તમારા માટે, તમારી સાથે, સતત…

બજેટ બોલે છે બાર બાર મોદી સરકાર!

સરકાર પાસે બજેટ પરના અમલ માટે માંડ બે મહિનાનો સમય બચ્યો છે

0 159
  • ઍનાલિસિસ – સુધીર એસ. રાવલ

૨૦૧૪માં ચૂંટણી પહેલાં નારો ગુંજ્યો હતો અબ કી બાર મોદી સરકાર‘. હવે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી નજીક છે એટલે નારો શરૃ થયા પહેલાં જ ૨૦૧૯ના કેન્દ્રના વચગાળાના  બજેટમાં જે ગુંજારવ સંભળાય છે તે ભાજપના અપેક્ષિત ભાવિ નારા બાર બાર મોદી સરકારજેવો અને લોકોને ગમી જાય તેવાં વચનોનો નવો ગુલદસ્તો છે.

ભારતીય ઉદ્યોગ જગતે તેને હોશ અને જોશના સંગમ સમો ગણાવ્યો છે. નાના અને મધ્યમ વેપારીઓ જાહેરાતોથી ખુશ છે, પરંતુ ઉત્સાહિત થયા નથી. મધ્યમ વર્ગ પાંચ લાખ સુધીની આવક સંપૂર્ણપણે કરમુક્ત થતાં રાજી રાજી છે. ખેડૂતોના આક્રોશ સામે સરકારે બે હેક્ટર એટલે કે પાંચ એકરથી ઓછી જમીનવાળા ખેડૂતોને દર વર્ષે ૬૦૦૦ રૃપિયાની ગેરંટીવાળી પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજનાની જાહેરાત કરતા થોડો રોષ શાંત પડ્યો હોવાની સરકારને અપેક્ષા છે. આ યોજના ૧લી ડિસેમ્બર, ૨૦૧૮થી જ શરૃ કરી દેવાની છે. સરકારે ગણિત માંડી સમજાવ્યું છે કે આ યોજના માટે ૭૫૦૦૦ કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને ૨૦૦૦૦ કરોડ રૃપિયા વધારે રાખવામાં આવ્યા છે. આ યોજનાનો અર્થ એ છે કે જો સરખો અમલ થાય તો ૧૨ કરોડ પરિવારો એટલે કે અંદાજે ૪૦ કરોડ લોકો સુધી આ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવી સહાય ખેડૂતોને મળશે. એક જાહેરાત આવકારદાયક છે જે ખેડૂત સમય પર દેવંુ ચૂકવે તેને મળતી સબસિડી ૩ ટકાથી વધારીને ૫ ટકા કરવામાં આવી છે. અલબત્ત, લોન કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લેવાઈ હોવી જરૃરી છે.

શ્રમિકો માટે જે જાહેરાત થઈ છે તેમાં જો કોઈ શ્રમિક ૨૯ વર્ષની ઉંમરે દર મહિને રૃ. ૧૦૦ જમા કરાવશે કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરમાં જ રૃ. ૫૫ દર મહિને જમા કરાવશે તો એવા શ્રમિકોને પેન્શન પેટે ૬૦ વર્ષની ઉંમર પછી જીવે ત્યાં સુધી દર મહિને રૃ. ૩૦૦૦નું પેન્શન મળશે. શ્રમિકોના સુરક્ષિત ભાવિની દ્રષ્ટિએ આ યોજના ઉપયોગી બનશે તેવી અપેક્ષા છે. કામ-ધંધા માટે પરિવારથી અલગ બીજા શહેરોમાં રહેનાર લોકો માટે બીજા ઘરના નિર્ધારિત ભાડા પર આવકવેરામાં રાહત મળશે. એક ઘર વેચીને ૨ કરોડ રૃપિયા સુધીના કેપિટલ ગેઈનથી હવે ૧ ઘરના બદલે ૨ ઘર ખરીદી શકાશે. બિઝનેસમેન માટે જોઈએ તો ખાસ કરીને એમએસએમઈ માટે જે જાહેરાતો થઈ છે તેનું પુનરાવર્તન જ થયું હોય તેવો વ્યાપારીઓનો પ્રતિભાવ છે. જીએસટી હેઠળ રજિસ્ટર્ડ કંપનીઓને ૧ કરોડ સુધીની લોન પર ૨ ટકાની સબસિડી જરૃર મળી છે.

મહિલા વર્ગ પણ મહત્ત્વનો હોવાથી સરકારે ગર્ભવતી મહિલાઓ માટે ૨૬ અઠવાડિયાંની મૅટરનિટી લિવ અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાથી નોકરિયાત વર્ગની મહિલાઓને પ્રોત્સાહન મળશે, તેવી સરકારની ગણતરી છે. આ સિવાય ઉજ્જવલા યોજના હેઠળ ૬ કરોડ મહિલાઓને મફત એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત પણ મહિલાઓને ખુશખુશાલ કરી દેવાનું પગલું છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ મેળવનારાઓમાં ૭૦ ટકા મહિલાઓ છે. અગાઉ પણ મહિલાલક્ષી યોજનાઓની અનેક પ્રકારની જાહેરાતો દ્વારા મોદી સરકારે મહિલા મતબેંકને મજબૂત કરતા રહેવાની કવાયત આરંભથી જ જારી રાખી છે.

ગામડાંઓમાં માળખાગત સુવિધાઓ પર વધુ જોર અપાયું છે. ગયા બજેટમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જે રૃ. ૧૫,૫૦૦ કરોડનું હતું તેને ૨૩ ટકા વધારી દેવાયું છે. એ જ રીતે મનરેગામાં પણ ગયા વર્ષના બજેટના ૫૫,૦૦૦ કરોડની સરખામણીમાં આ વર્ષે ૬૦,૦૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. દેશમાં પહેલીવાર ગૌવંશ સંસાધન વધારવા માટે રાષ્ટ્રીય કામધેનુ પંચની રચનાની જાહેરાત કરવામાં આવી છે અને અલાયદો મત્સ્ય પાલન વિભાગ બનશે. આ જાહેરાતની અસર અંદાજે ૬ કરોડ પરિવારો સુધી સ્પર્શશે તેવો અંદાજ છે.

Related Posts
1 of 37

સંરક્ષણ ક્ષેત્રે બજેટને ૭ ટકા વધારવામાં આવ્યું છે. ગયા વર્ષના ૨.૮૫ લાખ કરોડની ફાળવણી સામે આ વર્ષે ૩.૦૫ લાખ કરોડની ફાળવણી થઈ છે. આપણી સરહદના બે પડોશી રાષ્ટ્રો સાથે તુલના કરીએ તો પાકિસ્તાન રૃ. ૮૬ હજાર કરોડ અને ચીન રૃ. ૯.૮૪ લાખ કરોડથી સૈન્ય શક્તિનું સંચાલન કરે છે.

આંકડાઓ તો ઘણા છે. યોજનાઓની ભરમાર છે. વચનોની લહાણી છે અને એ રીતે કેન્દ્રના આ વચગાળાના બજેટને પૂર્ણ કક્ષાના બજેટની જેમ જ રજૂ કરાયંુ હોય તેવંુ જણાય છે. સરકાર પાસે તેના પર અમલ માટે માંડ બે મહિનાનો સમય બચ્યો છે અને લોકસભાની ચૂંટણી થયા પછીનું ચિત્ર શું હશે તેના પર બજેટની વાસ્તવિક અસરોનું ભાવિ નક્કી થશે, તે સમજાય તેવી બાબત છે. હા, નાણામંત્રી તરીકે પીયૂષ ગોયલે પ્રશંસાપાત્ર કામગીરી નિભાવી જાણી છે. તેમણે નાણાકીય ખાધને ૩.૪ ટકાથી વધવા દીધી નથી અને જે પ્રકારે ટૂંકાગાળાની પ્રાથમિકતાઓને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે તે તેમની આંકડાઓની સૂઝબૂઝ સાથે રાજકીય કુનેહ પણ દર્શાવે છે. સીમાંત ખેડૂતો માટે આવકની યોજના બનાવવી તે સરકાર માટે સદા ખર્ચાળ હોય છે, છતાં નાણામંત્રીએ હિંમત કરી છે. અર્થતંત્રને ૫ાંચ લાખ કરોડના વ્યાપમાં મૂકવાનું લક્ષ્ય છે અને તે માટે માળખાકીય સુવિધા ડિજિટલ તકો અને સુવિધામાં વધારા પર જોર અપાયું છે, પરંતુ આવકના મોરચે અનેક પ્રકારની મર્યાદાઓના કારણે તે કેટલું શક્ય બનશે તે શંકાનો વિષય પણ છે. અલબત્ત, કરનો વિસ્તાર અને સંગ્રહ, જીએસટીની ઊંચી વસૂલાત અને વિનિવેશની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ પર નાણામંત્રીનંુ ફોકસ હશે. આ બજેટથી ઑટો અને નોટબંધી પછી સતત પીછેહઠ કરનાર રિયલ એસ્ટેટને બળ મળ્યું છે. ઑટોમોબાઇલમાં મધ્યમવર્ગ અને ગ્રામીણ ક્ષેત્રોમાંથી માગ વધશે તે અપેક્ષિત છે. એનપીએને સુધારવાના પ્રયાસોથી બેન્કિંગ ક્ષેત્રમાં સુધારો લાવવાનો પ્રયાસ કરાયો છે. રિઝર્વ બેંક લિક્વિડિટી વધારવા અને વ્યાજદરોને ઘટાડવાનાં પગલાં ભરે તો વિકાસ દર ઊંચો લાવવામાં ધીમી પણ ચોક્કસ પ્રગતિ થઈ શકે.

માત્ર ત્રણ મહિના પછી કેન્દ્ર સરકારે લોકસેવાનું સરવૈયું  બતાવવાનું છે ત્યારે જ કેન્દ્રની મોદી સરકારનો બજેટનો આ પ્રકારનો પ્રયાસ તેને માટે લાભદાયી છે તે દીવા જેવી સ્પષ્ટ બાબત છે. મોદી સરકારને પુનઃ સત્તારૃઢ થવું હોય તો બીજા કોઈની પણ ચિંતા કર્યા વગર ૧૨૫ કરોડની વસતીમાં જેટલા પણ મતદારો છે તેમાંથી વધુમાં વધુ સંખ્યાને તેણે પોતાની તરફ આકર્ષવી પડે, તે હકીકત છે. સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો ગરીબ, શ્રમિક, ખેડૂત, મહિલા અને મધ્યમવર્ગને જો ખુશ કરી શકાય તો બીજું શું જોઈએ? કેન્દ્રના બજેટમાં આ જ બાબતને કેન્દ્ર સ્થાને રખાઈ છે.

સામાન્ય પ્રતિભાવોની દૃષ્ટિએ જોઈએ તો સોશિયલ મીડિયા પર આ વખતે સૌથી વધુ પ્રતિભાવો જોવા મળ્યા છે. કોઈએ લખ્યું કે બેરોજગારી ૨૩૦ ટકા વધી છતાં રોજગારની કોઈ મોટી યોજના ન આવી! કોઈએ લખ્યું કે સરકાર ૨૫ ટકા સામાન નાના વેપારીઓથી ખરીદવાની જાહેરાત કરે છે અને એમએસએમઈ માટે ૫૯ મિનિટમાં ૧ કરોડ રૃપિયા લોન આપવાની યોજના છે, પરંતુ શું આ વખતે નાના વેપારીઓને વાયદામાં લપેટવાનો વ્યૂહ છે?!  કોઈએ એવી ટિપ્પણી કરી કે, સરકારનું વિઝન-૨૦૩૦ સુધીનું છે અને તેમાં સંપૂર્ણ ભારત ડિજિટલ હશે તથા ડિજિટલ અર્થવ્યવસ્થાનું નિર્માણ કરાશે, પરંતુ ૨૦૨૦થી ૨૦૩૦ કઈ રીતે પસાર થશે?! સોશિયલ મીડિયા પર વિપક્ષો જે કર્તવ્ય ભૂલ્યા તેને જનતાએ યાદ કરાવ્યાં છે. ૨૦૧૪માં સ્માર્ટ સિટીની યોજનામાં ૭૦૦૦ કરોડ રૃપિયા ફાળવાયા હતા. પાંચ વર્ષમાં સ્માર્ટ સિટી હેઠળ જે કામ ચાલી રહ્યું છે તેમાં પ્રગતિ માત્ર ૬ ટકા છે. લોકોએ કોમેન્ટ કરી છે કે, બજેટ પ્રવચનમાં સ્માર્ટ સિટીના સ્ટેટસ વિશે પણ ચર્ચા ન થઈ કે ન કશો ઉલ્લેખ થયો.

શું આ બજેટની યોજનાઓનું પણ આવું જ થશે?! અલબત્ત, લોકશાહીમાં સરકાર, વિરોધ પક્ષો અને જનતા એમ દરેકનંુ મહત્ત્વ છે. સરકાર સંકલ્પ કરે અને યોગ્ય દિશામાં નિષ્ઠાપૂર્વક પરિશ્રમ કરે તો કાર્યસિદ્ધિ હાંસલ થાય છે. સંપૂર્ણ સિદ્ધિ ન મળે તો પણ લોકો સરકારના સાચા પ્રયત્નોને પીઠબળ આપતા હોય છે. વિકાસનાં કાર્યોમાં વિપક્ષનો પણ રચનાત્મક સહયોગ આવકાર્ય હોય છે. ચૂંટણી આવે ત્યારે જ લહાણી થાય તે અભિગમ યોગ્ય નથી. બજેટનો રંગ રાજકીય હોય તેના બદલે આર્થિક હોય તે હિતાવહ છે. બજેટની પ્રશંસા કે ટીકા, એ લોકશાહીમાં નવી વાત નથી. આ બજેટની પણ પ્રશંસા અને ટીકા બંને થાય છે. જનતા માટે એટલું જ મહત્ત્વનું છે કે બજેટમાં કરાયેલી જાહેરાતો અનુસાર તેના સુધી બજેટના લાભો પહોંચે છે કે નહીં ?

આપણે આશા રાખીએ કે સરકારની ગણતરી જે હોય તે, પરંતુ બજેટના લાભો ભારતની તમામ જનતાને સમયસર મળે અને દેશના વિકાસની ગાડી રાજકીય અવરોધો વચ્ચે ખોરવાયા વગર સડસડાટ આગળ દોડતી રહે.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »