સવર્ણોને અનામત જેવા વધુ માસ્ટર સ્ટ્રોક આવી રહ્યા છે?
કોંગ્રેસના મુખપત્ર 'કોંગ્રેસ સંદેશ'ને બંધ કરી દેવાશે?
- રાજકાજ
અનામતનો મુદ્દો હવે સામાજિક અને શૈક્ષણિક પછાતપણાને દૂર કરીને આવા પછાત વર્ગોને સમાન તક પૂરી પાડવાનો રહ્યો નથી. એ હવે રાજકીય મુદ્દો બની ગયો છે. આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં દસ ટકા અનામતના કેન્દ્ર સરકારના નિર્ણયે આ મુદ્દો હવે રાજકીય હોવાની વાત પર મહોર મારી છે. લોકસભાની આગામી ચૂંટણી પહેલાં લેવાયેલા આ નિર્ણયમાં ભારોભાર ચૂંટણીલક્ષી રાજકીય ગણતરી હોવાનો કોઈ ઇનકાર કરી શકે તેમ નથી. આ નિર્ણયનો લાભ ચૂંટણીમાં એકલો ભાજપ કે એનડીએના ઘટક પક્ષો ન લઈ જાય એટલા માટે જ કોંગ્રેસ અને બહુજન સમાજ પક્ષ જેવા પક્ષોએ પણ તેને સમર્થન આપવાનું મન બનાવ્યું છે. અન્ય પક્ષો પણ આવું જ વલણ અપનાવે તો આશ્ચર્ય થવું ન જોઈએ.
સરકારના નિર્ણયની પ્રતિક્રિયા રૃપે પચાસ ટકાથી વધુ અનામત કાનૂની અને બંધારણીય રીતે સ્વીકાર્ય નહીં બને એવાં મંતવ્યો નિષ્ણાતો આપે એ તો સમજી શકાય તેવી વાત છે, પરંતુ રાજકીય અગ્રણીઓ જો આવો અભિપ્રાય વ્યક્ત કરતા હોય તો એ માત્ર નર્યો દંભ છે. એટલા માટે કે મોટા ભાગના રાજકીય પક્ષોએ દેશના કોઈ ને કોઈ રાજ્યમાં વિવિધ તબક્કે અનામતની જોગવાઈમાંથી બાકાત રહી જતા સમાજના કોઈ ને કોઈ વર્ગ-જાતિ માટે અનામતની માગણી કરી છે અથવા અનામતની માગણી સાથે આંદોલન કરનાર જાતિ-વર્ગને સમર્થન આપ્યું છે. એટલું જ નહીં તો મહારાષ્ટ્ર-રાજસ્થાન જેવાં રાજ્યોમાં મરાઠા-જાટ-ગુર્જર જેવી જાતિઓની માગણીને સંતોષવા માટે રાજ્ય સરકારોએ તેમને અનામત આપવાના નિર્ણયો પણ કર્યા, પરંતુ સર્વોચ્ચ અદાલતે અનામત માટે બાંધલી પચાસ ટકાની મર્યાદાથી કુલ અનામતનું પ્રમાણ વધી જતું હોવાને કારણે એ બધા નિર્ણયો રદબાતલ ઠર્યા હતા. અત્યારે અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી મળીને કુલ ૪૯.૫ ટકા અનામતો થવા જાય છે. એ સ્થિતિમાં અન્ય કોઈ પણ જાતિ-વર્ગ માટે વધારાની અનામતની જોગવાઈ કરવાનું મુશ્કેલ જ નહીં, અસંભવ છે.
રાજકીય પક્ષો પણ આ વાત જાણતા હોવા છતાં અનામતની માગણી કરનારાઓને માનસિક રીતે પ્રભાવિત કરવા માટે નિર્ણય લેવાતા હોય છે. અદાલતમાં તેને પડકારવામાં આવે અને રદબાતલ ઠરે ત્યાં સુધીમાં ઘણી વખત નિર્ણયના રાજકીય ઉદ્દેશો પાર પડી ગયા હોય છે. કમ સે કમ માગણી કરનારાઓને એ રીતે શાંત કરી શકાતા હોય છે. એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે પછાત વર્ગોને મળતી અનામત આજકાલ સામાજિક દ્વેષ અને ઈર્ષ્યાનું કારણ બની છે. સમાજના ઉચ્ચ વર્ગના સક્ષમ યુવાનોને ઘણી વખત પ્રતિસ્પર્ધામાં તકથી વંચિત રહી જવું પડે છે ત્યારે તેમનામાં ભારે હતાશા સર્જાય છે. આવી હતાશાએ ઉચ્ચ વર્ગોને પણ અનામતમાં સમાવવાની માગણી કરવા માટે પ્રેર્યા છે. ગુજરાત જેવા રાજ્યએ તેને માટે અનામત સિવાયના લાભો જાહેર કરીને તેમને સંતુષ્ટ કરવાના પ્રયાસ કર્યા છે, પરંતુ પાટીદાર સમાજના અનામત તરફી યુવા અગ્રણીઓ ઓબીસીમાં તેમનો સમાવેશ થઈ શકે તેમ ન હોવાની વાત જાણવા-સમજવા છતાં અનામતના મુદ્દાને વળગી રહીને લોકોને ગેરમાર્ગે દોરતા રહ્યા છે. વિચિત્રતા તો એ રહી કે કોંગ્રેસ જેવા પક્ષના અગ્રણીઓ આ માગણીની વ્યવહારિકતા સમજતા હોવા છતાં માત્ર રાજકીય લાભ ખાતર આવી માગણીને ટેકો આપતા રહ્યા છે.
દેશભરમાં જ્યારે અનામતના પ્રશ્ને આવો માહોલ પ્રવર્તતો હોય ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ચૂંટણીલક્ષી ગણાવાના જોખમ સાથે સવર્ણો માટે દસ ટકા અનામતનો નિર્ણય લઈ તેને માટે બંધારણ સુધારાની દરખાસ્ત તૈયાર કરીને એક પ્રકારે અન્ય પક્ષોને પણ તેનું સમર્થન કરવાના ધર્મસંકટમાં ખડા કરી દીધા છે. ઉચ્ચ વર્ણના આર્થિક પછાતો માટે આવી અનામતની જરૃરિયાતનો કોઈ ઇનકાર કરી શકે તેમ નથી અને એટલે માત્ર ચૂંટણી પહેલાં લેવાયેલા નિર્ણય તરીકે તેની ટીકા કરીને આવી જરૃરિયાતની અવગણના પણ કરી શકાય તેમ નથી. આ નિર્ણયને મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવતો હોય તો હજુ આવા વધુ માસ્ટર સ્ટ્રોક આવી રહ્યા હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
—————.
કોંગ્રેસના મુખપત્ર ‘કોંગ્રેસ સંદેશ‘ને બંધ કરી દેવાશે?
લોકસભાની ચૂંટણી આવી રહી છે એવે જ વખતે કોંગ્રેસનું મુખપત્ર ‘કોંગ્રેસ સંદેશ‘ ડચકાં ખાઈ રહ્યું છે. કેટલાકને એવું લાગે છે કે એ હવે બંધ થવાની તૈયારીમાં છે. કોંગ્રેસના આ મુખપત્રના નવેમ્બર-ડિસેમ્બરના અંકો પ્રકાશિત ન થતાં આવી અટકળોને પ્રોત્સાહન મળ્યુું હતું. ‘કોંગ્રેસ સંદેશ‘ને ચૂપચાપ બંધ કરી દેવાનો નિર્ણય લેવાઈ ગયો હોવાનું પણ કહેવાય છે. જોકે તેના સંપાદનની જવાબદારી સંભાળતાં ગીરિજા વ્યાસ આ વાતનો ઇનકાર કરતાં કહે છે કે તેઓ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે ગત મહિને અંક પ્રકાશિત થઈ શક્યા ન હતા. હવે તેઓ આ બાબતે ફરી સક્રિય બન્યાં છે અને ટૂંક સમયમાં નવો અંક પ્રસિદ્ધ થશે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ગીરિજા વ્યાસ ઉદયપુરની બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતાં અને હારી ગયાં હતાં. કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણીઓ જોકે આ બાબતે કશું સ્પષ્ટ જણાવતા નથી. પક્ષના મુખપત્રને બંધ કરવાનો આખરી નિર્ણય લેવાયો ન હોવાનું તેઓ કહે છે. પક્ષના સૂત્રોના મતે સોનિયા ગાંધી પક્ષનાં પ્રમુખ હતાં ત્યારે તેઓ એવું અનુભવતાં હતાં કે આ મુખપત્રથી કોઇ હેતુ સરતો નથી અને હવે નવા પક્ષપ્રમુખ રાહુલ ગાંધી પ્રિન્ટ મૅગેઝિનને બદલે પક્ષના કાર્યકરો સાથે સંપર્ક માટે નવાં આધુનિક સાધનોના ઉપયોગની તરફેણ કરે છે. કેટલાક વળી મુખપત્રના અનિયમિત પ્રકાશન માટે ભંડોળના અભાવનું કારણ પણ દર્શાવે છે.
—————.
નવીન પટનાયક હજુ બાજી ખોલવા તૈયાર નથી
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં ઓરિસાના મુખ્યપ્રધાન અને બીજુ જનતા દળ (બીજેડી)ના વડા નવીન પટનાયક હજુ પોતાની બાજી ખુલ્લી કરતા નથી. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન સાથે તેમની ચર્ચા ચાલે છે તો બીજી બાજુ કોંગ્રેસ-ભાજપ સિવાયના ત્રીજા મોરચા માટે પ્રયત્નશીલ કે. ચંદ્રશેખર રાવ સાથે પણ સતત સંપર્કમાં છે. સાથોસાથ એવું પણ કહેવાય છે કે એનડીએ દ્વારા પણ તેમને મેસેજ મોકલાયો છે કે તેઓ સાથે આવવા ઇચ્છતા હોય તો તેમનું સ્વાગત છે. જોકે કોઈની પણ સાથે જોડાવાની પટનાયકને કોઈ ઉતાવળ નથી. તેમની સમક્ષ અસ્તિત્વ ટકાવવાનું કોઈ સંકટ નથી. ઉત્તર પ્રદેશમાં માયાવતી-અખિલેશ સમક્ષ આવું સંકટ છે એટલે તેમણે ઉતાવળે ગઠબંધન કરી નાખ્યું છે અને કોંગ્રેસને પડતી મુકી છે. ઓરિસા લોકસભાની ૨૧ બેઠકોમાંથી ગઈ ચૂંટણીમાં બીજુ જનતા દળે વીસ અને ભાજપે એક બેઠક મેળવી હતી. નવીન પટનાયકના નિકટના લોકોના કહેવા પ્રમાણે તેમને રાષ્ટ્રીય રાજકારણમાં ભૂમિકા ભજવવાની કોઈ મહત્ત્વાકાંક્ષા નથી. રાજ્યના રાજકારણથી તેઓ સંતુષ્ટ છે. કેન્દ્રમાં કોની સરકાર આવે છે તેની સાથે તેમને કોઈ નિસ્બત નથી. તેઓ બધાની સાથે હંગામી સંબંધ જાળવી શકે છે. નવીન પટનાયકના આવા વલણને કારણે જ ત્રીજા મોરચાના સૂત્રધાર કે. ચંદ્રશેખર રાવને તેમના પ્રત્યે આશા-અપેક્ષા છે.
—————.