તમારા માટે, તમારી સાથે, સતત…

‘એ હરામખોરને હું જીવતો નહીં રહેવા દઉં.’

0 282

સત્-અસત્ ( નવલકથા પ્રકરણ – 2 )

લે. – સંગિતા સુધીર

( વહી ગયેલા વાર્તાનો સાર ) સત્યેન શાહ પર મયૂરીએ આરોપ લગાવતાં….

સભાગૃહમાં સોપો પડી ગયો…મુંબઈના નવા બંધાયેલા અને પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સભાગૃહમાં ‘મિસિસ ઇન્ડિયા’ કોન્ટેસ્ટના વિજેતાઓના સત્કાર સમારંભમાં સભાગૃહ બાંધનાર કન્સ્ટ્રક્શન કંપની ‘અમૃત ડેવલપર્સ’ના મિ. સત્યેન શાહે પચ્ચીસ વર્ષ અગાઉ ‘મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટ’ દરમિયાન પોતાનું જાતીય શોષણ કર્યું હતું. પચ્ચીસ વર્ષ અગાઉ મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં વિજેતા જાહેર થનાર મિસ મયૂરી માણેકલાલ ભટ્ટ અને હવે મિસિસ ઇન્ડિયાનું પણ બિરુદ મેળવનાર મિસિસ મયૂરી મહેશકુમાર મહેતાએ વિજેતા બન્યા બાદ આવો આરોપ મૂકતાં સભાગૃહમાં સોપો પડી ગયો. કોન્ટેસ્ટના આયોજક શ્રીમતી યશોદાબહેન ઘનશ્યામભાઈ દવેના હાથમાંથી માઈક પડી ગયું. ત્યાં હાજર મીડિયાના પ્રતિનિધિઓ, ફોટોગ્રાફરો અવાક્ થઈ ગયા. સભાગૃહની બહાર લોકોમાં ચુપકીદી વ્યાપી ગઈ. અમૃત ગ્રૂપના ચૅરમેન, દેશ-વિદેશની નામી કંપનીઓના ડિરેક્ટર, સામાજિક-ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટી, જય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ, જાણીતી અને નામાંકિત હસ્તી એવા સત્યેન શાહ સામે આવો જાતીય શોષણનો આક્ષેપ સાંભળતાં જ સૌ અવાક્ બની ગયા. ઘટનાનાં પચ્ચીસ વર્ષ બાદ હવે આવો આક્ષેપ કેમ? તેવા રિપોર્ટરના સવાલના જવાબમાં મયૂરીએ પોતે સત્ય હકીકત બયાન કરતી હોવાનો પ્રત્યુત્તર વાળ્યો.

સભાગૃહની અંદર અને બહાર ચહલપહલ મચી ગઈ અને સમારંભ અટકી ગયો. જેટલાં મોઢાં એટલી વાતો થવા લાગી. કેટલાકે મયૂરીને જુઠ્ઠી અને પ્રસિદ્ધિની લાલચુ તો ઘણાએ તેને સાચી ઠેરવી. આવામાં મીડિયા, અખબારોને મસાલો મળી ગયો, પરંતુ સમારંભમાં મુખ્ય મહેમાન એવા સત્યેન શાહ ચૂપ રહ્યા. વધુ ચાર સ્ત્રીઓએ ‘મી-ટુ’ના નામે સત્યેન શાહને ઝપટમાં લીધા. એમની કંપનીના શૅરના ભાવ ઘટી ગયા. સંસ્થાઓએ રાજીનામું માગ્યું. જવાબદારી પરત લઈ પાર્ટીએ તેમને બરતરફ કરી દીધા. મયૂરીને સવાલ કરનાર એકમાત્ર રિપોર્ટરે સત્ય શોધવાનું નક્કી કર્યું. નવસારીના ગણદેવીમાં જન્મેલી મયૂરીએ ખેડૂત પિતા, મોટા ભાઈ મયંક સાથે કેવી રીતે ફોટોગ્રાફરને મળવા મુંબઈ પહોંચી અને મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો તે હકીકત વર્ણવી. અંતિમ સ્પર્ધા માટેની નિર્ણાયક કમિટીના ચૅરમેન સત્યેન શાહ સાથે તેની મુલાકાત થઈ હતી. ગોવામાં ફાઇનલ સ્પર્ધાની આગલી સાંજે હોટલમાં સત્યેન શાહે તેનું જાતીય શોષણ કર્યું હતું.

બીજા દિવસે મયૂરીને મિસ ઇન્ડિયા જાહેર કરાઈ હતી, પરંતુ બદનામીના ડરે તેણે એ સમયે આ વાત છુપાવી હતી. મહિલાઓમાં જાણીતા ‘ગજગામિની’ મૅગેઝિને ઉપર મુજબનો મિસિસ મયૂરી મહેશકુમાર મહેતાનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત કર્યાે. સત્યેન શાહ, તેમનાં પત્ની સાવિત્રી, પુત્ર મંથન અને તેમનાં અન્ય સગાંએ આ ઇન્ટરવ્યૂના કારણે આઘાત અનુભવ્યો. ટોચના પ્રોડ્યુસર તેજાની સાથે લિવ-ઇનમાં રહેતી એક સમયની ટોચની અભિનેત્રી મહેક મોમિન, સ્વિમિંગ ચેમ્પિયન સુઝન સેલવમ, કામોત્તેજક નવલકથાઓ લખવા માટે જાણીતી રંજના સેન, સમાજસેવિકા રમણી લચ્છુ અદનાની જેવી મહિલાઓએ પણ સત્યેન શાહે તેમનું જાતીય શોષણ કર્યાના આક્ષેપો કર્યા. છતાં સત્યેન શાહે મૌન ધારણ કરી લીધું હતું. આથી રિપોર્ટર અટલને પણ મયૂરી સાચી લાગી રહી હતી. સત્યેન શાહનો જીવ લેવા મયૂરીનો મોટો ભાઈ મયંક તલપાપડ થઈ રહ્યો હતો.             

હવે આગળ વાંચો…
————–,

‘એ હરામખોરને હું જીવતો નહીં રહેવા દઉં.’

મયૂરીનો ‘ગજગામિની’માં ઇન્ટરવ્યૂ વાંચતા મયંકનું લોહી ઊકળી આવ્યું. ઉંમરમાં ફક્ત બે જ વર્ષ મોટો મયંક એની નાની બહેનને બેહદ વહાલ કરતો હતો. મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં મયૂરી વિજય થઈ. પિતા માણેકલાલે ખુશીમાં ઉપરાઉપરી પાર્ટીઓ યોજી. એ પૂરી થઈ અને એક દિવસે બપોરના એમની આંબા અને ચીકુની વાડીનું નિરીક્ષણ કરવા ગયેલા માણેકલાલના મસ્તક ઉપર અચાનક આંબાના ઝાડની એક મોટી ડાળી ખરી પડી. તેઓનું માથું ફૂટી ગયું. માણેકલાલ તત્ક્ષણ મૃત્યુ પામ્યા. ગણદેવીમાં આવેલા સૌથી મોટા આંબા અને ચીકુની વાડીઓ સાચવવાની અને કુટુંબની કાળજી લેવાની જવાબદારી બાવીસમા વર્ષે જ મયંકના શિરે આવી પડી.

બહેનને મુંબઈના એક ખૂબ જ ધનિક કુટુંબના જ્યેષ્ઠ પુત્ર મહેશકુમાર જોડે પરણાવીને મયંકે એની જવાબદારી નિભાવી. બનેવીને પણ એણે એમના બિઝનેસમાં આગળ આવવા માટે ખૂબ જ મદદ કરી. આજે મુંબઈના પ્રથમ હરોળના બિઝનેસમેનોમાં સત્યેન શાહની સાથે-સાથે મહેશકુમારનું નામ પણ લેવામાં આવતું હતું. ફરક ફક્ત એટલો જ હતો કે સત્યેન શાહનું નામ આદરપૂર્વક લેવામાં આવતું હતું. જ્યારે મહેશકુમારની છાપ એક લુચ્ચા અને કપટી બિઝનેસમેનમાં ગણાતી હતી. જોકે હવે મયૂરીએ કરેલી જાહેરાત બાદ સત્યેન શાહનું નામ પણ ખરડાઈ ગયું હતું.

મયંકે જાતે પણ ખૂબ જ પ્રગતિ કરી હતી. આંબા અને ચીકુની વાડીઓ જે પિતા મૂકી ગયા હતા એમાં એણે ચાર ગણો વધારો કર્યો હતો. મયંકની વાડીની કેરી અને ચીકુ દેશ-પરદેશમાં વખણાતાં હતાં. એ ગણદેવીનો જ નહીં, ગુજરાતનો પણ એક ખૂબ મોટો વેપારી ગણાતો હતો, પણ એની છાપ એના બનેવી જેવી જ હતી. જેમ મહેશકુમાર માટે લોકોને માન ન હતું તેમ જ મયંક વિશે પણ લોકો ઝાઝું સારું બોલતા નહોતા. સાળો-બનેવી બંનેની શાખ સરખી હતી. હવે તો એમણે બંનેએ રાજકારણમાં ઝંપલાવ્યું હતું. આથી તેઓ હતા એનાથી પણ વધુ લુચ્ચા અને કપટી બન્યા હતા.

‘બહેન, આટલાં વર્ષો સુધી આ વાત તેં મારાથી કેમ છુપાવી? હું એ સાલા સત્યેનનું પચ્ચીસ વર્ષ પહેલાં જ ગળું ઘોંટી નાખત.’ મયંકે મોબાઇલ ઉપર એનો બળાપો કાઢતાં મયૂરીને કહ્યું.

‘ભાઈ, તને યાદ છે? એ સમયે કેરીના કોન્ટ્રાક્ટની બાબતમાં દલાલોને મળવા તારે સુરત જવાનું થયું હતું. નહીં તો તું મારી સાથે જ ગોવા આવવાનો હતો.’

‘હા, હા, જો હું તારી સાથે હોત, તો તો એ નરાધમ આવું નીચ કૃત્ય આચરી જ ન શકત, પણ પછીથી તો તું મને આ વાત જણાવી શકત. હું એ સાલા નરાધમને જીવતો જ ન રહેવા દેત. આટલાં વર્ષ સુધી તું ચૂપ કેમ રહી?’

‘ચૂપ ન રહું તો બીજું શું કરું? સત્યેન જેવી અતિ પ્રતિષ્ઠિત વ્યક્તિએ મારી જોડે આવું અપકૃત્ય કર્યું છે એવું એ વખતે કોણ માનત? પચ્ચીસ વર્ષ પહેલાં આપણો સમાજ કેટલી સંકુચિત મનોવૃત્તિ ધરાવતો હતો. સત્યેન આ વાતનો સાફ ઇનકાર જ કરત. ઊલટાનું લોકો, હું એના સ્યૂટમાં ગઈ જ શું કામ એવું પૂછત. સ્પર્ધામાંથી મને ડિસક્વૉલિફાઈ કરીને કાઢી મૂકત. હું વગોવાઈ જાત. પિતાજીની આબરૃ ધૂળધાણી થઈ જાત. મારી સાચી વાત કોઈ માનત નહીં અને સમાજ આપણો બહિષ્કાર કરત.’

‘પણ, બહેન…’

‘ભાઈ, તું જરા વિચાર તો કર. હજુ આજે પણ આપણા નેતાઓ જે સ્ત્રીઓનો બળાત્કાર થયો હોય છે એમના માટે સહાનુભૂતિ દર્શાવવાને બદલે તેઓ જ એમના બળાત્કારનું કારણ છે એવું જણાવે છે. એ રાત્રિના બહાર જ શા માટે નીકળી? આટલાં ઓછાં વસ્ત્રો શા માટે પહેર્યાં? આવા આવા પ્રશ્નો તેઓ આજે પણ કરે છે. આજથી પચ્ચીસ વર્ષ પહેલાં તો લોકોની માનસિક દશા આનાથી પણ વધુ સંકુચિત હતી અને આજે પણ આપણો સમાજ બળાત્કાર થયેલી સ્ત્રી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાને બદલે એને જ દોષી ઠરાવે છે. હું ગુજરાતની એક અજાણ્યા, નાનકડા ગામ ગણદેવીની રહેવાસી. સત્યેન મુંબઈનો પ્રતિષ્ઠિત ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ. મારી વાત કોણ માનત? આ વાત જો મેં એ સમયે જાહેર કરી હોત તો તારા બનેવી મારી જોડે પરણત?’

‘હા, તારી વાત તો સાચ્ચી છે. સારું કર્યું, એ વખતે તું ચૂપ રહી અને હવે આ વાત જાહેર કરીને પણ તેં ખૂબ જ સારું કર્યું છે. લોકોનું માનસ હવે બદલાયું છે. તારું સ્ટેટસ પણ બદલાયું છે. લોકો હવે તારી વાત માનશે. તું જોજે, હું હવે એ સત્યેનની શું વલે કરું છું.’

‘નહીં ભાઈ, તું કંઈ આડુંઅવળું પગલું ન ભરતો. બધાને તુરંત જ તારા અને તારા બનેવી ઉપર જ શક જશે.’ ભાઈનો ઉગ્ર સ્વભાવ જાણતી મયૂરી ગભરાઈ ગઈ ઃ ‘તું હવે રાજકારણમાં છે. મહેશ પણ પોલિટિક્સમાં છે. આવતા વર્ષે તમે બંને ઇલેક્શનમાં ઊભા રહેવાના છો. તું જો કંઈ આડુંઅવળું કરશે તો તારી અને તારા બનેવીની પોલિટિકલ કરિયર બગડી જશે.’

‘મારી બહેન જોડે જે વ્યક્તિએ આવો દુર્વ્યવહાર કર્યો છે એને હું માફ તો નહીં જ કરું. સત્યેનને સજા તો મળવી જ જોઈએ.’

‘ભાઈ, તું કંઈ જ નહીં કરે. સત્યેનને કુદરત જ એનાં પાપોની સજા કરશે. આજથી પચ્ચીસ વર્ષ પહેલાં હું જેમ ચૂપ રહી હતી એમ આજે તું પણ ચૂપ જ રહેજે.’

મયૂરી જોડે મયંકે વધુ દલીલ ન કરી. એણે મનમાં ને મનમાં દૃઢ નિશ્ચય કરી જ નાખ્યો કે એ સત્યેનનું, એની બહેન ઉપર બળાત્કાર કરવા બદલ કાટલું કાઢી જ નાખશે. મયંકનો સિદ્ધાંત હતો, આજનું કામ કાલ ઉપર ન છોડવું. એ તરત દાન અને મહાપુણ્યમાં માનતો હતો. મયૂરી જોડેનો વાર્તાલાપ જેવો પૂરો થયો કે એણે એના મોબાઇલ ઉપર એક બીજો નંબર જોડ્યો.

‘મયંકશેઠ, બહુ દિવસો પછી આ ગુલામને યાદ કર્યો? શું વાત છે? તમારી બહેને તો કંઈ ધડાકો કર્યો છે? સત્યેન શાહ જેવો પ્રતિષ્ઠિત માણસ આવું કૃત્ય કરે એ માનવામાં જ નથી આવતું. તમારા બહેન આટલાં વર્ષો સુધી મૂંગા કેમ રહ્યાં?’

‘જો સલીમ, તારે એ સત્યેનને ઉડાવી દેવાનો છે.’ પ્રશ્નોના ઉત્તરો ન આપતાં મયંકે અંધારી આલમના એ આગેવાનને સત્યેન શાહની કતલ કરવાનું જણાવ્યું.

પ્રતિસ્પર્ધીઓની સાન ઠેકાણે લાવવા, એમને ધાકધમકી આપવા, ચૂંટણી સમયે અપહરણ કરાવવા, ખોટા મતદારો ઊભા કરવા, લોકોમાં અંદરોઅંદર ફાટફૂટ પડાવવા, સભાઓ તોડવા, રાજકારણમાં આવાં આવાં કામો માટે ગુંડાટોળકીઓ જોડે પોલિટિશિયનો સીધો કે આડકતરો સંબંધ ધરાવતા જ હોય છે. મયંક જાતે એક ગુંડો હતો. ગણદેવીમાં સૌ એનાથી ગભરાતા હતા. પિતાના મૃત્યુ બાદ એણે દાદાગીરી અને ધાકધમકીથી જ એની વાડીઓ વિસ્તારી હતી. ગરીબગુરબાઓની વાડીઓ અને ખેતરો આંચકી લીધાં હતાં. ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ધીરે-ધીરે જિલ્લા પરિષદની અને ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણીમાં અને હવે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેવાની ઇચ્છા ધરાવવા લાગ્યો ત્યારથી એણે જાતે ગુંડાગીરી કરવાનું બંધ કર્યું હતું, પણ સત્તા ટકાવી રાખવા ગુંડાઓની મદદ લેવાનું તો ચાલુ જ રાખ્યું હતું. સુરતમાં આવેલ ગુંડાઓની ટોળકીઓમાં સલીમની ટોળકી આગળ પડતી હતી. દારૃ, ચરસ-ગાંજો, પ્રોસ્ટિટ્યૂશનથી શરૃઆત કરનાર સલીમની ટોળકી હવેથી પોલિટિશિયનો માટે કામ કરતી હતી. દેખાવ પૂરતી સલીમની એક હોટેલ હતી, પણ એનું મુખ્ય કામ તો ગુંડાગીરીનું જ હતું, પણ હજુ સુધી કોઈનું કાટલું કાઢવાનું કામ એણે કર્યું નહોતું. આજે જ્યારે મયંકે અચાનક એને મુંબઈની પ્રતિષ્ઠિત વ્યક્તિનું કાટલું કાઢવાનું કહ્યું ત્યારે એ નામચીન ગુંડો થોડો થડકો ખાઈ ગયો.

‘મયંકશેઠ, આપણું એ કામ નહીં. હા, તમે કહેતા હો તો હાથ-પગ તોડાવીને પંદર દિવસ કે મહિના માટે હૉસ્પિટલ ભેગો કરી દઉં, પણ કાટલું કાઢવાનું કામ મારું નથી. હજુ સુધી આવું કામ મેં કર્યું નથી.’

‘હજુ સુધી કર્યું નથી તો હવે કર. પૈસા બોલ, બે-પાંચ-દસ-પંદર કેટલી પેટી જોઈએ છે? હમણા ને હમણા તું કહે ત્યાં પહોંચાડી દઈશ.’

‘મયંકશેઠ,

‘સત્યેન શાહ ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે. કંઈકેટલીય સંસ્થાઓ જોડે સંકળાયેલા છે. જય જનતા પાર્ટીના ટ્રેઝરર છે. એમની વગ ખૂબ જ છે. તમારા-મારા કરતાં વધુ છે.’

‘સલીમ, તારે કેરી ખાવી છે કે ગોટલાને ચૂસવા છે. કિંમત બોલ?’

‘મયંકશેઠ, હું આ કામ નહીં કરું, પણ આપણા જૂના સંબંધોને લીધે આવું કામ જે કરે છે એનો સંપર્ક કરાવી આપું.’

‘નહીં સલીમ, મારે જાતને જાહેર નથી કરવી. જે આ કામ કરતો હોય એની પાસે આ કામ તું જ કરાવ. કામ જેમ બને એમ જલદી થવું જોઈએ. મારું લોહી ઊકળે છે. જો ઢીલ થશે તો હું કંઈક કરી બેસીશ.’

‘નહીં, નહીં મયંકશેઠ, આવું ન બોલો. તમે જો કંઈ પણ કરશો તો તમારી આટલાં વર્ષોની મહેનત ઉપર પાણી ફરી વળશે. તમારી રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે. અરે, તમે રાજકારણમાં છો એટલે તો અમે સુરતમાં રાજ કરીએ છીએ.’

‘તો જેની આગળ આ કામ કરાવવાનું હોય એ કરાવ. તમારા બંનેની કિંમત બોલ.’

‘મયંકશેઠ, મને એમ લાગે છે કે સત્યેન જેવી વ્યક્તિને દૂર કરવા માટે એ માણસ એક ખોખું તો લેશે જ.’

‘બસ, એક કરોડ જ. જા, એક ખોખું એના માટે અને દસ પેટી તારા માટે. બોલ, ક્યાં મોકલાવું?’

‘મયંકશેઠ, આ બહુ જોખમી કામ છે. મારા માટે દસ પેટી બહુ ઓછી છે.’

‘ચાલ, તારા દામ પણ ડબલ કરું છું. એક કરોડ એ વ્યક્તિ માટે અને વીસ લાખ તારા માટે. બોલ, ક્યાં મોકલાવું?’

‘બે દિવસનો ટાઇમ આપો. મારે એ વ્યક્તિનો પહેલાં સંપર્ક કરીને એ આ માટે તૈયાર છે કે નહીં એ જાણી લેવું પડશે.’

Related Posts
1 of 34

‘તૈયાર છે કે નહીં, એ તારે જાણવાનું નથી. તારે એને તૈયાર કરવાનો છે. બે દિવસ પછી હું તારા ફોનની વાટ જોઈશ. ખોખું અને પેટીઓ ક્યાં મોકલવાનાં છે એ જણાવી દેજે. બે-ચાર પેટી વધુ માગે તો ના નહીં પાડતો.’

‘જેવો હુકમ, મયંકશેઠ. જો..જો, નોટો ડુપ્લિકેટ ન હોય.’ ગંભીર ચર્ચાને હળવી કરતાં સલીમે કહ્યું.

* * *

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંની અનેક સ્ત્રીઓ જોડે, એમની ઇચ્છા-અનિચ્છાએ તેજાનીએ  નાની-મોટી છૂટછાટો લીધી હતી. છેલ્લાં થોડાં વર્ષોથી પત્ની અને ઉંમરલાયક ત્રણ-ત્રણ સંતાનોને ત્યજીને તેજાની એની ફિલ્મો અને ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી મહેક જોડે લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતો હતો. તેજાનીએ જ્યારે મહેકનો એકરાર ‘સત્યેન શાહે મારી જરૃરિયાતનો લાભ લીધો હતો. પોતાની સાથે સંભોગ કરવા માટે મને વિવશ કરી હતી’ જાણ્યો ત્યારે પોતે કેવાં કૃત્યો આદર્યાં હતાં, હાલમાં પણ એ પોતે કેવો છે એ વીસરી જઈને ‘એ સાલા સત્યેન શાહને મારી મહેક ઉપર અત્યાચાર ગુજારવા બદલ સજા મળવી જ જોઈએ.’ એવો નિર્ણય લીધો. તેજાનીએ સત્યેન શાહને ખોખરો કરવા ઇન્ડસ્ટ્રીમાં કાળાં કરતૂતો કરનારને સોપારી આપી.

ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સ્વિમિંગ ચેમ્પિયન સુઝન સેલવમને એનો સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ડેવિડ ગોન્સાલ્વિસ બેહદ ચાહતો હતો. ડેવિડ સુઝનને પરણવા ઇચ્છતો હતો. સુઝનનું આક્રંદ સાંભળીને ડેવિડ ખૂબ જ રોષે ભરાયો. પંદર વર્ષની ગભરુ બાલિકા ઉપર જોરજુલમ કરનાર સત્યેન શાહને એનાં દુષ્કૃત્ય માટે પાઠ ભણાવવાનો પ્લાન ડેવિડે ઘડી નાખ્યો.

જેમ્સ હેડલી ચેઝની રહસ્યમય પચાસેપચાસ નવલકથાઓ અમર્ત્યએ નહીં નહીં તોય પાંચ વાર વાંચી હતી. એ લેખકનાં પાત્રો ખૂન કરવાના જે પેંતરા રચતાં હતાં એ પેંતરા અમર્ત્યના મગજમાં જ હંમેશાં રમતા હતા, પણ જ્યારથી અમર્ત્યએ રંજના સેનની કામોત્તેજક નવલકથાઓ વાંચવાનું શરૃ કર્યું ત્યારથી એ રંજનાનાં લખાણો ઉપર ફિદા થઈ ગયો હતો. જે રાત્રિના રંજનાની લખેલી નવલકથાનું એકાદ પ્રકરણ અમર્ત્ય વાંચી ન શકે એ રાત્રિના એને ઊંઘ આવતી ન હતી. અલ્તાફ અકબરીએ રંજનાને તલાક આપ્યા એ જાણતાં જ અમર્ત્યએ નક્કી કર્યું કે, ‘રંજના પાસે એને પરણવાનો પ્રસ્તાવ મૂકીશ.’ રંજનાએ કરેલી જાહેરાત કે ‘આજથી દસ વર્ષ પહેલાં સત્યેન શાહે મારું જાતીય શોષણ કર્યું હતું’ સાંભળતાં જ અમર્ત્યનું મસ્તક ફરી ગયું હતું. ‘મારે એ લંપટ સત્યેન શાહને સજા કરવી જ જોઈએ.’ રંજનાના પ્રેમી અમર્ત્યએ મનોમન નિશ્ચય કર્યો. જેમ્સ હેડલી ચેઝની નવલકથાનાં પાત્રો જેમ કોઈનું મર્ડર કરવાનો પ્લાન ઘડે તેમ જ અમર્ત્યએ પણ સત્યેન શાહનું ખૂન કરવાનો પ્લાન ઘડી નાખ્યો.

લચ્છુ અદનાનીનો સ્વભાવ જ ઝઘડાખોર હતો. રમણીએ જેવું જાહેર કર્યું કે, ‘પાંચ વર્ષ પહેલાં સત્યેન શાહે મારું જાતીય શોષણ કર્યું હતું’ એટલે એ તુરંત જ એની પત્ની જોડે ઝઘડી પડ્યો.

‘તારી સમાજસેવાની લ્હાયમાં જ તેં સત્યેન શાહ જેવા નાલાયકને તારા ઉપર જોરજુલમ કરવાની તક આપી. હવે એ માણસ ભલે ગમે તેટલો મોટો હોય, હું એને નહીં છોડું.’ વર્ષો પહેલાં પાર્ટિશન વખતે લચ્છુના પિતાએ ખરીદેલ રિવૉલ્વર, જેનો આજ સુધી કોઈએ ઉપયોગ કર્યો ન હતો એ લચ્છુએ એની સેફમાંથી બહાર કાઢી.

* * *

‘પણ તમે મને એમની જોડે એક મિનિટ તો વાત કરવા દો.’

સમારંભમાં હાજર રિપોર્ટરોએ જ્યારે સત્યેન શાહને ‘મિસિસ મયૂરીએ તમારી સામે કરેલ આક્ષેપ બદલ તમારે શું કહેવું છે?’ આ સવાલ પૂછ્યો ત્યારે ‘નો કમેન્ટ્સ’ કહીને એ બધાને કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. રિપોર્ટરોએ આથી મયૂરીએ ઉચ્ચારેલી વાત સાચી જ હશે એમ માની લીધું હતું.

પણ રિપોર્ટર અટલનું મન કેમેય કરી મયૂરીનું કથન સાચું હોય એ માનવા તૈયાર નહોતું. રહી રહીને એના મનમાં એક જ સવાલ ઊઠતો હતો ઃ ‘પચ્ચીસ વર્ષ પહેલાં સત્યેન શાહે મયૂરીનું જાતીય શોષણ કર્યું હોય તો પચ્ચીસ-પચ્ચીસ વર્ષ સુધી મયૂરી ચૂપ કેમ રહી?’ સત્ શું છે એ જાણવાનો રિપોર્ટર અટલે દૃઢ નિશ્ચય કર્યો.

સત્ય શું છે એ જાણવા એણે છેલ્લા એક અઠવાડિયામાં સત્યેન શાહને નહીં નહીં તોય દિવસના પાંચ વાર મોબાઇલ ઉપર તેમ જ એમની ઑફિસમાં લૅન્ડલાઇન ઉપર ફોન કર્યા. સત્યેન શાહે એકેય વાર મોબાઇલ રિસીવ ન કર્યો. એમની સેક્રેટરીએ દર વખતે ‘મિસ્ટર શાહ કોઈ રિપોર્ટરને મળવા નથી માગતા.’ એમ કહીને રિપોર્ટર અટલના સત્ને જાણવાના પ્રયત્નો નિષ્ફળ બનાવ્યા.

* * *

રિપોર્ટરો, એમને જો કંઈ સનસનાટીભર્યા ખબર મળ્યા હોય તો એની ખુશીમાં ઉજવણી કાજે, ઘણા સમયથી છાપવાલાયક કોઈ માહિતી સાંપડી ન હોય તો નિરાશા દૂર કરવા, એકબીજા જોડે વિચારોની આપ-લે કરવા અને કંઈ નહીં તો ફક્ત ટાઇમપાસ કરવા મુંબઈના વીટી સ્ટેશન, જેને હવે ‘છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ’ નામ આપવામાં આવ્યું છે એની સામે આવેલ પ્રેસ ક્લબમાં ભેગા થતા હોય છે. દારૃબંધી વિશે વારંવાર લેખો લખતા આ રિપોર્ટરો પ્રેસ ક્લબમાં મોટા ભાગે દારૃ જ પીતા હોય છે. અટલ આમાં અપવાદ નહોતો. અનેક વાર પ્રયત્નો કરવા છતાં સત્યેન શાહ જોડે વાત કરી ન શકવાથી એ ખૂબ જ નાસીપાસ થઈ ગયો હતો. ગમગલત કરવા અટલના પગ આપોઆપ એને પ્રેસ ક્લબમાં લઈ ગયા.

છ વાગ્યા હતા, પણ પ્રેસ ક્લબમાં આવેલ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો બાર જુદાં જુદાં અખબારો અને મૅગેઝિનોના રિપોર્ટરો તેમ જ ફ્રીલાન્સરોથી ભરાઈ ગયો હતો. આમ તેમ નજર કરતાં અટલને એક ખાલી ખુરસી દેખાઈ. બીજી અન્ય પાંચ ખુરસીઓમાં બેઠેલા બધાને એ ઓળખતો હતો.

મિસિસ ઇન્ડિયા બનેલી મયૂરી મહેશકુમાર મહેતાનો ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ કરીને જે મૅગેઝિને ઊહાપોહ મચાવી મૂક્યો હતો એ ‘ગજગામિની’નો રિપોર્ટર ધર્મેશ પંડ્યા, ચોંકાવી દેનારા ન્યૂઝ અને ગલગલિયાં કરાવતા લેખોને કારણે ટૂંક સમયમાં જ ગુજરાતીઓમાં લોકપ્રિય થઈ જનાર ન્યૂઝપેપર ‘ગરવો ગુજ્જુ’નો તંત્રી રાજેશ શાહ, નવયુવકોમાં અત્યંત પ્રિય બનેલ ‘ગુડ આફ્ટરનૂન’ નામ ધરાવતું, પણ રોજ સવારના જ પ્રસિદ્ધ થતાં અંગ્રેજી અખબારનો ચીફ રિપોર્ટર ડેનિયલ ફર્નાન્ડીસ, છેલ્લાં થોડાં વર્ષોમાં મધ્ય અને ઉત્તર ભારતમાંથી સ્થળાંતર કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતનાં મુખ્ય શહેરોના સ્થાનિક રહેવાસીઓની નોકરી અને વેપાર હસ્તગત કરનારાઓ જે અખબારને નિયમિત વાંચતા હતા એ ‘હિન્દુસ્તાની’ અખબારના તંત્રી પવન મિશ્રા અને જાણીતી, સારી તેમ જ ખરાબ રીતે ખૂબ જ ચર્ચાયેલી વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ લેવા માટે પંકાયેલા ફ્રીલાન્સર મદન સિંહ, આ સર્વેને અટલ સારી રીતે ઓળખતો હતો. અટલ પોતે ‘ગજગામિની’, ‘ગરવો ગુજ્જુ’, ‘ગુડ આફ્ટરનૂન’, ‘હિન્દુસ્તાની’ તેમ જ અન્ય બીજાં બે-ચાર દૈનિકો તેમ જ મૅગેઝિનોમાં કામ કરી ચૂક્યો હતો. કોઈની પણ શેહમાં તણાયા સિવાય નિષ્પક્ષ અને સત્ય ઘટનાનું રિપોર્ટિંગ કરવાના અટલના આગ્રહને કારણે એને વારંવાર નોકરી છોડવી પડતી હતી. આખરે એણે ફ્રીલાન્સ રિપોર્ટિંગ કરવાનો નિર્ણય લીધો. પત્રકાર વર્તુળમાં એ ‘સત્યવાદી હરિશ્ચંદ્ર’ તરીકે ઓળખાતો હતો. પીઠ પાછળ અનેક એને ‘જક્કી ઘેટું’ પણ કહેતા હતા.

‘તમને બધાને વાંધો ન હોય તો હું આ ખુરસી ઉપર બેસું?’ વિવેક ખાતર અટલે એ ટેબલ ઉપર બેઠેલ પાંચ રિપોર્ટરોમાંના, કોઈ એક ખાસ ને નહીં, પણ બધાને જ ઉદ્દેશીને પ્રશ્ન કર્યો. એ પાંચ વચ્ચે કોઈ ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી. અચાનક અટલે એમની ચર્ચામાં ભંગાણ પાડ્યું. એમણે સૌએ ગુસ્સામાં અટલ તરફ જોયું. જે અન્યોને ખૂબ જોરશોરથી કંઈ કહી રહ્યો હતો એણે અટલને ઓળખતાં જ કહ્યું ઃ

‘અરે અટલ? આવ, આવ, અમે તારી જ વાત કરી રહ્યા હતા…’

‘મારી? મારી શું વાત કરી રહ્યા હતા?’ અટલે આશ્ચર્ય પામીને ‘ગજગામિની’ મૅગેઝિનના રિપોર્ટર ધર્મેશને પૂછ્યું.

‘અરે, પેલી સત્યેન શાહવાળી, મયૂરીના જાતીય શોષણની…’

ધર્મેશ એનું બોલવાનું પૂરું કરે એ પહેલાં તો એની બાજુમાં બેઠેલ ‘ગરવો ગુજ્જુ’ અખબારના રિપોર્ટર રાજેશે વચ્ચેથી જ એને અટકાવીને કહ્યું ઃ ‘યાર, આ મિસિસ મયૂરીએ તો ગજબની ડેરિંગ કરી છે. એણે ધર્મેશને જે ઇન્ટરવ્યૂ આપ્યો છે! બાપ રે, બાપ! ધર્મેશે તો ઇન્ટરવ્યૂમાં જે કહેવામાં આવ્યું હતું એમાંનું પોણા ભાગનું છાપ્યું જ નથી. નહીં તો એ પોર્નોગ્રાફી આર્ટિકલ થઈ જાત!’

‘અને ગજગામિનીના ઇશ્યૂના બ્લૅક બોલાત! સાલા ધર્મેશ, તારે બધું જ ભરડી નાખવું હતું. જો મિસિસ મયૂરીને કહેતાં શરમ ન નડી તો તને લખવામાં એ શું કામ નડી?’ મદન ફ્રીલાન્સર બોલ્યો. બોલતાં બોલતાં એના મોઢામાંથી લાળ પડવા લાગી.

‘મદન, તું ચૂપ બેસ. અટલ, તું સત્યેન શાહનો ઇન્ટરવ્યૂ લેવાનો હતો એનું શું થયું? હા, અને બોલ… તું શું પીશે?’ ધર્મેશે આગ્રહ કર્યો.

‘મારું ઝેર કયું છે એની તો તને ખબર જ છે.’ અટલે જવાબ આપ્યો. પત્રકારો દારૃને ‘ઝેર’ કહે છે અને રોજ બને એટલી વધુ માત્રામાં એ પીએ છે.

‘એ વેઇટર, મિસ્ટર અટલ માટે કિંગ ફિશર લાઈટ બીયર લાવ. જો જે, બહુ ચિલ્ડ ન હોય. અમારા આ રિપોર્ટર બહુ ડેલિકેટ છે અને મારો ગ્લાસ પણ પૂરો થવા આવ્યો છે. મારા માટે પણ રૉયલ ચૅલેન્જનો એક ડબ્બલ લાર્જ લાવજે.’ ધર્મેશે અટલ માટે બીયર અને પોતાના માટે વ્હિસ્કીનો ઑર્ડર આપ્યો. પછી અટલને પૂછેલો સવાલ પાછો પૂછ્યો ઃ

‘તેં સત્યેન શાહનો ઇન્ટરવ્યૂ લીધો કે નહીં ?’

