા હશે. આમ છતાં એ આરોપીએ મને કંઈ વાંધો નથી એમ કહીને એ ખોટી ફરિયાદીને જવા દીધી?’

હા, એમણે અને એમના એ ક્રિમિનલ લૉયર, બંનેએ કહ્યું કે, “ઓકે… આ યુવતી જો ફરિયાદ પાછી ખેંચી લે છે તો અમારે કંઈ કહેવું નથી.” એટલું જ નહીં, એમણે તો પેલી યુવતીને થેન્ક યુ પણ કહ્યું, પણ આ બધી વાત જવા દો. બોલો, શું લેશો, ચા કે કૉફી? ટોસ્ટ-બટર યા ઈડલી-સંભાર મગાવું? તમે આટલો વહેલો બ્રેકફાસ્ટ નહીં કર્યો હોય.સિનિયર ઇન્સ્પેક્ટરે વિવેક કર્યો.

ના… ના. થેન્ક યુ. મને કંઈ જ નહીં જોઈએ, પણ જે કમ્પ્લેઇન કરવામાં આવી હતી એ જરા દેખાડશો?’

એ જોઈને શું કરશો? કેસ તો ક્લોઝ થઈ ગયો છે.

મેં એ યુવતીને આરોપી અને એના ઍડ્વોકેટની સાથે એમની કારમાં બેસતાં જોઈ.

સો વ્હૉટ? એમણે એ યુવતીને લિફ્ટ આપી હશે.

મિસ્ટર શિંદે, તમે સિનિયર ઇન્સ્પેક્ટર થઈને આવું કહો છો?’

એટલે? તમે કહેવા શું માગો છો?’

એ જ કે મને દાળમાં કંઈ કાળું દેખાય છે. પ્લીઝ, મને જે કમ્પ્લેઇન કરવામાં આવી છે એ જોવા દો.

* * *

મુંબઈથી સવારના બરાબર ૮ઃ૪૦ કલાકે ઊપડેલ પ્રાઇવેટ જેટે બરાબર આઠ કલાક બાદ લૅન્ડિંગ કર્યું. તુરંત જ એક લેટેસ્ટ એસ ક્લાસ બ્લૅક મસિર્ડીઝ, જેના બધા કાચ પણ રંગે કાળા હતા, જેથી અંદરથી તો બહારનું જોઈ શકાતું હતું, પણ બહારથી અંદર કોણ બેઠું છે એ ખબર નહોતી પડતી એ પ્લેન પાસે આવીને ઊભી રહી. સત્યેન વિમાનમાંથી નીચે ઊતર્યો કે મસિર્ડીઝના ડ્રાઇવરે પાછલો દરવાજો ખોલીને એને અંદર બેસવા ઇશારો કર્યો.

તમે અહીંયાં?’ અંદર બેઠેલ વ્યક્તિને જોતાં આશ્ચર્ય પામી સત્યેને સવાલ કર્યો.

કેમ? જય જનતા પાર્ટીના ટ્રેઝરરને રિસીવ કરવા અમારી ગવર્મેન્ટના ટ્રેઝરરે આવવું ન જોઈએ? આવો… આવો, પહેલાં અંદર બેસો. પછી આપણે બધી વાતો કરીએ. આઈ હોપ, તમારી યાત્રા સુખદ રહી હશે.

યાત્રા તો અતિ સુખદ હતી, પણ આમ અચાનક આવવું પડ્યું એથી બધાને ફિકર થતી હશે. મેં બોલાવેલ પ્રેસ કૉન્ફરન્સમાં શું થયું હશે? મારા ફૅમિલીને મારી ચિંતા થતી હશે.કારની પાછલી બેઠકમાં બેસતાં બેસતાં સત્યેન શાહે જણાવ્યું.

* * *

ઇન્સ્પેક્ટર શિંદેને સ્ટેશન ડાયરી અચલાને દેખાડવાની મુદ્દલે ઇચ્છા નહોતી. જે વાત ફરિયાદી અને આરોપી તેમ જ પોલીસ સ્ટેશનના અધિકારીઓ વચ્ચે નીપટી ગઈ હતી અને સમેટી લેવામાં આવી હતી એ વાત આ રિપોર્ટર કદાચ પાછી ઉખેડે તો?

શિંદે જાણતો હતો કે જો અચલાને એ રિપોર્ટ જોવા નહીં દે તો એ આખા પોલીસ સ્ટેશનને માથે લેશે, અખબારોમાં એના વિશે તેમ જ એના પોલીસ સ્ટેશન વિશે જાતજાતની વાતો લખશે. કચવાતા મને શિંદેએ સ્ટેશન ડાયરી મગાવી. રાત્રિના બે વાગે નોંધેલ ફરિયાદ અચલાએ વાંચવાનું શરૃ કર્યું. જેમ જેમ અચલા એ ફરિયાદ વાંચતી ગઈ તેમ તેમ એનાં ભવાં ચઢતાં ગયાં.

દોઢ કલાક પહેલાં જ જે યુવતીને રેપ કરવામાં આવી હતી એણે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં એના ઉપર જે જે વીત્યું હતું, એ પુરુષે જે પાશવી કૃત્ય આચર્યું હતું એ સવિસ્તાર વર્ણવ્યું હતું. એક સોળ વર્ષની અભણ, પછાત જાતિની છોકરી આવું વર્ણન ઊપજાવી ન શકે. ખરેખર એની ઉપર આવું કૃત્ય આચરવામાં આવ્યું હોય તો જ એ એનું આવું હૂબહૂ વર્ણન કરી શકે.

ફરિયાદ વાંચતાં અચલાના મનમાં મુદ્દલે શંકા ન રહી કે ખરેખર એ યુવતી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હતો. એ સોળ વર્ષની નાદાન કિશોરીનું ખૂબ જ નિર્દય રીતે શિયળ લૂંટવામાં આવ્યું હતું.

ફરિયાદ વાંચતાં વાંચતાં અચલાએ શિંદે તરફ એક અર્થસૂચક નજર કરી. શિંદે એ જીરવી ન શક્યો. એણે મોઢું ફેરવી લીધું. અચલાની શંકા આથી શક્યતાને બદલે સત્યતામાં ફેરવાઈ ગઈ. શિંદે એની જોડે આંખ મેળવી શકતો નહોતો એ જ પુરવાર કરતું હતું કે ખરેખર એ યુવતી ઉપર બળાત્કાર થયો હતો.

ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું કે યુવતી ફક્ત સોળ વર્ષની અને દલિત જાતિની છે. પુરાવા રૃપે એણે આધાર કાર્ડ અને બૅકવર્ડ કમ્યુનિટીનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે આરોપીને બોલાવ્યો હતો. આરોપી આવે એ પહેલાં ફોજદારી ગુનાઓના કેસો લડવામાં એક્સ્પર્ટ અવ્વલ નંબરનો એનો ઍડ્વોકેટ આવ્યો હતો. એ આવ્યો ત્યારે યુવતીને મેડિકલ એક્ઝામિનેશન માટે મોકલવાની તૈયારી ચાલતી હતી. પછી એ વાત અટકી ગઈ. છ કલાક બાદ એ યુવતીએ એની ફરિયાદ પાછી ખેંચી લીધી. નવાઈની વાત એ હતી કે જો આવો ગંભીર આક્ષેપ ખોટેખોટો કરવામાં આવ્યો હોય તો જેના ઉપર એ આક્ષેપ થયો હોય એ વ્યક્તિ માનહાનિની ફરિયાદ કરે. આ કિસ્સામાં મારે કોઈ પગલાં નથી લેવાં. આ યુવતી ખોટી ફરિયાદ કરવા માટે પસ્તાય છે. ફરિયાદ પાછી ખેંચી લે છે આથી અમે આ વાત આગળ નથી વધારવા માગતાએ આરોપીએ એવું જણાવ્યું હતું.

શિંદે, આવી ગંભીર બાબત તમે આવી સહજ રીતે લીધી?’

ફરિયાદી ફરિયાદ પાછી ખેંચી લે અને આરોપી ખોટી ફરિયાદ કરવા બદલ મારે કોઈ પગલાં નથી લેવાંએવું જણાવે એવા કિસ્સામાં અમે શું કરી શકીએ?’

ફરિયાદી માઇનર હતી. તમારી ફરજ હતી કે તમે પૂરતી તપાસ કરો. ફરિયાદ ખોટી છે એવું એ યુવતીએ કહ્યું અને તમે કંઈ જ પગલાં ન લીધાં?’

