તમારા માટે, તમારી સાથે, સતત…

માવતરે કમાવતર થવું જોઈએ

મા-બાપ સંતાનોના માલિક નથી. એ માત્ર સંતાનોના જન્મ માટે નિમિત્ત બન્યાં છે.

0 364
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

ખલીલ જીબ્રાન નામનો એક મહાન ચિંતક થઈ ગયો. આ ખલીલભાઈએ એક સુંદર વિધાન કર્યું હતું જે દુનિયાનાં દરેક માતાપિતાએ યાદ રાખવા જેવું છે. તેમણે કહ્યું કે દુનિયાનાં દરેક સંતાન તેનાં માબાપ દ્વારા આ દુનિયામાં પ્રવેશે છે. એમનો ગર્ભિત અર્થ એવો હતો કે મા-બાપ સંતાનોના માલિક નથી. એ માત્ર સંતાનોના જન્મ માટે નિમિત્ત બન્યાં છે.

એક રીતે આ વાત વિચારવા જેવી છે. જો દરેક માતાપિતા ધારે ત્યારે સંતાનને જન્મ આપી શકતાં હોત તો જે માબાપ નિસંતાન રહ્યાં છે તે રહે જ નહીં. માટે બાળકને જન્મ આપવામાં માબાપથી વધુ કુદરતનો હાથ સ્વીકારવો રહ્યો.

જે માતાજી પથુભા બાપુમેં પથુભાના લવલી પાન સેન્ટરપહોંચીને કહ્યું.

જે માતાજી લેખક..જે માતાજી..પથુભાએ પોતાની આદત મુજબ બેવડા ઉમળકાથી આવકાર આપ્યો.

બાપુ તમારી દુકાને ઝેર મળે છે‘? મેં કહ્યું. હા, વચ્ચે વેચવા લાવ્યો હતો, પરંતુ વધારે સમય સુધી વેચાયું નહીં એટલે ઝેરમાં જીવડાં પડી ગયા.પથુભા બોલ્યા.

ઝેરમાં જીવાત પડી ગઈ?’

હા.

જો બે મિત્ર સોરી બોલે તો ઝઘડો પતી જાય અને દાક્તર સોરીબોલે તો માણસ પતી જાય એમ જીવને મારવા માટે ઝેરનો ઉપયોગ છે એ ઝેરમાં જીવડાં પડી જાય તો જીવવું કેમ? મેં પૂછ્યું.

લેખક તમારે ઝેરનું શું કામ છે?’

મારે મરી જવું છે.

શા માટે?

આજના છાપામાં એક સમાચાર છે.

છાપામાં સમાચાર ન હોય તો શું હાથી-ઘોડા હોય?’

એ સમાચાર એવા છે જે વાંચીને મને જીવવાનો મોહ નષ્ટ થયો છે. એ સમાચારમાં લખ્યું છે કે મુંબઈમાં રહેતો એક રાફેલ નામનો યુવાન પોતાનાં મા-બાપ ઉપર કેસ કરવા માગે છે.

રાહુલ ગાંધી જે રાફેલ પાછળ પડી ગયા છે તે આ રાફેલ છે?’

ના.. રાહુલ ગાંધી રાફેલ પાછળ નહીં, પરંતુ મોદી પાછળ પડી ગયા છે, એ આ રાફેલ પાછળ પડ્યા હોત તો સારું હતું.

આ રાફેલ કોણ છે?’ પથુભાએ પૂછ્યું.

આ રાફેલ સેમ્યુઅલ નામનો ૨૭ વરસનો કપાતર યુવાન છે જે ફેસબુકના રવાડે ચઢ્યો છે.

આજના યુવાનો બુક ફેસ કરવાને બદલે ફેસબુકમાં રચ્યાં પચ્યાં રહે છે. ટ્વિટર એટલે જાહેરમાં ઝઘડો કરવાનું મેદાન. ઇન્સ્ટાગ્રામ એટલે એકબીજાને ગાળો આપવા માટેનો ખુલ્લો મંચપથુભા બોલ્યા.

બાપુ.. આ બધી નવી વ્યાખ્યાઓ તમને કેવી રીતે આવડી ગઈ?’

મેં આજના છાપામાં વાંચી છે.

Related Posts
1 of 29

પેલો મુંબઈનો રાફેલ સેમ્યુઅલ પણ સેલફોનના રવાડે ચડીને સંસ્કાર ગુમાવી ચૂકેલો યુવાન છે. એ પોતાનાં માતા-પિતા ઉપર કેસ કરવા માગે છે.મેં કહ્યું.

એણે માબાપ ઉપર શા માટે કેસ કરવો છે?’

એ નાલાયકનું માનવું છે, મને મારાં પિતા-માતાએ માત્ર આનંદ અને વાસના ખાતર પેદા કર્યો છે અને મને જન્મ આપતાં પહેલાં મારી મંજૂરી લીધી નથી.મેં વાત પુરી કરી.

કળિયુગમાં છોરુ કછોરુ થશે એ તો સાંભળ્યું હતું, પરંતુ આટલી હદે કછોરુ થશે એની કલ્પના નહોતી. રાફેલિયાને મારે એક સવાલ પૂછવો છે કે તારા માવતર તને જન્મ આપતાં પહેલાં તારી લેખિતમાં રજા લેવા માગે તો તને કઈ ઑફિસમાં અરજી કરે?’ પથુભા ઊકળી ઊઠ્યા.

મને પણ એ વાતનો જ ગુસ્સો છે. માતાપિતાએ જન્મ આપ્યો એ માટે એમનો અનંત ઉપકાર માનવાને બદલે આ છેલબટાઉ ભટકેલ છોકરો દોષનો ટોપલો ઢોળે છે.મેં કહ્યું.

ગઈકાલે મેં અંબાલાલને કહ્યું કે, પુનિત મહારાજે કેવું સરસ ભજન લખ્યું છે કે ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં. તો એણે આ ભજનનો પણ સાવ અવળો અર્થ કર્યો.

શું કર્યું?’

એણે કહ્યું કે પુનિત મહારાજે આપણા સૌની માતાને ઉદ્દેશીને લખ્યું છે કે ભૂલો ભલે બીજું બધું મા, બાપને ભૂલશો નહીં. એણે કહ્યું કે મહારાજે બાને કહ્યું છે કે તમે બાપાને ભૂલશો નહીં.પથુભાએ ચોખવટ કરી.

અંબાલાલ અને રાફેલ જેવા સંતાન જન્મે એ મા-બાપની બધી ઇચ્છાઓ ઉપર પાણી ફરી વળ્યું ગણાય.મેં કહ્યું.

થોડાં વરસ પહેલાં ગુજરવદી નામના એક ગામડામાં એક માતા અને પુત્ર વચ્ચે ઝઘડો થયો. માતા વિધવા હતી, એણે પોતાના પુત્રને કહ્યું કે મેં તને ધાવણ ધવડાવીને મોટો કર્યો છે ત્યારે કપાતર શું બોલ્યો તે ખબર છે?’ પથુભાએ પૂછ્યું.

ના…

કપાતર બોલ્યો કે મારે તારા દૂધના રૃપિયા ચૂકવી દેવા છે. તંુ તારું બિલ મને આપી દેજે.

રામ… રામ… રામ. જે માતાએ દિલ આપ્યું હોય એ દૂધનું બિલ કેવી રીતે આપી શકે?’ બીજું, એ બા છે, બકરી નથી કે એના દૂધનું બિલ મેળવી શકાય. એ નાલાયકને ખબર જ નથી કે માતાના દૂધના એક ટીપાનું બિલ ચૂકવવામાં એ આખે આખો વેચાઈ જાય તો પણ ચૂકવી ન શકે.મેં ગુસ્સો પ્રગટ કર્યો.

રાફેલની માતાને થતું હશે કે મેં પુત્રને જન્મ આપ્યો એના કરતાં જો પથ્થરને જન્મ આપ્યો હોત તો એના ઉપર કપડાં તો ધોઈ શકાય. આ પથ્થર જેવો પુત્ર માતા-પિતાની સેવા કરવાને બદલે કેસ કરવાની વાત કરે છે.પથુભાએ કહ્યું.

અત્યારે વાયરા જ એવા વાય છે કે સંસ્કારનું સાવ બાષ્પીભવન થઈ ગયું છે. ગઈ કાલે ભોગીલાલના છોકરાએ ભોગીલાલને પૂછ્યું કે, પપ્પા તમારું અડધું માથું સફેદ થઈ ગયું એનું શું કારણ છે?’

ભોગીલાલે શું જવાબ આપ્યો?’

ભોગીલાલે કહ્યું કે, તું જેટલા તોફાન કરીશ એટલા મારા વાળ સફેદ થતાં જશે. આ સાંભળીને છોકરો બોલ્યો કે હવે ખબર પડી કે દાદાનું આખું માથંુ સફેદ શા માટે થઈ ગયું છે.

બોલો…લ્યો… અત્યારના છોકરાઓને કશંુ શીખવવું પડે તેમ નથી.પથુભાએ કહ્યું.

મારા પિતા મારા દીકરાને લઈને બજારમાંથી જઈ રહ્યા હતા. એમાં સામેથી મારા પુત્રના માસ્તરને આવતા જોયા એટલે મારા પિતાએ મારા પુત્રને એટલે કે પોતાના પૌત્રને કહ્યું કે, તું ઝડપથી સંતાઈ જા. જો તારા ટીચર આવે છે. આ સાંભળી મારો દીકરો શું બોલ્યો તે ખબર છે?’ મેં પૂછ્યું.

ના…

પૌત્રએ દાદાને કહ્યું કે, દાદા તમે સંતાઈ જાવ, કારણ હું કાલે સ્કૂલે ગયો નહોતો. હું આજે સ્કૂલે ગયો તો મારા ટીચરે મને પૂછ્યંુ કે, ગઈ કાલે કેમ આવ્યો નહોતો? તો મારાથી બોલાઈ ગયું કે મારા દાદા ગુજરી ગયા છે.મેં વાત પુરી કરી.

આ નવી પેઢી છે. એને દાદા-દાદી કે માતા-પિતા ઉપર જરા પણ લાગણી નથી. આપણે ત્યાં કહેવત છે કે છોરુ કછોરુ થાય, પરંતુ માવતર-કમાવતર થતાં નથી, પરંતુ મને લાગે છે કે રાફેલ જેવા કછોરુ પાકે ત્યાં માબાપ પણ કમાવતર થવા જોઈએ.

તમારી વાત સાવ સાચી છે.કપાતરને પાઠ ભણાવવા માટે પણ માવતર કમાવતર થાય તે સમયની માગ છે.મેં વાત પુરી કરી.
—————

Leave A Reply

Your email address will not be published.

Translate »