‘ના યાર, એ મારો કૉલ જ રિસીવ નથી કરતો. એની સેક્રેટરી તો ગજબની બાઈ છે. ના સિવાય એને બીજું કંઈ બોલતાં જ આવડતું નથી, પણ ધર્મેશ, તેં તારા આર્ટિકલમાં જે લખ્યું છે એ બધું ખરેખર મિસિસ મયૂરીએ જણાવ્યું હતું?’

‘કેવો સવાલ પૂછે છે? જો જણાવ્યું ન હોય તો હું એ લખી જ કેમ શકું? અરે, ઇન્ટરવ્યૂમાં એણે મને જે વાતો કરી છે, એમના પર બળાત્કાર થયો હતો એનું જે રસીલું વર્ણન કર્યું છે એ સાંભળીને તો મારાં રૃંવાડાં ઊભાં થઈ ગયાં.’

‘પણ ધર્મેશ, પચ્ચીસ વર્ષ પછી આ બધી વાતો મિસિસ મયૂરીને કેવી રીતે યાદ રહી?’ અટલે એની શંકા પ્રદર્શિત કરી.

‘એના ઉપર વીતી હતી એટલે યાદ રહે જ ને. તારે સાંભળવું છે? મેં એમનો આખો ઇન્ટરવ્યૂ રેકૉર્ડ કર્યો છે.’ ધર્મેશે જવાબ આપ્યો.

‘ધર્મેશ, એ આધેડ વયની સ્ત્રીએ પોર્નોગ્રાફી ગણી શકાય એવું એમના ઉપર થયેલ જાતીય શોષણનું રસીલું વર્ણન કર્યું હતું?’ વિશ્વાસ ન આવતાં અટલે પૂછ્યું.

‘એમની ઉપર જાતીય શોષણ તો પચ્ચીસ વર્ષ પહેલાં એ જ્યારે જુવાન હતાં ત્યારે થયું હતું. એ સમયનું એમણે વર્ણન કર્યું હતું એટલે એ રસીલું હોય જ ને.’ મદને ધર્મેશને બદલે જવાબ આપ્યો અને પછી ઉમેર્યું ઃ

‘ધર્મેશે એમનો રેકૉર્ડ કરેલો ઇન્ટરવ્યૂ મેં આખેઆખો સાંભળ્યો છે. યાર, મજા આવી ગઈ. ધર્મેશ, મને એ રેકૉર્ડિંગની એક કોપી આપજે. રાત્રિના એકલા એકલા બળાત્કારના એ પ્રસંગને સાંભળવાની ઓર મજા આવશે.’

‘સાલા નફ્ફટ, તું એવો ને એવો જ રહ્યો. સિનિયર સિટીઝન થયો તોયે સુધર્યો નહીં.’ ‘ગરવો ગુજ્જુ’ના રાજેશ શાહે મદનને ઠપકાર્યો.

‘સિનિયર સિટીઝન થાવ એટલે સુધરી જ જવું જોઈએ એવું કોણે કહ્યું? અરે સાલા, બધા સિનિયર સિટીઝનો જ આમ તેમ હાથ મારે છે. દીકરી, દીકરી કરીને યુવાન છોકરીઓને બકીઓ ભરે છે.’ ફ્રીલાન્સર મદને એણે જોયેલું અને જાણેલું જણાવ્યું.

‘વાંદરો ગમે એટલો બુઢ્ઢો થાય, પણ ગુલાંટ ખાવાનું ભૂલે નહીં.’ અત્યાર સુધી શાંત બેઠેલા ‘ગુડ આફ્ટરનૂન’ના ચીફ રિપોર્ટર ડેનિયલ ફર્નાન્ડીસે, થોડું પાણી અને થોડા સોડા ભેળવેલ રૉયલ ચૅલેન્જનો ઘૂંટડો ભરીને ગ્લાસ ટેબલ ઉપર મૂકતાં મૂકતાં એનું ડબકું મૂક્યું.

‘અને મિસિસ મયૂરી શું કામ, મેં ઍક્ટ્રેસ મહેકનો ગઈકાલે ઇન્ટરવ્યૂ લીધો હતો. એ તો મિસિસ મયૂરીને પણ ટપી ગઈ. એણે એનું વીસ વર્ષ પહેલાં સત્યેન શાહે વારંવાર કરેલા જાતીય શોષણનું જે વર્ણન ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યું એની આગળ તો મિસિસ મયૂરીનું વર્ણન કંઈ જ વિસાતમાં નથી. એ મહેકે તો ઍક્ટિંગને બદલે રાઇટિંગના વ્યવસાયમાં પડવું જોઈતું હતું. હેરોલ્ડ રોબિન્સ અને ‘ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે’ની લેખિકા એરિકા જેમ્સને પણ ભુલાવી દે એવી એ કામોત્તેજક નવલકથાઓ લખવા શક્તિમાન છે. એનો ઇન્ટરવ્યૂ લીધા પછી આખી રાત મને ઊંઘ જ નહોતી આવી.’ ડેનિયલના આ કથને અટલને સત્યેન શાહની નિર્દોષતા વિશે વધુ વિચારતો કરી મુક્યો.

(ક્રમશઃ)
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »