તમારા માટે, તમારી સાથે, સતત…

જો કરતે રહોગે ભજન ધીરે ધીરે….તો મિલ જાયેગા વો સજન ધીરે ધીરે

જેમ કુદરતમાં એ જ રીતે અધ્યાત્મમાં પણ ક્રમિકતાનો મહિમા છે

0 420

હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

જે શીખવાનું છે તે શાસ્ત્રોમાં નથી. શાસ્ત્રો તો શું શીખવું જોઈએ એના તરફનો નિર્દેશ માત્ર છે. જે શીખવાનું છે તે તો પોતાની અને બીજાઓની અણમોલ જિંદગીઓમાંથી જ શીખવાનું છે

વસંતનો વૈભવ પથરાયો છે. હવે એમાં સહેજ વહેલા સીધો જ ગ્રીષ્મ ઋતુનો પ્રવેશ થયો છે. રાત્રિઓ લાંબી અને સોહામણી થવા લાગી છે. આ વખતે સીધા જ વધારે તડકાની શરૃઆત થઈ છે. છતાં સાંજ પડે છે ને પશ્ચિમમાંથી ઠંડા પવનની લહેરો શરૃ થઈ જાય છે. કુદરતમાં વિદ્યમાન ક્રમિકતા દર્શનીય હોય છે. આ વખતે તડકો સીધો વધ્યો છે એ સિવાય તો એ તબક્કાવાર જ વધે છે. હોય ઘટાદાર વડલો પણ એવા સ્વરૃપે પહોંચતા એને વરસો લાગે છે. કોઈ સતત ઘૂંટાતો શુભ વિચાર પણ એનો સાક્ષાત અમલ થતાં વરસો લે છે. જે જેવું વિચારે છે તે તેવું પામે છે એ તો આપણી જૂની ન ગણકારેલી માન્યતા છે. સહુ શ્રેષ્ઠતાઓને ચાહે છે, પરંતુ વિચારલોકમાં જે આ મેજિક મિક્સ સંસાર પ્રવેશી જાય છે તે પેલી સ્વકલ્પિત શ્રેષ્ઠતાઓને દૂર ને દૂર લઈ જાય છે.

જેમ કુદરતમાં એ જ રીતે અધ્યાત્મમાં પણ ક્રમિકતાનો મહિમા છે. આ દુનિયા રાતોરાતની છે જ નહીં. આજકાલ પ્રેમભૂષણજી મહારાજ તેમની કૃષ્ણકથાઓમાં એક ભક્તિગીત ગાતા રહે છે… જો કરતે રહોગે ભજન ધીરે ધીરે…. તો મિલ જાયેગા વો સજન ધીરે ધીરે… અધ્યાત્મના પ્રથમ સંસ્કાર ધૈર્ય છે. સાંઈબાબાએ એને સબૂરી કહી છે. તરત મળે એમાં જેને રસ નથી એ તપસ્વી છે, કારણ કે તપનો અર્થ તપસ્વી સમજે છે. તપ કદી વિફળ નથી હોતું, પરંતુ તપની ઘનતા પર એની પરિણતી નિર્ભર છે. નિત્ય એક જ સમયે એક જ વાર પણ અણભૂલ્યે હરિનામ લેવું એ પણ એક તપ છે. કોઈ પણ તપના પહેલા પાંચ પગથિયા ચડો એટલે ખ્યાલ આવે કે સામાન્ય દેખાતા એ તપમાં તપનું તપ્ત એલિમેન્ટ શું છે! આ દુનિયા નાના-નાના તપસ્વીઓથી ભરેલી છે. એ બધા આત્મઘોષ વિનાના તપ છે. એને ઓળખવા કે અન્ડરલાઇન કરવામાં આપણો સ્વાર્થ છે, અનુકરણાર્થેય એકાદ તપ આવડી જાય તો બેડો પાર થઈ જાય.

જે શીખવાનું છે તે શાસ્ત્રોમાં નથી. શાસ્ત્રો તો શું શીખવું જોઈએ એના તરફનો અને એય ક્યાંક સાંકેતિક તો ક્યાંક પ્રતીકાત્મક નિર્દેશ માત્ર છે. જે શીખવાનું છે તે તો પોતાની અને બીજાઓની અણમોલ જિંદગીઓમાંથી જ શીખવાનું છે. આને આપણે લોકાનુભવ પણ કહીએ. લોકોનો અનુભવ નહીં, પણ લોકો સાથેનો આપણો અનુભવ.

Related Posts
1 of 57

સદ્ગુરુ તો એકે હજારા હોય છે. તોય દત્તાત્રેયે અધિકાધિક ગુરુ ધાર્યા અને એમના સદ્ગુણને નિજઆત્મામાં ઊંડે ઉતાર્યા. કેવી મનોહર એમની આ અધ્યાત્મવિદ્યાયાત્રા છે. એક ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું ને તરત જ તરસ વધી એટલે બીજા સદ્ગુરુના શરણે પહોંચ્યા. એમ પુનરપિ જિજ્ઞાસા પ્રદીપ્ત થતી રહી ને સદ્ગુરુની ઓળખ અને શરણ એ જ એમનો જીવનક્રમ બની રહ્યો. એમની એ ચહુદિશ શોધ અને સર્વતોમુખી ગુરુભાવનું અનુશીલન જ એમને ચતુર્મુખ સ્વરૃપમાં પ્રતિષ્ઠાપિત કરે છે.

અધ્યાત્મમાં ધીરજનો મહિમા છે. એટલે જ ઉદગાતા કહે છે કે જો કરતે રહોગે ભજન ધીરે ધીરે…. ભક્તિ સ્વયં કોઈ ચમત્કારની અપેક્ષા રાખતી નથી. જેમાં ભક્તને કોઈ જ અપેક્ષા નથી એ ભક્તિ છે અને જેમાં કોઈક ગણતરી છે એ પરમતત્ત્વ સાથેની એક પ્રકારની સોદાબાજી છે. જોકે જે ભક્ત હોય છે એને સાંસારિક કોઈ લાભ કે કોઈ લોભની તમા હોતી નથી, કારણ કે એનાથી મુક્ત થયા પછી તો ભક્તિની શરૃઆત થાય છે. ભક્તિ કદાચ એક આયુષ્યકાળને ઓળંગીને જન્મજન્માન્તર ચાલતી પ્રક્રિયા છે, કારણ કે ભક્તિ આત્માના સંસ્કાર છે. સંસારની લિપ્ત સાથે એને બહુ ઓછો સંબંધ છે. ભક્ત સંસારથી લિપ્ત નથી, નિર્લિપ્ત છે.

આજ સુધી જે ભક્તો જોવામાં આવ્યા છે તે આ જગત સાથે ખપ પૂરતો નહિવત્ સંબંધ ધરાવે છે અને જીવનના મુખ્ય ઉપક્રમ તરીકે તેઓ પરમ તત્ત્વને ઉપાસે છે. એટલી હદ સુધી કે તેઓને એ જાણવામાં પણ રસ નથી કે મારી ભક્તિ પ્રભુ સુધી પહોંચે છે કે નહીં. તેઓ કદીક પ્રભુને પ્રેમ પત્ર લખે છે મનોમન, પરંતુ એ પત્રનો વળી પાછો પહોંચનો કાગળ એમને મળે એવી કોઈ રાહ તેઓ જોતા નથી. એટલે જ મનુષ્યના અનેક પ્રકારના સર્વોચ્ચ ચરિત્રોમાં ભક્ત એક વિશિષ્ટ પ્રકારનું ચરિત્ર છે. ભક્તને જન્મ આપનારી માતા એટલે જ સદાય વંદનીય છે. કોઈ એવા જે ધીરે ધીરે પ્રભુ ભણી ધપતા ભક્ત હોય એની જ તો આગળ-પાછળ સકલ બ્રહ્મ ફર્યા કરે છે. ભક્ત ભક્તિથી સ્વયં જ્યારે બ્રહ્મતત્ત્વને પામે ત્યારે જ તો બ્રહ્મ એની પાસે લટકાં કરવા લાગે છે. અનુભવે જ નરસૈંયો કહે છે કે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે…!

વન-ઉપવનથી દૂર નીકળ્યા પછી મનુષ્યની ક્રમિક વિકાસમાં શ્રદ્ધા અને ધીરજ કંઈક ઓછા થઈ ગયા છે. જેમનામાં ધીરજ નથી એ કદાચ ઉતાવળી જિંદગીનો યાત્રિક બની શકે, પરંતુ અધ્યાત્મના મલકમાં એને પ્રવેશ નથી. હરિના મારગમાં પરથમ પહેલું જે મસ્તક મૂકવાની વાત કરી તેમાં વીરતાની વાત તો છે જ, ઉપરાંત સમગ્ર બુદ્ધિ પ્રદેશ પડતો મૂકવાની પણ વાત છે. બહુ બુદ્ધિ અને તર્ક લડાવ્યા પછી શોર્ટકટનો કે ઉતાવળનો જન્મ થતો હોય છે એ કદાચ પ્રીતમદાસને ખબર છે. એટલે એમણે વ્યંજના રચીને માથું જ મૂકી દેવાની શરત કરી છે. ઉતાવળનું તો અહીં કોઈ કામ જ નથી. રામા રામા કરતે કરતે બીતી રે ઉંમરિયા…. એ શબરી છે. એવા જ ધીરે ધીરેના પંથપ્રવાસીઓથી સજનને મળવાના મનોરથોનો એક અલગ જ અણદેખ્યો મેળો આ જગતમાં ભરાયેલો છે…

રિમાર્ક – God knows the secret plan of the things he will do for the world, using my hand. Toyohiko Kagawa
—————

Leave A Reply

Your email address will not be published.

Translate »