એ છોકરી માઇનર નહોતી.

તમારી સ્ટેશન ડાયરીમાં જણાવવામાં આવ્યું છે કે આધાર કાર્ડ એની ઉંમર સોળ વર્ષની દર્શાવે છે. એ દલિત જાતિની છે એનું સર્ટિફિકેટ પણ એણે તમને દેખાડ્યું હતું. એનું શું?’

હા, હા, પણ એણે એવું કબૂલ્યું હતું કે આધાર કાર્ડ કે દલિત જાતિનું સર્ટિફિકેટ બંને ખોટાં છે.

વાહ! એણે કહ્યું અને તમે માની લીધું? આ પોલીસ સ્ટેશનના વડા તરીકે તમારી ફરજ હતી કે એ છોકરી સગીર વયની છે કે નહીં, દલિત જાતિની છે કે નહીં એની તમારે પૂરતી તપાસ કરવી જોઈતી હતી અને એની મેડિકલ તપાસ કરાવવાની પણ તમારી ફરજ હતી.

એ છોકરીએ જ જ્યારે એની ફરિયાદ પાછી ખેંચી લીધી. એવું જણાવ્યું કે એના ઉપર બળાત્કાર કરવામાં આવ્યો જ નહોતો. પછી અમારે વધુ પંચાત કરવાની જરૃર ક્યાં હતી?’

Related Posts
1 of 29

વાહ! વાહ! શિંદે! દલીલો કરવામાં તમે ઍડ્વોકેટોને પણ થાપ ખવડાવો એવા છો.

જુઓ મૅડમ, તમે એક પત્રકાર છો એટલે તમને અમે અમારા રેકૉર્ડ જોવાની છૂટ આપી. એનો અર્થ એવો નથી થતો કે તમે અમારી સામે ગમે તેવા આક્ષેપો કરો. આ આખો કેસ હવે બંધ થઈ ગયો છે. તમને જો એવું લાગતું હોય કે દાળમાં કશું કાળું છે તો તમે એ ફરિયાદી યુવતીનો સંપર્ક કરી શકો છો. પેલા માણસની સામે એની પાસે ફરીથી ફરિયાદ કરાવી શકો છો.

મારે શું કરવું અને શું નહીં એ હું બરાબર જાણું છું. પોલીસ સ્ટેશનમાં છ કલાકના સમયગાળામાં શું શું થઈ શકે છે એની પણ મને બરાબર ખબર છે અને એ આરોપી કોણ અને કેવો છે એની મને ખબર પડી ગઈ છે. ઓકે. સ્ટેશન ડાયરી જોવા દેવા બદલ આભાર. કૉફી ઑફર કરવા બદલ ખૂબ ખૂબ આભાર.

ધૂંવાંપૂંવાં થતી અચલા પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી. એ જાણી ગઈ હતી કે દલિત જાતિની એ સોળ વર્ષની છોકરીને પેલા ક્રિમિનલ લૉયરે પહેલાં તો સહાનુભૂતિ દેખાડી હશે. પછી ધમકાવી હશે. છેલ્લે પાંચ-પંદર લાખ રૃપિયાની લાલચ આપી હશે. હવે એ યુવતી એના ઉપર બળાત્કાર આચરનાર સામે ફરિયાદ કરવા તૈયાર નહીં થાય.

આખી વાતનો તાળો મળી જતાં અચલાનો પુરુષ જાતિ પ્રત્યેનો દ્વેષ વધુ ભભૂકી ઊઠ્યો. બધા જ પુરુષો એકસરખા જ પશુઓ હોય છે. સત્યેન શાહે જેમ એની પોઝિશનનો લાભ લઈ પાંચ-પાંચ સ્ત્રી પર બળાત્કાર કર્યો તેમ જ આ પુરુષે પણ એક સોળ વર્ષની નાદાન કિશોરીને રંજાડી. અચલાને આખી પુરુષ જાતિ પર તિરસ્કાર છૂટ્યો. આવા લોકોને તો બરાબર પાઠ ભણાવવા જોઈએ, પણ હવે આ કિશોરીને પાંચ-પંદર લાખ રૃપિયા પેલી વ્યક્તિએ આપ્યા હશે. કદાચ એનો ક્રિમિનલ લૉયર એ છોકરી આગળ મારી ભૂલ થઈ હતી, મને કોઈએ ચઢાવી હતી એટલે મેં ખોટી ફરિયાદ કરી હતીએવી મતલબનું સોગંદનામું પણ લખાવી લેશે. એને હવે બે-પાંચ લાખ રૃપિયા આપીને એ ઍડ્વોકેટ મુંબઈની બહાર કોઈ અજાણી જગ્યાએ નોકરીમાં ગોઠવી દેશે, જેથી કોઈ એનો પત્તો પણ મેળવી ન શકે. આ કિસ્સામાં હવે વધુ ખણખોદ કરવી નિરર્થક હતી, પણ અચલાએ મનોમન નિશ્ચય કર્યો કે એ સત્યેન શાહને તો પાતાળમાંથી પણ શોધી લાવશે અને એણે કરેલા ગુનાની સજા અપાવશે.

* * *

સર… મને તો પાક્કી ખાતરી છે કે એ છોકરીને પટાવી લેવામાં આવી છે. હું જ્યારે પોલીસ સ્ટેશનમાં પહોંચી ત્યારે એ છોકરી અને આરોપીનો ઍડ્વોકેટ સિનિયર ઇન્સ્પેક્ટરની રૃમમાં બેસીને વાતો કરતા હતા. આરોપી તો હજુ પોલીસ સ્ટેશનમાં આવ્યો પણ નહોતો. એક-દોઢ કલાક એમની વાત ચાલી હતી અને પછી એસ.આઈ.એ ડ્યૂટી ઓફિસરને એની રૃમમાં બોલાવીને કહ્યું હતું, ‘આ છોકરીએ ફરિયાદ ખોટી કરી છે. કોઈએ એને હાથ સુદ્ધાં નથી અડકાડ્યો. એ બાવીસ વર્ષની બ્રાહ્મણ જાતિની છે. એણે રિઝર્વેશનનો લાભ લેવા દલિત જાતિનું ખોટું સર્ટિફિકેટ મેળવ્યું છે અને એનું આધાર કાર્ડ પણ ખોટું છે. એ ફરિયાદ પાછી ખેંચી લે છે અને આ સજ્જન…આટલા સમયમાં આરોપી પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યો હતો. આ સજ્જન એમની સામે ખોટી ફરિયાદ કરવા બદલ કોઈ પગલાં લેવાં નથી ઇચ્છતા. એટલે તમે કેસ ક્લોઝ કરી દો.

પોલીસ સ્ટેશનમાંથી નીકળીને

જાગૃતિ સીધી અટલના ઘરે પહોંચી હતી અને એણે એના મનમાં જે વાત ઘોળાતી હતી એ અટલને જણાવી.

સાલા, નાલાયક, નપાવટ…અટલે જોરથી એનો હાથ એના સ્ટુડિયો ઍપાર્ટમેન્ટમાં મૂકેલ ટેબલ ઉપર પછાડ્યોઃ નક્કી પેલા ક્રિમિનલ ઍડ્વોકેટે એ છોકરીને પાંચ-દસ લાખ રૃપિયા સરકાવ્યા હશે. એસ.આઈ.ને પણ બે-પાંચ લાખ રૃપિયા અન્ડર ધ ટેબલ આપ્યા હશે. એટલે એસ.આઈ.એ જ તારી બદનામી થશે. કેસ દસ વર્ષ સુધી ચાલશે. ખોટા સાક્ષી ઊભા કરીને આ સજ્જન તો છૂટી જશે અને બધા તારી ઉપર થૂ… થૂ કરશે. સૌથી પહેલાં તો તને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે અને કોઈ તને નોકરીમાં નહીં રાખેઆવી ધમકી આપીને કમ્પ્લેઇન પાછી ખેંચાવી હશે. આવા એસ.આઈ.ને કારણે જ લોકો પોલીસમાં ફરિયાદ કરતાં ખચકાય છે. આ કિસ્સામાં તો તું કહે છે એમ એ પુરુષે ખરેખર એ છોકરીને રંજાડી હશે, પણ સત્યેન શાહના કિસ્સામાં મને ખાતરી છે કે એમની સામે કરવામાં આવેલ ફરિયાદો ખોટી છે. કોઈ ખાસ ઇરાદાપૂર્વક એમને બદનામ કરવામાં આવ્યા છે.

પણ સર… સત્યેન શાહ આમ એકાએક ક્યાં ચાલ્યા ગયા? એમના ગુમ થવા પાછળનું રહસ્ય શું છે?

આપણે એ જ શોધવાનું છે.આ સાંભળતાં જ જાગૃતિ ચોંકી અને અટલે જે શબ્દ વાપર્યો હતો એ સમજ્યા બાદ મલકી ઊઠી.

સર, હમણા તમે જે આપણેશબ્દ વાપર્યો એ મને ખૂબ જ ગમ્યો. હું તમારી સાથે કામ કરવા ખૂબ જ આતુર છું અને એટલે તો અહીં આવી છું.

બસ, તો આ લે… મેં સત્યેન શાહના કેસમાં સત્ય જાણવા શું શું કરવું જોઈએ એની એક યાદી બનાવી છે. તું એ જોઈ લે અને કામ પર લાગી જા.

ઓકે… સર.ભાવતુંતું અને વૈદે કહ્યું એવું થયું એટલે જાગૃતિ ખુશ થઈ ગઈ. અટલ જોડે કામ કરવા મળશે, એમની નિકટ રહેવા મળશે એ વિચારે એનું મોઢું હસું હસું થઈ ગયું.

અને હા… તું મારા માટે કામ કરે છે એ વાતનો અણસાર સુદ્ધાં કોઈને ન આવવો જોઈએ.જાગૃતિના મલકતા મુખ સામે જોઈ ખૂબ જ ગંભીર બની જઈને અટલે કહ્યું.

કેમ, સર?’ જાગૃતિને અટલના શબ્દોથી હતાશા ઊપજી. એ તો પત્રકારજગતમાં તુરંત જ એનાઉન્સ કરવા ઇચ્છતી હતી કે એ હવે અટલ જોડે કામ કરે છે.

કારણ કે મેં એવો વ્યૂહ રચ્યો છે, જેમાં આપણે બંનેએ એકબીજાના પ્રતિસ્પર્ધી અને દુશ્મન બની જવાનું રહેશે.

* * *

તૈમૂર, તમે તો ગજબ છો. સાલા પેલા સત્યેનને પહેલાં તો પાંચ-પાંચ સ્ત્રીઓનું જાતીય શોષણ કરવા બદલ બદનામ કરી દીધો. પછી એને ગુમ કરી દીધો. એ છે ક્યાં? તમે એને કિડનૅપ કર્યો છે કે પછી કિલ?’

દુબઈના ડૉન પાસે પોતાનો હરખ પ્રદર્શિત કરતાં નિયમ મુજબની સવારની વાતચીતમાં આરજેએ પૂછ્યું.

તું તારે કેરી ખા ને, ગોટલા ગણવાની શું જરૃર છે?’

હા, હા, એ સત્યેનનું અપહરણ કરવામાં આવ્યું હોય કે એનું મર્ડર કરવામાં આવ્યું હોય, મારે શું? મારે તો ટાઢે પાણીએ ખસ ગઈ. પણ તૈમૂર, સાલું આ જિજ્ઞાસાનું એવું છે કે જ્યાં સુધી તમારા સવાલનો જવાબ ન મળે ત્યાં સુધી એ તમને કોરી ખાય છે. મને કહે તો ખરો કે સત્યેનનું તેં કર્યું શું છે?’

સાચું કહું? મને પણ ખબર નથી!

એટલે?’

એટલે એમ કે મેં નથી સત્યેનનું અપહરણ કરાવ્યું કે નથી મર્ડર કરાવ્યું.

હેં! તો પછી સત્યેન ગુમ કઈ રીતે થઈ ગયો?’

મને લાગે છે કે પાંચ-પાંચ સ્ત્રીએ એના ઉપર જે આક્ષેપો કર્યા છે એના લીધે એ ગભરાઈને ભાગી ગયો છે.

પણ તૈમૂર, તેં સોગઠી આબાદ મારી. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ પાંચ-પાંચ સ્ત્રીઓ પાસે તેં ખોટેખોટા આક્ષેપો કરાવ્યા અને બાપડાને ભીંસમાં લઈ લીધો.

પાંચ નહીં. મેં ચાર સ્ત્રીઓ આગળ જાતીય શોષણના ખોટા આક્ષેપો કરાવ્યા હતા.

વ્હૉટ? એટલે એ પાંચમીનો આક્ષેપ સાચો હતો! ખરેખર સત્યેન શાહ જેવી વ્યક્તિ આવું કૃત્ય આચરી શકે?’

અમેરિકાનો પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન પણ મોનિકા લેવન્સ્કી સામે ઢળી પડ્યો હતો. આ સત્યેનનું શું ગજું? એ પણ લપસી ગયો હશે?’

તૈમૂર, એ પાંચમી સ્ત્રી જેના ઉપર સત્યેને ખરેખર બળાત્કાર કર્યો હતો એ કોણ છે?’

સાલુ, મને પણ એ જ સવાલ મૂંઝવે છે.‘ ‘કેમ? બાકીની ચાર સ્ત્રીઓ કોણ હતી એ તો તને ખબર હશે જ ને? તેં જ એમની પાસે ખોટા આક્ષેપો કરાવ્યા છે ને?’

આરજે તને શું એમ લાગે છે કે હું આ બધાં કામો જાતે કરું છું? અરે મેં તો ઑર્ડર આપી દીધેલો કે આ સત્યેન શાહની સામે બે-ચાર સ્ત્રીઓ પાસે એણે અમારી ઉપર જાતીય શોષણ કર્યું છે એવા ખોટા આક્ષેપો કરાવો. મારા માણસોએ એ માટે કઈ કઈ સ્ત્રીઓને સાધી હતી એની મને જાણ નથી. તારી જેમ જ મેં પણ મારા માણસને પૂછ્યું હતું કે આપણે જેની પાસે ખોટા આક્ષેપો કરાવ્યા છે એ ચાર સ્ત્રીઓ આ પાંચમાંની કઈ છે?’

હા, હા, તો તારા માણસે તને એમનાં નામો આપ્યાં હશે ને?’

અરે ત્યાં જ પંચાત છે. એ આવું કામ એકલા હાથે થોડું કરે? એણે બીજાને અને બીજાએ ત્રીજાને આમ વાયા વાયા આ કામ ડેલિગેટ થયું હતું. આવું કામ જેની પાસે અમે કરાવીએ એમને અમારી જાણ ન હોય અને અમને એમની. એમાં જ બંનેની સલામતી સચવાય. આ ઉપરાંત, એ લોકો કામ પત્યા પછી છ-બાર મહિના અન્ડરગ્રાઉન્ડ થઈ જાય. એટલે સાલી આ પાંચ સ્ત્રીઓમાંથી એક સાચ્ચી છે એ કોણ છે, બીજી ચાર આપણે ચઢાવેલ ખોટી કોણ છે, એની મને ખબર જ નથી.

ઓહ માય ગૉડ! પણ જવા દેને તૈમૂર, આપણે એ પાંચમાંથી સાચી કોણ છે એ જાણવાની જરૃર જ શું છે. આપણે તો એમ જ માનવાનું કે પાંચેય સાચી છે.

હા, હા, પણ એ સત્યેનનો બચ્ચો ગયો ક્યાં છે? એના ઘરવાળા અને મુંબઈની પોલીસ બંને એની શોધખોળમાં નિષ્ફળ ગયા છે. મારા માણસો સુદ્ધાં સત્યેન શાહનો પત્તો મેળવી નથી શક્યા. એ છે ક્યાં? મુંબઈમાં છે? ઇન્ડિયામાં છે? ઇન્ડિયાની બહાર છે? બહાર હોય તો કયા દેશમાં છે? અરે, જીવતો છે કે કોઈએ એનું કાટલું કાઢી નાખ્યું છે? એણે જાતે જ પોતાનો જીવ લઈ નથી લીધો ને? કંઈ જ ખબર નથી. સત્યેન શાહ હવામાં ઓગળી ગયો છે!

જવા દેને તૈમૂર, એ જીવતો હશે કે મરેલો, આપણા રસ્તામાંથી તો નીકળી ગયો.

નહીં નહીં, આરજે. જો સત્યેન જીવતો હશે તો જરૃર એને આપણા કરતૂતોની જાણ થઈ હશે. એ ઉઘાડા પાડવા જ એ ગુમ થઈ ગયો હશે. આપણે બંનેએ સાવધ રહેવું પડશે.

(ક્રમશઃ)
———————–

Leave A Reply

Your email address will not be published.

Translate »