તમારા માટે, તમારી સાથે, સતત…

ચલ દરિયા મેં ડૂબ જાયે

દરિયો માણવાની બે જ મઝા છે.

0 382
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

દરિયો માણવાની બે જ મઝા છે. ક્યાં તો તમે યુગલ સ્વરૃપે હો અથવા એકલા એકાન્તે હો. એ સિવાય પ્રવાસીઓનાં ટોળાં જે રીતે દોડી જાય છે એને પાણી જોવા મળે, દરિયો નહિ.

દરિયો જોઈને માણસ ઘેલો ઘેલો થઈ જાય છે. વસંત અને ગ્રીષ્મ આ બે જ ઋતુના ચારેક મહિના જ દરિયાના છે. એ સિવાય દરિયો પવન અને પાણીમાં જ તરતો હોય છે. શિયાળામાં પવનના સુસવાટા સાથે દરિયાની લહેરોનું નૃત્ય જોવા જેવું હોય છે, પરંતુ શીતકાળમાં સમુદ્ર કિનારે તપ કરવાનું સાહસ કોણ કરે? અને ચોમાસામાં તો ઉપર-નીચે બેય તરફ દરિયો લહેરાતો હોય ત્યારે સમુદ્રનો ભેટો અઘરો છે.

એટલા માટે જ ગ્રીષ્મ અને વસંત ઋતુ સમુદ્રની મોસમ છે. વસંતની શરૃઆત થાય એટલે દરિયાકિનારે પહોંચી જવાય અને છેક જ્યેષ્ઠ માસના અંતમાં અને અષાઢના આરંભ પહેલા ફરી ઘરની છાવણીમાં પાછા આવી જવાય.

ઉનાળામાં દરિયો એના પરિપૂર્ણ સ્વરૃપે ખીલે છે. બહુ લાંબી નહીં તોય થોડા સમયની ટૂંકી દરિયાઈ મુસાફરી પણ કરવા જેવી ખરી. ગુજરાતના આટલા વિશાળ દરિયા કિનારા છતાં નવ્વાણુ ટકા પ્રજા એક પણ દરિયાઈ સફર વિના જિંદગી પૂરી કરે છે અને એના અસ્થિ પણ આ દરિયે પહોંચતા નથી. એ વળી નામાંકિત નદીઓના નીરને મળે છે.

દરિયો ઘૂઘવાટા કરતો ગુજરાતના પગ પખાળે છે. એના ખોળે રમવાનું પડતું મૂકીને ક્યાં અન્યે ભટકવું? એવા ગુજરાતીઓની સંખ્યા લાખોની છે જેણે દુનિયાના અનેક દરિયા ડહોળ્યા છે, પણ ગુજરાતના સાગર કિનારાના એક અંજલિભર અંઘોળ પણ કદી દીઠાં નથી.

Related Posts
1 of 57

દરિયાની અસલી મઝા વહેલી સવારની છે. દરિયા જેવી અફાટ જળરાશિ પહેલીવાર જે પણ જુએ એ સ્તબ્ધ થઈ જાય. એને આધીન થઈ જાય. તમે દરિયો જુઓ કે તરત દરિયાના થઈ જાઓ, પોતાના પણ ન રહો. લોકો સત્પુરુષો તરફ કેમ તણાઈ જતાં હોય છે એનો જવાબ દરિયા પાસે છે.

દરિયો માણવાની બે જ મઝા છે. ક્યાં તો તમે યુગલ સ્વરૃપે હો અથવા એકલા એકાન્તે હો. એ સિવાય પ્રવાસીઓનાં ટોળાં જે રીતે દોડી જાય છે એને પાણી જોવા મળે, દરિયો નહિ. ચાંચ બંદર આમ તો વિક્ટરની ખાડી વટીને જવાય. પૂનમની રાતે દરિયો તોફાને ચડે ત્યારે ચાંચના પાદરમાં મોજાંઓની જે વાછટ આવે એ અંતઘડી જેવી સનસનાટ હોય છે.

મહુવા પાસે ભવાનીના દરિયા કિનારે આગળ જતાં થોડી ભેખડ છે. જે આમ તો છેક કતપર ને કળસાર સુધી ટુકડે ટુકડે છે. એમાંની કોઈ એક ભેખડે બેસીને એક પૂર્ણ ચન્દ્રની રાત્રિ પસાર કરો એટલે જિંદગીની સમજણ જ બદલાઈ જાય. રાત્રિના ઘનઘોર મનોહર રૃપ પર ચાંદનીનો શીતળચંદન લેપ હોય અને ત્યારે જ નાગણના વિયોગમાં માથા પછાડતા નાગ જેવા એક પછી એક ફૂંફાડા મારતા અણધાર્યા મોજાં ભેખડ પર પછડાય ત્યારે તો ઓહોહો રાતનું તમસ ને ચાંદનીનું રજત એવો અદ્વૈત અનુભવ કરાવે કે તમે સ્તબ્ધ પછી સ્તબ્ધ થતાં જ રહો.

દરિયો તો દરિયો છે, ખાટલા નીચે પડેલી તાંબાની ટબૂડી થોડો છે એ? એક લટાર કાંઠે લગાવી ને લોકો કહે કે અમે દરિયે જઈ આયા….! ચોપાટીનું એક સુખ છે કે દરિયા અને કિનારા વચ્ચે ત્યાં સ્પષ્ટ દસ્તાવેજ છે. કોઈએ દરિયાની આંખોમાં બહુ ઊંડે ઉતરવાનું નથી અને દરિયાને પક્ષે પણ ખબર છે કે આગંતુક એક વાર પાછા ફરતી વેળાએ પગ ખંખેરે એટલે બસ, દરિયાએ સાથે નહિ આવવાનું. મુંબઈ અને દરિયા વચ્ચે નગરજીવનની રેતઘડી ઊભી છે.

સમુદ્ર દર્શન પણ એક અલગ અધ્યાય છે. દરરોજ કલાક-બે-કલાક સમુદ્ર કિનારે જઈ એને જોયા જ કરો. સાગર સામે સતત જુઓ. થોડા દિવસો આમ કરીને પછી તમે ઘરે પાછા આવશો ત્યારે દરિયો તમારી સાથે અંતઃકરણમાં લપાઈ-છુપાઈને આવશે. દરિયો જોકે પાત્રતા જોઈને કોઈકને જ વળગે છે, પણ જો એક વાર દરિયો વળગે તો એને પછી પૃથ્વી પર પગલાં ભરવા ન ગમે. એની રાત દરિયો ને એનો દિવસ દરિયો.

વહેલી સવારનો સમુદ્રરવ ગાજે એટલે દિગદિગન્તમાં ઉજાસ વાજે. સૂર્યકિરણ જળકૂકડીની જેમ દૂર પૂર્વ ક્ષિતિજેથી ડૂબકદાવ રમતાં રમતાં આવે ને છેક આપણે ઊભા તે કિનારે પહોંચે. સમંદરની સપાટી પર લહેરે લહેરે તરીને આવતાં કિરણો સર્પાકાર લયમાં આગળ વધીને આપણને એક કૂણો ડંખ મારે છે. ટગરક નજરને જો એનું ઘેન ચડે તો દૂર પશ્ચિમ છેડે હિંગોળરંગે નિતરતા સૂરજ સુધી એક જ છલાંગે પહોંચે. દરિયા પર જાણે કે કાચના લાખો ટુકડાઓ તરતા હોય એમ અલપ ચમક ઝલપ ચમક રમતા એના તરંગો તો કચ્છી નારીએ લાંબું કાપડું આભલાં ટાંકવા ખોળામાં લીધું હોય એવું લાગે…!

રિમાર્ક – Love means oceanic love. Not less than that.
———–

Leave A Reply

Your email address will not be published.

Translate »