એ નાલાયક સત્યેન શાહે એ બપોરે મારી આબરૂ લૂંટી લીધી
એ નાલાયક સત્યેન શાહે એ બપોરે મારી આબરૃ લૂંટી લીધી અને એની નફ્ફટાઈ તો જુઓ
સત્-અસત્ – નવલકથા – પ્રકરણઃ 9
લે. – સંગીતા-સુધીર
વહી ગયેલી વાર્તાનો સાર….
બધે બસ એક જ ચર્ચા હતી, સત્યેન શાહ ક્યાં ગયા ?
સાવિત્રીએ ‘ગેટ આઉટ‘ કહેતાં અટલે સત્યેન શાહના બંગલાની બહાર નીકળી જવાનું મુનાસિબ માન્યું. બીજી તરફ બહાર ઊભેલા ટોળાનો કોલાહલ બંગલાની અંદર પણ સંભળાઈ રહ્યો હતો. ટોળું ફૂટપાથ અને રસ્તા પર ઊભા રહીને નારા લગાવતું હતું. ત્યાંથી પસાર થતા કારચાલકો, રાહદારીઓ અને બાજુના બંગલામાં રહેતા લોકો પણ કુતૂહલવશ ‘મધુરિમા‘ આગળ ઊભા રહી ગયા હતા. સત્યેન શાહ આવી સ્થિતિમાં પ્રેસ કૉન્ફરન્સમાં કેવી રીતે હાજર રહેશે અને પોતે તેમને મળી શક્શે કે કેમ તેવા વિચારોથી અટલ દ્વિધામાં મુકાયો. એટલામાં ત્યાં પોલીસ વાન આવી પહોંચી. હવે સત્યેન શાહ બંગલાની બહાર નીકળી ઓફિસ પહોંચશે તેમ વિચારી અટલ બાઇક લઈને એસ.એસ. હાઉસના સાતમા માળે પાછો ફર્યાે. અહીં અચલા ઉપરાંત અન્ય રિપોર્ટરો કૉન્ફરન્સ રૃમના ટેબલની આસપાસ ગોઠવાયા હતા. સત્યેન શાહ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ આવું કૃત્ય કેવી રીતે કરી શકે તેની સૌ ચર્ચા કરતા હતા. તો કેટલાક રિપોર્ટર સત્યેન શાહ નિર્દાેષ હોવાની અને બિઝનેસની હરીફાઈમાં આવા આક્ષેપો થયા હોવાની વળતી દલીલો કરતા હતા. પાંચેય સ્ત્રીઓ આટલો સમય મૌન કેમ રહી તેવા સવાલો પણ ચર્ચા દરમિયાન ઊઠતા હતા. આ બધી સ્ત્રીઓને હવે તેમના પતિ ત્યજી દેશે તેવી વાતો પણ થતી હતી. જોકે, સત્યેન શાહ હજુ સુધી પ્રેસ કોન્ફરન્સમાં કેમ નથી પહોંચ્યા તે વાતે બધા રિપોર્ટરો અધીરા થયા હતા. દરમિયાન અટલનું અચાનક આમ પાછું ફરવું અચલાને વિચિત્ર લાગ્યું. અચલાએ તાલાવેલી સંતોષવા અટલને પૂછી પણ જોયું, પરંતુ અટલે અધૂરો જવાબ આપ્યો. આથી અચલા વધારે અકળાઈ. દરમિયાન સત્યેન શાહની સેક્રેટરીએ સત્યેન શાહ ઘરેથી નીકળી ગયા છે, પરંતુ હજુ સુધી અહીં પહોંચ્યા નથી તેવી જાહેરાત કરી સૌને ધીરજ રાખવાની વિનંતી કરી. બીજી તરફ મધુરિમા બંગલાની બહાર ટોળાંનો શોરબકોર વધતાં સાવિત્રીએ સત્યેન શાહના બેડરૃમમાં તપાસ કરી, પણ સત્યેન શાહ ત્યાં ન હતા. બંગલામાં અને બીજા બધાં જ સ્થળોએ ફોન કરી તપાસ કરી જોઈ, પણ સત્યેન શાહની ભાળ ન મળતાં ઘરના લોકો ચિંતામાં પડ્યા.
બહાર ટોળું પણ શાંત થઈ ફૂટપાથ પર બેસી ગયું હતું. આ તરફ એસ.એસ. હાઉસના કૉન્ફરન્સ રૃમમાં રિપોર્ટરો અકળાઈ ગયા હતા. સત્યેન શાહ સાથે કંઈક અણધાર્યું બન્યું હશે તેવી ચર્ચાઓ થવા લાગી હતી. આવામાં વાતે વળગેલા રિપોર્ટરો બીયરના બાદશાહ અજ્ય મોતાનો ઇન્ટરવ્યૂ કરવા છેક ઇંગ્લેન્ડ સુધી જઈ આવનારી અચલાએ અત્યાર સુધી પાંચેયમાંથી એક પણ મહિલાનો ઇન્ટરવ્યૂ કેમ નથી કર્યાે તેવા સવાલો ઉઠાવી તેની મજાક ઉડાવવા લાગ્યા. આ ચર્ચાઓ વચ્ચે અચલા અજય મોતાનો ઇન્ટરવ્યૂ કર્યા સિવાય કેમ પાછી આવી ગઈ તે જાણવાની અટલને પણ ઇંતેજારી થઈ. આ દરમિયાન બધા રિપોર્ટર ‘અગ્નિપથ‘ મૅગેઝિનમાં જાગૃતિ જોશીએ કરેલો મહેક મોમિનનો ઇન્ટરવ્યૂ વાંચવા લાગ્યા.
હવે આગળ વાંચો…
જાગૃતિ જોશીએ કરેલો અભિનેત્રી મહેક મોમિનનો ઇન્ટરવ્યૂ વાંચવાને બદલે એ ચારેય રિપોર્ટરો ‘અગ્નિપથ‘ મૅગેઝિને છાપેલ મહેક મોમિનનો વીસ વર્ષ પહેલાંનો અને જાગૃતિ જોશીનો હાલનો, આ બે ફોટા જોવા લાગ્યા. ચારેચારનાં મનમાં, ‘જો ચાન્સ મળે તો કોઈ પણ વ્યક્તિ આ બેઉં સ્ત્રીઓ ઉપર જાતીય શોષણ કરવાનું ન છોડે‘ એવા પુરુષ સહજ વિચારો એમને આવ્યા.
‘ફોટા જોવાનું છોડો અને રિપોર્ટ વાંચો.‘ જાગૃતિની ટકોર સાંભળતાં એમણે વાર્તાલાપ રૃપે જે ઇન્ટરવ્યૂ છાપવામાં આવ્યો હતો એ વાંચવાનું શરૃ કર્યું.
‘આજથી બરાબર વીસ વર્ષ પહેલાંની આ વાત છે.‘
ઇન્ટરવ્યૂની શરૃઆત કરતાં અભિનેત્રી મહેક મોમિને રિપોર્ટર જાગૃતિ જોશીને જણાવ્યું.
‘એ સમયે આપની ઉંમર કેટલી હતી?’
‘ત્યારે તો હું માંડ….‘ મહેક એની ઉંમર કહેતાં અટકી ગઈ. એણે જાગૃતિને એક સ્મિત આપ્યું અને કહ્યુું, ‘તમે જ અટકળ કરોને કે વીસ વર્ષ પહેલાં મારી ઉંમર કેટલી હશે?’
‘અઅઅ… તમે અત્યારના ત્રીસનાં દેખાવ છો. એટલે મને લાગે છે કે તમારી ઉંમર દસ વર્ષની હશે.‘
હા…હા…હા… બંને સ્ત્રીઓ એકમેકના સવાલ-જવાબની ચતુરાઈ ઉપર એકસાથે હસી.
‘મિસ મહેક, તમે થોડા દિવસ પહેલાં જ એવું જાહેર કર્યું કે મિસ્ટર સત્યેન શાહે વીસ વર્ષ પહેલાં મિસિસ મયૂરીની જેમ જ તમારું પણ જાતીય શોષણ કર્યું હતું તો આટલાં વર્ષો સુધી તમે ચૂપ કેમ રહ્યાં? હમણા મિસિસ મયૂરીએ સત્યેન શાહ ઉપર આક્ષેપ કર્યો એ પછી જ તમે એમની સાથે જોડાયાં.‘
‘તું એક સ્ત્રી છે. ભલે ઉંમરમાં હજુ બહુ નાની છે, પણ આ વાત તું બરાબર સમજી શકશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેં હજુ પ્રવેશ કર્યો નહોતો. મારી એ પ્રથમ ફિલ્મ હતી. એ વખતે એ ફિલ્મના ફાઇનાન્સર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા જ હુ ઈઝ હુ જેને ખૂબ જ માન આપતા હતા એવી વ્યક્તિએ મારું જાતીય શોષણ કર્યું છે એવું જો મારે કોઈને કહેવું હોય તો હું કોને કહું? મારું કોણ સાંભળે? અને જો હું સત્યેન શાહ જેવી વ્યક્તિ સામે આવો આક્ષેપ કરું તો માંડ-માંડ ફિલ્મમાં જે ચાન્સ મળ્યો હતો એ પણ હું ગુમાવી દઉં. પછી મારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ભૂલી જવી પડે.‘
‘એટલે તમે તમારા નિજી સ્વાર્થ ખાતર એ સમયે એ વાત જાહેર કરી નહોતી. આજે તમારો એવો કયો નિજી સ્વાર્થ છે, જેને કારણે તમે વીસ વર્ષ પછી એ વાત જાહેર કરી છે?’
‘જુઓ, આમાં નિજી સ્વાર્થની વાત નથી. વાત સર્વાઈવલની હતી. હું નાની, નાદાન, કોઈ પણ પ્રકારની લાગવગ ન ધરાવતી ગરીબ ઘરની યુવતી હતી. કેટલી જહેમત પછી મને એક ચાન્સ મળ્યો હતો. સાથે-સાથે થોડા પૈસા પણ મળ્યા હતા. જો હું સત્યેન શાહ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ કરું તો સૌ પહેલાં મારી વાત કોઈ માનત જ નહીં. મને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવત. મારે ફરી પાછા ભૂખે મરવાના દિવસો આવત. એ સમયે મારે એટલે મૂંગા રહેવું પડ્યું હતું. મારી મજબૂરી હતી, સ્વાર્થ નહોતો.‘
‘પણ તમારી તો પહેલી ફિલ્મ જ હિટ થઈ ગઈ હતી. હું ભૂલતી ન હોઉં તો ઍક્ટિંગ માટે તમને એ વર્ષનો ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો. એ પછી ઉપરાઉપરી આઠ-દસ ફિલ્મ તમે ખૂબ જ મોટી ફી લઈને સાઈન કરી હતી. વર્ષ પછી તમારા સર્વાઈવલનો સવાલ નહોતો. એક વર્ષમાં તો તમે મીરા રોડથી મુંબઈ, બાન્દ્રાના પાલી હિલ રોડ ઉપર રહેવા આવી ગયાં હતાં તો પછી ત્યારે તમે કેમ ફરિયાદ ન કરી?’
‘કોને કરું? જે સાત પ્રોડ્યુસરોએ મને સાઈન કરી હતી એ બધાના જ ફાઇનાન્સર સત્યેન શાહ હતા. એમની ડિસ્ટ્રિબ્યુશન કંપનીમાં પણ સત્યેન શાહ સીધી યા આડકતરી રીતે ભાગીદાર હતા. એ વખતે મારી પહેલી ફિલ્મ જે થિયેટરમાં ચાલતી હતી અને સિલ્વર જ્યુબિલી ભણી જઈ રહી હતી એ થિયેટરના માલિક સત્યેન શાહ હતા. જો હું એમની વિરુદ્ધ કંઈ પણ બોલત તો મારી ફિલ્મ એ થિયેટરમાં દેખાડવાનું બંધ થઈ જાત. જે પ્રોડ્યુસરોએ મને સાઈન કરી હતી એ બધા સાઇનિંગ એમાઉન્ટ પાછી માગી લેત. કોઈ ડિસ્ટ્રિબ્યુટર મારી ફિલ્મ લેવા તૈયાર ન થાત. હકીકતમાં મારી સફળતા બાદ મારી મજબૂરી વધુ ગાઢ બની હતી.‘
‘અચ્છા?’
‘હા, તમને બધાંને એવું લાગે છે કે અમે ઍક્ટરો ખૂબ જ કમાઈએ છીએ અને મનફાવે તેમ વર્તી શકીએ છીએ. તમારા બધાંની એ માન્યતા સાવ ખોટી છે. અમારી જાહોજલાલી ભ્રામક છે. ઝાંઝવાનાં જળ છે. હકીકતમાં અમે ચારેય બાજુથી ભીંસાયેલાં હોઈએ છીએ. ફાઇનાન્સરો, પ્રોડ્યુસરો, ડિસ્ટ્રિબ્યુટરો, ડિરેક્ટરો, કૅમેરામેન, મેકઅપમેન, અરે સ્પૉટબૉય સુદ્ધાં, થિયેટરના માલિકો અને પ્રેક્ષકો, અમારે આ બધાનો ખ્યાલ રાખવો પડે છે. કોઈ એકની નારાજગી અમે વ્હોરી ન શકીએ. અમારી લોકપ્રિયતા ક્યારે ઓસરી જાય એ કહી ન શકાય. હરહંમેશ અમે ટેન્શનમાં જ હોઈએ. ગમે કે ન ગમે અમારે બધાને જ ખુશ રાખવા પડે. જો હું એવું જાહેર કરત કે સત્યેન શાહે મારું જાતીય શોષણ કર્યું છે તો મારા પ્રેક્ષકો પણ સત્યેન શાહને બદલે મને વગોવત. ધંધાદારી રીતે મારે ફિલ્મોમાંથી ગેટ આઉટ થઈ જવું પડત. તમને ખબર નથી, મારા જેવી કંઈકેટલીય અભિનેત્રીઓ છે, ફિલ્મલાઈનમાં કામ કરતી સ્ત્રીઓ છે, જેઓ દિવસ-રાત આ ઇન્ડસ્ટ્રી જોડે સંકળાયેલ વ્યક્તિઓ, નાનાથી માંડીને મોટા સુધીના જાતીય શોષણનો ભોગ બનતી હોય છે. બધી જ પોતપોતાની મજબૂરીને કારણે મૂંગી રહેતી હોય છે.‘
‘એટલે તમને બીક હતી કે તમારી વાત કોઈ માનશે નહીં. તમે જો સત્યેન શાહ સામે આક્ષેપ કરશો તો ઇન્ડસ્ટ્રીમાંથી ફેંકાઈ જશો. તમારા પ્રેક્ષકો, તમારો ચાહકવર્ગ તમને તરછોડી દેશે.‘
‘હા… હા. મારા જેવી મોટા ભાગની સ્ત્રીઓને આવી વાતો સતાવતી હોય છે. આવી બીકને કારણે જ અમારે મૂંગા રહેવું પડે છે.‘
‘પણ મિસ મહેક, છેલ્લાં થોડાં વર્ષોથી તમારી ફિલ્મના પ્રોડ્યુસર મિસ્ટર તેજાની સાથે તમે લિવ-ઇન-રિલેશનશિપમાં રહો છો. તમને એ કારણે બદનામીનો ભય ન લાગ્યો? સૉરી, તમારી ખૂબ જ અંગત બાબત મેં છેડી છે, પણ સત્યેન શાહ સામે તમે જે જાતીય શોષણનો આરોપ મૂક્યો છે એ પણ તમારી અંગત બાબત જ છે ને?’
‘જુઓ, તેજાની જોડેના મારા સંબંધો એકબીજાની મરજીને કારણે છે અને લિવ-ઇન-રિલેશનશિપ તો આજે વિશ્વમાં બધે જ છે.‘
‘હા… હા. પણ મિસ્ટર તેજાની તો પરણેલા છે. ત્રણ ત્રણ ઉંમરલાયક સંતાનોના પિતા છે.‘
‘તો શું થયું? પરિણીત પુરુષ અને પિતા બનેલા પુરુષને એમની પોતાની અંગત ઇચ્છાઓ ન હોય? બહુપત્નીત્વ આપણા દેશમાં હતું જ ને? આપણા રાજા-રાજવીઓ જુઓ. અરે, આજના મુસલમાનોને જુઓ. કોણ એકથી વધુ સ્ત્રી જોડે સંબંધ નથી રાખતું? અને આ મામલો તો અમારા છ જણ વચ્ચે છે. હું કંઈ હોમબ્રેકર સાબિત નથી થઈ. તેજાનીની પત્ની કે સંતાનોએ અમારા સંબંધનો વિરોધ નથી કર્યો અને તેજાનીએ કંઈ મારા ઉપર જબરજસ્તી નથી કરી. હું એમની જોડે લિવ-ઇન-રિલેશનશિપમાં મારી મરજીથી રહું છું. જ્યારે સત્યેન શાહે મારી મરજી વિરુદ્ધ, મારા ઉગ્ર વિરોધ છતાં બળજબરીથી મારું જાતીય શોષણ કર્યું હતું. તને ખબર છે એ સમયે હું તો સાવ અનટચ કુંવારી હતી. સત્યેન શાહે મને એમની જોડે સંભોગ કરવા માટે વિવશ કરી હતી. ધાકધમકીથી, જોરજુલમથી, બળાત્કાર કરીને એમણે મારું શિયળ લૂંટ્યું હતું.‘
‘એક્ચ્યુલી, બન્યું શું હતું?’
‘મારી સ્કૂલના એન્યુલ-ડેના દિવસે ભજવાયેલ એક નૃત્યનાટિકામાં મેં ભાગ લીધો હતો. એ સમારંભના મુખ્ય મહેમાન એ સમયના ટોચના ડિરેક્ટર દેવદત્ત હતા. એમને મારો અભિનય તેમ જ નૃત્ય ખૂબ જ પસંદ પડ્યાં. જોગાનુજોગ ત્યાર બાદ એકાદ વર્ષમાં જ એમને એક નવી ફિલ્મ ડિરેક્શન માટે સોંપાઈ. એની હીરોઇન એક સ્કૂલમાં જતી છોકરી હતી. જે ઍક્ટ્રેસને એ રોલ માટે પસંદ કરવામાં આવી હતી એ હતી તો ખૂબ જ પ્રખ્યાત અને કાબેલ ઍક્ટ્રેસ, પણ ઉંમરમાં મોટી હતી. એક શાળાની છોકરી તરીકે એ બંધબેસતી નહોતી. એ ડિરેક્ટરને હું યાદ આવી. એમણે મને બોલાવી. ‘મારી ફિલ્મમાં કામ કરીશ?’ એવો પ્રશ્ન કર્યો.‘
‘પછી?’
‘ત્યાં સુધીમાં મેં તો ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ સ્ટ્રગલ કરી લીધી હતી. મને જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ના પાડવાનો સવાલ જ નહોતો. મારા ફાધર બે વર્ષ પહેલાં જ લાંબી માંદગી ભોગવીને ગુજરી ગયા હતા. મારી મધરને કોઈ કામ આપતું ન હતું. અમે ઘરનું રાચરચીલું અને વાસણો વેચીને પેટનો ખાડો પૂરતાં હતાં. ડિરેક્ટરે પ્રોડ્યુસરને સમજાવ્યા, પેલી હીરોઇનને જે રકમ આપવાની હતી એનાથી દસમા ભાગની રકમમાં હું કામ કરીશ એવું એણે પ્રોડ્યુસરને જણાવ્યું. એ પણ જણાવ્યું કે હું સારી ઍક્ટ્રેસ છું અને પાત્રને યોગ્ય ન્યાય આપી શકીશ. પ્રોડક્શન કોસ્ટમાં ખૂબ જ ઘટાડો થતો હતો એટલે પ્રોડ્યુસર માની ગયો.‘
‘વાહ. તમારું નસીબ સારું હતું.‘
‘ફિલ્મના ફાઇનાન્સર સત્યેન શાહ હતા. હું સાવ નવી છું એ જાણતાં એમણે મારો વિરોધ કર્યો. ફાઇનાન્સ આપવાની ના પાડી. ડિરેક્ટરે સત્યેન શાહને ખૂબ સમજાવ્યા. આખરે, ‘તમે આ છોકરીને મળો તો ખરા. એને જુઓ, એની આગળ ડાયલોગ્સ બોલાવી જુઓ, અભિનય કરાવી જુઓ. પછી યોગ્ય લાગે તો જ આપણે એને સાઈન કરશું.‘
ડિરેક્ટરના આગ્રહને માન આપીને સત્યેન શાહે મને મળવાનું ઠરાવ્યું. તેઓ સ્ટુડિયોમાં આવ્યા. મારી ઑડિશન ટેસ્ટ જોઈ. એનાથી એમને સંતોષ થયો. મને પ્રત્યક્ષ જોવાની ઇચ્છા દર્શાવી. હું સ્ટુડિયોમાં એમને ત્રણ-ચાર વખત મળી. એમણે કહેલ ડાયલોગ્સ બોલી સંભળાવ્યા. બે-ચાર સીન પણ ભજવીને દર્શાવ્યા. ‘હું વિચાર કરીને જણાવીશ‘ એવું કહીને એમણે વાતને અભરાઈએ ચડાવી દીધી. આખરે ડિરેક્ટરના કહેવાથી હું એમને એમની ઑફિસમાં મળવા ગઈ. એમનો શું નિર્ણય છે એ પૂછ્યો.
‘હું જ્યારે એમને એમની ઑફિસમાં એકલી મળવા ગઈ હતી ત્યારે એમની નજર કંઈક જુદી જ હતી. એમણે મને સાંભળી. પછી ઊભા થઈને ટેબલની ફરતે ફરીને હું સામેની ખુરસીમાં બેઠી હતી ત્યાં આવ્યા. મારા જમણા ખભા ઉપર એમનો ડાબો હાથ મૂક્યો. જમણા હાથે એમણે મારી સાથે હસ્તધૂનન કર્યું, ‘મને લાગે છે કે તને અમારી ફિલ્મમાં લેવામાં વાંધો નથી. અમે જે હીરોઇનને સાઈન કરી છે એ નંબર વન છે, પણ ઉંમરમાં મોટી છે. આ પાત્ર એક સ્કૂલની છોકરીનું છે. એમાં એ બંધબેસતી નથી. એટલે દેવદત્તના કહેવાથી તને લેવાનો અમે વિચાર કર્યો છે, પણ તારે મને બે-ચાર વાર મળવું પડશે. તું એક કામ કર, નેક્સ્ટ સન્ડે તું શું કરે છે?’
‘કંઈ નહીં.‘ મેં જવાબ આપ્યો.
‘તો પછી તું બપોરના ત્રણેક વાગે અહીં આવ. તારો સ્કૂલનો યુનિફૉર્મ લઈને આવજે. સ્ક્રિપ્ટ પણ લઈ આવજે. મારે જોવું છે કે તું સ્કૂલના યુનિફૉર્મમાં કેવી લાગશે. ડાયલોગ કેમ બોલે છે.‘
‘પણ સર, મારો અભિનય તો તમે જોયો છે. મેં ઍક્ટિંગ પણ કરી છે અને ડાયલોગ પણ બોલી છું.‘
‘હા… હા, પણ હવે મારે ફાઇનલ ડિસિઝન લેવાનું છે. એટલે ફરી પાછું તારે આ બધું કરવાનું છે.‘
‘ગરજવાનને અક્કલ ન હોય. મને એ વખતે વિચાર ન આવ્યો કે સત્યેન શાહ મને રવિવારની બપોરના એમની ઑફિસમાં શા માટે બોલાવે છે?’
‘પછી…?’ જાગૃતિ જોશીએ મહેકની વાતમાં રસ દેખાડતાં ઉત્કંઠાપૂર્વક પૂછ્યું.
‘પછી શું? રવિવારની બપોરના હું સત્યેન શાહની ઑફિસમાં ગઈ. મકાનના ચોકીદાર સિવાય ઑફિસમાં કોઈ ન હતું. હું જેવી સત્યેન શાહની ઑફિસમાં દાખલ થઈ અને એમની સામેની ખુરસીમાં બેઠી કે એમણે બેઠાં બેઠાં ચાંપ દબાવીને જ ઑફિસમાં દાખલ થવાનો દરવાજો ઇલેક્ટ્રોનિક લૉકથી બંધ કર્યો. મને એ સમયે એ વાતનો ખ્યાલ નહોતો. થોડીક ઔપચારિક વાતો કર્યા બાદ એમણે મને એમની ઑફિસમાં જ એમના પ્રાઇવેટ બાથરૃમમાં કપડાં બદલી સ્કૂલગર્લનો ડ્રેસ પહેરીને આવવા જણાવ્યું. નિર્દોષપણે મેં એમ કર્યું. એમણે પછી મારી આગળ બે-ચાર ડાયલોગ્સ બોલાવ્યા, થોડી ઍક્ટિંગ કરાવી અને પછી,
‘વાહ, વાહ તું સારું કરે છે. અમે તને સાઈન કરશું, પણ એ પહેલાં તારે મને સાઈન કરવો પડશે.‘ એમ કહ્યું.
‘એટલે? સર, હું તમને કેવી રીતે સાઈન કરું?’ આશ્ચર્ય પામીને મેં સત્યેન શાહને એ વખતે પૂછ્યું.
‘જો, આમ.‘ એમ કહીને એમણે મને બાથ ભરી. બળ કરીને હું એમની ચુંગાલમાંથી છૂટી.
‘મને આવી રીતે બાથ ભરતાં તમારે શરમાવું જોઈએ.‘
‘મને ખરેખર શરમ આવે છે. એટલે જ તો મેં તને આજે બોલાવી છે, જેથી આપણને કોઈ જુએ નહીં અને કોઈની શરમ નડે નહીં.‘ હવે મને ધ્રાસકો પેઠો. ખ્યાલ આવ્યો કે આખી ઑફિસમાં નીચે ઊભેલા દરવાન સિવાય બીજું કોઈ નહોતું. એ વાતનો પણ ખ્યાલ આવ્યો કે ઑફિસનો દરવાજો સત્યેન શાહે લૉક કરી દીધો હતો.‘
‘પછી? પછી શું થયું?’
‘એક વ્યભિચારી, લંપટ પુરુષના સકંજામાં તમે સપડાવ, શારીરિક બળમાં એ તમારાથી અનેક ગણો વધારે હોય, તમારી ચીસો કોઈ સાંભળે એમ ન હોય અને સાંભળે તોય એ રૃમની અંદર પ્રવેશી શકે એમ ન હોય આવા સંજોગોમાં બીજું શું થાય? એ નાલાયક સત્યેન શાહે એ બપોરના મારી આબરૃ લૂંટી લીધી અને એની નફ્ફટાઈ તો જુઓ, કામક્રીડા પૂરી કર્યા બાદ જેમ કોઈ ડિરેક્ટર ફિલ્મનો સીન પરફેક્ટ અને પૂર્ણપણે પાર પડે પછી બોલે એમ એ બોલ્યોઃ
‘ગુડ ગોઈંગ, ગુડ જૉબ…‘
પછી સત્યેને મને ધમકી આપી, ‘જો આ સીનની જાણ કોઈને કરીશ તો તારા માઠા દિવસ શરૃ કરવામાં તારો જ હાથ હશે. પછી મારો વાંક નહીં કાઢતી. જેટલું મોં બંધ રાખીશ એટલી જ તારી કારકિર્દી સલામત રહેશે. તને ફિલ્મોના કૉન્ટ્રાક્ટ મળશે. જરાક જેટલું પણ મોં ખોલશે તો આ ફિલ્મમાંથી તો તને કાઢી મૂકવામાં આવશે જ, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પણ તું ગેટ આઉટ થઈ જશે.‘
‘બાપ રે! પછી શું થયું? આ વાત તમે આટલાં વર્ષો સુધી કોઈને કરી નહોતી?’
મિશ્રા અને અન્ય રિપોર્ટરો જેઓ રસપૂર્વક જાગૃતિ જોશીએ મહેક મોમિનનો ઇન્ટરવ્યૂ વાર્તાલાપ રૃપે એના મૅગેઝિનમાં લખ્યો હતો એ વાંચી રહ્યા હતા. તેઓ આગળ વધુ વાંચે ત્યાં જ સત્યેન શાહની સેક્રેટરી ફરી પાછી કૉન્ફરન્સ રૃમમાં આવી. બધા જ રિપોર્ટરોએ એકસાથે એને સવાલ કર્યોઃ
‘સત્યેન શાહ આવી ગયા?’
સેક્રેટરીનું મોઢું પડી ગયેલું હતું. એણે ઝીણા અવાજમાં સૌને જણાવ્યું, ‘સૉરી, સત્યેન શાહ આવ્યા નથી. તેઓ ક્યાં છે એનો પત્તો નથી. એમના બંગલામાંથી તેઓ ક્યારે બહાર નીકળ્યા? ક્યાં ગયા? એની કોઈને જાણ નથી. અમે બધે તપાસ કરી, પણ ક્યાંય એમનો પત્તો નથી. આપ સૌની હું માફી માગું છું. એમનું શું થયું હશે? તેઓ ક્યાં ગયા હશે? એની અમને સૌને ચિંતા થાય છે. જેવી મિસ્ટર સત્યેન શાહની ભાળ મળશે કે હુંં આપને એની જાણ કરીશ. હવે પછી પ્રેસ કૉન્ફરન્સ ક્યારે બોલાવાશે એ જણાવીશ.‘
‘નક્કી, મિસ્ટર સત્યેન શાહે આપઘાત કર્યો હશે. આવાં કાળાં કર્મો કરે પછી એ રિપોર્ટરોને મોઢું કેવી રીતે દેખાડી શકે?’ મિશ્રાએ સત્યેન શાહ વિશે કટુ વચનો વાપર્યાં.
‘મિસ્ટર મિશ્રા, જસ્ટ શટ અપ. કોઈના માટે આવું અમંગળ બોલતાં શરમ નથી આવતી?’ અચલાએ અત્યાર સુધી મિશ્રા પ્રત્યે દબાવી રાખેલો એનો ગુસ્સો પ્રગટ કર્યો.
‘યસ… યસ મિશ્રા, તમારી જબાન પર લગામ રાખો.‘ અટલને પણ મિશ્રાની ટકોર ગમી ન હતી એટલે એણે અચલાને સાથ આપ્યો.
‘મૅડમ, મિસ્ટર સત્યેન શાહને છેલ્લા કોણે, ક્યારે અને ક્યાં જોયા હતા?’ જાગૃતિ જોશીએ એક પોલીસ ઇન્સ્પેક્ટર જેમ સવાલ પૂછે એમ પ્રશ્ન કર્યો.
‘હા… હા. એના ઉપરથી તેઓ ક્યાં ગયા હશે એનું અનુમાન કરી શકાય.‘ કોઈ બોલ્યું.
‘છેલ્લે તો એમની વાઈફે એમને એમના જ બંગલામાં સૂવા જતાં પહેલાં જોયા હતા.‘ રિપોર્ટરોની જિજ્ઞાસા સંતોષતાં સેક્રેટરીએ કહ્યું.
‘એ વખતે એમની માનસિક સ્થિતિ કેવી હતી?’ બીજા કોઈએ પૂછ્યું. હવે સત્યેન શાહને બદલે એમની સેક્રેટરીનો ઇન્ટરવ્યૂ લેવાઈ રહ્યો હતો.
‘એ આખો દિવસ સત્યેન શાહે એમના બંગલામાં એમની લાઇબ્રેરી કમ ઑફિસમાં ગાળ્યો હતો. પછી સાંજના એમનાં વાઈફ જોડે તેઓ વરલી સી ફેસ ઉપર વૉક લેવા ગયા હતા. ફરી આવીને જમીને તેઓ એમના બેડરૃમમાં સૂવા ગયા હતા. ત્યાર બાદ તેઓ ક્યાં ગયા એની કોઈને જાણ નથી.‘
‘પણ આગલા દિવસે એમનો મૂડ કેવો હતો. તેઓ ચિંતામાં હતા?’ અંગ્રેજી અખબારના ચીફ રિપોર્ટર ડેનિયલ ફર્નાન્ડીસ જેઓ અત્યાર સુધી સાવ ચુપચાપ ખૂણાની એક ખુરસીમાં બેઠા હતા એમણે સવાલ કર્યો.
‘ના… ના. સાવિત્રી મૅડમના કહેવા મુજબ તેઓ સાવ નૉર્મલ હતા.‘
‘આજની પ્રેસ કૉન્ફરન્સ વિશે એમણે એમનાં વાઈફ જોડે કંઈ ચર્ચા કરી હતી?’ તંત્રી રાજેશે પ્રશ્ન કર્યો.
‘ના.‘
‘તમને ખબર છે? સત્યેન શાહના બંગલા ઉપર આજે એક મોરચો લઈ જવામાં આવ્યો છે?’ અટલે એની જાણકારીના આધારે પ્રશ્ન કર્યો. અચલાને આ સાંભળીને અચંબો થયો.
‘હા… હા. પેલી મિસિસ રમણી અદનાની અને એમના સિંધી કોમના સો-બસ્સો સપોર્ટરો એમના બંગલાની બહાર દેખાવો કરી રહ્યાં છે.‘
‘એને કારણે તો સત્યેન શાહ ભાગી ગયા નહીં હોય ને?’ મિશ્રા ફરી પાછું આડું બોલ્યો.
‘નહીં, નહીં. જુઓ, અમને કોઈ જ પ્રકારની જાણકારી નથી. તમારા કોઈ જ પ્રશ્નનો હું ઉત્તર આપી શકું એમ નથી. આપ સૌ હવે અહીંથી જઈ શકો છો. જેવી અમને સત્યેન શાહ વિશે કંઈ પણ જાણકારી સાંપડશે કે અમે તમને એની જાણ તરત કરશું.‘
‘તમે પોલીસમાં સત્યેન શાહના ગુમ થવાના રિપોર્ટ લખાવ્યા કે નહીં?’ મિશ્રાએ એક બીજો પ્રશ્ન કર્યો.
‘મને એની જાણ નથી. આપ સૌ હવે મહેરબાની કરીને અહીંથી વિદાય લો. આશા રાખું છું કે મિસ્ટર સત્યેન શાહ વિશે તમારાં અખબારો અને મૅગેઝિનો કંઈ આડુંઅવળું નહીં છાપે.‘ આટલું બોલી ત્યાં તો સેક્રેટરીની નજર પ્રેસ કૉન્ફરન્સમાં આવેલ ટીવી ચેનલોના પ્રતિનિધિઓ તરફ ગઈ. એણે જોયું કે છેલ્લી દસ મિનિટથી જે વાર્તાલાપ ચાલી રહ્યો હતો એ તેઓ એમના ટીવી કૅમેરામાં ઝડપી રહ્યા હતા.
‘અરે, અરે, તમે આપણી વચ્ચેનો વાર્તાલાપ તમારા કૅમેરામાં રેકૉર્ડ કેમ કર્યો? મહેરબાની કરીને તમે એ ટેલિકાસ્ટ ન કરતા.‘
‘મૅડમ, આ બધું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે.‘ ‘આનેવાલી બાત આજ‘ ટીવી ચેનલના રિપોર્ટરે સેક્રેટરીને આંચકો આપતાં જણાવ્યું. અનેક રિપોર્ટરોએ આ બધો વાર્તાલાપ એમના ટેપરેકૉર્ડરમાં પણ ટેપ કર્યો હતો. એમના ફોટોગ્રાફરોએ તો ફટાફટ એમના કૅમેરાની ચાંપો દાબીને એ સમયના ફોટાઓ પાડ્યા હતા.
અત્યાર સુધીમાં ટીવી જોનારાઓને જાણ થઈ ચૂકી હતી કે જાણીતા ઉદ્યોગપતિ સત્યેન શાહ, જેમની સામે જાતીય શોષણના પાંચ પાંચ સ્ત્રીઓએ આક્ષેપો કર્યા હતા, તેઓ આજે સવારથી લાપતા છે.
* * *
‘વાહ સલીમ, કહેવું પડે. બહુ સિફતથી તારા માણસે આપણુ કામ કરી નાખ્યું. આજે સાંજના સાત વાગે ગેટ-વે હોટેલની કૉફી શૉપમાં જજે. બાકીનું અડધું ખોખું ત્યાં મળી જશે.‘
(ક્રમશઃ)
——————————————–.